
રવીન્દ્ર પારેખ
ગ્રાન્ટેડ સ્કૂલો કે ખાનગી સ્કૂલો ફી વસૂલવામાં ભાગ્યે જ કોઈ સંકોચ અનુભવે છે. ફી વાજબી રાખવાની વાતો ચર્ચાય છે ખરી, પણ ફી ભાગ્યે જ વાજબી હોય છે. ફી ઓછી હોય તો એક યા બીજે બહાને ઉઘરાણી ચાલ્યા જ કરતી હોય છે. આ બધું શિક્ષણને નામે ચાલે છે, પણ હેતુ તો કમાણીનો જ હોય છે. સારી સ્કૂલો હવે અપવાદોમાં હોય તો હોય, બાકી, સ્કૂલ માત્રનો હેતુ નફાકારક ધંધાનો જ છે. કોઈ વેપારી જીવદયામાં માનતો હશે, પણ સ્કૂલો શક્ય તેટલી માનવીય સંવેદનાઓથી પર થઈ ગઈ છે. એની ઉપર પગારદાર તંત્રો હોય છે ખરાં, પણ તે સજીવ કે સક્રિય ભાગ્યે જ હોય છે. તે તો પરિપત્રો કાઢીને અને ડેટા ક્લેક્ટ કરીને જ સંતુષ્ટ છે. તંત્રો આમ તો માણસોથી ચાલે છે, પણ તે યાંત્રિક જ વધુ હોય છે ને એનો લાભ સ્કૂલો ઉઠાવતી હોય છે.
આમ તો નામ દઈને સ્કૂલોની વાત કરવી છે, પણ તે ઉપરાંત બીજી ઘણી સ્કૂલો એવી હશે જ, એટલે આટલી જ સ્કૂલો આવી છે એવું કોઈ ન માને. આવી તો એક કહેતાં અનેક મળી આવે એમ છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા વખતે કેટલીક શાળાઓએ ફીને મામલે પરીક્ષાર્થીઓને હૉલ ટિકિટ ન આપી તે વાત જાણીતી છે, એવી જ વાત સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી માઉન્ટ મેરી સ્કૂલની પણ છે. એ સ્કૂલના સંચાલકોએ આ અઠવાડિયે 200 જેટલા વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષા આપતા રોક્યા. શિક્ષણ વિભાગના નીતિ નિયમોની ઉપરવટ જઈને આ પગલું લેવામાં આવ્યું. કારણ કોઈ પણ હોય, પણ શાળા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા રોકે એ અક્ષમ્ય છે. જુદા જુદા વર્ગના 200 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા એટલે ન આપવા દેવાઈ, કારણ તેમના વાલીઓએ ફી ભરી ન હતી. ફી ભરાઈ ન હતી એટલે શાળાના સંચાલકોએ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડની બહાર જ રોકી દીધા. 8 વાગ્યે પરીક્ષા શરૂ થઈ, પણ નવ વાગ્યા સુધી વિદ્યાર્થીઓને દાખલ થવા દેવાયા નહીં ને એમ એમનું ભવિષ્ય દાવ પર લાગ્યું.
કોઇ વિદ્યાર્થીની મહિનાની, તો કોઇની ત્રણ મહિનાની ફી બાકી હતી, પરીક્ષા ન આપવા દેવાતા વાલીઓએ સ્કૂલનો સંપર્ક કર્યો તો તેમને કહેવામાં આવ્યું કે ફી નહીં ભરાય ત્યાં સુધી પરીક્ષા આપવા નહીં દેવાય, જોઈએ તો સર્ટિફિકેટ લઈને બીજે જાવ. ગરીબ વાલીઓનાં બાળકો માટે આટલી જ લાગણી સ્કૂલની બચી હતી. વાલીઓ નારાજ થયા, પણ તે સિવાય તેઓ કૈં કરી શકે એમ ન હતા. આ વાત ત્યાંનાં પૂર્વ કોર્પોરેટર સુધી પહોંચી. તેમણે સુરતના જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી કે ફીને મામલે સ્કૂલના સંચાલકોએ 200થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવ્યા છે. વિદ્યાર્થીઓ એથી અપમાનિત થયા છે અને તેમને માનસિક ત્રાસ વેઠવો પડ્યો છે. આ મામલાને ગંભીરતાથી લઈ, જિલ્લા શિક્ષણાધિકારી સંચાલકો સામે પગલાં ભરે એવી માંગણી કરવામાં આવી. જિલ્લા શિક્ષણાધિકારીએ પગલાં લીધાં હશે એમ માનીએ. એવું જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓને પાછળથી પરીક્ષા આપવા દેવામાં આવી હતી. જો કે, આવા બનાવોથી સ્કૂલ ખાસી ઘડાયેલી છે, એટલે તેને બહુ અસર ન થાય એમ બને.
ગયા જાન્યુઆરીમાં જ માઉન્ટ મેરી સ્કૂલ, ચાલુ ટર્મમાં જ 1,500 વિદ્યાર્થીઓને પડતાં મૂકીને પાંચેક દિવસના ગોવાના પ્રવાસે ઊપડી ગઈ હતી. આ મામલે પણ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ થઈ હતી ને તેમણે આની તપાસ કરવાનું એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને સોંપ્યું હતું. એ પછી શું થયું તે નથી ખબર. શું છે કે ફરિયાદો થતી રહે છે, તપાસ પણ સોંપાતી રહે છે, પણ પછી શું થાય છે તે વાત બહાર આવતી નથી, એ સ્થિતિમાં આ બધું ઔપચારિક જ બની રહે છે. વાત એટલી જ નથી, કોરોનામાં શહેરમાં સ્કૂલો બે અઠવાડિયા સુધી બંધ રાખવાનું ફરમાન હતું, ત્યારે માર્ચ, 2020માં માઉન્ટ મેરી સ્કૂલ ચાલુ હતી. રાજ્ય સરકારનો શાળા, કોલેજો બંધ રાખવાનો સ્પષ્ટ આદેશ હતો, તેની અવગણના કરીને આ સ્કૂલ ચાલુ રહી હતી. વાલીઓએ પણ શાળા બંધ રાખવાની રજૂઆત કરી હતી, પણ સ્કૂલ ચાલુ રહેતાં વાલીઓ, બાળકો પરનું જોખમ જોઈને ચિંતામાં મુકાઇ ગયા હતા. કહેવાનું એ છે કે આ સ્કૂલ ચર્ચામાં રહી છે ને આદેશોનું પાલન ન થઈ જાય એની ફિકરમાં હોય એમ બને.
ફી વસૂલવાની જેટલી કાળજી સ્કૂલો રાખે છે, એટલી વિદ્યાર્થીઓની પણ રખાય તો ગમે. વિચાર તો એવો પણ આવે છે કે વધારાનો ટેક્સ નાખીને પણ, પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીનું સમગ્ર શિક્ષણ તમામ સ્તરે સરકારે મફત કરી દેવું જોઈએ, જેથી ખાનગી, સરકારી જેવા ભેદ જ ન રહે ને સૌને સમાન સ્તરે શિક્ષણ મળે, પણ કદાચ સરકાર જ ઈચ્છે છે કે સરકારી, ખાનગી જેવા ભેદ રહે. એવું ન હોય તો આ મુદ્દે ગંભીરતાથી વિચારવા જેવું છે.
આમ તો ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નું કીર્તન વારંવાર થતું રહે છે, પણ વ્યવહારમાં તે ઓછું જ ખપમાં લેવાય છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વિજયનગર ગ્રાન્ટેડ સ્કૂલ આવેલી છે. તેને માટેની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારી સુધી ગઈ છે. ફરિયાદ એ માટે થઈ છે કે સ્કૂલે વિદ્યાર્થિનીઓ પાસેથી પણ ફી વસૂલી છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓ પાસેથી સ્કૂલ ફી કે બોર્ડની પરીક્ષા ફી વસૂલવાની હોતી નથી. સરકાર દ્વારા જ જે તે વિદ્યાર્થિનીની ફી જે તે સ્કૂલોને ચૂકવાતી હોય છે. આ નિયમ છતાં, વિજયનગર સ્કૂલ દ્વારા વિદ્યાર્થિની દીઠ ફી પેટે હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા. આ મામલે વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવામાં આવી. ફરિયાદને આધારે સંબંધિત કચેરી દ્વારા તપાસ થઈ, તો વિદ્યાર્થિનીઓ પાસેથી ફી વસૂલાઈ હોવાનું પુરવાર થયું. કચેરી દ્વારા એ ફી પરત કરવાની તાકીદ કરવામાં આવી. સ્કૂલે ફી પરત કરવાની ખાતરી તો આપી છે, પણ સવાલોનો સવાલ એ છે કે આમ ફી વસૂલાય જ કેવી રીતે, જ્યાં સરકારી નિયમ મુજબ ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થિનીઓ પાસેથી ફી વસૂલવાની જ નથી? ફરિયાદ થઈ તો ફી પરત કરવા સુધી વાત આવી. બને કે આ રીતે અગાઉ પણ ફી વસૂલાઈ હોય. જો અગાઉ ફી વસૂલાઈ હોય તો તેની તપાસ પણ થવી જોઈએ ને તેનો નિર્ણય પણ તાકીદે થવો જોઈએ. જો અગાઉ ફી ન વસૂલાઈ હોય તો આ વખતે જ કેમ વસૂલાઈ તેનો ખુલાસો થવો જોઈએ. એવું તો નથી થયું ને કે વિદ્યાર્થિનીઓ પાસેથી ફી વસૂલાઈ હોય ને સરકારે ચૂકવેલી ફી પણ ગજવે ઘલાઈ હોય? એ અત્યંત દુ:ખદ છે કે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા થતી તપાસ અને તે અંગેનો તેમનો નિર્ણય જવાબદારોને પાઠ ભણાવવાનો હોતો નથી. આ કિસ્સામાં કચેરીએ સાબિત કર્યું કે વિદ્યાર્થિનીઓ પાસેથી ફી વસૂલાઈ છે, તો તે પરત કરવાની તાકીદ કરીને કચેરીએ સંતોષ માની લીધો. જેમણે અનધિકૃત રીતે ફી વસૂલી છે, એ જવાબદારો અંગે કચેરીએ કૈં કહેવાનું નથી? યાદ રહે કે સરકાર પાસેથી ફી આવે છે એ જાણવા છતાં આ ફી વસૂલાઈ છે. આ કૃત્ય અજાણતાં કે ભોળપણથી થયું નથી, તો આવું કરનારને એમ જ છોડી કેવી રીતે દેવાય? આવું અન્ય શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં નહીં જ થતું હોય એમ માનવાને કારણ નથી. એ બધે તળિયાઝાટક તપાસ થવી જ જોઈએ અને જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં પણ લેવાવાં જોઈએ.
એમ લાગે છે કે આખું શૈક્ષણિક તંત્ર ગમે ત્યાંથી વધુને વધુ કમાણી કેમ થાય એની યોજનાઓમાંથી જ ઊંચું નથી આવતું. એમાં શિક્ષણ તો હવે છેલ્લે પણ નથી રહ્યું. હાલ તો વાલીઓ પાસેથી અનેક બહાને પૈસા ખંખેરીને સ્કૂલો સક્રિય છે, શિક્ષકો કામચલાઉ ધોરણે રહીને કે ભણાવીને, ઈતર પ્રવૃત્તિઓથી પીડિત છે, વિદ્યાર્થીઓ કૈં પણ ન કરે તો પણ પાસ થાય એવી વ્યવસ્થાનો શિકાર છે ને આખું શિક્ષણ તંત્ર વિદ્યાર્થીને કોઈ પણ ભોગે પાસ કરીને ખદેડવાની ફિરાકમાં છે, ત્યાં ભણવું-ભણાવવું મરવાને વાંકે જ જીવતું હોય તેમાં નવાઈ નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 એપ્રિલ 2024