ઊર્મિને અશ્રુ અડક્યું ને અબરખ બની ગયું,
સ્પર્શોનું ઉરસ્રાણ કેવું નખ બની ગયું !
બારીનું જે છજું ન નીચે ઊતરી શક્યું,
જર્જર થઈ પડ્યું, પછી પાલખ બની ગયું.
વર્ષોથી પાનખર પછી જે લીલું થઈ જતું,
આ ફેર, જોઈ flat કને, ખખ બની ગયું.
છે લાગણીની જાળ ને પીડાય મીઠડી,
સારું થયું, હૃદય ભલા ! મૂરખ બની ગયું.
સમૃદ્ધિ- સિદ્ધિની પ્રચંડ આંચથી છળી,
સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન આ ગોરખ બની ગયું.
ઉરસ્રાણ : છાતીનું કવચ, બખ્તર
પાલખ : મકાનના ચણતર વગેરે કામ વખતે ઊભી ખોડેલી વળીઓ કે વાંસડાઓ સાથે બંધાતાં પાટિયાંવાળી માંડણી
ખખ : ખોખરું, નિઃસત્ત્વ, વૃદ્ધ
3/3/2013
e.mail : spancham@yahoo.com
("અોપિનિયન", 26 માર્ચ 2013)