Opinion Magazine
Number of visits: 9846284
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાર કાવ્ય-રચના

સાહિલ|Opinion - Opinion, Poetry|17 January 2024

1.

માણવા જેવાં જીવનમાં આમ અવસર છે ઘણાં 

શું કરું કારણ વિનાના મન મહીં ડર છે ઘણાં

ખાલ ખેંચો – લાત મારો – માર મારો તોય શું

પ્રકૃતિએ માણસો જોઉં છું નીંભર છે ધણાં

તણખલા જેવા કરે છે ઝંઝાનો શું સામનો 

તો ઘણાયે ભડવીરો પણ ટાણે પામર છે ઘણાં

આ નગરના માણસો ક્યારે ગણાયા માણસો

માણસો કરતાં વધુ માણસના ઈશ્વર છે ઘણાં

આવકારો-આશરો જેવા શબદ જાણ્યા નથી

આ નગરમાં આમ તો હું જોઉં છું છે ઘર ઘણાં

તોય સાહિલ કોઈ ખુદને કેમ જાણી ના શક્યા

આમ તો આ શહેરમાં પણ આઈનાઘર છે ઘણાં

2.

કવનનો અંત કવનની સફરનો અંત નથી

જગનનો અંત જગનની સફરનો અંત નથી

અતીતના ભીના સ્પર્શો હજીય છે ભીના

જતનનો અંત જતનની સફરનો અંત નથી

સમયના યજ્ઞમાં અવતાર ભસ્મ થાય ભલે

લગનનો અંત લગનની સફરનો અંત નથી

જો શબ્દ બોલશે તો એ પછી નહીં અટકે

મનનનો અંત મનનની સફરનો અંત નથી

જો મૌન સાંભળી શકશો તો વાત સમજાશે

જીવનનો અંત જીવનની સફરનો અંત નથી

વિરહની વેદના ભેટી શકે નહીં મનને

મિલનનો અંત મિલનની સફરનો અંત નથી

ખુલે જો આંખ તો ખસિયાણા ના પડો સાહિલ

સપનનો અંત સપનની સફરનો અંત નથી 

3.

માણસો ઘરમાં જન્મે જીવે ને મરે

માંડ ફળિયા સુધી સ્વપ્નમાં પણ ફરે

બસ નિહાળ્યા કરું છું તમાશા સતત

એક છાયા બીજી છાયાને છેતરે

એ દ્વિધામાં જ અવતાર પૂરો થયો

કોના નામે હું ફેકૂં તો પથ્થર તરે

કાકરી સાવ હળવેથી ફેકી અમે

ને વમળ છેક તળિયા સુધી વિસ્તરે

 શક્ય છે નીકળે પ્રેત ઝાકળના પણ

જીવ શાને  સુગંધો પછી ખોતરે

ભૂતને ભૂલવાની મઝા માણીયે

કોણ રુઝી રહેલા જખમ ખોતરે

કેટલાં કામ સાહિલ અધૂરાં રહ્યાં

વાતમાં વેલ્ય પહોંચી ગઈ પાદરે

4.

સપનું થઈને એમની પાંપણમાં જઈ ચડ્યો

હાથે કરી હું કેવી પળોજણમાં જઈ ચડ્યો

ચોક્કસપણના નોતરાને અવગણ્યા પછી

હું જઈ ચડ્યો પછીમાં યા તો પણમાં જઈ ચડ્યો

એક સીધી સાદી વાતમાં પ્રશ્નો ઊભા કરી

પૂછો નહીં હું કેવી વિમાસણમાં જઈ ચડ્યો

તેઓના દ્વાર ટેકવું માથું તો લાગતું

આતમ અમારો ઈશના આંગણમાં જઈ ચડ્યો

ના ઓળખું મને તો એમાં મારો દોષ શું

ચહેરો ગુમાવ્યા બાદ હું દર્પણમાં જઈ ચડ્યો

ભાગ્યે જ જાઉં છું છતાં હું જ્યાં ગયો છું ત્યાં 

કારણ વિનાના સેંકડો કારણમાં જઈ ચડ્યો

ચોર્યાસી લાખ ફેરા ફર્યા તોય ના છૂટ્યો

અવતાર મારો કાયમી વળગણમાં જઈ ચડ્યો

સાહિલ જીવ્યો છું ચેનથી લીલોતરી મહીં   

લોકોને મન ધધખતા જતાં રણમાં જઈ ચડ્યો

નીસા –  3/15 – દયાનંદ નગર, રાજકોટ 360 002
e.mail : sahilrjt1946@gmail.com

Loading

ચિપકો આંદોલનની અડધી સદી : સફળતા અને વિફળતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 January 2024

ચંદુ મહેરિયા

આઝાદ ભારતના ઇતિહાસમાં ચિપકો આંદોલનનું અનોખું સ્થાન છે. તેમાં મહિલાઓની અહિંસક લડાયક ભૂમિકા અતુલનીય હતી. આ આંદોલન ન માત્ર પર્યાવરણ રક્ષાનું હતું, પરંતુ કુદરતી સંસાધનો પર કોનો અધિકાર સવિશેષ હોવો જોઈએ તે માટેનું પણ હતું. સ્વંત્રતતાની પહેલી પચીસી પછી ગાંધી – સર્વોદય અને સામ્યવાદી કાર્યકરો દ્વારા ગાંધી ચિંધ્યા અહિંસા અને સત્યાગ્રહના માર્ગે થયેલું એક એવું આંદોલન હતું જે પ્રાદેશિક ના રહેતાં દેશ-વિદેશમાં પ્રસર્યું હતું. તેણે પર્યાવરણને રાષ્ટ્રીય મહત્ત્વનો વિષય બનાવ્યો હતો અને પર્યાવરણ રક્ષામાં મહિલાઓની ભૂમિકા સંદર્ભે ઈકો-ફેમિનિઝમનો નવો સિદ્ધાંત પણ સ્થાપિત કર્યો હતો.

અડધી સદી પહેલાં ૨૭મી માર્ચ ૧૯૭૪ના રોજ ચિપકો આંદોલનનો આરંભ થયો હતો. તત્કાલીન ઉત્તર પ્રદેશ અને હાલના ઉત્તરાખંડના, ભારત તિબેટ સરહદ પરના, તાલુકા મથક જોશીમઠથી અગિયાર કિલોમીટર દૂરનું રૈણી ગામ (જિલ્લા ચમોલી) તેનું આરંભબિંદુ હતું અને ગૌરાદેવી તેના જનની હતાં. હિમાલયના વનવિસ્તારના આ ગામમાં સરકારની મંજૂરીથી ઘણાં વૃક્ષો કપાવાનાં છે તેની ચર્ચા અને વિરોધ ચાલુ હતા. એ દરમિયાન જ્યારે ગામમાં કોઈ પુરુષ હાજર ન હોય તેવું ગોઠવીને ઠેકેદારના માણસો ઝાડ કાપવા આવ્યા. આ વાતની  જાણ ગામની મહિલાઓને થતાં ગૌરાદેવીના નેતૃત્વમાં ગામની ૨૭ મહિલાઓ વિરોધ કરવા દોડી ગઈ. તેમને બીજું કંઈ ના સૂઝતાં તેમણે વૃક્ષોને બાથ ભરી લીધી અને પડકાર કર્યો કે તેને કાપતાં પહેલાં કુહાડી અમારા પર ચલાવો. શાંત અને અહિંસક સત્યાગ્રહથી કોન્ટ્રાકટરના માણસો પાછા પડ્યા અને તેઓને ચાલ્યા જવાની ફરજ પડી.

રૈણી ગામનાં મહિલાઓનો વિરોધ સ્વયંભૂ હતો એ ખરું પણ તેની પાછળ આર્થિક અને પર્યાવરણીય એવી પૃષ્ઠભૂમિ અને સંઘર્ષ પણ હતો. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી  ઉત્તરાખંડના આ હિમાલયી ક્ષેત્રમાં વિકાસ કાર્યોની શરૂઆત થઈ. સડકો અને સુરંગોનું નિર્માણ અને તે માટે વૃક્ષોનું છેદન તેમાં મુખ્ય હતા. તેને કારણે ભૂસ્ખલન, માટીનું ધોવાણ અને પૂરની ઘટનાઓ બની હતી. ૧૯૭૦નું અલકનંદા નદીનું વિનાશક પૂર લોકોની આંખ ઉઘાડનારું બન્યું. આ પૂરથી લોકોની જમીન અને જીવન નષ્ટ થતાં તેઓ સંગઠિત થયા અને સરકારની વિકાસ નીતિ સામે સવાલો ઊભા કર્યા. સરકાર અને કોન્ટ્રાકટરના વિરોધમાં ઠેરઠેર વિરોધ કાર્યક્રમો થયા. ગાંધીવાદી સામાજિક આગેવાનો સુંદરલાલ બહુગુણા અને ચંડીપ્રસાદ ભટ્ટ, સામ્યવાદી આગેવાન ગોવિંદસિંહ રાવત અને સ્થાનિક મહિલા આગેવાનો તેમાં મોખરે હતાં.

વનોનો વિનાશ કરી સરકાર વૃક્ષોને ઔદ્યોગિક હેતુ માટે બહારના ખાનગી હાથોને આપી રહી હતી. મહિલાઓ માટે જંગલ એટલે પિયર. સંકટ સમયનો આશરો. બળતણ માટેનું લાકડું, ઢોર-ઢાંખરા માટે ઘાસચારો અને રોજગારી જંગલોને કારણે મળતી હતી. પહાડી પ્રજાનું સમગ્ર જીવન તેના પર આધારિત હતું. જો એ ના રહે તો તેમનું જીવન દોહ્યલું બની જાય. વૃક્ષોને કારણે જ વરસાદ અને પાણી મળે છે. માનવ અસ્તિત્વના આધારરૂપ જમીન, વાયુ અને પાણી તેને કારણે છે. એટલે આંદોલનની મુખ્ય માંગણી પહાડી વિસ્તારોમાં લીલાં વૃક્ષોના છેદન પર પ્રતિબંધની હતી. જંગલોનો વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ રોકવાની હતી. રોજગારીના અભાવે જ્યારે પુરુષોને અન્યત્ર સ્થળાંતર કરવાની ફરજ પડે ત્યારે કુંટુંબનું જીવન  ટકાવવાનો મહિલાઓનો આધારા જંગલો હતાં. સ્થાનિક લોકો જ જંગલોને બચાવે છે તે બાબત પણ નીતિ નિર્માતોના ભેજામાં ઉતારવાની હતી.

સુંદરલાલ બહુગુણા

લગભગ દોઢસો કરતાં વધુ ગામોમાં ચિપકો આંદોલના ફેલાયું હતું. સુંદરલાલ બહુગુણાના આમરણ ઉપવાસ, પદયાત્રા, મોટા વિરોધ પ્રદર્શનો, સત્યાગ્રહો, ધરણા અને સભાઓને કારણે સરકારને ચિપકો આંદોલનકારીઓની વાત સાંભળવી પડી. હિમાલયી વનો દેશ માટે પાણી પેદા કરે છે, માટી બનાવે છે, સુધારે છે અને ટકાવે છે. એટલે લીલાં વૃક્ષોનું છેદન ૧૦થી ૨૫ વરસ સ્થગિત રાખવા અને હિમાલયી ક્ષેત્ર ઓછામાં ઓછા ૬૦ ટકા વૃક્ષાચ્છાદિત ના બને ત્યાં સુધી વ્રુક્ષોની કાપણી ના કરવી,  યુદ્ધ સ્તરે  મોટા પાયે વૃક્ષારોપણ કરવું જેવી માંગણીઓ માટે ૧૯૭૪માં યુ.પી. સરકારે આંદોલનકારી નેતાઓ સહિત નિષ્ણાતોની સમિતિ બનાવી હતી. બે વરસ પછી ૧૯૭૬માં સમિતિએ તેનો અહેવાલ આપ્યો. જેમાં માંગણીઓ વાજબી અને સાચી લાગતાં તેણે ૧,૨૦૦ વર્ગ કિ.મી.ના વિસ્તારમાં વ્યાવસાયિક વન છેદન પર ૧૦ વરસનો પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી. રાજ્ય સરકારે આ ભલામણ સ્વીકારતાં આંદોલનને મોટી સફળતા મળી. ૧૯૮૦માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ હિમાલય ક્ષેત્રમાં વ્યાવસાયિક વૃક્ષછેદન પર ૧૫ વરસનો પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો.

ચિપકો આંદોલને પર્યાવરણ જાગ્રતિ અને સ્થાનિક લોકોનો કુદરતી સંસાધનોના ઉપયોગ પર હક અને જાળવણીની ફરજ સ્થાપિત કરી. પ્રાદેશિક આંદોલને રાષ્ટ્રીય વનનીતિ ઘડવાની દિશામાં ચર્ચા જગવી. કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રાલયની રચના, ૧૯૮૦નો વન સંરક્ષન અધિનિયમ, ૧૯૮૮ની રાષ્ટ્રીય વન નીતિ ચિપકો આંદોલનને કારણે શક્ય બન્યાં હતાં.  ચિપકો આંદોલન બીજ બચાવો આંદોલન, નદી બચાવો આંદોલન, વૃક્ષારોપણ અભિયાન, પર્યાવરણ ચેતના અને જાગ્રતિ અભિયાન, ખનન વિરોધી આંદોલન, વનપંચાયત સંઘર્ષ આંદોલન, ટિહરી બંધ પરિયોજના વિરોધી આંદોલન જેવા આંદોલનોમાંથી વિસ્તરીને અંતે સમગ્ર હિમાલય બચાવોમાં પરિવર્તિત થયું તે તેની મોટી સિદ્ધિ છે. પહાડી વિસ્તારની મહિલાઓ ઘરનો ઉંબરો છોડી આંદોલનમાં મોખરે રહી તે મહિલા જાગ્રતિકરણની દિશામાં મહત્ત્વની સફળતા છે.

અપ્પિકો આંદોલન એ ચિપકો આંદોલનની કર્ણાટક આવૃત્તિ છે. કર્ણાટક, કેરળ, બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં આ આંદોલન પહોંચ્યું હતું. ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલેન્ડ, કેનેડા, મેક્સિકો, ડેન્માર્ક અને મલેશિયામાં પણ વૃક્ષ છેદનના વિરોધમાં વૃક્ષોને ગળે લગાડવાનું અને તે રીતે માનવી અને વૃક્ષ વચ્ચેનો પ્રેમ અને તેના પરનો આધાર વ્યક્ત કરવાની ચિપકો આંદોલનની રણનીતિ વૈશ્વિક બની હતી. અહિંસક સત્યાગ્રહનું આ ગાંધી મોડેલ આજે પણ પ્રસ્તુત છે તે તેણે દુનિયાને દેખાડ્યું હતું.

ચિપકો આંદોલનને તેની પચાસીએ મૂલવતાં કેટલીક વિફળતાઓ પણ જણાય છે. જે વિકાસના મોડેલનો તેણે વિરોધ કર્યૉ હતો તે આજે વધુ મજબૂત બન્યું છે. ચિપકો આંદોલને ઘણી રાજકીય સંભાવનાઓ જન્માવી હતી, પરંતુ તેનો ઉપયોગ થઈ શક્યો નહીં. વૃક્ષ્છેદન પરનો પ્રતિબંધ પૂર્ણ થયા પછી તેને લંબાવવા માટે આંદોલન કંઈ કરી શક્યું નહીં. સ્થાનિક પહાડી પ્રજાને ઘાસચારા માટે ઉપયોગી પહોળાં પાનનાં ઝાડને બદલે હવે વ્યાવસાયિક ઉપયોગ માટેના શંકુ આકારના ઝાડ વધ્યાં છે. ઉત્તરાખંડમાં આકાર લઈ રહેલી ચારધામ રાજમાર્ગ જેવી અવૈજ્ઞાનિક માર્ગ નિર્માણ નીતિનો વિરોધ કરવાનું ચિપકો આંદોલનની વારસદાર નવી પેઢી કે તે કાળના હયાત નેતાઓ માટે કેમ બન્યું નથી તે પણ સવાલ છે. હિમાલયને પર્યટનનું કેન્દ્ર બનાવવા એરપોર્ટ, રેલવે, હોટલોનું નિર્માણ થવા લાગ્યું છે. મોટા બંધો, ખનિજોનું ખોદકામ, રોપ-વે, જળવિધ્યુત યોજનાઓ જેવી બાબતોએ પણ ચિપકોની સફળતાને ધોઈ નાંખી છે.

ગાંધીના માર્ગે લોકશક્તિનો વિનિયોગ કરીને મહિલાઓ, આદિવાસીઓ અને ગરીબ ગ્રામીણોનું જન આંદોલન સરકારને નમાવી શકે છે તે ચિપકોની બેમિસાલ સિદ્ધિ છે. પર્યાવરણ કર્મશીલ વંદના શિવાના શબ્દોમાં ચિપકો આંદોલન ઐતિહાસિક, દાર્શનિક અને સંગઠનાત્મક રૂપે પારંપારિક ગાંધીવાદી સત્યાગ્રહોનું વિસ્તૃત સ્વરૂપ તો હતું જ માનવ અસ્તિત્વ સામેના ખતરાને રોકવાનો સભ્ય સમાજનો સભ્ય ઉત્તર હતો.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ખાતર પર દિવેલ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 January 2024

રવીન્દ્ર પારેખ

એ સાચું કે ભારત વૈશ્વિક શક્તિ તરીકે ઊભરી રહ્યું છે, પણ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં તેનું  સ્થાન ઉત્તરોત્તર પતનની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે. છેલ્લાં 12 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ભારતનું  સ્થાન નથી. એની સામે ભારતનાં હરીફ ગણાતાં ચીનની, વિશ્વની 300 યુનિવર્સિટીઓમાં 24 યુનિવર્સિટીઓ છે. એ રીતે ચીન ભારતથી ઘણું આગળ છે. 140 કરોડની વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે એ શરમજનક છે કે તેની એક પણ યુનિવર્સિટી વિશ્વની શ્રેષ્ઠ 300 યુનિવર્સિટીઓમાં ક્યાં ય નથી. એમાં ગુજરાત તો શોધ્યું જડે એમ નથી. જો કે, શૈક્ષણિક પતનનો મોડે મોડે પણ ખ્યાલ આવ્યો હોય કે કેમ, પણ થોડો સળવળાટ 2024ની શરૂઆતમાં જોવા મળ્યો છે, તેને શુભ સંકેત ગણવો પડે.

શુક્રવારે સુરતના એક સમાચાર એવા આવ્યા, જેમાં DEO ભગીરથસિંહ પરમારે 42 સ્કૂલના આચાર્યો સાથે બેઠક કરીને, ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 2023માં ધોરણ દસ-બારની લેવાયેલી પરીક્ષાઓમાં, વિદ્યાર્થીઓનાં નબળાં પરિણામ અંગે શું થઈ શકે એ અંગે ચર્ચા કરી. 49 સ્કૂલો એવી છે જેનું પરિણામ શૂન્ય કે 30 ટકાથી પણ ઓછું છે. એમાં સારી વાત એ હતી કે DEOના પ્રયત્નો બોર્ડની પરીક્ષાઓનું પરિણામ સુધારવા અંગેના હતા. તેમણે આચાર્યોને એક્શન પ્લાન આપ્યો. એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે અગાઉના પ્રશ્નપત્રો પરથી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર તૈયાર કરીને વિદ્યાર્થીઓની ઓપન બુક એક્ઝામ લેવી. એમ થશે તો વિદ્યાર્થીઓ પરીક્ષા પદ્ધતિથી ને જવાબો લખવાથી ટેવાશે. એ પછી વિદ્યાર્થીઓની બોર્ડમાં લેવાય છે એ પદ્ધતિએ પરીક્ષા લેવી. DEOએ એ ખાતરી પણ આપી કે વિષયો અને પ્રકરણો પ્રમાણે વિદ્યાર્થીઓ કેવી રીતે વધુ માર્કસ મેળવી શકે તેનું મોડ્યુલ એક્સ્પર્ટસ પાસેથી તૈયાર કરાવી જે તે સ્કૂલોને મોકલાશે ને તેની તૈયારીઓ વિદ્યાર્થીઓ પાસે કરાવવાની રહેશે.

DEOએ 49 સ્કૂલોને નોટિસ અપાયાનું કારણ આપતાં કહ્યું કે પૂરતા શિક્ષકો છતાં, શાળાનું પરિણામ નબળું આવ્યું છે. સાહેબની આ વાત સત્યથી વેગળી છે, કારણ વર્ષોથી હજારો કાયમી શિક્ષકોની જગ્યાઓ ભરાઈ નથી. જ્ઞાન સહાયકો હાજર થયા નથી ને પ્રવાસી શિક્ષકોની મુદ્દત જાન્યુઆરીમાં પૂરી થવામાં છે, એ સ્થિતિમાં કાયમી તો ઠીક, કામચલાઉ શિક્ષકોના ય ઠેકાણાં નથી, ત્યાં નબળાં પરિણામ કેવી રીતે સુધરે તે પ્રશ્ન જ છે. એમ લાગે છે કે ગુજરાત સરકાર શિક્ષકો વગર જ પરિણામો સુધારવાનો ડોળ કરી રહી છે.

જે શાળાના આચાર્યો બેઠકમાં ઉપસ્થિત ન હતા તેમને સાત દિવસમાં એક્શન પ્લાન આપવાની તાકીદ કરાઇ છે અને 2024માં પરિણામ નબળું આવ્યું તો જે તે આચાર્યો સામે પગલાં ભરવાની ફરજ પડશે એવી ચેતવણી પણ ઉચ્ચારાઈ છે. આમાં સારી વાત એ છે કે ઘણે વખતે વિદ્યાર્થીઓ અંગે વાત થઈ છે. નબળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ બનાવવા, શિક્ષકો એવું કરી શકે કે એવા વિદ્યાર્થીઓને તેઓ વહેંચી લે. જેમ કે કોઈ સ્કૂલમાં દસ વિદ્યાર્થીઓ છે ને શિક્ષકો પાંચ છે તો તે બબ્બે વિદ્યાર્થીઓ વહેંચી લઈને વિશેષ ધ્યાન આપીને ભણાવે. એ ઉપરાંત જરૂર પ્રમાણે જે શાળાઓનું પરિણામ શ્રેષ્ઠ આવ્યું છે તેનાં ઉત્તમ શિક્ષકો અઠવાડિયે બે દિવસ સ્પેશિયલ ક્લાસ લે એવી ગોઠવણ કરી આપવાની ખાતરી પણ DEOએ આપી છે. સાહેબ આવું કરી શકે તો આનંદ જ થાય, બાકી, શ્રેષ્ઠ શિક્ષકો એમની સ્કૂલનું 100 ટકા પરિણામ જળવાઈ રહે તે જોવાને બદલે વધારાની મદદ કરવા તૈયાર થાય એવું ભાગ્યે જ બને.

આ 49 સ્કૂલોએ દર અઠવાડિયે કેટલો સુધારો થયો તેનો રિપોર્ટ કરવાનો રહેશે – એવી તાકીદ પણ કરવામાં આવી છે. એ રિપોર્ટ જે તે વિષયના શિક્ષકોએ કરવાનું અનિવાર્ય છે. વિષય શિક્ષકોએ જે તે વિદ્યાર્થીના વાલીનો અઠવાડિયામાં બે વખત સંપર્ક કરીને વિદ્યાર્થીનું પરિણામ સુધારવા જરૂર પડ્યે કાઉન્સેલિંગ પણ કરવાનું રહેશે. આ કડકાઈની એટલી અસર તો પડી કે સ્કૂલોએ એક્શન પ્લાન DEOને સોંપ્યો. ફેર એટલો પડ્યો કે રેગ્યુલર ક્લાસ ઉપરાંત વધારાના વર્ગો શરૂ કરાયા છે ને પેપર પ્રેક્ટિસ પણ શરૂ કરાવાઈ છે. આવો જ પ્રયત્ન અમદાવાદ DEO રોહિત ચૌધરીએ 3 જાન્યુઆરી, 2024ને રોજ કર્યો છે. તેમણે 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી સકૂલોને પરિપત્ર મોકલ્યો છે, જેમાં 100 ટકા કોર્સ પૂરો કરીને ડિજિટલ પ્રશ્નપત્ર બેન્કનો મહત્તમ ઉપયોગ કરવાની તાકીદ કરાઇ છે, જેથી વિદ્યાર્થીઓ 33 ટકા ગુણ મેળવી શકે.

મોડે મોડે પણ DEO નબળાં પરિણામો અંગે ચિંતિત છે, તે જાણીને આનંદ થાય, પણ સતત મોનિટરિંગ વગર ગાડી પાટે ચડાવવાનું મુશ્કેલ છે તે સમજી લેવાનું રહે. આ સાવચેતી રાખવામાં લગભગ બધા જ DEO મોડા છે. ગયા માર્ચની પરીક્ષાનું પરિણામ તો મેમાં આવી ગયું હતું ને સાહેબો જાન્યુઆરી અડધો થવા આવ્યો ત્યારે મેદાનમાં આવ્યા છે. વળી બોર્ડની પરીક્ષાઓ માર્ચમાં લેવાની વાત છે, એટલે દોઢેક મહિનામાં જે થઈ શકે તે કરવાનું છે. જિલ્લા શિક્ષણાધિકારીઓના સૂચવાયેલા ઉપાયો પર નજર નાખીએ તો કેટલીક વાતો ધ્યાને ચડે છે.

1. સાહેબે પેપર પ્રેક્ટિસ કરાવી ઓપન બુક એક્ઝામ લેવાની વાત કરી છે. કોની એક્ઝામ લેવાની વાત છે, આ? તો કે, 10/12ના નબળા વિદ્યાર્થીઓની. એવા વિદ્યાર્થીઓ જેમને 10માં સુધીમાં થોડાં વર્ષ તો લેખિત પરીક્ષાઓ આપવાનું બન્યું જ છે. એમની સત્રાંત પરીક્ષાઓ લેવાઈ છે. દસમાંમાં બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબ પણ એક્ઝામ્સ લેવાઈ છે. પ્રિલિમ લેવાઈ છે. વળી 12 ધોરણવાળાઓને તો પરીક્ષાઓ આપવાનો વધુ બે વર્ષોનો અનુભવ પણ મળ્યો છે, તેમાં ય દસમાની પરીક્ષા પાસ કરવાનો બોર્ડનો અનુભવ તો ઓલરેડી છોગામાં છે જ ! આ વર્ષોમાં ક્યારે ય ઓપન બુક એક્ઝામ લેવાઈ નથી, તો એની નવી ટેવ પાડવાની જરૂર ખરી? ને એ પ્રેક્ટિસ પછી બોર્ડની જે એક્ઝામ માર્ચ, 2024માં વિદ્યાર્થીઓ આપવાના છે તે તો બુક વગર આપવાની છે, તો એની ટેવ માટે સમય પૂરતો થઈ પડશે? કોઈ પણ વર્ષમાં ઓપન બુક એક્ઝામ્સ સ્કૂલનાં વર્ષોમાં લેવાઈ જ ન હોય તો એ આખો ખ્યાલ બકરું કાઢતાં ઊંટ પેઠું – જેવો તો ન થાયને તે જોવાનું રહે. નબળું પરિણામ ઓપન બુક એક્ઝામથી જ સુધારી શકાય એવું સાહેબને કેવી રીતે લાગે છે તે સમજાતું નથી. જે વિદ્યાર્થીઓને ઉત્તરો લખવાનો કે પેપરનો સામનો પહેલી વાર કરવાનો આવ્યો છે, તેમને પણ ઓપન બુક એક્ઝામનો લાભ અપાયો નથી, તો હવે છેક દસમાંમાં વિદ્યાર્થી વખતો વખત લેખિત પરીક્ષાઓ આપી ચૂક્યો છે, ત્યારે ઓપન બુક એક્ઝામનો વિચાર જ બધી રીતે નકારવા યોગ્ય છે.

2. સવાલોનો સવાલ તો એ પણ છે કે ધોરણ દસ/બારની બોર્ડની પરીક્ષા સુધી વિદ્યાર્થીઓ આવ્યા તે પરીક્ષાઓ આપ્યા વગર? કે વગર પરીક્ષાએ જ બધા દસમાં/બારમાં સુધી આવી ગયા છે? વારુ, માત્ર દસમાંની વાત વિચારીએ તો નવમા સુધી પરીક્ષાની ખબર હતી ને કોઈક રીતે પાસ પણ થયા છે. તો, દસમાંમાં આવતાં જ એકાએક પરીક્ષાઓ કેમ અપાય તે ભૂલી ગયા કે એમને ઓપન બુક એક્ઝામમાં ઉતારવા પડે? આપણું શિક્ષણનું માળખું એવું તો છે જ કે વિદ્યાર્થીઓને ભણવાનો અનુભવ કદાચ નહીં હોય, પણ પરીક્ષાનો અનુભવ તો વર્ષોનો છે.

3. માત્ર 10નાં રિઝલ્ટની જ વાત કરીએ તો 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 2022માં 1,007 હતી, તે 2023માં 77 વધીને 1,084 થઈ. શૂન્ય ટકા પરિણામ લાવનારી શાળાઓ રાજ્યમાં 2022માં 121 હતી, તે 2023માં 36 વધીને 157 થઈ. મતલબ કે નબળાં પરિણામમાં શાળાઓએ ઠીક ઠીક વિકાસ કર્યો છે. 30 ટકાથી ઓછાં પરિણામવાળી શાળાઓ ગ્રાન્ટેડ અથવા તો સરકારી છે. એનાં વિદ્યાર્થીઓ ટ્યૂશન ક્લાસમાં જતા હતા કે વર્ગશિક્ષણ પર જ આધારિત હતા તે ખબર નથી, પણ એટલી અટકળ તો થઈ જ શકે કે આવી સ્કૂલના વિદ્યાર્થીઓ ટ્યૂશન ક્લાસમાં નહીં જઈ શકતા હોય, બાકી ક્લાસિસમાં તો પરીક્ષાનો સારો એવો અનુભવ મળી રહેતો હોય છે. એ ઉપરાંત પણ સ્કૂલો પરીક્ષાઓ તો લેતી જ હોય છે, એટલે વિદ્યાર્થીઓ એમાં બેસતા નહીં હોય તો જ પરીક્ષાનો અનુભવ નહીં હોય, એ સ્વીકારીએ તો  સવાલ એ થાય કે આ વિદ્યાર્થીઓ 10માં સુધી આવ્યા કઇ રીતે? 9 ધોરણ સુધી તો એ પાસ થયા કે એમ જ સીધા 10માંમાં આવી ગયા?

4. DEOએ વિદ્યાર્થીઓ પરીક્ષામાં વધારે માર્કસ મેળવી શકે એ માટે, એક્સપર્ટ દ્વારા મોડ્યુલ તૈયાર કરાવવાની વાત કરી છે. તેવું થાય તો સોના કરતાં પીળું, પણ જાન્યુઆરી અડધો વીતી ચૂક્યો હોય ને પરીક્ષા ધસમસતી આવી રહી હોય ત્યારે એક્સપર્ટ પાસે મોડ્યુલ તૈયાર કરાવવાનું ને તે સ્કૂલોને ને ત્યાંથી વિદ્યાર્થીઓને પહોંચાડવાનું સરળ નથી. એ મોડ્યુલ હાથમાં આવ્યા પછી વિદ્યાર્થીઓ એની તૈયારી કેવી ને કેટલી કરી શકે એ પણ વિચારવાનું રહે. ટૂંકમાં, પરીક્ષા આવી ચડી હોય ત્યારે આ આખો ઉપક્રમ પાર ન પડે તો ‘ખાતર પર દિવેલ’ થવાની શક્યતાઓ વધે જ છે.

5. એમ લાગે છે કે જે વિદ્યાર્થીઓ વર્ગમાં કે પરીક્ષામાં સતત વર્ષોથી હાજર જ ન રહ્યા હોય તેમને ઓપન બુક એક્ઝામ કે પેપર પ્રેક્ટિસની નવાઈ હોય, બાકી દસમાં સુધી પ્રશ્નપત્રોની જાણકારી વગર વિદ્યાર્થી એમ જ પાસ થયા કરે તો આપણો શૈક્ષણિક સ્તર કઇ હદે નબળો છે એ કહેવાની જરૂર ખરી?

જે સ્તરે સ્કૂલ શિક્ષણ કથળ્યું છે એ નવી શિક્ષણ નીતિને બહુ ઝડપથી જૂની કરી દે એમ બને, કારણ એ પોલિસીનો સૂચારુ રૂપે અમલ થાય એવી વ્યવસ્થા કરવાની જ શિક્ષણ વિભાગની તૈયારી ન હોય, તો એકલી પોલિસી જાતે તો સફળ ન થાયને !  રાજ્ય સ્તરે જ શિક્ષણની અમર્યાદ દુર્દશા સતત વર્તાતી હોય ત્યાં વૈશ્વિક સ્તરે ગુજરાતનું સ્થાન નિમ્ન સ્તરે પણ કેટલું નીચે હોય એની તો કલ્પના જ કરવાની રહે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 જાન્યુઆરી 2024

Loading

...102030...878879880881...890900910...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved