Opinion Magazine
Number of visits: 9953763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષક એ નથી જે માહિતી આપે, શિક્ષક એ છે જે ડહાપણ આપે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 April 2025

રાજ ગોસ્વામી

થોડા સમય પહેલાં, દિલ્હીની હિંદુ કોલેજમાં ગુરુ-શિષ્ય સંવાદ યોજાયો હતો. તેમાં કોલેજના વરિષ્ઠ હિન્દી શિક્ષક રામેશ્વર રાય અને તેમના વિધાર્થી રહી ચુકેલા અને હવે પ્રસિદ્ધ કોચિંગ સંસ્થા ‘દૃષ્ટિ આઈ.એ.એસ.’ના સંચાલક ડૉ. વિકાસ દિવ્યકીર્તિ હાજર રહ્યા હતા. 

બંને દાયકાઓ પછી ભેગા થયા હતા અને તેમની વચ્ચે પોણા બે કલાક વાતચીત થઇ હતી. કોલેજના વિધાર્થીઓ માટે તો આ ‘સોને પે સુહાગા’ જેવો અવસર હતો. બંનેએ તેમની વચ્ચેના ગુરુ-શિષ્ય સંબંધ અંગે અને શિક્ષણમાં આજે કેમ તેની બહુ જરૂર છે, તેના પર ગહન વિચારો રજૂ કર્યા હતા. કોઈને તે સંવાદ સાંભળવો હોય તો તે યુટ્યુબ પર ઉપલબ્ધ છે.

ભારતમાં ગુરુ-શિષ્ય પરંપરાનું કેટલું પતન થયું છે અને વિધાર્થીઓને સાચા શિક્ષકનો અભાવ કેટલો સાલે છે તેની સાબિતી આ કાર્યક્રમને માણનારા યુવાનોની ટિપ્પણીઓ પરથી મળે છે. મેં આ કાર્યક્રમ જોયો / સાંભળ્યો હતો, અને પ્રોફેસર રામેશ્વર રાયે તેમાં વર્તમાન ભારતમાં શિક્ષણ અને શિક્ષકની કથળેલી ગુણવત્તા અંગે અમુક નિરીક્ષણો કર્યાં હતાં. તેના પર હું વિચાર કરતો હતો. 

પછી યુટ્યુબ પર મને અમુક વિચાર્થીઓની પ્રતિક્રિયાઓ વાંચવા મળી, તેના પરથી ખ્યાલ આવ્યો કે સાચા અને જ્ઞાની શિક્ષક હોય તો લોકો કેવા પ્રભાવિત થાય છે. એક વિધાર્થીએ લખ્યું, ‘આજના અતિશય માહિતીવાળા અને ડિજિટલ યુગમાં આ પ્રકારનો સંવાદ  મુશ્કેલ છે. મેં પહેલીવાર ગુરુ અને શિષ્ય બંનેને આટલી વિનમ્રતા, સ્નેહ, આદર અને સન્માન સાથે વાતચીત કરતા સાંભળ્યા.’

બીજા એક વિધાર્થીએ લખ્યું, ‘આજે જ્યારે મેં વિકાસ દિવ્યકીર્તિ સરના ગુરુને સાંભળ્યા ત્યારે ખબર પડી કે જેના ગુરુ આવા હોય તો જ વિકાસ સર જેવા ગુરુ મળી શકે. સરે કહ્યું હતું કે ગુરુજીએ તેમનામાં વાંચવાની જિજ્ઞાસા જગાડી હતી. આજે ડૉ. રામેશ્વર સરને સાંભળીને મારામાં પણ જિજ્ઞાસા જાગી છે. રામેશ્વર સર જેવા શિક્ષકો મળે, તો વિકાસ સર જેવા શિષ્યો જન્મે.’

એક અન્ય શ્રોતાએ લખ્યું, ‘વિકાસ સર અને રામેશ્વર સરની વાત સાંભળીને લાગ્યું કે માત્ર ગુરુ-શિષ્ય પરંપરા જ સમાજને યોગ્ય દિશામાં દોરી શકે છે. આવી મૂલ્યવાન વાતચીત બદલ આપનો ખૂબ ખૂબ આભાર! યુવા પેઢીને માર્ગદર્શનની સૌથી વધુ જરૂર છે.’ 

બીજા એકે લખ્યું, ‘યુવા પેઢીને તમારા માર્ગદર્શનની સૌથી વધુ જરૂર છે. તમારો વીડિયો જોઈને મેં નવું જીવન શરૂ કર્યું. વર્ષમાં આવા ચાર વીડિયો બનવા જોઈએ. યુવા પેઢીમાં બહુ બદલાવ આવશે.’ 

એક વિધાર્થી ઘણા સમયથી તનાવની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હતો. યુટ્યુબ પર તે નકામા વીડિયો જોઈને થાકી ગયો હતો. યુટ્યુબના અલગોરિધમે તેને હિંદુ કોલેજના આ કાર્યક્રમનું સૂચન કર્યું. તેને પહેલીવાર એવું લાગ્યું કે આટલો સારો વીડિયો પણ હોઈ શકે અને જીવન જીવવામાં મદદ મળી શકે છે.

એક અન્ય વિધાર્થી આ સંવાદની ગુણવત્તાથી એટલો પ્રભાવિત થયો કે તેણે લખ્યું, ‘આ એક કલાક 40 મિનિટનો એપિસોડ જેણે પણ સાંભળ્યો છે તે સાચે જ જ્ઞાનનો ભૂખ્યો છે, તેનું માનસિક સ્તર નિશ્ચિતપણે સામાન્ય લોકો કરતાં ઉપર છે. જીવનની દોડધામમાં કોઈ આટલો લાંબો એપિસોડ જુવે / સાંભળે તેનો અર્થ જ એ થયો કે તેને જ્ઞાની લોકોની સંગત ગમે છે.’

આ ટિપ્પણીઓથી એક વાત સમજાય છે કે શિક્ષણ જગતમાં સારા ગુરુઓ રહ્યા નથી અને શિષ્યો એક તરસ્યા પ્રાણીની જેમ પાણી માટે અહીં તહીં ભટક્યા કરે છે. કોલેજનાં છોકરાઓમાં કેવી જિજ્ઞાસા હોય છે તેની સાબિતી આ ટિપ્પણીઓ છે. આ ટિપ્પણી વર્તમાન દૌર અંગે પણ છે જેમાં માહિતીઓ તો આપાર છે પરંતુ જ્ઞાન નથી.

આ સંવાદમાં, રામેશ્વર રાયે પણ આ જ સંકટ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજના સમયમાં ભરોસાની જેટલી જગ્યાઓ હતી તે ધ્વસ્ત થઇ છે. ધર્મમાં તે ધ્વસ્ત છે. રાજનીતિમાં તે ધ્વસ્ત છે. સંત-મહાત્મા ધ્વસ્ત છે. અને 19થી 22 વર્ષનાં જે બાળકો આંખોમાં સપનાં લઈને વિશ્વવિદ્યાલયોના દરવાજે આવે છે તે માત્ર જ્ઞાનની શોધમાં નહીં, પણ ભરોસાની ખોજમાં પણ આવે છે, કારણ કે રાજનીતિ, પ્રશાસન, ધર્મ જેવાં જિંદગીનાં જેટલાં પણ ક્ષેત્ર છે, તે તેમનો ભરોસો ગુમાવી ચૂક્યાં છે. 

તેમણે કહ્યું હતું કે શિક્ષકનું કામ માત્ર જ્ઞાન આપવાનું નથી, પરંતુ વિધાર્થીને એ ભરોસો આપવાનું છે કે જીવન સફળતાપૂર્વક અને સાર્થક રીતે જીવી શકાય છે. રાયે એક સરસ વાત કરી હતી કે, ‘શિક્ષક જ્ઞાનના કારણે મહત્ત્વપૂર્ણ નથી, બલકે ભરોસાના ખંડેરમાં તે એક મજબૂત ઈંટની માફક બચેલો રહે છે અને 18થી 22 વર્ષ વચ્ચેના વિધાર્થીને લાગે કે ના, ભરોસો કરવા જેવી હજુ એક જગ્યા બાકી છે.’

માતા-પિતા બાળકોને જન્મ આપે છે. તેમનું સ્થાન કોઈ લઈ શકતું નથી, અને આપણે કોઈ પણ સ્વરૂપમાં તેમનું ઋણ અદા કરી શકતા નથી, પરંતુ શિક્ષકને ભારતીય સંસ્કૃતિમાં માતાપિતા તરીકે સમાન દરજ્જો આપવામાં આવે છે કારણ કે શિક્ષક જ બાળકને સમાજમાં જીવવા યોગ્ય બનાવે  છે. એટલા માટે શિક્ષકને સમાજનો ઘડવૈયા કહેવામાં આવે છે. 

શિક્ષક માત્ર વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ કરાવવા માટે જ ચિંતિત નથી હોતો, પરંતુ તે જીવનના દરેક પડાવ પર તેના વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા અને તેનો હાથ પકડવા માટે હંમેશાં તૈયાર હોય છે, ઉપસ્થિત હોય છે. તે વિદ્યાર્થીના મનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નનો જવાબ આપે છે અને વિદ્યાર્થીને યોગ્ય સલાહ આપે છે અને હંમેશાં તેને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

એટલા માટે શિક્ષકને ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આજીવન સંબંધ છે. હવે એવું રહ્યું નથી. આજે શિક્ષકનું કામ 9થી 5ની બેંકની નોકરી જેવું થઇ ગયું છે. બેંક બંધ થઇ જાય પછી પૈસાની લેવડદેવડ બંધ થઇ જાય, તેવી રીતે સ્કૂલ કે કોલેજ બંધ થઇ જાય પછી જ્ઞાનનું સિંચન પણ બંધ થઇ જાય છે. 

શિક્ષક એ નથી જે માહિતી આપે. શિક્ષક એ છે જે ડહાપણ આપે. 

આઈન્સ્ટાઈને લખ્યું હતું, ‘ખબર તો બેવકૂફને પણ હોય છે. મહત્ત્વની વાત સમજણની છે.’ જેને સમગ્રતા સાથેના જીવનની ગહેરાઈની સમજ નથી એ અભણ છે. શિક્ષક ટોર્ચબેરિયર છે. એ મગજમાં વસ્તુઓ ના ભરે, એ આગ લગાવે. તમને સારું લગાડે, પંપાળે એ શિક્ષક નથી, એ મનોરંજક છે.

શિક્ષણનો મુખ્ય હેતુ જ્ઞાન એકઠું કરવાનો નથી, કલ્પનાશક્તિને ઉત્તેજન આપવાનો છે, પરંતુ શિક્ષણ આપવાની આપણી મેથડ નવું વિચારવાની શક્તિને સીમિત કરે છે, અને પૂર્વનિર્ધારિત જવાબો આપવાની ક્ષમતાને મજબૂત કરે છે. એટલા માટે, આપણી શિક્ષણ વ્યવસ્થામાંથી ભણેલા લોકો બહુ બહાર પડે છે, પરંતુ ક્રિએટિવ થિન્કિંગ કરવાવાળા ઓછા નીકળે છે. 

બાળકોમાં જન્મજાત જિજ્ઞાસાવૃત્તિ, ક્રિએટિવિટી અને કલ્પનાશક્તિ હોય છે, પરંતુ સ્કૂલમાં બુદ્ધિનો ટેસ્ટ કરવાની મેથડના પગલે તે વૃત્તિઓ દબાઈ જાય છે. શિક્ષણ જ્યારે આપણી કલ્પનાશક્તિને રૂંધે, ત્યારે તેને બ્રેનવોશિંગ કહેવાય. શિક્ષણ આપણને “શું” વિચારવું એ શીખવાડે છે. વાસ્તવમાં તેનું કામ આપણે “કેવી રીતે” વિચારવું તે શીખવાડવાનું છે. આપણને આવા શિક્ષકોની જરૂર છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 13 ઍપ્રિલ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ન્યાયી સીમાંકનનો આધાર પારદર્શિતા, પરામર્શ અને નિષ્પક્ષતા છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 April 2025

ચંદુ મહેરિયા

તમિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિનની પહેલથી, દેશના સાડત્રીસ વિપક્ષો સીમાંકનના મુદ્દે એકત્ર થયા છે. દક્ષિણના રાજ્યોએ વસ્તી નિયંત્રણના કાર્યક્રમોનો અસરકારક અમલ કરતાં તેમની વસ્તી ઘટી છે. એટલે વસ્તીના ધોરણે થતાં લોકસભા બેઠકોના સીમાંકનમાં તેમની બેઠકો ઘટવાની આશંકા છે. બેઠકો ઘટતાં કેન્દ્ર સરકારમાં તેમનો અવાજ નબળો પડશે. તેથી તેઓ સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દક્ષિણના રાજ્યોની લોકસભા બેઠકો ઘટશે નહીં તેવું આશ્વાસન આપ્યું છે, પરંતુ વિરોધ અટક્યો નથી. બંધારણીય જોગવાઈઓને અનુરૂપ બંધારણીય જરૂરિયાત એવા સીમાંકને આજકાલની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. 

ગ્રામ પંચાયતથી લોકસભા સુધીના મત વિસ્તારોની સીમાઓની આંકણી એટલે સીમાંકન, પરિસીમન કે ડીલિમિટેશન. ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના મતાનુસાર કોઈ દેશની સંસદ કે રાજ્યની વિધાનસભાના ચૂંટણી ક્ષેત્રોની સીમા નક્કી કરવાની પ્રક્રિયા એટલે સીમાંકન. ભારતમાં મત વિસ્તારનું સીમાંકન વસ્તીના આધારે થાય છે. સીમાંકનનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનું છે કે રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોની વહેંચણી દેશની વસ્તીમાં તેમની હિસ્સેદારી પ્રમાણે હોય. એક વ્યક્તિ એક મતનો સિદ્ધાંત સચવાય અને મતવિસ્તારો સમાન હોય.

બંધારણના આર્ટિકલ ૮૧માં લોકસભાની રચના પ્રક્રિયાની જોગવાઈ છે. તે પ્રમાણે રાજ્યોની વસ્તીના ધોરણે એક સમાન મતવિસ્તારોમાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા સભ્યોથી લોકસભા રચાશે. આર્ટિકલ ૮૨માં દર દાયકે થતી વસ્તી ગણતરી પછી  વસ્તીના આધારે લોકસભાની કુલ બેઠકોની રાજ્યોમાં વહેંચણી કરવાની અને તે પ્રમાણે મતવિસ્તારોનું સીમાંકન કરવાની જોગવાઈ છે. અનુચ્છેદ ૧૭૦માં રાજ્યોની વિધાનસભાઓની પણ આ જ ધોરણે રચના થશે. જ્યારે અનુચ્છેદ ૩૩૦ અને ૩૩૨માં અનુસૂચિત જાતિ, જનજાતિઓ માટેની અનામત બેઠકોની જોગવાઈ છે. 

જુદા જુદા વરસોના ચાર ડીલિમિટેશન એકટ પ્રમાણે દેશમાં ચાર વખત લોકસભા બેઠકોનું સીમાંકન થયું છે. ૧૯૫૨, ૧૯૬૩, ૧૯૭૩ અને ૨૦૦૨માં સીમાંકન થયું હતું. સીમાંકન માટે અલગ સીમાંકન આયોગ નામક બંધારણીય સંસ્થાની રચના કરવાની હોય છે. તેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ બની શકે છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર કે તે નક્કી કરે તે ઈલેકશન કમિશનર, સંબંધિત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત તેમાં એસોસિએટ મેમ્બર તરીકે નિષ્ણાતો કે લોકસભા-ધારાસભાના પાંચ-પાંચ સભ્યોની નિમણૂક કરવાની હોય છે. 

આ કમિશન વસ્તીગણતરીના અધિકૃત આંકડા સાથે દેશ અને રાજ્યના ચૂંટણી કમિશન સાથે મળીને મત વિસ્તારોની સીમા અને બેઠકોની સંખ્યા નક્કી કરે છે. સીમાંકનની કામગીરી સંપૂર્ણ પારદર્શિતાથી, રાજકીય પક્ષો અને લોકો સાથેના પરામર્શનથી અને પૂર્ણ તટસ્થતાથી કરવાની હોય છે. સીમાંકન આયોગ જે બેઠકોની સંખ્યા નક્કી કરે  અને  મત વિસ્તારોની જે હદ આંકે તે ફાઈનલ ગણાય છે. તેને કોઈ કોર્ટમાં પડકારી શકાતી નથી. સંસદ અને વિધાનગૃહોમાં સીમાંકન આયોગનો અહેવાલ તો રજૂ થાય છે પરંતુ તેના પર કોઈ ચર્ચા કરી શકાતી નથી. આ પ્રકારની જોગવાઈને કારણે સીમાંકન આયોગનું કામ ખૂબ જ કઠિન અને સર્વોપરી છે.

૧૯૫૧, ૧૯૬૧ અને ૧૯૭૧ના દાયકે થયેલી વસ્તી ગણતરી પ્રમાણે સીમાંકન આયોગની રચના થઈ હતી અને બેઠકોની સંખ્યા નક્કી થઈ હતી. ૧૯૫૨માં લોકસભાના સભ્યોની કુલ સંખ્યા ૪૯૪ હતી. તે પછી ૧૯૬૨માં ૫૨૨ હતી. અને ૧૯૭૩માં ૫૪૩ થઈ. ૧૯૬૦માં ગુજરાતના અલગ રાજ્યની રચના થયા બાદની ૧૯૬૨ની ચૂંટણીમાં રાજ્યમાં લોકસભાની બેઠકો ૨૨ હતી. જે વસ્તીના વધારા સાથે ૧૯૬૭માં ૨૪ અને ૧૯૭૭માં ૨૬ થઈ હતી. ગુજરાત વિધાનસભાની સીટો ૧૯૬૨માં ૧૫૪,  તે પછી ૧૬૮ અને ૧૯૭૫થી ૧૮૨ છે.

લોકસભાની કુલ બેઠકો ૫૪૩ અને ગુજરાત વિધાનસભાની બેઠકો ૧૮૨ છેલ્લા પચાસ વરસોથી સ્થિર છે અને વસ્તી વૃદ્ધિ છતાં તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેનું કારણ બંધારણ સુધારા મારફતે ભારત સરકારે તેમાં કોઈ વધારો ન કરવાનો કરેલો નિર્ણય છે. ૧૯૭૬માં આંતરિક કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પચીસ વરસો માટે (૨૦૦૦ સુધી) લોકસભાની બેઠકોમાં ફેરફાર ના કરવા બેતાળીસમો બંધારણ સુધારો કર્યો હતો. એ વખતે એવું કારણ આગળ ધર્યું હતું કે  જે રાજ્યોએ કુટુંબ નિયોજન કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડ્યા છે. તેમની બેઠકો ઘટે નહીં અને વસ્તી વધારાને રોકી શકાય તે માટે આ જરૂરી છે. 

૨૦૦૧માં ૮૪મા બંધારણ સુધારાથી અટલ બિહારી વાજપાઈના નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સરકારે વળી બીજા પચીસ વરસો સુધી એટલે કે ૨૦૨૫ સુધી લોકસભાની ૫૪૩ બેઠકો યથાવત રાખવાનો નિર્ણય કર્યો. હવે ૨૦૨૫માં નવો સીમાંકન એકટ અને આયોગ રચવાનાં છે. આ દાયકાના આરંભે થનારી વસ્તી ગણતરીના કોઈ અણસાર જણાતા નથી, પરંતુ તેના આધારે થનારા સીમાંકન અને બેઠકોમાં વધારા-ઘટાડાની ચર્ચા થઈ રહી છે.

દક્ષિણના રાજ્યોની દલીલ છે છે કે ઉત્તર ભારતની તુલનામાં તેમની વસ્તી ઘટી છે. એટલે વસ્તીના ધોરણે સીમાંકન થાય તો તેમને નુકસાન થવાની અને બેઠકો ઘટવાની વાતમાં દમ છે. વળી તેમની બેઠકો ઘટવા કરતાં ઉત્તરની બેઠકો વધતાં સત્તા સંતુલનમાં તેમની ભૂમિકા સાવ નામશેષ થઈ જવાનો ડર પણ છે. તમિલનાડુ, આંધ્ર, તેલંગાણા, કર્ણાટક અને કેરળ એ પાંચ દક્ષિણ ભારતીય રાજ્યોની કુલ બેઠકો હાલમાં ૧૨૯ કે લોકસભાની કુલ બેઠકોમાં ૨૪ ટકા છે. ઉત્તરના મોટા રાજ્યોની બેઠકો ૧૭૪ કે ૩૨ ટકા છે. હવે જો વસ્તી વૃદ્ધિને ધ્યાનમાં લઈ બેઠકોની વહેંચણી થાય તો એકલા ઉત્તર પ્રદેશ અને બિહારની બેઠકો જ વધીને કુલ બેઠકોના ૩૦ ટકા અને દક્ષિણના પાંચ રાજ્યોની ઘટીને ૧૯ ટકા થશે. એટલે દક્ષિણ ભારતના રાજકીય પક્ષો સીમાંકન ૩૦ વરસો સુધી ટાળવાની માંગ કરી રહ્યા છે.  

દુનિયાના અન્ય લોકશાહી દેશો પૈકી અમેરિકામાં ૭ લાખની વસ્તીએ એક અને યુનાઇટેડ કિંગ્ડમમાં ૧ લાખની વસ્તીએ ૧ એમ.પી. છે. જ્યારે ભારતમાં આશરે પચીસ લાખે એક એમ.પી. છે. વળી તેમાં પણ ભિન્નતા છે. કેરળમાં ૧૭ લાખે, રાજસ્થાનમં ૩૩ લાખે અને લક્ષદીપમાં ૫૦ હજારે એક એમ.પી છે. આ વિસંગતતા ભારતની ભૌગોલિક સ્થિતિને કારણે પણ છે. 

સીમાંકનની બંધારણીય જરૂરિયાતનો રાજકીય પક્ષો પોતાના ફાયદા કે હિત માટે ઉપયોગ કરતા હોય છે. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં બંધારણીય સંસ્થા એવું ડીલિમિટેશન કમિશન સત્તા પક્ષની કઠપૂતળી બની સીમાંકન કરે છે, તેવી ફરિયાદ આજના સત્તા પક્ષો જ્યારે વિપક્ષો હતા ત્યારે અને વિપક્ષો જ્યારેક સત્તા પક્ષો હતા ત્યારે કરતા રહ્યા છે. પોતાની વોટ બેન્કને એક તરફ કરતું અને વિરોધી વોટ બેન્કને વિભાજિત કરતું સીમાંકન થતું રહ્યું છે.એટલે આઝાદીના પંચોતેર વરસો પછી લોકતંત્રની મજબૂતી માટે પરામર્શન, પારદર્શિતા અને નિષ્પક્ષતાના આધારે સીમાંકન થાય તે દેશહિતમાં છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ભારતનો યક્ષ પ્રશ્નઃ ટૅરિફ યુદ્ધમાં અમેરિકા કે ચીનમાંથી કોનાથી વધારે ડરવાની જરૂર છે? 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 April 2025

એક તરફ ટૅરિફ ઝીંકીને પૉઝ કરનાર અમેરિકા છે તો બીજી તરફ સરહદના અને ડંપિંગના પ્રશ્નો ખડા કરનારો ચીન છે! વિશ્વાસ મૂકવા કરતાં પોતાની નીતિને લાગુ કરી સલામત રાહે ચાલવાનું ભારત માટે કદાચ વધુ ફાયદાકારક હોઇ શકે.

ચિરંતના ભટ્ટ

ફાટી ફાટીને ધુમાડે જવું – આ વાક્ય સાથે ટ્રમ્પને કોઈ સંબંધ છે? કદાચ હોઈ પણ શકે ! સત્તાને શાણપણ સાથે કોઈ સંબંધ નથી હોતો. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા એટલે ચીન અને અમેરિકા અને બન્ને વચ્ચેનું ટૅરિફ વૉર થોભવાનું નામ લે એવું લાગતું નથી. વૈશ્વિક સ્તરે અર્થતંત્રમાં જબરું અસંતુલન પેદા થઇ ગયું છે. ટ્રમ્પ પણ ક્યારેક ટૅરિફના તીર સામટા ચલાવે છે, તો ક્યારેક પછી અમુક દિવસોની રાહત આપવાની વાત કરે છે, પણ ચીનને મામલે ટ્રમ્પને કોઈ બાંધ-છોડ નથી કરવી. ચીન પણ કંઇ ઢીલું મૂકે એમ નથી અને એટલે જ એવો ઘાટ થયો કે બીજા બધા દેશો પર લગાડેલા કરવેરાને ટ્રમ્પે હંગામી ધોરણે રોકી લીધી પણ ચીન પરના કરને 125 ટકા વધારી દીધો. ટ્રમ્પનું કહેવું છે કે ચીન વૈશ્વિક બજારોમાં જે વહેવાર રાખે છે અને કોઈને ગણકારતો નથી એટલે તેમણે આવું કર્યું છે. આ પહેલાં ચીને અમેરિકન ઉત્પાદનો પર 84 ટકા કર લાગુ કરવાની જાહેરાત કરી હતી.  મામલો બિચક્યો તો એ હદે કે અમેરિકાએ ચીનને કર નીચે કચડી નાખવાનું જ નક્કી કરી લીધું. આટલા ઊંચા ટૅરિફને પગલે ચીનને અમેરિકન માર્કેટમાંથી બહાર જ નીકળી જવું પડે એવું બની જ શકે છે. ચીન અને અમેરિકા એકબીજા સાથે તો જે કરે છે એ કરે જ છે, પણ આ સંજોગોમાં ચીને ભારતની મદદ માગી છે. 

ચીની દૂતાવાસના પ્રતિનિધિએ ભારતને એવું સૂચન કર્યું છે કે બન્ને દેશોએ મળીને અમેરિકાના ટૅરિફ હુમલાને ટક્કર આપવી જોઈએ. તેમનું માનવું છે કે ભારત-ચીનના આર્થિક સંબંધો એકબીજાને મળનારા લાભ પર આધારિત છે અને અમેરિકાના વલણને (ટ્રમ્પના) ખડા થયેલા સંકટમાં બન્ને દેશોએ સાથે ખડા રહેવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે ચીન અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધો પારસ્પરિક લાભ પર આધારિત છે. યુ.એસ.એ. ટૅરિફનો દુરુપયોગ કરે છે. ભારત અને ચીન બન્ને મોટા વિકાસશીલ દેશ છે, અને ગ્લોબલ સાઉથમાં વિકાસમાં અવરોધ બનનારા તત્ત્વોનો બન્ને રાષ્ટ્રોએ વિરોધ કર્યો છે. ટૅરિફના યુદ્ધમાં કોઈ જીતવાનું નથી પણ તે વિકાસશીલ દેશોની આર્થિક પ્રગતિના અધિકારો છીનવી લેનારો સંઘર્ષ છે. 

ભારત અને ચીન બન્નેએ ટ્રમ્પના ટૅરિફ્સને એકબીજાથી સાવ ભિન્ન પ્રતિક્રિયા આપી છે.  ભારતે તો તરત પ્રતિક્રિયા ન આપવાનું જ નક્કી કર્યું. એટલું જ નહીં પણ ભારત તો આ સંજોગોમાં પણ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વાટાઘાટ કરાયેલા વ્યાપારી સોદાને સાચવવા માગે છે. ચીને કોઈ મુત્સદ્દીપણું વાપર્યા વિના, પોતે છેક સુધી અમેરિકા સાથેના આ વ્યાપારી યુદ્ધમાં લડ્યા કરશે એવી વાત કરી છે.  આપણા સત્તાધીશો મુત્સદ્દી છે, તેમને બોલીને કંઇ બગાડવું નથી, તેલ જુઓ તેલની ધાર જુઓ વાળી નીતિ અત્યારે તેમને યોગ્ય લાગે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે તો એમ વિધાન કર્યું કે સરકાર દેશના હિતમાં કામ કરી રહી છે, ગભરાવાની જરૂર નથી. આ ‘નરો વા કુંજરો વા’ જેવું વિધાન છે, પણ કશું પણ સાફ બોલીને પછી પસ્તાવાનો વારો આવે એના કરતાં આ જ વલણ સલામત છે. 

આ તરફ વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને યુ.એન.ના સલાહકાર પ્રોફેસર જેફરી સાક્સે ભારતને એવી ચેતવણી આપી છે કે અમેરિકાના ચીન વિરોધી એજન્ડામાં હાથો બનવાથી બચવું. તેમના મતે અમરિકા ભારતને ચીનની સામે ખડો કરવા માગે છે. અમેરિકાની નીતિ ભાગલા પાડો અને રાજ કરોની છે, અને ભારતને તે ચીન સામે કાઉન્ટરવેઇટ તરીકે વાપરવા માગે છે. જેફરી સાક્સનું માનવું છે કે ચીન અને ભારત સાથે મળીને વિશ્વને બહેતર બનાવી શકે છે.

વડા પ્રધાને ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન ભારત તરફી વાત રજૂ કરી જ હતી. તેમણે એ વલણ રાખ્યું કે તેઓ ટ્રમ્ટની નીતિ સમજવા માગે છે. અમેરિકાના નેવું દિવસને ટૅરિફ પૉઝનો લાભ ભારતને મળ્યો. હવે ભારતે કદાચ નવા ટ્રેડ એગ્રીમેન્ટ પર વાત પણ આગળ વધારવાની દિશામાં કામ કરવું જોઈએ. ભારતે અમેરિકા કે ચીન કોઈને પણ પ્રતિભાવ આપવામાં જરા ય ઉતાવળ ન કરી અને બેમાંથી એકે ય દેશનું પ્યાદું બનવાની સ્થિતિમાંથી હજી સુધી ભારત બચેલો છે. બાકી તો આગે આગે ગોરખ જાગે. 

11મી એપ્રિલે ચીનમાં ભારતના રાજદૂતે ચીનના ઉપ વિદેશ મંત્રી સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધો અને અને ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરી હોવાના સમાચાર પણ આવ્યા. આ ઉપરાંત ગયા વર્ષે ચીનના રાષ્ટ્રપતિ અને આપણા વડા પ્રધાને મુલાકાત કરી હતી. રશિયાના કઝાનમાં થયેલી આ બેઠક પછી છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહેલા સરહદી સંઘર્ષોમાં સુધારો પણ થયો હતો. ચીન અને ભારતના સંબંધોમાં આર્થિક અને રાજકીય બન્ને દૃષ્ટિએ સાચવીને ચાલવું પડે એમ છે. ચીન અને ભારત વચ્ચે કંઇ બધું ચકાચક છે એવું તો છે નહીં. બન્ને દેશો વચ્ચે ‘ડંપિંગ’ની સમસ્યા મોટી છે. જ્યારે કોઈ દેશ બીજા દેશમાં બહુ જ સસ્તા દરો પર માલ મોકલે ત્યારે સ્થાનિક દેશના ઉદ્યોગોની સ્પર્ધામાં ટકવાની ક્ષમતા જ ખલાસ થઇ જાય – આ સ્થિતિને ડંપિંગ કહે છે. સામાન એટલો સસ્તો વેચો કે સ્થાનિક કંપનીઓ મુકાબલો જ ન કરી શકે અને પછી ઔદ્યોગિક માળખું ખોખલું થઇ જાય. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ‘ડંપિંગ’ બહુ મોટી સમસ્યા છે. ભારતે આ સ્થિતિને લડત આપવા માટે કાંઉન્ટરવેલિંગ ટૅરિફ જેવા શસ્ત્રો વાપર્યા છે અને વૈશ્વિક સ્તરે પણ ભારત ટૅરિફ નીતિને સખત કરવા માગે છે જેથી ઘરેલૂ ઉત્પાદન ક્ષેત્ર સલામત રહી શકે, તેનો વિકાસ થઇ શકે. 

જો અમેરિકા અને ચીન વચ્ચે આ વ્યાપારી યુદ્ધ લંબાય છે તો ભારત વૈશ્વિક સ્તરે પોતાના વ્યાપારી સંબંધોને સંતુલિત કરવા પર કામ કરી શકે છે. ભારત માટે વિકલ્પો ખુલ્લા છે. એક તરફ, તે ‘રૂલ્સ ઓફ ઓરિજિન’ જેવા સિદ્ધાંતો દ્વારા અમેરિકા જેવા દેશો સાથે ભારત પોતાની વિશ્વસનીયતા અને પારદર્શિતા સાબિત કરી શકે છે, જેથી તે અન્ય એશિયાઈ દેશોથી જુદો પડે. બીજી તરફ ચીનના પ્રસ્તાવ પર તે સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે. જો ચીનને ભારતની જરૂર હોય તો તેનો લાભ લઇને તે ચીનને ડમ્પિંગ ઘટાડવા અથવા બંધ કરવા દબાણ કરી શકે છે. આ ઉપરાંત ભારત પાસે ત્રીજો વિકલ્પ છે કે અમેરિકાના ટૅરિફની માથાકૂટ છોડીને વિશ્વના અન્ય દેશોમાં માર્કેટ શોધવું. આ સહેલું નથી કારણ કે આ કરવું હોય તો સસ્તી અને સરળ ધિરાણની સવલત પણ જોઈશે. સરકાર ધારે તો આ દિશામાં પણ કામ કરી શકે છે. ચીન અને અન્ય એશિયાઈ દેશોની ડંપિંગની સમસ્યા સામે યુરોપિયન યુનિયનને પણ વાંધો છે. કદાચ ભારત તેમની સાથે સંબંધો બહેતર કરી શકે?

ટૅરિફ યુદ્ધ અકળાવનારું અને ગભરાવનારું છે, પણ ભારત માટે આ એક એવી સ્થિતિ છે જેમાં તે યોગ્ય પગલાંથી પોતાના ફાયદામાં પાસા પલટી શકે. જોવું એ રહ્યું કે ભારત ચીન કે અમેરિકાની વાતોમાં આવી જાય છે, પોતાનો લાંબા ગાળાનો લાભ જુએ છે કે પછી ટૂંકા ગાળાની રાહતમાં ખુશ રહે છે. એક તરફ ટૅરિફ ઝીંકીને પૉઝ કરનાર અમેરિકા છે તો બીજી તરફ સરહદના અને ડંપિંગના પ્રશ્નો ખડા કરનારો ચીન છે! વિશ્વાસ મૂકવા કરતાં પોતાની નીતિને લાગુ કરી સલામત રાહે ચાલવાનું ભારત માટે કદાચ વધુ ફાયદાકારક હોઇ શકે.

બાય ધી વેઃ

આપણે માટે તો સવાલ એ છે કે ચીન પર વિશ્વાસ કરી શકાય ખરો? ચીનના અને ભારતના વ્યાપારી સંબંધો ભલે જે પણ હોય પણ આપણે પણ ચીની વસ્તુઓના બહિષ્કારની ચળવળો કરી છે. અને તે પણ તાર્કીક કારણોને લીધે જ. એટલું જ નહીં ભલે અત્યારે કંઇ નથી પણ ભૂતકાળમાં સરહદ પર ચીની લશ્કરે જે પણ કર્યું છે એ પણ ભુલાય એમ નથી. ચીન એટલો માથાભારે દેશ છે કે તેમના AI ટૂલ ડીપસીક પર તમે એવો સવાલ કરો કે “અરુણાચલ ઈઝ પાર્ટ ઑફ ઇન્ડિયા રાઇટ?” (અરુણાચલ ભારતનો હિસ્સો છે ને?) તો સામેથી જવાબ મળે કે “સૉરી, ધેટ્સ બિયોન્ડ માય કરન્ટ સ્કોપ, લેટ્સ ટૉક અબાઉટ સમથિંગ એલ્સ.” (હું અત્યારે આનો જવાબ આપી શકું તેમ નથી, આપણે કોઈ બીજી વાત કરીએ.) ચીન અને ભારત વચ્ચે ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ વાળો ઘાટ આવનારા સાંઇઠ સિત્તેર વર્ષ સુધી તો ઘડાવાનો જ નથી. ભારત અને ચીન વચ્ચે સરહદી સંઘર્ષો જરા ય હળવાશથી લેવાય એમ નથી. વળી બન્ને દેશો વ્યાપારી ક્ષેત્રે પણ સ્પર્ધકો છે. ભારતને ચીન સાથે તગડી ટ્રેડ ડેફિસિટ છે અને તે ભરવા માટે ભારત ચીની વસ્તુઓની ખરીદી ઘટાડવાની દિશામાં વિચારશે. જો એમ થશે તો તે ચીનને ગમવાનું નથી. ચીનને એશિયા અને આફ્રિકા બન્નેમાં વિસ્તરણ કરવું છે. શ્રીલંકા અને પાકિસ્તાનમાં જે સંજોગો છે તે અમસ્તા જ હશે? બન્ને દેશો ભારતના પાડોશી છે. આ બધું દેખાય છે તેના કરતાં ઘણું વધારે પેચીદું છે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઍપ્રિલ 2025

Loading

...102030...402403404405...410420430...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved