Opinion Magazine
Number of visits: 9843419
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનરેગાના બે દાયકા: પડકારો અને પ્રાસંગિકતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 May 2025

ચંદુ મહેરિયા

સંસદના અંદાજપત્ર સત્રમાં ઓડિશાના કોરાપુટ મતવિસ્તારના અનુસૂચિત જનજાતિના  કાઁગ્રેસ સાંસદ સપ્તગિરિ શંકર ઉલાકાના નેતૃત્વ હેઠળની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીનો અહેવાલ રજૂ થયો હતો. ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રાલયની એકત્રીસ સભ્યોની સંસદીય સ્થાયી સમિતિએ ‘મનરેગા’માં મહત્ત્વના સુધારા સૂચવતી ભલામણો તેના સંસદ સમક્ષના રિપોર્ટમાં કરી છે. મનરેગાના કામના દિવસો અને દૈનિક વેતનમાં વૃદ્ધિ કરવા સમિતિએ ભલામણ કરી છે. 

ગ્રામીણ ભારતના અકુશળ નાગરિકોને કામનો અધિકાર આપતો નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ ( NAREGA)  યુ.પી.એ.-૧ના સત્તાકાળમાં ઘડાયો હતો. આ કાયદામાં ગામડાંના બિનકુશળ શ્રમિકોને સરકાર પાસે કામ માંગવાનો કે વિકલ્પે બેકારી ભથ્થું આપવાની જોગવાઈ છે. ૨૦૦૯ની ગાંધી જયંતીથી કાયદા સાથે ગાંધીજીનું નામ જોડવામાં આવ્યું છે. હવે તે ‘મનરેગા’ કે ‘મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ’ તરીકે ઓળખાય છે. બીજી ફેબ્રુઆરી ૨૦૦૬થી  કાયદાનો અમલ શરૂ થયો તે હકીકતને હવે તો બે દાયકા થવા આવ્યા છે. પરંતુ જેમ તેની પ્રાસંગિકતા વધી છે, તેમ તેની સામેના પડકારો પણ વધ્યા છે.

ગામડાંના લોકોને ઘરઆંગણે તેમની માંગણીથી વરસના ફરજિયાત સો દિવસનું કામ આપી સ્થળાંતર રોકવાનો આ કાયદાનો ઉદ્દેશ છે. તેનાથી આર્થિક રીતે નબળા લોકો માટે રોજગાર ઊભો કરવો છે. કામની જરૂરિયાત ધરાવતા લોકો અને ગ્રામ્ય વિકાસ કાર્યો વચ્ચે મેળ બેસાડીને ચાલતા મનરેગાથી પંચાયતી રાજ અને ગ્રામ સભાનું મહત્ત્વ ઊભું થયું છે. વળી લોકતંત્ર છેક તળિયાના લોકો સુધી પહોંચ્યું છે. મનરેગા થકી પલાયન રોકવાનો તો સ્થાનિક મજૂરીના દર વધારવાનો પણ હેતુ છે. અને તે ઘણે અંશે સાકાર થયો છે. કાયદા દ્વારા ગરીબી ઘટાડવાનો તેમ ૩૦ ટકા શ્રમિકો મહિલા રાખવાની જોગવાઈથી મહિલા સશક્તીકરણનો પણ  આશય છે. 

ગામના તળાવો ઊંડા કરવાં, રસ્તાઓનું નિર્માણ, મકાન બાંધકામ, સિંચાઈ, પૂર નિયંત્રણ, વનીકરણ, નહેર સફાઈ, પ્રધાન મંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પાણીનો સંગ્રહ અને તેનું સંવર્ધન તથા બીજા પર્યાવરણ સંબંધી કામો મનરેગા હેઠળ કરવામાં આવે છે. એટલે મનરેગા ખાડા ખોદવાની કે પૂરવાની યોજના નથી. પરંતુ તેના થકી ગ્રામીણ ભારતમાં અનેક નાના મોટા વિકાસ કામો થયાં છે.  માળખાંકીય સુવિધાઓ ઊભી થઈ છે. 

કરોડો શ્રમિકોને રોજી આપતી ‘મનરેગા’ વિશ્વની સૌથી મોટી રોજગાર યોજના છે. જો કે તેમાં શ્રમિકોની માંગણીથી વરસના સો દિવસ જ રોજી આપવામાં આવે છે. વળી મનરેગા મજૂરોનું વેતન લઘુતમ વેતનથી પણ ઓછું છે. એટલે તેનાથી મજૂરોના જિંદગીના થોડા દહાડા ટૂંકા થાય છે પરંતુ તેમનાં જીવનધોરણમાં કોઈ સુધારો થતો નથી. કામના વિકલ્પે બેરોજગાર ભથ્થું આપવાની કાયદામાં જોગવાઈ છે ખરી, પરંતુ તેનો ક્યાં ય અમલ થતો નથી.

એટલે સંસદીય સમિતિએ કામના દિવસો ૧૦૦થી વધારીને ૧૫૦ કરવાની અને ‘મનરેગા’ શ્રમિકોનું રોજનું વેતન રૂ. ૪૦૦ કરવાની મહત્ત્વની ભલામણ કરી છે. જ્યારથી ‘મનરેગા’નો અમલ શરૂ થયો છે ત્યારથી જ તેના કામના દિવસો અને મજૂરીનો દર વધારવાની માંગણી થતી રહી છે. વર્તમાન સરકાર ખાસ કરીને વડા પ્રધાન નરેંદ્ર મોદીએ તો ‘મનરેગા’ને યુ.પી.એ. સરકારની રોજગાર ક્ષેત્રે વિફળતાનું સ્મારક ગણાવી હાંસી ઉડાવી હતી. પરંતુ કોરોના પછીના બેરોજગાર ભારતને ‘મનરેગા’નો જ આશરો હતો. અન્નના અધિકારને વશવર્તી સરકાર ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપે છે ત્યારે કામ કરીને રોજી માંગતા હાથને સરકાર નિરાશ ના કરી શકે.

‘મનરેગા’ના બે દાયકાનું મૂલ્યાંકન કરતાં જણાય છે કે ગ્રામીણ શ્રમિકોની આ જીવાદોરી પ્રત્યે સરકારની રાજકીય ઈચ્છાશક્તિ ઘટતી જાય છે. મનરેગાના બજેટમાં થતો ઘટાડો અને કામ માંગતા હાથમાં થતો વધારો તેની સામેનો સૌથી મોટો પડકાર છે. મનરેગા મજૂરોને ઓછું વેતન અને તે પણ ઘણાં વિલંબથી ચુકવાય છે. આખા દેશમાં એક સરખો વેતન દર નથી. ૨૦૨૪-૨૫ના વરસમાં મજૂરીનો વધેલો સરેરાશ દર માત્ર ૨૮ રૂપિયા છે. મનરેગા માટે કેન્દ્ર ૯૦ ટકા અને રાજ્ય ૧૦ ટકા હિસ્સો ફાળવે છે. હાલમાં મનરેગાના ખાતામાં રૂ. ૨૩,૪૪૬.૨૭ કરોડનું કરજ છે. આ દેણામાં વિલંબથી ચુકવાતી મજૂરીનો મોટો ભાગ છે. 

ભ્રષ્ટાચાર નિવારણના નામે મનરેગા મજૂરી કામદારોના બેન્ક ખાતામાં સીધી જમા થાય છે. હવે કામદારોના જોબકાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા ફરજિયાત કરાયા છે. આધાર કાર્ડમાં મામૂલી ભૂલ કે અન્ય નજીવા કારણોસર અડધા કરોડ કરતાં વધુ જોબકાર્ડ રદ કરવામાં આવ્યા છે. જોબકાર્ડ કુટુંબદીઠ આપવામાં આવે છે. તેમાં કુટુંબના ચારથી પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. એટલે લગભગ બે કરોડ લોકોને ‘મનરેગા’થી વંચિત રહીને ભૂખમરો વેઠવાનો વારો આવ્યો છે. 

જ્યારે ‘મનરેગા’ માટે થતી નાણાંકીય ફાળવણી સૌથી વધુ હતી ત્યારે ૨૦૦૮-૦૯ અને તે પછીના એક બે વરસોમાં પણ તે જી.ડી.પી.ના ૦.૫૩ થી ૦.૫૫ ટકા આસપાસ હતી. હાલમાં તો તે ૦.૩૦ થી ૦.૩૩ ટકાની વચ્ચે છે. અકુશળ અને અસંગઠિત ‘મનરેગા’ શ્રમિકો માટેના ખર્ચની સરખામણી ઉદ્યોગોને આપેલી ટેક્સમાં રાહત સાથે કરીએ તો તે જી.ડી.પી.ના ૩ ટકા જેટલી છે. એકલા ડાયમંડ અને ગોલ્ડની કંપનીઓને મળેલી કરવેરાની છૂટ મનરેગાના બજેટ કરતાં બેગણી છે. ત્યારે સરકારની રાજકીય ઈચ્છાશક્તિ અને પ્રાથમિકતા શું છે તે સમજી શકાય છે.વળી ઉદ્યોગોથી પેદા થતી રોજી અને મનરેગાથી પેદા થતી રોજીમાં જમીન આસમાનનું અંતર છે.

કેન્દ્ર સરકાર ‘મનરેગા’ના બજેટની રાજ્યોને ફાળવણીમાં ભેદભાવ રાખે છે. જ્યાં ડબલ એન્જિન સરકાર હોય ત્યાં પૂરતી અને સમયસર ફાળવણી થાય છે જ્યારે વિપક્ષી રાજ્ય સરકારોને ઓછી અને મોડી ફાળવણી થાય છે. આમ કરીને તે કેન્દ્ર વિપક્ષશાસિત રાજ્યોની સરકારોના મનરેગા શ્રમિકોમાં અસંતોષ જન્માવવામાં સફળ થાય છે.

 ટેકનોક્રસીમાં વૃદ્ધિ ‘મનરેગા’ સામે મોટો પડકાર છે. બેન્ક ખાતાને આધાર સાથે લિંક કરવું, ઈ-મસ્ટર રોલ જેવા ગતકડાં શ્રમિકોને વધુ હેરાન કરવા જ કાઢવામાં આવ્યા હોય તેવું અનુભવે જણાયું છે. એટલે તેનાથી છૂટકારો મળે તો જ આ કાયદાનો સુચારુ અમલ થઈ શકે છે. 

‘મનરેગા’ના ઘણા ઉદ્દેશો પાર પડ્યા છે. રોજીરોટી અર્થે ગામડાંમાંથી શહેરોમાં થતું સ્થળાંતર ઘટ્યું છે.’ મનરેગા’ના કારણે ગામડાઓમાં ખેતમજૂરી સહિત અન્ય રોજીના દર વધ્યા છે. કામદારોની અછત ઊભી કરી શકાઈ છે. તેમની સોદાશક્તિ વધારી શકાઈ છે. મહિલાઓનું સશક્તીકરણ થયું છે. એટલે તેની સાર્થકતા અને પ્રાસંગિકતા સ્વયંસ્પષ્ટ છે. 

મહાત્મા ગાંધી શ્રમિકો માટે જીવન યોગ્ય દરમાયો ઈચ્છતા હતા, પરંતુ તેમના નામ સાથે જોડાયેલા આ રોજગાર ખાતરી કાયદામાં શ્રમિકને તે મળતો નથી. તે કેટલી મોટી કરુણતા છે. સરકાર અને શ્રમિક બેઉ માટે મનરેગા જીવાદોરી છે. એટલે સંસદીય સમિતિની ભલામણો સ્વીકારીને સરકાર મનરેગા મજૂરોના કામના દિવસો અને રોજગારીનો દર વધારીને તેને વધુ સાર્થક કરી શકે છે. ‘મનરેગા’ના બે દાયકે ગ્રામીણ શ્રમિકોની જેમ શહેરી ગરીબો માટે પણ મનરેગા જરૂરી છે તે દિશામાં  વિચારવાની તાતી જરૂર છે. 

e.mail : maheriyachandu@gmail.com

 

Loading

ટાગોર જયંતીએ રાષ્ટ્રવાદનાં વ્યાખ્યાનોનો અભ્યાસ કેમ નહીં?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 May 2025

રવીન્દ્રનાથ રાષ્ટ્રવાદના કેટલા મોટા આલોચક હોઈ શકતા હતા! રાષ્ટ્રવાદ આશીર્વાદ ને અભિશાપ બેઉ હોઈ શકે તે એ સુપેરે જાણતા હતા

રવીન્દ્રનાથ ટાગોર

જન્મ : 7 મે, 1861 — મૃત્યુ : 7 ઓગસ્ટ, 1941

ચિદાકાશમાં રમતું ઓઠું અલબત્ત આજે રવીન્દ્ર જયંતી છે, એનું છે. હૃદયસ્થ રવીન્દ્રનાથ 164 વર્ષ પૂરાં કરી 165મે પ્રકાશી રહ્યા છે, ત્યારે વાનાં તો ઘણાં ઉભરે છે – પણ આજે એક-બે મુદ્દા પૂર્વ સાંસદ ને હાર્વર્ડ ઇતિહાસવેત્તા સુગત બોઝના સહારે કરવા ધારું છું.

સુગત પાછા નેતાજીના પરિવારના, સુભાષબાબુના ભાઈ શરતચંદ્ર બોઝના પૌત્ર એટલે રાષ્ટ્રીય ચળવળનો સંસ્કાર, અને અલબત્ત બંગાલ રિનેસાંસનો પણ.

હવે તો ખાસાં નવ વરસ અને લટકામાં ત્રણ મહિના થયા એ વાતને પણ સુગત બોઝે, પોતે જાદવપુરથી ચુંટાયેલા સાંસદ તરીકે ફેબ્રુઆરી 2016માં લોકસભામાં વ્યક્ત કરેલા વિચારોમાં આપણાં ઉચ્ચતમ શિક્ષણકેન્દ્રોમાં અને બૌદ્ધિક વિમર્શમાં આ શું ચાલી રહ્યું છે એને અંગેની અંતરતમની ચિંતા વ્યક્ત થથી હતી. નિમિત્ત હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં તેજસ્વી દલિત છાત્ર રોહિત વેમુલાએ વિષમ સંયોગમાં કરેલ આત્મહત્યાનું હતું. 

સુગત બોઝ

સુગત બોઝે અગાઉના થોરાત સમિતિના તપાસ હેવાલનો જે હવાલો આપ્યો એ હૃદયવિદારક હતો. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં નોંધાયેલી 23 આત્મહત્યા પૈકી 19 દલિત, 2 આદિવાસી અને 1 મુસ્લિમ છાત્રની હતી.

કેમ કે મને સુગતની રવીન્દ્રપ્રીતિનો કંઈક અંદાજ છે, મને હતું કે એ ‘દુર્ભાગી દેશ’ને સંભારશે : ‘હે મુજ દુર્ભાગી દેશ! જેઓનું તેં અપમાન કર્યું છે તેમના જેવું જ અપમાન તારે વેઠવું પડશે … તું જોતો નથી કે તારે બારણે મૃત્યુદૂત આ‌વીને ઊભો છે, તેણે તારા જાતિના અહંકાર પર અભિશાપ ચોડી દીધો છે. હજીયે જો તું દૂર ખસીને ઊભો રહીશ, જો તું બધાંને નહીં બોલાવે, અને તારી ચારે કોર અભિમાનનો કોટ રચી પોતાની જાતને બાંધી રાખીશ તો તારે મૃત્યુ સમયે ચિતાભસ્મમાં તો સૌના સરખા થવું જ પડશે.’

ખેર, સ્પીકર સુમિત્રા મહાજનની અધ્યક્ષતામાં બોલતાં સુગતે કહ્યું હતું કે રોહિતની કારુણિકાથી આપણા ‘કલેક્ટિવ કોન્શ્યન્સ’માં કંઈક તો થવું જોઈએ. પણ અહીં તો એક હૃદયશૂન્ય સરકાર છે જેને છેવાડાના જણનો ચિત્કાર સંભળાતો નથી. જણે જણને સારુ સામાજિક ન્યાય શક્ય બનાવવાને બદલે સત્તા પક્ષ યુનિવર્સિટી છાત્રોના અજંપાને ઓઠે પોતાના ખાસ પ્રકારના રાષ્ટ્રવાદનું રોલર ફેરવે છે અને ટીકાકારમાત્રને રાષ્ટ્રવાદ વિરોધી કૂચડે રંગે છે. માદામ સ્પીકર, હું કોઈ કોમ્યુનિસ્ટ નથી. હકીકતે એક સુપ્રતિષ્ઠ સામ્યવાદી ઉમેદવારને હરાવીને આ ગૃહમાં આવ્યો છું, પણ આપણા તરુણ છાત્રો માર્ક્સ અગર આંબેડકરથી પ્રેરાઈ અભિવ્યક્ત થતા હોય તો હું એમના સ્વાતંત્ર્યનો આદર કરું છું … અસંમતિને ગુનાઈત લેખવાનું વલણ દુરસ્ત નથી. આ ધોરણે તો આપણે ટાગોરને પણ રાષ્ટ્રદ્રોહી ઠરાવીશું.

સુગતે ઉમેર્યું હતું કે સ્વરાજની ચળવળમાં આપણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ પાસે રાષ્ટ્રવાદના પાઠ શીખ્યા છીએ. એમાં પણ બંગાળમાં તો અમે વિવેકાનંદ, ટાગોર, દેશબંધુ દાસ, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષથી પ્રેરિત થયા છીએ. અનુરાગ ઠાકુરને કહું કે અરવિંદે મહાભારતની ચર્ચા કરતા ‘ચક્રવર્તી’ની વિભાવના કેવી રીતે સમજાવી છે તે જરી વાંચો-વિચારો. ચક્રવર્તીનું સુવાંગ રાજ નહોતું – રાજ્ય, રાજ્ય સ્વાયત્ત હતાં, એના પર એની આણ (સુઝરેનટી) હતી, એટલું જ. જેઓ, સરકારી પાટલીઓ પરથી, ‘સેન્ટ્રલાઈઝ્ડ ડેસ્પોરિઝમ’ની જેમ રાષ્ટ્રવાદની વાત કરે છે એમને અરવિંદના શબ્દોની યાદ આપું કે પ્રાદેશિક પ્રજાઓના મુક્ત જીવનને ભોગે ‘એકતા’ની વાત બરાબર નથી.

હમણાં મેં ટાગોરને યાદ કર્યા, સુગતે ઉમેર્યું હતું, એમણે આપણું રાષ્ટ્રગીત રચ્યું છે, પણ એ રાષ્ટ્રવાદના કેટલા મોટા આલોચક પણ હોઈ શકતા હતા! રાષ્ટ્રવાદ આશીર્વાદ ને અભિશાપ બેઉ હોઈ શકે તે એ જાણતા હતા. અનુરાગ ઠાકુર નેતાજીનો હવાલો આપીને વાત કરે છે પણ એમને યાદ આપું કે 1933-1936નાં વર્ષો યુરોપમાં ગાળ્યા તે પછી વતન પરત થતાં એમણે કરેલી ને દોહરાવેલી એક ટિપ્પણી એ હતી કે યુરોપમાં જે નવો જર્મન રાષ્ટ્રવાદ હું જોઈને આવ્યો છું તે ‘સંકુચિત, સ્વાર્થી અને ઉછાંછળો’ છે. તો, એક પા રાષ્ટ્રવાદનું મુક્તિદાયી સ્વરૂપ અને બીજી પા રાષ્ટ્રવાદની જુલમી તાસીર, બેઉ આપણને સમજાવાં જોઈએ તેમ વિશ્વ ઇતિહાસના એક છાત્ર તરીકે હું આ ગૃહને કહેવા માંગું છું.

વિવેકાનંદ, ચિત્તરંજનદાસ, અરવિંદ, સુભાષ, લાલ ને બાલ સાથેના પાલ, આ સૌની સ્વાધ્યાયસાખે સુગતે કહેલી વાતો, રાષ્ટ્રવાદને સામાજિક ન્યાય ને સ્વાતંત્ર્યના સંદર્ભમાં જોવા અને સમજવાની એમની એક ઇતિહાસવિદ તરીકેની અપીલ રવીન્દ્ર જયંતીએ આપણને દિલને દરવાજે દસ્તક દે છે.

સુગતનું ભાષણ સમેટતાં હું એક સંભારણું વળીને દોહરાવ્યા વગર રહી શકતો નથી. રાષ્ટ્રવાદના મુદ્દે ગાંધી-ટાગોર વિવાદ સુપ્રતિષ્ઠ છે. એક તબક્કે રોમાઁ રોલાઁએ સૂચવ્યું હતું કે ભારતના રાષ્ટ્રીય આંદોલનમાં રવીન્દ્રનાથનાં રાષ્ટ્રવાદનાં વ્યાખ્યાનોનો અભ્યાસ થવો જોઈએ. સવાઈ ગુજરાતી કાકા કાલેલકરે ઠાવકા શબ્દોમાં વળતી બાતમી આપી હતી કે એ અમારા અભ્યાસક્રમમાં છે!

સત્તા-પ્રતિષ્ઠાન, સ્વાતંત્ર્ય આંદોલન દરમ્યાન રાષ્ટ્રવાદના મુદ્દે ઊભી થયેલી એકંદરમતીને આ ચળવળના નેતાઓમાંથી કેટલાકને ખાસ ‘પોતાના’ તરીકે આગળ કરી જે એક કથિત વૈકલ્પિક વિચારની રાજનીતિ ખેલવા ચાહે છે એના સંદર્ભમાં ઇતિહાસજ્ઞ સુગત બોઝની આ માંડણી આપણે સારુ પથ્ય ખાણદાણ શી બની રહે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 મે 2025

Loading

‘અકૂપાર’ : પૃથ્વીતત્ત્વની વિશાળતાનો અસલી અનુભવ 

સોનલ પરીખ|Opinion - Literature|6 May 2025

… અને નાયકનું મનોજગત નવો સ્પર્શ, નવું રૂપાંતર પામે છે. હવે એ જે જે દૃશ્યો રેખાંકિત કરે છે, તેમાં તેને એક અવર્ણનીય, અજાણ્યા લયનો પડઘો સંભળાય છે. તેને થાય છે, ‘એ ક્યા લયનો પડઘો હશે? અગોચર અંતરીક્ષમાં ધબકતા બ્રહ્માંડના સ્પંદનોનો કે પછી માતાના ગર્ભમાં અનુભવેલા સર્વવ્યાપી હિલ્લોળનો?’ 

પૃથ્વી દિન 22 એપ્રિલે છે અને પુસ્તક દિન 23 એપ્રિલે. આ બંનેને એક દોરમાં પરોવી શકાય એવાં પુસ્તકની વાત આજે કરવી છે. આ પુસ્તક છે ‘અકૂપાર’ નામની નવલકથા. 

વાચકમિત્રોને યાદ હશે કે ધ્રુવ ભટ્ટની અન્ય વિશિષ્ટ પ્રકારની નવલકથાઓની જેમ ‘અકૂપાર’ પણ પ્રશિષ્ટ સામયિક ‘નવનીત સમર્પણ’માં હપ્તાવાર પ્રગટ થઈ હતી. ‘અકૂપાર’ની પુસ્તક રૂપે પહેલી આવૃત્તિ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે 2010માં પ્રગટ કરી હતી. જાણીતાં નાટ્યકાર અદિતિ દેસાઇએ તેનું સુંદર નાટ્ય-રૂપાંતર કર્યું છે અને યુવા પ્રતિભા ડૉ. વિશાલ ભાદાણીએ ‘ધ બ્લ્યૂ માર્બલ’ નામે તેનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. વાચકો-વિવેચકોમાં પણ તે ખૂબ આવકાર પામી છે. 

આટલું કહેવાથી કઈં ન નીપજે. આ પુસ્તક વિષે ગમે તેટલું લખીએ કે બોલીએ તો પણ કઈં ન નીપજે. અલબત્ત એના વિષે ઘણું લખાયું અને બોલાયું છે, એથી ય થોડી જાણકારી વધવા સિવાય ખાસ કઈં ન થાય. પણ જો ‘અકૂપાર’માંથી પસાર થવાનો અનુભવ લઈએ અને એમ કરતાં જો એ પણ આપણામાંથી પસાર થઈ જાય તો વળી કઈંક બને તો બને. 

પુરાણોમાં અકૂપાર એ ઇંદ્રધુમ્ર સરોવરમાં રહેતા પ્રસિદ્ધ કાચબાનું નામ છે, જેણે પૃથ્વીને ધારણ કરી છે. અકૂપાર શબ્દ ‘સારા અંત’ને વ્યક્ત કરે છે અને સમુદ્રને માટે પણ, એ સીમારહિત હોવાથી વપરાયો છે. પથ્થર, ખડક, સૂર્ય એવા ય એના અર્થ મળે છે. ‘અકૂપાર’નો નાયક એક એસાઈન્મેન્ટ રૂપે પૃથ્વી તત્ત્વને લાગતાં થોડાં ચિત્રો દોરવા ગીરમાં આવ્યો છે. ગીર એટલે આમ તો મિશ્ર પાનખર વૃક્ષો અને સિંહની વસ્તી ધરાવતું, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વહેંચાયેલું 64 કિલોમીટર લાંબુ અને 32 કિલોમીટર પહોળું જંગલ. આ જંગલમાં માલધારીઓના નેસડા છે. વાંદરા, સિંહ, દીપડા, ચીતળ, નીલગાય, જંગલી ડુક્કર, નાર, શિયાળ, લોંકડી, શાહુડી, જરખ, સિંકારા, સાબર, ચૌસિંગાં હરણ વગેરે પ્રાણીઓ છે. છસાત નદીઓ એમાંથી વહે છે, થોડાં તીર્થો છે અને એનો અમુક ભાગ અભયારણ્ય-પ્રવાસન તરીકે પણ ઘણો વિકસ્યો છે. 

જો કે ગીરને નજીકથી પામી શકનારાઓ જાણે છે કે ગીર એક સ્થાનવિશેષથી ઘણું વધારે કશુંક છે. ગીર એક સંસ્કૃતિનું નામ છે, ગીર એક શ્રદ્ધાનું નામ છે, ગીર જડચેતન સૃષ્ટિની પરસ્પર સંવાદિતાનું નામ છે. ગીરનો તાર સમસ્ત બ્રહ્માંડના રહસ્યો સાથે જોડાયેલો છે. આ ગીરમાં ધ્રુવભાઈ રહ્યા છે, એને નિકટથી ઓળખી છે અને એટલે જ એમના નાયકે એટલે જ પૃથ્વીતત્ત્વના આલેખન માટે ગીરની પસંદગી કરી છે.

ધ્રુવ ભટ્ટ

નાયકના મનમાં એમ છે કે પહેલા અનુભવ, પછી આલેખન – એવું કરવું. શહેરનો એ જીવ, આને માટે ગીરમાં આવીને રહે છે. ધીરે ધીરે એ ગીર અને ઘેડ વિસ્તારના આંતરબાહ્ય જીવનને સમજે છે, એના પર તોળાઈ રહેલાં આધુનિક મૂલ્યોના આક્રમણને અને ગીરને સમજતા-રક્ષવા મથતા લોકોની નિસબતને પિછાણે છે. તેને પ્રતીતિ થાય છે કે માણસે એના પોતાના કલ્યાણ માટે પણ વિરાટના એક અંશ તરીકે રહેવાની નમ્રતા શીખવાની કેટલી જરૂર છે. એનું મનોજગત નવો સ્પર્શ, નવું રૂપાંતર પામે છે. હવે એ જે જે દૃશ્યો રેખાંકિત કરે છે, તેમાં તેને એક અવર્ણનીય, અજાણ્યા લયનો પડઘો સંભળાય છે. ‘એ ક્યા લયનો પડઘો હશે? અગોચર અંતરીક્ષમાં ધબકતા બ્રહ્માંડના સ્પંદનોનો કે પછી માતાના ગર્ભમાં અનુભવેલા સર્વવ્યાપી હિલ્લોળનો?’ 

પાત્રોથી, પ્રસંગોથી આ અનુભવ ઊઘડતો આવે છે. આફ્રિકાથી સિંહોના જીવન પર સંશોધન કરવા આવેલી ડોરોથી, વહાલી ગાયનો ભક્ષ કરનાર સિંહને માફ કરતી લાજો, ગીરને પચાવીને બેઠેલાં આઈમા, ગીર પ્રત્યે સાચી ખેવના ધરાવતી અને ગાયોને વેચી દેતા પતિને ત્યાગી દેતી ઉગ્ર સાંસાઈ, ગીર પ્રત્યે મમત્વ જગાડે તેવા કેમ્પ કરનાર રવિ અને ગોપાલ, ‘કાંક હોય તો જ કાંક આવે’ કહેતો અલગારી કિશોર વિક્રમ, પોતાના પર હુમલો કરનાર સિંહ માટે હોસ્પિટલના ખાટલા પરથી પણ ‘ઈનો મને મારવાનો વિચાર નહીં’ કહેતો ધાનુ, ગીરના માલધારીઓને ‘તમે માણહજાત કેવાવ, તમને બળ તો નો દેવાય. પણ તમારી વા’ર (રક્ષા) તમારી ભેંહું કરસે’ એવું વચન આપતાં આવડમા, વહેલ માછલીનો શિકાર કરતા માછીમારોને ‘ઈ દીકરિયું આંઈ બચોળિયાંને જનમ આપવા હાટુ આવે છે’ કહી અટકાવતી સરપંચ રાણી, એન્જિનની બાધા રાખતી ને તેને નાળિયેર ચડાવતી સાબા, તેને મદદ કરતો અને ‘માનતામાં તો માણાંની સ્રધા જ જોવાની. બાકી આમ જુઓ તો મંદિરની મૂરતી ય અંતે તો પાણા સિવાય બીજું શું છે?’ કહેતો ડ્રાઈવર – આ બધાં પાત્રો માટે ગીર મા છે અને એમાં વસતા તમામ જીવો પોતીકા છે. એમનું સિંહણને ‘જણી’ કહેવું, સિંહની આમન્યા રાખવી, ટેકરીઓનાં-નદીઓનાં નામ રાખવા, બે પર્વતના લગ્નની વાત, કેરળથી આવેલા સ્ટેશન માસ્તરની વાત, સાંસાઈના ગઢવીની ગાયોની વાત, સિંહનો શિકાર અટકાવવા અંગ્રેજ અમલદાર સુધી પહોંચેલા અંધ રવાઆતા આપણી આસપાસ ફરતા હોય એવાં જીવંત છે. 

આ બધા પ્રત્યે આશ્ચર્યના ભાવથી ખાસ આગળ ન વધવા છતાં ‘પ્રકૃતિના મૂળભૂત સત્યને-ઋતને પામનારો હું પણ એક છું’ એવી અનુભૂતિ નાયક મેળવતો રહે છે. તેને ખ્યાલ આવે છે કે પંચમહાભૂતો, પ્રકૃતિ વગેરેને હું જે જોતો-સમજતો હતો તે માત્ર શિક્ષણ હતું, અહીં આ બધું સમજના સ્તરે પહોંચ્યું છે. આપણને પણ પ્રતીતિ થયા વિના રહેતી નથી કે જે મૂળભૂત તત્ત્વને કારણે આટઆટલાં પાપોનો ભાર ઉપાડીને પણ પૃથ્વી ટકી રહી છે, એ તત્ત્વ અહીં છે. ગીર માત્ર એક પ્રદેશ નથી, એ જીવનને ધારણ કરતા સૂક્ષ્મ અને વિરાટ સત્યથી ધબકતું અસ્તિત્વ છે. આ ધબકાર પણ વાચક સુધી પહોંચે છે.

‘ખમ્મા ગર્યને’ આ છે નવલકથાનું પહેલું વાક્ય. એક નેસમાં બધા બેઠા છે, રાતનો વખત છે. અચાનક આખું જંગલ જાતજાતના અવાજોથી ખળભળી ઊઠે છે. કોઈ શિકારી પ્રાણીએ કદાચ એકાદ પ્રાણીને પાડી દીધું છે. આઈમા કહે છે, ‘ખમ્મા ગર્યને’ નાયકને સમજાતું નથી કે આઈમા આખી ગીરને ખમ્મા શું કામ કહે છે? ઘણા વખત પછી એને સમજાય છે કે જે કઈં પણ બને છે તેનો ભાર છેવટે તો પૃથ્વી પર જ આવે છે. 

બીજા એક પ્રસંગે પ્રદર્શન માટે અમદાવાદ ગયેલાં આઈમાને અમદાવાદ ગમતું નથી ને ગીર યાદ આવે છે એ જાણીને સાંભળનાર પૂછે છે, ‘અહીં અમદાવાદ કરતાં વધારે તમને જંગલમાં ગમે?’ બીજું કોઈ પણ બોલ્યું, ‘ફરવા જવાનું ઠીક છે, પણ કોઈ સગવડો વગર, સિંહ-દીપડા વચ્ચે, મર્યા કે મરશું એવી બીકમાં રહીને શું કરવાનું?’

ધ્રુવ ભટ્ટ લખે છે, આઈમા ખુરશીમાં ટટ્ટાર થયાં અને વળતો ઘા કરતાં હોય તેવી અદાથી બોલ્યાં, ‘એવું સે તોય, આંયાં રેય સે ઇના કરતાં ઝાઝાં જીવ ન્યાં રેય સે. ક્યાં રઈં તો ભે નઈં ઈ સ્હંધા જીવ-જનાવર જાણતાં હસે તંયે જ હય્સે ને?’ પછી બધાને ઉદ્દેશીને બોલ્યાં, ‘મારા દીકરાઉં, સ્હૌ સ્હમજી લ્યો કે આંઈ પાકા ઘર્યમાં રંઈ ઈ વાત્યે કોઈ અમર નથ્ય થૈ જાવાનો. આ રોડ માથ્યે મોટરું, ખટારા ને ફટફટિયાં જેટલાંને મારે છે એટલાંને ન્યાં સ્હાવજ દીપડે કે નાગ-વીંસીએ માર્યા કોઈ દી સ્હાંભળ્યા નથ્ય.’ 

અને પછી કુદરતના શોષણને સાક્ષીભાવે જોતા આપણા જેવા લોકોને આટલું તો થાય – ‘એમ સાવ આપડે સું કરીયે કરીને સૂટી તો નો જ પડાય, બાપ, બીજું નોં કરીયેં, પણ આવડો બધો વાંક સે ઈ તો માથે લેવો પડે.’  

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 ઍપ્રિલ  2025

Loading

...102030...347348349350...360370380...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved