Opinion Magazine
Number of visits: 9843337
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપુ અને બડેદાદા

——|Gandhiana|6 May 2025

બડેદાદા ગુરુદેવ રવીન્દ્રનાથના સૌથી મોટાભાઈ. એટલે કુટુંબ-પરિવારમાં, મિત્રમંડળમાં અને શાંતિનિકેતનમાં સહુ તેમને ‘બડો દા'(બડેદાદા)ના વહાલસોયા નામે બોલાવતા. બાળક જેવું નિર્દોષ, નિર્મળ, પવિત્ર અને ભોળું એમનું હૃદય; એમની ચેતના સમુદ્ર જેવી શાંત ગંભીર હતી. બડેદાદા સાચે જ પ્રજ્ઞાવાન પુરુષ હતા. હિન્દુ ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રોનો એમનો અભ્યાસ તલસ્પર્શી અને ઊંડો હતો. પ્રકાંડ પંડિત હોવા છતાં હંમેશાં ફૂલ શા હળવા અને પ્રફુલ્લ રહેતા. જ્ઞાન ગુમાનની ગાંસડી એમણે ક્યારે ય શિરે નહોતી ઉપાડી. એમનું વ્યક્તિત્વ પ્રાચીન ઋષિઓ જેવું હતું. પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ એમના હેતાળ હૈયાને પારખી ગયેલાં – ચકલાં, ખિસકોલાં તો નિર્ભયતાથી પોતાના માળામાં રમતાં હોય એમ, બડેદાદાના શરીર પર આવીને બેસતાં, ગેલ કરતાં!

બડો દા’નું પૂરું નામ દ્વિજેન્દ્રનાથ ઠાકુર (ટાગોર). બાપુ પ્રત્યે એમને ખૂબ જ પ્રેમ અને આદર હતો. બાપુના અવતારકાર્યને એ દૃષ્ટા ઋષિએ ઓળખી લીધું હતું. ભારતની જ નહીં, પણ સમસ્ત માનવજાતની મુક્તિનો મંત્ર બાપુની સાધનામાં એમણે જોઈ લીધો હતો.

બાપુ પ્રથમ વાર શાંતિનિકેતન ગયા ત્યારે એમણે પહેલી જ વાર બડેદાદાના દર્શન કર્યાં. ત્યારે બાપુએ કહેલું : ‘ભારતવર્ષના પ્રાચીન ઋષિની જીવન્ત મૂર્તિ આજે મને જોવા મળી ! આજ સુધી મેં કેવળ પુસ્તકોમાં જ વાંચેલું. જે પશુ પંખીઓ માત્ર અવાજ સાંભળીને ભયથી નાસી છૂટે છે તેઓ બડેદાદા પાસે પ્રેમથી આવીને ખેલકૂદ કરે છે! મૈત્રી અને પ્રેમની જ આ લીલા છે!’

બાપુએ જ્યારે એમને ‘બડો દા’ !’ કરીને બોલાવ્યા ત્યારે તેઓ ખૂબ હસ્યા. પછી બાપુને કહ્યું : “તમે વયમાં મારાથી નાના છો પણ કર્મે મારાથી શ્રેષ્ઠ છો. તમે તો અનંત ગુણવાળા મોહન કૃષ્ણ છો, જ્યારે હું તો તમારો ગુણહીન ગાંડો બલરામ દાદા છું! પણ હું તમને ચાહીશ. દુઃખની વાત છે કે હવે હું ઘરડો થવા લાગ્યો છું. તમારી સાધનાની સિદ્ધિ જોવાનું મારા નસીબે નથી લખાયું, એટલે નહીં જોઈ શકું. પણ એટલું તો હું આજે અત્યારે ય જોઈ શકું છું; કે દરેક યુગમાં જે મહાન ઋષિમુનિઓ થઈ ગયા છે તેમની જ પરંપરામાં તમે આવો છો. ભીષ્મ, વિદુર, મહાવીર, બુદ્ધ, કબીર, તથા નાનક જેવા મહાપુરુષો આ જ રસ્તે ગયા છે. આ સાધકોની ધારા લાંબા કાળથી અણખૂટ વહી છે. એ ધારા સુકાવા આવી હતી ત્યાં તમે આવી એને ઝડપથી વહેતી કરી દીધી છે. ભારતની એ શાશ્વતધારાને અખંડિત રાખવાનો પુરુષાર્થ એ જ તમારું અવતારકાર્ય છે.

આમ શ્રેષ્ઠ તો તમે જ છો. પણ જ્યેષ્ઠ તો હું જ છું. તમે મને ‘બડેદાદા’ કહો છો એટલે મોટાભાઈના નાતે આશીર્વાદ આપું છું કે તમારી સાધના અમર તપો! ભારત આઝાદ થશે તે પછી પણ તમારી સાધનાની દેશને જરૂર રહેશે જ.”

દ્વિજેન્દ્રનાથ અને રવીન્દ્રનાથ ઠાકુર

બડેદાદાને સૌથી નાનાભાઈ રવિ – રવીન્દ્રનાથ ઠાકુર પર ખૂબ જ વહાલ. કવિ વિશ્વપ્રેમના સિદ્ધાંતનો પ્રચાર કરતાં તેની તેમને જાણ હતી. છતાં બાપુની જીવનદૃષ્ટિ અને યુગકાર્યમાં બડો દા’ને અનન્ય શ્રદ્ધા-ભક્તિ હતી. કવિ જ્યારે સિદ્ધાંતની બાબતમાં બાપુથી જુદા પડતા ત્યારે બડેદાદાને દુઃખ થતું. બાપુના અસહકાર આંદોલન સાથે જ્યારે કવિ સંમત ન થયા ત્યારે બડેદાદાને ખૂબ જ દુઃખ થયેલું. એમણે તો બાપુને એક ગુપ્ત કાગળ પણ લખ્યો : “રવિ ખોટે માર્ગ જઈ રહ્યો છે. જ્યારે ભારતમાતા પોતાના નવા પુત્ર ‘સ્વરાજ’ને જન્મ આપવા પ્રસૂતિ પહેલાંની પીડા સહન કરી રહી છે; ત્યારે રવિ ગાવા-બજાવવામાં રત છે. તે વિશ્વબંધુત્વના વૃક્ષની ડાળો પર પાણી છાંટી રહ્યો છે, પણ એનાં મૂળ તો પાણીના અભાવે સૂકાઈ રહ્યાં છે ! હું હાર્દિક રીતે દુઃખી છું. તમે જ મારી આશાના ધ્રુવતારક છો. ઈશ્વર તમારા પર અહોર્નિશ આશીર્વાદ વરસાવતા રહો!”

બાપુ ગુરુદેવની વિશ્વવ્યાપી પ્રતિભાને બરાબર જાણતા હતા. ક્ષુદ્ર રાગદ્વેષથી પર એવા એમના ઉદાર હૃદયને ઓળખતા હતા. તેથી એમણે બડેદાદાને વળતા જવાબમાં લખ્યું કે, “આપ રવિબાબુ વિશે ચિંતા ન કરશો. તેઓ જે કંઈ લખે છે તે સદ્ભાવથી લખે છે. હું તેમને મળીશ ત્યારે આ અંગે વાતચીત કરીશ.”

સ્વાભાવિક ભોળપણને કારણે બડેદાદા એમ જ માનતા કે નાના રવિમાં જરૂરથી વધારે ઉત્સાહ અને કલ્પનાશક્તિ છે; અને તેને પ્રસંગોપાત નિયંત્રણમાં રાખવાની જરૂર છે! એક દિવસ સવાર સવારમાં કવિને બોલાવીને ઠપકો આપતા કહેવા લાગ્યા : “રવિ, તારી સંસ્થાને ગાંધીજીને કેમ સોંપતો નથી? ભારતને એમણે જે રીતે જાગ્રત કર્યું છે તેમ તો તું ક્યારે ય કરી શકવાનો નથી.” એ જ દિવસે સાંજે વળી એમને ડંખવા લાગ્યું કે રવિને સવારમાં નકામો ઠપકાર્યો! એમણે વિચાર્યું કે સમસ્ત સંસ્કૃતિઓનું આતિથ્ય કરવાનો રવિનો આદર્શ તો બહુ જ ઊંચો છે, પણ એ આદર્શને સમજનારાં કેટલાં? એ આદર્શ સુધી પહોંચતા દેશને યુગો લાગશે. વળી રવિની તબિયત પણ હમણાં સારી રહેતી નથી. એ પ્રવૃત્તિનો ભાર ઉપાડી શકે એમ નથી એ જ વસ્તુ ચિંતાજનક છે.

26મી નવેમ્બર 1925ના રોજ બડેદાદાનું અવસાન થયું ત્યારે બાપુએ ‘યંગ ઈન્ડિયા’માં એમને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું : ‘બડેદાદા ચાલ્યા ગયા.’

આવા હતા બાપુના બડેદાદા.

06 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 304

Loading

‘સચ વિલ બી માય ફ્રી નેશન’… જલિયાંવાલા હત્યાકાંડની ભીતરમાં 

Opinion - Opinion|5 May 2025

ગાંધી માટે સવાલ એ હતો કે શહેર અહિંસાને સમજશે કે નહીં અને હૉર્નીમન માટે સવાલ એ હતો કે સત્યાગ્રહ બ્રિટિશ શાસન પર દબાણ લાવી શકશે કે નહીં. 6 એપ્રિલની સત્યાગ્રહ–સભાની 24 કલાકની હડતાલની ઘોષણા ઘણી રીતે આ બંનેની વચ્ચે ક્યાંક હતી. આ સભા પછી બરાબર એક અઠવાડિયા બાદ 13 એપ્રિલે અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો. બ્રિટિશ–ભારતીય પત્રકાર અને ‘ધ બૉમ્બે ક્રોનિકલ’ના તંત્રી બી.જી. હૉર્નીમને સરકારી સેન્સરશીપ છતાં હત્યાકાંડ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ઊહાપોહ જગાડ્યો હતો … 

સ્વાતંત્ર્યસેનાની, કવિ, લેખક અને ઇતિહાસકાર હઝારાસિંહે રોલેટ એક્ટના વિરોધમાં મહાત્મા ગાંધી અને બી.જી. હૉર્નીમનનું સાથે હોવું બહુ સમજપૂર્વક આલેખ્યું છે, ‘ગાંધી માટે સવાલ એ હતો કે શહેર અહિંસાને સમજશે કે નહીં અને હૉર્નીમન માટે સવાલ એ હતો કે સત્યાગ્રહ બ્રિટિશ શાસન પર દબાણ લાવી શકશે કે નહીં. 6 એપ્રિલની સત્યાગ્રહ-સભાની 24 કલાકની હડતાલની ઘોષણા ઘણી રીતે આ બંનેની વચ્ચે ક્યાંક હતી.’

બી.જી. હૉર્નીમન

આ સભા પછી બરાબર એક અઠવાડિયા બાદ 13 એપ્રિલે અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો. બ્રિટિશ-ભારતીય પત્રકાર અને ‘ધ બૉમ્બે ક્રોનિકલ’ના તંત્રી બી.જી. હૉર્નીમને લખ્યું, ‘આવા રાક્ષસી કૃત્યથી ઇંગ્લેન્ડની સંસ્કારી પ્રજાને ઊંડો ખેદ થયો છે.’ સરકારે સેન્સરશીપ મૂકી હતી છતાં તેમણે હત્યાકાંડ વિરુદ્ધ લેખો લખ્યા, સાક્ષીઓની મુલાકાતો છાપી અને તસવીરો સાથે વિગતો બ્રિટનમાં પણ પહોંચાડી ને લખ્યું કે ‘ડાયરના આ કૃત્યને લીધે લોકોની બ્રિટિશ શાસન પરની શ્રદ્ધા બહુ ખરાબ રીતે ડગી ગઈ છે.’ ત્યાંના ‘ડેઇલી હેરાલ્ડ’માં આ બધું છપાયું. અન્ય અખબારોએ પણ વખોડી કાઢતી નોંધ લીધી. આમ બી.જી. હૉર્નીમને જલિયાંવાલા હત્યાકાંડ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ઊહાપોહ જગાડ્યો હતો. આપણને ખબર છે કે મુંબઈના પ્રખ્યાત હૉર્નીમન સર્કલનું નામ આ બહાદુર, ન્યાયપ્રેમી, એન્ટિ-બ્રિટિશ અંગ્રેજના નામ પરથી છે? 

2019માં જલિયાંવાલા હત્યાકાંડને સો વર્ષ પૂરાં થયાં. ઇતિહાસકારો કહે છે કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ એ ભારતમાં અંગ્રેજી શાસનના અંતની શરૂઆત હતી. 1914માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે બ્રિટન તરફથી લડવા માટે ભારતના સાડાબાર લાખ સૈનિકો મોકલાયા હતા., જેમાંના 60,000થી વધારેએ પ્રાણ ગુમાવ્યા. અંગ્રેજ સૈન્ય યુદ્ધ લડતું હતું અને તેને માટે અનાજ, નાણાં અને હથિયારોનો જંગી જથ્થો ભારતથી મોકલાતો હતો. ભારતને આશા હતી કે આ મદદની કદર થશે, પણ યુદ્ધ પૂરું થયા બાદ અંગ્રેજોએ સ્વાતંત્ર્યની માગણી કરતા નેતાઓને કેદ કર્યા. ઉપરથી રોલેટ જેવો અન્યાયી કાયદો ઠોકી બેસાડ્યો. એપ્રિલની શરૂઆતમાં પંજાબમાં આનો વિરોધ થયો ત્યારે પંજાબના ગવર્નર ઑડવાયરે જનરલ રેજિનોલ્ડ ડાયરને તે શમાવવાની કામગીરી સોંપી. અમુક ઇતિહાસકારો માને છે કે જલિયાંવાલા બાગમાં શું કરવાનું છે તે પહેલેથી નક્કી હતું. 

જનરલ ડાયર અમૃતસર આવ્યા પછી તરત પોલીસ પ્રતિબંધ છતાં જલિયાંવાલા બાગમાં એક સભા ભરાઈ હતી. દસેક હજાર માણસો ભેગા થયા હતા. બધા નિ:શસ્ત્ર હતા અને એમાં આસપાસનાં ગામોમાંથી વૈશાખી ઊજવવા આવેલા ખેડૂતો પણ સામેલ હતા. જલિયાંવાલા બાગ વિશાળ ખુલ્લી જગ્યા છે. તેની ત્રણ બાજુ ઊંચી દીવાલ છે. બહાર નીકળવાનો માર્ગ સાંકડો છે. આ સાંકડા માર્ગ પર જનરલ ડાયરે પોતાના હથિયારબંધ સિપાઈઓને ગોઠવ્યા અને કશી ચેતવણી આપ્યા વિના ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. રાઈફલના 1,650 રાઉન્ડ છૂટ્યા, લાશોના ઢગલા થયા, કેટલા ય માણસો નાસભાગમાં કચડાઈ મર્યા. ગોળીથી વીંધાયેલી દીવાલો પર મોડી રાત સુધી ઘાયલોના ચિત્કાર પડઘાતા રહ્યા. 

દસ જ મિનિટમાં પતી ગયેલા આ કાંડના પડછાયા ખૂબ લાંબા હતા. બીજા દિવસે જનરલ ડાયરે ખુલ્લી ધમકી આપી, ‘હું સૈનિક છું. ચોખ્ખા શબ્દોમાં વાત કરું છું. તમારે લડવું હોય તો સરકાર તૈયાર છે, પણ જો શાંતિ જોઈતી હોય તો મારા હુકમો માનવા પડશે.’ આટલું જ નહીં, પોતાના કૃત્યને ‘જરૂરી’ અને વ્યાપક અસર પાડનારું ગણાવી જનરલે કહ્યું કે ‘વધારે ગોળીઓ હોત તો મેં ગોળીબાર ચાલુ રખાવ્યા હોત.’ પંજાબના ગવર્નરે હત્યાકાંડને ટેકો આપતાં માર્શલ લૉ જાહેર કર્યો. દિવસો સુધી ઘરની બહાર નીકળે તેને 200 વાર સુધી પેટે ઘસડાઈને ચાલવાની શિક્ષા થતી. ડૉક્ટરો કે દૂધ-શાક જેવી જરૂરી ચીજવસ્તુઓ વેચનાર પણ તેમાંથી બાકાત ન હતા. ઔપચારિક રીતે 400 મૃત્યુ અને 1,200 ઘાયલની જાહેરાત થઈ, પણ સાચો આંકડો ઘણો મોટો હતો.

વાઈસરૉય ચેમ્સફર્ડે હત્યાકાંડની ટીકા કરી. સ્ટેટ સેક્રેટરી મોન્ટેગ્યુએ બનાવની તપાસ માટે સ્કૉટિશ જજ લોર્ડ હન્ટરના નેતૃત્વમાં હન્ટર કમિશન બેસાડ્યું. ડાયરને નિવૃત્ત કરી યુરોપ મોકલી દેવાયા. રુડયાર્ડ કિપલિંગે ડાયરને યુરોપનું કલંક કહ્યા તો ચર્ચિલે ડાયરને ભારતના રક્ષક કહ્યા અને તેમણે માટે 26,000 પાઉન્ડનું વિશેષ ભથ્થું એકઠું કરાવ્યું જેની ભારત અને યુરોપમાં ઘણી ટીકા થઈ. ટાગોર અને દેશબંધુએ આ ઘટનાને ‘ભીષણ કૃત્ય’ તરીકે વર્ણવી. ગાંધીજીએ કહ્યું, ‘આ થોડાં શરીરો પરનો નહીં, દેશના આત્મા પરનો હુમલો છે.’

ઑડવાયર અને ડાયરનો કાળ બ્રિટિશ ગેરવહીવટનો કાળ મનાય છે. ભારતની ધૈર્યવાન જનતા અનેક સમસ્યાઓ વચ્ચે પણ બ્રિટિશ શાસનના ન્યાય પર વિશ્વાસ રાખતી હતી. જલિયાંવાલા હત્યાકાંડથી આ વિશ્વાસ તૂટ્યો. લોકોનું લોહી ઊકળી ઊઠ્યું. રાષ્ટ્રપ્રેમ પ્રજ્વલિત થયો. ઠેર ઠેર હડતાળો પડી. વિદ્રોહી ક્રાંતિકારીઓની સક્રિયતા વધી ગઈ. પછીના વર્ષે મહાત્મા ગાંધીએ પહેલો રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહ શરૂ કર્યો. એ જ વર્ષે ઝીણાએ નાગપુર કાઁગ્રેસ છોડી. ભાગલાનું બી વવાયું.

1920 પછી બ્રિટિશ શાસનના પાયા ડગમગવા લાગ્યા. હિન્દુ-મુસ્લિમ હુલ્લડ અને સ્વતંત્રતાની સતત માગણીએ સરકારના નાકે દમ લાવી દીધો. સરકારે નાના નાના બંધારણીય સુધારા આપી આપીને બધું ઠંડું પાડવાનો પ્રયત્ન કર્યો, પણ આ સુધારા એટલા ઓછા, એટલા અપૂરતા હતાં કે કાઁગ્રેસ કે મુસ્લિમ લીગને તેનાથી સંતોષ થયો નહીં ને કોમી હિંસા પણ અટકી નહીં. બીજા વિશ્વયુદ્ધ પછી સદીઓથી શાસન કરતાં અંગ્રેજોએ વિદાય લીધી. ભારતે આંતરવિગ્રહ, સામૂહિક હિજરત અને ભાગલા સાથેનું લોહિયાળ સ્વાતંત્ર્ય મેળવ્યું. 

ડાયરને પોતે જે કર્યું તેનો અફસોસ તો ન હતો, પણ તેની ગંભીરતા પણ કદાચ છેક સુધી સમજાઈ ન હતી. 1921ની 21 મી ફેબ્રુઆરીએ ‘ગ્લોબ’માં પ્રગટ થયેલા એક લેખમાં એમણે લખ્યું હતું, ‘ભારતીયોમાં સ્વતંત્રતાને સમજવાની કે ફ્રી પ્રેસ અને ફ્રી સ્પીચનો અધિકાર વાપરવાની બુદ્ધિ નથી. ભારતને એક કડક સરમુખત્યારની જરૂર છે. ગાંધી અંગ્રેજ સરકારનો વિરોધ કરે છે, પણ તેનામાં સક્ષમ સરકાર ઊભી કરવાની તાકાત નથી. બ્રિટિશ શાસન ચાલુ રહે તેમાં જ ભારતનું ભલું છે.’ 

1927માં ડાયરનું મૃત્યુ થયું. શીખ ક્રાંતિકારી સરદાર ઉધમસિંહે ઓડવાયરની હત્યા કરી અને પોતે ફાંસીએ ચડી ગયો. ગાંધીજીએ એ કૃત્યને અવિચારી કહ્યું, પણ ઉધમસિંહની શહાદતથી ભારતમાં નવી ઊર્જા આવી. 

બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર જલિયાંવાલા હત્યાકાંડને બ્રિટિશ શાસનનું કાળું પ્રકરણ કહે છે. 1997માં રાણી એલિઝાબેથ અમૃતસર આવ્યાં ત્યારે તેમણે કહ્યું કે ‘જલિયાંવાલા બાગમાં જે થયું તે નહોતું થવું જોઈતું, પણ ઇતિહાસને ફરી લખી શકાતો નથી.’ એમના પતિ પ્રિન્સ ફિલિપે આખા બનાવને ‘અતિશયોક્તિભર્યો’ કહી વિવાદો નોતરી લીધા હતા. થોડાં વર્ષ પહેલા ભારતની મુલાકાતે આવેલા તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરુને કે જલિયાંવાલા બાગ શહીદ સ્મારક પર પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે 1919નો હત્યાકાંડ શરમજનક અને રાક્ષસી કૃત્ય હતું. 

કવિ અંશુલ ગુપ્તા લખે છે, ‘તમારી ગોળીએ મારા બાળકનો પ્રાણ લીધો. તમારી તરસ સંતોષાઈ ન હોય તો મારો જીવ પણ લો. ગમે તેટલું લોહી વહાવશો, મારી માભોમને સ્વતંત્ર થતાં નહીં રોકી શકો. મારો દેશ આઝાદ થશે, માનવતાનું સંતાન બનશે. નહીં ગોળી હોય, નહીં બૉમ્બ. સૌ સરખા હશે, બધે શાંતિ હશે – ધેટ ઈઝ અવર ડેસ્ટિનેશન, સચ વિલ બી માય ફ્રી નેશન …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 ઍપ્રિલ  2025

Loading

જાતિ આધારિત જનગણનાના લાભ છે, તો ગેરલાભ વધારે છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 May 2025

રવીન્દ્ર પારેખ

કોરોનાને કારણે વસ્તી ગણતરી 2011માં થઈ ન શકી, પણ સ્થિતિ સામાન્ય થવા છતાં તે ન જ થઈ અને પહેલગામમાં થયેલ આતંકી હુમલાનો કેન્દ્ર સરકાર કેવોક પ્રતિભાવ આપે છે તેની દેશ રાહ જોઈ રહ્યો છે, ત્યારે સરકારે વસ્તી ગણતરીનો નવો ફણગો ફોડ્યો છે. આ ધ્યાન હટાવવા હોય કે વસ્તીનું ધ્યાન ધરવા હોય, તે સરકાર જાણે, પણ ઓકટોબર-નવેમ્બરમાં આવી રહેલી બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર સંભવત: વસ્તી ગણતરી આગામી સપ્ટેમ્બરમાં શરૂ કરે એમ બને, સિવાય કે બીજી કોઈ એવી ઘટના બને ને પ્રજાનું ધ્યાન બીજી દિશાએ વાળવું પડે તો વાત જુદી છે. 

ગઈ 30 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવાયો. જો વસ્તી ગણતરી થાય છે, તો આ વખતે મહત્ત્વ એ વાતે વધે એમ છે કે તે સ્ત્રી-પુરુષની સંખ્યાના આંકડા કે SC, ST જાતિ આધારિત ગણતરી પૂરતી સીમિત નહીં હોય, પણ આખા દેશની દરેક જાતિ, દરેક જ્ઞાતિની ગણતરી પણ તેમાં હશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ આ વખતે મૂળ વસ્તી ગણતરીમાં જાતિની ગણતરી પણ હશે. આ ગણતરી બે’ક વર્ષમાં પૂરી કરવાનો સરકારનો ઇરાદો છે. એના આંકડા 2027ની શરૂઆત સુધીમાં આવે એવી ધારણા છે. 

આવો પ્રયત્ન અંગ્રેજી શાસકોએ 1931માં કર્યો હતો, તે પછી સ્વતંત્ર ભારતમાં આ પહેલો પ્રયત્ન છે. 2011માં મનમોહન સિંહની સરકારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રયત્ન થયો હતો. 25 કરોડ શહેરી અને ગ્રામીણ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, પણ કોઈક કારણસર તેના આંકડાઓ જાહેર ન થયા. એટલું છે કે કર્ણાટક, બિહાર જેવાં રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડાઓ જાહેર થયા હતા. એ પણ ખરું કે જાતિનું ખાનું હવે અનિવાર્યપણે ભરવાનું થશે. કાઁગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણા વખતથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા હતા ને હવે કેન્દ્ર સરકારે તેના પર મંજૂરીની મહોર મારી છે, એટલે કાઁગ્રેસ અને અન્ય વિપક્ષો તેનું શ્રેય લેવા હોડ બકે એમ બને. એ જુદી વાત છે કે સ્વતંત્રતા પછી નહેરુથી લઈને નરસિંહરાવની સરકારો આવી, પણ કોઈને જાતિ આધારિત જનગણનાનો વિચાર આવ્યો ન હતો.

એક વાત બહુ સ્પષ્ટ છે કે જાતિ આધારિત ગણતરીનો લાભ કોઈ પણ પક્ષ જતો કરે એમ નથી, એટલે અન્ય જાતિઓની જેમ મુસ્લિમોની પણ જાતિ આધારિત ગણતરી થશે, તે એટલે કે મુસ્લિમોમાં ઘણી પછાત જાતિઓ છે. તેની પણ ગણતરી થશે. આની મુશ્કેલી એવી થઈ શકે કે યોજનાઓનાં અમલીકરણ સંદર્ભે અનામતનો મુદ્દો સપાટી પર આવે. તે સાથે જ મુસ્લિમ મહિલાઓ અંગે પણ વિચારવાનું આવે. અત્યાર સુધીમાં SC, STના જાહેર થતા આંકડાઓ સંદર્ભે લોકસભા અને રાજ્યસભામાં અનામત બેઠકોની જોગવાઈ છે. હવે બધી જ જાતિઓની ગણતરીના આંકડાઓ બહાર પડે તો અનામતની માંગ વધે ને બધાંને માટે એ વ્યવસ્થા થાય જ એની ખાતરી નથી. જાતિગત વસ્તી ગણતરીનો રાજકીય લાભ લેનારાઓ કેટલીક નવી મુશ્કેલીઓ નોતરે એમ બને. જાતિગત વસ્તી ગણતરીનો આગ્રહ રાખનાર કાઁગ્રેસને એવું છે કે તે સત્તામાં આવે તો અનામતની 50 ટકાની મર્યાદા વધારવા બંધારણીય કોશિશ કરે, પણ એ તો સત્તામાં આવે ત્યારે, પણ સત્તામાં ભા.જ.પ. જ હોય તો તે જાતિગત ગણતરીના આંકડા જાહેર થયા પછી, એ જાતિ-જ્ઞાતિની માંગને સંતોષવા શું કરશે તે પ્રશ્ન જ છે. એ પણ વિચારવાનું રહે કે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.ને સરકારી યોજનાઓમાં અત્યારે પણ 50-75%ને લાભ મળતો જ હોય, તો એ આંકડો હજી કેટલો વધારવો છે એનો ખુલાસો થવો જોઈએ. કોર્ટે આરક્ષણની મર્યાદા 50 ટકા સુધી સીમિત રાખી છે, તો એની ઉપરવટ જવા જેવું ખરું? 

કદાચ એટલે જ ભા.જ.પ. સરકાર એક તબક્કે જાતિગત વસ્તી ગણતરી માટે તૈયાર ન હતી. જો કે, બિહારમાં ભા.જ.પે. જાતિગત વસ્તી ગણતરીને ટેકો આપ્યો હતો. હવે તે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને, વિપક્ષનું પોતે પણ સાંભળે છે એમ બતાવીને હાથ ઉપર રાખી શકે. બાકી, આ જ એન.ડી.એ.એ કાઁગ્રસ અને અન્ય વિપક્ષો પર જાતિગત વસ્તી ગણતરી દ્વારા દેશને વિભાજિત કરવાનો આરોપ મૂક્યો હતો. બને કે બિહારની ચૂંટણી આવી રહી છે તો મુખ્ય મંત્રી નીતીશકુમારે જાતિગત વસ્તી ગણતરીનો આગ્રહ રાખ્યો હોય ને પોતાના ટેકેદારનું મોદી સરકારે માન રાખ્યું હોય ! એ ઉપરાંત આર,એસ,એસ, પણ જાતિગત વસ્તી ગણતરીના વિરોધમાં નથી એ ખબર હોવાથી ભા.જ.પ.નું મન બદલાયું હોય એમ બને. જો કે, સંઘે રાજકીય લાભ ન લેવાની વાત કરી છે, પણ તેને પણ ખબર છે કે રાજકીય લાભ વગર કોઈ લોટે એમ નથી.   

જાતિગત ગણતરીનો ભા.જ.પ.ને વાંધો હોય તો પણ, ચૂંટણીમાં ટિકિટ ફાળવવાથી માંડીને ખાતાંની વહેંચણીઓમાં જાતિ ન જોવાઈ હોય એવું અપવાદરૂપે ભા.જ.પ.માં તો શું, કોઈ પક્ષમાં બન્યું નથી. આ લાલાઓ લાભ વગર લોટે એમ જ નથી. બધાએ જ અંદાજે 55 ટકા OBC પર રમવું છે. OBC ગોળનું એવું ઢેફું છે કે કોઈ પણ પક્ષ એનાં પર બણબણ્યા વગર ન રહે. જાતિગત વસ્તી ગણતરીની સાથે જ વસ્તીનાં આંકડા બહાર આવે તો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં કેટલી સીટો રાખવી કે એમાં કયા વિસ્તારો સમાવવા એ સ્પષ્ટ થઈ શકે. વાજપેયી સરકારે 25 વર્ષ માટે સીમાંકન પર રોક લગાવી હતી. એ સીમા 2026માં પૂરી થાય છે. ત્યાં સુધીમાં જાતિગત વસ્તી ગણતરી પૂરી થઈ જાય છે, તો નવા આંકડાઓ આવતા, તે મુજબ સીમાંકનનો નિર્ણય થઈ શકે. 

એક તરફ આપણે જાતિવાદથી ઊભરવાની વાત કરીએ છીએ, આંતરજ્ઞાતીય લગ્નો દ્વારા જાતિના આગ્રહો જતાં કરીએ છીએ, ત્યાં જાતિગત વસ્તી ગણતરી જાતિભેદ સ્પષ્ટ કરે કે જાતિ-જ્ઞાતિની ધાર વધુ કાઢે ને એ આગળ જતાં નવી આભડછેટને જન્મ આપે એવું નથી લાગતું? 2011ની જનગણના મુજબ દેશમાં 46 લાખ જાતિ, ઉપજાતિઓ છે. જાતિગત જનગણના વગર જો આટલી જાતિઓ અસ્તિત્વ ધરાવતી હોય, તો જાતિગત જનગણના થતાં એ ખાઈ વધુ પહોળી થાય એવું ખરું કે કેમ? આપણે એ કેવી રીતે ભૂલી શકીએ કે અનેક જાતિ-વર્ગમાં વહેચાયેલા હોવાથી આપણામાં સંપ ન હતો. એને લીધે જ તો વિદેશી પ્રજાઓ આ દેશ પર રાજ્ય કરવામાં સફળ રહી. હવે એ જ જાતિ ગણનાને સ્પષ્ટ કરવા જતાં ફરી ભૂતકાળ તરફ ગતિ કરી રહ્યા છીએ એવું, નહીં? જાતિની જાણકારી હોય એ સારી વાત છે, પણ એ જાણ્યા પછી, સામે આવેલી બધી જાતિઓને સંતોષ થાય એવું આયોજન આ દેશમાં શક્ય છે? આટલી જાણકારી પછી પણ જાતિઓ વચ્ચેનો સંઘર્ષ ને અસંતોષ સપાટી પર આવી જતો હોય, તો જાતિગત ગણતરીઓ પછી એ અસંતોષ ને સંઘર્ષ વધુ જોર પકડે એવું, નહીં? આ પ્રજાને સરકારે વધુ આળસુ ને ટુકડાઓ પર જીવતી કરી છે. જાતિની સાચી વિગતો બહાર આવતાં આ પ્રજા વધુ માંગતી ને વધુ આળસુ થાય તો તેનાં સંભવિત પરિણામો અંગે પણ વિચારવાનું રહે. 

મુસ્લિમો, ઈસાઈઓ ને અન્યોની ગણતરીની પણ વાત છે. એની પેટા જ્ઞાતિઓ વચ્ચે પણ માંગ અને અસંતોષ ચાલ્યો જ આવે છે. આજકાલ પસમાંદા મુસ્લિમો (અજલાફ અને અરજાલ) પોતાના હકની લડાઈ લડી જ રહ્યા છે. ખ્રિસ્તીઓમાં પણ દલિત ખ્રિસ્તીઓ પોતાને અનુસૂચિત જાતિમાં ગણવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. જાતિઓ વધુ સ્પષ્ટ થશે તો માંગ અને અસંતોષ જ વધશે કે બીજું કૈં? એ કેવું વિચિત્ર છે કે ભા.જ.પ. એક સમાવેશી, સશક્ત અને સમૃદ્ધ સમાજ ઈચ્છે છે ને એ જ જાતિગત ગણના દ્વારા જાતિ-જ્ઞાતિ વચ્ચેની ખાઈ વધુ પહોળી કરવાની દિશામાં સક્રિય છે. એક તબક્કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જે કોઈ જાતિની વાત કરશે તેને લાત મારવાનું કહ્યું હોય, તે પણ જાતિ આધારિત જનગણનાના કેબિનેટના નિર્ણયની આરતી ઉતારે, એ પણ કમાલ જ છે ને ! ભા.જ.પ. પ્રમુખ જે.પી. નડ્ડા પણ જાતિ આધારિત જનગણનાની ટીકા કરતા હતા, તે પણ જાતિ ગણતરી સંદર્ભે, ‘આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા અને લાંબા સમયથી તેમના અધિકારોથી વંચિત લોકોના ગૌરવને પુન:સ્થાપિત કરવાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્ત્વપૂર્ણ છે’, જેવી સ્તુતિ કરે તે પણ કમાલ જ છે. ખુદ વડા પ્રધાન કહેતા હતા કે મારે માટે તો ચાર જ વર્ગ છે – ગરીબ, યુવાન, ખેડૂત અને મહિલા. સરકારની દરેક યોજના આ રીતે જ પ્રજાને વિભાજિત કરીને ઘડવામાં આવશે. હવે એમને અનેક જાતિઓની ગણનાનો વાંધો નથી.   

એ ખરું કે જાતિ, ભારતીય રાજનીતિમાં ઘર કરી ગઈ છે, એ સ્થિતિમાં કઈ જાતિના કેટલા લોકો છે એની વિગતો બહાર આવે તો તેમને માટે કલ્યાણકારી યોજનાઓનું સુચારુરૂપથી આયોજન થઈ શકે. જાતિ અનિવાર્ય અનિષ્ટ છે, એ સ્વીકારીને પણ યોજનાઓ ઘડવા સિવાય ચાલે એમ નથી. એનાં પરિણામો કે દુષ્પરિણામોની તૈયારી રાખીને પણ, જાતિનો મહિમા કર્યા વગર કોઈ રાજકીય પક્ષને ચાલ્યું નથી. જોવાનું એ રહે કે જાતિ આધારિત જનગણના જાતિવાદની રાજનીતિનો શિકાર ન બને. જાતિગત ગણના ભારતીય સમાજનાં વિભાજનમાં પરિણમે એવી દહેશત રહે છે. આવી શંકા એટલે છે કે રાજકીય પક્ષો જાતિની રાજનીતિ કરવાનું કદી ચૂકતા નથી. જાતિગત જનગણના વંચિતો, પીડિતોનાં ઉત્થાન માટે હોય તો, તો સોનામાં સુગંધ ભળે, પણ સવાલ એ છે કે એવું છે ખરું? 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 મે 2025

Loading

...102030...348349350351...360370380...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved