Opinion Magazine
Number of visits: 9843779
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાંગ્લાદેશ અને પાકિસ્તાનઃ આંતરરાષ્ટ્રીય સંબંધોના તણાવની સીધી અસર ભારતના આંતરિક કોમી એખલાસ પર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 March 2025

મુસલમાન બહુમતી ધરાવતા આ બન્ને રાષ્ટ્રોમાં જે પણ થઇ રહ્યું છે તેની અસર આપણા દેશમાં દેખાઈ આવે છે. આમે ય આપણે ત્યાં તો ઝનૂનનું રણશિંગુ વગાડવાનો શોખ ભલભલા લોકોને થઇ આવે છે, અને મોટે ભાગે એમાં તર્ક નથી હોતો.

ચિરંતના ભટ્ટ

તાજેતરમાં જ આપણે બધાંએ રસથી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની એકથી વધુ મેચ જોઇ. આપણી ટીમની શરૂઆતી મેચ પહેલાં બાંગ્લાદેશ સાથે હતી અને પછી પાકિસ્તાન સાથે હતી. બન્ને દેશો સામેની મેચ પછી, તે દરમિયાન સોશ્યલ મીડિયા પર જાત-ભાતનું કોન્ટેન્ટ ફરતું થયું. આપણા દેશના સંબંધો બાંગ્લાદેશ અને પાકિસ્તાન બન્ને સાથે તંગ છે. પાકિસ્તાન સાથે તો સારા સંબંધ લાંબો સમય ક્યારે રહ્યા હતા તે વિચારવામાં સમય લાગે એમ છે. તો વળી બાંગ્લાદેશના પૂર્વ વડાં શેખ હસીના ત્યાંથી છટકીને આપણે ત્યાં શરણું લેવા આવ્યાં એ પછી જે રીતે બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાઇ છે તે આગની ઝાળની ગરમી આપણને ભારતમાં બેઠા બેઠા દઝાડી જાય છે.

મુસલમાન બહુમતી ધરાવતા આ બન્ને રાષ્ટ્રોમાં જે પણ થઇ રહ્યું છે તેની અસર આપણા દેશમાં દેખાઈ આવે છે. આમે ય આપણે ત્યાં તો ઝનૂનનું રણશિંગુ વગાડવાનો શોખ ભલભલા લોકોને થઇ આવે છે, અને મોટે ભાગે એમાં તર્ક નથી હોતો. વળી આપણા દેશમાં ધ્રુવીકરણની છેડીએ ત્યાં ચાર ગણું ધ્રુવીકરણ થઇ જાય એવો નાજુક માહોલ થઇ ગયો છે. ફોનની સ્ક્રીનમાં જોતાં જોતાં આખી દુનિયા વિશે બધું જ ટૂંકમાં જાણી લેવાના આપણા મોહમાં આપણે ઘણું બધું ચૂકી જઇએ એમ બને એમાં આપણને કદાચ એ કળાય નહીં કે બાંગ્લાદેશ સાથે સાત આઠ મહિનાથી જે રીતે સંબંધો બગડ્યાં છે તેની અસર માત્ર અર્થતંત્ર પર નથી પડી પણ આપણા દેશના આંતરિક ઐક્ય પર પણ પડી છે.

શેખ હસીના જ્યારે બાંગ્લાદેશના વડાં હતાં ત્યારે તેમણે ભારત સાથે સંબંધો બહુ જ સારાં રાખ્યા હતાં. ભારતનો પણ તેમને ટેકો મળતો, ત્યાંની ચૂંટણી આપણે માટે પણ અગત્યની ગણાતી કારણ કે શેખ હસીના જીતે તો ભારત નિશ્ચિંત રહી શકે અને વ્યાપારી સંબંધો પર પણ કામગીરી થાય. વિદ્યાર્થી આંદોલને શેખ હસીનાની સરકાર ઉથલાવી દીધી અને વચગાળાની સરકારના વડા તરીકે નોબેલ લોરિયેટ મોહમંદ યુનૂસ બાંગ્લાદેશમાં નિમાયા. આ પરિવર્તન આપણી કેન્દ્ર સરકારને ગોઠ્યું નથી. તેમના મતે બાંગ્લાદેશ સાથેના આપણા વ્યૂહાત્મક સંબંધો પર આ પરિવર્તનની અસર પડી છે.  બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર જુલમ થઇ રહ્યા હોવાના સમાચારો સતત ફેલાયા અને તેની અસર આપણે ઘર આંગણે પણ જોઇ. મોહંમદ યુનૂસે લોકોને વિનંતી કરી છે કે શાંતિ જાળવે અને તમામ કોમોની સલામતીને ગણતરીમાં લે. એક તરફ આ સ્થિતિ છે તો બીજી તરફ બાંગ્લાદેશથી ભારત શરણાગતિ લેનારા હિંદુઓનો પ્રશ્ન ખડો થયો તો માનવતાને નાતે કોઇપણ કોમના શરણાર્થીને રક્ષણ મળવું જોઇએ એ મુદ્દો પણ આગળ કરાયો. સ્વાભાવિક છે કે આપણા બિનસાંપ્રદાયિક બંધારણને એ જ છાજે.

અત્યાર સુધી પાકિસ્તાન સાથે તણાવ વધતો તો ઘર આંગણે હિંદુ મુસલમાનમાં તણાવ થતો હવે આ તંગ પરિસ્થિત ખડી કરવામાં બાંગ્લાદેશ પણ ઉમેરાયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની મીલી ભગત ભારતને રાજકીય, આર્થિક અને સામાજિક તમામ રીતે ભારે પડે તે સ્વાભાવિક છે. આપણાં આર્મી ચિફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક ઇન્ટરવ્યૂમાં એમ કહ્યું છે કે પાકિસ્તાન આર્મી – આઇ.એસ.આઇ.ના એક પ્રતિનિધિ મંડળે તાજેતરમાં બાંગ્લાદેશના એ વિસ્તારની મુલાકાત લીધી હતી જે પશ્ચિમ બંગાળમાં સિલીગુરીની નજીક છે – અને આ બન્ને ભારત સામે લડવા માટે ભેગા થાય એ શક્યતા નકારી શકાય તેવી તો નથી જ અને ભારે ચિંતાજનક પણ છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ સામે થતા અત્યાચારો અંગે સાચી ખોટી માહિતી ફેલાતી રહે છે અને તેમાં આપણે ત્યાં રાષ્ટ્રીય સેવક સંઘ બાંગ્લાદેશ વિરોધી દેખાવો કરી ચૂકયો છે.  પાકિસ્તાનમાં ગયા વર્ષે હિંદુઓ સાથે હિંસા થઇ હોવાના સોથી વધુ કેસ થયા છે. બાંગ્લાદેશ કરતાં આ આંકડો ઘણો ઓછો છે પણ છતાં પણ ધાર્મિક લઘુમતી સામે થતા ગુના ત્યાં પણ અટક્યા નથી તે સાબિત થાય છે. પાકિસ્તાને આ અટકાવવા પગલાં લેવા જોઇએની અપીલ આપણી સરકારે ભાર દઇને કરી છે. વળી પાકિસ્તાનમાં હિંદુ વિરોધી ઘટના ઘટે એટલે ઘર આંગણે વૈમનસ્યનો વાયરો ફુંકાય અને આપણે ત્યાં શાંતિ ડહોળાય.

આ ઉપરાંત, સરહદની આરપાર થતા આતંકી હુમલાઓ, ગેરકાયદે સ્થળાંતર અને ધાર્મિક સતામણીના મુદ્દા પાકિસ્તાન કે બાંગ્લાદેશ ક્યાં ય પણ થતા હોય તને રાજકીય રંગે રંગીને ભારતમાં ઉચાટ થાય, બે ધાર્મિક જૂથો વચ્ચેની ખાઈ વધે તેવી પ્રવૃત્તિઓ કરનારાઓની પણ ખોટ નથી. વળી સોશ્યલ મીડિયા હોય કે અમુક પ્રકાર અને સ્તરના ઇલેક્ટ્રોનિક મીડિયા તેમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જે થતું હોય તે અંગે ઘોંઘાટ કરીને આપણા દેશમાં વસનારા મુસલમાનોને હેરાનગતિ થાય તો ચાલે પ્રકારનું નેરેટિવ ચલાવાય છે, આ તદ્દન શરમજનક છે પણ આપણા બિનસાંપ્રદાયિક દેશમાં છેલ્લી પાટલીએ બેસનારાઓને ગરિમા કે બંધારણની પડી નથી હોતી. વળી સોશ્યલ મીડિયા પર બેફામ ખોટી માહિતીઓ પ્રસરતી રહેતી હોય છે.  પાકિસ્તાન અને બાંગ્લાદેશની ખરાઈ કર્યા વિનાની અને વૈમનસ્ય ફેલાવે એવી માહિતી ફેક વાઇરલ વીડિયો, ફેક ન્યુઝ વગેરેના રૂપમાં લોકો સુધી પહોંચે છે. આ કારણે સ્થાનિક સંજોગો સંગીન ન હોય તો ય સંગીન બનવા માંડે છે.

ભારતમાં વસનારા મુસલમાનો માટે આવા સંજોગો બહુ વિકટ બની જાય છે. અન્ય દેશમાં તેમની કોમના લોકો ખોટું કરે અથવા તો એ પ્રકારના ખોટા સમચાર ફેલાય ત્યારે તો પાડાને વાંકે પખાલીને ડામ જેવો ઘાટ થાય છે અને વગર વાંકે તેઓ નિશાને લેવાય છે. તેમની સાથે અવારનવાર ભેદભાવ, શંકા અને તેઓમાં કંઇક ખોટું જ છે તેવું ધારીને દુર્વ્યવહાર કરાય છે.  વળી આમાં સરકારનો વાંક ન કાઢીએ પણ માળું ધર્મના ‘વાદ’ને ગળે વળગાડનારઓ ખુદને સરકારના ખાસ માનતા હોય છે, જે કદાચ સરકારને ય ન ખબર હોય. પોતે ભારતમાં રહે છે માટે ભારતીય છે અને દેશના શત્રુ નથી તે સાબિત કરવાનો વારો આવશે તો શું થશે તેની દહેશતમાં આપણા દેશના લોકોને જીવવું પડે તો બિનસાંપ્રદાયિક લોકશાહી રાષ્ટ્ર તરીકેની આપણી ઓળખ પર આપણે ગૌરવ કરવાનું ભૂલી જવું પડે.

બાંગ્લાદેશ, ઢાકામાં હિંદુ લઘુમતી પર થયેલા હુમલાઓને તેમના રાષ્ટ્રની આંતરિક બાબત ગણાવાઇ પણ શેખ હસીનાએ પોતે બહેતર શાસક હતાં તે સાબિત કરવા એમ ચલાવ્યું કે ત્યાં નરસંહાર થયો છે. આપણે ત્યાં કોઇપણ કોમ પર હુમલો થાય તો આપણા દેશના શાસક પણ અન્ય રાષ્ટ્રને તેનું લેબલિંગ ન કરવા દે, તેઓ પણ એમ જ કહે કે આ અમારા દેશનો મામલો છે અમને અમારી રીતે ઉકેલવા દો. પરંતુ આ મામલે તો દિલ્હીએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સોગઠી નાખી કે આ તો હિંદુઓ સાથેનો ખોટો વ્યવહાર છે અને તેમની સલામતી માટે તાત્કાલિક પગલાં લેવાય તે અનિવાર્ય છે. ત્યાં જે થઇ રહ્યું છે તે ખોટું જ છે, પણ તેમાં માનવાધિકારના મુદ્દાને કેન્દ્રમાં રાખવો જોઇએ, ધર્મના નહીં.  વળી બાંગ્લાદેશથી ભાગેલાં શેખ હસીનાને બીજા કોઇ પશ્ચિમી દેશે શરણું ન આપ્યું પણ ભારતે આપ્યું તે પછી તો ભારત અને બાંગ્લાદેશના સંબંધો સતત બગડતા રહ્યા છે.

આ તરફ આંતરરાષ્ટ્રીય અભિગમની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સે તો શેખ હસીનાના શાસનને જ બાંગ્લાદેશમાં બગડેલા માહોલ માટે જવાબદાર ઠેરવ્યું છે. આવામાં શેખ હસીનાને ભારતે ક્યાં સુધી ટેકો આપવો જોઇએ એ પ્રશ્ન પણ ખડો થાય. પાકિસ્તાન સાથે આપણે સારાસારી નથી એવામાં બાંગ્લાદેશને નવા શત્રુ તરીકે ઊભા કરવાનું આપણને ન પોસાય. અધૂરામાં પૂરું ભારતમાં વસતા મુસલમાનોની વગર કારણની આડકતરી કે સીધી સતામણી અટકાવવી પણ અનિવાર્ય છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હોવાથી બન્ને દેશોએ જો તેમની પાસે અન્ય દેશના ગુના પાત્ર, આરોપી કે વોન્ટેડ લોકો હોય તો તે બીજા દેશને સોંપી દેવાના હોય છે. એક અહેવાલ અનુસાર બન્ને રાષ્ટ્રો આ સંધિનો પોત-પોતાની રીતે અર્થ કાઢે છે. ભારત શેખ હસીનાને શરણું આપે ત્યાં સુધી ઠીક છે પણ તેને બેફામ વિધાનો કરતાં અટકાવવા પણ અનિવાર્ય છે, નહીંતર બાંગ્લાદેશ સાથે આપણા સંબંધો વધુ બગડશે. જો તેમના બોલવાથી ભારતને સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય સ્તરે નુકસાન જ વહોરવાનું આવે તો આપણા આ શરણાર્થી મહેમાનને આપણે ચૂપ રહેવાનું કહી બાંગ્લાદેશ અને ભારત બન્ને દેશોના મુસલમાનોને માનસિક રાહત આપી શકીએ.

બાય ધી વેઃ

કોમી તણાવ ટાળીને આ જટિલ પ્રશ્નો ઉકેલવાની જવાબદારી આપણી છે. આ અગાઉ પણ જેમ કહ્યું હતું તેમ આપણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતાં સમજુ રાષ્ટ્ર છીએ. ધર્મની લડાઈઓમાં રચ્યા પચ્યા રહેવાની લાલચ આપણે ટાળવી જોઇએ. આપણા દેશની આંતરિક કોમી શાંતિ ડહોળી નાખનારા બાહ્ય તત્ત્વોને ચલાવી લેવાની ભૂલ આપણે ન કરવી જોઇએ. બિનસાંપ્રદાયિક લોકશાહી રાષ્ટ્રમાં નાગરિક હોવાને નાતે લઘુમતી ભયના ઓથાર નીચે જીવે એ ન ચાલે. કેન્દ્ર સરકારે રાજદ્વારી સ્તરે સંતુલિત અભિગમથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેના મુદ્દા ઉકેલવા જોઇએ. આંતરધર્મીય સંવાદ સાધીને લઘુમતીના અધિકારો પર ચર્ચા થાય, તેનું હકારાત્મક પરિણામ આવે અને સામાજિક સ્થિરતા અને શાંતિ જળવાય તે દિશામાં જ સમસ્યાનો ઉકેલ શોધવામાં ભારતનું શાણપણ સિદ્ધ થશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 માર્ચ 2025

Loading

જેના દિવસો પૂરા થઈ ગયા એનો હાથ છોડી દો, ઊગતા સૂરજની પૂજા કરો

રમેશ ઓઝા|Opinion - Opinion|2 March 2025

રમેશ ઓઝા

હજુ તો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રમુખ તરીકે સોગંદ પણ નહોતા લીધા અને તેઓ તેમની ટીમની રચના કરતા હતા ત્યારે તેમની ટીમના માણસોની પસંદગી જોઇને લંડનના ‘ગાર્ડિયન’ નામના અખબારે કહ્યું હતું કે અમેરિકન વિદેશનીતિમાં કલ્પના બહારનાં પરિવર્તનો થાય અને દુનિયામાં નવાં સમીકરણો રચાય તો આશ્ચર્ય નહીં પામતા. એ લેખમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા ચીન અને રશિયાની નજીક જઈ શકે છે અને કદાચ એ ત્રણ દેશો વચ્ચે ધરી પણ રચાઈ શકે છે. એ લેખમાં આવી એક શક્યતા પાછળનાં કારણો આ મુજબ આપવામાં આવ્યાં હતાં.

પહેલું કારણ તો એ કે અમેરિકાએ લાખ પ્રયત્નો કર્યા હોવા છતા, પોતાને અનુકૂળ દુનિયા રચવા અબજો ડોલર્સ ખર્ચ્યા હોવા છતાં, વિશ્વબેંક અને નાટો (નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) જેવી નાણાંકીય અને વિદેશનીતિ તેમ જ સંરક્ષણને લગતી સંસ્થાઓ પર કાબૂ જમાવ્યો હોવા છતાં, દાયકાઓ સુધી વૈશ્વિક વર્ચસ જમાવ્યું હોવા છતાં આજની વાસ્તવિકતા એ છે કે દુનિયા અમેરિકાના હાથમાંથી સરકી ગઈ છે. એ સરકી ગયેલું વિશ્વ જો અમેરિકા નજીકના ભવિષ્યમાં પાછું કબજે કરી શકે એમ ન હોય તો ડહાપણ એમાં છે કે વાસ્તવિકતાનો સ્વીકાર કરે. જે કામના નથી અને કામમાં આવી શકે એમ નથી તેની સાથે શું કામ બેસવું? પાંચ-સાત દાયકા જૂની અમેરિકન નીતિનો બોજો લઈને શા માટે જીવવું?

ડોનાલ્ડ ટૃમ્પ

જેની કલ્પના પણ ન થઈ શકે એવો નિર્ણાયક વળાંક આવી શકે છે એનું બીજું કારણ એ કે ડોનાલ્ડ ટ્રમ્પ ઢોંગ કરવામાં માનતા નથી અને જૂઠું બોલતા શરમાતા નથી. માનમર્યાદા કે સાતત્ય સાથે તેને કોઈ લેવાદેવા નથી. અમેરિકાના સ્વાર્થ માટે નાગાઈ કરી શકે છે અને નાગાઈ કરવી જોઈએ એમ તે માને છે. જેના દિવસો પૂરા થઈ ગયા એનો હાથ છોડી દો, જેનો સૂરજ નજીકના ભવિષ્યમાં ઊગે એમ નથી તેને ભૂલી જાઓ અને ઊગતા સૂરજની પૂજા કરો. રહી વાત એવા કેટલાક દેશો, એવી કેટલીક પ્રજા અને એવા કેટલાક પ્રશ્નો જેના તરફ સબળ લોકોએ માનવતાથી પ્રેરાઈને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તો ટ્રમ્પ એવી કોઈ માણસાઈમાં  માનતા નથી. આ જગતમાં સો કરતાં વધુ દેશો એવા છે જે શ્રીમંત દેશોને શ્રીમંત બનાવવામાં તેનાં કરવામાં આવેલા શોષણ દ્વારા ખૂવાર થઈ ગયા છે, જગતની પોણા ભાગની પ્રજા ગરીબીમાં જીવે છે જેને શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધા પણ મળતી નથી અને પર્યાવરણ સંતુલન, કારણ વિનાની શસ્ત્રદોટ, અશાંતિ વગેરે વ્યાપક માનવીય હિતોના પ્રશ્નો છે. ટ્રમ્પ કહે છે કે માણસાઈની ઠેકેદારી શું એકલા અમેરિકાએ લીધી છે? અમે શું કામ ખૂવાર થઈએ? દરેક પોતપોતનો પ્રશ્ન ઉકેલે.

અને ત્રીજું મહત્ત્વનું કારણ માથાભારેપણું. દાયકાઓ દરમિયાન માથાભારેપણું તો અમેરિકા પણ કરતું હતું, પરંતુ અમેરિકાના એ માથાભારેપણામાં અને આજના ચીન અને રશિયાના માથાભારેપણામાં ફરક છે. અમેરિકાનું માથાભારેપણું શું કહીશું, સંવૈધાનીક હતું, ઢોંગયુક્ત હતું જ્યારે રશિયા અને ચીનનું માથાભારેપણું ઉઘાડું અને નાગું છે.

નાગાઈ કરવા માટે ચીન અને રશિયા પાસે તાકાત છે, પણ નાગાઈ રોકવા માટે અમેરિકા અને બીજા લોકશાહી દેશો પાસે તાકત છે ખરી? આ લાખ રૂપિયાનો સવાલ છે અને અહીં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પુરોગામી શાસકો વચ્ચે ફરક છે. ટ્રમ્પના પુરોગામી શાસકો એમ માનતા હતા કે મૂળભૂત લઘુતમ સભ્યતામાં માનનારા લોકશાહી દેશોએ આપસમાં સહયોગ કરવો જોઈએ અને ચીન-રશિયાની નાગાઈ ખાળવી જોઈએ. મોકળા વિશ્વએ (ઓપન સોસાઈટી) એ બંધિયાર વિશ્વનો સાથે મળીને મુકાબલો કરવો જોઈએ. જો બાયડન સુધી અમેરિકન શાસકો આવી નીતિ અપનાવતા હતા. જો કે આમાં અમેરિકા ઈમાનદાર હતું એવું નથી. જગતના લગભગ તમામ તાનાશાહોને અમેરિકાનો ટેકો મળતો રહ્યો છે. ભારત કરતાં પાકિસ્તાન હંમેશાં અમેરિકાને વહાલું લાગ્યું છે. પણ એકંદરે અમેરિકન શાસકો ચીન-રશિયાનો મુકાબલો કરવાના ઉપાય શોધતા હતા.

આનાથી ઊલટું ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આપણે પણ નાગા શું કામ ન થઈ જઈએ? તાકાત મહત્ત્વની છે અને જો તાકાત લાજશરમ છોડીને નાગાઈ કરવાથી મળતી હોય તો કરવી જોઈએ. નૈતિકતાનાં-સભ્યતાનાં વસ્ત્રો ફગાવી દેવાનાં એ કોઈ ચામડી થોડી છે જે અંગથી જુદી ન પડી શકે! વસ્ત્ર માત્ર ફગાવી શકાય અને પહેરી શકાય. ટ્રમ્પ નાગાઈનાં વસ્ત્રો ધારણ કરવામાં માને છે.

યુરોપ આર્થિક અને લશ્કરી રીતે વસૂકી ગયેલો પ્રદેશ છે. નાટો શીતયુદ્ધનો બોજો છે. લોકતંત્ર, કાયદાનું રાજ, જવાબદાર શાસન વગેરે દોડમાં પાછળ ધકેલનારાં તત્ત્વો છે, બોજારૂપ છે. પાંચમાં પૂછાવા માટે અમેરિકા શું કામ ખુવાર થાય? જેનું ભવિષ્ય પૂરું થઈ ગયું છે અને જેનું ભવિષ્ય નજરે પડતું નથી અથવા જેનું ભવિષ્ય નિશ્ચિત નથી તેને સાથે રાખીને શા માટે ફરવું? જો એમ કરતાં રહીશું તો ઝડપથી બદલાઈ રહેલા વિશ્વમાં અમેરિકાનું ભવિષ્ય પણ પૂરું થઈ જશે. માટે જેનો વર્તમાન છે અને લાંબુ ભવિષ્ય છે તેની સાથે દોસ્તી કરવા માંડો. એ કેવા છે એ મહત્ત્વનું નથી. એ શક્તિશાળી છે એ મહત્ત્વનું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા એને હજુ તો બે મહિના પણ થયા નથી, ત્યાં ફરક નજરે પડવા માંડ્યો છે. ગણતરી બહુ સ્પષ્ટ છે. ચીન, રશિયા અને અમેરિકા એમ ત્રણેય જો આ નવા વિશ્વમાં નાગાઈ અને માથાભારેપણું અપનાવે તો જગતના દેશો જશે કોની પાસે? હજુ જો કે ચીનને ટ્રમ્પે બાથમાં લીધું નથી, પણ એવી શક્યતા નજરે પડી રહી છે. ત્રણ ખૂંટિયા સાથે મળીને ખેતર પર કબજો જમાવે તો બીજા પશુ એમાં પ્રવેશવાની હિંમત કરે ખરા?

આમાં ભારત ક્યાં? આ બીજો લાખ રૂપિયાનો સવાલ છે. ટ્રમ્પ આપણા જેવો છે અને દોસ્ત છે એની કિંમત કોડીની પણ નથી એનો અનુભવ તો નરેંન્દ્ર મોદીને વોશિંગ્ટનમાં થઈ ચૂક્યો છે. જો ઉપરનું અનુમાન સાચું નીવડે અને ‘ગાર્ડિયન’ના અનુમાન મુજબ અમેરિકા ચીનને પણ બાથમાં લે તો નરેન્દ્ર મોદીના ભાઈબંધે ભારત સાથે કરેલો અભૂતપૂર્વ વિશ્વાસઘાત હશે. આવી શક્યતા ક્ષિતિજે નજરે પડી રહી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 માર્ચ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—278

દીપક મહેતા|Opinion - Opinion|1 March 2025

હિન્દુસ્તાનનું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક સ્ત્રીબોધ           

૧૮૫૭ના વરસની ત્રણ યાદગાર ઘટનાઓ કઈ? ઘણાખરાને પહેલી ઘટના તો તરત યાદ આવશે : અંગ્રેજો જેને સિપાઈઓનો બળવો કહેતા અને આપણે જેને પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ કહીએ છીએ તેની શરૂઆત ૧૮૫૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે થયેલી. જેઓ શિક્ષણ સાથે સંકળાયેલા હશે તેમને બીજી ઘટના પણ યાદ આવશે : યુનિવર્સીટી ઓફ બોમ્બેની સ્થાપના. પણ ત્રીજી ઘટના? આજે ભાગ્યે જ કોઈને યાદ આવશે. કારણ તવારીખમાં, ઇતિહાસની ઝીણી ઝીણી વિગતોમાં આપણને ઝાઝો રસ નથી. આપણને તો ગમે છે ‘ભવ્ય ભૂતકાળ’નાં ગુણગાન ગાવાનું. તો ત્રીજી ઘટના તે એ કે ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે મુંબઈથી શરૂ થયું ગુજરાતી માસિક ‘સ્ત્રીબોધ.’ 

પહેલો અંક, જાન્યુઆરી ૧૮૫૭

હા જી. અમને ખબર છે. ઘણા વાચકો મનમાં, અને કેટલાક તો મોટેથી પણ, બોલશે : ‘લ્યો! આ તો ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર! અને પાછું નામ તો જુઓ : ‘સ્ત્રીબોધ.’ હા, એ હતું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું ગુજરાતી માસિક. એ હતું સ્ત્રીઓ માટેનું આખા હિન્દુસ્તાનનું પહેલવહેલું માસિક. (એક આડવાત : થોડા દિવસ પહેલાં એક મિત્રે પૂછેલું કે તમે મોટે ભાગે ‘ભારત’ને બદલે ‘હિન્દુસ્તાન’ કેમ લખો છો? જવાબ : કારણ રાજકીય ભૂગોળની દૃષ્ટિએ આજના ભારત કરતાં ૧૯૪૭ પહેલાંનું ‘હિન્દુસ્તાન’ ઘણું મોટું હતું. એ વખતે તેમાં આજના પાકિસ્તાન, બાંગલા દેશ, બ્રહ્મ દેશ, સિલોન, નેપાળ, ભૂતાન, વગેરે દેશોનો પણ સમાવેશ થતો હતો. અરે, વચમાં થોડા દાયકા તો એડન પણ મુંબઈ ઈલાકાનો એક ભાગ હતું. તો મહેરબાન કદરદાન વાચક બહેનો, મુંબઈથી ગુજરાતીમાં પ્રગટ થયેલું માસિક ‘સ્ત્રીબોધ’ તે આખા હિન્દુસ્તાનનું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક.

પારસી કન્યા શાળા, ૧૮૭૦

બીજાં અનેક ક્ષેત્રોની જેમ આ ‘ચોપાનિયું’ (એ વખતે સામયિક માટે વપરાતો શબ્દ) પ્રગટ કરવાની પહેલ પણ મુંબઈના પારસી બિરાદરોએ કરી હતી. ૧૯મી સદીમાં સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં તો મુખ્યત્ત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ ચાણાક પારસીઓની નજરમાં એ વાત તરત આવી ગઈ કે સુધારાની પ્રવૃત્તિમાં સ્ત્રીઓને પણ નહિ સમાવી લઈએ તો એ પ્રવૃત્તિ બહુ ઊંડાં મૂળ નાખી નહિ શકે. અને સ્ત્રીઓને સમાવવા માટેનું પહેલું પગથિયું તે છોકરીઓને ભણાવવી-ગણાવવી. એટલે મુંબઈ શહેરમાં – અને બીજે પણ – કન્યા કેળવણીમાં પહેલ પારસીઓએ કરી. પણ ભણ્યા પછી, કદાચ ઘર-સંસાર માંડ્યા પછી – છોકરીઓની કેળવણીને કાટ ન લાગે તે માટે શું કરવું? તેમને ગમે, તેમને ઉપયોગી થાય, તેમને માર્ગદર્શન મળી રહે એવું વાંચવાનું સતત આપતા રહેવું. તો એ માટે શરૂ કર્યું માસિક ‘સ્ત્રીબોધ.’

એ શરૂ કરવા માટે પહેલાં તો એક મંડળી સ્થાપી. તેના સભ્યો હતા ડોસાભાઈ ફરામજી કામાજી, ખુરશેદજી નસરવાનજી કામાજી, સોરાબજી શાપુરજી બંગાળી, અને બેહરામજી ખરશેદજી ગાંધી. પહેલા સેક્રેટરી જાંગીરજી બરજોરજી વાચ્છા અને પછી જજ નાનાભાઈ હરિદાસ. જરા વિચાર કરો : એ વખતે દેશમાં માંડ એક ટકો સ્ત્રીઓ સાધારણ વાંચી-લખી શકતી. દેશમાં નહોતી વીજળી આવી. વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારનાં સાધનો બહુ જ ટાંચાં. ગુજરાતી ભાષાનું પહેલ વહેલું સામયિક ‘વિદ્યાસાગર’ ૧૮૪૦માં પ્રગટ થયેલું. તે પછી બીજાં બે-ત્રણ ‘ચોપાનિયાં’ પણ શરૂ થયેલાં. એવે વખતે ફક્ત સ્ત્રીઓ માટેનું માસિક? નફાનો તો વિચાર પણ થાય તેમ નહોતું. પણ ખોટ જાય એ ભરપાઈ કેમ કરી કરવી? ડોસાભાઈ ફરામજી કામાજી આગળ આવ્યા. કહે : ‘ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું ચલાવવા માટે પહેલાં બે વરસ સુધી હું દર વરસે ૧,૨૦૦ રૂપિયા આપીશ.’ હા જી. તમે કહેશો કે અરે રે! એમાં તે કઈ મોટી ધાડ મારી! પણ સાહેબ, એ વરસ હતું ૧૮૫૭નું, જ્યારે દેશમાં એક તોલો સોનાનો ભાવ હતો (આજના) રૂપિયા ૧૯. એટલે કે લગભગ ૬૩ તોલા સોનું ખરીદી શકાય એટલી રકમ દર વરસે થઈ.

અને ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે ‘સ્ત્રીબોધ’નો પહેલો અંક બહાર પડ્યો. લખાણનાં વીસ પાનાં. ઉપરાંત ચિત્રોનાં પાનાં. બધાં ચિત્રો લંડનમાં છપાવતા. બને તેટલી વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકાય એ હેતુથી એક વરસનું લવાજમ રાખેલું એક રૂપિયો! પહેલા અંકની ૧,૧૦૦ નકલ છાપીને મફત મોકલેલી. સાથે જણાવેલું કે જો લવાજમ ભરવા ન માગતા હો તો તમારે ખર્ચે આ અંક પાછો મોકલશો! જે લોકો નકલ પાછી નહિ મોકલે તેમને ગ્રાહક ગણી લેવામાં આવશે અને તેમણે એક રૂપિયો મોકલી દેવો. લવાજમ બીજા અંકથી શરૂ થયેલું ગણાશે. પહેલા અંકના દિબાચા(પ્રસ્તાવના)માં કહ્યું હતું કે આ ચોપાનિયું વાંચનારીઓને લાયકનું તથા દિલપસંદ કરવા સારુ તેમાં જ્ઞાનનો વધારો કરનારી તથા નિર્દોષ રમૂજ આપનારી બાબતો સાદી ભાષામાં અને કવિતોમાં લખવામાં આવશે અને તે બધું વધુ સારી રીતે સમજ પાડવા સારુ તેમની સાથે કેટલાંક અચ્છાં ચિત્રો દર વખત આ ચોપાનિયામાં દાખલ કરવામાં આવશે. અને તેને શોભીતું તથા સદ્દગુણો વધારનારું કરવાને મહેનતની કશી કસર કરવામાં આવશે નહિ. અંકમાં છેલ્લે કવિ દલપતરામે ‘સ્ત્રીબોધ’ માટે ખાસ લખેલાં ગરબા/ગરબી છાપ્યાં છે. દલપતરામે એક ગરબીમાં પારસીઓ માટે કહ્યું છે : ‘એ તો હેમ જડેલા હીરા છે.’ 

પહેલા વરસના છેલ્લા અંકમાં આખા વરસનો હિસાબ છાપ્યો છે. લવાજમની આવક ૧,૧૯૭ રૂપિયા અને વાર્ષિક દાનની રકમ ૧,૨૦૦ રૂપિયા. તેની સામે વાર્ષિક કુલ ખરચ ૨,૦૨૨ રૂપિયા, ૧૩ આના, એક પાઈ. (એ વખતે દેશમાં રૂપિયા, આના, પાઈનું ચલણ હતું.) પહેલાં બે વરસ તો આ રીતે ગાડું ગબડ્યું. પણ ત્રીજા વરસથી દાનની રકમ બંધ થઈ. પહેલા અંકથી જ ‘સ્ત્રીબોધ’ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાતું હતું. ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનજી સાહેબના ત્રણ દીકરાઓએ આ પ્રેસ શરૂ કર્યું હતું. આ પ્રેસના માલિકોને ‘સ્ત્રીબોધ’ સોંપી દેવાનું (વેચી દેવાનું નહિ) નક્કી થયું. તંત્રીઓ બદલાતા રહ્યા. ચોપાનિયું ચાલતું રહ્યું. પણ રગશિયા ગાડાની જેમ. 

કેખુશરો કાબરાજી

એમાં નવું જોમ આવ્યું જ્યારે પ્રખ્યાત પત્રકાર, નાટ્યકાર, લેખક, સમાજ સુધારક, કેખુશરો કાબરાજી (૧૮૪૨-૧૯૦૪) ૧૮૬૩માં તેના તંત્રી બન્યા ત્યારથી. વચમાં થોડાં વરસ બાદ કરતાં જિંદગીના અંત સુધી તેઓ ‘સ્ત્રીબોધ’ના તંત્રી રહ્યા. કાબરાજીના અવસાન પછી તેમનાં દીકરી શીરીન, પછી કાબરાજીનાં પુત્રવધૂ પૂતળીબાઈ, અને પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં. કાબરાજીએ વાચન સામગ્રી અને ચિત્રોનું વૈવિધ્ય પુષ્કળ વધાર્યું. નવી નવી ‘બાબતો’ છાપી. આજે તો કોઈ સામયિક કે અખબારને ધારાવાહિક નવલકથા વગર ચાલતું નથી. આ રીતે ધારાવાહિક નવલકથા છાપવાની શરૂઆત કાબરાજીએ કરી. ૧૨૦ પ્રકરણની તેમની પહેલી નવલકથા ‘ભોલો દોલો’ ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ સુધી ‘સ્ત્રીબોધ’માં છપાઈ. તેમની છેલ્લી ધારાવાહિક નવલકથા ‘સોલી શેઠની સુનાઈ’ ૧૯૦૪માં છપાઈ. તેમનું જોઈને ધીમે ધીમે બીજાં સામયિકો અને અખબારોએ પણ ધારાવાહિક નવલકથા છાપવાનું શરૂ કર્યું.

બાથા હાઈસ્કૂલ, પાંચગણી

૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપના થઈ ત્યારે કાબરાજી તેના પ્રશંસક હતા. પણ પછી ધીમે ધીમે કાઁગ્રેસ વિરોધી અને બ્રિટિશ સરકાર તરફી બની ગયા. છતાં ગાંધીજી તેમને મળવા જતા. ૧૯૪૫માં આગાખાન જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજી નબળી તબિયતને કારણે આરામ કરવા એક મહિનો પંચગણી રહેલા. ત્યાંની બાથા સ્કૂલમાં કાબરાજીનાં પૌત્રી જરબાનુને મળવાનું થયું. ત્યારે ગાંધીજીએ કહેલું : “કાબરાજી તો એડિટર હતા, અને મેં તો બધા એડિટરોની સીડી ભાંગેલી. તે વેળા મારી કિંમત હતી બદામની. ‘મહાત્મા’ તો પાછળથી થયો – એ તો બધા ઢોંગ. કાબરાજી સરકાર પક્ષના હતા પણ પાછળથી મારી ઉપર જરા પ્રસન્ન થયેલા.” પછી કહે : “એક વાર કાબરાજીની દીકરીઓએ મુંબઈમાં ‘બોલે તેનાં બોર વેચાય’ ગીત ગાયેલું તે ગીત હજી મારા કાનમાં ગણ ગણ ગણ ગણ થઈ રહ્યું છે. તે તમને આવડે છે?” સારે નસીબે જરબાનુએ વડીલો પાસેથી આ ગીત સાંભળેલું. એટલે તે જ દિવસે સ્કૂલની થોડી છોકરીઓને તૈયાર કરાવી બીજે દિવસે સવારની પ્રાર્થના સભામાં ગવડાવ્યું. ‘સ્ત્રીબોધ’ના ૧૯૪૫ના સપ્ટેમ્બર-ઓક્ટોબર અને નવેમ્બર, એમ બે અંકમાં પ્રગટ થયેલા ‘પાંચગણીમાં મહાત્માજી’ લેખમાં જરબાનુ લખે છે : “આ ગીત જે રીતે અમે ગાયું તે કાંઈ બાપુજીને પસંદ પડ્યું નહિ. કહેવા લાગ્યા કે “તે બહેનો તો સરસ ગાનારી હતી. એ ગીતનો રાગ તો ઊંચે જાય છે. પણ હું કંઈ તમારા ગાયનની ટીકા કરવા નથી માગતો.”   

પૂતળીબાઈએ તેમના જમાનાથી આગળનાં ગણાય એવાં બીજાં કામ પણ કર્યાં છે. તેની વાત આવતા શનિવારે, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 01 માર્ચ 2025 

Loading

...102030...419420421422...430440450...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved