
ગુરુદયાળ મલ્લિક
શાંતિનિકેતન! 10મી માર્ચ 1915! ગુરુદેવ અને ગાંધીજીનું પ્રથમ પ્રેમમય મિલન! અનંતના બે પ્યાસાઓ ને પ્રતિનિધિઓનો સંગમ! તીર્થસ્થાન! મહાઋષિ દેવેન્દ્રનાથ ઠાકુરના જીવંત અને જ્વલંત આત્માએ તે બંનેનો સત્કાર કર્યો. તેમણે કહ્યું : ‘આવો સત્યના યાત્રીઓ, આપણું ભારત તમારું સ્વાગત કરે છે. તેની સેવા જ તત્કાલિક તમારો વિશેષ ધર્મ અને કર્મ છે, કારણ કે જેવી રીતે એક ગુલામ કોઈ બીજાને દિલથી પ્રેમ નથી કરી શકતો, મૈત્રી નથી સાધી શકતો, તેવી જ રીતે ભારત બીજા દેશોની સાથે મૈત્રીનો સંબંધ સારી રીતે નથી જોડી શકતો. તેથી સૌથી પહેલા તમે તેની રાજનૈતિક, સામાજિક અને આર્થિક જંજીરો તોડવામાં તત્પર થઈ જાઓ. આધુનિક ભારતના અગ્રણિય સ્વાતંત્ર્યયજ્ઞના પુરોહિત રાજા રામમોહનરાયના આશીવર્વાદ તમારા પર ઉતરો.”
ગુરુદેવે અને ગાંધીજીએ મહાઋષિને પ્રણામ કર્યા અને પછી એકબીજાને તેઓએ અગાધ વહાલથી આલિંગન કર્યું. આ અદ્ભુત દૃશ્ય જોઈને જાણે સાલવૃક્ષો આહ્લાદથી હસતાં હસતાં ડોલવા લાગ્યાં અને તેમનામાંથી નીકળતા ‘ઓમ’ અને ‘અસ્તુ’ શબ્દોના ધ્વનિથી વાતાવરણ ગુંજવા લાગ્યું. આશ્રમમાં રહેનારાઓએ ‘જય! જય! જય!’ પુકારી.
તે શુભ દિવસથી ગાંધીજી અને ગુરુદેવનો સંયુક્ત સ્વતંત્રતાદેવી-સેવા યજ્ઞ શરૂ થયો. તે આહુતિની ચિનગારીઓ દેશના જુદા જુદા ભાગોમાં ધીરે ધીરે પહોંચવા લાગી. અહીં તહીં અમુક વ્યક્તિઓના જીવન-દીવા પ્રગટી ઉઠ્યા, દરેક પ્રાંતમાં પ્રકાશ દેખાવા લાગ્યો અને દેશભક્તિ ધરાવનારાઓ એક જ મંત્રનું ઉચ્ચારણ કરવા લાગ્યા : ‘આઝાદીનો આત્મા આત્માની આઝાદી છે.’ તેથી સ્વયં-સંયમ અને સમર્પણની ભાવનાને લોકો કેળવવા લાગ્યા, કારણ કે તે જ એક જ રસ્તો છે આત્માને બાહ્ય બંધનોથી આઝાદ કરવાનો. એવી ભાવના કેળવવાથી તો નૈતિક -શક્તિ મળે છે, અને આવી શક્તિને આધારે જ એક વ્યક્તિ દશ વ્યક્તિઓ સમાન શક્તિશાળી બની જાય છે.
આ રીતે આત્મશુદ્ધિનું આહ્વાન આખા દેશે સાંભળ્યું.
થોડા વર્ષોની અંદર જ દેશભક્તિનો એક મહાન યજ્ઞ ભભૂકી ઊઠ્યો. તેનાથી જગતમાં જ્યાં જ્યાં દેવી સ્વતંત્રતાના સાધકો અને સેવકો હતા તે આનંદ પામ્યા, અને પોતાના દેશની સ્વતંત્રતા માટે પોતાને હોમી દે, એવી પ્રેરણા તેમને મળી. કારણ કે સ્વતંત્રતાના આદર્શ અને આહ્વાનમાં કોઈ જાતની સીમા નથી હોતી, જેવી રીતે આત્માનું જગત વાડ વિનાનું હોય છે.
આ મહાન યજ્ઞમાં ગાંધીજી અને ગુરુદેવ સિવાયના બીજા પુરોહિતો પણ જોડાયા. પણ વિશેષ કરીને આધ્યાત્મિક દૃષ્ટિ અને ધ્યાન દ્વારા – કર્મકાંડથી અળગા રહીને. પણ તે લોકોનો ફાળો પણ કાંઈ ઓછો ન હતો. જો સ્વતંત્રતાનો આત્મા આત્માની સ્વતંત્રતા છે, તો સ્વતંત્રતાના યજ્ઞમાં ઓછું અને વધારે એવો વિચાર પણ ગૌણ છે. પણ આપણા આ યજ્ઞમાં ગાધીજી કર્મકાંડના પુરોહિત હતા, અને ગુરુદેવ જ્ઞાનકાંડના. તેથી જ તો સ્વતંત્રતાની સાધના દરેક ક્ષેત્રમાં શરૂ થઈ ગઈ, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજનૈતિક, સામાજિક, આર્થિક ગુલામીના કેદખાનામાં સ્વતંત્રતાનો સમીરણ વહેવા લાગ્યો. મૃતસમાન લોકોમાં પ્રાણ આવવા લાગ્યો. તેઓ પોતાની માણસાઈનું મૂલ્ય આંકવા લાગ્યા અને વ્યક્તિગત અને સમષ્ટિગત જીવનમાં તેને ઉતારવા પણ લાગ્યા. સન્માનથી માથું ઊંચકીને નીડરપણે વિચારવા વર્તવા અને ફરવા લાગ્યા. આમ ‘મા ભૈ:'(નહીં ડરો, ડરો મત)નો મંત્ર લોકો શીખી ગયા.
પણ આજે જો ગુરુદેવ અને ગાંધીજીના આત્મા શાંતિનિકેતનમાં ફરીથી એક બીજાને મળે તો તેઓ શું કહેશે? સાલ વૃક્ષો કેવા સમાચાર તે બંનેને સંભળાવશે? રાજા રામમોહન રાય અને મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરના આત્માઓ તેમને શું કહેશે? તેઓ એમ તો નહીં કહે ને, કે ‘જગતનો ક્રમ જ કાંઈ એવો છે કે પોતાના સાચા સેવકોને લોકો જલદી ભૂલી જાય છે, પણ સત્તાધારીઓ અને સમ્રાટોને લાંબા વખત સુધી યાદ કર્યો કરે છે. હજુયે લોકોને અહમ્ વાદ અને આડંબર પ્રિય છે. પ્રભુ જાણે ક્યારે તેઓ ‘ઓમ’ પ્રિય અને ‘અહમ્-હોમ’ પ્રિય બનશે.’
31 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 271