Opinion Magazine
Number of visits: 9843420
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી અને મહિલાઓ 

નારાયણભાઈ દેસાઈ|Gandhiana|21 March 2025

નારાયણ દેસાઈ

ગાંધીજી કહેતા : “હું માનું છું કે આત્મબલિદાનની હિમ્મત દાખવવામાં કોઈપણ પ્રસંગે પુરુષ કરતાં મહિલા ચઢિયાતી સિદ્ધ થાય છે. અને હું માનું છું કે ઝનૂની તાકાત દાખવવામાં મહિલા કરતાં પુરુષ ચઢિયાતો સિદ્ધ થાય છે.”

આ શ્રદ્ધાથી જ અહિંસક ચળવળમાં મહિલાઓને સામેલ કરવાની ગાંધીની વ્યૂહરચના ઘડાઈ હતી અને આ વ્યૂહરચના જ દેશમાં જાગૃતિનું મોજું ઊભું કરવાનાં પરિબળમાં રૂપાંતરિત થઈ હતી. આવી ભૂમિકા ભારતમાં કોઈ પરિબળે ક્યારે ય ભજવી નહોતી. ભારત માટે મહિલામુક્તિની ગાંધીશૈલી તેમને સ્વાતંત્ર્ય ચળવળમાં પુરુષોની સમાનધર્મા સહચરી ગણીને સામેલ કરવાની હતી. દેશના ગૌરવના પુનઃસ્થાપનાનાં કામમાં સામેલ થવાનું કહેતી વખતે ગાંધીને મન સ્વાભાવિક જ મહિલાઓની ગરિમાની પુનઃસ્થાપના કરવાનું પણ અભિપ્રેત હતું.

આઝાદીના અહિંસક આંદોલનમાં ત્રણ મોટાં મોજાં આવ્યાં, જેણે પ્રજાના વિશાળ સમૂહોને પ્રભાવિત કર્યા. 1919થી 1921ના અસહકાર આંદોલને જનપ્રતિનિધિઓ, વકીલો અને કેટલાક બુદ્ધિજીવીઓને સામેલ કર્યા. ઇતિહાસમાં પ્રથમ વાર ભણેલગણેલ વર્ગે તેમનો ભય ખંખેરી નાખ્યો. ને કોર્ટે ફરમાવેલ સજાઓ વહોરી લીધી. જેલગમન, એ બીવા જેવી બિના રહી નહિ. 1930થી 1932 દરમિયાન આવેલું બીજું મોજું સવિનય કાનૂનભંગનું હતું, જેમાં ભારતની મહિલાઓ હજારોની સંખ્યામાં બહાર પડીને જાહેર આંદોલનમાં સક્રિય થઈ. 1942માં ‘ભારત છોડો’ આંદોલને યુવાનો, કિશોરો અને કેટલાંક બાળકો સુદ્ધાંને આવા જાહેર આંદોલનમાં સામેલ કર્યાં. પ્રથમ મોજાએ જેલનો ભય દૂર કર્યો, બીજાએ લાઠીમાર ને ઉત્પીડનનો ભય દૂર કર્યો, તો ત્રીજાએ ગોળીબાર ને મૃત્યુનો ભય ખંખેરી નાંખ્યો. એ બીજું મોજું હતું જેમાં મહિલાઓએ સૌથી વધુ સંખ્યામાં ભાગ લીધો અને આ મોજાંને કારણે જ ભારતીય મહિલાઓના મનમાં જાગૃતિની તીવ્ર લાગણીએ પ્રવેશ કર્યો. 

જ્યાં સુધી ગાંધીને નિસબત છે, જેલગમન એ એમના માટે પુરુષો અને સ્ત્રીઓ દ્વારા સંયુક્ત રીતે ચાલતું યજ્ઞકાર્ય હતું. જાન્યુઆરી, 1922માં એમણે લખ્યું : “મારે મહિલાઓને જેલમાં જવાની સલાહ આપવી જોઈએ શું ? મને લાગે છે કે હું અન્યથા નહિ વર્તી શકું. જો હું તેઓને એમ કરવા પ્રોત્સાહિત નહિ કરું તો એ તેઓ પરની મારી શ્રદ્ધા પર શંકા કરશે. આ યજ્ઞ મહિલાઓની હિસ્સેદારી વિના અપૂર્ણ જ રહેશે.”

ભારતમાં મહિલાઓના ગૌરવનું પુનઃસ્થાપન કરનાર શ્રેષ્ઠ માનવી ગાંધી હતા. એ પુનઃસ્થાપન કેવળ રાજકારણના જાહેર ક્ષેત્રમાં જ નહોતું, બલકે આશ્રમમાંના સામુદાયિક જીવનવ્યવહારમાં પણ એમ જ હતું. પુરુષો સાથે પ્રત્યેક પ્રવૃત્તિમાં સમાન રીતે મહિલાઓ સહભાગી થતી. આશ્રમમાં એક જવાબદારી એવી હતી જેને સ્વીકારવા પુરુષો બહુ ઇચ્છુક ન હતા. એ હતી આશ્રમના મહાભંડારની, જેમાં ઘણી કડાકૂટવાળા હિસાબી ખાતાંઓની જાળવણી કરવાની અને જુદાજુદા મિજાજના લોકો સાથે પનારો પાડવાનું રહેતું. આ બાબત બાપુના ધ્યાન પર લાવવામાં આવી : ‘બાપુ, કોઈ પણ આ કોઠારની જવાબદારી લેવા તૈયાર થતું નથી.”

“જો એમ વાત હોય તો,” ગાંધીજીનું માથું ઠણક્યું, “તો પછી એ અંગેની સંપૂર્ણ જવાબદારી મહિલાઓને કેમ ન આપીએ? મને ખાતરી છે કે અન્યથા પુરુષો દ્વારા નહિ થઈ શકતાં કામોની વ્યવસ્થા તેઓ સારી રીતે કરી શકશે.”

મારી માતાને આ સાંભળી જુસ્સો આવ્યો. અને મહિનાના અંતે હિસાબમાં કોઈ પણ જાતની તકલીફ વિના મહિલાઓ કોઠારનું સફળ સંચાલન કરી શકી ત્યારે એમને એનો ગર્વ પણ થયો. 

•••

ગાંધીજીના પોતાની પત્ની પરત્વેના વલણ વિશે વારંવાર પ્રશ્ન ઉઠાવાતો રહે છે. ખણખોદિયાઓ દ્વારા હંમેશાં એક ઉદાહરણ અપાય છે, જે ગાંધીજીએ ખુદે જ પોતાની આત્મકથામાં વર્ણવ્યું છે. ગાંધીજીએ એમાં કબૂલેલું કે એક વાર દક્ષિણ આફ્રિકામાં કસ્તૂરબાએ એક કહેવાતી નિમ્ન જાતિના કારકુનનું  શૌચપાત્ર સાફ કરવાનો ઈન્‌કાર કર્યો હતો. ત્યારે ગાંધીજીએ બળ વાપરીને તેમને ઘરની બહાર ધકેલી દેવા પ્રયાસ કરેલો. ગાંધીએ પોતે આ ઘટનાનું એવું તાદૃશ વર્ણન કરેલું છે કે ગાંધીને ઠમઠોરવા માટે ટીકાકારોને હાથવગું સાધન મળી ગયું છે. ગાંધીજી આત્મકથાની પારદર્શિતા એમની વિરુદ્ધ વપરાઈ છે. આ બનાવને ગાંધીએ ગુનાની લાગણી, સત્યનિષ્ઠા અને નમ્રતા સાથે વર્ણવીને અમર બનાવ્યો છે. પણ આ બનાવમાં સુધ્ધાં એનો અંત ઉવેખી શકાય એમ નથી. કસ્તૂરબાના રોષપૂર્ણ ટોણા પછીથી પોતાની જાત પરત્વે શરમાઈ જઈને અંતે તો ગાંધીજીએ તો પસ્તાવો વ્યકત કરી બાની માફી માગી હતી. ગાંધીજીમાં પેલો સામાજિક સુધારક પડેલો હતો જે પોતાની પત્ની પણ સુધારાના પોતાના જોસ્સામાં ભાગ લે એવી અપેક્ષા રાખતો હતો. પણ એ કટોકટીની પળે પોતાના પતિને ઠપકો આપી શકવાનું સ્વાતંત્ર્ય પણ કસ્તૂરબાને હતું. અને અલબત્ત, પત્નીના એ દર્દભર્યા ઠપકા સાંભળીને ગાંધીજીએ કસ્તૂરબાની માફી પણ માગી હતી. આ બનાવને ગાંધીના ટીકાકારોએ માત્ર અડધો જ જોયો હતો, પૂરો જોયો હોત તો ટીકાને અવકાશ જ ક્યાં હતો ?

ગાંધીજીના પત્ની તરફના વલણ અંગે વિચારણા કરતી વેળા પોતાનાં પ્રિયજનોમાં ય પોતાના જેવો જ સુધારો લાવવાની ગાંધીજી ધગશ અંગેની વાત ઉવેખવા જેવી નથી.

મોહન અને કસ્તૂરીનાં લગ્ન જ્યારે તેઓ બાળક હતાં ત્યારે થયેલાં. મોહનને ધણીપણા અંગેના પોતાના ખ્યાલો હોવા છતાં ય એમનાથી થોડા મહિના જ મોટી કસ્તૂરીએ પોતાને અન્યાયી જણાતા હુકમો કદાપિ સ્વીકાર્યા નહોતા. ગાંધીજીએ ઉચ્ચ શિક્ષણ લીધું હતું, જ્યારે કસ્તૂરબા માત્ર થોડુંઘણું અક્ષરજ્ઞાન ધરાવતાં હતાં. ગાંધીનું સદા વિકસતું એવું વ્યક્તિત્વ હતું; અને આવી વ્યક્તિની પત્ની હોવું એ કસ્તૂરબા માટે સરળ સહેલગાહ નહિ જ હોય. પરંતુ, ગાંધીજીના જીવનમાં મહત્ત્વનાં ફેરફારના પ્રત્યેક તબક્કે બા એમની સાથે રહ્યાં. કસ્તૂરબાના જમાપક્ષે એ પણ કહેવું જ પડે કે તેઓ સુધ્ધાં ગાંધીસંગે ઘણાં જ આગળ વધ્યાં. એક સામાન્ય ગૃહિણીમાંથી તેઓ ન કેવળ હિન્દના સૌથી વધુ લોકપ્રિય નેતાનાં પત્ની તરીકે વિકસ્યાં, બલકે પોતાની નિજી હેસિયતમાં સ્વાતંત્ર્યજંગનાં આગેવાન પણ બની રહ્યાં. બંને રીતે આ શક્ય બન્યું, કેમ કે તેઓ પોતે વિકાસ પ્રત્યે અનુકૂલન સાધી શક્યાં અને ગાંધીજી તેમની સાથે નિરંતર પોતાનાં મંતવ્યો અને કાર્યો વહેંચતા રહ્યા. આમ એક સત્તાધારી બાળક પતિમાંથી તેઓ કસ્તૂરબાના પ્રશંસક બન્યા હતા.

•••

સ્ત્રીઓ અને પુરુષોને એક સમાન સન્માન આપવાનું ગાંધીજીનું વલણ એમની એ મૂળભૂત ફિલસૂફી પર આધારિત હતું, કે ભલે સ્ત્રી અને પુરુષ શારીરિક રીતે અલગ હોય, પણ એમનો આત્મા તો સરખો જ છે.

1932માં એમણે મારાં માસી લીલાવતીને (સ્વાતંત્ર્યસેનાની લીલાવતી આશર) એક પત્રમાં લખેલું : ‘પ્રભુ સમક્ષ પુરુષ અને સ્ત્રી એવું જુદાપણું પોતાનો તમામ અર્થ ગુમાવી દે છે. પુરુષ અને સ્ત્રીના શરીરમાં સમાન આત્મા વસે છે.’

વૈદિક સંસ્કૃતિ મુજબ આત્માને ધર્મ, વર્ણ, જાતિ યા દેશના ભેદભાવો અસર કરતા નથી. આ મૂળભૂત માન્યતાને કારણે મુંબઈમાં સ્ત્રી સંમેલનને સંબોધતાં ઠેઠ 1918માં ગાંધીજીએ કહેલું : ‘સ્ત્રી, એ પુરુષને સમાન માનસિક ક્ષમતા સાથે મળેલી સહચરી છે. એને પુરુષની પ્રવૃત્તિઓમાં અત્યંત સૂક્ષ્મ વિગતે ભાગ લેવાનો અધિકાર છે. એને પુરુષ સાથે સ્વાતંત્ર્ય અને મુક્તિનો ય સમાન અધિકાર છે.’

ગાંધીજી માનતા કે પ્રત્યેક માનવઅસ્તિત્વને એક જ આત્મા હોય છે જે સ્ત્રી-પુરુષ જેવા ભેદોથી પર છે. કિન્તુ તેઓ એમ પણ માનતા કે પ્રત્યેક વ્યક્તિમાં — પુરુષ અને સ્ત્રી બંનેના કેટલાક ગુણો હોય છે. સંપૂર્ણ વ્યક્તિ બનવા પુરુષે કેટલાક સ્ત્રીઓના ગુણો વિકસાવવા જોઈએ તો સ્ત્રીએ પુરુષોના કેટલાક ગુણો વિકસાવવા જોઈએ. તેઓ માનતા કે તેમના સંપર્કમાં આવતી સેંકડો સ્ત્રીઓ તેમનાથી ભય પામતી નહોતી કારણ કે પોતાના સમગ્ર જીવન દરમિયાન તેઓ પોતાનામાં સ્ત્રૈણ ગુણો કેળવવા પ્રયત્નશીલ રહ્યા હતા.

તેઓ સ્ત્રીઓને બહાદુર બનવા પણ પ્રોત્સાહિત કરતા. તેઓ સ્ત્રીઓને માણસ તરીકે પૂર્ણ ગરિમા પ્રદાન કરતા. ગાંધીના આવા વર્તનને કારણે સ્ત્રીઓ પોતાના અંગત પ્રશ્નો યા સમાજની અન્ય સ્ત્રીઓની સમસ્યાઓ અંગે માર્ગદર્શન મેળવવા ગાંધી પાસે આવતી. આ સમસ્યાઓ પરત્વે ગાંધીજીના જવાબો છેવટે તો સ્ત્રીઓને તેમની નબળાઈ છોડી બહાદુર બનાવવાના લક્ષ્ય પર જ આધારિત હતા. તેઓ કહેતા : “તમારા નિજી ધખારાઓ અને કપોળ કલ્પનાઓના ગુલામ બનવાનું અને પુરુષોના ગુલામ બનવાનું છોડો … તમે જો તમારી મહેક પ્રસરાવવા ઇચ્છો તો એ માટેનું અત્તર તમારા હૃદયમાંથી પ્રગટવું જોઈએ. આમ થશે તો તમે માત્ર માનવને જ નહિ બલકે માનવતાને ય ઉજાગર કરી શકશો. એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. મનુષ્ય સ્ત્રી થકી જન્મ્યો છે. પુરુષ સ્ત્રીના જ હાડમાંસ થકી બનેલું માળખું છે.”

બળાત્કાર બાબતના સવાલો ગાંધીને હંમેશાં પૂછાતા. ગાંધી માનતા બળાત્કારનો ભોગ બનતી વ્યક્તિએ સમાજ વિચારે છે તેવું કોઈ પાપ કર્યું નથી. બળાત્કારના પાશવી કૃત્ય દ્વારા આત્માની શુચિતા પ્રદૂષિત થતી નથી. જો કે તેઓ, સ્ત્રીને પોતાની જાતના રક્ષણ માટે હિંસા કરવાનું પણ ક્ષમ્ય ગણતા. વળી, તેમણે અનિચ્છુક પત્ની ઉપર પતિ દ્વારા કરાતા બળાત્કાર અંગે ય વિચારણા કરેલી. આવી પત્નીઓને તેમણે પોતાના પતિરાજો સાથે અસહકાર આદરવાની સલાહ આપી, જરૂર જણાય તો પતિથી અલગ રહેવા સુધીનું પગલું ભરવા પણ કહેલું. ગાંધીજી આદર્શવાદી હતા, તેમ છતાં એમણે વાસ્તવિકતાને નજરઅંદાજ કરી નથી. 01-3-1942ના ‘હરિજન’ના અંકમાં પ્રગટેલું નીચેનું લખાણ વાચકને ગાંધીના વ્યવહારુ આદર્શવાદ અંગેનો થોડો ખ્યાલ આપશે :

“જ્યારે સ્ત્રીની ઉપર હુમલો થાય ત્યારે એ હિંસા યા અહિંસાની વ્યાખ્યા વિચારવા થોભી નહિ શકે. એની પ્રથમ ફરજ સ્વરક્ષાની છે.”

[‘મારા ગાંધી’]
19-20-21 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 259-260-261

Loading

‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ … કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’

વિરાગ સૂતરિયા|Opinion - Opinion|20 March 2025

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ; 

કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ;                                           

                                                — ઝવેરચંદ મેઘાણી

વિરાગ સૂતરિયા

19 – 20 માર્ચ 1927, મહાડ, મહારાષ્ટ્ર … આ દિવસોમાં માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર માનવજાતિના ઇતિહાસમાં કાયમી સ્થાન પામે એવી “ચવદાર” તળાવ સત્યાગ્રહની ઘટના બની. વિશ્વ ઇતિહાસના તમામ સત્યાગ્રહોમાં આ સત્યાગ્રહ અનોખો એટલા માટે કે, વિશ્વમાં કોઇ જગ્યાએ ક્યારે ય પણ જીવતા – જાગતા માનવીઓએ એક તળાવનાં પાણીને સ્પર્શ કરવા માટે સત્યાગ્રહ કરવો પડ્યો હોય, એવી ઘટના માત્ર અને માત્ર આપણા દેશમાં બની. કૂતરાં – બીલાડાં જેવાં પ્રાણીઓ તળાવનું પાણી પી શકે, પણ ભારતમાં જન્મેલા હજારો વર્ષોથી અસ્પૃશ્યતાની અમાનવીય પરંપરામાં સબડતા જો દલિતો એ પાણીને સ્પર્શે તો સ્પર્શ માત્રથી પાણી અભડાઇ જાય !!!!

કોલાબા જિલ્લાના મહાડમાં દલિતોને પાણી પીવાની કોઇ વ્યવસ્થા નહોતી, આ વાત બાબાસાહેબના ધ્યાન પર હતી. એ વિષયની ફરિયાદો ઘણીવાર એમના સાંભળવામાં આવી હતી. એટલે ‘ચવદાર’ તળાવમાંથી દલિતો પાણી ‘પી’ શકે એટલા માટે સંવાદ કરવાનું અને જો એનાથી સફળતા ના મળે તો સત્યાગ્રહ કરીને પણ અધિકાર મેળવવાનું બાબાસાહેબ અને એમના સાથીઓએ નક્કી કર્યું હતું.

1927ની 19-20 માર્ચે ‘બહિષ્કૃત પરિષદ’નું બે દિવસીય સંમેલન મહાડમાં બોલાવવાનું નક્કી થયું. બાબાસાહેબ, સુરબા ટીપણીસ, સૂબેદાર સવાદકર, અને અનંતરાવ ચિત્રે સંમેલન માટે તૈયાર થયા. કાર્યકર્તાઓએ સંમેલનની સફળતા માટે રાતદિવસ મહેનત કરી, પત્રિકાઓ વહેંચી, ગામેગામ ફરીને, બે મહિના સુધી પ્રચાર કર્યો. જેના પરિણામે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં સેંકડો ગામોમાંથી હજારોની સંખ્યામાં ગરીબ દલિતો પગપાળા, તો કેટલાક ગાડાંમાં બેસીને, સંમેલનના સ્થળે પહોંચ્યા હતા. સ્ત્રીઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો સૌ કોઇ પોતાના ‘માનવ’ હોવાનો અધિકાર મેળવવા ‘મહાડ’ પહોંચ્યા હતા. કેટલાક સાથે રોટલો-ચટણી તો કેટલાક સીધુ લાવેલા. આવેલા તમામ ઉત્સાહથી છલકાતા હતા. સૌને લાગતું હતું કે સદીઓથી જે અવ્યવસ્થા, અત્યાચાર, દમન, શોષણનો ભોગ બન્યા છીએ, એ હવે તૂટશે. સદીઓથી અમાનુષી અત્યાચારનો ભોગ બનેલ ચીંથરેહાલ દલિતોની આંખોમાં નવા પ્રભાતના સોનેરી કિરણની આશા હતી, એનો ઉલ્લાસ હતો. જ્યારે ઘણીવાર મનમાં રૂઢિવાદીઓ આખો કાર્યક્રમ છિન્નભિન્ન કરી દેશે એવો ડર પણ હતો.

મહાડમાં ત્યાંના ગ્રામદેવતા ‘વિરેશ્વર’નું મંદિર હતું. એના નામે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. એ વખતના કહેવાતા મુખ્ય રાજકીય પક્ષોના મંડપ જેવો મંડપ તો ક્યાંથી હોય?!!? આ મંડપ તો જાતે વાંસડા રોપી, ઉપર ઘાસ-પરાળ નાખીને બનાવેલો હતો. મહાડના ગ્રામજનો આ સંમેલન સફળ બને એવું ઇચ્છતા નહોતા. સંમેલનના સ્થળે પાણીની પણ તકલીફ હતી. આયોજકોએ ‘ચાલીસ રૂપિયા’ ભરીને સરકાર પાસેથી સંમેલન માટે પાણી મેળવ્યું હતું.

19 માર્ચે બપોરે, બાબાસાહેબ સંમેલન સ્થળે આવ્યા. સંમેલનમાં કેટલાક બિનદલિત આગેવાનો પણ હતા કે જેઓ માનતા કે અસ્પૃશ્યતા કલંક છે અને એ ભૂંસાવું જોઇએ. બાબાસાહેબે લગભગ બે કલાક સુધી સૌ સમક્ષ શિક્ષણ, કુરિવાજોમાંથી મુક્તિ, આત્મસન્માન, સ્વાવલંબન, ખેતી વગેરે જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો મૂક્યા. સંમેલનમાં હાજર બિનદલિતોએ પણ પોતાની વાત કરી. સંમેલનમાં બપોર પછી કાર્યકારિણી સમિતીની બેઠકે મંજૂર કરેલા 10 ઠરાવોનું વાચન કરી તેના પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા.

બીજા દિવસનો કાર્યક્રમ નક્કી કરવા માટે નગરપાલિકાના ગેસ્ટ હાઉસમાં બેઠક બોલાવવામાં આવી. સરકારે કરેલા નિર્ણયના અનુસંધાને મહાડ નગરપાલિકા દ્વારા પણ ‘સાર્વજનિક સ્થળો’ અસ્પૃશ્યો પણ ઉપયોગમાં લઇ શકશે, એવો ઠરાવ કર્યો હતો. પરંતુ, રૂઢિચુસ્તોનાં દબાણને લીધે એ ઠરાવ અમલમાં આવી શકતો નહોતો. આ બેઠકમાં બીજા દિવસે એટલે કે, 20 માર્ચના રોજ સામૂહિક રીતે તળાવ પર જઇને પાણી મેળવવાનો નિર્ણય કરવામાં આવ્યો. 20 માર્ચે સંમેલન ભરાયું, ત્યારે અનંતરાવ ચિત્રેએ ઘોષણા કરી કે, આપણે સૌ મહાડ નગરપાલિકાએ કરેલા ઠરાવના અમલીકરણ માટે ‘ચવદાર’ તળાવે જઇશું. બાબાસાહેબે સૌને વાકેફ કર્યા કે, આપણો વિરોધી વર્ગ આપણને ઉશ્કેરવા કેટલીય રીત-રસમો અજમાવશે. આપણે કોઇને અન્યાય કરવા નહીં પણ ન્યાય મેળવવા જઇએ છીએ. વિરોધીઓની ચાલમાં ફસાઇને ધાંધલ-ધમાલ અને અશાંતિ સર્જાશે તો આપણા હાથમાંથી બાજી સરી પડશે. વિરોધીઓને સફળતા મળશે. આપણે ‘ મારીશું નહીં અને માનીશું નહીં.’

સંમેલનમાં ભેગા થયેલા સૌ દલિતો સત્યાગ્રહ માટે તૈયાર થયા. આ જાહેરાતો જોઇને સંમેલનમાં જોડાયેલા બિનદલિત નેતાઓ ગભરાયા. હિંદુ ધર્મનું પાપ ધોઇ નાખવાની વાતો કરતા એ સૌ, ‘હજુ પરીક્ષા લેવાનો સમય આવ્યો નથી, લોકમત કેળવાયો નથી, આપણે ઉતાવળિયા પગલાંથી દૂર રહેવું જોઇએ, ઉતાવળિયું પગલું ના ભરવું જોઇએ’, વગેરે વાતો કરીને મંડપના પાછલે દરવાજેથી વિદાય થયા.

બાબાસાહેબના નેતૃત્વમાં 4,000 જેટલાં બાળકો, સ્ત્રીઓ, જવાનો અને વૃદ્ધો ચાર-ચારની હરોળમાં ચવદાર તરફ જવા નીકળ્યાં. મહારો વર્ષો સુધી લશ્કરમાં રહેલા, યુદ્ધો લડેલા હતા. એમણે કદમતાલ કરતા હોય એ રીતે કૂચ કરી, જેમને કદમતાલ નહોતું આવડતું એ પણ એમને અનુસર્યા. અને સૌ જે તળાવમાં અન્ય ધર્મીઓ પાણી પી શકે અને કૂતરાં બીલાડાં પણ પાણી પી શકે એ તળાવમાંથી માત્ર અસ્પૃશ્યો પાણીને અડી પણ જાય તો પાણી અભડાઇ જાય એ રૂઢિ, અત્યાચાર, શોષણ તોડવા આગળ વધ્યા. આખરે બાબસાહેબે તળાવમાંથી પાણીની અંજલી ભરી. અને સદીઓની પરંપરા તોડી. સૌ દલિતોને સદીઓની જંજીરો તૂટવાનો હર્ષ થયો. હર્ષના, વિજયના ઘોષ થયા. જે તળાવ બાજુ જવાની સદીઓથી હિંમત નહોતી થતી એ તળાવમાંથી સૌએ ખોબે ખોબા ભરીને પાણી પીધું. પાણીની મીઠાશ કરતાં એક કુચક્રના અંતનો, બેડી તોડવાનો, અન્યાય સામે માથું ઊંચકવાનો, ન્યાય માટે લડીને વિજય મેળવવાનો આનંદ વધુ હતો.

શાંતિપૂર્ણ ચાલતા આ સત્યાગ્રહથી અને તેની સાથે કટ્ટરપંથીઓના એકાધિકારનો અંત આવશે અને એમને પોતાનું આસન ડોલતું લાગતાં, પૂજારીએ ગામમાં દાંડી પીટાવી કે અસ્પૃશ્યો મંદિરમાં પ્રવેશવાના છે, આવી જાહેરાતથી કટ્ટરપંથીઓ, અસ્પૃશ્યો મંદિરને અભડાવે નહીં એટલા માટે લાકડીઓ – દંડાઓ લઇને મંદિરમાં જમા થઇ ગયા. ડો. આંબેડકર અને સ્થાનિક ફોજદારની સમજાવટની કોઇ અસર ના થઇ. ધાર્મિક ટોળાએ “બહિષ્કૃત પરિષદ”ના ભોજન સ્થળ પર હુમલો કર્યો. અને ભોજન માટેના સામાનનો નાશ કર્યો. એકઠા થયેલા દલિતો પર હુમલાઓ કર્યા જેનાથી અસંખ્ય દલિતો ઘાયલ થયા. ખુદ ડો. આંબેડકરે પોતાના જીવની સલામતી માટે આખી રાત પોલીસ મથકે ગાળી. અને આ બધું મેજીસ્ટ્રેટની હાજરીમાં થયું કારણ કે તેણે કોઇ પગલાં  લીધાં નહોતાં ……

21 માર્ચ 1927 એટલે કે સત્યાગ્રહના બીજા દિવસે મહાડના સનાતનીઓએ તળાવનાં પાણીમાં પંચગવ્ય મેળવીને વૈદિક મંત્રોચ્ચારથી શુદ્ધ કર્યું કારણ કે, દલિતોએ તળાવ અભડાવેલું !!!!

આ સત્યાગ્રહ અલગ એ રીતે છે કે એમાં સદીઓથી કચડાયેલા લોકોએ સંગઠિત બની માત્ર પાણી લેવાનો જ નહીં, પણ પોતાના માનવીય અધિકારો માટે લડવાનો સામૂહિક “હું કાર” કરેલો. અને એના પછી જ ભારતમાં અસ્પૃશ્યતા જેવી અમાનવીય પ્રથા સામે સંઘર્ષની ચેતના વધુ પ્રબળ બની.

આજે “ચવદાર” તળાવ સત્યાગ્રહના 90 કરતાં પણ વધુ વર્ષો બાદ પણ અસ્પૃશ્યતાની બદીમાંથી સમાજ સંપૂર્ણ મુકત નથી બન્યો, એ બાબત પોતાની જાતને માણસ તરીકે ઓળખાવતા દરેક માટે શરમજનક છે.

e.mail : viragsutariya@gmail.com

Loading

પિતાની સેવા

કવિ દલપતરામ|Poetry|20 March 2025

છડો હું હતો છોકરો છેક છોટો,
પિતા પાળી પોષી મને કીધ મોટો.
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી,
કદી અંતરે રીસ આપે ન આણી;
કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો,
વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો;
ભલી વાતના ભેદ સીધા દીધાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

કદી કોટી કોટી સહી કષ્ટ કાયા,
મને છાતીમાં લૈ કરી છત્રાછાયા;
અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને દેખી અત્યંત આનંદ લેતા,
મુખે માગી વસ્તુ મને લાવી દેતા;
પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

વડા વાંકમાં આવું તો રાંક જાણી,
દીધો દંડ દેતાં દયા દિલ આણી;
તજી સ્નેહ દેહે ન દીધી પીડાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી,
તથા તુચ્છ જેવી બૂરી ટેવ ટાળી;
જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

લીધો લાવ ને લૈશ જે લાવ સારો,
ગણું ગુણ હું તાત તે તો તમારો,
સદા સુખ સારુ ઉપાયો સજ્યાજી
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને નિર્ખતા નેત્રામાં નીર લાવી,
લઈ દાબતા છાતી સાથે લગાવી;
મુખે બોલતા બોલ મીઠા મીઠાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

હતો બાળ હું આજ સુધી અજાણ્યો,
ઉરે આપનો ગુણ એકે ન આણ્યો;
હવે હું થયો જાણીતો આજ આ જી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

જગંનાથજી જીવતો રાખશે જો,
હયાતી તમારી અમારી હશે જો;
કરું સેવના દિલ સાચે સદાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી….

 

 

 

 

 

 

 

દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી

(૨૧ જાન્યુઆરી ૧૮૨૦ – ૨૫ માર્ચ ૧૮૯૮)

વાંચતા વાંચતા અનાયાસે ગવાઇ જતી ‘પિતાસ્તોત્ર’ જેવી ભાસતી, કવિ દલપતરામની ગુજરાતી ભાષાની પિતા વિશેની કદાચ આ પ્રથમ કવિતા હશે … જેને કોઈ પણ જાતનાં પિષ્ટપેષણની જરાયે જરૂર જણાતી નથી!

ભુજંગી છંદ(લગાગા લગાગા)ની ચાલમાં ચાલતી આ કવિતા મોટેથી ગણગણાવવાની વધુ મજા આવશે.

Loading

...102030...399400401402...410420430...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved