જગદીશચન્દ્ર જાણીને કૂવામાં ઊતરેલો
નાનો હતો જગલો હતો
‘બિલાડી’ ઉતારીને
કૂવામાં પડી ગયેલી વસ્તુઓ કાઢી આપતો
મોટપણે પ્રેમમાંયે જાણીને ઊતરેલો
પણ
કૂવામાં ટાંટિયા લંબાવીને
કૉલસા ચાવવાનો વારો આવ્યો
કેમજે
સખી છાંડી ગઈ
ગઈકાલે એણે
કૂવાનાં શીળાં જળમાં ચાંદો જોયો
પકડવાને ફાંફું માર્યું
સખી ખીલ ખીલ હસતી તે
મધુરાં હસવાં યાદ આવ્યાં
રડવા જેવું મલકાયો
કશેકથી મ્હૅકી ઊઠી
મઘમઘતી તારાભરી રાતો
ખિસ્સેથી મૂઠીએથી પાંપણને પલકારે
કેટલીયે વસ્તુઓ સરકીને
ક્યારે કેમ દડી પડી
ન સમજ્યો
અધૂરી આશા જેવી ડાયરી
લિક થયે જતી ઇચ્છા જેવી પેન
ચોખ્ખાં ચશ્માં
પછીના દિવસે
ફોન ફંગોટી દીધેલો કૂવામાં
ચાંદાના ચૂરા થયેલા
માથું પકડીને
મગજને ય ખખડાવી જોયેલું
આંસુ લૂછવાનો રૂમાલ સખીએ
સુખડની સુગન્ધી લગાડીને તો આપેલો
કહેલું
કૂવામાં આકાશ ને પાણી બન્ને હોય
તરાય કે ડુબાય
એટલે ઊતરેલો
પણ
મૉઢું નીરખ્યા કરે
દાઢી પંપાળે દાંતિયાં કરે
હથેળી જુએ મુઠ્ઠી વાળે ખોલે
ફરી વાળે ફરી ખોલે
હાથ ન આવે છેડો ન તળિયું
એટલે
કૉગળા કર્યા પિચકારીઓ મારી
કશેકથી યાદોના ગુચ્છા કાઢ્યા
ચાવ્યા ચગળ્યા થૂંકી કાઢ્યા
ને પછી
જગદીશચન્દ્રે
અંગાંગે ઘસ્યા ચાંદાના ચૂરા
થયું
પાછા નથી જવું
કહી દઉં
બૂમ પાડી જોઈ
પછી કૂવાનાં જળ
ધીમેશથી થયાં સરખાં ને
ચાંદો ફરી દેખાયો
કોઈ આજે કૂવામાં
‘બિલાડી’ ઉતારીને
પોતાની વસ્તુ કાઢવા કરે છે
લોક કહે છે
એ છે જગલાની સખી
= = =
નૉંધ : 'બિલાડી' લોખંડનું એક સાધન. એની બન્ને બાજુએ ૪-૫ ૪-૫ આંકડા હોય. એને કૂવામાં ઉતારવાનું. પડી રહેલી વસ્તુ પર સિફતથી ગોઠવવાનું. પછી કળથી વસ્તુ જોડે ફસાવવાનું અને વસ્તુ છૂટી જાય નહીં એવી કાળજી કરીને ઉપર ખૅંચી લેવાનું. ગામડાંઓમાં અને કસબાઓમાં ખાસ વપરાતું હતું…
(November 4, 2020: Peoria, IL U.S.A.)
સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાભાર