Opinion Magazine
Number of visits: 9846201
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (27) : સમાપન-લેખ : સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સમર્થ ontological corpus of poetics છે  

સુમન શાહ|Opinion - Opinion|16 January 2024

સુમન શાહ

આ પહેલાંનાં લેખોમાં, કેટલાક કાવ્યાચાર્યો વિશે વાત કરી, તે ઉપરાન્ત —

અર્થાલંકારોના વાસ્તવ, ઔપિમ્ય, અતિશય, શ્લેષ એવું વર્ગીકરણ કરનાર રુદ્રટ (નવમી શતાબ્દીનો પ્રારમ્ભ : ગ્રન્થ, “કાવ્યાલંકાર”); 

નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોગ, સમવકાર, બીથી, અંક, ઈહામૃગ એમ રૂપકના ૧૦ પ્રકાર દર્શાવનાર ધનંજય (દસમી સદી, ઉત્તરાર્ધ : ગ્રન્થ, “દશરૂપક”); 

અર્થના ‘વાચ્ય’ અને ‘અનુમેય’ પ્રકારો દર્શાવનાર મહિમ ભટ્ટ (અગિયારમી શતાબ્દીનો મધ્યકાળ : ગ્રન્થ, “વ્યક્તિવિવેક”);

વાઙ્મયના કાવ્ય, શાસ્ત્ર, ઇતિહાસ, કાવ્યશાસ્ત્ર, કાવ્યેતિહાસ, શાસ્ત્રેતિહાસ એમ ૬ પ્રકાર દર્શાવનાર ભોજદેવ (અગિયારમી શતાબ્દીનો પૂર્વાર્ધ : ગ્રન્થ, “સરસ્વતીકણ્ઠાભરણ”);

પૂર્વવર્તી કાવ્યાચાર્યોની કાવ્યશાસ્ત્રસમ્બન્ધી ધારણાઓનું પર્યવેક્ષણ કરનાર રુય્યક (બારમી શતાબ્દીનો મધ્ય ભાગ : ગ્રન્થ, “અલંકારસર્વસ્વ”);

વાક્યમ્ રસાત્મકમ્ કાવ્યમ્ -ના ઉદ્ગાતા અને કાવ્યનાં પૂર્વકાલીન લક્ષણોની વીગતવાર ટીકાટિપ્પણી કરનાર વિશ્વનાથ (ઇસવી સન ૧૩૦૦-૧૩૫૦ : ગ્રન્થ, “કાવ્યદર્પણ”);

—વગેરે કાવ્યાચાર્યો થઈ ગયા છે. 

આમ, વિક્રમ-પૂર્વ બીજા શતકમાં થઈ ગયેલા ભરત મુનિથી માંડીને સત્તરમી સદીમાં થઈ ગયેલા જગન્નાથ સુધીના કાવ્યાચાર્યોની પરમ્પરા કાવ્યજ્ઞાનના પિપાસુઓ માટે સદા સ્મરણીય અને પ્રેરણાદાયી નીવડે એવી સમૃદ્ધ અને બહુમૂલ્ય છે. એ સુદીર્ઘ સમયપટ દરમ્યાન નિત્ય વિકસેલા આ સંસ્કૃત કાવ્યશાસ્ત્રને હું અદ્વિતીય વારસો ગણું છું. 

મારું દૃઢ મન્તવ્ય છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એક સમર્થ ontological corpus of poetics છે. એના સમર્થનમાં, મારે મારાં ૪ મન્તવ્યો રજૂ કરવાં છે : 

૧ : બે વિચારધારા :

હું એમ માનું છું કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વ્યક્ત થયેલો કાવ્યવિચાર બે ધારામાં વહ્યો છે : 

પહેલી ધારા :

એમાં, કાવ્યસર્જનના પરિણામે, ભાવન સંદર્ભે સંભવતા અનુભવની પર્યેષણા થઈ છે. એ અનુભવ છે – રસાનુભવ – કલાનુભવ – ઍસ્થેટિક ઍક્સપીરિયન્સ. મુખ્ય પર્યેષકો છે, રસસૂત્રકાર ભરત, સૂત્રના ટીકાકાર લોલ્લટ, શંકુક, ભટ્ટ નાયક, અભિનવગુપ્ત, રસનો ધ્વનિતત્ત્વ સાથે સમ્બન્ધ જોડનાર આનન્દવર્ધન, અને વામન. કાવ્યકલાના અનુભવ-વિષયના એ સૌ સમર્થ દાર્શનિકો છે, કાવ્યશાસ્ત્રીઓ છે. એમણે સાગમટે ચિન્તવ્યું કે મનુષ્યજીવનના ભાવસમૂહનું ‘સંયોગાત્’ રસસમૂહમાં રૂપાન્તર થાય છે. વામને એ રૂપાન્તરની રીતિને વર્ણવી બતાવી. 

બીજી ધારા :

એમાં, એ રસાનુભવનું સર્જન જેમાં થાય છે એ માધ્યમની પર્યેષણા થઈ છે. એ માધ્યમ તે ભાષા – અલંકૃત ભાષા – કાવ્યભાષા. મુખ્ય પર્યેષકો છે, ભામહ, દણ્ડી, ઉદ્ભટ્ટ, કુન્તક અને વિશ્વનાથ. એ સૌ કાવ્યમાધ્યમના જ્ઞાતા કાવ્યશાસ્ત્રીઓ છે. એમણે ચિન્તવ્યું કે જીવન-વ્યવહારમાં પ્રયોજાતી ભાષા કેવી રીતે કાવ્યભાષા બને છે. એમણે દર્શાવ્યું કે અલંકારતત્ત્વ અને વક્રતાયુક્ત ઉક્તિ-તત્ત્વોને કારણે કાવ્યભાષા સંભવે છે. લગભગ સૌ કાવ્યાચાર્યોએ એ પણ સૂચવ્યું કે કાવ્યભાષામાં ગુણ અને દોષ કેવો તો પ્રભાવક ભાગ ભજવી શકે છે, વિશ્વનાથે એ ગુણ-દોષની સાધકબાધક ટીકા કરી.

૨ : મતભિનન્તા અને મતવૈવિધ્ય :

મારું બીજું મન્તવ્ય છે કે રસ ધ્વનિ અલંકાર રીતિ ઇત્યાદિ તત્ત્વો વિશે, એ દરેક વિશે, વિભિન્ન આગ્રહો જનમ્યા, સૈકાઓ લગી ઘુંટાયા, અને એને કારણે રસસમ્પ્રદાય વગેરે જુદા જુદા સમ્પ્રદાયો ઉદ્ભવ્યા. એ મતભિન્નતા કે મતવિવિધતા સૂચવે છે કે આ કાવ્યાચાર્યોનું સાહિત્યવિષયક દર્શન મૂળગામી હતું એટલું જ વિપક્ષ વિશે સમુદાર હતું. સર્જન અને કલાસર્જન જેવી મૂળભૂત માનવીય વૃત્તિ-પ્રવૃત્તિ વિશેનો એ વિમર્શપરામર્શ અનેકશ: સુચિન્તિત છે, આવકાર્ય છે. 

૩ : સુગ્રથિત સાહિત્યવિચાર :

મારું ત્રીજું મન્તવ્ય છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એક સુગ્રથિત સાહિત્યવિચાર છે. કેમ કે —

— એમાં, કાવ્યની સુદૃઢ વ્યાખ્યાઓ અને તેનાં વિવરણ છે. એથી કાવ્યના સ્વરૂપને, નૅચરને, સમજવા માટેનું એક સુગ્રથિત માળખું રચાયું છે.

— એમાં, કાવ્યસર્જનના વસ્તુની તેમ જ રીતિની, કન્ટેન્ટ તેમ જ ફૉર્મની, ચર્ચા છે. ભાવોનું રસમાં રૂપાન્તર કરનારા ‘સયોગ’-ની ચર્ચા છે.

— એમાં, કાવ્યકલાના ફળની, ફન્કશનની, ચર્ચા છે. એ ફળ તે રસ, કલા.  

— એમાં, પ્રતિભા, વ્યુત્પત્તિ, અભ્યાસ જેવાં કાવ્યસર્જનનાં કારણસ્વરૂપ હેતુઓની, બીજા શબ્દોમાં, સર્જકની સજજ્તા અથવા પૅરાફે’નેલિયાની ચર્ચા છે. કહેવાયું છે કે કવિએ શબ્દ, છન્દ, કોષપ્રતિપાદિત અર્થ, ઐતિહાસિક કથાઓ, લોકવ્યવહાર, યુક્તિઓ અને કલાઓનું મનન કરવું જોઈશે. 

— એમાં, રસાનુભવની પ્રાપ્તિ જેવા આ શાસ્ત્રના બીજા છેડાની ચર્ચા છે. બીજે છેડે શ્રોતા કે વાચક છે. શાસ્ત્રમાં એને સહૃદય ભાવક કહ્યો છે. એની સજજ્તા માટે કહેવાયું છે કે એણે ઉત્તમ સાહિત્યકૃતિઓનું પરિશીલન કરવું જોઈશે. સહૃદયની તુલનામાં અન્ય માટે જડ, અરસિક, અવ્યુત્પન્નમતિ, અલ્પધીય વગેરે શબ્દો પ્રયોજાયા છે.

— એમાં, કાવ્યસર્જનનાં યશ વગેરે પ્રયોજનોની (કે પરિણામોની) ચર્ચા છે. 

૪ : સર્વાંગસ્પર્શી ઉદ્યમ : 

મારું ચૉથું મન્તવ્ય એ છે કે એમાં શાસ્ત્ર-સ્થાપનને માટેનો સર્વાંગસ્પર્શી ઉદ્યમ ભળ્યો છે. એ ઉદ્યમમાં વૈવિધ્ય સાથેનું સાતત્ય છે. જેમ કે —

— ભરત મુનિના “નાટ્યશાસ્ત્ર”-માં નાટક મુખ્ય વિષય છે. પરન્તુ એમણે આપેલા રસસૂત્ર અનુષંગે કાવ્ય આખ્યાયિકા ગાથા એમ વિચાર વિસ્તર્યો છે. જેમ કે, મહિમ ભટ્ટ અને ભોજ ‘કાવ્ય’ અને ‘નાટ્ય’-નો ભેદ પાડે છે. ભોજ વાઙ્મયના વક્રોક્તિ, રસોક્તિ, સ્વાભાવોક્તિ વર્ગ પાડે છે, રસોક્તિને સૌથી વધુ હૃદયગ્રાહિણી ગણે છે. કાવ્યશાસ્ત્રમાં એ પ્રકારે વાઙ્મયના અન્ય વિભાગોનો સમાસ થયો છે. 

— ચર્ચા હમેશાં શબ્દ અને અર્થ બન્નેને લક્ષમાં રાખીને થતી હોય છે. કેમ કે, વાક્યમાં કે પરિચ્છેદમાં, શબ્દ શ્રુતિ રૂપે અને અર્થ તાત્પર્ય રૂપે નિર્ણાયક ભાગ ભજવતા હોય છે.

— રસનો શબ્દશક્તિ સાથે કે કાવ્ય સાથેનો વાચ્ય-વાચક, ગમ્ય-ગમ્યક, લક્ષ્ય-લક્ષક કે ભાવ્ય-ભાવક ભાવ ચર્ચાયો છે; એથી ચર્ચાની તર્કસંગત પરિપાટીનો અંદાજ આવે છે.

— રસતત્ત્વ જ એક સત્ય છે, જુદા જુદા વિદ્વાનો એને પોતાના શબ્દોમાં પોતપોતાની શૈલીએ કે રીતેભાતે વર્ણવે છે.

— પાયામાં સ્થાયી ભાવ છે એ હકીકતનો સૌએ સ્વીકાર કર્યો છે. એના સ્વાદ્યત્વને કારણે રસ સંભવે છે. છતાં, રસને ‘પ્રતીયમાન’ ગણીને તેઓએ એ સૂક્ષ્મ તત્ત્વના સ્વરૂપની રક્ષા કરી છે.

— શબ્દ અને અર્થ ઉપરાન્ત, હમેશાં ધ્વન્યાર્થની ચર્ચા થતી હોય છે. કેમ કે, કવિતામાં કે સાહિત્ય સમગ્રમાં, શબ્દાર્થ દ્વારા હમેશાં કશુંક ધ્વનિત થતું હોય છે, સૂચવાતું હોય છે.

— જે સૂચવાય છે એ રસ અથવા કલા હોય છે, અને તે હમેશાં અનુભવનો વિષય હોય છે. આ સંદર્ભમાં કહેવું જોઈએ કે સૌ કાવ્યાચાર્યો સ્વ મતની રજૂઆત કરે છે, પણ એ સ્વ મતને તેઓ રસ અને ધ્વનિવિચારમાં પૂરેપૂરી સાવધતાથી ભેળવી દે છે, અને એ પ્રકારે વિચારવર્તુળને સમ્પન્ન કરે છે. 

— આ કાવ્યાચાર્યો વાચ્યત્વને નકારે છે, પૂછે છે કે વિભાવ અનુભાવ વ્યભિચારી ભાવના સંયોગથી રચાતી રસ-પ્રતિપત્તિ વાચ્ય શી રીતે હોઈ શકે? કેમ કે નહિતર તો અવ્યુત્પન્નચિત્ત અરસિકોને પણ રસાસ્વાદ મળે ! કાવ્યાચાર્યો હમેશાં એક જ વાત કરે છે કે સહૃદયોને જ રસાનુભૂતિ થઈ શકે. 

— કાવ્યચર્ચામાં હમેશાં કાવ્યના ‘આત્મા’-ની સ્થાપના થતી હોય છે પણ ‘કાવ્યદેહ’-ને પણ એટલો જ ધ્યાનમાં લેવાતો હોય છે; એટલું જ નહીં, દેહના અંગાંગમાં એ આત્મારૂપ તત્ત્વની ગવેષણા થતી હોય છે. આ સંદર્ભમાં, મને, મનુષ્યના ભાવસમૂહના વ્યાખ્યાતા ભરત, વક્રોક્તિના વ્યાખ્યાતા કુન્તક અને ઔચિત્યના વ્યાખ્યાતા ક્ષેમેન્દ્ર ઉત્તમ દૃષ્ટાન્તરૂપ લાગ્યા છે. 

— આ એક મહાન પાણ્ડિત્યપરમ્પરા છે – ઍરુડિશનલ ગ્રેટ ટ્રેડિશન. સૌ કાવ્યાચાર્યો પોતપોતાનો સ્વતન્ત્ર મત રચે છે. તેમછતાં, લગભગ દરેક કાવ્યાચાર્યે પૂર્વવર્તી આચાર્યોને પચાવ્યા છે. જેમ કે, સૌએ ભરત મુનિના રસસૂત્રને કેન્દ્રમાં રાખીને એ ‘સંયોગાત્’ રચાતા અને અનુભવાતા રસની પર્યેષણા કરી છે. એટલું જ નહીં, સૌએ રસતત્ત્વવિચાર અને ધ્વનિવિચારને પોતપોતાની રીતે સ્વીકાર્યો છે, તેનું સંવર્ધન કર્યું છે. રુય્યકે ભામહ, ઉદ્ભટ્ટ, રુદ્રટ, વામન, શંકુક, અને આનન્દવર્ધનના વિચાર-મન્તવ્યોની સમીક્ષા કરી છે. વિશ્વનાથે ‘કાવ્યસ્ય આત્મા ધ્વનિ’ છે, એ વિશે પ્રશ્ન કર્યો છે; દોષરહિત, ગુણસહિત અને અલંકારોથી વિભૂષિત શબ્દાર્થને કાવ્ય કહેવાય એ ચીલાચાલુ મન્તવ્યની પણ સમીક્ષા કરી છે. 

— આ કાવ્યશાસ્ત્ર સમગ્રતયા તર્કપૂત અને તર્કશુદ્ધ છે. એમાં, તર્કને સાચવનારી એટલી જ વિશદ તીક્ષ્ણ પરિભાષા છે. જેમ કે, વિભાવ, તેનાં આલમ્બન અને ઉદ્દીપન એવાં બે રૂપ, અનુભાવ, અનુભાવનો અભિનય સાથેનો સમ્બન્ધ, વ્યાખ્યાયિત ૩૩ વ્યભિચારી ભાવો, અભિનયના વાચિકમ્ આદિ પ્રકારો, વગેરે. એમાં, વર્ગ અને ઉપવર્ગને વરેલું વર્ગીકરણ છે. જેમ કે, ધનંજય રૂપકના ૧૦ પ્રકાર દર્શાવે છે, અને પ્રત્યેકની વ્યાખ્યા કરે છે. ભોજ આઠ રસમાં ‘શાન્ત’, ‘ઉદાત્ત’ અને ‘ઉદ્ધત’-ને ઉમેરે છે. વગેરે. એ પરિભાષાના જ્ઞાન વિના કાવ્યશાસ્ત્રનો બોધ શક્ય નથી.

કાવ્યશાસ્ત્ર કવિને, સર્જકને, પુણ્યાત્મા ગણે છે, એની કીર્તિને યાવચ્ચન્દ્ર દીવાકરૌ ગણે છે. પરન્તુ એમાં મને એમ ઉમેરવું ગમે છે કે આ કાવ્યાચાર્યો પણ પુણ્યાત્મા હતા, એમની કીર્તિ પણ યાવચ્ચન્દ્ર દીવાકરૌ છે. 

અસ્તુ. 

= = = = = = =

(01/15/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મમતાનું મોત!

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 January 2024

રવીન્દ્ર પારેખ

એનું નામ સૂચના. સૂચના શેઠ. આમ પશ્ચિમ બંગાળની, પણ બેંગ્લુરુમાં એક સ્ટાર્ટ અપ કંપનીની તે CEO છે. ઉંમર 39 વર્ષ. તે AI એથિક્સ એક્સપર્ટ અને ડેટા સાયન્ટિસ્ટ છે. એ ક્ષેત્રનો તેને બારેક વર્ષનો અનુભવ છે. આ ઉપરાંત રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરમાંથી, સંસ્કૃતમાં, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમામાં, તેણે પ્રથમ ક્રમ મેળવ્યો છે તો, ભવાનીપુર એજ્યુકેશન સોસાયટી કોલેજ, કોલકાતામાંથી પ્રથમ ક્રમે ફિઝિક્સ(ઓનર્સ)માં ગ્રેજ્યુએશન પણ કર્યું છે. તે પછી કોલકાતાથી જ તેણે પ્લાઝમા ફિઝિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તે હાવર્ડમાં બે વર્ષ સુધી બર્કમેન કલેઇન સેન્ટરમાં ફેલો પણ રહી ચૂકી છે. અમેરિકામાં એ.આઈ. કંપનીમાં પણ તે કામ કરી ચૂકી છે. 2020માં ‘ધ માઇન્ડફૂલ આઈ.ટી. લેબ કંપની’ તેણે સ્થાપી છે ને આઇ.ટી. હબ મનાતા બેંગ્લુરુમાં તેનું નામ ને નામના છે. એ.આઈ. એથિક્સ દ્વારા 2021માં 100 બ્રિલિયન્ટ વિમેનની યાદી બહાર પડી, એમાં સૂચના શેઠનું નામ છે. લગ્નનાં નવેક વર્ષે તેને એક દીકરો જન્મેલો. તેનાં લગ્ન 2010માં કેરળના વેંકટ રામન સાથે થયાં ને 2023માં તો વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. પતિ પુત્રને મળે તે સૂચનાને મંજૂર ન હતું, પણ કોર્ટે તેને આદેશ કર્યો હતો કે પિતાને, પુત્રને મળતા રોકી શકાય નહીં, એટલે દર રવિવારે તેને દીકરાને મળવા દેવો.

પિતા ન મળે એટલે સૂચના દીકરાને લઈને ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર પહોંચી. 6 જાન્યુઆરી, 2024ને રોજ તેણે પુત્રની સાથે કેન્ડોલિમ સર્વિસ એપાર્ટમેન્ટમાં ચાલતી સોલ બાયાન ગ્રાન્ડ હોટેલનાં રૂમ નંબર 404માં ચેક ઇન કર્યું. 6,7,8 જાન્યુઆરીએ તે પુત્ર સાથે ગોવા ફરે છે ને 8 જાન્યુઆરીની રાત્રે દસેક વાગે હોટેલ રિસેપ્શનને બેંગ્લુરુ જવાનો ઇરાદો જાહેર કરીને કેબ બુક કરવા કહે છે. ટ્રાવેલ ડેસ્કને તેની વાત વિચિત્ર લાગે છે. સ્ટાફે તેને સમય ઓછો લાગે ને ખર્ચ પણ ઓછો થાય એ ગણતરીએ ફ્લાઇટમાં જવા સમજાવી, પણ સૂચના ટેક્સી દ્વારા જ બેંગલુરુ જવા મક્કમ હતી. સ્ટાફે તેનાં આગ્રહને માન આપીને ટેક્સી મંગાવી, પણ એક સવાલ પૂછ્યો કે તે આવી ત્યારે દીકરો સાથે હતો, તે જતી વખતે જણાતો ન હતો. સૂચનાએ કહ્યું કે દીકરાને એક મિત્રને ત્યાં માર્ગોવામાં મૂક્યો છે ને એક મોટી બેગ સાથે તે બેંગ્લુરુ જવા રવાના થઈ ગઈ.

સૂચનાના ચેક આઉટ પછી, બીજી સવારે હોટેલ સ્ટાફ સાફસફાઇ માટે રૂમ નંબર 404માં ગયો, તો ત્યાં લોહીના ડાઘા જોવા મળ્યા. સ્ટાફની વાત સાંભળીને હોટેલે તરત જ કાલંગુટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. જે ડ્રાઈવર સૂચનાને લઈને જઇ રહ્યો હતો, તેને કર્ણાટકના નજીકના ચિત્રદુર્ગ વિસ્તારના ઇમંગલા પોલીસ સ્ટેશન તરફ જવા ગોવા પોલીસે સૂચના આપી. ડ્રાઇવરે તેનો અમલ કર્યો. પોલીસે સૂચનાને અટકમાં લઈને દીકરા અંગે જાણવા પૂછ્યું તો તે મિત્ર પાસે છે તેવો ખુલાસો કરતા એ મિત્રને સરનામે તપાસ કરાઇ તો સરનામું ખોટું નીકળ્યું. વધુ તપાસ કરતાં બેગમાંથી દીકરાની લાશ મળી આવી. સૂચનાને કોર્ટમાં રજૂ કરીને તેનાં ટ્રાન્ઝિટ રિમાન્ડ પોલીસે મેળવ્યા. તેનો

સૂચના શેઠ

પતિ વારા પ્રમાણે રવિવારે મળવા આવે તો ન મળી શકે એ માટે તે ગોવા પહોંચી, પણ તેનો પતિ પહોંચે એમ જ ન હતું, કારણ એ તો ઇન્ડોનેશિયાના જકાર્તામાં હતો. જો એ જકાર્તા હતો તો એ આવશે એવી ગણતરીએ તે ગોવા કેમ ગઈ કે કારણ કોઈ બીજું જ હતું, તેની ખબર નથી, પણ કૈંક ભેદ છે એવું લાગ્યા વગર રહેતું નથી. એમાં કોઈ શંકા નથી કે સૂચના પ્રખર મેધાવી મહિલા છે ને તેણે બુદ્ધિનો ઉપયોગ આ હત્યા પાછળ કર્યો છે. વધુ વાતો તપાસ પછી બહાર આવે એમ બને.

જો કે, કાયદો, કાયદાની રીતે કામ કરશે, પણ આ ઘટના આજની નારીના બદલાતાં આવતાં અત્યંત નિષ્ઠુર સ્વરૂપને પ્રગટ કરે છે. આજની સ્ત્રી કેરિયર ઓરિએન્ટેડ થઈ છે ને તે હવે લગ્ન ન કરવાના મતની થતી જાય છે. કદાચને સૂચના જેવી સ્ત્રી લગ્ન મોડે મોડે કરે છે, તો વાત ઘણુંખરું છૂટાછેડા પર આવે છે. આવા સંજોગોમાં લગ્ન મોડા થવાથી સંતાન સુખથી વંચિત રહેવાનું પણ આવે છે ને જેમને કેરિયરમાં રસ છે તે સ્ત્રીઓ તો સંતાન બહુ ઇચ્છતી પણ નથી. સૂચનાની વાત થોડી જુદી પડે છે, તે એ રીતે કે સંતાન તો તે મેળવે છે, પણ પતિ સાથે છેડા છોડવા પર વાત આવે છે. મોટે ભાગે એવું બને છે કે કેરિયર ઓરિએન્ટેડ સ્ત્રીને, જો તે પરણે છે તો લગ્ન, જીવન સંઘર્ષનું એક કારણ મોડું વહેલું પણ બને છે. તે સ્વસ્થ અને સ્વતંત્ર નિર્ણયો લઈ શકતી મક્કમ સ્ત્રી અલબત્ત ! થઈ છે. તે પ્રખર બુદ્ધિ ધરાવે છે ને પુરુષની જેમ જ તે પણ તેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં કરી શકે છે.

સૂચનાનો આ દાખલો આવનાર સમયની સ્ત્રીનો પડઘો પાડતો હોય તો નવાઈ નહીં !  એક સ્વર એવો પણ ઊઠે છે કે કુટુંબ વ્યવસ્થા લગભગ ખોરવાઇ ગઈ છે. આવનારી પેઢી પાસે સત્તા, સંપત્તિ અને સ્વાસ્થ્યની સગવડો હશે, પણ સંવેદન, સ્નેહ અને સંવર્ધનની તકો ઉત્તરોત્તર ઘટતી આવે છે. માંગણી છે, પણ લાગણી નથી. ચામડી છે, પણ રૂંવાડું ફરકતું નથી. આ ગાળામાં બુદ્ધિ વધુ સ્વસ્થ રાખશે, પણ કલેજું ક્રૂર અને ઠંડું હશે. હત્યાઓ ઉશ્કેરાટમાં નહીં, તેટલી ઠંડે કલેજે થતી હશે, જે સૂચનાના કિસ્સામાં પણ જોઈ શકાય છે. તે ચાર વર્ષના સગા દીકરાને નિર્મમતાથી મોતને ઘાટ ઉતારી શકે છે ને કશું જ બન્યું ન હોય તેમ લાશને બેગમાં ભરીને સ્વસ્થતાથી ગોવા છોડી શકે છે. કુદરત આટલી સ્વસ્થતા કોઈને ન આપે એવી પ્રાર્થના કરવી પડે એવા દિવસો આવ્યા છે. આમ તો ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ ગવાયું છે. એવું પિતા કે પુત્ર માટે નથી કહેવાયું. માનો દરજ્જો આજ સુધી વિશેષ ગણાયો છે. આજે ય મા અજોડ જ છે, પણ જે રીતે તેની જુદી છબી ઊભરી રહી છે, એ પરથી લાગે છે કે છેવટે તો તે પણ સ્ત્રી જ છે. સ્ત્રી કોમળ આજે ય છે, પણ તે નિષ્ઠુર, નિર્દયી, નિર્લજ્જ હોઈ શકે છે એ અનિચ્છાએ પણ સ્વીકારવું પડે એમ છે. સ્ત્રી હત્યારી હોઈ શકે છે, પણ મા હત્યારી હોય એ અસહ્ય છે.

સૂચનાને જોઈએ તો થાય છે કે તે બધી રીતે સક્ષમ છે. તેને પતિ સાથે ન ફાવે ને છૂટાછેડા લે તે ય સમજી શકાય એમ છે, પણ તે ચાર વર્ષનાં પોતાનાં જ દીકરાની હત્યા કરે ત્યારે અરેરાટી વ્યાપી જાય છે. પોલીસના કહેવા પરથી પતિ દીકરાને મળવા આવે એ તેને ગમતું ન હતું ને તે ચાર વર્ષનાં માસૂમ દીકરાને ન મળી શકે એટલે તેને મોઢે ઓશીકું દાબીને ઘાતકી રીતે મારી નાખે તે નિષ્ઠુરતાની પરાકાષ્ટા છે. પતિ દીકરાને મળે તે માને ગમતું નથી, પણ દીકરો તો તેનો પણ હતો, તેને તો ગમતો હતોને ! તો તેને મારી કેમ શકાય? વાંધો પતિ સામે હતો, પણ પતિને આંગળીયે અડાડયા વગર તે ભોગ સગા દીકરાનો લે છે, એ દીકરાનો જેણે તેનું કઇ જ બગાડયું નથી. ગોવા તે હત્યાને ઇરાદે જ આવી હોવાનું પોલીસનું માનવું છે. એ તો હોટેલ સ્ટાફ અને ડ્રાઈવરની સમયસૂચકતા હતી કે સૂચનાને પોલીસ સુધી પહોંચાડી શકાઈ. એટલું છે કે હત્યાનું જે કારણ તેણે આપ્યું છે તે ગળે ઊતરે એમ નથી. પતિને દીકરાને મળતો રોકવા તે ગોવા આવી, તે પણ પતિ જકાર્તા છે, ત્યારે ! કોઈ પણ રીતે પતિ મળી શકે એમ જ નથી એવી શક્યતા હતી, ત્યારે જ તે ગોવા આવે છે. એટલે તેણે જે સમય પસંદ કર્યો છે, તે પતિની નિશ્ચિત ગેરહાજરીનો છે. દીકરો પાછો લઈને બેંગ્લુરુ જાય તે પછી પણ પિતા દીકરાને મળવા આવે એ શક્યતા તો દરેક રવિવારે હતી જ હતી, એટલે તેને થયું હશે કે ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી – જેવું જ કરવું, પણ એટલું કરવામાં તેણે દીકરાને તો મોત આપ્યું, પણ મમતાને પણ મોત જ આપ્યું. સૂચનાએ માતાની વ્યાખ્યા જ જાણે બદલી નાખી છે. મા આવી પણ હોય એવી શક્યતાને તેણે વધુ દૃઢ કરી છે. મા પર પણ અવિશ્વાસ થઈ શકે એ વાત સૂચનાએ, કોઈ પણ સૂચના આપ્યા વગર સિદ્ધ કરી આપી તે દુ:ખદ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 14 જાન્યુઆરી 2024

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (26) : રુય્યક

સુમન શાહ|Opinion - Opinion|14 January 2024

આજે, રુય્યક વિશે —

રુય્યકનો સમય છે, બારમી શતાબ્દીનો મધ્ય ભાગ. એમનો ગ્રન્થ છે, “અલંકારસર્વસ્વ”. 

રુય્યકનો મહિમા એ કારણે છે કે એમણે મોટા ભાગના પૂર્વવર્તી આચાર્યોની કાવ્યશાસ્ત્રસમ્બન્ધી ધારણાઓની ફેરતપાસ કરી છે – પર્યવેક્ષણ, સુપરવિઝન.

પર્યવેક્ષણ — Supervision

એક તો છે, ભામહ આદિ અલંકારિકોનાં અલંકારવિષયક મન્તવ્યો. “અલંકારસર્વસ્વ”-ના રચયિતા રુય્યક પોતે આ પર્યવેક્ષણ કરતાં કહે છે —

૧ :

ભામહ, રુદ્રટ વગેરે આલંકારિકોએ પ્રતીયમાન અથવા વ્યંગ્ય અર્થને અલંકારોમાં સમાવી દીધો છે, કેમ કે એ વાચ્યાર્થનો ઉત્કર્ષ કરે છે; જેમ કે, પર્યાયોક્તિ, અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ, વ્યાજસ્તુતિ, અનન્વય અલંકારોમાં. 

૨ :

રુય્યક કહે છે, રુદ્રટે તો ઉપમા વગેરે અલંકારોને અર્થનો ઉત્કર્ષ કરનારા લેખ્યા છે. એટલે સુધી કહ્યું છે કે ઉત્પ્રેક્ષા અલંકાર તો પોતે જ પ્રતીયમાન છે. રસવત્ અને પ્રેય: અલંકારોમાં એમણે રસ-ભાવ વગેરેને વાચ્યાર્થની શોભાનું કારણ ગણ્યાં છે. 

૩ :

કહે છે, વામને તો ગૌણી લક્ષણાને વક્રોકતિ અલંકાર ગણ્યો છે, એ તો ઠીક, પણ જુદા જુદા ધ્વનિભેદોમાં અલંકારરૂપતા જોઈ છે.

૪ :

કહે છે, ઉદ્ભટ્ટ વગેરે કાવ્યાચાર્યો તો ગુણ અને અલંકારને મોટે ભાગે સમરૂપ ગણીને ચાલ્યા છે.

બીજું એ કે રુય્યકે આ આલંકારિકોએ અલંકારયુક્ત ઉક્તિને જ કાવ્યનો આત્મા કહી છે, એ ધારણાની પણ ફેરતપાસ કરી છે.

જેમ કે —

૧ :

વામને ગુણયુક્ત પદરચના-રીતિને કાવ્યનો આત્મા ગણી છે.

૨ : 

“વક્રોક્તિજીવિત”-કાર કુન્તકે તો વૈદ્ગ્ધ્યભંગિભણિતિને, એટલે કે, વિદગ્ધતાયુક્ત છટાદાર ઉક્તિને, કાવ્યનો આત્મા માની છે. એમનો મત એમ સમજાય છે કે વ્યંગ્યાર્થ નહીં પણ ઉક્તિવૈચિત્ર્ય કાવ્યનો આત્મા છે.

૩ :

ભટ્ટ નાયક પણ પ્રૌઢોક્તિને આગળ કરે છે. એથી સંભવેલા વ્યંગ્ય-વ્યાપારમાં કાવ્યત્વ જુએ છે.

૪ :

આનન્દવર્ધનના મત અનુસાર, વ્યંજના એક વ્યાપાર છે. વળી, વાક્યાર્થ જ વ્યંગ્ય છે, ગુણ અને અલંકાર એના ઉપસ્કારક છે – અલંકૃત કરનારા. એ વ્યંગ્ય જ પ્રધાન હોય છે અને તેથી વિશ્રામસ્થાન કહેવાય છે, અને એ જ છે, કાવ્યનો આત્મા.

કુન્તક કાવ્યના બન્ધને વક્રકવિવ્યાપારશાલિન કહીને કાવ્યને વ્યાપારપ્રધાન ગણે છે. ભટ્ટ નાયક વ્યંગ્ય-વ્યાપારમાં કાવ્યત્વ જુએ છે. આનન્દવર્ધન પણ વ્યંજનાને અભિધા તાત્પર્ય લક્ષણા વ્યાપારો પછીનો વ્યાપાર માને છે.

આ ‘વ્યાપાર’ વિશે રુય્યકનું મન્ત્વ્ય ધ્યાનપાત્ર છે. એ કહે છે —

વિષય અનુસાર જ વ્યાપારને સ્વરૂપ મળે છે. જેવી વિષયની પ્રધાનતા તેવી વ્યાપારની પ્રધાનતા. વ્યાપાર સ્વતન્ત્ર સ્વરૂપે નથી અવગત થતો, એટલે વિષયે જ બધો ભાર સહેવો અને વહેવો પડે છે. એ કારણે વ્યંગ્ય નામના વિષયને જ કાવ્યનો આત્મા કહેવો જોઈએ, રુય્યક સરસ ઉમેરે છે કે, એના ગુણ અને અલંકારથી ચારુત્વનું સામ્રાજ્ય રચાય છે —

તસ્માદ્વિષય એવ વ્યંગ્યનામા જીવિત્વેન વક્તવ્ય: I યસ્ય ગુણાલંકારકૃતચારુત્વપરિગ્રહસામ્રાજ્યમ્ I 

પોતાનું મુખ્ય મન્તવ્ય રજૂ કરતાં રુય્યક જણાવે છે કે કાવ્યનું જીવન રસ છે, એને અલંકારરૂપ ન ગણવું જોઇએ, કેમ કે અલંકારો તો ઉપસ્કારક છે, શોભાવૃદ્ધિ કરે, પરન્તુ રસાદિ તો આત્મા છે અને તેથી એ ઉપસ્કાર્ય છે, શોભિત થનારા છે. તેથી વાક્યનો અર્થભૂત વ્યંગ્ય જ કાવ્યનું જીવિત છે. રુય્યક ઉમેરે છે કે આ જ પક્ષ વાક્યાર્થ-કોવિદ એવા સહૃદયોને રાજી કરે છે — 

તસ્માત્ વ્યંગ્ય એવ વાક્યાર્થોભૂત: કાવ્યજીવિતમિત્યેષ પક્ષો વાક્યાર્થવિદામ્ સહૃદયાનામાવર્જક: I

રુય્યકનું દૃષ્ટાન્ત સૂચવે છે કે કાવ્યશાસ્ત્રસમ્બન્ધી પૂર્વવર્તી ધારણાઓની પણ કેટલી ચીવટથી અધ્યયનપૂત વિચારણા થતી હતી. 

= = = 

(01/14/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...879880881882...890900910...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved