નવરાત્રિના દિવસોમાં યુવાનો દિવસે નહીં એટલા રાતે જાગતા હોય છે. અરધી અરધી રાત સુધી જાગીને નાચતાં હોય છે. થાક ઉતારવા અને રિચાર્જ થવા માટે ઠંડાં પીણાં પર પહેલી પસંદગી ઊતરતી હોય છે. પોતે હેલ્થ કોન્શિયસ છે, એવું માનનારાં યુવક-યુવતીઓ ડાયટ ડ્રિંક્સ પીવે છે. ડાયટ ડ્રિંક્સ પીતાં પીતાં તેઓ હાશકારો લેતા હોય છે કે કોલ્ડ ડ્રિંક્સનો સ્વાદ તો મળે છે, પણ કેલરી લેવાથી બચી જવાય છે. આમાં યુવાનોનો પણ વાંક નથી, કારણ કે ડાયટ પીણાંનું માર્કેટિંગ જ એ રીતે થાય છે કે જાણે કેલરી કોન્શિયસ લોકો માટે તો એ અમૃતજળ હોય!
આપણે ત્યાં ડાયટ ડ્રિંક્સ તો હવે આવ્યાં બાકી અમેરિકા-યુરોપમાં તો વર્ષોથી તે પીવાય છે. મેદસ્વિતાથી પીડાતા લોકો કેલરીનું નામ સાંભળીને કકળી ઉઠતા હોય છે, એટલે તેઓ ૦ ટકા કેલરી વાંચીને ડાયટ ડ્રિંક્સ પર મોહી જતા હોય છે. જો કે, હવે સંશોધનોમાં પુરવાર થતું જાય છે કે ડાયટ પીણાં ફાયદાકારક નહિ, નુકસાનકારક જ નીવડે છે.
તાજેતરમાં લંડનના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર ગ્રેહામ મેકગ્રેગરે બ્રિટનની સરકારને આગ્રહપૂર્વક અને જરાક આક્રમક રજૂઆત કરી છે કે ડાયટ પીણાંને કારણે બાળકો અને લોકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેના પર ઊંચો ટેક્સ લાદવો જોઈએ. પ્રો. ગ્રેહામે મત વ્યક્ત કર્યો છે કે ડાયટ ડ્રિંક્સના નામે વેચાતાં પીણાં પર સરકારે પહેલાં ૧૦ ટકા ટેક્સ લેવાનું શરૂ કરવું જોઈએ અને આ વેરો વધારતાં વધારતાં ૫૦ ટકા સુધી લઈ જવો જોઈએ. પ્રો. ગ્રેહામ દાવાપૂર્વક જણાવે છે કે લો કેલરી ડ્રિંક્સને કારણે લોકોને બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવાનું પ્રોત્સાહન મળે છે અને ડાયટ ડ્રિંક્સમાં વપરાતી કૃત્રિમ શર્કરાને વજન ઘટાડવા સાથે કોઈ લેવાદેવા નથી હોતા. પ્રો. ગ્રેહામ સરકાર પર દબાણ ઊભું કરવા ડાયટ ડ્રિંક્સને વજનના ઘટાડા સાથે કોઈ લેવાદેવા નથી, એના પુરાવા પણ આપી ચૂક્યા છે. તેમનો મત છે કે જેમ આલ્કોહોલ અને સિગારેટ પર ટેક્સ છે, એ રીતે શર્કરાયુક્ત પીણાં પર પણ સુગર ટેક્સ લાદવો જોઈએ.
બ્રિટનમાં દર વર્ષે ૧,૮૦,૦૦૦ લોકો મેદસ્વિતાપણાનો ભોગ બની રહ્યા છે ત્યારે પ્રો. ગ્રેહામની જેમ અન્ય આરોગ્યના નિષ્ણાતો પણ સરકારને સોફ્ટ ડ્રિંક્સ પર ૨૦ ટકા જેટલો સુગર ટેક્સ લેવાની ભલામણ કરી રહ્યા છે. ટેક્સ વધતાં ડાયટ પીણાં મોંઘાં થાય અને તેનો ઉપભોગ ઘટે એવો તર્ક રજૂ કરવામાં આવે છે. ફ્રાંસ, ફિનલેન્ડ અને મેક્સિકોમાં ડાયટ ડ્રિંક્સ પર કરવેરા લાદવામાં આવ્યા છે, એ જ રીતે બ્રિટનમાં સુગર ટેક્સ લેવાનું સૂચન જોર પકડતું જાય છે.
વિવિધ સંશોધનોમાં એ પુરવાર થઈ ચૂક્યું છે કે ડાયટ ડ્રિંક્સથી ગળ્યું, બિનઆરોગ્યપ્રદ અને વધારે ખાવાની ક્રેવિંગ પેદા થાય છે, જે ટાઇપ-૨ ડાયાબિટીસને પ્રોત્સાહિત કરે છે. ડાયટ ડ્રિંક્સથી હૃદયરોગ અને કિડનીની સમસ્યાઓ પેદા થવાનું પણ જોખમ પણ વધી રહ્યું છે. ડાયટ પીણાંમાં આર્ટીફિશિયલ સ્વીટનર્સ જેવા કે એસ્પાર્ટેમ, સેકરિન અને સુક્રાલોઝ વપરાય છે, જે શરીરને અનેક રીતે હાનિ પહોંચાડતાં હોય છે. સંશોધનમાં એ પણ સાબિત થયું છે કે ડાયટ ડ્રિંક્સથી વજન ઘટતું નથી પણ વધે છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સંશોધકોને માલૂમ પડયું છે કે ડાયટ સોડા પીનારાઓમાં કમરના ઘેરાવામાં ૭૦ ટકાનો વધારો થયો હતો. તો યુનિવર્સિટી ઓફ મિનેસોટાનો અભ્યાસ જણાવે છે કે રોજની એક ડાયટ સોડા પીવાથી મેટાબોલિક સિન્ડ્રોમ અને ડાયાબિટીસ થવાનું જોખમ ૩૬ ટકા વધી જાય છે. હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં માલુમ પડયું છે કે ડાયટ ડ્રિંક્સની કિડની પર ઘાતક અસર પડે છે. રોજની માત્ર બે ડાયટ સોડા પીવાથી કિડનીનું કામકાજ ૩૦ ટકા જેટલું નબળું પડે છે.
ડાયટ પીણાં બાળકો માટે તો વિશેષ ખતરનાક સાબિત થયા છે. 'ધ એટલાન્ટિસ'માં ૨૦૧૧માં એક અહેવાલ આવ્યો હતો, જેમાં બોસ્ટન યુથ સર્વેને ટાંકીને જણાવાયું હતું કે ડાયટ ડ્રિંક્સનો ચસકો ધરાવનારા તરુણો વધારે આક્રમક હતા અને ઝઘડાળું હતા, જેમાંના કેટલાક તો પોતાની સાથે છરી-ચાકુ જેવાં હથિયારો પણ રાખતાં હતાં. ડાયટ પીણાંને લીધે ડીપ્રેશન વધતું હોવાનું પણ જોવા મળ્યું છે.
ડાયટ પીણાં શરીરને પણ કન્ફ્યુઝ કરતાં હોય છે. આપણે કૃત્રિમ શર્કરા પીએ એટલે શરીરને લાગે કે કેલરી ઉમેરાઈ રહી છે, પણ કેલેરી મળતી નથી. આપણું શરીર કેલરીની રાહ જોતું રહી જાય છે અને પછી તે કેલરી પ્રાપ્ત કરવા માટે ભૂખ (ક્રેવિંગ) જગાડે છે. મતલબ કે ડાયટ ડ્રિંક્સથી તમારી ભૂખ વધારે ઉઘડે છે અને તમે વધારે ખાઈ લો છો, જે ડબલ નુકસાન પહોંચાડે છે. ડાયટ ડ્રિંક્સને કારણે સાયકોલોજિકલ અસર પણ થાય છે. આપણે માત્ર એક પીણું જ કેલરી વિનાનું પીએ છીએ અને માનવા લાગીએ છીએ કે કેલરીની ચિંતા કરવાની જરૂર નથી. પરિણામે વધારે પડતું ખાઓ છો. આમ, ડાયટ પીણા ડાય-ઇટિંગ (બેવડું ભોજન) કરાવે છે, જે મેદસ્વિતા વધારે છે, જે ડાયાબિટીસ જેવી બીમારી ઉપરાંત દાંત, પેટ, હૃદય અને કિડની સહિતનાં શરીરનાં અંગોને નબળાં-માંદલાં બનાવે છે.
તો, ડાયટ ડ્રિંક્સ પીતાં પહેલાં સાવધાન!
e.mail : divyeshcv@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 18 અૉક્ટોબર 2015
http://sandesh.com/article.aspx?newsid=3147430