વૈશ્વિક સ્તરે વધી રહેલા તાપમાન, ઓગળી રહેલા ગ્લેશિયર્સ અને સૂકાતી નદીઓ સત્તા માટે લડાતાં કોઇપણ યુદ્ધ કરતાં વધારે મોટા પ્રશ્નો છે. પ્રાણીઓની પ્રજાતિઓ પ્રતિકૂળ આબોહવામાં ખોવાઇ રહી છે. પર્યાવરણનું તંત્ર – તેની ઇકોસિસ્ટમ પર એકડેએકથી કામ કરવાનો વખત પાક્યો છે નહીંતર આપણી પૃથ્વીને તબક્કાવાર ઉજ્જડ થતાં જોવા સિવાય આપણી પાસે બીજો કોઇ રસ્તો નહીં રહે.

ચિરંતના ભટ્ટ
લૉસ એન્જલસનું આકાશ કાળું ધબ છે. હજારો હેક્ટર જમીન પર રાખના ઢગલા પથરાઇ ગયા છે. સાત જાન્યુઆરીએ જંગલમાં દાવાનળ ભડક્યો અને પેલિસેડમાં 21,600 એકર અને ઇટનમાં 14,000 એકર જમીનમાં આગ લાગી. કેલિફોર્નિયાના આ શહેરની આગમાં વિનાશની યાદી લાંબી થઇ રહી છે. આગ કાબૂમાં નથી આવી અને સતત ત્યાંની તારાજીના આંકડા, જાન માલને થયેલા નુકસાનની વિગતો આગની આગળ લપકતી જ્વાળાઓની માફક લોકો સુધી પહોંચી રહી છે. કેલિફોર્નિયાના ‘વાઇલ્ડ ફાયર્સ’ અને તેનાથી થતો વિનાશ લોકો માટે કે આખી ય દુનિયા માટે હવે કોઇ નવી વાત નથી. 2018માં પણ જ્યારે દાવાનળ ફાટી નીકળ્યો હતો ત્યારે માયલી સાયરસ અને લિઆમ હેમ્સવર્થ સહિતના અનેક હૉલીવૂડ સેલિબ્રિટીઝનાં ઘર બળીને ખાખ થઇ ગયાં હતાં. આ વખતની આગમાં ઘર ગુમાવી બેઠેલા સેલિબ્રિટીઝની યાદીમાં પણ ઘણાં નામો છે. છતાં ય આ વખતના લૉસ એન્જેલસના દાવાનળે જે મ્હોં ફાડીને સ્થાવર જંગમ મિલકતને ભરખી છે તે જોતાં સતત વધતાં જતાં તાપમાન, પર્યાવરણનાં ખોરવાતાં સંતુલન અને માનવજાત આવા કુદરતી પ્રકોપ સામે કેટલું ટકી શકશે એ દિશામાં માત્ર ગંભીર વિચાર કે ચર્ચાઓ કરતાં કંઇ વધુ થાય એ અનિવાર્ય છે.
લૉસ એન્જલસ જે રીતે વર્ષોથી દાવાનળનો ભોગ બને છે તેમાં સમયાંતરે આગનો પ્રકોપ વિસ્તરતો ગયો છે. ભવિષ્યમાં આવા પ્રકોપ સામે ટકી જવાની આ શહેરની શક્તિ સદંતર ખલાસ થઇ જાય એવી પૂરી શક્યતા છે. આ દાવાનળની અસર એક કરતાં વધારે પાસાં પર પડતી હોય છે. આ વૈશ્વિક આબોહવામાં આવતાં પરિવર્તન માટે વપરાતો શબ્દ ક્લાઇમેટ ચેન્જ હવે નવો નથી રહ્યો. ક્લાઇમેટ ચેન્જની ચિંતા કરનારાઓના કપાળની કરચલીઓ વધી રહી છે. કેલિફોર્નિયાનું રાજ્ય ક્લાઇમેટ ચેન્જની થપાટો સામે લાચાર છે. આપણે અહીં બેસીને દિલ્હી અને મુંબઈની હવાની ગુણવત્તા પર ચર્ચા કરતા હોઈએ છીએ પણ કેલિફોર્નિયામાં બે એરિયાનું ધુમ્મસ અને દાવાનળનો ધુમાડો ભેગો થાય ત્યારે ત્યાં કેવું દૃશ્ય સર્જાતું હશે એ કલ્પના પણ કાળી ડિબાંગ જ હોય. વળી એમાં હવાની ગુણવત્તાનો પ્રશ્ન કરવાનો તો કોઇ અર્થ જ નથી રહેતો. અહીંના લોકો સળગતા લાકડાના ધુમાડાની સુગંધ અથવા તો બળેલા પ્લાસ્ટિકની વાસથી સમજી જાય છે કે કુદરત હવે આગ ઓકવાની તૈયારીમાં છે. મોસમી બની ચુકેલા આ દાવાનળમાં ક્યારેક કોઇ કોઈ આગમાં લોકોને કોઈ નુકસાન નથી થતું તો કોઈ કોઇ આગમાં એટલા લોકો અને જાનવરોનો ભોગ લેવાય છે તેમના આત્માને શાંતિ મળે એ માટે બે મિનિટનું મૌન નહીં પણ દાયાકાઓનો સન્નાટો પાળવો પડે. લૉસ એન્જલમાં હજારો ઇમારતો બળીને ભડથું થઇ ગઈ છે, પ્રાણીઓ અને માનવ જીવ પણ ગયા છે – એક લાખ જેટલા રહેવાસીઓ આ આગથી બચવા પોતાના ઘર ખાલી કરવાની તજવીજમાં રહ્યા સહ્યા માનસિક અને શારીરિક બળને જોરે ટકી રહ્યાં છે.
કેલિફોર્નિયામાં જે કટોકટી ભરી સ્થિતિ સર્જાઇ છે તેને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવી અનિવાર્ય છે. આ માત્ર સ્થાનિક સમસ્યા છે એમ માનીને કેલિફોર્નિયાથી જોજનો દૂર બેઠેલા આપણે નિશ્ચિંત થવાની ભૂલ ન કરવી જોઇએ. આપણે પણ પૂર જેવા કુદરતી પ્રકોપનો સામનો કરીએ જ છીએ. તો માનવસર્જિત સમસ્યાઓની યાદી પણ ખાસ્સી એવી લાંબી છે. હોનારત જિંદગીનો હિસ્સો બની જાય એ બાબતનો સાહજિક સ્વીકાર આપણી માણસ તરીકેની નિષ્ઠુરતાનો પુરાવો છે એ સમજવું જોઇએ. કોઈ પૂલ તુટે, ક્યાંક ગેમિંગ ઝોનમાં આગ લાગે કે ક્યાંક હોડી ઊંધી વળી જાય, ક્યાંક મંદિરમાં ભક્તોની નાસભાગમાં લોકો મરી જાય – આ બધાનું કારણ માણસજાતનો લોભ છે – ઓછામાં વધુ મેળવી લેવાની લાલચ છે. બીજી બાજુ કુદરતી પ્રકોપ સામે આપણું કંઇ ચાલે નહીં એવું વિચારીને જો આપણે આંખ આડા કાન કરવાની વૃત્તિ કેળવવી હોય તો શ્વાસ ગણતાં ગણતાં જીવવાની ટેવ પાડવી પડે.
કેલિફોર્નિયા વાઇલ્ડ ફાયર્સના કારણોની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો સાન્તા આનાના વાયરા જે બહુ જોરથી ફૂંકાયા જેને કારણે આગ બહુ ઝડપથી પ્રસરી. 70 MPHની ઝડપે ફૂંકાતા પવનોમાં દક્ષિણી કેલિફોર્નિયામાં મોસમ બહુ જ સૂકી હતી. સૂકી આબોહવા એટલે આગ ફેલાવા માટેનું આદર્શ સેટ-અપ અને ઉનાળામાં ગરમી પણ રેકોર્ડ બ્રેક પડી હતી. કુદરતી લાગતાં આ તમામ કારણો આટલી મોટી તારાજી સુધી પહોંચ્યાં તેની પાછળ માણસે પર્યાવરણની કાળજીમાં કરેલી સરિયામ અવગણનાએ સૌથી મોટો ભાગ ભજવ્યો છે.
કેલિફોર્નિયાની આ આગ આખી દુનિયાના નીતિઓના ઘડવૈયાને માટે ખતરાની ઘંટી સમાન છે. મિટિરિયોલૉજી એજન્સીઝ આ આફતની આગાહી કરવામાં ગોથું ખાઇ ગયા. એક કરતાં વધુ કારણો આ આગ માટે જવાબદાર છે. આમ તો છેલ્લા એકાદ દાયકામાં કેલિફોર્નિયામાં સૂકો દુકાળ કાયમી સ્થિતિ રહી છે પણ 2025માં આવા સંજોગો નહીં સર્જાયની ગણતરી ખોટી પડી. યુ.એસ. ડ્રોટ મોનિટરના છેલ્લા મેપિંગ અનુસાર કેલિફોર્નિયા સ્ટેટનો સાંઇઠ ટકા પ્રદેશ દુકાળના પ્રભાવમાં છે. અહીંની ધરતીમાં ભેજનું પ્રમાણ 2 ટકાથી પણ ઓછું છે અને આટલી ખરાબ સ્થિતિ પહેલાં ક્યારે ય નથી થઈ. કેલિફોર્નિયામાં વિષમ આબોહવા લોલકની જેમ વર્તાય છે. 2023-24માં ત્યાં વેટ-વિંટર્સ – એટલે વરસાદી માહોલવાળો આકરો શિયાળો હતો તો ગણતરીના મહિનાઓમાં સૂકી આબોહવા કેલિફોર્નિયાને વિંટળાઇ ગઇ. આ કુદરતી સંજોગો આકરા બનતા જાય કારણ કે ત્યાં માળખાંકીય સુવિધાઓ અને ઇમારતના બાંધકામમાં અત્યંત જ્વલનશીલ પદાર્થો વપરાતા હોય છે.
આમ તો કુદરતી રીતે દાવાનળ જંગલોની ફરી ઊગવાની પ્રક્રિયાનો એક હિસ્સો છે. દાવાનળ લાગે, વિનાશ થાય અને ફરી જંગલ બેઠું થાય – પણ જંગલોની સરહદોની અવગણના કરનારી માણસજાત કુદરતી પ્રક્રિયામાં આડી આવે અને પછી તેનો ભોગ બને. વિશેષજ્ઞોનું માનવું છે કે કેલિફોર્નિયાના સ્ટેટની “અંતિમવાદી પર્યાવરણીય” નીતિ જેને કારણે જંગલોને પાંખા કરવાનું બંધ કરી દેવાયું છે તેને પણ આ આગની તારાજીનું કદ આટલું બધું વિસ્તરવાનું કારણ બન્યું છે. પર્યાવરણની અંતિમ સ્તરની અવગણના અથવા તો અંતિમ સ્તરની સુરક્ષા કરનારી માણસ જાતને પોતાની મર્યાદાનું ભાન નથી રહેતું. કેલિફોર્નિયામાં એક સમયે દાવાનળને રોકવા સૂકાં વૃક્ષો અને જમીન પર પથરાયેલાં કે પડેલાં વૃક્ષના સૂકા હિસ્સાઓને ખસેડવામાં આવતા, જંગલોને પાંખા કરીને તેને ફરી ઊગવાની મોકળાશ કરી અપાતી પણ એ બધું નીતિના ઘડવૈયાઓએ પર્યાવરણને સાચવવાને નામે રોક્યું તો એને કારણે જ આગ સડસડાટ ફેલાઇ. વળી ત્યાંના અગ્નિશામક વિભાગે ઓછા બજેટ, ઓછા સ્રોત અને અપૂરતી તૈયારીઓનાં કારણો તો આગળ ધર્યાં જ. આ આખી બાબતને ધ્યાન આપીને સમજવાનો પ્રયત્ન કરીએ તો ખબર પડે માણસજાત પોતાનું ધાર્યું કરવા જાય છે એમાં કુદરતી પરિબળોની ગણતરી કરવાનું અને માનવસર્જિત અવરોધોની ત્રિરાશી માંડવાનું ચૂકી જાય છે. પરિણામ આપણી સામે છે. વહીવટી સ્તરે બહુ જ અસરકારક કામ કરી શકે તેવું વિચારનારા સત્તાધિશોની તાતી જરૂરિયાત છે. કેલિફોર્નિયા જ્યાં હૉલીવૂડ છે, જ્યાં 2028માં ઑલિમ્પિક્સ હોસ્ટ થવાની ચર્ચાઓ થઇ ચૂકી છે એ હવે એક જોખમી સ્થળ બની ગયું છે. જ્યાં ગમે ત્યારે આગ લાગી શકે છે એવા આ સ્ટેટમાં પાણીની પણ મોટે પાયે આયાત કરાય છે જેને કારણે પણ પર્યાવરણ પર દબાણ વધે છે. ત્યાં હાઇવે પર જમા થતો ટ્રાફિક, જાહેર વાહન વ્યવહારના ઓછા વિકલ્પો જેવી તમામ ચીજો કુદરતી આફતને ટાણે બહુ મોટા અવરોધ બની જાય છે.
વૈશ્વિક સ્તરે વધી રહેલાં તાપમાન, ઓગળી રહેલાં ગ્લેશિયર્સ અને સૂકાતી નદીઓ સત્તા માટે લડાતાં કોઇપણ યુદ્ધ કરતાં વધારે મોટા પ્રશ્નો છે. પ્રાણીઓની પ્રજાતિઓ પ્રતિકૂળ આબોહવામાં ખોવાઇ રહી છે. પર્યાવરણનું તંત્ર – તેની ઇકોસિસ્ટમ પર એકડેએકથી કામ કરવાનો વખત પાક્યો છે નહીંતર આપણી પૃથ્વીને તબક્કાવાર ઉજ્જડ થતાં જોવા સિવાય આપણી પાસે બીજો કોઇ રસ્તો નહીં રહે. કેલિફોર્નિયા જેવી હોનારત ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા જેવા પ્રદેશો જ્યાં મેડિટરેનિયન આબહોવા છે ત્યાં પણ થતી રહે છે. ઊર્જાની જરુરિયાતો માણસોમાં વધી રહી છે અને કુદરતી જ નહીં પણ કૃત્રિમ સ્રોતો પર મારો ચલાવાય છે ત્યારે તેનાથી થતા નુકસાનની ગણતરીમાં આપણે થાપ ખાઇ જઈએ છીએ.
બાય ધી વેઃ
કોંક્રિટ સિમેન્ટના જંગલો ઊભા કરવામાં કુદરતી દાવાનળોને રોકવામાં આપણે નિષ્ફળ જઇએ છીએ. ટેક્નોલોજી અને આધુનિકતના શસ્ત્રો કુદરત સામેના યુદ્ધમાં કામ નથી લાગવાનાં એ સમજવાનો સમય છે. પ્રકૃતિની સાહજિકતા જળવાય એ પ્રકારની નીતિઓ ઘડાય એ વૈશ્વિક જરૂરિયાત છે નહીંતર ક્યારેક દાવાનળ તો ક્યારેક સુનામી અને અંતે ઉપર જણાવી એ પ્રકારની માનવ સર્જિત આફતોમાં માણસજાત સપડાશે, લમણે હાથ મૂકીને તારાજી જોયા કરશે. આ આફતોમાં અવસર શોધવાને બદલે તેમાંથી બોધપાઠ લઇને કુદરત સાથે તાલ મેળવવાના દિશામાં કામ કરવાની ઘડી આવી ગઇ છે. નહીંતર તો પછી આવનારી પેઢીને દાવાનળ, વડવાનલ, લાવારસ, પૂર, દુકાળ જેવી આફતો સામે લડતી પૃથ્વીની ભેટ આપવાનું પાપ આપણી પેઢીને માથે લખાશે એ નક્કી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જાન્યુઆરી 2025