
રમેશ ઓઝા
૨૦મી જાન્યુઆરીએ બીજી વાર અમેરિકન પ્રમુખ તરીકે સોગંદ લીધા પછી ડોનાલ્ડ ટ્રમ્પે તરત જ ૨૭મી જાન્યુઆરીએ એક્ઝીક્યુટીવ ઓર્ડર કાઢ્યો હતો કે સંરક્ષણ વિભાગ ઇઝરાયેલ જેવો અમેરિકા માટે આયર્ન ડૉમ વિકસાવે અને તેને તેમણે ગોલ્ડન ડૉમ નામ આપ્યું હતું. આવો એક પ્રયાસ ૧૯૮૦ના દાયકામાં રોનાલ્ડ રેગને કર્યો હતો અને તેને સ્ટારવૉર નામ આપ્યું હતું, પરંતુ એ પછી સોવિયેત સંઘનું પતન થયું અને અમેરિકાએ માની લીધું કે અમેરિકાનો અંતિમ વિજય થઈ ચુક્યો છે અને હવે પછી અમેરિકા માનવજાતની નિયતિ નક્કી કરશે અને વિશ્વનું સંચાલન કરશે. પણ આવું કોઈ માનસિક સુખ ઇઝરાયેલ માટે નહોતું. આજુબાજુના મુસ્લિમ દેશોનું પતન થવાનું હજી બાકી હતું એટલે તેણે કોઈ મિઝાઈલ કે બીજા કોઈ પણ પ્રકારના લશ્કરી હુમલાઓને ટાળવા માટે આયર્ન ડૉમ વિકસાવ્યો અને દાવો કરવામાં આવ્યો હતો કે જગતની કોઈ તાકાત આ ડૉમ એટલે કે લશ્કરી છત તોડીને ઇઝરાયેલ પર હુમલો ન કરી શકે. જગતભરના નગેન્દ્ર વિજયો ઇઝરાયેલના ઓવારણ લેતા થાકતા નહોતા.
પણ ઈરાને ડૉમ તોડીને ઇઝરાયેલ પર હુમલા કર્યા અને એ પણ સફળતાપૂર્વક. ઇઝરાયેલનું પેન્ટેગોન કહેવાય એવા લશ્કરી મથક પર હુમલા કર્યા, હોસ્પિટલ પર હુમલા કર્યા અને હવે વિજ્ઞાનસંશોધન કેન્દ્ર પર હુમલા કર્યા. એમ કહેવાય છે કે ઈરાની હુમલાઓમાં ૨૪ ઇઝરયેલીઓના મોત થયાં છે અને બીજા ૭૦-૮૦ જણ ઘાયલ થયા છે. અમેરિકન પ્રમુખે તોરમાં આવીને ઈરાનને સલાહ (સલાહ નહીં આદેશ) આપી હતી કે ઈરાનીઓ તેહરાન ખાલી કરે અને ઈરાન વિના શરત શરણે આવે. જો એમ નહીં કરે તો અમેરિકાએ યુદ્ધમાં ઉતરવું પડશે અને એ ઈરાન માટે આખરી ક્ષણ હશે. ઈરાને કહી દીધું કે ઈરાન અમેરિકા સાથે પણ યુદ્ધ કરવા તૈયાર છે. ઈરાન કેસરિયાં કરશે પણ પાછળ નહીં હટે. ઈરાનના શાસક અલી ખુમેનીએ અત્યંત નમ્રતાપૂર્વક અમેરિકાને સલાહ આપી હતી કે તે યુદ્ધવિરામ માટે પ્રયાસ કરે અને ઈરાનના અણુકાર્યક્રમ અંગે ચાલી રહેલી વાટાઘાટો પાછી શરૂ કરાવે.
યુદ્ધ કેવું સ્વરૂપ પકડશે અને શું પરિણામ આવશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. ઇઝરાયેલની તાકાત સામે ઈરાનની તાકાતને ગણતરીમાં જ નહોતી લેવાતી. પણ એમ તો રશિયાની તાકાત સામે યુક્રેનની તાકાત પણ ક્યાં ગણતરીમાં લેવામાં આવતી હતી! એવું બને કે ઇઝરાયેલ ઈરાનનો કચ્ચરઘાણ વાળે. એવું બને કે ઇઝરાયેલ ઈરાનના શાસક અલી ખૌમેનીની હત્યા કરે અથવા શાસનમાંથી હટવા મજબૂર કરે. એવું પણ બને કે અમરિકાને યુદ્ધમાં ઉતરવું પડે અને એવું પણ બને કે રશિયા અને ચીન ઈરાનના પડખે ઊભાં રહે. જગતમાં ચારેય બાજુ અસંસ્કારી અને જંગલી ગાંડા શાસકો શાસન કરી રહ્યા છે એટલે ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ કોઈ પણ દિશામાં જઈ શકે છે. અત્યારે તો અમેરિકાએ કહી દીધું છે કે તે બે અઠવાડિયા યુદ્ધમાં નહીં ઉતરે. ગણતરી નાક ન કપાય એ પણ જોઈ શકે છે અને અમેરિકાને પોતાના ખિસ્સામાં સમજીને વર્તન કરનારા ઇઝરાયેલના વડા પ્રધાન નેતાન્યાહુને પાઠ ભણાવવાની પણ હોઈ શકે છે. અમેરિકાને યુદ્ધમાં ઉતારવાની ઇઝરાયેલની રમત હતી એમ પણ કહેવામાં આવે છે. દરમ્યાન બ્રિટને યુદ્ધ રોકીને અણુ વાટાઘાટો પાછી શરૂ કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. આ પ્રયાસ પણ જાન છોડાવવા અમેરિકાને ઇશારે થતા હોય તો નવાઈ નહીં. તેહરાન ખાલી કરો અને શરણે આવો એવો આદેશ આપ્યા પછી ટ્રમ્પ શાંતિની વાત કયા મોઢે કરે!
શું થશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ એટલું ખાતરીપૂર્વક કહી શકાય કે આ જગતમાં કોઈ અજેય નથી. ગણતરીપૂર્વક નિશાન લગાવીને અને તાકાત એકઠી કરીને એક લાફો તો કોઈને ય પણ મારી શકાય. બીજું, ફૂલપ્રૂફ ડીફેન્સ સીસ્ટમ જેવી કોઈ ચીજ હોતી નથી. યુદ્ધ જીતી શકાતાં હતાં એ યુગ જ પૂરો થઈ ગયો છે. ત્રીજું, અમેરિકાની અને ઇઝરાયેલની નાગાઈ અને ઢોંગ ઊઘાડો પડી ગયો છે. ૧૫,૦૦૦ બાળકો સહિત ૫૫,૦૦૦ પેલેસ્ટેનિયોને રહેંસી નાખ્યા ત્યારે માનવતાની યાદ ન આવી અને ૨૪ ઇઝરાયલીઓનાં મોત થયાં ત્યારે માણસાઈની યાદ અપાવવામાં આવે છે! ચોથું, દુનિયાના અમુક દેશો મોટી સંખ્યામાં અણુશસ્સ્ત્રો સુદ્ધાં ધરાવી શકે અને અમુક દેશો અણુકાર્યક્રમ પણ હાથ ધરી ન શકે એ ક્યાંનો ન્યાય? અમુક દેશ જવાબદાર અને અમુક દેશ બેજવાબદાર એવું વર્ગીકરણ કરવાનો ઠેકો અમેરિકાને, પશ્ચિમના દેશોને અને ઇઝરાયેલને કોણે આપ્યો? અમેરિકાએ રક્ષણ કરવાની ગેરંટી આપીને અને એ રીતે યુક્રેન સાથે છેતરપિંડી કરીને ૧૯૯૫માં યુક્રેન પાસે તેનાં અણુશસ્ત્રોનું વિસર્જન કરાવ્યું હતું અને આજે હવે ટ્રમ્પ યુક્રેનના ઝેલેન્સકીને દબડાવે છે. આ ઢોંગ ઊઘાડો પડી ગયો છે અને હું તો એમ કહીશ કે પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે. ઇઝરાયેલ ભલે પશ્ચિમ એશિયામાં છે, પણ તેની સ્થાપના પશ્ચિમમાં જઈ વસેલા અને પશ્ચિમી માનસિકતા ધરાવતા યહૂદીઓએ કરી હતી.
પાચમી વાસ્તવિકતા અને ભારતનાં મુસલમાનોએ ગાંઠે બાંધી લેવાની જરૂર છે કે મુસ્લિમ એકતા જેવી કોઈ ચીજ ક્યારે ય હતી નહીં અને હોઈ શકે નહીં. ઉમ્માહ એક ઇસ્લામિક મીથ છે જે વાગોળવું ગમે, પણ વાસ્તવિકતા સાથે તેને સ્નાનસૂતકનો સંબંધ નથી. એટલે બીજા દેશોના મુસલમાનોની પીડાનો અનુભવ કરીને જ્યાં રહેતા હોય ત્યાં પોતાના માટે પીડા પેદા કરવાની બેવકૂફી નહીં કરવી જોઈએ. હિંદુઓએ આર.એસ.એસ.વાળાઓને અને મુસલમાનોએ તબલીઘીઓને દૂરથી નમસ્કાર કરતાં શીખી જવું જોઈએ. આ લોકો પેટ ચોળીને પીડા પેદા કરવાનું કામ કરે છે. ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારે ઈરાન ઇઝરાયેલનું મુસ્લિમ મિત્ર હતું. ઈરાન શિયા દેશ છે અને ઇઝરાયેલ જો પશ્ચિમ એશિયાના સુન્ની દેશોને નુકસાન પહોંચાડતું હોય તો એમાં ઈરાન રાજીપો અનુભવતું હતું. આ ઉપરાંત ઈરાનનો શાહ અમેરિકાનો આંગળિયાત હતો. ૧૯૮૦ સુધી અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાનની ધરી હતી અને ઈરાન ઇઝરાયેલને તેલ પૂરું પાડતું હતું. મુસ્લિમ દેશો મળીને ઇઝરાયેલનો વાળ પણ વાંકો કરી શકતા નથી. એકતા જ નથી અને એ હોવાની પણ નથી. જો મુસ્લિમ એકતા હોત અને ઇસ્લામ ફર્સ્ટ અને મુસ્લિમ ફર્સ્ટ જેવી કોઈ ભાવના પ્રબળ હોત તો ઇઝરાયેલની સ્થાપના જ ન થઈ હોત.
તો હવે પછી શું બને છે એ જોતા રહો. ગાંડાઓની દુનિયા છે એટલે કાંઈ પણ બની શકે છે. પણ ત્રણ ચીજ હમણાં કહ્યું એમ ગાંઠે બાંધી લો. એક પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે. બે, ઇસ્લામિક એકતા જેવી કોઈ ચીજ નથી અને ત્રણ, વિજય અપાવનારાં નિર્ણાયક યુદ્ધના દિવસો પણ પૂરા થઈ ગયા છે. જગત જ્વાળામુખીના મોં પર બેઠું છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 જૂન 2025