Opinion Magazine
Number of visits: 10,202,690
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણમાં સર્વકલ્યાણકાર મૂલ્યોનો વિકાસ

મનસુખ સલ્લા|Opinion - Opinion|21 November 2015

જે શિક્ષણ મૂલ્યપ્રીતિ અને મૂલ્યપાલન ન જન્માવે, કેવળ અભ્યાસક્રમ પૂરા કરે, મકાનો ભવ્ય રાખે, બીજો ઘટાટોપ રચે એ શિક્ષણના નામે ભળતી પ્રવૃત્તિ છે. એ શિક્ષણ તો નથી જ, કારણ કે મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ ચારિત્ર્ય ઘડતરનો છે. ચારિત્ર્ય ઘડતરનો આધાર મૂલ્યપ્રીતિ અને મૂલ્યપાલન છે. એમાંથી જ ચારિત્ર્યને ઘાટ મળે છે.

પરંતુ મૂલ્ય શબ્દ પૂરતો નહીં થાય કારણ કે જીવનવિરોધી કે સમાજવિરોધી મૂલ્યો પણ હોઈ શકે છે. આજના ભારતમાં એવું લાગતું જ નથી કે આ દેશમાં મહાત્મા ગાંધી હતા અને દેશ અહિંસક રીતે સ્વાતંત્ર્ય આંદોલન લડ્યો હતો. એ કાળે ત્યાગ, બલિદાન, સમર્પણ, ઔદાર્ય અને સૌની કાળજી સહજ હતાં. સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિકો કટોકટીમાં પણ મૂલ્યો છોડતા નહોતા. આજે એથી ઊલટું ચિત્ર છે. દેશ અને સમાજને હાનિ પહોંચાડતા સંકોચ ન હોય એવા અનેક લોકો ચારે બાજુ છે. પોતાના નાના સ્વાર્થ માટે દેશને હાનિ પહોંચાડતા તેમને ખચકાટ થતો નથી. કારણ કે આજે વિપથગામી મૂલ્યો પ્રચલિત બન્યાં છે. તેનું સૌથી કરુણ અને વરવું દૃષ્ટાંત વ્યાપમ કૌભાંડ છે. નિયમો નેવે મૂકાયા અને ખોટા વ્યવહારો થયા એટલું જ નથી, ચાલીસ જેટલાં મૃત્યુ પણ થયાં છે. શિક્ષણ ક્ષેત્રની આ આંખ ઉઘાડનારી ઘટના છે.

એટલે મૂલ્ય કહેવું પૂરતું નહીં થાય. શિક્ષણ દ્વારા સર્વકલ્યાણકાર મૂલ્યોની સ્થાપના અપેક્ષિત છે. જેમાં સૌનું કલ્યાણ હોય, સૌને સમાન વ્યવહાર મળે તેવાં મૂલ્યો જ આવકાર્ય ગણાય. એટલે મૂલ્યની આગળ સર્વકલ્યાણકાર વિશેષણ મૂકવું જરૂરી છે.

ચારિત્ર્ય ઘડતરની આધાર શિલા જ મૂલ્યપ્રીતિ છે. વ્યક્તિનું દુષ્ટ, સ્વાર્થી, પરપીડક એવું ઘડતર પણ થાય અને ઉદાર, નિસ્વાર્થી, વ્યાપક જીવનભાવવાળું ચરિત્ર્ય ઘડતર પણ થઈ શકે. શિક્ષણનો ઉદ્દેશ વ્યક્તિમાં સર્વકલ્યાણકાર મૂલ્યોનું પ્રગટીકરણ છે. એટલે પ્રાચીનકાળથી આજ સુધી શિક્ષણની અનિવાર્યતા છે ગણાઈ છે. જ્યારે શિક્ષણ મૂલ્યપ્રીતિને ગૌણ ગણે કે તેની ઉપેક્ષા કરે છે ત્યારે તેમાંથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ બ્રહ્મરાક્ષસ બને છે. તેમનો હૃદયવિકાસ થયો નથી હોતો. તેઓ બુદ્ધિ દ્વારા સમાજનું શોષણ કરનારા થાય છે. તેઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે બુદ્ધિને ગમે તેટલી કુટિલ રીતે યોજી શકે છે. અંતે જતાં સમગ્ર રાષ્ટ્રને એની કિંમત ચૂકવવી પડે છે. માટે ચારિત્ર્ય ઘડતર અને સર્વકલ્યાણકાર મૂલ્યોની પ્રીતિ એક સિક્કાની બે બાજુ જેવા છે. 

એ તો નિર્વિવાદ છે કે સર્વકલ્યાણકાર મૂલ્યોનું ધરુવાડિયું તો ઘર અને પરિવાર છે. કુટુંબમાં પ્રેમનો સહજ સંબંધ હોવાથી આવું ઘડતર અનાયાસ થાય છે. તેમાં જરૂરિયાતવાળાને સૌથી વધુ મળે છે ને એ આપનારા આનંદ અનુભવે છે. ઔદાર્ય, કાળજી, ક્ષમા, પ્રેમ વગેરે ભાવોથી મૂલ્યોનું સંવર્ધન થાય છે. એટલે કુટુંબ રચના અને પરિવારજનોની સમજ અને દૃષ્ટિ બાળકના ઘડતરમાં અત્યંત ઊંડી અને દીર્ઘકાલીન અસરો પાડે છે.

વિદ્યાલયની કાર્ય પદ્ધતિ અને સંબંધ ભાત પરિવાર કરતાં ભિન્ન હોય છે. તેમાં લોહીનો સંબંધ નથી હોતો, પરંતુ પરિવાર ભાવ તેના કેન્દ્રમાં હોય છે. તેની કાર્ય પદ્ધતિમાં બે તત્ત્વો અનિવાર્યપણે હોવા જોઈએ : (1) વિદ્યાલયમાં બધું વિચારપૂર્વકનું અને આયોજિત હશે. (2) એનો અમલ એવો સહજ હશે કે વિદ્યાર્થીને પોતે કાંઈક ગ્રહણ કરી રહ્યો છે એની સભાનતા નહીં હોય કે એ ફરજિયાત રીતે લાદેલું નહીં હોય. જ્યારે આ બાબતોની ઉપેક્ષા કરવામાં આવે છે ત્યારે મૂલ્યશિક્ષણ દેખાવ પૂરતું કે બગસરાનાં ઘરેણાંની જેમ ઢોળ ચડાવેલું બની જાય છે. એ અસ્તિત્વનો ભાગ બનતું નથી.

એટલે શિક્ષણમાં વય અને ગ્રહણશીલતા મુજબ મૂલ્યસ્થાપન થવું જોઈએ. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં હેતુ તો આ જ રહેશે, પરંતુ પદ્ધતિ અને સંબંધ તત્ત્વનો ફરક પડશે. આ વિવેક કરવો જ રહ્યો. વિદ્યાર્થીનું ચારિત્ર્ય ઘડતર થાય તેમ ઇચ્છતા હોઈએ તો તેની ઈષ્ટતમ પદ્ધતિઓ અને સંબંધ સ્વરૂપ નિપજાવવું અનિવાર્ય છે.

મૂલ્યઘડતરનો સૌથી વધુ ગ્રહણશીલ ગાળો પ્રાથમિક શિક્ષણ છે. આ કાળે વિદ્યાર્થી શિક્ષક પ્રત્યે શ્રદ્ધાવાન હોય છે. શિક્ષકના નાના અને નગણ્ય વ્યવહારોની પણ વિદ્યાર્થીના ચિત્ત ઉપર અસર પડતી હોય છે. આ તબક્કે વિદ્યાલયનું ભાવાવરણ પરિવાર ભાવથી ભરેલું હોય તે અત્યંત જરૂરી છે. સાથે જ શિક્ષકોના વાણી અને વ્યવહારો વચ્ચે અંતર ન હોય એ ઉત્તમ સ્થિતિ છે પરંતુ ઓછામાં ઓછું અંતર હોય તે ઈષ્ટ સ્થિતિ છે. શિક્ષકે વાણી અને વ્યવહાર વચ્ચેનું અંતર ઘટાડવા માટે સતત જાગૃત પ્રયત્નો કરવા જોઈએ.

પ્રાથમિક કક્ષાએ સુટેવોના ઘડતર દ્વારા મૂલ્યઘડતર થતું હોય છે. જેને આપણે આવકાર્ય મૂલ્યો ગણીએ છીએ તે વિદ્યાર્થી માટે સુટેવ બની જશે તો તેનું આચરણ સહજ બની જશે. દા.ત. સ્વચ્છતા અને સુઘડતાની ટેવ પડેલી હશે તો તેને અસ્વચ્છતા અને ઓઘરાળાપણું નહીં જ ગમે. એટલું જ નહીં પછીના જીવનમાં પણ આ મૂલ્ય ટકશે. કેવળ બાહ્ય સ્વરૂપમાં જ નહીં, આંતરસ્વરૂપમાં પણ આ ટેવ વિકસશે. એ પણ સ્પષ્ટ છે કે સુટેવોને માન્યતાનો આધાર આપવો પડશે. માન્યતાઓ ત્રણ પ્રકારની હોય છે : (1) સાચી માન્યતા (2) ખોટી માન્યતા અને (3) અસ્પષ્ટ માન્યતા. વ્યક્તિ માન્યતા અનુસાર વર્તન કરે છે. જો સાચી માન્યતાનો આધાર હશે તો પ્રતિકૂળ કે વિપરીત પરિસ્થિતિમાં પણ વ્યક્તિ મૂલ્ય છોડી દેશે નહીં. મહાત્મા ગાંધીનું બાળપણ એનું શ્રેષ્ઠ દૃષ્ટાંત છે.

માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીની મૂલ્યપ્રીતિ નક્કર રૂપ લે છે. જો તેને ઉત્તમ આદર્શો અને મૂલ્યો મળે તો એને સારુ બધું હોડમાં મૂકવા તૈયાર થાય છે. સ્વરાજની લડત વખતે દેશના કિશોરો અને યુવાનો જે રીતે પ્રવૃત્ત થયા હતા એ અત્યંત ગૌરવની ઘટના છે. વિદ્યાર્થીના ચિત્તમાં એવાં મૂલ્યો કે આદર્શોવાળી વ્યક્તિ માટે આદર જન્મે છે. કેટલીક વાર તો એના અનુકરણમાં અમુક ઈષ્ટ કાર્યો કરે છે. ચૌદથી સોળ વર્ષનો વયગાળો આવાં મૂલ્યનિર્માણનો, મૂલ્યસ્થાપનનો સૌથી વધુ સંવેદનશીલ કાળ છે. એટલે આ વયના વિદ્યાર્થીઓને સાહસ, શૌર્ય, ઔદાર્ય, સેવા, અન્યને ઉપયોગી થવું, જાહેર કામમાં જવાબદારી લેવી – આ સઘળું મૂલ્યઘડતર કરે છે. શિક્ષકનું મુખ્ય કામ છે નાની સરખી પ્રવૃત્તિનું પણ રાષ્ટ્ર સાથે જોડાણ કરી આપવું. દરેક વિષયના શિક્ષક આવું જોડાણ (Correlation) કરી શકે છે. આ ઉંમરે સૌથી મોટું બળ સંવેદનાનું હોય છે. એટલે વિગતો અને હકીકતો વિદ્યાર્થીઓ સામે એ રીતે રજૂ કરવી જોઈએ, પ્રત્યક્ષ કરાવવી જોઈએ કે તેમાંથી વિદ્યાર્થીની સંવેદનાની કેળવણી થાય. પાઠ્યક્રમને એવી રીતે યોજવામાં આવે કે જેથી વિદ્યાર્થીની સંવેદનશીલતાને ધાર નીકળે, વધુ સૂક્ષ્મ બને, વધુ વ્યાપક બને. સંવેદનશીલતાનો વિકાસ જ વિદ્યાર્થીને જાતિ-વર્ણ-ધર્મના ભેદોથી ઉપર ઊઠવાનું બળ આપે છે. તો કોઈને પણ થતો અન્યાય એને પોતાનો લાગશે, કોઈ પણ કારણે કોઈને પણ ભોગવવી પડતી પીડા એને પોતાની લાગશે. આ વયે ઉકેલ અંગેની પૂરતી સ્પષ્ટતા નથી હોતી પરંતુ આદર્શનું ખેંચાણ અદ્દભુત હોય છે. એટલે વિદ્યાલયોએ જાગૃત અને આયોજિત રીત આવા મોકા વિદ્યાર્થીઓને પૂરા પડવા જોઈએ. સૌથી વધુ તો જવાબદારી સોંપીને વિદ્યાર્થીઓને જવાબદાર બનાવવા જોઈએ. ભારતની ભયાનક કમનસીબી એ છે કે આજે વિદ્યાલયો માત્ર વિષયો શીખવનારા છે અને પરીક્ષામાં વધુ માર્કસ કેમ મેળવવા એની તરકીબો શીખવનારા કારખાનાં બની ગયા છે. આ ખોટ આખા રાષ્ટ્રની છે. આમાંથી વિદ્યાર્થીઓમાં નકારાત્મકતા અને સ્વાર્થપરક્તા વિકસે છે. કુટુંબ અને સમાજ માટે પણ આ ખોટનો વેપાર છે.

એ સ્પષ્ટ થવું જોઈએ કે મૂલ્યપ્રીતિ એ કંઈ અભ્યાસક્રમથી જુદી બાબત નથી કે વિરોધી બાબત નથી. નજર હોય તો મૂલ્યપ્રીતિના સંદર્ભમાં અભ્યાસક્રમ શીખવી શકાય છે. અભ્યાસક્રમના મુદ્દાઓ ઉપરાંત વિવિધ સહઅભ્યાસક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીના નરવા ભાવોને સબળ કરવામાં ફાળો આપે છે. પ્રાર્થના, પ્રવાસ, રમતગમત, સાંસ્કૃિતક કાર્યક્રમો, ઉત્સવ ઉજવણી, સ્વયંશિક્ષણ દિન, આસપાસના સમાજ વચ્ચે જઈને પ્રવૃત્તિઓ કરવી – આ સઘળું તેમાં મદદરૂપ થાય છે. આજે મૂલ્ય શિક્ષણની વાત ખૂબ થાય છે પરંતુ આ દૃષ્ટિએ અને આવું આયોજન ન હોવાથી એ કેવળ વાતો જ રહે છે. એથી વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ થાય છે પણ સંવેદનશીલતાનો વિકાસ થતો નથી. શિક્ષણ જગત માટે આ ગંભીર ઊણપ ગણાય. એ અંગે પુનર્વિચાર કરવાની તાતી જરૂર છે.

ઉચ્ચ શિક્ષણ એ જ્ઞાનનો વૈશ્વિક પ્રદેશ છે. આ કક્ષાએ વિદ્યાર્થી મુગ્ધ રીતે માની નહીં લે, પણ બધું તપાસતો થાય છે. (તે તપાસતો થવો પણ જોઈએ) તેથી ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીની ભૂમિકા વૈશ્વિક થાય એનું આયોજન હોવું જોઈએ. આ કક્ષાએ વર્ગ ખંડમાં જઈને અધ્યાપકનું માત્ર બોલી આવવું કે નોટ વાંચીને વિદ્યાર્થી પરીક્ષા આપી દે એ અત્યંત નિકૃષ્ટ કક્ષા છે. સોના જેવી અમૂલ્ય ક્ષણોને ધૂળમાં નાખી દેવા જેવી દૃષ્ટિહીનતા છે. એ ઉચ્ચ શિક્ષણ જ નથી. (એટલે ભારતમાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ નથી.) ઉચ્ચ શિક્ષણ તો સર્જનાત્મક હોવું જોઈએ. હકીકતો, આંકડા, સ્થિતિઓ, સમસ્યાઓ માત્ર જાણવી એ તો પચાસ ટકા કામ થયું ગણાય. આ સઘળું અભ્યાસનો આધાર માત્ર છે. એને આધારે પૃથક્કરણ, વિશ્લેષણ, અનુભવ સાથે તેનું સમાયોજન, તેમાંથી તારણો અને ઉકેલો શોધવા, પ્રત્યક્ષનું પરોક્ષ સાથેનું જોડાણ કરવું, લઘુ એકમનું વ્યાપક પરિસ્થિતિ સાથે જોડાણ કરવું, વ્યાપકના સંદર્ભમાં પ્રસ્તુતની સમજ મેળવવી – આ સઘળું થાય ત્યારે ઉચ્ચ (Higher) શિક્ષણ છે એમ ગણાય. આમાંથી વિદ્યાર્થીની વૈચારિક ક્ષિતિજો વ્યાપક બને છે. વ્યક્તિ-સમાજ-સમષ્ટિ (પ્રકૃતિ) અખંડ એકમ છે એની વિદ્યાર્થીને પ્રતીતિ થાય છે. આ ત્રણમાંથી કોઈ પણ એકને હાનિ પહોંચે તો બાકીના બન્નેને પણ હાનિ પહોંચે છે એની સમજ એ ખરું મૂલ્યભાન છે. 

આ જાગૃતિ, આ સમજ, આ દૃષ્ટિમાંથી વિદ્યાર્થીઓમાં ઉત્તરદાયિત્વ(Accountability)નો ભાવ જાગે છે. સાથે જ, મારાં કર્મો કેવળ મને જ અસર નથી કરતાં પણ સમાજ અને સમષ્ટિને પણ અસર કરે છે એની પ્રતીતિ થાય છે. આવી પ્રતીતિમાંથી મૂલ્યપ્રીતિ જાગે છે. મારાથી મારા સમાજને, રાષ્ટ્રને કે સમષ્ટિને હાનિ પહોંચે એવું કશું પણ ન થઈ શકે એ સમજણમાંથી મૂલ્યપાલન જન્મે છે. ઉચ્ચ શિક્ષણનો ખરો અર્થ આ છે. આ ઉદ્દેશ કેન્દ્રમાં આવે તો માહિતી કે વિગતો નવા સ્વરૂપમાં પરખાય છે. કેવળ ‘આજ’ને ધ્યાનમાં રાખીને થતાં આયોજનો કેવાં તો અધૂરાં છે તે સ્પષ્ટ થાય છે. આ સ્પષ્ટતામાંથી જીવન અને જગત વિષેની સાચી માન્યતાઓ પાંગરે છે અને દૃઢ થાય છે. આ મૂલ્ય શિક્ષણ છે.

આને સાર્થક કરવા માટે અધ્યાપકે સતત અધ્યયનશીલ રહેવું જરૂરી છે. વિદ્યાર્થીઓ સાથેનો તેનો સંબંધ જ્ઞાનની ખોજમાં નીકળેલા બે જિજ્ઞાસુ જેવો હોવો જોઈશે. એનું માધ્યમ વિદ્યાર્થી માટેનો પ્રેમ હશે. એ પ્રેમ જ તેને નવી નવી શિક્ષણ પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, રચનાઓ, સ્થિતિઓ, સાધન-સામગ્રી શોધવા પ્રેરશે. તો સામે પક્ષે વિદ્યાર્થી કેવળ પરીક્ષાર્થી નહીં હોય, તે અધ્યયન રત તો હશે જ, સાથે જ, વ્યાપક સંદર્ભને સમજવા આતુર હશે. પ્રશ્નોના તૈયાર ઉકેલો લખી લેવાને બદલે ઉકેલો શોધવા જિજ્ઞાસુ હશે. જીવાતા જીવનના પ્રશ્નો કે પરિસ્થિતિઓ સાથે પ્રસ્તુત તત્ત્વ કે સિદ્ધાંતની તુલના કરીને પોતાના જ્ઞાનને નક્કર અને વાસ્તવિક બનાવશે. તે અલ્પથી સુખ પામનારો નહીં હોય, અવગાહન કરવાનો આનંદ લેનારો હશે. અધ્યાપક માર્ગદર્શકની ભૂમિકામાં હશે, વિદ્યાર્થી જાતે અધ્યયન કરવા આતુર હશે.

તો વિદ્યાર્થી સમજી શકશે કે કેવળ અર્થશાસ્ત્ર પૂરતું નથી, અર્થશાસ્ત્રનો માનવીય ચહેરો નિપજવવો પડશે. દાક્તરી વિદ્યા માત્ર પૈસા કમાવા માટે નથી, લોકોની સેવા માટે છે. ઉત્પાદન અને વાણિજ્યમાં માત્ર નફાના દેવની પૂજા નથી કરવાની પરંતુ પ્રકૃતિ અને સૌથી છેવાડે ઊભેલાની પણ કાળજી લેવાની છે. શસ્ત્રોત્પાદનથી પોતાના રાષ્ટ્રને સમૃદ્ધ કરીને બીજા દેશોમાં યુદ્ધ સળગતું રાખનાર રાજકારણ માનવતાથી વિરોધી છે. જેમાં માણસ સાંકડો, સ્વાર્થી, અધમતાનુસારી બને તેવા કોઈ પણ વિચાર કે આચરણનો તે અસ્વીકાર કરશે. આ જ તો મૂલ્ય વિકાસ છે. એ સર્વકલ્યાણકારક હોવાથી સ્વીકાર્ય બનશે.

કેવળ ‘આજ’ને ધ્યાનમાં રાખીને નહીં જિવાય, ‘આવતી કાલ’ને પણ સમધારણ અને ન્યાયી બનાવવી પડશે. સમાનતા માટે એ સ્વતંત્રતાનો ભોગ નહીં આપે (જે રશિયામાં બન્યું) કે વિકાસ માટે બંધુતાનો ભોગ નહીં આપે (જે આજના ધનિક રાષ્ટ્રો કરી રહ્યા છે) પરંતુ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનું પ્રયાગ કેમ રચાય, માનવજાતનું કલ્યાણકારક સ્વરૂપ કેમ પ્રગટે તેનું ચિંતન કરશે, તેના ઉપાયો શોધશે. આ સરવકલ્યાણકર મૂલ્યો વિષેની સભાનતા અને પ્રીતિ તથા એને પરિણામે એનું પાલન એ શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ છે. એ ચારિત્ર્યનું ઘડતર કરે છે. એવું જીવવું એ ચારિત્ર્યનો સાચો વિકાસ છે.

વિદ્યાલયના વિવિધ તબક્કા અનુસાર પદ્ધતિ, સાધનો અને ઉપક્રમો ભલે ભિન્ન હોય પરંતુ લક્ષ્ય તો આ હોય. આ માટે વિદ્યાલયના સઘળાં આયોજનો, રચનાઓ, પદ્ધતિઓ અને ઉપક્રમો હોય તો જ એ સાર્થક શિક્ષણ છે. એવું શિક્ષણ રાષ્ટ્ર પોષક છે, માનવતાનો ચહેરો ઉજ્જવળ કરનાર છે.

(માતુશ્રી વિરબાઈ મહિલા કૉલેજ, રાજકોટમાં ‘ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ’માં આપેલ વ્યાખ્યાન, તા. 30-07-2015)

(ઘરશાળા ‘અમૃતપર્વ’, નવેમ્બર-ડિસેમ્બર 2015)

Loading

ટીપુ સુલતાનની જન્મજયંતીની ઉજવણીનો વિવાદઃ નાયક કે ખલનાયક?

હરિ દેસાઈ|Opinion - Opinion|20 November 2015

તત્કાલીન શંકરાચાર્ય શ્રી સચ્ચિદાનંદ ભારતી તૃતીયના આદેશથી ભગ્ન મંદિરોનો જિર્ણોદ્ધાર ટીપુએ કરાવ્યો હતો

કર્ણાટકની સિદ્ધરામૈયા સરકારે મહિસૂરના રાજવી રહેલા ટીપુ સુલતાનની જન્મજયંતીની ઉજવણીનો નિર્ણય કર્યો અને હિંસક વિવાદ ભડક્યો. કર્ણાટકના દેવનહલ્લીમાં ૨૦ નવેમ્બર ૧૭૫૦ના રોજ જન્મેલા ફતેહઅલી ખાન બહાદુર ઉર્ફે ટીપુ સુલતાન અંગ્રેજોની કંપની સરકારની સેના સામે ચોથા યુદ્ધમાં લડતાં ૪ મે ૧૭૯૯ના રોજ મરાયો. એને ખાસ્સાં બસ્સો કરતાં વધુ વર્ષ વીત્યાં છતાં મહિસૂરના આ શાસકને રાષ્ટ્રનાયક  ગણવો કે રાષ્ટ્રદ્રોહી એ હજુ અનિર્ણિત વિવાદ જ રહ્યો છે. સવિશેષ એટલા માટે કે ટીપુ સામે અંગ્રેજોને પક્ષે લડનારાઓમાં પેશવાના મરાઠા અને હૈદરાબાદના નિઝામ હતા. ટીપુને પડખે ફ્રેંચ હતા.

ભારતીય ઇતિહાસનાં કડવાં પ્રકરણ વર્તમાનમાં તાજાં કરવાના રાજકીય લાભ ખાટવાની વૃત્તિ-પ્રવૃત્તિ અત્યારે દેશભરમાં સોળે કળાએ ખીલેલી છે. એમાંથી જ ઇતિહાસનું વિકૃતિકરણ આરંભાય છે. કૉંગ્રેસ થકી ટીપુ સુલતાનને ‘સૅક્યુલર શાસક’ ગણાવાય, ત્યારે ભાજપ-સંઘ પરિવાર થકી એને ‘હિંદુદ્રોહી, કટ્ટરવાદી અને વટાળપ્રવૃત્તિનો મસીહા’ લેખાવીને ઇતિહાસના એ સમયગાળામાંથી ભૂંસવાની વર્તમાનમાં કોશિશ થાય છે. ટીપુ સુલતાનના વિરોધમાં ઊહાપોહ મચાવવામાં દક્ષિણ ભારતમાં સત્તા કબજે કરવાની મહેચ્છા સવિશેષ કારણભૂત લાગ્યા વિના રહેતી નથી.

સંજય ખાનની સીરિયલ ‘ધ સ્વૉર્ડ ઑફ ટીપુ સુલતાન’ બનતી હતી ત્યારે તેની સામે પણ ભારે ઊહાપોહ મચાવાયો હતો. થોડા વખત પહેલાં તમિળનાડુમાં સંઘ પરિવારના સંગઠન હિંદુ મુન્નાનીના નેતા રામગોપાલને તમિળ સુપરસ્ટાર રજનીકાંતને અશોક ખેનીનિર્મિત ટીપુ સુલતાન ફિલ્મમાં કામ નહીં કરવાનો આગ્રહ કરીને ઉંબાડિયું કર્યું હતું. જો કે કર્ણાટકમાં ટીપુ સુલતાનની જન્મજયંતીની ઉજવણી સામે વિશ્વ હિંદુ પરિષદ સહિતનાં હિંદુવાદી અને કેટલાંક ખ્રિસ્તી સંગઠનોના વિરોધ દેખાવોએ હિંસક વળાંક લીધા પછી પણ ટીપુ સુલતાન ફિલ્મના નિર્માતા અશોક ખેનીએ ફિલ્મ નિર્માણના પ્રકલ્પને આગળ ધપાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે આ ફિલ્મ માટેની દરખાસ્ત રજનીકાંતે પોતે જ રજૂ કરી હતી. રજનીકાંત પોતે મરાઠી માણૂસ છે. કર્ણાટકમાં એના પરિવારે અને એણે નોકરીધંધો કર્યા પછી એ તમિળ ફિલ્મોમાં સુપરસ્ટાર થયો છે. ટીપુને મરાઠાવિરોધી, કન્નડવિરોધી, તમિળવિરોધી અને મલયાલીવિરોધી ગણાવવામાં આવતો હોવા છતાં રજનીકાંતની દૃષ્ટિએ એ ‘સર્વધર્મસમભાવ રાખનાર’ અને ‘બ્રિટિશરોને હંફાવનાર’ રાજવી હતો. માટે એનું ફિલ્માંકન કરવા એણે ખેનીને આગ્રહ કર્યો છે.

ઇતિહાસનાં અનુકૂળ તથ્યો લઈને આજકાલ સ્વઘોષિત ઇતિહાસકારો અને રાજનેતાઓ ટીપુ વિશે બહુરંગી બયાન આપે છે, ત્યારે અલાહાબાદ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક રહેલા જાણીતા ઇતિહાસકાર પ્રા.બી.એન. પાંડેએ સંસદસભ્ય તરીકે ૧૯૭૭માં રાજ્યસભામાં કરેલું ‘હિસ્ટ્રી ઇન ધ સર્વિસ ઑફ ઇમ્પીરિયલિઝમ’ શીર્ષક હેઠળનું ભાષણ વાંચવા જેવું છે. ટીપુ સુલતાને ૩૦૦૦ બ્રાહ્મણોને ઇસ્લામ કબૂલ કરવાની ફરજ પાડ્યાનું મહિસૂર ગેઝેટિયરમાં નોંધાયાની ચર્ચા ચોફેર હતી, ત્યારે પ્રા. પાંડેએ એના વિશે તપાસ આદરી. મહિસૂર યુનિવર્સિટીના ઇતિહાસના પ્રાધ્યાપક શ્રીકાંતિયાએ આ સઘળી વાત કપોળકલ્પિત હોવાનું જણાવ્યું અને નોંધ્યું કે મહિસૂર ગેઝેટિયરમાં આવું ક્યાં ય નોંધાયેલું નથી.

હૈદરઅલી અને ટીપુના પ્રધાનમંડળમાં પાંચ-પાંચ પ્રધાનો હિંદુ બ્રાહ્મણ હતા. ટીપુના દીવાન પૂર્ણય્યા અને સરસેનાપતિ કૃષ્ણારાવ એના ભરોસાના માણસો હતા. ઇસ્લામનો અનુયાયી એવો ટીપુ યુદ્ધના મેદાનમાં વિધર્મીઓની હત્યા માટે જવાબદાર લેખાય એ સ્વાભાવિક છે. સાથે જ યુદ્ધમાં અંગ્રેજોને મદદરૂપ થનારા ખ્રિસ્તીઓ પર એનો ખોફ ઊતરવો સ્વાભાવિક છે. ટીપુએ અંગ્રેજો તથા નિઝામ તેમ જ મરાઠાઓની સામે લડતાં અફઘાન મુસ્લિમ શાસકોને મદદે તેડાવ્યાની વાતને આગળ કરવામાં આવે છે, ત્યારે એણે ભારતના હિંદુ રાજા-મહારાજાઓ જ નહીં; નેપાળના હિંદુ રાજાની અંગ્રેજો સામે લડવા મદદ માગી હતી એ હકીકતને સાનુકૂળ રીતે વિસારે પાડવામાં આવે છે.

ટીપુના સામ્રાજ્યમાં આવતી શંકરાચાર્યની પવિત્ર પીઠ શૃંગેરીનાં મંદિરો મરાઠા સૈન્યે તોડ્યાં ત્યારે તત્કાલીન શંકરાચાર્ય શ્રી સચ્ચિદાનંદ ભારતી તૃતીયના આદેશથી એ એ ભગ્ન મંદિરોનો જીર્ણોદ્ધાર ટીપુએ કરાવ્યો હતો. ટીપુની સેનાએ કેટલાંક મંદિરોને તોડ્યાં હશે, પણ દસ્તાવેજો દર્શાવે છે કે શૃંગેરી પીઠ સહિત ૧૫૬ મંદિરોને ટીપુના સરકારી ખજાનામાંથી સખાવતો નિયમિત રીતે જતી હતી. શૃંગેરીના શંકરાચાર્ય પ્રત્યે ટીપુએ અંગ્રેજો સામેની પડતીના વખતમાં જ આસ્થા નહોતી કેળવી. એના પિતા હૈદરઅલીના સમયથી પિતા-પુત્રની શૃંગેરીમઠ અને શંકરાચાર્યમાં આસ્થા હોવાનું આજે પણ શૃંગેરીમઠની સત્તાવાર વેબસાઇટ પર નોંધાયેલું છે. ટીપુ અને શંકરાચાર્ય વચ્ચેના પત્રવ્યવહારના બોલકા પુરાવા જેવા ટીપુના ૩૦ પત્રો આજે પણ સચવાયેલા છે.

માધવ બ્રાહ્મણ એવા દીવાન પુર્ણય્યાને અદ્વૈત અને આચાર્યો પ્રત્યે પૂર્વગ્રહ હતો, પણ એ પાછળથી દૂર થયાની નોંધ પણ શૃંગેરીમઠની સત્તાવાર વેબસાઇટ પર ઝગારા મારે છે. હૈદરઅલી અને ટીપુ સુલતાનથી લઈને રાજા વાડિયાર, પેશવા મરાઠા, નિઝામ અને ઇસ્ટ ઇન્ડિયાના હોદ્દેદારોની શૃંગેરીમઠ ભણીની આસ્થાની પણ અહીં નોંધ જોવા મળે છે.

ટીપુ શાસક તરીકે અત્યાચારી કે પ્રજાવત્સલ હતો, એ વિવાદને બાજુએ રાખીને પણ દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ રહેલા ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામની આત્મકથા ‘વિંગ્સ ઑફ ફાયર’માં મહિસૂરના આ શાસક વિશે નોંધાયેલા શબ્દો ધ્યાને લેવા જેવા છે. અમેરિકી અંતરીક્ષ સંસ્થા નાસાની દીવાલ પર ટીપુનું ચિત્ર નિહાળીને ડૉ. કલામ એના વિશે જાણવા ઉત્સુક બન્યા હતા. એમણે નોંધ્યું છેઃ ‘નાસા દ્વારા એક ભારતીયનું ગૌરવ રૉકેટ યુદ્ધવિદ્યાના જનક તરીકે થતું નિહાળીને મને ખૂબ આનંદ થયો હતો.’

વિશ્વના પ્રથમ રૉકેટના જનક તરીકે ડૉ. કલામ ટીપુને ગણાવે છે. એનાં ૨.૪ કિલો મિટર સુધી મારો કરી શકતાં રૉકેટમાંથી પ્રેરણા લઈને જ મિસાઇલમેન ડૉ. કલામને ૨૫૦૦ કિલો મિટર અંતર સુધી મારો કરવા સક્ષમ મિસાઇલ બનાવવામાં સફળતા મળ્યાની શબ્દો ચોર્યા વિના કબૂલાત તેમણે પોતે કરી છે. ટીપુ મરાયો ત્યારે બ્રિટિશ સૈન્યના સેનાપતિ કર્નલ આર્થર વેલેસલીએ એના મૃતદેહને સલામી આપીને રાજધાની શ્રીરંગપટ્ટમણમાંથી ૭૦૦ રૉકેટ અને ૯૦૦ રૉકેટનો સામાન કબજે લીધો હતો. લંડનના રૉયલ આર્ટિલરી મ્યુિઝયમમાં આવાં બે રૉકેટ હજુ પ્રદર્શિત કરેલાં છે. ડૉ. કલામે ટીપુનાં વધામણાં કર્યાં છે, પણ બટકબોલા ભાજપી નેતા ડૉ. સુબ્રમણિયન સ્વામી આવા ટીપુ સુલતાનને ‘ફ્રેંચનો નોકર’ ગણાવીને તેના નામે ચડાવાતાં રૉકેટ તો અગાઉના રાજાઓએ બનાવ્યાં હતાં એવું કહે ત્યારે શું કહેવું સમજાતું નથી.

http://www.divyabhaskar.co.in/news/ABH-tipu-sultans-birth-anniversary-celebration-affair-hero-or-villain-5170865-NOR.html

સૌજન્ય : ‘અફર ઇતિહાસ’, “દિવ્ય ભાસ્કર”, Nov 18, 2015

Loading

સમાન શિક્ષણ : મંઝિલ ઘણી દૂર છે

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|20 November 2015


 દેશમાં એક લાખ જેટલી શાળાઓમાં પહેલાં પાંચ વરસનું શિક્ષણ એક જ શિક્ષક પર નભે છે

અલ્હાબાદ હાઈકોર્ટે એના એક ચુકાદામાં  નેતાઓ, અધિકારીઓ અને તમામ સરકારી કર્મચારીઓને તેમના બાળકોને ઉત્તરપ્રદેશની સરકારી શાળાઓમાં ભણાવવાનો આદેશ આપ્યો. જસ્ટિસ સુધીર અગ્રવાલના આ ચુકાદાથી સરકારની અને તેના અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. બીજી તરફ આ ચુકાદાએ સરકારી શાળાઓની સુવિધાઓ અને ગુણવત્તા સતત કથળી ગઈ છે તે વિશે પણ ઊહાપોહ જગવ્યો છે.

દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તરપ્રદેશમાં પણ સરકારી શાળાઓમાં ગરીબ-દલિત-પછાત વર્ગના બાળકો જ મુખ્યત્વે ભણે છે. એટલે એની ગુણવતા અને સગવડો તરફ ખાસ ધ્યાન અપાતું નથી. રાજ્યની કુલ સરકારી શાળાઓમાંથી 11 ટકા એટલે કે 26,379 શાળાઓ માત્ર એક જ વર્ગખંડ ધરાવે છે અને તેમાં 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. સરકારી શાળાઓના ચોથા ધોરણના 67 ટકા બાળકો બીજા ધોરણનું પુસ્તક વાંચી શકતા નથી. પાંચમા ધોરણના 75 ટકા બાળકોને સામાન્ય ગુણાકાર-ભાગાકાર આવડતા નથી! એનું પરિણામ એ આવ્યું છે કે  યુ.પી.ની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોનું પ્રમાણ 2006માં 30.3 ટકા હતું, તે 2014માં વધીને 51.7 ટકા થયું છે.

બંધારણના નિર્માતાઓએ અનુચ્છેદ 14માં દેશના 14 વરસ સુધીના તમામ બાળકોને બંધારણ અમલી બન્યાના દસ જ વરસમાં સાર્વત્રિક, ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણનું વચન આપ્યું હતું.પરંતુ તેનો કોઈ સરકારોએ અમલ ન કર્યો. છેક 1993માં સુપ્રીમ કોર્ટે શિક્ષણના અધિકારને જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો ગણ્યો. એ પછીના દોઢ દાયકે સરકાર જાગી અને 2010માં આ દેશના બાળકોને પ્રાથમિક શિક્ષણનો અધિકાર આપ્યો. મહાત્મા ગાંધી શિક્ષણને અંતરાત્માના વિકાસ અને સામાજિક પુન:રચનાનું સાધન માનતા હતા. ડો. આંબેડકર તેને જ્ઞાન અને દલિતોની મુક્તિનો માર્ગ માનતા હતા, તો ડો. રામમનોહર લોહિયાએ ‘રાણી હો યા મહેતરાણી સબ કે બચ્ચોં કો એક હી શિક્ષા’નો નારો આપી તમામને સમાન શિક્ષણની વાત ઘુંટી હતી. શિક્ષણ અંગેના પહેલા પંચ કોઠારી કમિશને પણ કોમન સ્કૂલ સિસ્ટમની ભલામણ કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાએ  ફરી એક વાર સમાન શિક્ષણની ચર્ચા જગવી છે.

એપ્રિલ 2011થી અમલી બનેલો ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકારનો કાયદો એની ઐતિહાસિક મહત્તા છતાં ઘણી બાબતોમાં ઊણો છે. આ કાયદામાં 6 થી 14 વરસના બાળકોને જ શિક્ષણના અધિકાર હેઠળ આવરી લેવાયા છે અને 6 વરસથી નીચેનાં બાળકોની બાદબાકી કરી નાંખવામાં આવી છે. દુનિયાભરના શિક્ષણવિદો શિક્ષણનો પાયો પ્રાથમિક શિક્ષણમાં સવિશેષ પૂર્વ પ્રાથમિક શિક્ષણને ગણે છે, પણ સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણની જવાબદારી લીધી નથી. સમાન શિક્ષણના સંદર્ભે રાઈટ ટુ એજ્યુકેશનના ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગરીબ બાળકો માટે 25% અનામતની જોગવાઈ પણ છેતરામણી છે. જાણીતા શિક્ષણવિદ્ અનિલ સદગોપાલ, શિક્ષણના ઇતિહાસના 1991થી 2008ના ત્રીજા તબક્કાને, ‘રાજ્ય સમર્થિત મૂડીવાદના નવા ઉદારવાદી તબક્કામાં શિક્ષણનું ખાનગીકરણ જ નહીં બજારીકરણ’ થયાનું નોંધતા હોય કે આજે દેશમાં શિક્ષણ એ ધંધો બની ગયું હોય – ઉચ્ચ શિક્ષણ તો 50 અબજ ડોલરનો ઉદ્યોગ ગણાતું હોય ત્યારે ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને ચોથા ભાગની અનામત આપવાની આ રૂપાળી જોગવાઈ વાસ્તવમાં તો અનેક ભેદભાવો પોસતી આપણી શિક્ષણ વ્યવસ્થાને કાનૂની જામો પહેરાવનારી છે. બાળક માત્રને શિક્ષણ અને સમાન શિક્ષણ મળવું જ જોઈએ એને બદલે અહીં બાળકોના વાલીની જ્ઞાતિ અને વર્ગના આધારે તેને શિક્ષણ મળે તેવી જોગવાઈ ખુદ સરકાર કરે છે. મા-બાપની સામાજિક-આર્થિક સ્થિતિને આધારે બાળકનું શિક્ષણ અસમાન કઈ રીતે હોઈ શકે? અહીં તો નેબરહુડ સ્કૂલ કે સમાન શિક્ષણના પાયાના ખ્યાલનો જ છેદ ઉડાડી મૂકાયો છે.

શિક્ષણની અસમાનતા જેમ ખાનગી અને સરકારી શાળામાં તેમ શિક્ષણના માધ્યમમાં પણ દૃષ્ટિગોચર થાય છે. ડિસ્ટ્રીક્ટ ઈનફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન(ડીઆઈએસઈ)ના આંકડા પ્રમાણે દેશમાં 2008-09 થી 2014-15 દરમિયાન હિંદી માધ્યમની શાળાઓમાં પ્રવેશની ટકાવારી 25%  વધી હતી, જ્યારે આજ ગાળામાં અંગ્રેજી માધ્યમની શાળાઓમાં તે ટકાવારી બમણી હતી. આજે દેશમાં હિંદી માધ્યમમાં ભણતા બાળકોની સંખ્યા 10 કરોડ 40 લાખ અને અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોની સંખ્યા 2 કરોડ 90 લાખ છે. અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓનું શિક્ષણ મોંઘું છે.  તે સહુને પરવડે તેવું ન હોવા છતાં સરકારી શાળાઓની હાલત કથળી હોઈ તેની સંખ્યા વધી રહી છે અને શિક્ષણમાં તે અસમાનતા સર્જે છે.

જેમ વર્ગખંડો વિનાની, ઓછા વર્ગ ખંડોવાળી કે શિક્ષકોવાળી શાળાઓ દેશમાં શિક્ષણની બદહાલીની ગવાહી દે છે, તેમ એકલ શિક્ષકવાળી શાળાઓની મોટી સંખ્યા શિક્ષણની બદહાલીની ટોચ દર્શાવે છે. દેશની 98,443 સરકારી પ્રાથમિક શાળાઓના 1 થી 5 ધોરણ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. જે દેશમાં એક લાખ જેટલી શાળાના પ્રાથમિક શિક્ષણના પ્રથમ પાંચ વરસોનું શિક્ષણ એક જ શિક્ષક પર નભતું હોય તે દેશના બાળકોનું ભવિષ્ય કેવું અંધકારમય હશે તેની ચિંતા આ દેશના નીતિનિર્ધારકોને છે ખરી?

આપણી સરકારી શાળાઓ જેમ ગુણવત્તા અને સગવડોમાં પછાત છે તેમ તે ભેદભાવને પણ પોસે છે. દલિત બાળકો માટે હજુ પણ શાળાઓ ભેદભાવનું થાનક રહી છે. હાલની શિક્ષણપદ્ધતિ, ખાસ કરીને અભ્યાસક્રમ – પરીક્ષાપદ્ધતિ અને પછીથી રોજગાર વડે દલિતમુક્તિનું આંબેડકરી સ્વપ્ન કેટલું સાકાર કરશે તે સવાલ તો ઊભો જ છે. તેમ છતાં એકલવ્યના અંગૂઠાથી શિક્ષણના અધિકાર સુધીની આદિવાસી-દલિત-પછાત-ગરીબની શિક્ષણયાત્રા ઘણી આશાઓ જગવે તેવી છે. 1961 થી 2001 દરમિયાનના ચાર દાયકાનો દેશનો સામાન્ય સાક્ષરતા દર બમણો થયો છે, પણ દલિતોનો ચાર ગણો થયો છે. ગુજરાતના દલિતો પણ શિક્ષણમાં આગળ વધી રહી રહ્યા છે. 2001નો ગુજરાતનો સામાન્ય સાક્ષરતા દર 69.14% હતો તો દલિતોનો તેનાથી થોડો વધારે 70.50% હતો. શિક્ષણનો આ વિકાસ જરૂર આનંદદાયી છે.

ગુજરાત સરકારનો દાવો છે કે રાજ્યના 99.80 ટકા વિસ્તારોમાં 3 કિલોમિટરના અંતરમાં અને 98.50 ટકા વિસ્તારોમાં 1 કિલોમિટરના અંતરે નિશાળની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રવેશોત્સવને કારણે શાળામાં દાખલ થવાપાત્ર બાળકોનું 100 ટકા નામાંકન પણ થાય છે. પરંતુ શિક્ષણની ગુણવત્તાની બાબતમાં હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. ગુણોત્સવો છતાં સરકારી શાળાઓની ગુણવત્તા ખાસ સુધરી નથી. દેશના અને રાજ્યોના અંદાજપત્રોમાં શિક્ષણ માટે થનારો ખર્ચ હજુ વધતો નથી. કુલ બજેટના 6 ટકા શિક્ષણ માટે ખર્ચાવા જોઈએ પણ ત્યાં સુધી કેન્દ્ર કે રાજ્ય સરકારો પહોંચી નથી. શિક્ષણના અધિકારને સાર્થક કરવા માટે શિક્ષણના ક્ષેત્રે જે શતમુખી વિનિપાત થઈ રહ્યો છે તેને અટકાવવા માટે કોઈ અદાલતી આદેશ મળે તે પહેલાં જ સરકાર, સમાજ અને શિક્ષણવિદોએ જાગવું  જોઈશે.     

http://www.divyabhaskar.co.in/news/ABH-black-letter-black-fact-the-destination-is-far-from-equal-education-in-india-5171799-PHO.html?seq=2

સૌજન્ય : ‘કાળા અક્ષર, કાળી હકીકત’, “દિવ્ય ભાસ્કર”, Nov 19, 2015

Loading

...102030...3,8443,8453,8463,847...3,8503,8603,870...

Search by

Opinion

  • દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ
  • નારી શક્તિને વંદન કે માત્ર શબ્દોની રમત ?
  • ચલ મન મુંબઈ નગરી—359

Diaspora

  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved