
મનસુખભાઈ સલ્લા
દેશના ભ્રષ્ટ વ્યવહારો અને કથળેલી સ્થિતિ જોતાં એવી શંકા જાગે કે શું આ દેશમાં ગાંધીજી થયા હતા? આ દેશે અહિંસક માર્ગે સ્વરાજ મેળવ્યું હતું? સ્વરાજપ્રાપ્તિ માટે હજારો લોકોએ સ્વેચ્છાએ કષ્ટો વેઠયાં હતાં? ફક્ત 70 વર્ષના ટૂંકા ગાળામાં જાણે કે પ્રજા આ ભૂલીને વર્તી રહી હોય તેવું લાગે છે. સાથે જ એ પણ સમજવા જેવું છે કે સ્વરાજપ્રાપ્તિ વખતે દેશની વસ્તી 35 કરોડ આસપાસ હતી. 80 કરોડ જેટલી નવી વસ્તીને સ્વરાજનાં મૂલ્યો કે દેશપ્રીતિ માટે સ્વાર્પણ અને ત્યાગનો પ્રત્યક્ષ અનુભવ જ નથી. બીજી બાજુ આપમતલબી અને ટૂંકનજરિયા રાજકીય આગેવાનોએ પ્રજાને વચનો આપીને અપેક્ષાઓ જગાડવાનું જ કામ કર્યું છે. એમનાં જીવન ગાંધીજીનાં મૂલ્યોથી વિપરીત થતાં ગયાં અને ભ્રષ્ટાચારના કળણમાં ખૂંપતાં થયાં છે. એટલે પ્રજા ગાંધીજી કે સ્વરાજની લડતની વાત સાંભળે છે ત્યારે વર્તમાન સ્થિતિ સાથે સરખામણી કરીને નિરાશ થાય છે. બીજી બાજુ, અપેક્ષાના જ્વાળામુખીમાં ફસાયેલો મધ્યમવર્ગ ચાલુ પ્રવાહમાં ફાવી જવા માટે મૂલ્યો, આદર્શો અને સંસ્કારોને બાજુએ મૂકીને “કોઈ પણ રીતે ફાવી જવા” આંધળુકિયાં કરી રહ્યો છે.
… તો આનો ઉપાય છે ખરો? હા, ઉપાય છે અને હાથવગો છે. ફરી ગાંધીનો રસ્તો ગ્રહણ કરવો તે ઉપાય છે. ગાંધીજીની વેષભૂષાનું અનુકરણ તે ગાંધીમાર્ગ નથી, તેમણે આપેલાં જીવનમૂલ્યોનું અનુસરણ એ ગાંધીમાર્ગે ચાલવાનો પ્રારંભ છે.
શું ગાંધીમાર્ગે ચાલવું અતિ કઠિન છે? ‘ના’ અને ‘હા’ બંને જવાબ હોઈ શકે છે. કેવળ સ્વહિત બુદ્ધિથી અને સંકુચિત રીતે વિચારનાર—વર્તનાર માટે ગાંધીમાર્ગ કઠિન છે; પરંતુ પોતાની જેમ અન્યનો વિચાર કરનાર, વિશાળ દૃષ્ટિથી જોનાર અને માનવતાનાં મૂલ્યોની ખેવનાવાળા માટે ગાંધીમાર્ગ અઘરો નથી. એ માર્ગની ખૂબી એ છે કે સ્ત્રી હોય કે પુરુષ, ભણેલા હોય કે અભણ, તવંગર હોય કે ગરીબ, ઉચ્ચ સ્થાને બેઠેલા હોય કે સામાન્યજન— સૌ માટે ગાંધીમાર્ગ શક્ય છે.
(૧) ગાંધીમાર્ગે ચાલવાની સૌથી પહેલી શરત છે—એ આચરણનો ધર્મ છે, કેવળ વાતોનો નહિ.
એક ડગલું એ માર્ગે ચાલતાં પછીનાં ડગલાં મંડાય છે. એટલે બીજા કોઈક પ્રારંભ કરે, હું પાછળ ચાલીશ એ ભાવ છોડીને દરેકે પોતાનાથી પ્રારંભ કરવાનો છે. જેને જેટલું સમજાય તેટલાથી પ્રારંભ કરી દે. એવો પ્રારંભ વસ્તુવપરાશ વિશે હોય, પ્રકૃતિને ઘસારો પહોંચાડવા બાબત હોય, પસંદગીઓ અંગેનો હોય કે સંબંધો અંગેનો હોય. હું બિનજરૂરી સેવાઓ ન વાપરું, કોઈ પણ વસ્તુ વેડફું નહિ, બીજાને અન્યાય ન કરું, કોઈને ય મારાથી ઊતરતા ન ગણું, (અભણ—ગરીબ—અરક્ષિત—સ્ત્રીઓને હું સમાન માનવીય અધિકારનાં હક્કદાર ગણું) – તો મેં ગાંધીમાર્ગે ચાલવાનો પ્રારંભ કર્યો ગણાય. તમામ મનુષ્યો આ કરી જ શકે તેમ છે.
(૨) ગાંધીજીની મહાન દેણ છે અહિંસાની. કેટલાક લોકો કોઈની હત્યા ન કરવી એવો અહિંસાનો સાંકડો અર્થ કરે છે, એ પૂરતું નથી. હિંસા સૂક્ષ્મ પણ હોય છે; અને એ વધારે જોખમી હોય છે. કોઈને પણ હલકા—ઊતરતા—તુચ્છ ગણીને તેને અન્યાય કરવો, તેને અભાવમાં રાખવા, તેમનું ગૌરવ ખંડિત કરવું એ હિંસા છે. એમાં ડ્રાઈવર. માળી ચોકીદાર, મજૂર, ઘરમાં કામ કરનારાં, હાથ નીચે કામ કરનારાં, પડોશીઓ સાથીદારો વગેરે તમામનો સમાવેશ થાય છે. આ સૌ સાથેનો અહિંસક વ્યવહાર એટલે તેમના માનવીય ગૌરવનો હૃદયપૂર્વકનો સ્વીકાર અને તે મુજબનો વ્યવહાર.
ગાંધીજીએ કહ્યું તે પહેલાં સ્વામી વિવેકાનંદે પણ દરિદ્રનારાયણની સેવાની વાત કરી હતી. આજના કેટલાક વિચારકોએ એનો અવળો અર્થ કર્યો છે કે દરિદ્રને દરિદ્ર રાખીને તેને નારાયણ ગણીને સેવા કરવી કે દરિદ્રતાનો મહિમા કરવો. સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીને સાચી રીતે સમજનાર કદી આવું તારણ કાઢી ન શકે. એ બંને તો માનવીય ગૌરવના ઉપાસક હતા.
સમજવા જેવું એ છે કે મનુષ્યનું દારિદ્ર કેવળ આર્થિક નથી હોતું. સાક્ષરતાનું, આરોગ્યનું, તકનું, સમાન વ્યવહારનું, જ્ઞાનનું અને સમજણનું પણ દારિદ્ર હોય છે. એ તમામ પ્રકારનું દારિદ્ર દૂર કરવું એ નારાયણ સેવા છે. જેમને આમાંનું કશુંક પણ વિશેષપણે પ્રાપ્ત થયું છે તેમણે સૌએ આ દર્શન સાથે રાખીને પાછળ રહેલા માટે મથવાનું છે.
માટે ગાંધીજીએ કહ્યું કે, “તમને જ્યારે આ કાર્ય કરવા જેવું છે કે નહિ એવો પ્રશ્ન થાય ત્યારે તમને હું એક તાવીજ આપું છું કે, તમારા કાર્યથી છેલ્લામાં છેલ્લા (unto this last) માણસને લાભ થતો હોય તો એ કાર્ય કરવું અને એને હાનિ પહોંચતી હોય તો ન કરવું.
આ જાગૃતિ અને ખેવના આપણા દેશના આયોજનમાં, અમલમાં, પસંદગીમાં નથી રહી એટલે દેશની માત્ર વસ્તી નથી વધતી, પણ બધાં પ્રકારનાં દારિદ્રો પણ વધતાં જાય છે. સમસ્યા માત્ર આર્થિક નથી, સામાજિક, કૌટુંબિક, બૌદ્ધિક અને ભાવાત્મક પણ છે. કરોડોને થતો આ અન્યાય એ સૂક્ષ્મ હિંસા જ છે. જે અભાવગ્રસ્ત છે તેમને આ તમામ પ્રકારની દરિદ્રતામાંથી મુક્ત કરાવવાના છે. એ જ સાચા અર્થમાં નારાયણની સેવા છે.
આ સ્વરૂપમાં આપણાં વિચારો, નિર્ણયો, પસંદગીઓ અને વ્યવહારો અંગે વિચારીએ અને વર્તીએ તો આપણે ગાંધીમાર્ગના પ્રવાસી છીએ. એવી વ્યક્તિ એક હોય કે હજાર, પણ એમનાથી ન્યાયયુક્ત, સમાનતાલક્ષી, બંધુતાપૂર્ણ, અહિંસક સમાજની દિશામાં આપણે જરૂર આગળ વધશું.
[‘ગાંધીની નજરે દુનિયા’]
21 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 340