
રમેશ ઓઝા
માનવીની અંદર સભ્યતા બે માર્ગે આવે છે. કાં તો સભ્ય માણસોની વચ્ચે રહીને અથવા સભ્ય તંત્રની પ્રજા બનીને. એક સમય હતો જ્યારે આપણી વચ્ચે ગાંધીએ પેદા કરેલા અનેક મુઠ્ઠી ઊંચેરા માણસો હતા. રાષ્ટ્રીય સ્તરે વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, આચાર્ય કૃપાલાણી જેવા સોએક અને પ્રાદેશિક સ્તરે તેમ જ છેક ગ્રામીણ સ્તરે રવિશંકર મહારાજ, સેનાપતિ બાપટ અને બીજા આપણા માટે અજાણ્યા, પણ સ્થાનિક સ્તરે નૈતિકતાની દીવાદાંડી સમાન બીજા હજારો. એ લોકોની હાજરીમાં મર્યાદા ઓળંગવામાં સંકોચ થતો. જે આવા નૈતિકતાના સંત્રીઓની નજરમાંથી ઉતરી જાય એ પ્રજાની નજરમાંથી પણ ઉતરી જતા. ટૂંકમાં તેમની હાજરીમાં મર્યાદાનું સ્તર જળવાઈ રહેતું. સંકોચ પણ હતો અને ભય પણ હતો. સત્યાગ્રહ કરશે તો?
બીજો માર્ગ છે સભ્ય તંત્ર. ઉપરથી લઈને નીચે સુધી તંત્ર એવું સુચારુ અને જવાબદાર હોય કે લોકોએ સભ્યતા પાળવી પડે. ભલે ડરીને, પણ મર્યાદાઓનું પાલન તો કરવું જ પડે. ડૉ. આંબેડકર જેવા અનેક લોકો કહેતા કે પ્રજા માણસાઈ અને મર્યાદા સાથે જીવતી થાય એને માટે ગાંધી જેવી વિભૂતિની રાહ જોવી પડે એ ખોટું છે, તંત્ર જ એવું હોવું જોઈએ કે જેમાં ગાંધીની જરૂર ન પડે. અંગ્રેજીમાં આને કોન્સ્ટિટ્યૂશનલ મોરાલિટી કહે છે. પ્રભાવ અને પ્રેરણા નહીં વ્યવસ્થા. પ્રભાવ અને પ્રેરણામાં કોઈ વિભૂતિની જરૂર પડે, જ્યારે વ્યવસ્થા વ્યક્તિનિરપેક્ષ સ્વાયત્ત હોય છે. માટે ડૉ. આંબેડકર જેવા અનેક લોકોએ બંધારણ આધારિત જવાબદાર રાજ્યતંત્ર પર વધારે ભાર મૂક્યો હતો. તેઓ ગાંધી અને ગાંધીજનોના ભરોસે દલિતોનું અને બીજી અન્યાય ભોગવતી આવેલી પ્રજાઓનું ઉજવળ ભવિષ્ય નહોતા જોતા, પરંતુ સભ્ય રાજ્યના ભરોસે ઉજવળ ભવિષ્ય જોતા હતા.
પણ થયું શું?
ગાંધીના પ્રભાવ અને પ્રેરણાએ પેદા કરેલી પેઢી ૧૯૮૫ સુધીમાં અસ્ત પામી અને એ સાથે શરમ જતી રહી. હવે કોઈ એવી નજર બચી નહોતી જેની નજરમાંથી ઉતરી જવાનો ડર રહે. ધીરે ધીરે સભ્યતાનું સ્તર નીચે ઉતરવા માંડ્યું. અત્યારે તો સ્તર એટલી હદે નીચે ઉતરી ગયું છે કે ગાંધીને જ ધૂર્ત અને ચારિત્ર્યહીન ગણાવીને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. નૈતિકતાના પેગંબરને જ આપણા જેવો બનાવી દો તો લોકો પ્રેરણા લેવા કોની પાસે જશે? આ બધું જ ગણતરીપૂર્વક યોજનાના ભાગરૂપે બની રહ્યું છે. જે અનુયાયીઓનાં ટોળાં દ્વારા રક્ષિત (મોબ પ્રોટેક્ટેડ) નથી એવા નૈતિકતાના પેગંબરોને ધરાશયી કરો અને ગાંધી આમાંનો એક છે. ટૂંકમાં નૈતિકતાના છડીદારોને અનુભવાતો સંકોચ અને તેમની નજરમાંથી ઉતરી જવાનો ભય હવે જતો રહ્યો છે.
અને સભ્ય તંત્ર? શું એ તંત્ર દ્વારા દેશમાં કોન્સ્ટિટ્યૂશનલ મોરાલિટી સ્થપાઈ છે? એનું પણ ક્ષરણ થવા માંડ્યું અને ગાંધીજનોના ગયા પછી વધુ ઝડપથી થવા માંડ્યું. જે લોકો તંત્ર ચલાવતા હતા તેમને હવે શરમ નડતી નહોતી. આનો અર્થ એવો નથી કે હું વિભૂતિવાદમાં માનું છું. વિનોબાએ પોતે જ કહ્યું છે કે વિભૂતિમત્વનો યુગ પૂરો થયો અને હવે આ ગણસેવકત્વનો યુગ છે. સજ્જનોએ સ્વાર્થની જગ્યાએ પરમાર્થની સ્વયંપ્રેરણાથી સજ્જનશક્તિ વિકસાવવી જોઈએ. સજ્જન હોવું પૂરતું નથી, સજ્જનોની શક્તિ બનવી જોઈએ. આમ માત્ર કોન્સ્ટિટ્યૂશનલ મોરાલિટીથી નહીં ચાલે, સજ્જનશક્તિ પણ વિકસાવવી પડશે.
હવે બે ઉદાહરણ જોઈએ. જે અરસામાં સજ્જનશક્તિનો અસ્ત થયો અને કોન્સ્ટિટ્યૂશનલ મોરાલિટીનું ક્ષરણ થવા લાગ્યું ત્યારે આ દેશમાં બે ઘટના બની હતી.
પહેલી ઘટના મુંબઈની હતી. ૧૯૮૨ના જાન્યુઆરી મહિનામાં મુંબઈની લગભગ ૮૦ જેટલી કાપડમિલોમાં હડતાલ પડી. હડતાળ શરૂ થઈ ત્યારે મિલોમાં અઢી લાખ મજદૂરો કામ કરતા હતા. હડતાળ લંબાતી ગઈ અને માલિકોએ મિલોને તાળાં માર્યાં. મજદૂરો રાહ જોઈ જોઇને થાકી ગયા અને મિલને દરવાજે આવવાનું બંધ કર્યું. કોઈ ગામ જતા રહ્યા, કોઈએ છૂટક હમાલી શરૂ કરી તો કોઈ કંગાલિયતમાં મૃત્યુ પામ્યા. કોઈએ દારૂનો આશરો લીધો અને પોતાને અને પરિવારને બરબાદ કરી નાખ્યાં. શાસકો માત્ર આશ્વાસન આપતા હતા કે ચિંતા નહીં કરો, છેવટે મિલોની જમીન વેચીને પણ મજૂરોને તેમના હકના પૈસા આપવામાં આવશે.
મિલો પાસે ત્યારે ૮૦૦ એકર જમીન હતી જેમાંથી ૬૦૦ એકર (૨ કરોડ ૬૧ લાખ ૩૬ હજાર ચોરસ ફૂટ) જમીન પર ટાવર્સ બંધાઈ ગયા છે જેની કિંમત આજના ભાવે એક લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય. મજૂરોને શું મળ્યું? કશું જ નહીં. કોર્ટ કચેરી અભ્યાસ સમિતિ લવાદ અપીલ અને ફરી પાછી સમિતિઓ લવાદ અને અપીલોની સાઈકલ. એક સમય એવો આવ્યો કે જો કોઈ મજદૂરને ન્યાય આપવા ઈચ્છે તો એને ગોતવો ક્યાં? તેઓ થાકીને આ શહેરની અંદર ખોવાઈ ગયા. અઢી લાખ હકદારો હક છોડીને ઓગળી ગયા. વળતર તો છોડો તેમની ગ્રેચ્યુઈટીની રકમ પણ તેમને મળી નહીં. સભ્ય તંત્ર અને સજ્જનશક્તિના શૂન્યાવકાશનું આ પરિણામ હતું.
બીજો દાખલો એ જ અરસાનો ૧૯૮૪ના ડિસેમ્બર મહિનાનો છે જે ભોપાલ ગેસ ટ્રેજેડી તરીકે ઓળખાય છે. એમાં સત્તાવાર રીતે ૩,૭૦૦ લોકો માર્યા ગયા હતા, પણ સરકાર છોડીને સર્વસાધારણ મત એવો છે કે એ દિવસે અને એ પછીનાં દિવસોમાં તેમ જ એ પછીનાં પાંચ-સાત વર્ષોમાં કુલ બાવીસ હજાર લોકો માર્યા ગયા હતા. આ સિવાય લગભગ દોઢ લાખ લોકોના આરોગ્ય પર નાનીમોટી અસર થઈ હતી. પણ ન્યાયનાં નામે મીંડું. એ જ કોર્ટ કચેરી, ટ્રકોની ટ્રકો ભરાય અને જોઈએ ત્યારે મળે નહીં એટલા દસ્તાવેજો, ખટલા, અપીલ, લવાદ, તપાસપંચો, અભ્યાસ સમિતિઓની સાઈકલ અને ફરી ફરી એ જ સાઈકલ. લગભગ કોઈને કશું જ મળ્યું નથી અને જે મળ્યું છે એને વળતર ન કહેવાય. ગુનેગારોને કોઈ સજા થઈ નથી.
બેમાંથી કોઈ ઘટનામાં સંબંધીતોને ન્યાય મળ્યો નથી અને એ વાતને આજે ચાર દાયકા વીતી ગયા છે. દેશના એક નાગરિક તરીકે હવે તો આપણને શરમ પણ આવતી નથી. શા માટે આવે? શરમાવનારા હોય તો શરમ આવે ને? માટે દરેક સમાજને કોન્સ્ટિટ્યૂશનલ મોરાલિટી અંકે કરનારું તંત્ર જોઈએ અને તેની સાથે અને તેના માટે માનવીય મર્યદા સાથે ચેડાં કરનારાઓને શરમાવે એવા સભ્ય નાગરિકો જોઈએ. વિનોબાની ભાષામાં સજ્જનશક્તિ. જ્યારે સજ્જનશક્તિનો લોપ થાય ત્યારે રાષ્ટ્રીય કલંકનો પ્રારંભ થાય. અને હવે તો કલંકો એકએકથી ચડિયાતા સામે આવી રહ્યાં છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જાન્યુઆરી 2025