
ડ્વાઈટ મેકડોનાલ્ડ
ગાંધીજી જેવી શાંતિ ચાહક વ્યક્તિનું મૃત્યુ એક રિવોલ્વર વાપરનારાને હાથે થાય એ ય વિધિની એક વિચિત્રતા જ છે … ના, કદાચ એની પાછળ પણ એક કલાત્મક ઔચિત્ય રહેલું છે.
ગાંધીજી આ જમાનાની કદાચ છેલ્લામાં છેલ્લી એવી ખ્યાતનામ વ્યક્તિ હતી, કે જેણે હંમેશાં લોકો સાથે સીધો સંપર્ક રાખવાનો આગ્રહ સેવ્યો હતો. મોઢા-મોઢા મેળાપ સાધી સીધો વ્યક્તિ સાથે સમજણનો તાર જોડવા મથનારા તેઓ હતા. જેમને માથે સાદા પોશાકવાળા જાસૂસોની ચોકી રહેતી હોય છે, ને જેઓ બંદૂકની ગોળી ન ભેદી શકે એવા કાચની દીવાલ ઓથે રહીને નાથી આણેલ ટોળાં સાથે જ વ્યવહાર બાંધવા ટેવાયેલા છે, એવા નેતાઓમાં તેઓ ન હતા. વ્યક્તિગત યા માનસિક રીતે પોતાની સાથે સંબંધમાં આવવા ઇચ્છતા ગમે તે માણસને પોતાથી અળગો રાખવો નહિ. એ એમનો સૈદ્ધાંતિક રાખવો નહિ, એ એમનો સિદ્ધાંતિક આગ્રહ હતો. ને આથી જ એમણે કોઈ પણ પ્રકારે પોલિસનું સંરક્ષણ સ્વીકારવાની સાફ ના પાડી દીધેલી.
મેં કેટલાક લોકોને આ બાબત એમ કહેતા પણ સાંભળ્યા છે કે, ‘ગાંધીએ પોલિસનું રક્ષણ ન સ્વીકાર્યું એ એની નરી મૂર્ખાઈ જ હતી. ને આખરે એનાં જ માઠાં ફળ એને ચાખવાં પડ્યાં !’ ખેર, એક રીતે જોતાં કદાચ તેઓ સાચા પણ હોઈ શકે. કારણ આપણી આ દુનિયા એવી રીતે ઘડાયેલી છે કે, ‘જાહેર વ્યક્તિ’ ‘ખાનગી વ્યક્તિ’ બનીને જ જીવી શકે એમ છે … ને આવી દુનિયામાં સૌથી મોટું જોખમ કશામાં હોય તો તે પોતાની જ કહેવાતી ‘જાહેર જનતા ’નો મોઢામોઢ સામનો કરવામાં રહેલું છે.
ગાંધી આ દુનિયાના છેલ્લામાં છેલ્લા રાજકીય નેતા હતા, જેને પોતાનું અનોખું વ્યક્તિત્વ હતું. તેઓ કોઈ બહુરૂપીનો ચહેરો નહોતા, અવારનવાર રેડિયો પર સંભળાતો અવાજ નહોતા કે નહોતા તેઓ કોઈ એક સંસ્થા યા તંત્ર. તેઓ માનવીય જીવ હતા !
એ એક એવા માણસ હતા, કે જેને માટે મને કદી ભય, તિરસ્કાર, ઉદાસીનતા યા ઉપેક્ષાની લાગણી થઈ નથી; એટલું જ નહીં, મેં હંમેશાં એમના પ્રત્યે ઉત્કંઠા ને પ્રેમની લાગણી જ અનુભવી છે. તેમના પરની મારી પ્રીતિ આજે એમના મૃત્યુ પછી જ કદાચ હું પહેલી વાર આટલી ઉત્કટતાથી અનુભવી રહ્યો છું. ને એનાં કારણો ય અનેક છે.
તેઓ પ્રેમપંથમાં માનનારા હતા. તેઓ મૃદુતા, સમજાવટ ને આચારની સરળતામાં શ્રદ્ધા ધરાવનારા હતા. ને હું જે બધા માણસોને જાણું છું, તેમાં પોતાના વિચારોને આચરણમાં ઉતારી બતાવવામાં સૌથી વધુ સફળ થયેલા તરીકે હું એમને જાણું છું. એનાથી ઊંધી જ વસ્તુઓની ખેંચમાં તણાનારા ‘મોટી તોપ’ જેવા ગણાતા માણસોનો તો અહીં સવાલ જ નથી … મને આશ્ચર્ય તો એ વાતનું છે કે, પોતે માન્યા તેમાંના આટલા બધા આદર્શોને એ જીવનમાં ઉતારી શી રીતે શક્યા ! આ હું મારા અંગત અનુભવના આધારે કહું છું.
તેઓ મને વ્હાલા હતા, કારણ રેલગાડી ને યંત્ર ઉદ્યોગોની (એસેમ્બ્લી બેલ્ટની) પેદાશ પ્રત્યે, ભૌતિક પ્રગતિને નામે જે રાચરચીલાંની આજે દુનિયામાં બોલબાલા છે, તેના પ્રત્યે તેમને બિલકુલ માન નહોતું. તેઓ તો એમાંની પ્રત્યેક વસ્તુને માનવીય મૂલ્યોના સામા ત્રાજવે મૂકીને તોળી જોનારા હતા.
તેઓ મને વ્હાલા છે, કારણ તેઓ કુશળ, મર્માળુ, જીવનના તાજગીથી ઉભરાતા ને આગ્રહી હતા, ને તેએાને ‘ફાસિઝમ’, ‘લોકશાહી’, ‘આમજનતા’, ને ‘વિશ્વસરકાર’ વિષે ભાષણો કરવાની ટેવ નહોતી.
હું એમને ચાહતો થયો છું, કારણ જીવનની સામાન્ય લાગતી, ફાલતુ ગણાતી નાની નાની ઘરગથ્થુ વિગતોને પકડી શકે એવી તીવ્ર ઘ્રાણેન્દ્રિય શક્તિ એમની પાસે હતી – જે બધી વિગતો મોટે ભાગે કવિઓ સિવાયના તમામ લોકોને મન ઉપેક્ષાની વસ્તુ ગણાય છે!
ને એમને ચાહવાનું મારું અંતિમ કારણ એ પણ છે કે, તેઓ એક ‘સારા માણસ’ હતા, અર્થાત્ તેઓ ‘સારા ’ હતા એટલું જ નહિ, પણ સાથે સાથે ‘માણસ’ પણ હતા.
[મેમ્વાર્સ ઓફ એ રિવોલ્યૂશનિસ્ટ]
04 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 333