જૂના સંસ્થાનવાદમાં નિર્બળ પ્રજાની જમીનને કૉલોની બનાવવામાં આવતી હતી જ્યારે નવસંસ્થાનવાદમાં નિર્બળ માનસને કૉલોની બનાવવામાં આવી રહી છે
તમે કોઈના ઘરે અમસ્તા થોડી નારાજગી પ્રગટ કરવા કે ઠપકો આપવા ગયા હો અને એમાંથી વાત વણસી જાય, ગંભીર ઝઘડો થઈ જાય અને કોઈ અનર્થકારી ઘટના બની જાય એ પછી જે આઘાત અને ગમગીની જોવા મળે એવી ગમગીની બ્રેક્ઝિટ પછી જોવા મળી હતી. કોઈએ કલ્પના નહોતી કરી કે વાત વણસી જશે.
ડેવિડ કૅમરન બ્રિટિશ વડા પ્રધાન હતા. તેમની એવી સમજ હતી કે સમાજમાં જ્યારે ઊભી તિરાડ પડતી નજરે પડે ત્યારે લોકતાંત્રિક માર્ગે લોકમત લઈ લેવો એટલે કોઈને કહેવાપણું ન રહે કે અમારી વાત કોઈ સાંભળતું નથી. ૨૦૧૬ના જૂન મહિનામાં બ્રિટન યુરોપિયન યુનિયનમાં રહેવા માગે છે કે કેમ (બ્રેક્ઝિટ) એ બાબતે લોકમત લેવામાં આવ્યો એ પહેલાં કૅમરન બે લોકમત લઈ ચૂક્યા હતા. બ્રિટનની આપદાઓનું કારણ યુરોપ છે અને યુરોપિયન સંઘમાં રહેવાથી બ્રિટનને ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે એવો ઊહાપોહ યુરોપના સંઘની રચના થઈ ત્યારથી થતો આવે છે. દેશપ્રેમીઓ અને રાષ્ટ્રવાદીઓ દરેક દેશમાં અને દરેક યુગમાં હોય છે જેને નાની-નાની વાતે પેટમાં દુખતું જ રહેતું હોય છે અને તેઓ દરેક આપદા માટે બીજાઓને જવાબદાર ઠેરવતા હોય છે.
બ્રિટન આમાં અપવાદ નહોતું અને એમાં વળી ૨૦૦૮ પછી જગતમાં મંદી બેઠી એટલે બ્રિટનની દરેક પીડાનું કારણ યુરોપિયન સંઘ છે એવું સરળીકરણ રાષ્ટ્રવાદીઓએ કરવા માંડ્યું. ડેવિડ કૅમરનને લાગ્યું કે ગુસ્સાને નીકળવા માટે રસ્તો કરી આપવો જોઈએ. થોડી ઠપકા-ઠપકી થશે, થોડી બોલાચાલી થશે અને વાત પતી જશે. તેમણે કલ્પના પણ નહોતી કરી કે બોલાચાલી ઊભી તિરાડમાં પરિણમશે અને કોઈ અનર્થ થઈ જશે. ૨૦૧૬ની ૨૩ જૂને જ્યારે બ્રેક્ઝિટના લોકમતનું પરિણામ આવ્યું ત્યારે બ્રેક્ઝિટની તરફેણમાં મત આપનારાઓને પણ આઘાત લાગ્યો હતો. ઠપકો આપવા જનાર માણસના હાથે અજાણતા ગુસ્સામાં ખૂન થઈ જાય અને જે સ્થિતિ બને એવી સ્થિતિ બ્રિટનમાં બની ગઈ હતી. આખા દેશમાં સોપો પડી ગયો હતો. એ સામૂહિક ગ્લાનિમાંથી બ્રિટન આજે પણ બહાર નીકળ્યું નથી.
ઘટના બહુ જ મોટી અને ગંભીર હતી. ડેવિડ કૅમરને રાજીનામું આપ્યું હતું અને વર્તમાન વડા પ્રધાન થેરેસા મેની રાજકીય હાલત નાજુક છે. આવું બન્યું કેવી રીતે? અત્યાર સુધી બાય ઍન્ડ લાર્જ મધ્યમ માર્ગે ચાલનારી પ્રજા એકદમ અંતિમે જાય કેવી રીતે? રાજકીય સમીક્ષકો અને સમાજશાસ્ત્રીઓ ત્યારે એમ માનતા થયા હતા કે આર્થિક વિકાસનો રથ થંભી ગયો છે એટલે નિરાશ-હતાશ પ્રજા જમણેરી પ્રતિક્રિયાવાદી વલણ અપનાવતી થઈ છે એનું આ પરિણામ છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પ્રસારિત થતી સાચી-ખોટી માહિતીના પ્રભાવે પણ કાંઈક અંશે કામ કર્યું હશે એમ માનવામાં આવતું હતું. આ બન્ને દલીલોમાં તથ્ય હતું, પરંતુ એનો પ્રભાવ કેટલો હોય? જે પ્રજા હજી ગઈ કાલ સુધી વિવેક ધરાવતી હતી એ ઘડિયાળના લોલકની જેમ અંતિમે ફંગોળાય?
સમાજશાસ્ત્રીય ખુલાસાઓ કરવામાં આવતા હતા, જાગતિક વિમર્શ ચાલતો હતો; પણ કોયડારૂપ પ્રશ્ન તો મનમાં હતો જ કે આવું બને કેવી રીતે? હવે એનો ઉત્તર મળી ગયો છે. એ સોશ્યલ મીડિયાનો પ્રભાવ નહોતો, સોશ્યલ મીડિયા દ્વારા કરવામાં આવેલું માનવચિત્તનું એન્જિનિયરિંગ હતું. બ્રિટનમાં કૅમ્બ્રિજ ઍનૅલિટિકા નામની એક ખાનગી કંપની સ્થપાઈ જેણે પોતાના ક્લાયન્ટોને સમજાવવાનું શરૂ કર્યું કે સોશ્યલ મીડિયા એક એવું પ્લૅટફૉર્મ છે જેનો ખપ પ્રજામાનસને પ્રભાવિત કરવા પૂરતો જ નથી, પરંતુ તેના દ્વારા પ્રજામાનસનું એન્જિનિયરિંગ પણ કરી શકાય છે. ટાર્ગેટેડ રિઝલ્ટ મેળવી શકાય એમ છે.
કંપનીએ બિઝનેસ મૉડલ વિકસાવ્યું જે આ મુજબ છે. ફેસબુક જેવાં એક ડઝન નાનાં-મોટાં પ્લૅટફૉમ્સર્ છે જેના પર ભરોસો મૂકીને લોકો પોતાના વિશેની માહિતી આપતા હોય છે. તેઓ શું કરે છે, કેવા શોખ ધરાવે છે, મિત્રવર્તુળો કેવું છે અને ખાસ તો લોકો ફુરસદનો સમય કઈ રીતે વિતાવે છે. ફુરસદનો સમય વધારે નિર્ણાયક હોય છે, કારણ કે ન કરવાનાં કામ લોકો ફુરસદના સમયે કરતા હોય છે. તેઓ કોને ફૉલો કરે છે, કઈ વાતે ઉશ્કેરાઈ જાય છે, કઈ વાતે શરમ અને ગ્લાનિ અનુભવે છે વગેરે. ઉશ્કેરાટ અને શરમ માણસને ઘેટામાં પરિવર્તિત કરવા માટેનો અનુકૂળ પદાર્થ છે, કારણ કે બન્ને પરસ્પર પરાવલંબી હોય છે. હિન્દુઓનો મુસલમાન સામે પરાજય થયો હતો અને ભારત પર મુસલમાનોનું શાસન હતું એ વાતે કેટલાક લોકો ઉશ્કેરાટ પણ અનુભવે છે અને શરમ પણ અનુભવે છે. ભારતના સંસાધનો બહુરાષ્ટ્રીય કંપનીઓ લૂટી જાય છે એ વાતે કેટલાક દેશભક્તો ઉશ્કેરાટ અને શરમ અનુભવતા હોય છે.
કૅમ્બ્રિજ ઍનૅલિટિકાના માલિકોએ ક્લાયન્ટોને સમજાવ્યું કે પૈસા ફેંકો તો ફેસબુક જેવી કંપનીઓ પાસેથી ડેટા મેળવી શકાય છે. ડેટા મેળવ્યા પછી એનું વર્ગીકરણ કરી શકાય છે. એમાંથી ઉશ્કેરાટ અને શરમ અનુભવનારાઓને જુદા તારવી શકાય એમ છે અને તેમનું એન્જિનિયરિંગ કરીને તેમને ઘેટામાં રૂપાંતરિત કરી શકાય છે. એક વાર ઘેટાઓનું સાર્વત્રિક બેં-બેં શરૂ થયું કે પછી નીરક્ષીર વિવેકનો અવાજ રૂંધાઈ જશે. આમ પણ વિચક્ષણ બુદ્ધિ (ઍનૅલિટિકલ માઇન્ડ) ધરાવનારાઓ ક્યારે ય સંગઠિત થતા નથી એટલે તેમનાથી ડરવાની જરૂર નથી. કૅમ્બ્રિજ ઍનૅલિટિકાને એક પછી એક ક્લાયન્ટ મળવા લાગ્યા અને જગતભરના દેશોમાં ઓફિસો ખૂલવા લાગી. ભારતમાં JD-Uના નેતા કે.સી. ત્યાગીનો પુત્ર એક કંપની સ્થાપીને કૅમ્બ્રિજ ઍનૅલિટિકા માટે કામ કરતો હતો.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને ૨૦૧૪માં સ્પષ્ટ બહુમતી કેવી રીતે મળી એ કોયડો હતો. ૨૦૧૬માં ડોનલ્ડ ટ્રમ્પ જેવો મૂરખ બિલ્ડર અમેરિકાનો પ્રમુખ કઈ રીતે બન્યો એ કોયડો હતો. ૨૦૧૬માં બ્રેક્ઝિટની ઘટના કઈ રીતે બની એ કોયડો હતો. અમેરિકાની ચૂંટણીમાં રશિયા કઈ રીતે દખલગીરી કરી શકે એ કોયડો હતો. સો કરોડની કંપનીઓ જોતજોતાંમાં દસ હજાર કરોડની કઈ રીતે થઈ જાય એ કોયડો છે. આ તો મોટાં આશ્ચર્યોની વાત છે, બાકી નાનાં-નાનાં આશ્ચર્યો તો રોજ સર્જાતાં હતાં. હવે જગતને જાણ થઈ છે કે આ સોશ્યલ મીડિયાનો પ્રભાવ નથી, પરંતુ માનવચિત્તનું રીતસર કરવામાં આવતું એન્જિનિયરિંગ છે. જેમ જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા ડૉલી નામનું ઘેટું પેદા કરી શકાય એમ માઇન્ડનું એન્જિનિયરિંગ કરીને અનુકૂળ અભિપ્રાય આપનારા રોબો પેદા કરી શકાય.
આ માનવસમાજ સાથેની ખતરનાક રમત છે. ખતરનાક નહીં ક્રૂર રમત છે અને આવાં કામ એ જ કરી શકે જેનો અંતરાત્મા મરી ચૂક્યો હોય. ઉશ્કેરાટ અને શરમનું એન્જિનિયરિંગ કરીને તમે જ્યારે માણસને રોબો કે ઘેટામાં પરિવર્તિત કરો ત્યારે તે માત્ર ટ્રમ્પનો મતદાર જ નથી બનતો, હાથમાં ગન લઈને નિર્દોષ લોકોની હત્યા કરનારો પણ બને છે. અમેરિકામાં હત્યાઓની જે ઘટનાઓ બની રહી છે એમાં ઉશ્કેરાટ અને શરમના કરવામાં આવેલા એન્જિનિયરિંગે ભાગ ભજવ્યો છે. ૧૯૮૦ના દાયકામાં અમેરિકાએ ઉશ્કેરાટ અને શરમ અનુભવનારા મુસ્લિમ યુવકોના દિમાગમાં ઇસ્લામનું એન્જિનિયરિંગ કરીને ત્રાસવાદી પેદા કર્યા હતા એના કેવી જ આ ઘટના છે. પ્રમાણ અનેકગણું છે, કારણ કે ત્યારે ટાર્ગેટ સુધી પહોંચવા માટે ફેસબુક જેવાં પ્લૅટફૉર્મ નહોતાં. જો ટેક્નૉલૉજીરહિત મર્યાદિત એન્જિનિયરિંગ જગતમાં આટલો આતંક પેદા કરી શકે તો ટેક્નૉલૉજીસભર સાર્વત્રિક એન્જિનિયરિંગ શું નહીં કરે?
કૅમ્બ્રિજ ઍનૅલિટિકામાં ક્રિસ્ટોફર વાઇલી નામનો એક યુવક કામ કરતો હતો. એક દિવસ તેના અંતરાત્માએ તેને સવાલ પૂછ્યો કે તું શું કરી રહ્યો છે અને તેણે વટાણા વેરી નાખ્યા. અત્યારે તે બ્રિટિશ સંસદ સમક્ષ જુબાની આપી રહ્યો છે. જુબાનીમાં તેણે કહ્યું છે કે બ્રેક્ઝિટના લોકમત વખતે અને અમેરિકન પ્રમુખની ચૂંટણી વખતે કંપનીએ ફેસબુકના ડેટા મેળવીને મતદાતાઓનું એન્જિનિયરિંગ કર્યું હતું. ભારતમાં ૨૦૧૪માં કૉન્ગ્રેસનો પરાજય થાય અને નરેન્દ્ર મોદી વિજયી બને એ માટે એક અબજોપતિ અનિવાસી ભારતીયે કંપનીની સર્વિસ ખરીદી હતી. તેણે કહ્યું હતું કે ઘણું કરીને કૉન્ગ્રેસ માટે પણ કંપનીએ કામ કર્યું હતું. તેણે JD-Uનું નામ પણ આપ્યું છે જે સ્વાભાવિક છે, કારણ કે JD-Uના નેતાનો પુત્ર ભારતમાં કૅમ્બ્રિજ ઍનૅલિટિકાની સબસિડિયરી કંપનીનો માલિક છે.
આ તો ઠીક છે, પણ એ બ્રિલિયન્ટ યુવકે પોતાની જુબાનીમાં જે એક નિરીક્ષણ કર્યું છે એ વિચારતા કરી મૂકનારું છે. તેણે કહ્યું છે કે આ નવા યુગનો નવો સંસ્થાનવાદ (કૉલોનિઅલિઝમ) છે અને પહેલાં કરતાં વધારે ખતરનાક છે. જૂના સંસ્થાનવાદમાં નિર્બળ પ્રજાની જમીનને કૉલોની બનાવવામાં આવતી હતી જ્યારે નવસંસ્થાનવાદમાં નિર્બળ માનસને કૉલોની બનાવવામાં આવી રહી છે.
કંઈ સમજાય છે?
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 30 માર્ચ 2018