Opinion Magazine
Number of visits: 9846453
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેનિનની મૃત્યુ શતાબ્દીએ થોડું, હિંદ બેઠે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 January 2024

1905માં ફિનલેન્ડના ટામ્પરેમાં યોજાયેલા રૂસી સોશિયલ ડેમોક્રેટિક લેબર પાર્ટીના પ્રથમ સંમેલન દરમ્યાન લેનિન અને સ્તાલિન પહેલીવાર મળ્યા હતા

રૂસી સર્વેસર્વા પુતિન કહે છે કે સ્તાલિને રૂસી રાજ્ય (સામ્રાજ્ય) ઊભું કર્યું. એ કુશળ પ્રબંધક હતા, પણ લેનિન? એમની વાત તો ખેર છોડો … એમણે રશિયાના એકંદર અસ્તિત્વ તળે જાણે કે બોમ્બ મૂકી એને ઉરાડી મેલ્યું! ઝાર અને સ્તાલિન વચ્ચે ખેંચાતા પુતિનને પરિવર્તનની રાજનીતિનો કદાચ અહેસાસ જ નથી

થોડા દિવસ પછી વિશ્વભરમાં લેનિન(22-4-1870 : 21-1-1924)ની મૃત્યુ શતાબ્દી ઊજવાશે. લેનિન, આમ તો રૂસી ક્રાંતિની પિતૃપ્રતિમા કહેવાય. પણ છેલ્લા ત્રણ દાયકાના રશિયાના પ્રવાહો જોતાં, પુતિન શાસનને લેનિનની મૃત્યુ શતાબ્દી મનાવવામાં સમ ખાવા પૂરતો રસ હોય તો હોય. બજારવાદી અધિનાયકવાદી તરાહ પર રોડવનાર પુતિનને લેનિનને મુકાબલે સોવિયેતપૂર્વ ઝારશાહીમાં કદાચ વધુ રસ હશે.

સામ્યવાદને સ્થાને બજારવાદને ગોઠવનાર પુતિનને તેમ છતાં સ્તાલિનમાં ચોક્કસ રસ હોઈ શકે – શાસનવિધાનની એની શૈલી અને ખાસ તો વિશ્વયુદ્ધમાં રશિયાને નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડનાર વિજેતા તરીકે. કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલથી છૂટા પડેલા ભારતીય ક્રાંતિકારી, નવમાનવવાદના પ્રણેતા માનવેન્દ્ર નાથ રાય(એમ.એન. રોય)નાં સંભારણાંમાં નોંધાયું છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે એ યુદ્ધ-સમાચારોની સમીક્ષા કરતાં હંમેશ કહેતા કે ‘અંકલ જો’ (સ્તાલિન) છેલ્લે યશસ્વીપણે બહાર આવશે.

હમણાં સ્તાલિનનો ઉલ્લેખ કર્યો ત્યારે સાંભર્યું કે લેનિન પોતાના અનુગામી તરીકે સ્તાલિનને ઈચ્છતા નહોતા. એમની ભલામણ ત્રોત્સ્કી તરફે ઝૂકતી હતી. આ પરથી સ્વાભાવિક જ એક એવી અપેક્ષા બંધાઈ શકે કે સ્તાલિનના શાસને દુનિયાભરના ચુનંદા બૌદ્ધિકોમાં પુનર્વિચાર પ્રેર્યો અને ક્યારેક જેની દૈવી અપીલ હતી તે તો, ‘પથ્થરના દેવ’ છે – ‘ધ ગોડ ધેટ ફેઈલ્ડ’ એવી લાગણી જગવી, એનો અર્થ એ કે લેનિન અને સ્તાલિનમાં ગુણાત્મક ફરક હશે. જો કે, પાછળના ગાળામાં બહાર આવેલી અધિકૃત વિગતો પ્રમાણે શાસકીય જુલમોમાં લેનિન એટલા પાછળ નહોતા.

રહો, આ ચર્ચા હિંસા-અહિંસાની નિ:સંદર્ભ ચર્ચામાં સરી પડે તે પૂર્વે એટલું સમજીએ કે 1917માં વિદેશવટામાંથી લેનિનનું વતન રશિયામાં પાછું ફરવું અને 1915માં દક્ષિણ આફ્રિકેથી ગાંધીનું વતન ભારતમાં પાછું ફરવું એ બંને વીસમી સદીની શકવર્તી ઘટનાઓ છે.

એક રાજનો કબજો બીજું રાજ લે એવી સામંતી ઘટનાથી ઉફરાટે પરિવર્તનની રાજનીતિ ચિત્રમાં આવે એવી વિરલ વાત એ હતી. વિશ્વવિશ્રુત પત્રકાર લુઈ ફિશરે તો આ બે પ્રતિભાને સાથે રાખીને એક ખાસ પુસ્તક પણ કર્યું છે. વિશ્વશાંતિના ચાહક સર્જક રોમે રોલાં, જિન ક્રિસ્તોફના લેખક, એમણે નવલકથા લેખનમાં ખંડ પાડીને લેનિન અને ગાંધી બેઉનાં ચરિત્રો આલેખ્યાં છે અને ભલે વણમળ્યે પણ બંને ઇતિહાસપુરુષો વચ્ચે સંવાદની અપેક્ષા સેવી છે.

દેશનેતાઓમાં લેનિનના સમકાલીનો કેવી રીતે વિચારતા હશે એ લક્ષમાં લેતાં તરત થઈ આવતું સ્મરણ નેહરુ પિતાપુત્રનું છે. 1927માં રૂસી ક્રાંતિની દશાબ્દી પ્રસંગે બંને મોસ્કો ગયા હતા. જવાહરલાલે લેનિનના વારસાનું ગૌરવ કરતાં રૂસી પ્રયોગને એક ‘નવી સભ્યતા’ તરીકે વધાવ્યો હતો અને ગાંધીનો રાહ જુદો હોવા છતાં અમારે માટે રૂસી પ્રયોગ પણ એક પ્રેરણાસ્થાન છે એ મતલબનું કહ્યું હતું.

એક પા ફ્રેન્ચ ક્રાંતિ, અમેરિકી ક્રાંતિ ને રૂસી ક્રાંતિ તો બીજી પા ઇંગ્લેન્ડની ક્રમિક વિકાસરીતિ, આ બેનાં ખેંચાણ ત્યારે તરુણાઈમાં સહજ હતા. કાર્લ માર્ક્સે જેમ 1857ના સંગ્રામ વિશે અને બીજા ભારતીય પ્રવાહો વિશે સતત નોંધ લીધેલી છે તેમ લેનિન પણ વિશ્વપ્રવાહો પર ચાંપતી નજર રાખતા હતા અને 1909માં તિલકને છ વરસની સજા સાથે મ્યાનમાર ખસેડાયા ત્યારે આકરી ટીકા કરતા કહ્યું હતું કે બ્રિટનના ઉદ્દામો અને ઉદારમતવાદીઓ આ વિશે કેમ કંઈ બોલતા નથી … બિલકુલ ચંગીઝ ખાન જેવા જણાય છે એ સૌ!

લેનિન અને ગાંધીનાં નામ કેવી રીતે સામસામે છતાં સાથે સાથે લેવાય છે એનું કૌતુક કરવા જેવું છે. ત્રિપુરામાં લાંબા સત્તા-ભોગવટા પછી માર્ક્સવાદી સરકાર ગઈ ત્યારે ‘ઉત્સાહ’માં લોકટોળાએ લેનિનની પ્રતિમાને ધ્વસ્ત કરી હતી. ભા.જ.પ.ના તત્કાલીન મંત્રી રામ માધવે અને રાજ્યપાલ તથાગત રોયે (પોતાની બંધારણીય ગરિમા છોડીને) આ ઘટનાને વધાવી લીધી હતી. પછી ઊહાપોહ થયો ત્યારે કોઈક છેડેથી ‘સમાધાન’નો વાવટો ફરકાવાયો હતો કે એને સ્થાને ગાંધીપ્રતિમા મૂકીશું.

જે થવું જોઈતું નહોતું એનો આ બેહૂદો બચાવ હતો. અગરતલા-ત્રિપુરાની આ ઘટનાનાં કેટલાંક વરસ પૂર્વે ઓડિશાના બાલાસોર જિલ્લામાં વળી કંઈક જુદું જ થયું હતું. સ્થાનિક સામ્યવાદી પક્ષે લેનિનની પ્રતિમા મૂકવાનું નક્કી કર્યું હતું અને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી પણ મેળવી લીધી હતી. કોલકાતાથી રૂસી કોન્સલ જનરલ એ ખુલ્લી મૂકવા આવવાના હતા. છેલ્લી ઘડીએ મામલો ઘાંચમાં પડ્યો અને સમાધાન રૂપે લેનિનની સાથોસાથ ગાંધીપ્રતિમા મૂકવાનું ઠરાવાયું – અને રૂસી કોન્સલે બેઉ પ્રતિમા ખુલ્લી મૂકી! વીસ ફૂટને અંતરે બેઉ ઊભી છે, સાથોસાથ.

વાતનો બંધ વાળતાં વળી પુતિન પાસે જઈશું જરી? પુતિન કહે છે, સ્તાલિન કુશળ પ્રબંધક હતા. પણ લેનિન? એની વાત તો ખેર છોડો – એમ તો રશિયાના એકંદર અસ્તિત્વ તળે જાણે કે બોમ્બ મેલી એને ઉરાડી મૂક્યું! સ્તાલિને રૂસી રાજ્ય (અને સામ્રાજ્ય) ઊભું કર્યું. ઝાર અને સ્તાલિન વચ્ચે ખેંચાતા પુતિનને કશુંક નવું કરવા ઈચ્છતી પ્રલયંકર પ્રતિભાનો કદાચ અહેસાસ જ નહીં હોય, બીજું શું.

અલબત્ત, ઉત્તર ઝારકાલીન સુધારા, તોલ્સ્તોય સરખા પ્રતિભાપુરુષની સક્રિય ઉપસ્થિતિ, આ બધો વારસો ઘટતા નિંદામણ સાથે લઈને આવેલ કેરેન્સ્કીને ઇતિહાસે સમય આપ્યો હોત તો ક્રમિક વિકાસની શક્યતા હતી – ઇતિહાસનું એ ‘જો’ અને ‘તો’ છે.

શાસન વ્યવસ્થામાં ચોક્કસ ‘ક્રીડ’ સાથે સત્તારૂઢ થઈ સર્વ સૂત્રો સાહનાર લેનિન અને છતે સ્વરાજે, છતી શક્યતાએ શાસનથી ઉફરાટે ચાલનાર ગાંધી : નેતૃત્વની આ બે મિસાલ વીસમી સદીએ એકવીસમીને આપેલી ઇતિહાસ-ખો છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 જાન્યુઆરી 2024

Loading

ઇસ ઘર કો આગ લગ ગઈ ઘર કે ચિરાગ સે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 January 2024

રવીન્દ્ર પારેખ

ઘરનો દીવો જ ઘરને ફૂંકી મારે એવું બનતું હોય છે. પાળેલો કૂતરો જ માલિકને કરડે એવું પણ બને છે. સાપને દૂધ પાઈને ઉછેરીએ તો પણ તે ઑકે છે તો ઝેર જ ! બિલકુલ એવું જ કૈં અત્યારે પાકિસ્તાન સાથે થઈ રહ્યું હોવાનું લાગે છે. આજે દુનિયા સુધી જે આતંકી આગ વિસ્તરી છે એનાં મૂળમાં પાકિસ્તાન છે તે વિશ્વ આખું જાણે છે, ભલે પછી પાકિસ્તાન ઢાંકપિછોડો કરતું હોય. પાકિસ્તાને આતંકી સાપ ઉછેર્યો છે તે ભારત, અમેરિકા જેવા દેશોને ડસતો રહે એટલે, પણ હવે એ સાપ પાકિસ્તાનને જ ડસવા લાગ્યો છે ને હાલની કંગાળ અને નાદુરસ્ત સ્થતિમાં પાકિસ્તાનનાં બાવડાંમાં એટલું જોર નથી કે ઘરનાં આતંકીઓને કાબૂ કરી શકે. પાકિસ્તાન ન હોત તો આતંકી છાવણીઓ આટલી વકરી ન હોત, પણ તેણે તો ભારતને રહી રહીને આતંકી હુમલાઓ કરાવીને કનડવું જ હતું. ભારતનું એવું છે કે તે સામેથી હુમલો કરવામાં માનતું નથી, પણ કનડગત અતિશય વધે તો પાઠ ભણાવવામાંથી તે ચૂકતું પણ નથી.

2019માં એવું બન્યું કે જમ્મુ-શ્રીનગર હાઇવે પર પુલવામા નજીક 14 ફેબ્રુઆરીને રોજ ભારતીય સેનાનાં 40 જવાનોને આતંકીઓએ શહીદ કર્યા. મોદી સરકાર માટે ને આખા દેશ માટે એ આઘાતજનક, અપમાનજનક અને શરમજનક હતું. એ પછીને બારમે દિવસે, 26 ફેબ્રુઆરી, 2019 ને રોજ પી.ઓ.કે.ના બાલાકોટમાં ઇન્ડિયન એરફોર્સે એર સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓની છાવણીઓ ખતમ કરી નાખી. પી.ઓ.કે.ના બાલાકોટમાં હુમલો કરવાનું કારણ એ કે પુલવામામાં થયેલા હુમલાનું કાવતરું ત્યાં ઘડાયું હતું. આ વાત અત્યારે યાદ કરવાનું કારણ એ છે કે 16 જાન્યુઆરી, 2024ની મધરાતે વધુ એક એર સ્ટ્રાઈક ઇરાને બલૂચિસ્તાનની આતંકી છાવણી પર કરી. એમ કરવાનું કારણ એ કે આતંકી સંગઠન જૈશ-અલ-અદલ 2012થી આતંકી હુમલાઓ કરતું રહેતું હતું ને છેલ્લો હુમલો 15 ડિસેમ્બર, 2023ને રોજ ઇરાનના સિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર કર્યો, એમાં 12 ઈરાની પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માર્યા ગયા. પાકિસ્તાનનાં આતંકી સંગઠનો આમ પણ ભારત, ઈરાન, અફઘાનિસ્તાનમાં સરહદી હુમલાઓ કરતાં જ રહે છે. જતે દિવસે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરે તો નવાઈ નહીં. ઇરાને પાકિસ્તાનને તેનાં આતંકી સંગઠનને કાબૂ કરવા સમજાવ્યાં કર્યું, પણ પાકિસ્તાને કૈં ના કર્યું, એટલે ઇરાને આતંકી હુમલાઓથી વાજ આવી જઈને બલૂચિસ્તાનનાં જૈશ–અલ-અદલનાં બે આતંકી અડ્ડાઓ પર ડ્રોન અને મિસાઇલ્સથી એર સ્ટ્રાઈક કરી. ઇરાનનો દાવો છે કે આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે, પણ પાકિસ્તાન બે બાળકો માર્યાં ગયાં છે ને ત્રણેક ઘાયલ થયા છે – એથી વધારે કૈં કહેતું નથી. શેતાન બાઇબલ ટાંકે તેમ તેણે આ હુમલાને ‘ગેરકાયદેસર કૃત્ય’ કહીને વખોડ્યો છે ને ટંગડી ઊંચી રાખતાં ઇરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે, પણ કબૂલતું નથી કે હાથના કર્યા હૈયે વાગ્યા છે. ઇરાનમાંથી પોતાના રાજદૂતને તેણે પાછા બોલાવી લીધાં છે ને ઈરાની રાજદૂતને ખદેડી મુકાયા છે. આ એ જ આતંકી સંગઠન છે જેણે ઇરાનના ચાહબારથી ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનું અપહરણ કર્યું હતું ને તેને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIને હવાલે કરી દીધો હતો. એ પછી પાકિસ્તાને તેને જાસૂસ હોવાનો આરોપ મૂકીને જેલમાં ધકેલી દીધો હતો.

ગમ્મત તો એ છે કે હુમલા પહેલાં તો ઇરાનના વિદેશ મંત્રી દાવોસમાં પાકિસ્તાનના કેરટેકર પી.એમ.ને મળે છે. પણ ગંધ નથી આવતી કે ઈરાન, પાકિસ્તાન પર હુમલો કરવા જઇ રહ્યું છે. બીજી વાત એ કે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું તો તેને માન્યતા આપનારો પહેલો દેશ ઈરાન હતો. હવે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધુ વણસે એમ બને, કારણ પાકિસ્તાનમાં સુન્નીઓ વધારે છે, જ્યારે ઇરાનમાં શિયાઓ વધારે છે. એને કારણે પણ બંને દેશો વચ્ચેનું અંતર વધે એવા સંજોગો ઊભા થયા છે. બન્યું છે એવું કે પાકિસ્તાને ઇરાનમાં બીજી જ રાતે એટલે કે 17 જાન્યુઆરીએ સરવાનના અલગતાવાદી સંગઠનના સાત ઠેકાણે મિસાઇલથી હુમલો કરી વળતો જવાબ આપી દીધો છે. તે ઉપરાંત પાકિસ્તાનમાં રહેલાં આતંકી જૂથે ઇરાનના કર્નલને મારી નાખ્યા હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. પાકિસ્તાન દ્વારા હુમલાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ પાકિસ્તાની પત્રકાર સલમાન મસૂદના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ઈરાની સરહદમાં પચાસેક કિલોમીટર અંદર ઘૂસીને હુમલાને અંજામ આપ્યો છે. સમાચાર એજન્સી એ.એફ.પી.એ પણ હુમલાની પુષ્ટિ કરી છે.

ઇરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાએ પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિયાની સાથે ફોન પર વાત કરીને જણાવ્યું કે હુમલો ઈરાનનાં આતંકવાદી સંગઠન પર કરવામાં આવ્યો છે, તો જીલાનીએ કહ્યું કે પાકિસ્તાનને ઇરાનના હુમલાનો જવાબ આપવાનો પૂરો અધિકાર છે. આ મામલે ભારતની પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ પાકિસ્તાન અને ઈરાન વચ્ચેનો મામલો છે, તો પણ ભારત માને છે કે આતંકવાદને મામલે કોઈ સમજૂતી હોઈ શકે નહીં. જો કે, અમેરિકાએ ઇરાનની એર સ્ટ્રાઈકને ખોટી ગણાવી છે, તો હવે પાકિસ્તાને વળતો હુમલો કર્યો છે, તો તે અંગે શું કહે છે તે જોવાનું રહે. ડાહી સાસરે ન જાય … તેવા ચીને બંને દેશોને તંગદિલી ન વધારવાની અપીલ કરી છે, તો ઈરાની મીડિયાના અહેવાલ મુજબ ઇરાને સરહદ પર લશ્કરી જમાવટ કરવા માંડી છે ને પાકિસ્તાને તો આતંકીઓને આગળ કરીને વળતો હુમલો કરી જ દીધો છે. જોઈએ, આગળ શું થાય છે તે –

રશિયા-યુક્રેન વચ્ચે લગભગ બે વર્ષથી યુદ્ધ ચાલે છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પણ અથડામણો સો દિવસથી ચાલુ જ છે ને ઈરાન ઇઝરાયેલનાં હુમલાઓથી એટલે પણ નારાજ છે કે તે હમાસને પક્ષે છે ને તે ઇઝરાયેલને ખરાબ રીતે વેઠી રહ્યું છે. ઈરાન એ રીતે પણ નારાજ છે કે સુન્ની ચરમપંથીઓ દ્વારા ઈરાનને ટાર્ગેટ કરાઇ રહ્યું છે. ઇરાને પાકિસ્તાન પર હુમલો કર્યો તે પહેલાં ઈરાક અને સીરિયા પર પણ એ જ કારણે હુમલાઓ કર્યા છે. આ બધું જોતાં મુસ્લિમ રાષ્ટ્રો વચ્ચે એકતા હોવાનો ભ્રમ હતો તે ભાંગી ગયો છે. એમની વચ્ચે પણ શિયા-સુન્ની મુદ્દે એવો તનાવ છે કે એ પણ એકબીજા સાથે સંઘર્ષમાં ઊતરી શકે છે ને પાકિસ્તાનને સંબંધ છે ત્યાં સુધી તે આતંકવાદી ગતિવિધિથી એવું વગોવાયું છે કે મુસ્લિમ રાષ્ટ્રો જ તેને પતાવી દે તો આશ્ચર્ય ન થાય. અમેરિકાએ એબોટાબાદમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને પતાવી દીધેલો તે પણ આ તબક્કે યાદ કરવા જેવું એટલે છે કે આતંકી ગતિવિધિઓ દ્વારા પાકિસ્તાને અમેરિકા, ભારત ઉપરાંત મુસ્લિમ રાષ્ટ્રોની ખફગી બરાબરની વહોરી છે. પાકિસ્તાન આર્થિક રીતે પણ પાયમાલ થઈ ગયું છે, પણ તે આપવડાઈમાંથી હાથ નથી કાઢતું. એમાં તેની જ નિર્દોષ પ્રજા આતંકી ફડકમાં જીવે છે ને લઘુમતી સાથેનો તેનો વર્તાવ પૂરેપૂરો શરમજનક છે. તેનો મિથ્યાભિમાની સ્વભાવ જ તેને અંત તરફ લઈ જાય એમ બને.

આમ જોઈએ તો આખું વિશ્વ કોઈને કોઈ પ્રકારના હિંસક વિચાર કે સંઘર્ષમાં રોકાયેલું જણાય છે. સામાન્ય માણસ પણ કોઈને કોઈ પ્રકારના ભય હેઠળ જીવી રહ્યો છે ને અનેક પ્રકારનાં આક્રમણો ને ચિંતાથી એ ઘેરાયેલો છે. હવે યુદ્ધમાં નાગરિકોનો પણ ભોગ લેવાય છે, એટલે સલામતી ક્યાં ય બહુ બચી નથી. આખું વિશ્વ ઉન્માદ અને અવસાદનો ભોગ થઈ પડ્યું છે ને શાંતિ આઉટડેટેડ થઈ ગઈ હોય તેમ ભવિષ્યમાં જડે એમ નથી ને ભૂતકાળમાંથી આજમાં લાવી શકાય એમ નથી. કેમ આપણને શાંતિ ખપતી નહીં હોય તે સમજાતું નથી. હવેનો વિકાસ ટેકનોલોજી બતાવશે, પણ તેને કટ ટુ સાઇઝ યુદ્ધ કરશે, એવું ખરું? શાંતિ પણ આપણે યુદ્ધથી સ્થાપવા મથી રહ્યા છીએ એ કેવી મોટી વિડંબના છે !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જાન્યુઆરી 2024

Loading

જરાક નજીક તો આવ

જુલી સોલંકી 'સચેત'|Opinion - Opinion|18 January 2024

પ્રેમનાં મોતીને પુષ્પની પ્યાલીથી ભરાવી આવ; 

એ છે પ્રેમનો સવાલ, જરાક નજીક તો આવ.

હૃદય ધબકે છે દૂર રહીને, વાતડી લઈ આવ; 

એ મનની વાતને પ્રીતડી સંગ નિભાવી આવ. 

તારા હોવાના અહેસાસનો સ્પર્શ કરાવી લાવ;

સંગાથે રહી જીવનભર, સાથી બનીને ચાલ. 

હાથમાં રહેલ મહેંદીમાં મારું નામ લખાવી આવ; 

મહીં પ્રીતડીના રંગ, એ સુંદરતાને વધારી લાવ. 

પ્રીતના પાનેતરની લીલી ચૂંદડી લહેરાવી આલ; 

માથે ઓઢી ઘૂંઘટ, લાજને જરા સરકાવી લાવ. 

રાખી હાથ મારા હાથે, વચનને માની હાલ;

પ્રેમના આંગણે સૂર્યના તેજથી ચમકી લાવ. 

પ્રેમનાં મોતીને પુષ્પની પ્યાલીથી ભરાવી આવ; 

એ છે પ્રેમનો સવાલ, જરાક નજીક તો આવ.

ભુજ કચ્છ
e.mail : julisolanki110@gmail.com

Loading

...102030...876877878879...890900910...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved