આજ સવારથી જ અંબા ખુશ મિજાજમાં હતી. આજે નવરાત્રીની છેલ્લી રાત હતી. અંબાજી આવીને પોતાના નામને સાર્થક કરતી હોય તેમ અંબા ગરબે ઘૂમતી હતી. એને શોધતી એની મા આવી, પણ અંબાના નામે બૂમો પાડવાનો કોઈ અર્થ ન હતો ! ઝબકારા મારતી લાઈટો અને કાનના પડદા ફાડી નાંખે એવા નવરાત્રીના ગરબે ઘૂમનારાની વચ્ચે અંબાને શોધવા માટે, ગરબા પૂરા થવાની રાહ જોવા સિવાય બીજો ઉપાય જ નહોતો !
જ્યારે અંબા એની માને મળી, ત્યારે રાતના બે વાગ્યા હતા. બંને જણાં એકબીજાના હાથ પકડીને મંદિરના પરિસરમાંથી બહાર નીકળ્યાં. અંબાના પિતા એમની રાહ જોતા જાગતા હતા. પત્નીને અને દીકરીને જોતાં જ થોડી નારાજગીથી બોલ્યા, ‘અરે તમે લોકો આટલા મોડા કેમ આવ્યા? હું પણ ભજન મંડળીમાં ભજનો ગાઈને સત્સંગ કરીને વહેલો આવી ગયો, કાલે સવારે તો આપણે પાંચ વાગ્યાની ટ્રેન પકડીને માલપુર જવાનું છે ને તમે ……. ત્યાં પણ 12:00 વાગ્યાથી મેળો ભરાશે અને જો આ બધો સામાન ભજિયાં તળવાની કડાઈથી માંડીને આ ગોટા બનાવવાનો બધો સામાન મેં અહીંયા તૈયાર કરી રાખ્યો છે .ચાલો હવે જલદી સૂઈ જાવ !’
આમ અંબાનો પરિવાર જ્યાં જાય ત્યાં થોડા સમય માટે વસવાટ ઊભો કરી દેતો. મેળામાં થોડું ફરસાણ વેચી પેટિયું રળી ખાતાં ! એ જ એમનું હરતું ફરતું ઘર !
આસપાસનાં ગામોમાં થતા દરેક મેળામાં તેઓ જતાં, ક્યારેક ફરસાણ તો ક્યારેક રમકડાં કે ફુગ્ગા વેચી ગુજરાન ચલાવતાં. આઠદસ વર્ષની દીકરી ક્યારેક પૂછતી, ’બાપા આપણું ઘર ક્યાં ? ‘તે બળપૂર્વક હસીને કહેતા, ‘તું જ્યાં કહે ત્યાં; ‘પત્ની સજળ નેત્રે એ બંને સામે જોઈ રહેતી !
આજે અહીંથી જવાનું હતું. અંબા બાપાને પૂછતી હતી, ‘બાપા, આપણે ક્યાં જવાના અને કેમ ત્યાં જવાના? ત્યાં તમે શું કરશો ? એવા અનેક પ્રશ્નોના જવાબ આપતા થાકેલા પિતાએ કહ્યું, “અંબા, સવારે વહેલા ઊઠવાનું છે, હવે સૂઈ જા.” પણ અંબાએ કહ્યું , ‘કે બાપા, મને ઊંઘ નથી આવતી, મને એક સવાલ સૂવા નથી દેતો. આપણે રોજે મજૂરી કરીએ તો પણ તો ખાવા અનાજ નથી, ને રહેવા માટે ઘર નથી ! મારી પાસે રમકડાં તો ક્યાંથી હોય !”
“આપણે મેળામાં કેટલું બધું કામ કરીએ છીએ, જેમતેમ કરીને પેટ ભરીએ છીએ, પણ આ મેળામાં ગાડી લઈને આવનારા પાસે તો બધું જ હશે ને? પોતાનું ઘર હશે, એ બધાં સરસ કપડાં પહેરીને આવે છે. એમની પાસે સરસ મજાનું ખાવાનું હશે, ઘણાં બધાં રમકડાં હશે, તેઓ સરસ મજાની મોટી મોટર ગાડીમાં બેસીને આવે છે, તો પછી બાપા, આ લોકો માતાજી પાસે શું માંગતા હશે?”
પિતા નિરુત્તર હતા. પિતાને સંજોગવસાત્ પોતાનું શિક્ષણ અધવચ્યે છોડવું પડ્યું, એનું દુ:ખ આટલાં વર્ષ પછી પણ ભૂલાયું નહોતું .પિતાને કહેવાનું મન થતું કે, બેટા આ લોકો બધા સુખની શોધમાં નીકળ્યા છે, આમ જોવા જઈએ તો સુખ સાપેક્ષ છે તેમ જ એ માનવ સ્વભાવની ઝંખના છે. પૈસાવાળાં બધા સુખી જ હોય એમ નથી, પણ ખરું સુખ શામાં છે તેની તેમને કદાચ ખબર નથી હોતી. એમની સુખની ટ્રેનમાં અપેક્ષાની સાંકળ ખૂબ લાંબી હોય છે, એટલે તેઓ સંતોષના સ્ટેશન સુધી પહોંચતા જ નથી ! એમના જીવનની ટ્રેનમાં સંતોષ નામનું સ્ટેશન જ્યારે આવે ત્યારે તેઓ કદાચ સાચા સુખને પામે એવું મને લાગે છે!
અંબા પોતાના સવાલનો જવાબ સાંભળતાં પહેલાં જ મનમાં ચાલતા સવાલને ઓઢીને સૂઇ ગઇ !
૪-૪-૨૦૨૪, સડબરી, બોસ્ટન
e.mail : mdinamdar@hotmail.com