તમે દુનિયાના ખુશ દેશો વિશે સાંભળ્યું હશે (2023ના રેન્કિંગ પ્રમાણે ફિનલેન્ડ એક નંબર પર સૌથી ખુશ દેશ છે, જ્યારે ભારત 126 નંબર પર છે), પરંતુ માનસિક સ્વાસ્થ્ય મામલે દુનિયામાં સૌથી દુઃખી દેશ કયો છે તે ખબર છે? જવાબ : યુ.કે.
જે ગુજરાતીઓ બાપદાદાઓના વખતથી બ્રિટનથી પરિચિત છે તેમની લાંબા સમયથી એક ફરિયાદ રહી હતી કે બ્રિટિશ સમાજ ખોખલો થઇ રહ્યો છે અને તેની નવી પેઢી માયકાંગલી બની રહી છે. બ્રિટનનું અર્થતંત્ર નિરંતર ગબડી રહ્યું છે, નોકરીઓ નથી રહી, ગોરા લોકોમાં સ્કિલનો વિકાસ અટકી ગયો છે, સમાજમાં વિવિધ વર્ગો વચ્ચે સંઘર્ષ તેજ બની ગયો છે, બ્રિટિશ લોકોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે, ગરીબી અને ભૂખમરો વધી ગયો છે.
આ જ શંકાને હવે સત્તાવાર સમર્થન મળ્યું છે. વોશિંગ્ટન સ્થિત સેપિયન લેબ્સ નામની એક સંસ્થા, તેના ગ્લોબલ માઈન્ડ પ્રોજેક્ટ હેઠળ, દુનિયામાં બદલાઈ રહેલા સામાજિક-ટેકનોલોજીકલ અને ભૌતિક વાતાવરણથી માણસોની માનસિક સુખકારીમાં કેટલો અને કેવો ઘટાડો થાય છે તેનો અભ્યાસ કરે છે.
2024ના વર્ષ માટે તેણે 71 દેશોના 400,000 લોકોની માનસિક અવસ્થાનો અભ્યાસ કર્યો છે. તદ્દનુસાર, તમામ દેશોમાં માનસિક સુખાકારીમાં ઘટાડો નોંધાયો છે અને તેમાં યુ.કે. બીજા નંબરનો સૌથી દુઃખી દેશ છે. એક નંબર પર ઉઝબેકિસ્તાન છે. માનસિક સુખાકારીમાં આવેલા પતનનું એક પ્રમુખ કારણ કોવિડ-19ની મહામારી છે, એમાં આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે. આ અભ્યાસમાં, 35 પ્રતિશત બ્રિટિશ લોકોએ કહ્યું હતું કે તેઓ હજુ પણ વ્યથિત છે અને માનસિક સંઘર્ષ કરી રહ્યા છે.
યુ.કે.માં, વિધાર્થીઓ માટેના સૌથી મોટા ઓનલાઈન સમુદાય ‘ધ સ્ટુડન્ટ રૂમ’માં એક ચર્ચા દરમિયાન એક ઇંગ્લિશ નાગરિક લખે છે, “તમારી ખબર નથી, પરંતુ હું જ્યારે પણ બહાર જાઉં છું ત્યારે મેં હંમેશાં ઇંગ્લેન્ડ અને આ અન્ય દેશો વચ્ચે મોટો તફાવત જોયો છે. હું ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા, યુ.એસ.એ., સ્પેન અને ઇટાલી જેવા દેશોમાં ગયો છું અને મેં જોયું છે કે ત્યાં એક પરિચિત સંસ્કૃતિ છે, જેમાં લોકોનો લગાવ છે. તે ભલે દુનિયાના સૌથી ધનિક દેશો ના હોય અને તેમને ય આર્થિક સમસ્યાઓ પજવતી હશે, પરંતુ તેઓ એકંદરે ખુશ પ્રજા છે. મને ખબર નથી કે બહેતર હવામાન, જીવનની ધીમી ગતિ અને સુખી જીવન વચ્ચે સંબંધ છે કે નહીં, પરંતુ એક ઇંગ્લિશમેન તરીકે હું ઇંગ્લેન્ડમાં બહુ દુઃખી રહું છું. મને કાયમ એવું લાગે છે આ દેશના લોકો વ્યથિત છે.”
2022ના એક અહેવાલમાં, ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્ર લખે છે, “બ્રિટન નબળું પડી રહ્યું છે, અને તેની નિશાનીઓ ચારેબાજુ છે. ફુગાવો બે આંકડામાં છે, અને જી-7 દેશોમાં બ્રિટનની મંદી 2024માં ભયાનક રહેવાની છે, તેનું સ્વાસ્થ્ય તંત્ર ડચકાં ખાઈ રહ્યું છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ ખસકી ગયું છે, બ્રેક્ઝિટ પછી કામદારોની અછત વ્યાપક છે, મકાનમાલિકોને ઊંચા ગીરો દર આપવા પડે છે, ભાડૂતોને ઘરો ખાલી કરવાં પડે છે, લાખો લોકો તેમના ઘરોને ગરમ કરી શકતા નથી, લોકોને ખાવાની આપતી સંસ્થાઓ, જે એક દાયકા પહેલા ભાગ્યે જ અસ્તિત્વમાં હતી, તે તુટવાની અણી પર છે અને 1.45 કરોડ લોકો ગરીબીમાં જીવે છે. બ્રિટનમાં શિયાળો ઉતર્યો છે અને તે અંધકારમય છે.”
સમૃદ્ધ દેશોમાં બાળકોની સુખાકારી અંગેના યુનિસેફના અહેવાલ અનુસાર, સુખાકારીની બાબતમાં બ્રિટનનાં બાળકો દુનિયાના 27 દેશોમાં સૌથી તળિયે છે. જીવનથી નાખુશ હોય તેવાં બાળકોની સંખ્યા સતત વધી રહી છે.
આ પરિસ્થિતિનાં સામાજિક, રાજકીય અને આર્થિક કારણો હશે, પરંતુ બ્રિટન બહાર એક બીજી માન્યતા પણ ઘર કરી ગઈ છે કે બ્રિટિશરો સ્વભાવથી જ દુઃખી લોકો છે. આમાં તથ્ય છે? ક્વીન્ટીન ક્રિસ્પ નામના એક બ્રિટિશ લેખકે 90ના દાયકામાં લખ્યું હતું કે, “બ્રિટિશરોને સુખની અપેક્ષા જ નથી.”
ઇન ફેક્ટ, ઇંગ્લેન્ડની વાર્વિક યુનિવર્સિટીના એક સંશોધને એવું સાબિત કર્યું છે કે બ્રિટિશ લોકો જીનેટિકલી જ દુઃખી છે! 131 દેશોમાં આ સંશોધનનું નેતૃત્વ કરનાર પ્રોફેસર એન્ડ્રુ ઓસ્વાલ્ડના જણાવ્યા અનુસાર, ડેનમાર્ક જેવા દેશોની સરખામણીમાં બ્રિટિશ, ફ્રેન્ચ અને અમેરિકનો મિજાજી લોકો છે કારણ કે તેમનામાં જિન્સનું એક એવું ‘ટૂંકું સ્વરૂપ’ છે જે સુખના ભાવ માટે જવાબદાર રસાયણ સેરોટોનિનની માત્રાને નિયંત્રિત કરે છે.
“અમે જે દેશોનો અભ્યાસ કર્યો છે, તેમાં ડેનમાર્ક અને નેધરલેન્ડ્સમાં સેરોટોનિન જિન્સની ટૂંકી આવૃત્તિ ધરાવતા લોકોની ટકાવારી સૌથી ઓછી હોવાનું જણાયું હતું,” એમ સંશોધકે કહ્યું હતું.
સુખી રાષ્ટ્રોના સર્વેક્ષણમાં સતત મોખરે રહેતા ડેનમાર્કના લોકોમાં તે જિન્સનું લાંબુ સ્વરૂપ જોવા મળે છે અને એક સમાન રીતે સ્થિર અર્થતંત્ર અને સરકારો હોવા છતાં બ્રિટિશરો અને અમેરિકનો ટૂંકા જિન્સના કારણે તુંડમિજાજી બની ગયા છે.
તેમની તુંડમિજાજીનું એક ઉદાહરણ એક અમેરિકન બીયરના ટી.વી. વિજ્ઞાપનમાં જોવા મળ્યું હતું. તે વિજ્ઞાપનમાં, અન્ગુસ ડેટોન નામના એક જાણીતા બ્રિટિશ કોમેડિયન હતા. તે અમેરિકાના મિયામીમાં એક બારમાં બીયર મંગાવે છે. બારમેન તેને બીયર આપતી વખતે પૂછે છે,
“તમે ઇંગ્લેન્ડથી આવો છો?”
“યેસ.”
“પહેલી વાર?”
આમાં કોમન સેન્સની વાત છે કે અમેરિકન એમ પૂછે છે, “પહેલી વાર અમેરિકા આવ્યા છો?” અને તેનો જવાબ “હા” અથવા “ના, પહેલાં પણ આવી ગયો છું” એવો હોય, પણ મોઢા પર કોઈ ભાવ વગર, સપાટ મોઢે કહે છે,
“ના, હું આ પહેલાં પણ ઘણીવાર ‘ઇંગ્લેન્ડથી હતો.”
આ રમૂજ નથી, કટાક્ષ છે. એમાં સામેવાળા માણસને વડચકું ભરી લેવાની વૃત્તિ હતી. પેલો બારમેન મનમાં જ બોલ્યો હશે, “શું ટૈડ માણસ છે!”
પેલા ઓનલાઈન ‘સ્ટુડન્ટ રૂમ’માં ઇંગ્લિશમેન લખે છે, “આપણે દુનિયાના સૌથી વિકસિત અને નસીબદાર દેશ છીએ, પણ આપણે ઠંડાગાર લોકો છીએ પરિવારનું સન્માન કરતાં નથી. ખબર નથી ઇંગ્લેન્ડ ક્યાં જઈ રહ્યું છે! અહીં દરેક વ્યક્તિ નાખુશ છે. મને થાય છે જે હું ઇંગ્લેન્ડની બહાર જતો રહું. હું ઓસ્ટ્રેલિયામાં 3 અઠવાડિયા રહ્યો હતો અને તે એક અદ્દભુત અનુભવ હતો. દરેક વ્યક્તિ ખુશ હતી, હસતી હતી, સરસ હવામાન હતું, સુંદર દરિયાકિનારા છે અને ત્યાં કોઈ મારામારી થતી નથી. મને ઓસ્ટ્રેલિયા છોડતાં દુઃખ થયું હતું.”
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 31 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર