Opinion Magazine
Number of visits: 10080621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

સિદ્દીક ભરૂચી|Opinion - Opinion|16 March 2026

લોક   કપડાંની   બહાર આવી ગયા,
આઈના   એ  જોઈને    લાજી ગયા.

સ્વાર્થનું    બ્હાનું   હતું  ઇચ્છાઓનું,
ગેમ     સામે    ચાલીને    હારી ગયા.

એમના    કર્મોને  બિરદાવે  છે  લોક,
એવી  ખુશબો   કાયમી   રાખી ગયા.

છે   અમે   તો   કાયમી,  મરશું નહીં,
સૌથી પહેલાં એ જગત  છોડી ગયા.

જંગ  કરનારા તો જંગ  કરતા  રહ્યાં,
મુજને   પ્રશ્નો    દોડીને    ડારી  ગયા.

દુ:ખના  મિત્રો હરકદમ  પર  હોય છે,
સુખના મિત્રો  કયારના  ભાગી ગયા.

ભરૂચ
e.mail : siddiq948212@gmail.com

Loading

રાજાધિરાજ : સંગીત-નૃત્ય-નાટક

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 March 2026

રવીન્દ્ર પારેખ

‘રાજાધિરાજ’ જોયું. કૃષ્ણ પરનાં આ નાટકની ઓળખ, દુનિયાના પહેલા મેગા મ્યુઝિકલ તરીકે, તેની જાહેરાતમાં અપાઈ છે, તેમાં ઘણું તથ્ય છે. પ્રસૂન જોશી લિખિત આ હિન્દી નાટકના સંવાદ ને ગીતો પણ જોશીનાં જ છે. શ્રુતિ શર્મા દિગ્દર્શિત આ નાટકનું સંગીત સચિન જીગરનું છે. તેનાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ભૂમિ નથવાણી છે, તો કોરિઓગ્રાફી બેર્ટવિન અને શમ્પાની છે. ભવ્ય સેટ્સ ઉમંગ કુમારના છે. નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરાયેલાં અસંખ્ય વસ્ત્રો જે તે સમયને પ્રગટ કરવામાં ઉપકારક નીવડે છે. પાર્થિવ ગોહિલ અને વિરલ રાચ્છ ‘રાજાધિરાજ’ના ક્રિએટિવ પ્રોડ્યુસર્સ છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ધનરાજ નથવાણીની પ્રસ્તુતિ, સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમમાં પણ થઈ. નાટકમાં આમ તો કૃષ્ણલીલા જ કેન્દ્રમાં છે ને કૃષ્ણ જીવન કોઈને અપરિચિત નથી, પણ જે રીતે ભવ્ય સેટિંગ્સ અને રંગોત્સવ વચ્ચે તે પ્રસ્તુત થાય છે, તે અદ્દભુત શબ્દને પણ ઝાંખો પાડે એટલું અદ્દભુત છે. એ રીતે તે ભવ્ય અને રંગીન સંગીત નાટક છે.

શરૂઆતમાં બેત્રણ નેરેટર દ્વારા કથાની માંડણી, સંગીત-સંવાદ સાથે થાય છે. એમાં ગાનારા કલાકારોએ પ્લેબેક લીધું નથી, પણ લાઈવ ગાયકી સાથે કૃષ્ણકથા કહેવાઈ છે. ‘રાજાધિરાજ’ પ્રસ્તુતિમાં ક્યાં ય ઢીલું ન પડે એ રીતે પ્રેક્ષકોમાં છવાયેલું રહ્યું. ટેકનિકલી પણ પરિપૂર્ણ છે, ‘રાજાધિરાજ.’ ભગવાન વિષ્ણુ પાસે વધી રહેલા પાપના નાશ માટે પૃથ્વી જાય છે ને ભગવાન પોતે અવતાર લેશે -એવું કહીને તેને આશ્વસ્ત કરે છે, તે વખતે ‘યદા યદા હી ધર્મસ્ય ..’ ગવાય છે. (કૃષ્ણે હજી જન્મ પણ નથી લીધો અને મહાભારતના કુરુક્ષેત્રમાં અર્જુનને આશ્વસ્ત પણ નથી કરાયો કે ગીતા ઉપદેશવાની પણ બાકી છે, તો તે પહેલાં ‘યદા યદા હી ધર્મસ્ય..’ ગવાય કેવી રીતે?)

