‘અને એ પછી એ બંધન સામે સ્ત્રી વિદ્રોહ કરી શકતી નથી, જેની સામે વિદ્રોહ કરવો જરૂરી હોય, તેને પણ નીચી નજર કરી સ્વીકારી લે છે. સહેવાની તેની અમાપ શક્તિ જ તેની શત્રુ બની જાય છે. ખોટાનો સામનો કરવાની આપણામાં હિંમત નથી આવતી. આપણે કર્મના નિયમોમાં માનીએ છીએ, જે ઈશ્વરને ઓળખતા નથી તેના પર શ્રદ્ધા રાખીએ છીએ, કહીએ છીએ – અંતે બધું બરાબર થઇ જશે. પણ અંતે કશું બરાબર થતું નથી. તમે રોજ રોજ ભસ્મના ઢગલામાં ફેરવાતા જાઓ છો અને પછી તમારા એક તણખો ય રહેતો નથી, તમે સળગતા બંધ થઇ જાવ છે, તમારી આગ બુઝાઈ જાય છે, પ્રકાશ ઓલવાઇ જાય છે, ત્યારે તમે કહો છો, હવે બધું બરાબર થઇ ગયું. પણ તમે જેને બરાબર થઇ ગયેલું માનો છો, તે તો મૃત્યુ હોય છે.’
— કુન્દનિકા કાપડિયા
[‘હરિ આવન કી આવાજ’]
ગુજરાતી સાહિત્યમાં, બાળ વિવાહ જેવા સામાજિક કુરિવાજો અને સ્ત્રીની પીડા એવા પારંપરિક વિષયમાંથી બહાર નીકળીને સ્ત્રીની સંવેદનાઓ, શક્તિ પરિચય અને ખાસ કરીને તેની મનોસ્થિતિનું વર્ણન કરી વિષયવસ્તુમાં વૈવિધ્યની સાથે વાર્તા અને નવલકથાનું સર્જન કરનાર કુન્દનિકાબહેન કાપડિયાની એક વાર્તાથી વાત શરૂ કરવી છે.
એક ચિનગારી અગ્નિ સ્વરૂપે ધારણ કરે તે પહેલાં કઈ રીતે ભસ્મ બની જાય એ જોયું છે ? આક્રોશને ડામી દેવામાં સૌનું ભલું છે એવું આપણે નાનપણથી શીખતાં આવ્યા છીએ આથી જ્યારે વિદ્રોહની જરૂર હોય છે ત્યારે પણ આપણે સપાટી પર શાંત જ હોઈએ છીએ. કુન્દનિકાબહેનની વાર્તાના સ્ત્રી પાત્રોને ‘હું પણ એક વ્યક્તિ છું, મને મારા ગમા-અણગમાને અભિવ્યક્ત કરતા આવડે છે, હું એકલી રહી શકીશ, હું ઘર છોડી શકીશ અને હું મારા નિર્ણયો સ્વતંત્રપણે લઇ શકીશ’ જેવા વિચારો આવ્યા અને કાગળ પર એવી કહાનીઓ લખાઈ જેમાં ભયાનક ઘોર અંધાર પછીનો પ્રકાશ પણ હતો. વાસ્તવિક જીવનમાં અજવાળું વાવવા માટે માટે માત્ર સંવેદના કામ નહિ આવે. એક નાના અન્યાયને મોટી પીડા કે ગુનામાં તબદીલ કરવાને બદલે નક્કર અભિવ્યક્તિમાં પરિવર્તિત કરવાની જરૂર છે.
એક સ્ત્રી પર બળાત્કાર થઇ જાય કે એક નબળા પુરુષની વગર વાંકે હત્યા થઇ જાય ત્યારે એ સમાચાર બને છે. જઘન્ય ગુનાના સમાચાર મળ્યા બાદ એમાં રાજકારણ, ધર્મ, નાત-જાત, પુરાણો ઇતિહાસ અને કેટલાક અંગત સમીકરણો ઉમેરાય છે. ગુનેગાર માટે પણ હમદર્દી થાય એવી ચર્ચાઓ વાઇરલ થાય છે. જે તે સ્થળની સ્થાનિક સત્તા અને વિરોધ પક્ષ પોતપોતાની રીતે બાખડે છે. આ બધામાં માત્ર એક જ વ્યક્તિ ભુલાઈ જાય છે જેનું નામ પણ પીડિતા અથવા મૃતક થઇ જાય છે. રાત અને દિવસના ચક્રને કારણે એ ઘટના ઉપર બીજી ઘટના અને બીજી ઉપર ત્રીજી ઘટનાનાં પડ ચડતાં જાય છે. છાપામાં છપાતું બંધ થઇ જાય ત્યારે સૌ સારા વાનાં થઇ ગયાની અનુભૂતિ થાય છે. ચીસ સાથે ઉદ્બવેલો મોટો અવાજ ધીમે ધીમે અટકી ગયેલા ડુમા સુધી પહોંચી જાય છે. એક મોટા ઢગલામાં બાકી રહી ગયેલ એક બે તણખા રાત સાથે બાથ ભીડતા થાકી-હારીને અંતે ધૂળમાં ભળી જાય છે.
માત્ર ચામડી નહિ, આખું જીવન ભખ ભખ બળી જાય એવી આગ અને ઓળખવિહીન થઇ ગયેલી રાખ થઇ જતા પહેલાં શું થઇ શકે ? સમગ્ર સમાજની માનસિકતા બદલવા માટે કોઈ એક બે રેલી કાઢવાથી કઈ નહિ વળે. જ્યારે દરેક વ્યક્તિ પાસે વિરોધ કરવાની અભિવ્યક્તિ હોય છે ત્યારે અન્યાયનું જોર ઘટે છે. દરેક શારીરિક બળાત્કાર પહેલાં અનેક માનસિક બળાત્કારો થયા હોય છે જે ક્યારે ય સામે નથી આવતા. સાવ નાની બાબતમાં તમને કોઈ ઉતારી પાડે અથવા તમારા ઉપર જોહુકમી કરે ત્યારે તમે શું કરો? સામાન્ય રીતે દીકરી નાની હોય ત્યારે તેને સહન કરવાની, ચૂપ રહેવાની અને મૂંગા મોઢે પસાર થઇ જવાની નસીહત અપાય છે. એ રીતે અમુક આર્થિક રીતે નબળા પરિવારમાં નાનપણથી બાળકોને ‘બિચારાપણું’ વારસામાં અપાય છે, જેથી અમુક અન્યાય એમના માટે સાહજિક થઇ જાય છે.
અધિકાર માટેની લડત દરેક ધર્મમાં સ્વીકૃત છે. પુરાણ વાંચો કે સમગ્ર વિશ્વનો ઇતિહાસ વાંચો, દરેક મોટા પરિવર્તન પહેલાં વિદ્રોહ અને નાના મોટા યુદ્ધ જોવા મળશે. આ લખાય છે ત્યારે અબઘડી પણ દેશમાં અને સમગ્ર વિશ્વમાં ઘણી જગ્યાએ કોઈ પીડિત ઉપર અમાનુષી અત્યાચાર થતો હશે અને ઘણી જગ્યાએ અન્યાય સામે જોરદાર લડત ચાલતી હશે. આપણે શેમાં રહેવું છે ? માનવ વર્તન માટે દરેક ધર્મએ સીમાંકનો લખ્યા જે ધાર્મિક રિવાજોના નામે પ્રચલિત પણ થયા અને તેના ખોટા અર્થઘટન બદનામ પણ થયા. જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવતાનો વાસ છે એમ કહીને નારીને દેવી સ્વરૂપે વ્યાખ્યાયિત કરનાર સમાજે જ્યારે ખરા અર્થમાં સ્ત્રીનું સન્માન જાળવવાનું હતું ત્યારે તેને બંધનોમાં કેદ કરી. “शोचन्ति जामयो यत्र विनश्यत्याशु तत्कुलम् । न शोचन्ति तु यत्रैता वर्धते तद्धि सर्वदा”નો અર્થ ભુલાઈ ગયો. જે કુળમાં સ્ત્રીઓ કષ્ટ ભોગવે એ કુળનો શીઘ્ર નાશ થાય એવા વિધાન આ જ ગ્રંથમાં છે. ધર્મગુરુઓના અર્થઘટન દ્વારા નિત્યન્તરિત થતા ભારતીય સમાજમાં કાળક્રમે દરેક ‘પાપ’ માટે તેને ધોવા માટેના વિકલ્પ મળતા ગયા. એટલે જ સ્વરક્ષા અને સ્વસન્માનને જાળવવાની પ્રથમ જવાબદારી વ્યક્તિની પોતાની છે.
‘સ્ત્રી ભ્રુણ હત્યા’ અને સ્ત્રીના સમકક્ષ અધિકારોની તરફેણ કરતી એક ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ થોડા સમય પહેલા રિલીઝ થઇ. વિચિત્ર કહી શકાય તેવા પહેરવેશ, બોડી લેન્ગવેજ અને કિરદાર માટે જાણીતા રણવીર સિંહ ગુજરાતી પરિવારના ડાહ્યા દીકરા બન્યા છે. પહેલી દીકરી પછી ચાર એબોર્શનથી વિચલિત થયેલ સારો પતિ પરિવારના દબાણ અને પિતૃસત્તાત્મક માનસિકતાનો વિરોધ કરવા માટે રમૂજ, પલાયન વૃત્તિ અને સરળ રસ્તા અપનાવવાના પ્રયત્ન કરે છે. દીકરીના જન્મથી માંડીને દીકરીને જન્મ આપનાર માતાના સંઘર્ષને દર્શાવતી આ ફિલ્મમાં ગુજરાતી પરિવાર, ભરપૂર કોમેડી અભિનયનાં અજવાળાં પાથરતા સિનિયર કલાકારોનું પેકેજ તો છે જ. એ સાથે ગાંઠે બાંધવા જેવી નાની વાત એ છે કે, ક્યારેક ગંભીર સમસ્યાનો ઉકેલ સાહજિકતા અને હળવાશમાં પણ હોઈ શકે. પરિવાર કે જ્ઞાાતિમાં ચાલી આવતી પરમ્પરા જ્યારે કોઈ એક સમૂહ માટે થાય ત્યારે એ સાંકળને તોડવી પડે. આપણા સમાજમાં પ્રત્યેક ‘જયેશભાઇ’ને જોરદાર બનવા માટે સમાનુભૂતિની જરૂર છે અને ‘જયશ્રીબેનને’ જોરદાર બનવા માટે આત્મવિશ્વાસની જરૂર છે.
વિદ્રોહ કરનાર વ્યક્તિ જે તે સમયગાળામાં તો આકરો અને અસ્વીકૃત હોય છે પરંતુ જ્યારે તે ઇતિહાસ થઇ જાય ત્યારે મહાન બની જાય છે. અભિવ્યક્તિની ગણના તેના પરિણામ પછી થાય છે, વિરોધ કરવાની પ્રોસેસ ક્યારે ય સુહૃદયી નથી હોતી, પરંતુ દિવસના અંતે સંતોષકારક ઊંઘ ચોક્કસ આપે છે.
e.mail : meghanimeshjoshi@gmail.com
[સૌજન્ય : મેઘાબહેન જોશીની ફેઇસબૂક દીવાલેથી સાદર]