Opinion Magazine
Number of visits: 9843881
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેલિફોર્નિયા વાઇલ્ડફાયરઃ માણસજાતને પોતાની ભૂલ સુધારવાની તક મળતી બંધ થાય એ પહેલાં ચેતી જવામાં જ સાર છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 January 2025

વૈશ્વિક સ્તરે વધી રહેલા તાપમાન, ઓગળી રહેલા ગ્લેશિયર્સ અને સૂકાતી નદીઓ સત્તા માટે લડાતાં કોઇપણ યુદ્ધ કરતાં વધારે મોટા પ્રશ્નો છે. પ્રાણીઓની પ્રજાતિઓ પ્રતિકૂળ આબોહવામાં ખોવાઇ રહી છે. પર્યાવરણનું તંત્ર – તેની ઇકોસિસ્ટમ પર એકડેએકથી કામ કરવાનો વખત પાક્યો છે નહીંતર આપણી પૃથ્વીને તબક્કાવાર ઉજ્જડ થતાં જોવા સિવાય આપણી પાસે બીજો કોઇ રસ્તો નહીં રહે.

ચિરંતના ભટ્ટ

લૉસ એન્જલસનું આકાશ કાળું ધબ છે.  હજારો હેક્ટર જમીન પર રાખના ઢગલા પથરાઇ ગયા છે. સાત જાન્યુઆરીએ જંગલમાં દાવાનળ ભડક્યો અને પેલિસેડમાં 21,600 એકર અને ઇટનમાં 14,000 એકર જમીનમાં આગ લાગી. કેલિફોર્નિયાના આ શહેરની આગમાં વિનાશની યાદી લાંબી થઇ રહી છે. આગ કાબૂમાં નથી આવી અને સતત ત્યાંની તારાજીના આંકડા, જાન માલને થયેલા નુકસાનની વિગતો આગની આગળ લપકતી જ્વાળાઓની માફક લોકો સુધી પહોંચી રહી છે.  કેલિફોર્નિયાના ‘વાઇલ્ડ ફાયર્સ’ અને તેનાથી થતો વિનાશ લોકો માટે કે આખી ય દુનિયા માટે હવે કોઇ નવી વાત નથી. 2018માં પણ જ્યારે દાવાનળ ફાટી નીકળ્યો હતો ત્યારે માયલી સાયરસ અને લિઆમ હેમ્સવર્થ સહિતના અનેક હૉલીવૂડ સેલિબ્રિટીઝનાં ઘર બળીને ખાખ થઇ ગયાં હતાં. આ વખતની આગમાં ઘર ગુમાવી બેઠેલા સેલિબ્રિટીઝની યાદીમાં પણ ઘણાં નામો છે.  છતાં ય આ વખતના લૉસ એન્જેલસના દાવાનળે જે મ્હોં ફાડીને સ્થાવર જંગમ મિલકતને ભરખી છે તે જોતાં સતત વધતાં જતાં તાપમાન, પર્યાવરણનાં ખોરવાતાં સંતુલન અને  માનવજાત આવા કુદરતી પ્રકોપ સામે કેટલું ટકી શકશે એ દિશામાં માત્ર ગંભીર વિચાર કે ચર્ચાઓ કરતાં કંઇ વધુ થાય એ અનિવાર્ય છે.

લૉસ એન્જલસ જે રીતે વર્ષોથી દાવાનળનો ભોગ બને છે તેમાં સમયાંતરે આગનો પ્રકોપ વિસ્તરતો ગયો છે. ભવિષ્યમાં આવા પ્રકોપ સામે ટકી જવાની આ શહેરની શક્તિ સદંતર ખલાસ થઇ જાય એવી પૂરી શક્યતા છે. આ દાવાનળની અસર એક કરતાં વધારે પાસાં પર પડતી હોય છે.  આ  વૈશ્વિક આબોહવામાં આવતાં પરિવર્તન માટે વપરાતો શબ્દ ક્લાઇમેટ ચેન્જ હવે નવો નથી રહ્યો. ક્લાઇમેટ ચેન્જની ચિંતા કરનારાઓના કપાળની કરચલીઓ વધી રહી છે.  કેલિફોર્નિયાનું રાજ્ય ક્લાઇમેટ ચેન્જની થપાટો સામે લાચાર છે. આપણે અહીં બેસીને દિલ્હી અને મુંબઈની હવાની ગુણવત્તા પર ચર્ચા કરતા હોઈએ છીએ પણ કેલિફોર્નિયામાં બે એરિયાનું ધુમ્મસ અને દાવાનળનો ધુમાડો ભેગો થાય ત્યારે ત્યાં કેવું દૃશ્ય સર્જાતું હશે એ કલ્પના પણ કાળી ડિબાંગ જ હોય. વળી એમાં હવાની ગુણવત્તાનો પ્રશ્ન કરવાનો તો કોઇ અર્થ જ નથી રહેતો. અહીંના લોકો સળગતા લાકડાના ધુમાડાની સુગંધ અથવા તો બળેલા પ્લાસ્ટિકની વાસથી સમજી જાય છે કે કુદરત હવે આગ ઓકવાની તૈયારીમાં છે. મોસમી બની ચુકેલા આ દાવાનળમાં ક્યારેક કોઇ કોઈ આગમાં લોકોને કોઈ નુકસાન નથી થતું તો કોઈ કોઇ આગમાં એટલા લોકો અને જાનવરોનો ભોગ લેવાય છે તેમના આત્માને શાંતિ મળે એ માટે બે મિનિટનું મૌન નહીં પણ દાયાકાઓનો સન્નાટો પાળવો પડે. લૉસ એન્જલમાં હજારો ઇમારતો બળીને ભડથું થઇ ગઈ છે, પ્રાણીઓ અને માનવ જીવ પણ ગયા છે – એક લાખ જેટલા રહેવાસીઓ આ આગથી બચવા પોતાના ઘર ખાલી કરવાની તજવીજમાં રહ્યા સહ્યા માનસિક અને શારીરિક બળને જોરે ટકી રહ્યાં છે.

કેલિફોર્નિયામાં જે કટોકટી ભરી સ્થિતિ સર્જાઇ છે તેને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવી અનિવાર્ય છે. આ માત્ર સ્થાનિક સમસ્યા છે એમ માનીને કેલિફોર્નિયાથી જોજનો દૂર બેઠેલા આપણે નિશ્ચિંત થવાની ભૂલ ન કરવી જોઇએ. આપણે પણ પૂર જેવા કુદરતી પ્રકોપનો સામનો કરીએ જ છીએ. તો માનવસર્જિત સમસ્યાઓની યાદી પણ ખાસ્સી એવી લાંબી છે. હોનારત જિંદગીનો હિસ્સો બની જાય એ બાબતનો સાહજિક સ્વીકાર આપણી માણસ તરીકેની નિષ્ઠુરતાનો પુરાવો છે એ સમજવું જોઇએ. કોઈ પૂલ તુટે, ક્યાંક ગેમિંગ ઝોનમાં આગ લાગે કે ક્યાંક હોડી ઊંધી વળી જાય, ક્યાંક મંદિરમાં ભક્તોની નાસભાગમાં લોકો મરી જાય – આ બધાનું કારણ માણસજાતનો લોભ છે – ઓછામાં વધુ મેળવી લેવાની લાલચ છે. બીજી બાજુ કુદરતી પ્રકોપ સામે આપણું કંઇ ચાલે નહીં એવું વિચારીને જો આપણે આંખ આડા કાન કરવાની વૃત્તિ કેળવવી હોય તો શ્વાસ ગણતાં ગણતાં જીવવાની ટેવ પાડવી પડે.

કેલિફોર્નિયા વાઇલ્ડ ફાયર્સના કારણોની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો સાન્તા આનાના વાયરા જે બહુ જોરથી ફૂંકાયા જેને કારણે આગ બહુ ઝડપથી પ્રસરી. 70 MPHની ઝડપે ફૂંકાતા પવનોમાં દક્ષિણી કેલિફોર્નિયામાં મોસમ બહુ જ સૂકી હતી. સૂકી આબોહવા એટલે આગ ફેલાવા માટેનું આદર્શ સેટ-અપ અને ઉનાળામાં ગરમી પણ રેકોર્ડ બ્રેક પડી હતી.  કુદરતી લાગતાં આ તમામ કારણો આટલી મોટી તારાજી સુધી પહોંચ્યાં તેની પાછળ માણસે પર્યાવરણની કાળજીમાં કરેલી સરિયામ અવગણનાએ સૌથી મોટો ભાગ ભજવ્યો છે.

કેલિફોર્નિયાની આ આગ આખી દુનિયાના નીતિઓના ઘડવૈયાને માટે ખતરાની ઘંટી સમાન છે.  મિટિરિયોલૉજી એજન્સીઝ આ આફતની આગાહી કરવામાં ગોથું ખાઇ ગયા. એક કરતાં વધુ કારણો આ આગ માટે જવાબદાર છે. આમ તો છેલ્લા એકાદ દાયકામાં કેલિફોર્નિયામાં સૂકો દુકાળ કાયમી સ્થિતિ રહી છે પણ 2025માં આવા સંજોગો નહીં સર્જાયની ગણતરી ખોટી પડી.  યુ.એસ. ડ્રોટ મોનિટરના છેલ્લા મેપિંગ અનુસાર કેલિફોર્નિયા સ્ટેટનો સાંઇઠ ટકા પ્રદેશ દુકાળના પ્રભાવમાં છે. અહીંની ધરતીમાં ભેજનું પ્રમાણ 2 ટકાથી પણ ઓછું છે અને આટલી ખરાબ સ્થિતિ પહેલાં ક્યારે ય નથી થઈ. કેલિફોર્નિયામાં વિષમ આબોહવા લોલકની જેમ વર્તાય છે. 2023-24માં ત્યાં વેટ-વિંટર્સ – એટલે વરસાદી માહોલવાળો આકરો શિયાળો હતો તો ગણતરીના મહિનાઓમાં સૂકી આબોહવા કેલિફોર્નિયાને વિંટળાઇ ગઇ. આ કુદરતી સંજોગો આકરા બનતા જાય કારણ કે ત્યાં માળખાંકીય સુવિધાઓ અને ઇમારતના બાંધકામમાં અત્યંત જ્વલનશીલ પદાર્થો વપરાતા હોય છે.

આમ તો કુદરતી રીતે દાવાનળ જંગલોની ફરી ઊગવાની પ્રક્રિયાનો એક હિસ્સો છે. દાવાનળ લાગે, વિનાશ થાય અને ફરી જંગલ બેઠું થાય – પણ જંગલોની સરહદોની અવગણના કરનારી માણસજાત કુદરતી પ્રક્રિયામાં આડી આવે અને પછી તેનો ભોગ બને. વિશેષજ્ઞોનું માનવું છે કે કેલિફોર્નિયાના સ્ટેટની “અંતિમવાદી પર્યાવરણીય” નીતિ જેને કારણે જંગલોને પાંખા કરવાનું બંધ કરી દેવાયું છે તેને પણ આ આગની તારાજીનું કદ આટલું બધું વિસ્તરવાનું કારણ બન્યું છે. પર્યાવરણની અંતિમ સ્તરની અવગણના અથવા તો અંતિમ સ્તરની સુરક્ષા કરનારી માણસ જાતને પોતાની મર્યાદાનું ભાન નથી રહેતું. કેલિફોર્નિયામાં એક સમયે દાવાનળને રોકવા સૂકાં વૃક્ષો અને જમીન પર પથરાયેલાં કે પડેલાં વૃક્ષના સૂકા હિસ્સાઓને ખસેડવામાં આવતા, જંગલોને પાંખા કરીને તેને ફરી ઊગવાની મોકળાશ કરી અપાતી પણ એ બધું નીતિના ઘડવૈયાઓએ પર્યાવરણને સાચવવાને નામે રોક્યું તો એને કારણે જ આગ સડસડાટ ફેલાઇ. વળી ત્યાંના અગ્નિશામક વિભાગે ઓછા બજેટ, ઓછા સ્રોત અને અપૂરતી તૈયારીઓનાં કારણો તો આગળ ધર્યાં જ. આ આખી બાબતને ધ્યાન આપીને સમજવાનો પ્રયત્ન કરીએ તો ખબર પડે માણસજાત પોતાનું ધાર્યું કરવા જાય છે એમાં કુદરતી પરિબળોની ગણતરી કરવાનું અને માનવસર્જિત અવરોધોની ત્રિરાશી માંડવાનું ચૂકી જાય છે. પરિણામ આપણી સામે છે.  વહીવટી સ્તરે બહુ જ અસરકારક કામ કરી શકે તેવું વિચારનારા સત્તાધિશોની તાતી જરૂરિયાત છે. કેલિફોર્નિયા જ્યાં હૉલીવૂડ છે, જ્યાં 2028માં ઑલિમ્પિક્સ હોસ્ટ થવાની ચર્ચાઓ થઇ ચૂકી છે એ હવે એક જોખમી સ્થળ બની ગયું છે. જ્યાં ગમે ત્યારે આગ લાગી શકે છે એવા આ સ્ટેટમાં પાણીની પણ મોટે પાયે આયાત કરાય છે જેને કારણે પણ પર્યાવરણ પર દબાણ વધે છે. ત્યાં હાઇવે પર જમા થતો ટ્રાફિક, જાહેર વાહન વ્યવહારના ઓછા વિકલ્પો જેવી તમામ ચીજો કુદરતી આફતને ટાણે બહુ મોટા અવરોધ બની જાય છે.

વૈશ્વિક સ્તરે વધી રહેલાં તાપમાન, ઓગળી રહેલાં ગ્લેશિયર્સ અને સૂકાતી નદીઓ સત્તા માટે લડાતાં કોઇપણ યુદ્ધ કરતાં વધારે મોટા પ્રશ્નો છે. પ્રાણીઓની પ્રજાતિઓ પ્રતિકૂળ આબોહવામાં ખોવાઇ રહી છે. પર્યાવરણનું તંત્ર – તેની ઇકોસિસ્ટમ પર એકડેએકથી કામ કરવાનો વખત પાક્યો છે નહીંતર આપણી પૃથ્વીને તબક્કાવાર ઉજ્જડ થતાં જોવા સિવાય આપણી પાસે બીજો કોઇ રસ્તો નહીં રહે. કેલિફોર્નિયા જેવી હોનારત ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા જેવા પ્રદેશો જ્યાં મેડિટરેનિયન આબહોવા છે ત્યાં પણ થતી રહે છે. ઊર્જાની જરુરિયાતો માણસોમાં વધી રહી છે અને કુદરતી જ નહીં પણ કૃત્રિમ સ્રોતો પર મારો ચલાવાય છે ત્યારે તેનાથી થતા નુકસાનની ગણતરીમાં આપણે થાપ ખાઇ જઈએ છીએ.

બાય ધી વેઃ 

કોંક્રિટ સિમેન્ટના જંગલો ઊભા કરવામાં કુદરતી દાવાનળોને રોકવામાં આપણે નિષ્ફળ જઇએ છીએ. ટેક્નોલોજી અને આધુનિકતના શસ્ત્રો કુદરત સામેના યુદ્ધમાં કામ નથી લાગવાનાં એ સમજવાનો સમય છે. પ્રકૃતિની સાહજિકતા જળવાય એ પ્રકારની નીતિઓ ઘડાય એ વૈશ્વિક જરૂરિયાત છે નહીંતર ક્યારેક દાવાનળ તો ક્યારેક સુનામી અને અંતે ઉપર જણાવી એ પ્રકારની માનવ સર્જિત આફતોમાં માણસજાત સપડાશે, લમણે હાથ મૂકીને તારાજી જોયા કરશે. આ આફતોમાં અવસર શોધવાને બદલે તેમાંથી બોધપાઠ લઇને કુદરત સાથે તાલ મેળવવાના દિશામાં કામ કરવાની ઘડી આવી ગઇ છે. નહીંતર તો પછી આવનારી પેઢીને દાવાનળ, વડવાનલ, લાવારસ, પૂર, દુકાળ જેવી આફતો સામે લડતી પૃથ્વીની ભેટ આપવાનું પાપ આપણી પેઢીને માથે લખાશે એ નક્કી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જાન્યુઆરી 2025

Loading

દુનિયા ઓછું કામ કરવા તરફ છે, અને ભારતના ધનપતિઓ લોકોને 90 કલાક કામ કરાવવા માંગે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 January 2025

રાજ ગોસ્વામી

ઇન્ફોસિસવાળા નારાયણ મૂર્તિ કહે છે કે ભારતને વિકસિત કરવું હોય તો યુવાન લોકોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. “ભારતને નંબર-1 બનાવવું હશે, તો આપણે બહુ કામ કરવું પડશે. 80 કરોડ લોકો મફત અનાજ પર જીવે છે. આપણે મહેનત કરીએ તો કોણ કરશે?” એમ મૂર્તિએ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ વર્ક-લાઈફ બેલેન્સમાં નથી માનતા.

મૂર્તિના “આરામ હરામ હૈ”ના નારામાં હવે લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યન્‌ પણ જોડાયા છે. તેમણે મૂર્તિથી આગળ જઈને ભારતીયોને 90 કલાક કામ કરવાનો પાનો ચઢાવ્યો છે. સુબ્રમણ્યન્‌ કહે છે કે ઘરે બેસીને પત્ની સામે જોતા રહેવાના બદલે તમારે કામ કરવું જોઈએ.

“મને અફસોસ છે કે હું તમને રવિવારે કામ કરાવી શકતો નથી,” તેમણે એક પોસ્ટમાં તેમના કર્મચારીઓને કહ્યું હતું, “હું તમને રવિવારે કામ કરાવી શકું તો મને બહુ આનંદ થશે કારણ કે હું પોતે રવિવારે કામ કરું છું. ઘરે બેસીને શું કરો છો? પત્ની સામે કેટલું જોયા કરો? પત્નીઓ ક્યાં સુધી પતિઓ સામે જોયા કરે? ઓફિસ જાવ અને કામ કરો.”

મૂર્તિ અને સુબ્રમણ્યન્‌ના હૈયે દેશ હિત હશે તે સાચું, પરંતુ તેઓ ભારતીય કામદારો અને કર્મચારીઓની જિંદગીની અસલિયતથી વાકેફ નથી. કરોડો રૂપિયાનો પગાર મેળવતા સાહેબો માટે વર્ક-લાઈફ બેલેન્સ ના હોય અથવા ઘરે બેસીને પત્નીને નીરખતા રહેવાની ક્ષમતા ના હોય તેનો અર્થ એ નથી કે દેશના કરોડો લોકોની પણ એવી જ હાલત છે. દેશ હિતની વાત બરાબર છે, પણ માણસોને સૌથી પહેલાં પોતાના અને પોતાના પરિવારનાં હિતોની ચિંતા હોય છે.

આર.પી.જી. એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોયન્કાએ સુબ્રમણ્યન્‌ના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કામ હોંશિયારીથી થવું જોઈએ, ગુલામીમાં નહીં. હર્ષ ગોયન્કાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું :

“અઠવાડિયામાં 90 કલાક કામ? તો પછી શા માટે સન-ડેનું નામ બદલીને ‘સન-ડ્યુટી’ ન કરવામાં આવે અને ‘હોલિડે ડે’ને એક કલ્પના ગણી લેવામાં આવે? હું મહેનત અને સમજદારીથી કામ કરવામાં માનું છું, પરંતુ જીવનને સતત ચાલતી ઓફિસ શિફ્ટ બનાવી દેવી બરાબર છે? સફળ થવાની આ રીત નથી, આ થાકી જવાની રીત છે. વર્ક-લાઈફ બેલેન્સ વિકલ્પ નથી, તે એક જરૂરિયાત છે. સમજદારીથી કામ કરો, ગુલામીથી નહીં.”

ઓફિસના કર્મચારીએ કેટલા કલાક કામ કરવું જોઈએ તે હંમેશાં વિશ્વમાં ચર્ચાનો વિષય રહ્યો છે. આજે આપણે સૌથી વધુ કામ કરીએ છીએ. ઔધોગિક ક્રાંતિ પછી મશીનો આવવાથી માણસોની કામ કરવાની ક્ષમતામાં જબ્બર વધારો થયો હતો. આજે તો એવી સ્થિતિ છે કે સાહેબો તેમના કર્મચારીઓથી ખુશ નથી, અને તેઓ વધુ કામ કરે તેવી અપેક્ષા રાખતા થયા છે.

હાલમાં, વિશ્વભરની કંપનીઓમાં ઔપચારિક રીતે આઠ કલાક કામ થાય છે. પાંચ દિવસનું અઠવાડિયું હોય તો તે 40 કલાક થયા. ઔદ્યોગિક ક્રાંતિ વખતે, કંપનીઓ તેમનું ઉત્પાદન વધારવા માટે કામદારો પાસે દિવસમાં 10-16 કલાક કામ કરાવતી હતી અને તેનની અસર તેમની પારિવારિક જિંદગી પર પડવા લાગી, ત્યારે કામના કલાકો આઠ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. 

1લી મે, 1888ના રોજ અમેરિકમાં 13,000 કારખાનાંના 3 લાખ કામદારોએ આઠ કલાક જ કામ કરવાની માંગણી સાથે હડતાળ પાડી હતી. ‘મે ડે’ને દુનિયાભરમાં કામદારોના હકના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વિડમ્બના એ છે કે ભારતમાં ‘મે ડે’ની ઉજવણી વચ્ચે જ મજદૂર ધારાઓ બદલવામાં આવ્યા છે.

દુનિયાની પહેલી સફળ ઓટોમોબાઈલ કંપનીના માલિક હેનરી ફોર્ડે 1914માં તેમની ફોર્ડ કંપનીના કર્મચારીઓ માટે કામકાજનો દિવસ આઠ કલાક કર્યો અને તેમના પગારમાં પણ વધારો કર્યો. તેનું પરિણામ ખૂબ જ અદ્દભુત હતું, અને અન્ય કંપનીઓએ પણ તે નિયમ તેને અપનાવ્યો હતો. ત્યારથી  આઠ કલાકનો નિયમ થઇ ગયો છે.

એ વાત સાચી છે કે આજે દુનિયાભરમાં માણસો ખૂબ કામ કરે છે. એમાં કદાચ મહત્ત્વાકાંક્ષા, તાકાત, લોભ, આર્થિક ચિંતા, આનંદ, ગર્વ જેવી લાગણીઓ કામ કરતી હશે. આપણું મહત્ત્વ છે તે સાબિત કરવા કે ફરજની તીવ્ર ભાવનાથી પણ લોકો લાંબા કલાકો કામ કરે છે. અમુક કારણો નકારાત્મક છે, પરંતુ ઘણાં હકારાત્મક છે.

વ્યક્તિગત કારણો ગમે તે હોય, ભારતીય સમાજમાં આટલા લાંબા કામના કલાકો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. ભારતમાં લોકો અલગ રીતે કામ કરે છે. લોકો પર સામાજિક, પારિવારિક જેવી અનેક જવાબદારીઓ હોય છે અને તેમને જો સતત આટલા કલાકો સુધી કામ કરવાનું કહેવામાં આવે તો તે ડિપ્રેશનમાં જતા રહી જશે. વ્યક્તિની તાકાતની એક મર્યાદા હોય છે અને તેને દિવસમાં 12 કલાક કામ કર્યા પછી આરામની જરૂર હોય છે. આ ભારતીય સમાજમાં પ્રચલિત વ્યવસ્થા છે અને તે સૌથી વધુ વ્યવહારુ છે.

મેટ્રો શહેરોમાં તો આ જોવા પણ મળે છે. મનોવિજ્ઞાનમાં જોબ બર્ન આઉટ નામની ધારણા વિકસી છે. કામકાજમાં દીર્ઘકાલીન સ્ટ્રેસના પગલે બર્નઆઉટની પ્રક્રિયા શરૂ થાય છે. બર્નઆઉટ એટલે શારીરિક અને ભાવનાત્મક થકાવટ. બર્નઆઉટનાં ત્રણ મુખ્ય લક્ષણો છે : થકાવટ (કામ કરવાનો ઉત્સાહ ન હોય), ભાવશૂન્યતા (કામ સાથે લગાવ ન હોય) અને અક્ષમતા (વ્યવસાયિક ક્ષમતામાં ઘટાડાનો અહેસાસ). 

1974માં, હર્બટ ફ્રોડેનબર્ગર નામના જર્મન-અમેરિકન મનોવિજ્ઞાનીએ, બર્નઆઉટ : ધ હાઈ કોસ્ટ પફ હાઈ એચિવમેન્ટ નામના પુસ્તકમાં પહેલીવાર આ શબ્દ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કામ કર્યા પછી મળતા વળતર, સન્માન અને વિશ્રામની સરખામણીમાં કામનું ભારણ, ડેડલાઈન, કામના કલાકો અને સ્ટ્રેસ વધી જાય ત્યારે બર્નઆઉટ થવાય. 

પડદા પર બેવકૂફ ભમતારામના કિરદારથી જગમશહૂર બનેલા ચાર્લી ચેપ્લિને ઔધીગિક ક્રાંતિની ટ્રેજેડી પર 1936માં ‘મોડર્ન ટાઈમ્સ’ નામની બહેતરીન ફિલ્મ બનાવી હતી. તેમાં ચાર્લી એક ફેકટરીની એસેમ્બલી લાઈન પર નટ-બોલ્ટ ચઢાવવાનું કામ કરે છે. તેમાં તે મશીનના બેલ્ટમાં ભરવાઈ જાય છે. મશીનના મોઢામાં ઘુસી જાય છે. મહા-મહેનતે એ મશીનમાંથી બહાર આવે છે, પણ ત્યાં સુધીમાં તો તે પાગલ થઇ ગયો હોય છે. 

ઔધોગિકરણ એક વિરાટ મશીન છે. તે તેની ગતિએ ચાલી રહ્યું છે અને મજદૂરો તેમાં હોમાઈ રહ્યા છે, તેવો કટાક્ષ કરવા માટે ચેપ્લિને આ દૃશ્ય બનાવ્યું હતું. ‘મોડર્ન ટાઈમ્સ’ના ટાઈટલ શોટમાં ચેપ્લિને બે પ્રતીકાત્મક દૃશ્યો સાથે મૂક્યાં હતાં, જેમાં એક દૃશ્યમાં ઘેટાંને વાળવામાં આવી રહ્યાં છે અને બીજામાં એક ફેક્ટરીમાંથી કામદારોનાં ધાડાં બહાર નીકળી રહ્યાં છે. પેલા દૃશ્યમાં એની ‘બેવકૂફી’થી ફેકટરીમાં અવ્યવસ્થા ફેલાઈ જાય છે અને તેને હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવે છે. એ સાજો થઈને બહાર આવે છે પણ બેરોજગાર થઇ ગયો છે, એટલે તેને સામ્યવાદી ગણીને તેને જેલમાં મોકલવામાં આવે છે.

90 કલાક કામ કરવાની સાહેબોની માંગણી આ ‘મોડર્ન ટાઈમ્સ’ને હકીકતમાં બદલવા જેવી છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”;  19 જાન્યુઆરી 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દેશના એક નાગરિક તરીકે હવે તો આપણને શરમ પણ આવતી નથી. … કારણ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|19 January 2025

રમેશ ઓઝા

માનવીની અંદર સભ્યતા બે માર્ગે આવે છે. કાં તો સભ્ય માણસોની વચ્ચે રહીને અથવા સભ્ય તંત્રની પ્રજા બનીને. એક સમય હતો જ્યારે આપણી વચ્ચે ગાંધીએ પેદા કરેલા અનેક મુઠ્ઠી ઊંચેરા માણસો હતા. રાષ્ટ્રીય સ્તરે વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, આચાર્ય કૃપાલાણી જેવા સોએક અને પ્રાદેશિક સ્તરે તેમ જ છેક ગ્રામીણ સ્તરે રવિશંકર મહારાજ, સેનાપતિ બાપટ અને બીજા આપણા માટે અજાણ્યા, પણ સ્થાનિક સ્તરે નૈતિકતાની દીવાદાંડી સમાન બીજા હજારો. એ લોકોની હાજરીમાં મર્યાદા ઓળંગવામાં સંકોચ થતો. જે આવા નૈતિકતાના સંત્રીઓની નજરમાંથી ઉતરી જાય એ પ્રજાની નજરમાંથી પણ ઉતરી જતા. ટૂંકમાં તેમની હાજરીમાં મર્યાદાનું સ્તર જળવાઈ રહેતું. સંકોચ પણ હતો અને ભય પણ હતો. સત્યાગ્રહ કરશે તો?

બીજો માર્ગ છે સભ્ય તંત્ર. ઉપરથી લઈને નીચે સુધી તંત્ર એવું સુચારુ અને જવાબદાર હોય કે લોકોએ સભ્યતા પાળવી પડે. ભલે ડરીને, પણ મર્યાદાઓનું પાલન તો કરવું જ પડે. ડૉ. આંબેડકર જેવા અનેક લોકો કહેતા કે પ્રજા માણસાઈ અને મર્યાદા સાથે જીવતી થાય એને માટે ગાંધી જેવી વિભૂતિની રાહ જોવી પડે એ ખોટું છે, તંત્ર જ એવું હોવું જોઈએ કે જેમાં ગાંધીની જરૂર ન પડે. અંગ્રેજીમાં આને કોન્સ્ટિટ્યૂશનલ મોરાલિટી કહે છે. પ્રભાવ અને પ્રેરણા નહીં વ્યવસ્થા. પ્રભાવ અને પ્રેરણામાં કોઈ વિભૂતિની જરૂર પડે, જ્યારે વ્યવસ્થા વ્યક્તિનિરપેક્ષ સ્વાયત્ત હોય છે. માટે ડૉ. આંબેડકર જેવા અનેક લોકોએ બંધારણ આધારિત જવાબદાર રાજ્યતંત્ર પર વધારે ભાર મૂક્યો હતો. તેઓ ગાંધી અને ગાંધીજનોના ભરોસે દલિતોનું અને બીજી અન્યાય ભોગવતી આવેલી પ્રજાઓનું ઉજવળ ભવિષ્ય નહોતા જોતા, પરંતુ સભ્ય રાજ્યના ભરોસે ઉજવળ ભવિષ્ય જોતા હતા.

પણ થયું શું?

ગાંધીના પ્રભાવ અને પ્રેરણાએ પેદા કરેલી પેઢી ૧૯૮૫ સુધીમાં અસ્ત પામી અને એ સાથે શરમ જતી રહી. હવે કોઈ એવી નજર બચી નહોતી જેની નજરમાંથી ઉતરી જવાનો ડર રહે. ધીરે ધીરે સભ્યતાનું સ્તર નીચે ઉતરવા માંડ્યું. અત્યારે તો સ્તર એટલી હદે નીચે ઉતરી ગયું છે કે ગાંધીને જ ધૂર્ત અને ચારિત્ર્યહીન ગણાવીને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. નૈતિકતાના પેગંબરને જ આપણા જેવો બનાવી દો તો લોકો પ્રેરણા લેવા કોની પાસે જશે? આ બધું જ ગણતરીપૂર્વક યોજનાના ભાગરૂપે બની રહ્યું છે. જે અનુયાયીઓનાં ટોળાં દ્વારા રક્ષિત (મોબ પ્રોટેક્ટેડ) નથી એવા નૈતિકતાના પેગંબરોને ધરાશયી કરો અને ગાંધી આમાંનો એક છે. ટૂંકમાં નૈતિકતાના છડીદારોને અનુભવાતો સંકોચ અને તેમની નજરમાંથી ઉતરી જવાનો ભય હવે જતો રહ્યો છે.

અને સભ્ય તંત્ર? શું એ તંત્ર દ્વારા દેશમાં કોન્સ્ટિટ્યૂશનલ મોરાલિટી સ્થપાઈ છે? એનું પણ ક્ષરણ થવા માંડ્યું અને ગાંધીજનોના ગયા પછી વધુ ઝડપથી થવા માંડ્યું. જે લોકો તંત્ર ચલાવતા હતા તેમને હવે શરમ નડતી નહોતી. આનો અર્થ એવો નથી કે હું વિભૂતિવાદમાં માનું છું. વિનોબાએ પોતે જ કહ્યું છે કે વિભૂતિમત્વનો યુગ પૂરો થયો અને હવે આ ગણસેવકત્વનો યુગ છે. સજ્જનોએ સ્વાર્થની જગ્યાએ પરમાર્થની સ્વયંપ્રેરણાથી સજ્જનશક્તિ વિકસાવવી જોઈએ. સજ્જન હોવું પૂરતું નથી, સજ્જનોની શક્તિ બનવી જોઈએ. આમ માત્ર કોન્સ્ટિટ્યૂશનલ મોરાલિટીથી નહીં ચાલે, સજ્જનશક્તિ પણ વિકસાવવી પડશે.

હવે બે ઉદાહરણ જોઈએ. જે અરસામાં સજ્જનશક્તિનો અસ્ત થયો અને કોન્સ્ટિટ્યૂશનલ મોરાલિટીનું ક્ષરણ થવા લાગ્યું ત્યારે આ દેશમાં બે ઘટના બની હતી.

પહેલી ઘટના મુંબઈની હતી. ૧૯૮૨ના જાન્યુઆરી મહિનામાં મુંબઈની લગભગ ૮૦ જેટલી કાપડમિલોમાં હડતાલ પડી. હડતાળ શરૂ થઈ ત્યારે મિલોમાં અઢી લાખ મજદૂરો કામ કરતા હતા. હડતાળ લંબાતી ગઈ અને માલિકોએ મિલોને તાળાં માર્યાં. મજદૂરો રાહ જોઈ જોઇને થાકી ગયા અને મિલને દરવાજે આવવાનું બંધ કર્યું. કોઈ ગામ જતા રહ્યા, કોઈએ છૂટક હમાલી શરૂ કરી તો કોઈ કંગાલિયતમાં મૃત્યુ પામ્યા. કોઈએ દારૂનો આશરો લીધો અને પોતાને અને પરિવારને બરબાદ કરી નાખ્યાં. શાસકો માત્ર આશ્વાસન આપતા હતા કે ચિંતા નહીં કરો, છેવટે મિલોની જમીન વેચીને પણ મજૂરોને તેમના હકના પૈસા આપવામાં આવશે.

મિલો પાસે ત્યારે ૮૦૦ એકર જમીન હતી જેમાંથી ૬૦૦ એકર (૨ કરોડ ૬૧ લાખ ૩૬ હજાર ચોરસ ફૂટ) જમીન પર ટાવર્સ બંધાઈ ગયા છે જેની કિંમત આજના ભાવે એક લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય. મજૂરોને શું મળ્યું? કશું જ નહીં. કોર્ટ કચેરી અભ્યાસ સમિતિ લવાદ અપીલ અને ફરી પાછી સમિતિઓ લવાદ અને અપીલોની સાઈકલ. એક સમય એવો આવ્યો કે જો કોઈ મજદૂરને ન્યાય આપવા ઈચ્છે તો એને ગોતવો ક્યાં? તેઓ થાકીને આ શહેરની અંદર ખોવાઈ ગયા. અઢી લાખ હકદારો હક છોડીને ઓગળી ગયા. વળતર તો છોડો તેમની ગ્રેચ્યુઈટીની રકમ પણ તેમને મળી નહીં. સભ્ય તંત્ર અને સજ્જનશક્તિના શૂન્યાવકાશનું આ પરિણામ હતું.

બીજો દાખલો એ જ અરસાનો ૧૯૮૪ના ડિસેમ્બર મહિનાનો છે જે ભોપાલ ગેસ ટ્રેજેડી તરીકે ઓળખાય છે. એમાં સત્તાવાર રીતે ૩,૭૦૦ લોકો માર્યા ગયા હતા, પણ સરકાર છોડીને સર્વસાધારણ મત એવો છે કે એ દિવસે અને એ પછીનાં દિવસોમાં તેમ જ એ પછીનાં પાંચ-સાત વર્ષોમાં કુલ બાવીસ હજાર લોકો માર્યા ગયા હતા. આ સિવાય લગભગ દોઢ લાખ લોકોના આરોગ્ય પર નાનીમોટી અસર થઈ હતી. પણ ન્યાયનાં નામે મીંડું. એ જ કોર્ટ કચેરી, ટ્રકોની ટ્રકો ભરાય અને જોઈએ ત્યારે મળે નહીં એટલા દસ્તાવેજો, ખટલા, અપીલ, લવાદ, તપાસપંચો, અભ્યાસ સમિતિઓની સાઈકલ અને ફરી ફરી એ જ સાઈકલ. લગભગ કોઈને કશું જ મળ્યું નથી અને જે મળ્યું છે એને વળતર ન કહેવાય. ગુનેગારોને કોઈ સજા થઈ નથી.

બેમાંથી કોઈ ઘટનામાં સંબંધીતોને ન્યાય મળ્યો નથી અને એ વાતને આજે ચાર દાયકા વીતી ગયા છે. દેશના એક નાગરિક તરીકે હવે તો આપણને શરમ પણ આવતી નથી. શા માટે આવે? શરમાવનારા હોય તો શરમ આવે ને? માટે દરેક સમાજને કોન્સ્ટિટ્યૂશનલ મોરાલિટી અંકે કરનારું તંત્ર જોઈએ અને તેની સાથે અને તેના માટે માનવીય મર્યદા સાથે ચેડાં કરનારાઓને શરમાવે એવા સભ્ય નાગરિકો જોઈએ. વિનોબાની ભાષામાં સજ્જનશક્તિ. જ્યારે સજ્જનશક્તિનો લોપ થાય ત્યારે રાષ્ટ્રીય કલંકનો પ્રારંભ થાય. અને હવે તો કલંકો એકએકથી ચડિયાતા સામે આવી રહ્યાં છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જાન્યુઆરી 2025

Loading

...102030...469470471472...480490500...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved