આકાશથી નીચેનાં અને
આકાશથી ઉપરનાં પાણી
જુદાં કર્યાં યહોવાહે*
નીચેનાં પાણીમાંથી
કોરી ભૂમિ જુદી કરી
પાણી અને ભૂમિ જુદાં કર્યા
નૂહ*ના જમાનામાં
માણસની ભૂંડાઈ મટાડવા
પૃથ્વી પર પાણીનું જોર ચાલવા દીધું.
મિસરીઓથી બચવા ઈસરાયેલીઓ સાથે
મૂસા નિકળ્યા
ડેરા તંબુ લઈને
સૂફ સમુદ્રના કાંઠે મૂસાને
સંકટમાંથી ઊગારવા
યહોવાહએ
મૂસાને હાથ લાંબો કરી
સમુદ્રને બે ભાગમાં વહેંચવાનું કહી
પાણી અને ભૂમિ જુદાં કર્યા.
ત્યારથી પાણી અને ભૂમિ વચ્ચે વેર મંડાયું
પછી તો
સમુદ્ર ચીરીને પૃથ્વીએ હિમાલય થઈ
માથું ઊંચક્યું
કીરીબાટી, ટુવાલુ, જેવા સમુદ્ર દ્વિપોને
આજ ગળું કાલ ગળું કરતા
સમુદ્ર વળતો ઘા મારે છે
આકાશમાં મેઘધનુષ જોઈ
ઋતુ પરિવર્તનના નિરાશ્રિતો કહેવાતા
ટાપુ નિવાસીઓ
નૂહ સાથેના યહોવાહના કરારને
વાગોળે છે.
યહોવાહ – બાઈબલના જૂના કરારમાં ઈશ્વર પિતા માટેનું સંબોધન
નૂહ – બાઈબલના ઉત્પત્તિના પુસ્તક પ્રમાણે પ્રલય પહેલાના દસમા કુળપિતા અને સતપુરુષ
મૂસા – બાઈબલના નિર્ગમનના પુસ્તક પ્રમાણે ઈઝરાયેલીઓને ગુલામીમાંથી છોડાવી મિસરથી (હાલનું ઈજીપ્ત) બહાર દોરી જનાર પૈગંબર.
e.mail : rupaleeburke@yahoo.co.in