ગાંધીજીને આપણે પુત્ર, પતિ, પિતા અને નેતાના સ્વરૂપમાં જોયા હોય; પણ એમનું સાચું સ્વરૂપ તો બાપુના રૂપમાં જોવા મળતું.
પિતા પોતાના કુટુમ્બને માટે જે પ્રમાણે કાળજી રાખે છે અને દૂર રહેવાનું થાય તે અકળાઈ જાય છે, તેમ ગાંધીજીને પણ આશ્રમથી દૂર રહેવાનું બનતું તો તેમને ગમતું નહીં. દૂર રહે તો પણ તેમનું મન તો આશ્રમમાં ને આશ્રમમાં જ રહેતું હતું.
એક વાર ગાંધીજી દિલ્હી આવ્યા હતા, પણ સેવાગ્રામ પાછા ફરવાની તેમને તાલાવેલી લાગી હતી. જ્યારે એમણે જોયું કે જલદી પાછા નહીં જવાય, ત્યારે તેમણે મહાદેવભાઈને ઝટ સેવાગ્રામ પાછા ફરવા કહ્યું. કામ તો ખૂબ જ પડેલ હતું અને વિકટ પ્રશ્ન પણ સામે હતા, છતાં ય તેઓ જવા માટે આટલી બધી ઉતાવળ શા માટે કરે છે એ બિરલાજીને સમજાયું નહીં. તેમણે કહ્યું. “આટલું બધું કામ હોવા છતાં તમે મહાદેવભાઇને મોકલવાની ઉતાવળ કરો છો તે મને ગમતું નથી.”
ગાંધીજીએ કહ્યું: “પણ મારી જવાબદારીનો તો ખ્યાલ કરો?! હું તો સેવાગ્રામમાં એક ટોળું લઈને બેઠો છું. ત્યાં દરદીઓ તો છે જ, પણ ગાંડપણે ય છે. કોઈ કોઈ વાર તો મનમાં થાય છે કે બસ હવે બધાંને છોડી દઉં અને કેવળ મહાદેવને જ પાસે રાખું. બા ઈચ્છે તો તે પણ રહે. પણ જ્યાં સુધી આ ટોળાની જવાબદારી લઈને બેઠો છું ત્યાં સુધી તો મારે જવાબદારી નભાવવી જ જોઈએ. આથી જ મારું શરીર તો દિલ્હીમાં છે પણ મારું મન સેવાગ્રામમાં છે.”
બાપુ તો આશ્રમના પ્રાણ હતા. બાપુજી વહાલસોયા પિતાની માફક બધા આશ્રમવાસીઓ તરફ પ્રેમ દાખવતા. જ્યારે અમારી બુદ્ધિ કામ ન કરતી ત્યારે અમે થાકીને શ્રદ્ધાથી તેમનાં ચરણોમાં બેસતાં અને જ્ઞાન શ્રવણ કરતાં. જ્યારે બાપુ સૂવા જતા કે જમવા જતા અથવા તો એકલા હોય ત્યારે પાસે બેસતાં અને પગ દાબતાં, તે વખતે અમને લાગતું કે અમે અમારા બાપુ પાસે છીએ. અનેક મીઠી મશ્કરીઓ પણ કરતાં. આવે સમયે બાપુ પાસે રહેનારને બાપુને મીઠો પ્રેમ મળતો. ગાંધીજીનાં બે રૂપ હતાં – એક મહાત્મા ગાંધીનું અને બીજું અમારા વહાલસોયા બાપુનું.
બાપુજી જેટલો પ્રેમ પોતાના પુત્રો પર દાખવતા હતા તેટલો બીજાં પર પણ દાખવતા હતા. ફિનિકસ આશ્રમનો આ પ્રસંગ છે. એક રવિવારે વાદળાં ઘેરાયેલા હતા અને ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. આવે વખતે આશ્રમનાં નાનાંમોટાં સર્વે નાના ધોધ જોવા નીકળ્યા હતા. બાપુજી ત્યાં નહોતા આવ્યા. ત્યાં એવો નિયમ હતો કે એક વાર નિશ્ચય કરે એટલે તેનો અમલ કરવો જ જોઈએ, અને ન કરે તો કાયર ગણાય. આથી વરસાદ હતો છતાં ય ધોધ જોવા માટે સર્વે ગયાં. પહાડી રસ્તો હતો અને સાથે બોજો હતો તેથી નાના વિદ્યાર્થીઓને કેટલીક વાર ઊંચકી લેવા પડતા. પાછું આવતા અંધારું થઈ ગયું તેથી બાપુજીને ચિંતા થઈ અને તેઓ સૌને શોધવા માટે નીકળ્યા. આશ્રમથી માઈલ દૂર અમારો ભેટો થઈ ગયો. છોકરાં બાપુને વળગી પડ્યાં. બે નાના વિદ્યાર્થીઓને તો બાપુએ તેડ્યા પણ ખરા. છોકરાઓએ ના પાડી પણ બાપુ શેના માને? અને માને તો બાપુ શેના?
બાપુજી ભલે મહાત્મા તરીકે કે પ્રખર રાજ્યકર્તા તરીકે વિખ્યાત હોય, પરંતુ તેઓ તો સૌના વહાલસોયા બાપુ બનવા જ ઈચ્છતા હતા અને એ આપણા સૌના બાપુ બની પણ શક્યા ખરા. જુહૂ તટ પરનો પ્રસંગ છે. કમળાદેવી ચટ્ટોપાધ્યાય પ્રાર્થના પૂરી થયા પછી બાપુની પાસે ગયાં. બાપુ એ વખતે બાળકોને ફળ વહેચતા હતા.
વાર્તાલાપ પૂરો થયા પછી કમળાદેવીએ વંદન કર્યાં. બાપુએ એમને એમને એક ફૂલનો હાર ને કેરી આપ્યાં. કમળાદેવી હસતાં હસતાં ધીમે સાદે બોલ્યાં, “શું હું પણ નાની બાળક છું?” બાપુ બોલ્યા : “આપ બચ્ચી નહીં, મગર બાપુ તો બાપુ હૈ!”
[‘ગાંધીજી બાપુ તરીકે’]
18 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 258