પછી તો કંસની બહેન દેવકી સાથે વસુદેવના વિવાહ થાય છે ને આકાશવાણી થાય છે કે દેવકીનો આઠમો પુત્ર તેના મૃત્યુનું કારણ બનશે. કંસ આ જીરવે કઈ રીતે? તેણે એક પછી એક સાત સંતાનોનાં  ભીંતે પછાડીને મૃત્યુ નીપજાવ્યાં. નાટકમાં એ દૃશ્ય બહુ અસરકારક રીતે આવ્યું. નવજાત શિશુ ભીંતે પછાડતાં ત્યાં માત્ર લોહીના ડાઘા ઉપસાવીને સાત સાત મૃત્યુ બતાવાયાં. આઠમું સંતાન જન્મ્યું તો તેને લઈને વસુદેવ જમના પાર કરીને ગોકુળ પહોંચે છે, તે દૃશ્ય વરસાદ અને નદીનાં પ્રવાહ વચ્ચે શેષનાગને લાવીને વધુ અસરકારક બનાવાયું. વિષ્ણુ શેષશૈયા પર પોઢે છે ને કૃષ્ણ જન્મમાં એ જ શેષનાગે છાયા કરી.

કથા કહેવાતી રહે ને કથા બતાવાય પણ, એવું સમાંતરે ચાલ્યું. કૃષ્ણ વિષે આપણને બધી જ ખબર છે ને નાટકમાં એ જ કહેવાતું, ભજવાતું હોય તો, બહુ રસ ન પડે, તો, આપણે કેમ આટલાં કુતૂહલથી તે જોઈ રહીએ છીએ? ઓડિયન્સ ચિક્કાર હતું ને ક્ષણેક્ષણ અકરાંતિયાની જેમ આનંદ માણતું હતું. આટલું બધું માણવાનું કેમ ગમે છે આપણને? તેનું સાદું કારણ તેની પ્રસ્તુતિ છે ને કૃષ્ણ તો પરિચિત છે, પણ જે આપણે જાણીએ છીએ તે ક્યારે ને કેવી રીતે બતાવાય છે, તે આપણી ઉત્કંઠા વધારે છે.

વસુદેવ ગોકુળથી યશોદાની દીકરીને મથુરા લાવે છે ને કંસ તેનો વધ કરવા કારાગારમાં આવે છે. વસુદેવ-દેવકી કહે છે કે આઠમું સંતાન પુત્રી છે, તો તેને જીવવા દો, પણ કંસ સાત સંતાનોની જેમ જ તેને પછાડવા જાય છે ને તે મહામાયા છટકી જાય છે ને વળી આકાશવાણી થાય છે કે તારો કાળ તો ગોકુળ પહોંચી ગયો છે. (આ આકાશવાણીનું પણ ગજબનું તંત્ર છે. તે કંસને બે વાર ચેતવે છે, તે તો ઠીક, કંસ પરનું ભારણ વધારવાની સાથે જ જે ‘કાળ’ છે, તેનાં પરનું જોખમ પણ વધારે છે) કંસ અસુરોને મોકલીને કૃષ્ણનો નાશ કરવાની વાત જ (નાટકમાં) કરે છે, પણ કંઈ વળતું નથી. એમ જ નાગદમનનો પણ ઉલ્લેખ જ થયો, પણ ગોવર્ધન પર્વતને ઊંચકવાનું દૃશ્ય વિઝનરી દિગ્દર્શકની સર્જનાત્મકતાનો ઉત્તમ નમૂનો છે. કૃષ્ણ ટચલી આંગળીએ પર્વત ઊંચકે છે ત્યારે પર્વત, નીચેથી એટલો ઊંચકાતો બતાવ્યો કે તેની નીચે કૃષ્ણ અને પ્રજા ઊભાં રહી શકે. એ દૃશ્ય ભાવવિભોર કરનારું હતું. આખા નાટકમાં જુદી જુદી ટેકનિકનો ક્રિએટિવલી ઉપયોગ થયો છે, એવું જ એક દૃશ્ય હોળીનું છે. બધાં મટકી ભરીને રંગ છાંટે છે, પણ મટકીમાંથી રંગને બદલે લાલ વસ્ત્ર પ્રવાહીની જેમ બહાર પડતું બતાવાયું છે. આ દૃશ્યમાં પણ દિગ્દર્શકે કમાલ કરી છે.

કોણ જાણે કેમ પણ નાટકમાં રાધાકૃષ્ણનો પ્રેમ ઓછો પ્રભાવક રહ્યો. રાસ ને ગીત હોવા છતાં, રાધાકૃષ્ણના પોઝ સુંદર હોવા છતાં, તેમનો પ્રેમ પાંગર્યો નહીં. બધું ઝડપથી સમેટી લેવાયું હોય તેમ લાગ્યું. બીજી તરફ અક્રૂર કળેવળે કૃષ્ણને ગોકુળથી લાવીને મથુરામાં મારવાની યુક્તિ બતાવે છે, ત્યારે કંસ તેના પર કારણ વગર ક્રોધિત થતો બતાવ્યો છે, એમાં પાત્રાલેખનની ખામી હોય એમ લાગે છે. અક્રૂર તો કૃષ્ણને ભક્તિભાવથી જુએ છે. કંસને તે તેના કાળની નજીક લાવી મૂકવાનો પ્રયત્ન કરતો હોય તો પણ, તે ગળે ઊતરતું નથી. એ જ રીતે અહંકાર બતાવવા કંસ અક્રૂર સાથે ક્રૂરતાથી વર્તે એ પણ સહજ લાગતું નથી.

કૃષ્ણને મથુરા જવાનું થાય છે, ત્યારે યશોદા તેને ન જવા દેવા અગાઉ બાંધેલો, એમ દોરથી બાંધે છે, પણ દુનિયાને પ્રેમથી બાંધનારો એમ બંધાઈને થોડો જ રહે? કૃષ્ણબલરામ મથુરા જવા નીકળી જ જાય છે. યશોદા એકલી પડે છે ને તેની પીડા વર્ણવતું જે ગીત છે, તે હૃદયસ્પર્શી છે. કૃષ્ણ વિદાય થાય છે ત્યારે રાધાનો જે વલોપાત હોય તે નાટકમાં જણાયો નથી. કૃષ્ણની વિદાય વખતે રાધાની ખાસ પ્રતિક્રિયા જ આવી નહીં. એ વિદાય તો કૃષ્ણ અને રાધાને માટે ચિરંતન વિરહ નિર્માણ કરનારી હતી, તેનો કોઈ અણસાર આપ્યા વગર જ એ દૃશ્ય પૂરું થઇ ગયું. એ જ રીતે મથુરા પહોંચ્યા પછીનું કંસ વધનું દૃશ્ય કંસને દાદર પર પડતો બતાવીને ને એકાદ મુઠ્ઠી તેની છાતી પર અડકાડીને એમ જ પતાવી દેવાયું. બલરામ હોવા છતાં તેનો નાટકમાં કોઈ ઉપયોગ જણાયો નહીં.

મધ્યાંતર પછી મૂળ કૃષ્ણકથા ફંટાઈ. સમુદ્રમાંથી દ્વારિકા નગરી વિકસાવાઈ ને કૃષ્ણ દ્વારિકાધીશ થયા એ નાટ્યપ્રવાહ વલ્લભાચાર્યના સંપ્રદાય તરફ વળ્યો. વલ્લભાચાર્યને કૃષ્ણના અવતાર તરીકે સ્થાપવાનો પ્રયત્ન (કૃષ્ણ પોતે અવતાર થયા, પછી એમના કોઈ અવતારની કથા મુખ્ય પ્રવાહમાં આવ્યાનું જાણ્યું નથી), શ્રીનાથજીની કથા, ઔરંગઝેબનું આક્રમણ કૃષ્ણ સાથેના સીધા સંઘર્ષનું પરિણામ નથી, તો પણ યુદ્ધ બહુ કલાત્મક રીતે મંચ પર આવ્યું. કેટલાંક દૃશ્યો  આગળ પાછળ, ઊંચે નીચે થયાનું પણ લાગ્યું. જેમ કે સંતોની, અવતારોની વાત પછી કૃષ્ણની વાત સાંધો માર્યો હોય એમ આવી.

એક વાત બહુ સ્પષ્ટ છે કે કૃષ્ણ એટલે જ કર્તવ્ય. તેનું કૃત્ય દ્વારિકાધીશ બનવા પૂરતું જ સીમિત ન હતું. કૃષ્ણનું વિષ્ટિકાર તરીકે મહાભારત અટકાવવાનું ને કર્ણને વડીલ બંધુ તરીકે પાંડવોના પક્ષમાં આવવાનું આમંત્રણ આપવાનું અને સૌથી વધુ તો અર્જુનને ગીતા ઉપદેશવાનું મહત્ત્વનું કાર્ય નાટકમાં ન જણાયું, એટલા પૂરતું કૃષ્ણનું જીવન નાટકમાં અધૂરું રહ્યું. યુદ્ધમાં પોતે શસ્ત્ર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી ને એ જ યુદ્ધમાં શસ્ત્ર હેઠાં મૂકનાર અર્જુનને શસ્ત્ર ઉપાડવા તૈયાર કરવાના મહત્ત્વનાં અવતાર કૃત્યથી નાટક વંચિત રહ્યું. સંતોનાં કેટલાંક દૃશ્યો ને બદલે કે એકાદબે ગીતોને બાદ કરી શકાયાં હોત (આમે ય પચાસેક મિનિટનાં 11 ગીત-સંગીતનો ઓવરડોઝ થતો હતો તે નિયંત્રિત થઈ શક્યો હોત) તો પ્રેક્ષકોને કૃષ્ણનું ચરિત્ર વધુ માણવા મળ્યું હોત. જો કે, મંગલમ, હાથી ઘોડા પાલકી, ક્યૂં કરું મેં શ્રીંગાર, બોલો રાધે ક્રિષ્ણ (રાસલીલા), કીત કીત ઢૂંઢું, યમુના જળમાં કેસર ઘોળી, કેશવમ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, હોળીગીત જેવાં ગીતો સરસ રીતે ક્મ્પોઝ થયાં છે ને તે સમૂહ નૃત્ય તથા અદ્દભુત કોસ્ચ્યુમમાં ઉત્તમ કોરિઓગ્રફી દ્વારા પ્રસ્તુત થયાં છે. એ ખરું કે અઢીત્રણ કલાકના નાટકમાં બધી વાતો ના થઈ શકે, પણ થોડાં દૃશ્યો બાદ કરીને એ મુદ્દાઓ પર ધ્યાન અપાયું હોત કથા પ્રવાહ ઓછો ફંટાયો હોત !

આ બધાં પછી પણ ‘રાજાધિરાજ’ એક અદ્દભુત સંગીન અને રંગીન અનુભવ હતો તે સ્વીકારવું જ પડે. નાટકના શો અંગે ને તે વધુ લોકો સુધી પહોંચે એવી જાહેરાતો થતી રહી, પણ સામાન્ય લોકો પહોંચી જ ન શકે, એટલું તે મોંઘું છે. છેલ્લી રોની તેની ટિકિટ 999 રૂપિયાની હતી ને આગલી રોની હતી 4999ની. એ રીતે આ અસહ્ય મોંઘું નાટક છે. આ તો સુરતનાં ભાવ છે, મુંબઈમાં કેટલા હશે તે નથી ખબર, એનો ગેરલાભ એ પણ છે કે એ પછીના નાટકવાળા અમસ્તી જ ટિકિટ મોંઘી કરી દેશે. આમ પણ નાટકો જોવા લોકો ઓછા જ આવે છે, તે આવી મોંઘીદાટ ટિકિટથી વધુ ઓછા આવશે … આ થવા દેવાનું છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 માર્ચ 2026

Loading

માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 

અનુવાદક: આશા બૂચ|Gandhiana|15 March 2026

ગાંધી ફાઉન્ડેશન, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા, 7 ફેબ્રુઆરી 2026ના રોજ, ગોલ્ડર્સ ગ્રીનના યુનિટેરિયન ચર્ચ ખાતે પ્રાર્થના અને પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે ભૂતકાળમાં કે વર્તમાન કાળમાં માનવ માત્રની સેવા અર્થે કાર્ય કરી ગયેલા અને કરી રહેલા મહાનુભાવોનાં જીવન અને કાર્યની વાત ગાંધી નિર્વાણ દિને કરીને ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

તે દિવસના મુખ્ય વક્તા રેવરંડ ફરગસ[Reverend Feargus]ના વક્તવ્યનો અનુવાદ અહીં પ્રસ્તુત કરું તે પહેલા એમનો ટૂંક પરિચય આપીશ.

રેવરંડ ફરગસ આઇરિશ યૂનિટેરિયન ચર્ચના મિનિસ્ટર છે. તેઓ ગાંધીજીના અહિંસાના વિચારોને સમર્પિત છે. તેઓ 2003-2023 દરમિયાન વર્લ્ડ કાઁગ્રેસ ઓફ ફેઈથના સેક્રેટરી રહી ચુક્યા છે અને એનિમલ ઇન્ટર ફેઈથ એલાયન્સના સ્થાપક તથા તેના મુખ્ય સંચાલક હતા. ઉપરાંત રેવરંડ ફરગસ ગાંધી શ્વાઈત્ઝર યુનિવર્સલ કિનશિપ, ક્લારા બાર્ટન હ્યુમૅનિટેરિયન અપીલ (બ્રિટિશ રેડક્રોસ) તથા ઇગ્લેન્ટીન જેબ અપીલ(સેવ ધ ચિલ્ડ્રન યુ.કે.)ના સ્થાપકોમાંના એક છે. તેઓ ગાંધી ઉપરાંત રવીન્દ્રનાથ ટાગોરના પણ ચાહક છે.

રેવરંડ ફરગસના વક્તવ્યનો અનુવાદ અહીં સાદર પ્રસ્તુત :

રેવરંડ ફરગસ

મહાત્મા ગાંધીના નિર્વાણ દિને હર સાલ ગોલ્ડર્સ ગ્રીન યુનિટેરિયન ચર્ચમાં ગાંધી ફાઉન્ડેશન સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરે છે એ આપણા સહુ માટે સન્માનનો વિષય છે. માનદ મિનિસ્ટર તરીકે આ વર્ષની સભામાં મહાત્મા અને તેમની અહિંસાની નીતિ વિશે બધા ધર્મના પ્રતિનિધિઓ તેમ જ ગાંધી વિચારના અનુરાગી જન સમક્ષ વક્તવ્ય આપવાની તક મળી તે માટે હું ખાસ ગૌરવ અનુભવું છું.

મારા આ પહેલાનાં પ્રવચનોમાં મેં લિયો ટોલ્સટોય, ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝર, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, થિચ ન્હાટ હાન્હ, ડેસમન્ડ ટુટુ, શ્રદ્ધેય દલાઈ લામા અને આપણને પ્રેરણા પૂરી પાડનારા અહિંસાના અન્ય પ્રચારકોને શ્રદ્ધાંજલિ આપી છે. આજે હું ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝર અને ખુદ ગાંધીજીને જ નહીં, પરંતુ બીજા ત્રણ પ્રેરણાદાયી માનવતાવાદીને માનપૂર્વક અંજલિ આપવા માંગુ છું અને તેમની સ્મૃતિને અને તેમના જીવનકાર્યને કઈ રીતે વ્યવહારમાં અમલી બનાવી શકાય તે વિશે વાત કરવા ધારું છું.

પહેલી વ્યક્તિ છે, ક્લારા બાર્ટન (1821-1912), અમેરિકન રેડક્રોસના અને અમેરિકન સિવિલ વોર દરમિયાન ‘એન્જલ ઓફ ધ બેટલ ફિલ્ડ’ના સ્થાપક. 

ક્લારા બાર્ટન

લોર્ડ શાફ્ટસબરી, ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝર, અને ગાંધી જેવા વ્યવહારુ માનવહિત સમર્થકોની જેમ ક્લારા પણ પીડિત માનવ જાતને ઘણા મદદરૂપ થયાં. તેઓ માનવતા અને કરુણાની પ્રખર લાગણી તથા બીજાના જીવનને બચાવવાની અદમ્ય ઇચ્છા અને યુદ્ધ તથા કુદરતી આફતોના ભોગ બનેલા લોકોને રાહત આપવાના ધ્યેયથી દોરવાયેલા હતા. આનાથી વધુ ઉમદા લાગણી બીજી કઈ હોઈ શકે?

રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટીનાં વિશ્વવ્યાપી કાર્યો માનવતા, નિષ્પક્ષપાતીપણું, તટસ્થતા, સ્વતંત્રતા, સ્વૈચ્છિક સેવા, એકતા અને વૈશ્વિકતા જેવા સિદ્ધાંતો પર હજુ આજે પણ કાર્યરત છે જેની પ્રેરણા ક્લારાએ પૂરી પાડી હતી.

બીજી પ્રેરણાદાયક વ્યક્તિનો ઉલ્લેખ કરવા માંગુ છું તે છે હેન્રી ડૂનન્ટ (Henri Dunant – 1828-1910). 

હેન્રી ડૂનન્ટ

આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ પોતાના અસ્તિત્વ માટે આ સ્વિસ માનવતાવાદી દૃષ્ટિનું ઋણી છે. ઉત્તરી ઇટલીના સોલફેરીનો વિસ્તારમાં જ્યાં નેપોલિયનનું લશ્કર ઑસ્ટ્રિયાના લશ્કર સાથે લડાઈ ખેલી રહ્યું હતું ત્યાં લોહિયાળ ખાનાખરાબીના સાક્ષી બન્યા બાદ હેન્રી એટલા વિચલિત થઈ ગયા કે તેમણે  ‘સોલફેરીનોની સ્મૃતિમાં’ નામની નાની પુસ્તિકા લખી. તેમાં એમણે રણમેદાનની અસ્તવ્યસ્ત, વેરણછેરણ અને શબ્દાતીત હતાશા અને દુઃખદ સ્થિતિ અને ઘાયલ થયેલાની સારવાર કરવાની મથામણનું વર્ણન કર્યું છે.

1863માં જીનીવા સોસાયટીની સ્થાપના થઇ અને 16 દેશોમાંથી 39 પ્રતિનિધિઓએ જીનીવામાં પછીથી જે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસના નામે જાણીતું થયું એ સંગઠનની રચના કરવા માટે પરિષદ યોજી હતી. 1864માં બાર દેશોએ આંતરરાષ્ટ્રીય કરાર પર સહી કરી, જે જીનીવા કન્વેન્શન તરીકે ઓળખાય છે. રેડક્રોસનું પરિચિત સફેદ કાપડ પર લાલ ક્રોસનું પ્રતીક તે વખતે સ્વીકારવામાં આવ્યું. હેન્રી ડૂનન્ટએ માનવહિતના સાહસ પાછળ પોતાની તમામ મિલકત અને શક્તિ ખર્ચ્યા અને છેવટ ગરીબી અને ઉપેક્ષિત દશામાં મૃત્યુ પામ્યા.

ખરું જોતાં હેન્રી ડૂનન્ટએ 1864માં રેડક્રોસ સોસાયટી હોનારત અને યુદ્ધ સમયની કટોકટીમાં રાહત પહોંચાડે એવું સૂચન કરેલું, પરંતુ તે પછીનાં વર્ષોમાં ક્લારા રેડક્રોસના કાર્યોની સહુથી સબળ સમર્થક બની. 1884ની ઇન્ટરનેશનલ રેડક્રોસની ત્રીજી પરિષદમાં અમેરિકન રેડ્ક્રોસે જીનીવા ટ્રીટીમાં ફેરફાર કરીને માત્ર યુદ્ધના ભોગ બનેલા જ નહીં પણ કુદરતી આફતમાં ફસાયેલા લોકોને રાહત પહોંચાડવાનો સમાવેશ કરી રેડક્રોસના કાર્યનો વ્યાપ વધારવાનું સૂચન કર્યું હતું. આ પ્રસ્તાવ પાસ થયો અને જીનીવા ટ્રીટી 1864ના ‘અમેરિકન સુધારણા’ તરીકે ઓળખાવા લાગ્યો. હેન્રી ડૂનન્ટ અને ક્લારા બાર્ટનના પ્રયાસોના ફળસ્વરૂપ રેડક્રોસ અને રેડ ક્રેસન્ટ જેવા સંસ્થાનો દ્વારા જગત આખામાં કુદરત અને માનવ સર્જિત આપત્તિઓને પરિણામે પીડિત થયેલાઓ માટે રાહત પહોંચાડવાનાં અને જીવન બચાવવાનાં કર્યો થતાં રહ્યાં છે એ પરોપકારી અને કરુણામય કર્તવ્યનું ઉમદા ઉદાહરણ છે.

ત્રીજી માનવતાવાદી વ્યક્તિને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માંગુ છું એ છે ઇગ્લેન્ટીન જેબ (Eglantyne Jebb (1876-1928).

ઇગ્લેન્ટીન જેબ

ઓસ્ટ્રિયા અને જર્મની વચ્ચેની લડાઈમાંથી બચી જવા પામેલ નિર્દોષ બાળકો, કે જેને પ્રથમ વિશ્વ યુદ્ધમાં ‘દુશ્મન’ ગણવામાં આવ્યા હતા તેમના ભય ઉપજાવે ફોટા અખબારોમાં જોયા પછી 1919માં ઇગ્લેન્ટીન જેબ એ હકીકતની જાણ કરતી પત્રિકાઓ ટ્રફાલગર સ્ક્વેરમાં વહેંચવા ગઈ. જો કે 11 નવેમ્બર 1918ને દિવસે યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો હતો, પણ મિત્ર રાજ્યોએ કહેવાતા ‘દુશ્મન’ બારાં પર નાકાબંધી કરવાની ચાલુ રાખી હતી, જેને કારણે ખોરાક અને દવાનો જરૂરી પુરવઠો અત્યંત મર્યાદિત થઈ ગયો. પરિણામે ત્રણ મિલિયનથી વધુ બાળકો પર ભૂખમરાનો ભય તોળાઈ રહ્યો.

અખબારોમાં જોયેલી તસવીરો જોઈને ઇગ્લેન્ટીનને ફાઇટ ધ ફેમીન કાઉન્સિલમાં જોડાવાની પ્રેરણા થઈ. એ સંગઠન આવાં બાળકો સુધી જીવન બચાવે તેવો ખોરાક અને દવાઓ પૂરા પાડવાનું કામ કરે છે. ઇગ્લેન્ટીનના બહેન ડોરોથી, કે જેઓ  કવેકરમાં જોડાયાં અને રિલિજિયસ સોસાયટી ઓફ ફ્રેન્ડ્સમાં પરોપકારની ભાવનાથી કાર્યરત રહ્યાં. આ બંને બહેનોએ દુનિયાના કોઈ પણ ભાગમાં રહેતાં તમામ બાળકોને માનવતાથી પ્રેરાઈને મદદ પહોંચાડવાનું અને લડાઈ બાદ નાકાબંધી દૂર કરવાનું કામ કર્યું. ઇગ્લેન્ટીને મહિલાઓના માન્ય વર્તનના ધોરણોના એડવોર્ડીયન ખ્યાલો સામે પડકાર ફેંક્યો અને ટ્રફાલગર સ્કવેરમાં જઈને લોકોના મનમાં આ ભૂખ્યાં બાળકો માટે રસ પેદા કરવા પહોંચી ગઈ. તેની પત્રિકામાં ‘આપણી નાકાબંધીને કારણે આ સ્થિતિ સર્જાઈ – લાખો બાળકો ભુખ્યાં તરફડે છે અને મોતને ભેટે છે’ એવાં લખાણ સાથે કૃશકાય બની ગયેલાં બાળકોના ફોટા હતા.

લંડનમાં વિરોધી દેખાવો કરવા બદલ ઇગ્લેન્ટીનની ધરપકડ કરવામાં આવી. એ ગુનેગાર સાબિત થઇ પરંતુ તહોમત મુકનાર તેની નિર્દોષ અને પીડિત બાળકો પ્રત્યેની કરુણા અને નિષ્ઠાથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેને થયેલ દંડ પોતે ભરી દીધો. 1919માં તેણે સ્થાપેલ સેવ ધ ચિલ્ડ્રનનું એ પહેલું દાન હતું. (પછીથી એ સેવ ધ ચિલ્ડ્રન ફંડના નામે ઓળખાય છે). બે વર્ષમાં ઇગ્લેન્ટીન બાળકો માટે મોટા રાહત કાર્યના પ્રકલ્પની આગેવાની કરવા લાગ્યા હતાં. 1921-22માં રશિયામાં પડેલ દુષ્કાળે લાખો બાળકોને દારુણ અને જોખમભરી પરિસ્થિતિમાં મૂકી દીધા. મોટા ભાગના બાળકો ભૂખમરાને કારણે મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. ઇગ્લેન્ટીનના ફંડ એકઠું કરવાના અથાક પ્રયાસોને લીધે સેવ ધ ચિલ્ડ્રન સેંકડો ટન ભરીને ખોરાક અને દવાઓ રશિયા પહોંચાડી શક્યું. રોજ સેંકડો અને હજારો બાળકોને પોષક ખોરાક આપવામાં આવતો હતો.

ઇગ્લેન્ટીન જાણતા હતાં કે બાળકોની જરૂરિયાતો ખાસ પ્રકારની હોય છે અને તેઓ મક્કમપણે માનતાં હતાં કે દુનિયાની દરેકે દરેક વ્યક્તિએ બાળકોના અધિકાર અને કલ્યાણ માટે જવાબદારી લેવી જોઈએ. તેમણે ડેક્લેરેશન ઓફ ધ રાઇટ્સ ઓફ ધ ચાઈલ્ડ નામનો ઐતિહાસિક પરિપત્ર લખ્યો, જે 1924માં લીગ ઓફ નેશન્સના જીનીવા કન્વેનશનમાં સ્વીકારવામાં આવ્યો હતો. બાળકોના જે માનવ અધિકારો હોવા જોઈએ એમ ઇગ્લેન્ટીન માનતા હતા એ બધા એ ડેક્લેરેશનમાં સમાવિષ્ટ હતા. તેનો સારાંશ આ મુજબ છે: ‘હું માનું છું કે આપણે બાળકોના કેટલાક અધિકારો માન્ય રાખવા જોઈએ અને તેને વૈશ્વિક માન્યતા મળે તે માટે સખત પરિશ્રમ કરવો જોઈએ, જેથી કરીને બધા – જેઓ આવા રાહત ફંડમાં ફાળો આપવા શક્તિમાન છે તેટલા જ માત્ર નહીં – પણ જેઓ કોઈ પણ રીતે બાળકોના સંપર્કમાં આવે; એટલે કે મોટા ભાગની માનવ જાત – આ પ્રયાસને આગળ ધપાવવા મદદરૂપ થઇ શકે.’

આ નિવેદન થોડા વિસ્તૃત રૂપમાં 1959માં યુનાઇટેડ નેશન્સમાં સ્વીકારવામાં આવ્યું હતું. 1989માં એ યુ.એન.ના સીમાચિહ્નરૂપ માનવ અધિકારના કરારનામા કન્વેનશન ઓફ ધ રાઇટ્સ ઓફ ધ ચાઈલ્ડ માટે પ્રેરણા સ્રોત સમું સાબિત થયું.

ઇગ્લેન્ટીન તેમની ઝુંબેશને કારણે પડેલ શ્રમ અને થાઇરોઇડની તકલીફને કારણે બીમારી ભોગવીને 1928માં 52 વર્ષની વયે મૃત્યુ પામ્યાં. એમની દૃષ્ટિ અને મિશન સેવ ધ ચિલ્ડ્રન જેવા સંગઠનના રૂપમાં દુનિયાના 120 દેશોમાં કાર્યરત રહીને જીવંત રહ્યા છે.

આજે આપણે આ પ્રેરણાદાયી માનવતાવાદી હસ્તીઓનું માત્ર સન્માન કરવા જ નહીં, પરંતુ એમના પદચિહ્નો પર ચાલવા પ્રતિબદ્ધ થવા અને વ્યવહારુ પગલું ભરવા એકઠા મળ્યા છીએ. આજે ગાંધી ફાઉન્ડેશન અને દરેક ધર્મના લોકોના સદ્ભાવથી ગાંધી શ્વાઈત્ઝર હ્યુમૅનિટેરિયન ફેલોશીપનો પ્રારંભ કરીએ છીએ. આ ઇન્ટર ફેઈથ ફેલોશિપનો હેતુ મહાત્મા ગાંધી અને આલ્બર્ટ શ્વાઈત્ઝરની કરુણા, ઊંડી તાદાત્મ્યની ભાવના અને નૈતિક મિશનની સ્મૃતિનું સાદર સન્માન કરવાનો છે.

“કોઈ પણ વ્યક્તિ એક આત્માનો નાશ કરે તો એ સમગ્ર વિશ્વનો નાશ કરે છે તેમ માનવામાં આવે છે. અને જો કોઈ એકની જિંદગી બચાવે છે, તો એ જાણે કે આખી દુનિયાને બચાવે છે તેમ માનવામાં આવે છે.” (જેરુસલેમ તાલમુદ)

“જે કોઈ એક જિંદગી બચાવે છે એ આખી માનવજાતને બચાવે છે.” (કુરાન)

યુદ્ધના ભોગ બનેલા લોકો પ્રત્યેની અનુકંપા આપણને સત્કાર્ય કરવા પ્રોત્સાહન આપે છે. આપણે સહુ યુદ્ધનો અંત લાવવા  માટે પ્રયત્નશીલ રહીએ, વિશ્વમાં શાંતિ અને કરુણા જળવાઈ રહે અને અમૂલ્ય માનવ જીવનની રક્ષા કરી શકીએ તેવી પ્રાર્થના.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...85868788...100110120...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved