Opinion Magazine
Number of visits: 9843520
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જમ્મુ કાશ્મીર બળતું ઘરઃ ભારત સરકારની ચતુરાઈ અને પાકિસ્તાનની સરકારની લાચારી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 March 2025

ચિરંતના ભટ્ટ

જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ છે જેમાં જાનહાનિ પણ થઈ છે. થોડા વખત પહેલાં આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે એવું વિધાન કર્યું છે કે જો પાકિસ્તાન તેના કબજામાં રહેલા કાશ્મીરને છોડી દે તો કાશ્મીરનો આખેઆખો પ્રશ્ન જ ઉકેલાઈ જાય. વર્તમાન કેન્દ્ર સરકારને લાગે છે કે કલમ 370ને દૂર કરી જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખસેડી લેવાયો એ કાશ્મીરના મુદ્દાને ઉકેલવાનું પહેલું અને સૌથી અગત્યનું પગલું હતું. કાશ્મીરમાં ચૂંટણી પણ થઈ તો ત્યાં માળખાંકીય સવલતો પર પણ કામ ચાલી રહ્યું છે, વડા પ્રધાન જલદી જ કાશ્મીર પહોંચાડનારી ડાયરેક્ટ ટ્રેન સર્વિસનું ઉદ્ઘાટન કરવાના છે, આ પહેલાં પણ સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન થયું છે. ટૂંકમાં કાશ્મીરમાં એક સાથે ઘણું બધું થઈ રહ્યું છે. ત્યાં રાજકીય, સામાજિક અને આર્થિક સંજોગોમાં એક સાથે ફેરફાર આવી રહ્યા છે.

ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી લઈને અત્યાર સુધી કાશ્મીરને મામલે ભારત, પાકિસ્તાન વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરે છે અને એમાં ચીન ત્રીજો દાવેદાર છે. લાઇન ઑફ કન્ટ્રોલ 1971માં નિયત થઈ, પણ છતાં ય સરહદ પર સંઘર્ષ ચાલ્યા કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ 47 મુજબ કાશ્મીરીઓ ભારતનો ભાગ બનવા માગે છે કે પાકિસ્તાનનો તે નક્કી કરવા માટે લોકમત મેળવવાની જવાબદારી ભારતની છે પણ ભારતે એવું કંઇ કરવાની તસ્દી નથી લીધી. 2014માં ભારતમાં કેન્દ્રમાં ભા.જ.પા.ની સરકાર આવી અને ત્યારથી કાશ્મીરના સંજોગો પરિવર્તનના વાયરામાં વધુને વધુ સંવેદનશીલ બનતા રહ્યા છે. 

ચીને પહેલાં કરતાં પોતાનું વણલ સહેજ બદલ્યું છે કારણ કે પાકિસ્તાન સાથેની દોસ્તી વૈશ્વિક રાજકારણમાં નડતર બની શકે છે. તો ય ચીને  370ની નાબૂદીથી પોતાની પ્રાદેશિક માલિકીનો ભંગ થયો હોવાની વાત ભૂતકાળમાં કરી હતી જેને કારણે 2020માં સરહદ પર ભારત અને ચીન વચ્ચે 1975 પછી પહેલીવાર અથડામણ થઈ હતી. ભલે ભારત અને ચીને સરહદી અથડામણ ન કરવાની જાહેરાત કરી છે, પણ મામલો ગમે ત્યારે બિચકે તેમ છે. ભારત કાશ્મીરમાં જે પણ કરે છે તે જોઇને ચીનને તો એમ જ લાગે છે કે ભારત પોતાના પ્રદેશમાં ઘુસી રહ્યો છે. ચીન પોતાના ન્યુક્લિઅર શસ્ત્રોની ક્ષમતા વધારી રહ્યો છે. જો ચીન અને ભારત વચ્ચે સીધો સંઘર્ષ થાય તો પાકિસ્તાનને આખા કાશ્મીર પર કાબૂ કરી લેવાનો મોકો મળી જશે કારણ કે ભારત કાશ્મીર અને ચીન એમ બે મોરચા સાચવી શકે એવું શક્ય જ નહીં હોય.

જ્યારથી બંધારણના અનુચ્છેદ 370ને નાબૂદ કરાયો તેનાથી કાશ્મીરમાં રાજકીય અને સામાજિક હાલત ડહોળાઈ. પહેલાંનું રાજ્ય હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચાયું અને વહીવટ કેન્દ્ર પાસે ગયો. દાયકાઓ પછી પહેલીવાર ગયા વર્ષે ત્યાં વિધાનસભાની ચૂંટણી થઈ. જો કે ભા.જ.પા.ને અહીં સત્તા પર આવવું હતું તે અપેક્ષા ઠાલી નિવડી અને એ પક્ષ જે પહેલેથી જ અનુચ્છેદ 370ની નાબૂદીનો વિરોધી રહ્યો છે તેના હાથમાં સત્તા આવી. ભા.જ.પા.ને હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જીત મળી તો ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસને નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરી ભા.જ.પા. કરતાં વધુ બેઠકો મેળવી. હવે અહીં ચૂંટણી કરીને સરકાર ચૂંટાઈ આવી છે છતાં પણ પ્રદેશ પર કેન્દ્રનું નિયંત્રણ છે અને સ્થાનિક સરકારના હાથમાં મર્યાદિત સત્તા છે. 

અહીં પ્રશ્નો ઉકેલાયા નથી પણ પેચીદા બન્યા છે; જેમ કે પ્રવાસીઓ વધ્યા હોવાની વાત ઠોસ છે પણ આર્થિક અસમાનતા, બેરોજગારી જેવા પડકારો યથાવત્ છે. વળી ડોમેસાઈલ કાયદા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 15 વર્ષથી રહેનારી વ્યક્તિઓને ડોમેસાઈલ સ્ટેટસની અરજી કરવાની છૂટ મળે છે અને તે જમીન માલિક બની શકે તથા સરકારી નોકરી પણ મેળવી શકે – ઉપર છલ્લી રીતે યોગ્ય લાગતી આ નીતિનું સીધું પરિણામ આર્થિક વિસ્થાપન હોય તેવી પૂરી શક્યતા છે. જે લોકો ત્યાંના છે તેમની પાસે કામ નથી, અને જે લોકો માત્ર દોઢ દાયકાથી ત્યાં છે તેમને અધિકારો મળી રહ્યા છે.

ભારત સરકાર બહુ જ વ્યૂહાત્મક રીતે કાશ્મીરમાં એક પછી એક વિકાસના કાર્યો શરૂ કરી રહી છે. વિવાદો યથાવત્ હોવા છતાં આ યોજનાઓની જાહેરાત, ઉદ્ઘાટનો ભારત સરકારના વલણનો ચિતાર આપે છે. આ સારું છે કે ખોટું તેની ચર્ચા નથી પણ જોવાનું એ છે કે ભારત સરકાર ધીમી ગતિએ જમ્મુ કાશ્મીરમાં પકડ મજબૂત કરે છે અને તેમાં સામ-દામ-દંડ-ભેદની નીતિનો સુપેરે ઉપયોગ થઇ રહ્યો છે.

આ બધામાં પાકિસ્તાનની અકળામણ વધી ગઈ છે. તેના આંતરિક સંઘર્ષોનો અંત નથી અને ભારત ધીમા અને મક્કમ પગલે કાશ્મીરમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે. અત્યારે પાકિસ્તાનની કાશ્મીર અંગેની પ્રતિક્રિયામાં ઉશ્કેરાટ છે કારણ કે ઘર આંગણે તે અફરાતફરી છે તેનો નિવેડો પાકિસ્તાનને ચપટીભરમાં નથી મળવાનો. વડા પ્રધાન શેહબાઝ શરીફે કાશ્મીર સહિત ભારત સાથેના તમામ મુદ્દે વાટાઘાટ કરવાની તૈયારી બતાડી છે. કાશ્મીર એકતા દિવસ પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિધાનસભાના ખાસ સત્રમાં તેમણે ભારતને 2019ની ઘટનાઓથી આગળ વધીને અર્થપૂર્ણ સંવાદ સાધવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો. આ તરફ આપણા વિદેશ મંત્રીએ તો બિંધાસ્ત કહી દીધું છે કે પાકિસ્તાન જો પોતાના હિસ્સાનું કાશ્મીર જતું કરે તો કોઈ પ્રશ્નો રહેવાના જ નથી. પાકિસ્તાન બધી તરફથી કફોડી સ્થિતિમાં છે છતાં પણ ત્યાં સત્તાપક્ષનો દાવો છે કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ અનુસાર કાશ્મીરીઓના સ્વનિર્ણયના અધિકારને ટેકો આપે છે. આ રાજદ્વારી પ્રયત્નો એક તરફ પણ વાસ્તવિક્તા એ છે કે પાકિસ્તાનમાં રાજકીય અશાંતિ અને આર્થિક અસ્થિરતા તેની પરાકાષ્ઠાએ છે અને માટે જ કાશ્મીરને મામલે બીજું કંઇ પણ કરવું અત્યારે પાકિસ્તાન માટે શક્ય નથી. પાકિસ્તાનમાં સુરક્ષાના પ્રશ્નો છે તેમાં બહારના મુદ્દે નવો મોરચો ખોલવાની મૂર્ખામી કરવી પાકિસ્તાનને પોસાય એમ નથી અને એટલે જ ભારત કાશ્મીરમાં જે પણ કરી રહ્યો છે તે મામલે પાકિસ્તાનની પ્રતિક્રિયા પ્રમાણમાં મંદ છે.

આ ભૌગોલિક રાજકીય ફેરફારોને પગલે કાશ્મીરમાં ક્યાંક પણ અસંમતિનો અવાજ ઊઠે છે તો ભારત સરકાર તેને નાથવા આકરા પગલાં લઈ રહી છે. પ્રતિબંધિત સંસ્થાનો સાથે સંકળાયેલા લોકોએ લખેલાં પુસ્તકો જ્યાં વેચાય છે, તેવી દુકાનો પર દરોડા પડ્યા છે. ભા.જ.પા. સરકારને નેરેટિવ – કથાનક બદલવાની આદત છે. બદલી ન શકાય તો તેને નષ્ટ કરી દેવામાં પણ તેની હથોટી છે. ભા.જ.પા. સરકારને મતે જે લોકો રાષ્ટ્રીય હિતોના વિરોધી છે તેમનો અવાજ અટકી જાય તે જરૂરી છે તો જ તેઓ ધાર્યું કરી શકશે. ટીકાકારોને મતે આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે અને જે કટ્ટરવાદી નથી તેવા અવાજોને નાથવાનો પ્રયાસ છે જે કાશ્મીરમાં તણાવ વધારી શકે છે. કાશ્મીરમાં મુસલમાનો બહુમતીમાં છે તો જમ્મુમાં હિંદુઓ બહુમતીમાં છે. કાશ્મીરી પંડિતોની વેદનાને ભા.જ.પા. લાંબા સમયથી રાજકીય મુદ્દાઓમાં ઈંધણ તરીકે વાપરી જ રહી છે જો કે તે માટે કાશ્મીરી પંડિતોએ જ તેમની ટીકા કરી છે.

અત્યારે કાશ્મીરમાં જે સતત પરિવર્તનશીલ પરિસ્થિતિ છે તેમાં ભારત બહુ વ્યૂહાત્મક પહેલ લઈ રહ્યો છે અને પાકિસ્તાન પણ પોતાનાથી બનતું કરવાનો પ્રયાસ તો કરે છે, પણ ત્યાં તો તેમના પોતાના જ પ્રશ્નો બહુ મોટા છે એટલે અત્યારે કાશ્મીર તેમની પ્રાથમિકતા ન હોય તે સ્વાભાવિક છે. ભારતના માળખાંકીય વિકાસ અને રાજકીય દાવપેચનો હેતુ સ્પષ્ટ છે – તેઓ કાશ્મીરીઓનો વિશ્વાસ જીતવા તો માગે છે પણ સાથે સાથે અહીં શાંતિ સ્થપાય તે માટે પ્રયત્નશીલ છે. જો કે બીજી તરફ મુક્ત વિચારોને નાથવાના કેન્દ્ર સરકારના સીધા કે આડકતરા  પ્રયાસો તેમના દેખીતી રીતે સારાં કામોનું મૂલ્ય ઘટાડશે. પાકિસ્તાનની તો હાલત એવી છે કે તે ધારે તો ય વાટાઘાટો કરવાની તેમની માગ વગેરે શાલીન અને રાજદ્વારી રાહે હશે તો ય તેની ધારી અસર થવાની નથી.

યુ.એન.એ 1948માં સૂચવેલા લોકમતને ભારત ગણકારતો નથી. 1947માં પાકિસ્તાનના આક્રમણના ડરના ઓથારમાં કાશ્મીર ભારતમાં ભળ્યું અને ભારતને ડર છે કે મુસ્લિમ બહુમતીને લીધે લોકમત પાકિસ્તાનમાં જોડાવા તરફ હશે, જેની અસર હિંદુ બહુમતી જમ્મુ પર પડશે. 1950ની ડિક્સન યોજનાની પુનઃવિચારણા કરી શકાય જેમાં જમ્મુ અને કાશ્મીરને અલગ સંસ્થાનો તરીક માન્યતા ન આપી માત્ર કાશ્મીર વેલી – ખીણ પ્રદેશ માટે જ લોકમતનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જુદું કરી દઈને બળજબરીથી થતું એકકીકરણ અટકાવી શકાય. આમ થાય તો ચીનની દખલને પણ મર્યાદિત કરી શકાય. જો કે રાજકીય પડકારો બહુ સંકુલ છે અને આ પ્રશ્નનો કોઈ તાત્કાલિક ઉકેલ દેખાતો નથી.

બાય ધી વેઃ 

આ શતરંજનો એવો ખેલ છે જેમાં એક ખેલાડી પોતાના અંગત સંજોગોને કારણે સરખું રમી શકે તેમ નથી, તો બીજો ખેલાડી વિકાસ અને સુરક્ષાની આડમાં પોતાની ચાલ ચાલી રહ્યો છે. નરેન્દ્ર મોદીનું નસીબ ચમકે અને પાકિસ્તાન (એવું આમ તો કોઈ કાળે થાય નહીં જ પણ આ તો એક કલ્પના) કહી દે કે ભાઈ સા’બ અમારે ત્યાં આમે ય બળતું ઘર છે, તમ તમારે જે કરવું હોય એ કરો, અમારે કંઇ ન જોઈએ તો માળું બગાસું ખાતા પતાસું મળ્યુંનો ઘાટ થાય. જો કે આ તો માત્ર કલ્પના છે. કાશ્મીરની હાલત સ્વાયત્તતા છતાં ગુલામ જેવી છે કારણ કે તે નિયંત્રણોમાં બંધાયેલો પ્રદેશ છે. એક તરફ વિકાસની ભેટ છે તો બીજી તરફ દરોડાના ચાબખા પણ છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે કાશ્મીરમાં ‘બાકી સબ ફર્સ્ટ ક્લાસ હૈ’ એવું બધાએ માની લેવું જોઇએ પણ અધિકારોનું હનન ક્યાં સુધી લોકોને માફક આવશે તે જોવું રહ્યું. જો કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ચીનની નજર મંડાયેલી છે એ પણ આપણે યાદ રાખવું પડશે. પોતાના સ્વાર્થ માટે ચીને પાકિસ્તાન સાથે સારી દોસ્તી કેળવી છે જે આપણે માટે જોખમી છે. આ સંજોગોમાં લોકશાહી, માનવાધિકાર જેવા પાસાંને ગણતરીમાં લેવાય તો કદાચ ભારત સરકારને ટેકો મળે.  

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 માર્ચ 2025

Loading

વિનોદ કુમાર શુક્લાને જ્ઞાનપીઠ; સાથે ચાલવાનું જાણતો એક અદનો કવિ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 March 2025

રાજ ગોસ્વામી

દેશનો સૌથી સર્વોચ્ચ અને સૌથી જૂનું સાહિત્યિક સન્માન ‘જ્ઞાનપીઠ’ આ વર્ષે જેમને મળ્યું છે તે હિન્દીના કવિ-કથાકાર વિનોદ કુમાર શુક્લા જાણવા જેવા સર્જક છે. વિનોદ કુમાર શુક્લા આ પુરસ્કાર મેળવનારા હિન્દીના 12મા લેખક અને છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ છે. તેમની મુખ્ય નવલકથાઓમાં ‘નૌકરી કી કમીઝ’, ‘દિવાર મેં એક ખીડકી રહેતી થી’ અને ‘ખિલેગા તો દેખેંગે’નો સમાવેશ થાય છે.

આ પુરસ્કાર વિનોદ કુમાર શુક્લાને તેમની નવલકથા ‘નૌકરી કી કમીઝ’ માટે આપવામાં આવ્યો છે. આ વાર્તા પરથી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિ કૌલે 1999માં એ જ નામની ફિલ્મ બનાવી હતી. તેમની લોકપ્રિય વાર્તા ‘આદમી કી ઔરત’ પર અમિત દત્તાએ ફિલ્મ બનાવી હતી, જેને 66મા વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ (2009)માં સ્પેશિયલ ઇવેન્ટ એવોર્ડ મળ્યો હતો. 

તેમની નવલકથા ‘દિવાર મેં એક ખીડકી રહેતી થી’ને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેને મોહન મહર્ષિ નામના નાટ્ય નિર્દેશક દ્વારા નાટકમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.

શુક્લાએ સાહિત્યની તમામ પરંપરાઓને તોડીને સંપૂર્ણપણે એક અલગ જ વ્યાકરણની રચના કરી છે. 88 વર્ષના શુક્લાએ 65 વર્ષથી નિયમિત સાહિત્યિક અભ્યાસમાં સક્રિય રહીને જાતને અજોડ બનાવી છે. તેઓ દિવસમાં પાંચ-સાત કલાક અને રાત્રે બે કે ત્રણ કલાક વાંચે છે અને લખે છે. આંખો નબળી છે એટલે વાર્તાઓ અને કવિતાઓને તેમની પત્ની અને પુત્ર શાશ્વતને બોલીને લખાવે છે. તેમણે એકવાર કહ્યું હતું, ‘હું મારા લેખનથી મારી જિંદગીનો પીછો કરવા ઈચ્છું છું.’

વિનોદ કુમાર શુક્લા

તેમને બાળપણમાં જ સાહિત્યિક વાતાવરણ મળ્યું હતું. ‘માધુરી’ અને અન્ય સાહિત્યિક સામયિકો ઘરે આવતાં હતાં. તેમના પિતરાઈ ભાઈ સરસ કવિતા લખતા હતા. તેમણે વિનોદજીને એક નોટબૂક આપીને કહ્યું હતું કે અહીં-ત્યાં કાગળ પર ના લખતો, આના પર લખજે. ભાઈએ તેની પત્નીનાં ઘરેણાં વેચીને એક કવિતા સંગ્રહ પ્રકાશિત કર્યો. 

વિનોદજીની માતા વાંચનની શોખીન હતી. એકવાર તેમની પાસે બે રૂપિયાના સિક્કા જમા થઇ ગયા હતા. તેમણે માતાને પૂછ્યું હતું કે તેનું શું કરું. માતાએ કહ્યું હતું કે કોઈ સરસ પુસ્તક ખરીદજે. સરસ એટલે કેવું? માતાએ બંગાળી સર્જકો શરતચંદ્ર, બંકિમચંદ્ર, રવીન્દ્રનાથ ટાગોરનું નામ આપ્યું.

વિનોદજી એ પૈસામાંથી શરતચંદ્રની નવલકથા ‘વિજયા’ ખરીદી. તેમાં એક એવી યુવતીની વાર્તા હતી, જે તેના પિતાની જમીનદારીની માલકણ હોવા છતાં પિતાના મિત્ર અને તેના પુત્રના હાથે કથાપૂતળી બની જાય છે. વિનોદજીનું એ પહેલું પુસ્તક હતું. તેમની માતા તેમને કહેતી હતી કે જ્યારે પણ કશું લખે ત્યારે દુનિયાનું શ્રેષ્ઠ પુસ્તક વાંચીને લખજે. 

તેઓ કવિતા કરતા થયા ત્યારે, મોટા ભાગના નવોદિત કવિઓ સાથે બને છે તેમ, તેમની કવિતામાં બીજા પ્રસિદ્ધ કવિઓની નકલ આવી જતી. એકવાર તેમની કવિતામાં ભવાની પ્રસાદ મિશ્ર નામના જાણીતા હિન્દી કવિની એક પંક્તિ ‘મૈં ગીત બેચતા હૂં’ આવી ગઈ. તેમના પિતરાઈ ભાઈ તેનાથી બહુ નારાજ થયા હતા.

પંદરેક વર્ષના વિનોદજીની મુશ્કેલી એ હતી કે તેમના દિમાગમાં બીજાઓની કવિતાઓ જડાઈ ગઈ હતી અને તેઓ મૌલિક લખી શકતા નહોતા. તેમણે માતાને પૂછ્યું કે શું કરું. માતાએ તેના રસોડાની કુશળતાનો આધાર લઈને જે જવાબ આપ્યો તે લાજવાબ હતો. તેણે કહ્યું;

‘જો, તું તારી ચાળણી બનાવ. આપણે ચા બનાવીએ છીએ ત્યારે ચાને ગાળીએ છીએ, લોટની ચાળણી હોય છે, મેદાની ચાળણી હોય છે, તેવી રીતે જુદી જુદી વસ્તુઓની ચાળણી હોય છે. તું પણ તારા લેખનની એક ચાળણી બનાવ, જેથી તારું લખેલું જ તારી પાસે રહે, બીજાનું તારી પાસે ન આવે.’

ત્યારથી લઈને આજ સુધી, તેમનું ફોકસ રોજિંદુ જીવન રહ્યું છે. તેઓ તેમના સર્જનમાં કલ્પનાની દુનિયામાં ફસાયા વિના આસપાસના જીવન અને સામાન્ય માણસ જોડાયેલા રહે છે. તેઓ દાયકાઓથી એકધારી રીતે સામાન્ય જીવનની વિડંબનાઓ, મુંઝવણો, વ્યથાઓ અને નારાજગીઓને ઊંડી સહાનુભૂતિ, સમજ અને સાહસ સાથે અભિવ્યક્ત કરતા રહ્યા છે.

અશોક વાજપેઈ નામના જાણીતા લેખક શુક્લાજીના સાહિત્ય અંગે કહે છે, ‘વિનોદની જેમ એક ‘અનાયક’(નોન-હીરો)ને તેમનો આજીવન અધિવક્તા બનાવ્યો હોય તેવા બીજા કોઈ ભારતીય લેખકને શોધવો અઘરો છે.

એક કવિતામાં તેઓ વિનમ્રતાથી કહે છે, ‘જો વૃક્ષ મારા ઘરે મળવા ન આવી શકે, તો હું મળવા માટે વૃક્ષ પાસે જાઉં છું.’ માત્ર ઝાડ જ નહીં, માણસોને પણ એ જ સંવેદનશીલતા સાથે મળે છે અને કહે છે, ‘જેઓ મારા ઘરે ક્યારે ય નહીં આવે, હું તેમને મળવા જઈશ.’ આ વિનમ્રતા અને સંવેદનશીલતા તેમ જ ભારતીય વ્યક્તિના સરળ જીવનનું સત્ય તેમના તમામ કાર્યોમાં વહેતું જોવા મળે છે. તેમની એક અતિ પ્રસિદ્ધ રચના વાંચવામાં જેટલી સરળ છે, સમજવામાં એટલી જ ગહન છે. તેઓ લખે છે;

હતાશ થઈને એક માણસ બેસી ગયો હતો

એ માણસને હું ઓળખતો નહોતો 

હું હતાશાને ઓળખતો હતો 

એટલે હું એની પાસે ગયો 

મેં હાથ લંબાવ્યો 

મારો હાથ પકડીને એ ઊભો થયો 

મને એ ઓળખતો નહોતો 

મારા હાથ લંબાવવાને તે જાણતો હતો 

અમે બંને સાથે ચાલવા લાગ્યા 

બંને એકબીજાને ઓળખતા નહોતા 

અમે સાથે ચાલવાનું જાણતા હતા.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અરાજકતાનો અર્થ જાણો છો?

રમેશ ઓઝા|Opinion - Opinion|30 March 2025

રમેશ ઓઝા

અરાજકતાનો અર્થ જાણો છો? મારી વાચકમિત્રોને ભલામણ છે કે આ લેખ આગળ વાંચતા પહેલાં અ-રાજકતાનો અર્થ જાણી લો. આ દેશમાં અને આ ધરતી પર તમે પણ એક ભાગીદાર છો, તમારો પણ ભલે નાનકડો પણ કોઈક સ્વાર્થ છે અને સૌથી વધુ તો તમે તમારાં સંતાનોને ભાગીદારીનો વારસો આપી જવાના છો. માટે પાયાની વાત સમજવા માટે થોડી તસ્દી લેવી જોઈએ. બાકી કોઈના ભજન ગાવા માટે તો આખી જિંદગી પડી છે. દિવસમાં માત્ર પંદર મિનિટ આંખ ખોલવાનું સાહસ કરશો તો તમારું અને તમારા સંતાનોનું કલ્યાણ થશે.

અ-રાજકતા, અંગ્રેજીમાં anarchyનો અર્થ છે : રાજનો અભાવ, શાસનહિનતા, અર્થાત કાયદાના રાજનો અભાવ, અર્થાત ન્યાયનો અભાવ, અર્થાત મારે એની ભેંસ, અર્થાત બળિયાના બે ભાગ, અર્થાત કોઈ પૂછનાર ન હોય, વગેરે. જ્યાં કાયદાપણું ન હોય, પણ માથાભારેપણું હોય. આનાં અનુભવજન્ય લક્ષણો જાણવા હોય તો ૧૯મી સદીમાં રિયાસતોની પ્રજાએ લખેલું સાહિત્ય વાંચવું જોઈએ. મહાત્મા ફૂલે, કવિ દલપતરામ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર વગેરેને વાંચવા જોઈએ. તેમણે અરાજકતાનો અનુભવ કર્યો હતો. આ ત્રણમાં એક શુદ્ર હતા, એક બ્રાહ્મણ હતા અને ત્રીજા કાયસ્થ જમીનદાર. અરાજકતાનો તાપ ત્રણેયે અનુભવ્યો હતો. તો આનો અર્થ એ થયો કે અરાજકતાનો અગ્નિ કોઈને ય છોડતો નથી. એની જ્વાળા નીચેથી ઉપર પહોંચે છે અને માટે એ ત્રણેયે અંગ્રેજી રાજનું સ્વાગત કર્યું હતું. એ સ્વાગત ધોળી ચામડીનું નહોતું, કાયદાના રાજનું હતું. હરખ હવે તું હિન્દુસ્તાન. દલપતરામે અંગ્રેજી શાસનનું હરખ પ્રગટ કરીને સ્વાગત કર્યું હતું. કલ્પના કરો કે અરાજકતા કેવી હશે!

સમાજમાં ક્યારે ય સંપૂર્ણ સમાનતા હોતી નથી. એટલે જે ઉપર હોય, વર્ચસ ધરાવતા હોય એ પોતાનું વર્ચસ જાળવી રાખવા માટે ઉધામા કરતા રહે છે. એ સ્થાપિત વ્યવસ્થા ન બદલાય, બીજો કોઈ આગળ ન આવે, આપણને કોઈ નુકસાન ન પહોંચાડે, આપણે કોઈને જવાબ આપવો ન પડે એ માટે આકાશપાતાળ એક કરતા હોય છે. આગળ જતાં જો કોઈ ટોકનાર ન હોય તો તેઓ શાસનવ્યવસ્થાને અને શાસકોને પોતાને અનુકૂળ આવે એ રીતે ખરીદી લેતા હોય છે. એમાંથી ભાગીદારીની ધરી રચાય. એ ધરી પ્રજાને નશામાં રાખવા માટે ધર્મ, દેશપ્રેમ, રાષ્ટ્રવાદ જેવા અસ્મિતાઓનો ઉપયોગ કરે. પણ આવું ત્યારે બને જ્યારે હમણાં કહ્યું એમ કોઈ ટોકનાર કે વારનાર ન હોય. દરેક સમાજમાં અને દરેક યુગમાં આવું બનતું હોય છે. સ્વાર્થ માનવપ્રવૃત્તિના કેન્દ્રમાં હોય છે અને જેનો સ્વાર્થ મોટો હોય એ પોતાનો સ્વાર્થ જળવાઈ રહે એ માટે દરેક પ્રકારના ખેલ ખેલતા રહે છે. રામરાજ્ય ક્યારે ય સાકાર ન થઈ શકે એવો પણ એ સાથે જ ક્યારે ય વિસરી ન શકાય એવો આદર્શ છે.

વ્યવસ્થામાં ક્ષતિ તો હોય અને હોવાની જ. સાચી અરાજકતા ત્યારે પેદા થાય જ્યારે કોઈ પ્રશ્ન પૂછનાર ન હોય. કોઈ ઊહાપોહ કરનાર ન હોય અને જો કોઈ હોય અને એવો પ્રયાસ કરે તો તેવા અવાજોને બંધ કરી દેવામાં આવતા હોય. બીજી બાજુ સાચી વાત લોકોના કાને ન પડે એ માટે ધર્મ જેવી અસ્મિતાઓને અને ઇતિહાસને લઈને ઘોંઘાટ પેદા કરવામાં આવે. બૂમબરાડા અને ચીસો. કાયદાનો અમલ કરતી સંસ્થાઓ પર કબજો કરવામાં આવે. અને એનાથી પણ આગળ? શિરમોરસમાન? ન્યાયતંત્રને ખતમ કરી નાખવામાં આવે અને ન્યાયધીશો ડરીને કે પછી વેચાઈને તેમાં સાથ આપે. આવું જ્યારે બને, અર્થાત અરાજકતાનાં દરેક લક્ષણ કોળાઇને ફૂલેફાલે ત્યારે એવા દેશને આજની રાજ્યશાસ્ત્રની પરિભાષામાં નિષ્ફળ રાજ (ફેઈલ્ડ સ્ટેટ) તરીકે ઓળખાવવામાં આવે છે. આપણી પડોશમાં અને જગત આખામાં આવા સો કરતાં વધુ દેશ છે. આ બધા દેશોની નિષ્ફળતાની યાત્રા પર જો એક નજર કરશો તો તેમાં એકસરખી સમાનતા નજર પડશે, પછી એ પાકિસ્તાન હોય કે ઉત્તર કોરિયા. કોઈ ફરક નહીં, એક જ પેટર્ન.

ભારત અત્યાર સુધી ફેઈલ્ડ સ્ટેટથી બચતું આવ્યું છે. એનાં ઘણાં લક્ષણો વરસોથી નજરે પડી રહ્યાં છે, પણ ચિંતા કરનારાઓ, ઊહાપોહ કરનારાઓ, રસ્તા પર ઉતરનારાઓ મોટી સંખ્યામાં હતા અને તેમના અવાજોને વાચા મળતી હતી. ટોકનારા અને વારનારા હતા. તેમને જેલમાં પૂરવામાં નહોતા આવતા. ઇ.ડી. અને સી.બી.આઈ.નો ઉપયોગ કરીને ત્રાસ આપવામાં નહોતો આવતો. મીડિયા ભ્રષ્ટ હતા એની ના નહીં, પણ સ્થાપિત હિતોનો વિરોધ કરનારાઓના અવાજોને દબાવી દેવાનું અને સ્થાપિત હિતોને અનુકૂળ આવે એવો ઘોંઘાટ પેદા કરવાનું કામ નહોતા કરતા. લોકતાંત્રિક સંસ્થાઓ નિર્બળ હતી, પણ શાસકો અને સ્થાપિત હિતોના ખિસ્સામાં નહોતી. સૌથી વધુ તો ન્યાયતંત્ર હજુ સાબૂત હતું. ઘણા એવા જજો હતા જે બંધારણને, ન્યાયને અને પોતાના અંતરાત્માને વફાદાર હતા. ટૂંકમાં આવી કેટલીક ચીજો હતી જે ભારતને ફેઈલ્ડ સ્ટેટ બનવાથી રોકતી હતી. જ્યારે પારકી છઠ્ઠીના જાગતલો, પ્રમાણિક અધિકારીઓ અને પ્રામાણિક જજો ખતમ થઈ જાય કે ખતમ કરી દેવામાં આવે અથવા તેમને સ્વતંત્રપણે બોલતા કે કામ કરતા રોકવામાં આવે અને પ્રજાનું ધ્યાન અન્યત્ર ભટકાવવા રાષ્ટ્રીય સ્તરે નિરર્થક વિતંડા થાય ત્યારે એ દેશને નિષ્ફળ બનતા કોઈ રોકી ન શકે.

ભક્તોને પાકિસ્તાન બહુ પસંદ છે. પાકિસ્તાનની નિષ્ફળતા જોઇને બહુ રાજી થાય છે. પાકિસ્તાન આ જ માર્ગે નિષ્ફળ ગયું કે તેણે બીજો કોઈ માર્ગ અપનાવ્યો હતો? ભક્તોમાં કોઈ વાંચવા વિચારવાની આવડત ધરાવતું હોય તો મારું માર્ગદર્શન કરે. પાકીસ્તાન આ માર્ગે નહીં પણ કોઈ  બીજો માર્ગ અપનાવ્યો હતો એટલે નિષ્ફળ ગયું એનાં પ્રમાણ આપે. ખાતરી કરી લો. ડીટ્ટો આ જ માર્ગ અપનાવ્યો હતો જે અત્યારે આપણે અનુસરી રહ્યા છીએ. કાનામાત્રનો પણ ફરક નથી.

તો કડવી હકીકત એ છે કે ભારત બહુ ઝડપથી નિષ્ફળ રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. દિલ્હીની વડી અદાલતના જજના ઘરમાંથી કરોડો રૂપિયા (પંદર દિવસથી કરોડો રૂપિયા કહેવામાં આવે છે, પણ રકમ કોઈ કહેતું નથી એટલે કલ્પના કરો કે એ કરોડો એટલે કેટલા કરોડ હશે!) રોકડા આગ બૂઝાવવા ગયેલા બંબાવાળાઓને મળે ત્યારે દેશને આઘાત લાગવો જોઈતો હતો. ન્યાય અને કાયદાના રાજ્યનું રક્ષણ કરનારાઓની આ અવદશા જોઇને આંચકો લાગવો જોઈતો હતો. પણ ચર્ચા શિવાજી અને ઔરંગઝેબ વિષે થઈ રહી છે. કુણાલ કામરા વિષે થઈ રહી છે. આ નિષ્ફળ નીવડી રહેલ દેશનાં લક્ષણો છે. ફરી એકવાર નિષ્ફળ દેશોની નિષ્ફળતાની યાત્રા પર એક નજર કરી જુઓ. આ જ બધું જોવા મળશે.

થોડીક વાસ્તવિકતા તપાસીએ. એક સમયે ભારતને એશિયન ટાઈગર, ઈમર્જીંગ ઈકોનોમી, ચીનનું હરીફ બનવાની ક્ષમતા ધરાવનારા દેશ, ઝડપથી વિકસી રહેલા લોકતાંત્રિક (અહીં લોકતાંત્રિક શબ્દ મહત્ત્વનો છે) દેશ તરીકે બિરદાવવામાં આવતું હતું. આવું છેલ્લા આઠ દસ વરસમાં કોઈ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીએ ભારત વિષે કહ્યું હોય એવું તમારા જોવામાં આવ્યું છે? વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી પણ નથી બોલતા જે એક સમયે નરેન્દ્ર મોદીના સમર્થક હતા. આપણે ભલે આપણી જાતને વિશ્વગુરુ તરીકે ઓળખાવીએ, જગત અપેક્ષા રાખતું બંધ થઈ ગયું છે. ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે એ જગતને સમજાઈ રહ્યું છે એટલે તો વિદેશી રોકાણ આવતું બંધ થઈ ગયું છે અને જે આવ્યું હતું એ પાછું ખેંચાઈ રહ્યું છે. અને આપણા વાણિજ્ય પ્રધાન કહે છે કે વિદેશી રોકાણ પાછું જતું જોઇને હું સુખનો અનુભવ કરી રહ્યો છું. અનેક મર્યાદાઓ પછી પણ ભારતની તાકાત લોકતંત્રની હતી. જો કાયદાનું રાજ ન હોય, મારે એની ભેંસનો ન્યાય હોય અને ન્યાય મળવાનો ન હોય, કોઈ સાંભળનાર ન હોય તો કોણ અબજો રૂપિયા ભારતમાં રોકવા આગળ આવવાનું છે? તો પછી ભારત કરતાં ચીન શું ખોટું? ભારતમાંથી વિદેશી મૂડી ચીન જઈ રહી છે.

તો ભલા ભાઈ, આ દેશમાં તું પણ એક ભાગીદાર છે. તારો નહીં તો તારા સંતાનનાં ભવિષ્યનો તો વિચાર કર!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 માર્ચ 2025

Loading

...102030...388389390391...400410420...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved