Opinion Magazine
Number of visits: 9953330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેરિદાની વિઘટનશીલ ફિલસૂફી – ૨

સુમન શાહ|Opinion - Literature|21 April 2025

સુમન શાહ

ક્યારેક મને એવું થાય છે કે હું બે જ વસ્તુઓને ચાહું છું – જીવન અને સાહિત્ય. ફિલસૂફી કે ભાષાવિજ્ઞાન હું વિધિસર નથી ભણ્યો. જ્યારે પણ એમાં ગયો છું ત્યારે સાહિત્યના સ્વાર્થે, છતાં, એ બન્નેનાં સત્યોનો દ્રોહ ન થાય એની પૂરેપૂરી કાળજી રાખીને. આ લેખમાળા પણ ફિલસૂફીવિષયક છે તેમછતાં એના નિરૂપણનો હેતુ સાહિત્યિક છે એમ સ્વીકારવા વિનન્તી. હું હેતુ દર્શાવું : 

સાહિત્ય એક કલાવિશેષ છે તેથી સાહિત્યકાર કલાકાર છે. સાહિત્ય એક સાંસ્કૃતિક આવિષ્કાર છે તેથી સાહિત્યકાર સંસ્કૃતિપુરુષ છે. સાહિત્યકાર ક્રાન્તદૃષ્ટા છે તેથી ઋષિતુલ્ય છે. સાહિત્યકાર પ્રતિબદ્ધતાને વરેલો છે તેથી સમાજ અને રાષ્ટ્રનો હિતૈષી છે. સાહિત્યનો ખરો ભોક્તા સહૃદય છે તેથી વાચકો માટે આદર્શમૂર્તિ છે. સાહિત્યનો ફિલસૂફી ભાષાવિજ્ઞાન ધર્મ અધ્યાત્મ નીતિ-સદાચાર સમાજ અને રાજકારણ સાથેનો સમ્બન્ધ. કલાપ્રપંચ અને સત્તાપ્રપંચ. સાહિત્યમાં પૂર્વ અને પશ્ચિમ. સાહિત્ય અને અનુવાદો સમ્પાદનો પ્રકાશનો પત્રકારત્વ. સાહિત્ય અને કવિસમ્મેલનો પરિસંવાદો લોકાર્પણો પુસ્તક-મેળા સોશ્યલ મીડિયા. સાહિત્યનું પીએચ.ડી. પદવી સુધીનું અધ્યયન-અધ્યાપન. સાહિત્ય અને રુચિ. કૃતિ કર્તા અને ભાવકલક્ષી વિવેચનો. અધ્યાપકીય અને ઉન્નતભ્રૂ વિવેચનો. ભાવન આસ્વાદન અર્થઘટન અને મૂલ્યાંકન માટે વિશ્લેષણની રસલક્ષી પદ્ધતિ. સાહિત્યકારનું પુનર્વાચન અને પુનર્મૂલ્યાંકન.

વગેરે મુદ્દાઓ સંદર્ભે આપણે ત્યાં વિકસેલી માન્યતાઓ અને તેથી વિકસેલા વિચારવાતાવરણનો પરામર્શ વિઘટનની રીતે કરવો એટલે કે પ્રશ્નો કરવા, ગર્ભિત અર્થોને પ્રકાશિત કરવા, એ વાતાવરણ સરજનારાં પરિબળોને પ્રકાશિત કરવાં, અને પ્ર-ગતિ થઈ શકે તેવી નૂતન ભૂમિકાનું સર્જન કરવું, એ આ લેખમાળાનો મુખ્ય પણ અન્તિમ હેતુ છે. કેમ કે એ હેતુ સુધી પ્હૉંચવા જરૂરી છે કે પહેલાં તો મારે દેરિદાની વિઘટનશીલ ફિલસૂફીનો સવિશેષ પરિચય કરાવવો અને એ માટે એ સૃષ્ટિમાં જેટલે જવાય એટલે જવું. 

હું અટકી અટકીને જઈ રહ્યો છું એટલે આ લેખમાળા સળંગસૂત્ર નહીં પણ શકલોમાં – fragmentsમાં – હશે. તેથી એમાં કિંચિત્ પુનરાવર્તન હશે. આ લેખમાળા શોધનિબન્ધ નથી. મેં શોખથી નહીં પણ મૂળનું મૂલ્ય સાચવવા અંગ્રેજી શબ્દો માટે ગુજરાતી અને ગુજરાતી માટે અંગ્રેજી પર્યાયો આપ્યા છે, જો કે, કામચલાઉ છે. લેખમાળાનું સ્વરૂપ સુબોધક કલ્પ્યું છે તેથી, અલબત્ત સિદ્ધાન્તના ગૌરવને કૌંસમાં રાખીને, જરૂરી દાખલા સરળ સમજ ખાતર ઉપજાવ્યા છે એને સહ્ય ગણવા વિનન્તી.

બધા યહૂદી – Jews – પ્રાજ્ઞ હોય છે એમ ન કહેવાય પણ એમ જરૂર કહેવાય કે કેટલાક પ્રાજ્ઞ યહૂદી હોય છે. 

દેરિદા ૧૯૩૦-માં અલ્જીરિયામાં અલ-બિયાર પરગણામાં યહૂદી પરિવારમાં જનમ્યા હતા. કેટલાક યહૂદી સમુદાયો સ્પેન અને પોર્ટુગાલ જઈ વસેલા. એ વસવાટનું નામ sephardic હતું. એનો નિર્દેશ બાઇબલમાં છે. sephardic jewish descent દેરિદાનું ગોત્ર છે. એ ગોત્રના બૌદ્ધિકોનું ફિલસૂફી યહૂદી-વિચાર સાહિત્ય અને સંસ્કૃતિવિષયક પ્રદાન ઉત્તમ મનાયું છે. દેરિદાના અલ્જીરિયાવાસી પૂર્વજો એ વારસાના સહભાગી હતા અને તે સંસ્કારો સ્વાભાવિકપણે દેરિદામાં ઊતર્યા હતા.

૧૬-મી સદીથી મધ્ય ૨૦-મીના સમયો દરમ્યાન ફ્રૅન્ચોએ વિદેશોમાં colonies – સંસ્થાનો – ઊભાં કરીને હકૂમતો જમાવેલી. દેરિદાના શૈશવકાળનું અલ્જીરિયા ફ્રૅન્ચ સંસ્થાન હતું. બીજું કે ત્યાં વસતા યહૂદીઓ ઍન્ટિ-સૅમિટિસિઝમનો ભોગ બનેલા. ધર્મ અને વંશીય ઓળખના મુદ્દે યહૂદીઓ સાથે દુર્નિવાર શત્રુવટ તેમ જ ઘૃણા આભડછેટ અવમાનના શાબ્દિક / શારીરિક હુમલા તથા હિંસા સુધીના અત્યાચારનું નામ ઍન્ટિ-સૅમિટિસિઝમ છે. એનું અધમાધમ દૃષ્ટાન્ત બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનનો holocau st – નરસંહાર – છે જેમાં આશરે ૬૦ લાખ યહૂદીઓનો પદ્ધતિપૂર્વક નાશ કરવામાં આવેલો. 

અલ્જીરિયાના તત્કાલીન યહૂદી-વિરોધી કાયદા અનુસાર માત્ર ૭% યહૂદી બાળકોને ફ્રૅન્ચ શાળામાં પ્રવેશ હતો. ઝા’ક (દેરિદા) ૧૨ વર્ષનો હતો અને ઉત્તમ વિદ્યાર્થી હતો તેમ છતાં શાળામાંથી એની હકાલપટ્ટી થયેલી. એને યહૂદીઓની સામાન્ય શાળામાં દાખલ કરાયેલો. ઘડતરકાળના એ અન્યાયને કારણે એના ચિત્તમાં ક્યારેક identityનો – ઓળખનો – કોયડો ઊપસ્યો હશે. શું કેન્દ્રમાં ને શું હાંસિયામાં તે સમજાઈ ગયું હશે. મનુષ્યોને કિનારે ધકેલી દેનારું હાંસિયાકરણ – marginalization, મનુષ્યોનો બહિષ્કાર – exclusion, સંસ્થાનવાદ – colonialism વગેરે પ્રશ્નો દેરિદાના દર્શનમાં પ્રમુખ સ્થાને છે એનું કારણ એમનું એ દમિત શૈશવ છે. એવો જન સંસ્થાપનાઓને પડકારે નહીં તો જ નવાઈ. દેરિદાની ગરવાઈ એ છે કે બધા પડકારો એમણે એક પ્રાજ્ઞ મનુષ્યને છાજે એવી તાત્ત્વિક ભૂમિકાએથી કર્યા. 

પ્રારમ્ભિક મૂલ્ય ધરાવતી આ હકીકતોમાં મારે ઉમેરવું જોઈએ કે દેરિદા મુખ્યત્વે continental philosopher છે. analytical અને continental philosophy પશ્ચિમની અર્વાચીન ફિલસૂફીની બે પરમ્પરાઓ છે. બન્ને પરમ્પરાઓ એકબીજાને સ્પર્શે છે છતાં બન્નેનાં સ્વરૂપ કાર્ય અને પદ્ધતિમાં ફર્ક છે.

ફિલસૂફી analytical – વિશ્લેષણાત્મક – એ કારણે કે વિશદતા અને અસંદિગ્ધતા માટે એમાં  સંકુલ વિભાવનાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. એથી ફિલસૂફીવિષયક કોયડા સ્પષ્ટ થાય છે. ભાષા માનવચિત્ત જ્ઞાન વિજ્ઞાન આ ફિલસૂફોના ધ્યાનવિષયો છે. તેઓ મુખ્યત્વે અનુભવપરક – empirical – પદ્ધતિનો આશ્રય કરે છે. આ ફિલસૂફોમાં અનિવાર્યપણે લેવાતાં નામ છે, બર્ટ્રાન્ડ રસેલ, લુડવિગ વિટ્ગેન્સ્ટાઇન, કાર્લ પોપર, ડેવિડ લૂઇસ, રુડોલ્ફ કાર્નેપ.

ફિલસૂફી continental – ઉપખણ્ડીય – એ કારણે કે એનાં મૂળ ઉપખણ્ડ યુરપમાં છે. જર્મન આદર્શવાદ અને phenominology – પ્રતિભાસવિજ્ઞાન – તેમ જ અસ્તિત્વવાદ સંરચનાવાદ અનુ-સંરચનાવાદ વિઘટનશીલ ફિલસૂફી અને તત્ત્વજ્ઞાનવિષયક વાદવિવાદોથી બોધદાયી નીવડેલાં આંદોલનોનો એમાં સમાવેશ થયેલો છે. વિવિધ સત્તાઓ ઐતિહાસિક સંદર્ભો માનવ-અસ્તિત્વ સંસ્કૃતિ સાહિત્યસમીક્ષા અને કાળક્રમે વિકસતા વિચારવિશેષોની તપાસ આ ફિલસૂફોના ધ્યાનવિષયો છે. એ માટે તેઓ વિવિધ પદ્ધતિઓનો વિનિયોગ કરીને લાભે છે. જેમ કે, ફીનૉમિનોલૉજિની પદ્ધતિ એમને ચેતનાપરક આત્મલક્ષી અનુભવો તપાસી આપે. અસ્તિત્વવાદની પદ્ધતિ સત્ત્વ અસ્તિત્વ સ્વાતન્ત્ર્ય દાયિત્વ અસંગતતા તેમ જ અર્થની અશક્યતાઓ દર્શાવે. સંરચનાવાદની પદ્ધતિ ભાષા અને સંસ્કૃતિ અન્તર્ગત સંરચનાઓનું સ્વરૂપ સ્પષ્ટ કરી આપે. અનુ-સંરચનાવાદની પદ્ધતિ સુસ્થાપિત સંરચનાઓ અને અર્થોનાં વિઘટન સૂચવે. આ ફિલસૂફોમાં અનિવાર્યપણે લેવાતાં નામ છે, માર્ટિન હાઇડેગર, ઝાં-પૉલ સાર્ત્ર, મિશેલ ફૂકો, અને ઝા’ક દેરિદા. 

દેરિદાનું વિચારવિશ્વ મને સમજાયું છે તે રીતની થોડીક વાત કરું : 

એ મને ભાષા સંજ્ઞાઓ સંરચનાઓ તન્ત્રો અને જ્ઞાનવિષયક વિવિધ માનવીય પુરુષાર્થોનાં સત્યો વિશે મુખ્યત્વે પ્રશ્નકારક – interrogative – લાગ્યું છે. અન્યથા હું એને મનુષ્યજીવનની અસંગતતાની – absurdityની – અનુકમ્પામય પર્યેષણા ગણું છું. 

પશ્ચિમની ફિલસૂફી logocentric અથવા શબ્દ કે તર્કકેન્દ્રી છે એમ દેરિદા કહે છે તેના મૂળમાં અધ્યાત્મવિદ્યા – metaphysics – છે. અધ્યાત્મવિદ્યામાં માનવ-અનુભવો અને જીવનના અર્થની શોધ મુખ્ય હોવાથી એમાં પ્રમાતા – subject – એટલે કે ચિન્તનશીલ વ્યક્તિ અને તેની ઉપસ્થિતિ – presence – અનિવાર્ય છે. એ વ્યક્તિનો આત્મલક્ષી અનુભવ કોઈનીયે મધ્યસ્થી વિનાનો – unmediated – અને સદ્યોવેદી – immediate – હોય છે. દેરિદાએ અધ્યાત્મવિદ્યાની આ ઉપસ્થિતિ-વિભાવનાને પડકારી છે. એમનું કહેવું એમ છે કે પહેલેથી બધું ભાષાથી ચેપાયેલું – influenced – હોય છે તેથી, અને અનુભવ આત્મલક્ષી હોય છે તેથી, એને મધ્યસ્થી વિનાનો અને પ્રાંજલ અથવા શુદ્ધ ન ગણી શકાય.

અર્થવિષયક સંરચનાવાદી સિદ્ધાન્ત પણ શબ્દ કે તર્કકેન્દ્રી છે. દેરિદા કહે છે કે સંરચનાઓ અસ્થિર હોય છે કેમ કે એમાં તફાવતોની લીલાનું – play of differncesનું – પ્રવર્તન હોય છે. તેઓ જણાવે છે કે સંરચનાત્વ – structurality – સંરચનાનું પ્રકૃતિપરક સત્ત્વ છે – essence of structure. એ એક માળખું – frame – છે જેમાં તત્ત્વો – elements – એકબીજાથી સમ્બન્ધિત હોય છે. સંરચનાવાદીઓએ સંરચનાને સ્થિર અને અવિચળ કેન્દ્રનો દરજ્જો આપ્યો હતો. એ માન્યતાની ટીકા કરતાં દેરિદાએ જણાવ્યું કે ત્યારે તેઓ સંરચનાત્વના ગતિમન્ત અને પ્રવહમાણ સ્વરૂપની અવહેલના કરતા હોય છે જેને કારણે એ સ્વરૂપ ન્યૂન અને તટસ્થ – reduced and neutralized – રહી જાય છે.

હું દાખલો આપું : વર્ગમાં અધ્યાપકશ્રી બેઠા છે. ખરેખર તો તેઓ કેળવણીવિષયક સંરચનાના કેન્દ્રમાં બેઠા છે. એ સંરચનામાં અન્ય અધ્યાપકો વિદ્યાર્થીઓ અભ્યાસક્રમો વ્યાખ્યાનપદ્ધતિ તેમ જ પરીક્ષા વગેરે તત્ત્વો – elements – જોડાયેલાં છે. એ તત્ત્વો એકબીજા સાથે ગતિમન્ત રહીને ભણવા-ભણાવવાની પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે. પણ એઓશ્રી-કેન્દ્રી વર્ગમાં એ પ્રક્રિયાને ઘટાડી નાખીને એઓ બધું સીધુંસાદું કરી નાખે છે. એ કારણે વિદ્યાર્થી અને અધ્યાપક વચ્ચે પ્રશ્નોત્તર થાય એ ‘interactive method of teaching’ જેવા અધ્યાપનના અન્ય વિકલ્પો પણ ન્યૂન અને તટસ્થ રહી જાય છે.

સંરચનાવાદી સિદ્ધાન્તમાં ‘દૃઢ મૂળ’ – fixed origin – એક જાણીતો વિભાવ છે. એ ચૉક્કસ અર્થો આપનારો મૂળાધાર છે એમ સંરચનાવાદ માને છે. આ વિભાવને દેરિદા transcendental signified કહે છે – સંજ્ઞાતન્ત્રોની બહારનો અન્તિમ સંકેતાર્થ. સંરચનાવાદ એને કેન્દ્રસ્થ ગણે છે.

હું દાખલો આપું : આપણી તેમ જ બીજી સંસ્કૃતિઓમાં ‘સફળતા’ એક transendentle signified છે – સફળતા જ અન્તિમ અર્થ. અપરિવર્તનીય અને સિદ્ધિ-સમૃદ્ધિના વિષયમાં સિદ્ધાન્તરૂપે પ્રજાજીવનમાં એ સંકેતાર્થ સ્થિર થયેલો છે. પરીક્ષામાં વેપારધંધામાં કે દામ્પત્યજીવનમાં સફળતા નિર્ણાયક માનદણ્ડ છે. કેટલીયે વ્યક્તિઓ સફળતાને ઘોડે ચડીને જિન્દગી જીવતી હોય છે. સફળ નહીં તે જિન્દગી હાર્યો એ હદે એ ખયાલ વિસ્તર્યો છે. બીજા પરિપ્રેક્ષ્યો ધ્યાનમાં આવે નહીં કે સફળતાવિષયક સમજનું નવઘડતર થાય એવા રસ્તા સૂઝે નહીં ત્યારે આ સંકેતાર્થ neutral anchor – તટસ્થ સંચાલક – ભાસે છે. ચૉતરે બેસેલાઓ કારકિર્દીની ચર્ચા ચલાવતા હોય ત્યારે ચર્ચાના કેન્દ્રમાં સફળતા હોય છે અને વાતો ક્રમે ક્રમે ન્યૂન થઈ જતી હોય છે. એમાં વિવિધ દૃષ્ટિબિન્દુઓ નથી હોતાં અને જીવનસિદ્ધિવિષયક અન્ય વિચારોનાં તો બારણાં જ બંધ હોય છે. દેરિદાએ આ ‘દૃઢ મૂળ’ વિભાવને ધરાર નકાર્યો છે. 

આ લેખમાળાના સંદર્ભમાં સંકેતવિજ્ઞાન અને વિઘટન-વિચાર અનુસાર ભાષાની સર્વસામાન્ય વિભાવના શું છે એ સમજવું મને અનિવાર્ય લાગ્યું છે. કહી શકાય કે —

શબ્દની પ્રકૃતિ સમ્બન્ધપરક છે – relational. એક શબ્દ અન્ય શબ્દોથી અલગ રહીને પોતાનો અર્થ નથી આપી શકતો. હું ‘ટેબલ’ બોલું એથી સ્પષ્ટ નથી થતું કે કયું ટેબલ અને ‘ટેબલ’ સાથે ‘મારું’ જોડીને ‘મારું ટેબલ’ બોલું તો અર્થમાં વૃદ્ધિ થાય છે ખરી પણ વિશ્વનાં બાકી ટેબલનો બોધ તો અવ્યક્ત જ રહે છે. કોઈપણ શબ્દ બીજા શબ્દો સાથે જોડાય ત્યારે જ અર્થ આપી શકે છે અન્યથા એ એક absence – ખાલી અવકાશ – હોય છે. શબ્દો કે સંજ્ઞાઓ દ્વિદલ છે – સંકેતક અને સંકેતાર્થ. ‘સંકેતક’ દલ એક ધ્વનિ છે અને વસ્તુને રજૂ કરનારી વિભાવના માટેનું દલ ‘સંકેતાર્થ’ છે. દેરિદા ભાષાને તફાવતપરક – differential – કહે છે. ઉમેરે છે કે ભાષામાં તફાવતોની લીલા હોય છે, જેમ કે, catનો અર્થ rat કે bat સાથેના તફાવતને કારણે મળતો હોય છે. એ લીલા વડે સરજાય છે અર્થો અને અર્થઘટનોની એક અન્તહીન web – જાળ – જેમાં deferrals – વિલમ્બનો – પણ હોય છે. 

દેરિદા એટલે સુધી કહે છે કે વિલમ્બનોની એક ચેઇન બનતી હોય છે. એને pass the meaning-ની રમત પણ કહી શકાય. (ખોખો જેવી?). એ ચેઇનમાંથી કોઈ અર્થને અંકિત કરીએ એટલે તરત આપણે એ શબ્દના વિરુદ્ધાર્થમાં પાછા જવાના. ‘પ્રકાશ’-ને સમજવા માગીએ એટલે ચિત્તમાં એની વિરુદ્ધનો ‘અન્ધકાર’ આવે. એ જાતનું redoubling back સંભવતું હોય છે. તદુપરાન્ત ભાષામાં વાણી-લેખન કેન્દ્ર-હાંસિયો નર-નારી મિલન-વિરહ જીવન-મૃત્યુ જેવાં વિરોધી દ્વૈતની – binary oppositionsની – ચાલના હોય છે. પુરવાર તો એ જ થાય છે કે અર્થો નક્કી નથી બલકે ભાષાની આવી બધી સંકુલ લીલાનું ફળ છે. 

દેરિદાની différance વિભાવના એમની ફિલસૂફીમાં કેન્દ્રસ્થાને છે. ફ્રૅન્ચ ભાષા અનુસાર આ વિભાવના difference અને deferral એવી બે સમજને એક સાથે રજૂ કરે છે. એક સમજ, તફાવત; બીજી, વિલમ્બન. તાત્પર્ય એ કે સંજ્ઞાના અર્થનો અન્ય અર્થ સાથે તફાવત તો હોય જ છે પણ અર્થ મળવામાં વિલમ્બ પણ થતો હોય છે. તફાવતપરક cat rat bat જેવો આ દાખલો જુઓ : ‘ગુલાબ’-નો અર્થ ‘મોગરો’-ના અર્થથી જુદો છે. મને ગુલાબનો અર્થ જે ગુલાબ નથી એથી મળે છે. વળી, ગુલાબથી જે સમજવાનું છે એ જે તે સંદર્ભોને અધીન હોય છે. ગુલાબદાસ કે ગુલાબબા – દરેકનો સંદર્ભ અલગ છે. તેથી અર્થ ત્વરિત નહીં પણ વિલમ્બિત રહે છે. 

દેરિદાના વિઘટનવિચારમાં એક વિભાવના છે, ચિહ્ન અથવા નિશાન – trace. જે હાજર નથી તેની ગેરહાજરીનું નિશાન. શબ્દ પોતામાં અન્ય શબ્દાર્થોનાં નિશાન લઈને બેઠો હોય છે. દાખલા તરીકે, દાસ અર્થનો ‘ગુલાબ’ પોતા સાથે ‘બા’-નાં નિશાન ધરાવે છે. ‘લોકશાહી’-માં ‘શાહી’ ‘રાજાશાહી’-નું નિશાન છે.

મને પ્રશ્ન થયો કે વિઘટન કરીશું એટલે શું કરીશું. દેરિદા-શૈલીએ વાચન કરીશું. એટલે કે તન્ત્રો અન્તર્ગત સંરચનાઓના સંરચનાત્વને પ્રમાણીશું. અર્થનો સ્વઅર્થે નિર્ણય કરી નાખનારા સત્તાપ્રપંચોને ઉઘાડા પાડીશું. ટૅક્સ્ટમાં કાર્યરત અન્તિમ સંકેતાર્થો સંદિગ્ધતાઓ પૂર્વધારણાઓ અને વિલમ્બનોની ભાળ મેળવીશું. વિરોધી દ્વૈતનાં પદોનો સ્થાનફેર કરીશું, જેમ કે, વિચારના કેન્દ્રસ્થાને ‘જીવન’ હોય પણ એ સ્થાને ‘મરણ’ મૂકીને વિચારીશું. ‘મિલન-વિરહ’ હોય પણ ‘વિરહ-મિલન’ એમ પદોને પલટાવીને પણ વિચારી જોઈશું. છેવટે, એ દરેક પ્રાપ્તિનાં કાર્ય અને પ્રભાવ વિશે પ્રશ્નો કરીશું. નવેસર ખરું વાંચતા તો જ આવડે અને તે પછી જ બધી ગતાગમ પડે. 

= = =

[પ્રગટ : ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર “પરબ”; ઍપ્રિલ 2025]
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બોલો,  ઘાના ઘાના રમવું છે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|21 April 2025

હેમન્તકુમાર શાહ

આફ્રિકાનો એક દેશ ઘાના. હાલ તેની વસ્તી આશરે ૩.૪૬ કરોડ. ૧૯૫૭માં તે અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ થયેલો.

તેના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા ક્વામે એન્ક્રુમા. ૧૯૫૭-૬૬ સુધી તેઓ પ્રમુખ રહેલા. તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલા અને પછી તાનાશાહ થઈ ગયેલા. એમને તો પછી દેશ છોડીને ભાગવું પણ પડેલું. 

નવેમ્બર-૧૯૬૩માં ત્યાં એક કેસ ચાલેલો ખાસ અદાલતમાં. તે અદાલત ત્રણ ન્યાયમૂર્તિઓની બનેલી હતી. એ હતા ત્યાંની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા બે એ જ અદાલતના ન્યાયમૂર્તિઓ.

કેસ હતો દેશદ્રોહનો. આરોપીઓ હતા : બે ભૂતપૂર્વ પ્રધાનો, રાજકીય પક્ષના એક મંત્રી અને વિપક્ષના બે નેતાઓ. 

ત્રણ મહિના ચાલેલા આ કેસનો ચુકાદો આવ્યો ૯ ડિસેમ્બર, ૧૯૬૩ના રોજ. ચુકાદામાં વિપક્ષના બે જણાને સજા થઈ અને બાકીના ત્રણને છોડી મૂકવામાં આવ્યા.

આ ચુકાદો દેશના પ્રમુખ ક્વામે એન્ક્રુમાને ગમ્યો નહીં. તેમણે બે જ દિવસમાં મુખ્ય ન્યાયમૂર્તિને હોદ્દા પરથી દૂર કરી દીધા. બીજા એક ન્યાયમૂર્તિએ રાજીનામું આપ્યું. પછી ત્રણ દિવસમાં મુખ્ય ન્યાયમૂર્તિએ પણ રાજીનામું આપી દીધું.

પછી ત્યાંની સંસદે કાયદો બદલી નાખ્યો. નવા કાયદા હેઠળ કેસ ચાલ્યો અને બધા પાંચેય આરોપીઓને મૃત્યુ દંડની સજા થઈ.

આશરે ૩૮ વર્ષ પહેલાં સ્વ. પ્રો. રમેશ ભટ્ટે એક વ્યાખ્યાનમાં એમ કહેલું કે ઘાનાના આ રાષ્ટ્રપ્રમુખે પછી દેશના પાટનગર આકરાના બજારમાંથી નવાં નક્કોર અલીગઢી તાળાં મંગાવેલાં અને જાતે જઈને બધી અદાલતોને તાળાં મારી દીધેલાં એમ કહીને કે “આ અદાલતો કામ કરવા દેતી નથી.”

હવે આ ઘટનાને ભારતના ઉપરાષ્ટ્રપતિએ અને ભા.જ.પ.ના એક સાંસદે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વકફ કાયદામાં સંસદે કરેલા સુધારાના સામે થયેલી અરજીઓ અંગે આપેલા હુકમના સંદર્ભ સાથે કહેલાં વેણ સાથે જુઓ. રીતસર ધમકીની ભાષા લાગે એ! જાણે કે તેઓ બંને કહે છે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિઓને કે, “તમે છો કોણ? અમે ચૂંટાયેલી સરકાર છીએ.”

સત્તાધીશોને બંધારણનું અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરનારી અદાલતો ક્યારે ય ગમતી જ હોતી નથી.

અને હા, ભૂતકાળની એક વાતની યાદ પણ અપાવું. ૨૦૧૪માં મુંબઈની સી.બી.આઈ.ની ખાસ અદાલતના ન્યાયમૂર્તિ હરકિસન લોયા રહસ્યમય સંજોગોમાં નાગપુરમાં મૃત્યુ પામેલા. તેમનો મૃતદેહ લાતુર પાસેના તેમના ગામમાં લઈ જવાયેલ. અને એમ્બ્યુલન્સમાં માત્ર એક ડ્રાઈવર જ હતો. લોયા જે બે ન્યાયમૂર્તિઓ સાથે મુંબઈથી નાગપુર ગયેલા એ પણ એમના મૃતદેહની સાથે નહોતા ગયા! તેમનાં પત્નીને તેમના મૃત્યુના સમાચાર મળવાને બદલે એ સમાચાર પહેલાં તેમના બહેનને મળેલા! 

જજ લોયા દેશના હાલના ગૃહ મંત્રી અમિત શાહ સામેનો ગુજરાતના એક એન્કાઉન્ટરનો કેસ ચલાવી રહ્યા હતા. જો કે, જજ લોયાનું મોત કુદરતી રીતે થયેલું એમ ભારતની સર્વોચ્ચ અદાલતમાં ચાલેલા કેસમાં ઠરાવાઈ ચૂક્યું છે. 

જજ હરકિસન લોયાના મૃત્યુ બાદ જે ન્યાયમૂર્તિ આવ્યા એમણે અત્યંત ટૂંકા ગાળામાં કેસનો ચુકાદો આપીને અમિત શાહને બાઈજ્જત બરી કરેલા. 

જજ લોયાના રહસ્યમયી મોત વિશે મારા મિત્ર અને મુંબઈના પત્રકાર નિરંજન તકલેએ ‘Who Killed Judge Loya?’ પુસ્તક લખ્યું છે તે વાંચવા જેવું છે. આ રહસ્યમયી મોત વિશે લખ્યા પછી તેઓ લોકશાહી વિશ્વગુરુ ભારતમાં બેકાર થઈ જાય એ સાવ સ્વાભાવિક છે. 

છે ને, ઘાના ઘાના નામની રમત ક્યારનીય શરૂ થઈ ગઈ હોય એવું નથી લાગતું? આપણી અદાલતો ખુલ્લી હોય છતાં તાળાં મારેલા જેવી, તો આશ્ચર્ય નહીં કરવાનું, જય શ્રી રામ બોલીને ભજન કરવાનું. 

તા.૨૧-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સંસદમાં અધ્યક્ષ શાસક પક્ષ અને વિપક્ષથી સરખે અંતરે રહે તે જરૂરી છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 April 2025

રવીન્દ્ર પારેખ

લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભા અધ્યક્ષ શાસક પક્ષ અને વિપક્ષના પ્રચાર-પ્રસાર કે તિરસ્કાર માટે નથી. તેમણે શાસક પક્ષ અને વિપક્ષથી સરખું અંતર જાળવવાનું છે, પણ કમભાગ્યે તેવું ઓછું બને છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારો અને રાજ્યપાલો વચ્ચે કોઈ મુદ્દે નાની મોટી ચડભડ ચાલ્યા કરતી હતી. તેથી ક્યારેક રાજ્યપાલો મનમાની પણ કરતા હતા. જેમ કે, તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભામાં મંજૂર થયેલાં બિલો રોકી રાખ્યાં હતાં. બન્યું હતું એવું કે 2020થી 2023 દરમિયાન તમિલનાડુ વિધાનસભામાં પસાર કરાયેલ 12 બિલ રાજ્યપાલ રવિની મંજૂરી માટે મોકલવામાં આવ્યાં, પણ તેમણે તે દબાવી રાખ્યાં એટલે તમિલનાડુ સરકારે સુપ્રીમનો સંપર્ક કરતાં રાજ્યપાલે 10 બિલો સહી કર્યા વિના પરત કર્યાં ને 2 બિલો રાષ્ટ્રપતિને વિચારણા માટે મોકલી આપ્યાં. સરકારે ફરી 10 બિલો પસાર કર્યાં, તો રાજ્યપાલે તે રાષ્ટ્રપતિને મોકલી દીધાં. 

પાછળથી સુપ્રીમે રાજ્યપાલની બિલ રોકવાની પ્રવૃત્તિને ગેરકાયદેસર ઠેરવી. જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે રાજ્યપાલને ટકોર કરી કે તેમણે પક્ષકારોની ઈચ્છા મુજબ નહીં, પણ બંધારણ મુજબ કાર્ય કરવું જોઈએ. સુપ્રીમે એવું પણ ઠેરવ્યું કે રાજ્યપાલે પ્રમાણિકતા ન દાખવી એટલે એ 10 બિલો મંજૂર થયેલાં જ ગણાય. એ હિસાબે તો રાજ્યપાલની સહી વિના બિલને મંજૂરી મળવાની આ કદાચ પહેલી ઘટના છે. 

આ ગરબડ થવાનું એક કારણ એ પણ ખરું કે બંધારણમાં બિલને મંજૂરી અંગેની કોઈ સ્પષ્ટતા નથી. બિલ ‘શક્ય તેટલું વહેલું’ મંજૂર કરવાની વાત બંધારણમાં છે, પણ તે અંગે કોઈ ચોક્કસ સમય મર્યાદાની વાત એમાં નથી, એટલે રાજ્યપાલ તેને ઠીક લાગે તેટલો સમય લે, તો તે પણ ‘શક્ય તેટલું વહેલું’ જ ગણાય. એ સ્થિતિમાં રાજ્ય સરકાર અસરકારક રીતે કામ ન કરી શકે. આ વાત સુપ્રીમ કોર્ટની નજરે ચડતાં તેણે સ્પષ્ટ કર્યું કે રાજ્યપાલ ચૂંટાયેલી સરકારનાં બિલો અનિશ્ચિત સમય સુધી રોકી શકશે નહીં. કોઈ પણ બિલ તેમણે 1 મહિનામાં મંજૂર કરવાનું રહે છે. રાજ્યપાલ બિલ રાષ્ટ્રપતિને મોકલે છે, તો રાષ્ટ્રપતિએ પણ ત્રણ મહિનામાં બિલ મંજૂર કરવાનું રહે છે. સુપ્રીમે એમ પણ કહ્યું કે કોઈ બિલ મંજૂર કરવામાં વિલંબ થાય, તો તેનું કારણ જણાવવાનું અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટની આ વાત એટલે પણ મહત્ત્વની છે કે બંધારણના અનુચ્છેદ 201માં રાજ્યપાલે બિલ કેટલા સમયમાં મંજૂર કરવું તે અંગે કોઈ સ્પષ્ટતા ન હતી. તેને અંગે હવે સરળતા એ થઈ કે ચોક્કસ સમય મર્યાદામાં નિર્ણય લેવાનો થશે. એટલું છે કે સુપ્રીમ કોર્ટે આપેલી અવધિને લીધે બિલ હવે 3 મહિનાથી વધુ સમય સુધી પેન્ડિંગ નહીં રહે. આમ છતાં રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ નક્કી સમય મર્યાદામાં કામ નહીં કરે તો રાજ્ય સરકાર કોર્ટમાં જઈ શકે છે. 

જસ્ટિસ જે.બી. પારડીવાળા અને જસ્ટિસ આર. મહાદેવને વધુ સ્પષ્ટતા એ કરી કે જો કોઈ બંધારણીય સત્તા ચોક્કસ સમય મર્યાદામાં પોતાની ફરજો નહીં બજાવે તો કોર્ટ પણ હાથ જોડીને બેસી નહીં રહે. અત્યાર સુધી કલમ 201માં સમય મર્યાદાનો ઉલ્લેખ ન હોવાને કારણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ભવાં તણાયેલાં રહેતાં હતાં. એ સ્થિતિમાં 90 દિવસની મુદત નક્કી થતાં બિલો મંજૂર કરવામાં હવે કોઇની મનમાની નહીં ચાલે. સુપ્રીમની બેન્ચે ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ માટે કોઈ મર્યાદા નક્કી ન કરી શકાય, પણ આ મામલે તેઓ નિષ્ક્રિય ન રહે એ પણ અપેક્ષિત છે.

આ ચુકાદાથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ખાસા નારાજ છે. રાજ્યપાલ દ્વારા વિચારણા માટે મોકલાતા ખરડા અંગે રાષ્ટ્રપતિએ ત્રણ મહિનામાં નિર્ણય લેવાના સુપ્રીમના આદેશ અંગે, ઉપરાષ્ટ્રપતિએ તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે રાષ્ટ્રપતિને 90 દિવસમાં નિર્ણય લેવાનું પહેલી વખત કહેવાયું છે. ભારતે એવી લોકશાહીની કલ્પના કરી નથી જેમાં રાષ્ટ્રપતિને નિર્ધારિત સમયમાં નિર્ણય લેવાની ફરજ પાડવામાં આવી હોય. ધનખડે એમ પણ કહ્યું કે બંધારણની કલમ 142 હેઠળ કોર્ટને આપવામાં આવેલી વિશેષ સત્તાઓ લોકશાહી શક્તિઓ સામે ચોવીસે કલાકની પરમાણુ મિસાઇલ બની ગઈ છે ને ન્યાયાધીશો ‘સુપર સંસદ’ ચલાવી રહ્યા છે. ડી.એમ.કે.ના રાજ્યસભાના સાંસદ તિરુચિ શિવાએ ધનખડની ટિપ્પણી અનૈતિક ગણાવીને ઉમેર્યું કે બંધારણ જ સર્વોચ્ચ છે. ઉપરાષ્ટ્રપતિની નારાજગીનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને આદેશ આપ્યો. જજ કાયદો ઘડે એવી કલ્પના કરી ન હતી. જજો કાયદા ઘડે, કાર્યકારી જવાબદારી નિભાવે ને ‘સુપર સંસદ’ તરીકે કામ કરે ને છતાં તેમને દેશના કાયદા લાગુ ન પડે એવી હૈયાવરાળ ઉપરાષ્ટ્રપતિએ ઠાલવી છે. 

ઉપરાષ્ટ્રપતિને વાંધો એ છે કે જજના ઘરેથી કરોડો રૂપિયા મળે તેની એફ.આઇ.આર. પણ ન થાય ને બીજી તરફ રાષ્ટ્રપતિને નક્કી સમય મર્યાદામાં નિર્ણય લેવાની ફરજ પાડવામાં આવે છે. જજો કાયદા ઘડે છે – એવી ધનખડ જેવી જ વાત લોકસભાના ભા.જ.પ.ના સાંસદ નિશિકાંત દુબે કરે છે. તેઓ કહે છે કે સુપ્રીમ જ કાયદો બનાવવાની હોય તો સંસદ બંધ કરી દેવી જોઈએ. બંધારણના અનુચ્છેદ 368 મુજબ કાયદો ઘડવાનું કામ સંસદનું છે ને તેની વ્યાખ્યા કરવાનું કામ સુપ્રીમનું છે. તેને બદલે નિશિકાંતને એમ લાગે છે કે કાયદો પણ સુપ્રીમ જ બનાવે છે. જો કે, નિશિકાંત દુબેના નિવેદનથી ભા.જ.પ. અધ્યક્ષ જે.પી. ચડ્ઢાએ હાથ ઊંચા કરી દેતા કહ્યું છે કે નિશિકાંતનાં નિવેદન સાથે ભા.જ.પ.ને કોઈ લેવા દેવા નથી. નિશિકાંત પક્ષની તરફેણમાં સંસદ બંધ કરવાની કે સુપ્રીમની કાયદો બનાવવાની વાત કરી શકે, પણ ઉપરાષ્ટ્રપતિ એવું ન કહી શકે, કારણ તે પક્ષના કે વિપક્ષના પ્રવક્તા નથી. તેમણે તો બંનેથી સરખું અંતર જાળવવાનું છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની વાતો પ્રથમ દૃષ્ટિએ યોગ્ય લાગે, પણ એમ થવું જોઈએ કે સુપ્રીમ કે સંસદ એકબીજાની સ્પર્ધામાં ન રહેતાં, એકબીજાનાં પૂરક રહે. થોડા ઊંડા ઊતરીએ તો એટલું સમજાશે કે આખું બખડજંતર તમિલનાડુના રાજ્યપાલે બિલો દબાવી રાખ્યા તેથી થયું. તેમની સહી વગર પાછળથી જે બિલો સુપ્રીમે મંજૂર કર્યાં, તે રાજ્યપાલ પોતે સહી કરીને મંજૂર કરી શક્યા હોત. તે ન થયું એટલે રાજ્ય સરકારે સુપ્રીમનો દરવાજો ખટખટાવવો પડ્યો ને સુપ્રીમે રાજ્યપાલને કે રાષ્ટ્રપતિને માટે બિલ મંજૂરીની મુદ્દત નક્કી કરવી પડી. ધનખડ કહે છે તેમ લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સૌથી મહત્ત્વપૂર્ણ છે. એ મહત્ત્વપૂર્ણ છે, તો રાજ્ય સરકારોનું એવું મહત્ત્વ ખરું કે કેમ? રાજ્યપાલો બિલ રોકી રાખે ત્યારે રાજ્ય સરકારની સર્વોપરિતા કેમ પડદા પાછળ રહે છે? રાજ્યપાલ ચૂંટાયેલી સરકાર સાથે બોસની જેમ વર્તે તે ચાલે, પણ સુપ્રીમ બિલ મંજૂરીની અવધિ નક્કી કરે તો તે રાષ્ટ્રપતિને આદેશ આપ્યા જેવું લાગે. જો આ વાજબી નથી, તો રાજ્યપાલ બોસ બનીને વર્તે તે પણ યોગ્ય નથી. જે વાત ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ માટે કહે છે, એ જ વાત રાજ્યપાલોને પણ લાગુ પડે છે એ ભૂલવા જેવું નથી. 

બંધારણની બાબતમાં રાષ્ટ્રપતિ પણ સુપ્રીમની સલાહ લઈ શકે છે. આ જોગવાઈ જ સૂચવે છે કે સુપ્રીમનું શું ને કેવું મહત્ત્વ છે?     

રાજ્યસભાના સાંસદ અને સિનિયર વકીલ કપિલ સિબ્બલે ધનખડને રોકડું પૂછ્યું કે તેમને એ ખબર છે કે બંધારણની કલમ 142 સુપ્રીમને સંપૂર્ણ ન્યાય કરવાની સત્તા આપે છે? કલમ 142 હેઠળ સુપ્રીમને ‘સંપૂર્ણ સત્તા’ એટલે આપવામાં આવી છે કે કાયદાની જોગવાઇઓ પર્યાપ્ત ન લાગતી હોય કે અસ્પષ્ટ હોય તેવી સ્થિતિમાં ન્યાય સુનિશ્ચિત કરી શકાય. ખુદ બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરે કલમ 142ને ‘સેફટી વાલ્વ’ કહી છે. સુપ્રીમના વકીલ અને બંધારણીય નિષ્ણાત વિરાગ ગુપ્તાનું કહેવું છે કે સંસદ કરતાં પણ બંધારણ ભારતમાં સર્વોચ્ચ છે. એ હિસાબે તો રાષ્ટ્રપતિ પણ બંધારણથી પર નથી કે ઉપર નથી. રાષ્ટ્રપતિ જરૂર પડ્યે સુપ્રીમની સલાહ લઈ શકે એમ જો બંધારણ સૂચવતું હોય તો એનો અર્થ એ થાય કે રાષ્ટ્રપતિને કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટ નિર્દેશ કે આદેશ આપી શકે છે. 

એનો અર્થ એવો પણ નથી કે સુપ્રીમના નિર્ણયો ઉલ્ટાવી ન શકાય. સુપ્રીમના નિર્ણયમાં કોઈ મોટી બંધારણીય ક્ષતિ રહી ગઈ હોય તો નિર્ણયની ફેર વિચારણા માટે સુપ્રીમમાં સમીક્ષા અરજી કરી શકાય. સાવ વિરોધી ચુકાદાઓ આવે એ સંજોગોમાં મોટી બેન્ચની રચનાથી નિર્ણય લઈ શકાય. જેમ કે, એક કેસમાં બે નિર્ણયો એક બીજાથી વિરુદ્ધ આવે છે, તો ત્રણ ન્યાયાધીશોની મોટી બેન્ચ દ્વારા ઘટતો નિર્ણય કરી શકાય. 

જ્યુડિશિયરીની ક્ષમતા અંગે એક જ ઉદાહરણ પૂરતું થઈ પડશે. 1975માં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ચૂંટણી કરાવી અને જીત્યાં પણ ખરાં. તે વખતે ન્યાયાધીશ ક્રિશ્નન ઐય્યર હતા. તેમણે એ ચૂંટણીને ગેરલાયક ઠેરવી, એટલું જ નહીં, વડાં પ્રધાન પદેથી ઇન્દિરા ગાંધીને હટાવ્યાં પણ ખરાં.

સુપ્રીમની ક્ષમતા વિષે આથી વધારે કૈં કહેવાની જરૂર છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઍપ્રિલ 2025

Loading

...102030...393394395396...400410420...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved