Opinion Magazine
Number of visits: 9843517
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંક્રાંતિ કાળના ભારતની કથા ‘ગોરા’

દીપક મહેતા|Opinion - Literature|7 May 2025

ગ્રંથયાત્રા : 3

ગુરુદેવ ટાગોરની સિદ્ધિ અને પ્રસિદ્ધિ મુખ્યત્વે કવિ તરીકેની. પણ તેમણે છ જેટલી નવલકથા પણ લખી છે. તેમાંની ‘ગોરા’ની ગણના ભારતીય સાહિત્યની ઉત્તમ નવલકથાઓમાં થાય છે. તેમના જન્મ દિવસ નિમિત્તે આજે તેમની ‘ગોરા’ નવલકથાનો ટૂંકો પરિચય આપ્યો છે.

“આખા ભારતવર્ષનાં સુખ દુઃખ, શુભ અશુભ અને જ્ઞાન અજ્ઞાન મારા હૃદયમાં આવી વસ્યાં છે. આજે હું ખરી સેવાનો અધિકારી થયો છું. હું જે થવા માટે રાત દિવસ મથતો હતો પણ થઈ શકતો નહોતો તે આજે થઈ ગયો છું. આજે હું ભારતવર્ષ છું. ભારતવર્ષની બધી જાતિઓ મારી જાતિઓ છે, બધાનું અન્ન એ મારું અન્ન છે.” આ શબ્દો છે ગૌરમોહન ઉર્ફે ગોરાના. આ ગૌરમોહન તે રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ગોરા’નો નાયક. ‘તમે ગુરુદેવની ગોરા વાંચી છે?’ એવો પ્રશ્ન કોઈએ શરદબાબુને પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપેલો: ‘મેં ગોરા વાંચી છે? હા, એક વાર નહીં, બે વાર નહીં, ચોસઠ વાર વાંચી છે!’ એવું તે શું છે આ ‘ગોરા’ નવલકથામાં કે શરદબાબુ જેવા અત્યંત લોકપ્રિય નવલકથાકાર એ ચોસઠ વખત વાંચે? પહેલી વાત તો એ કે ગદ્યમાં અને નવલકથા રૂપે લખાયેલી ગુરુદેવની આ કૃતિ મહાકાવ્યને આંબવા મથતી એક અસાધારણ નવલકથા છે. ઓગણીસમી સદીના સંક્રાંતિ કાળનું, એ કાળનાં મંથનો, વિચારો, પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ અને ઘટનાઓનું પ્રતિબિંબ આ નવલકથામાં ઝીલાયું છે. કહેવાય છે કે કથાનાયક ગૌરમોહનનું પાત્ર ટાગોરે આયરિશ ભારતપ્રેમી સન્નારી સિસ્ટર નિવેદિતા અને સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વના કેટલાક ઘટકોના મિશ્રણમાંથી નીપજાવ્યું છે અને એ મિશ્રણમાં પોતાના વ્યક્તિત્વના કેટલાક અંશો પણ ભેળવ્યા છે. કહેવાય છે કે સિયાલદા ખાતેની ટાગોરની જાગીરમાં એક સાંજે સિસ્ટર નિવેદિતા અને ટાગોર હાઉસ બોટમાં બેઠાં હતાં ત્યારે સિસ્ટર નિવેદિતાએ કહ્યું કે મને કોઈ વાર્તા કહો. ત્યારે ટાગોરે ગોરાની કથા કહી. પછીથી તેમણે એ વાર્તા નવલકથા રૂપે લખી જે બંગાળી ભાષાના જાણીતાં માસિક ‘પ્રવાસી’માં ૧૯૦૬થી ૧૯૦૯ દરમ્યાન હપ્તાવાર પ્રગટ થઈ. ૧૯૧૦માં તે પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થઈ. સુરેન્દ્રનાથ ટાગોરે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૨૪માં પ્રગટ થયો. ત્યાર બાદ ૧૯૯૭માં સુજિત મુખોપાધ્યાયે કરેલો અનુવાદ પ્રગટ થયો. રાધા ચક્રવર્તીએ કરેલો ત્રીજો અંગ્રેજી અનુવાદ ૨૦૦૯માં પ્રગટ થયો. રમણલાલ સોનીએ કરેલો ગુજરાતી અનુવાદ બે ભાગમાં ૧૯૮૦માં પ્રગટ થયો હતો.

કથાને આરંભે બાબુ કૃષ્ણદયાલ અને આનંદમયીના પુત્ર તરીકે ઓળખાતો ગૌરમોહન આ દેશને અત્યંત ઉત્કટ રીતે ચાહે છે અને તેની ઉન્નતિ માટે ગમે તે ભોગ કે ત્યાગ માટે તે હંમેશાં તત્પર રહે છે. પણ તેને મન ભારત એટલે પરંપરાવાદી, રૂઢિચુસ્ત હિન્દુઓની ભૂમિ, હિન્દુસ્તાન. હિન્દુઓના પવિત્ર અને ઉજ્જવળ વારસાનું જતન અને સંવર્ધન થાય તો જ હિન્દુસ્તાન પોતાના ભૂતકાળના સુવર્ણયુગને ફરી પ્રાપ્ત કરી શકે તેમ ગોરા માને છે. આથી જ સુધારાવાદી બ્રહ્મોસમાજનો તે ઉગ્રપણે વિરોધ કરે છે. ગોરાનો નિકટનો મિત્ર વિનયભૂષણ એક વાર અકસ્માતને કારણે બ્રહમોસમાજી પરેશબાબુ અને તેમના મિત્રની પુત્રી સુચરિતાના પરિચયમાં આવે છે. થોડા અણગમા સાથે ગોરા પણ વિનયની સાથે એ બંનેને અવારનવાર મળતો થાય છે. પરેશબાબુ, તેમની પત્ની વરદાસુન્દરી અને પુત્રી લલિતા, ત્રણે વિનય પ્રત્યે આકર્ષાય છે.

ગળીના કારખાનાના અંગ્રેજ માલિકો અને દેશી મજૂરો વચ્ચેના ઝગડામાં દરમ્યાનગીરી કરવા જતાં ગોરા પોલીસને હાથે પકડાય છે અને તેને એક મહિનાની જેલની સજા થાય છે. ગરીબ મજૂરો અને ખેડૂતો પરના અંગ્રેજોના અત્યાચાર જોયા પછી અને જેલની સજા ભોગવ્યા પછી ગોરાને દેશની પરાધીનતા સવિશેષપણે ખૂંચવા લાગે છે. ન્યાતજાત અને છૂતાછૂત વિશેના તેના મનમાં રહેલા ખ્યાલો પણ સ્વાનુભવે થોડા હળવા થાય છે. પરિણામે જેલવાસ દરમિયાન ઘરેથી મોકલેલું ‘શુદ્ધ બ્રાહ્મણિયા’ ભોજન ખાવાને બદલે તે બીજા બધા કેદીઓને અપાતો ખોરાક જ ખાવાનો આગ્રહ રાખે છે. જેલમાંથી છૂટ્યા પછી ઘરમાં તેને પ્રાયશ્ચિત કરાવવા માટેની તૈયારીઓ શરૂ થાય છે. પણ ચુસ્ત રૂઢિવાદી હિંદુ બાબુ કૃષ્ણદયાલ માટે ગોરા હિંદુ ધર્મવિધિથી પ્રાયશ્ચિત કરે એ વાત જ અસહ્ય બની જાય છે. જરા નવાઈ લાગે એવી વાત છે, નહીં? માત્ર કથાના વાચકો જ નહીં, બીજાં પાત્રો પણ નથી જાણતા તે રહસ્ય માત્ર કૃષ્ણદયાલ અને તેમની પત્ની આનંદમયી જાણે છે. એ રહસ્ય એ છે કે હકીકતમાં ગોરા તેમનો પુત્ર નથી, પણ ૧૯૫૭ના ‘સિપોય મ્યુટીની’ વખતે ભાગી છૂટેલા એક આયરિશ દંપતીનો દીકરો છે. કૃષ્ણદયાલ અને આનંદમયી તો તેના માત્ર પાલક માતાપિતા છે. જન્મે ખ્રિસ્તી એવો ગોરા ચુસ્ત હિંદુ ધર્મવિધિ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરે એ ચુસ્ત હિંદુ કૃષ્ણદયાલ કઈ રીતે સહી શકે? તેઓ પ્રાયશ્ચિત્ત કરવાની મના ફરમાવે છે ત્યારે ગોરા તે માટેનું કારણ પૂછે છે. ત્યારે ગોરાના જન્મ અને જીવનનું રહસ્ય આનંદમયી તેને વ્યથાપૂર્વક જણાવે છે. એ સાંભળતા જ ગોરા ચિત્કાર કરે છે : ‘મા, તુ મારી મા નથી?’ મા કહે છે : ‘બાબા, ગોરા, હું પુત્રહીનનો તું જ પુત્ર. મારા પેટના સંતાન કરતાં તુ મને વધારે વહાલો છે.’ એક પળમાં ગોરાના આખા જીવનનો ભૂતકાળ  સરી પડે છે. તે બંધનમુક્તિ અનુભવે છે. હવે સુચરિતાના પ્રેમનો સ્વીકાર કરવા આડે કોઈ અંતરાય રહેતો નથી. ગોરાના લંબાયેલા હાથમાં સુચરિતા પોતાનો હાથ મૂકે છે અને બંને પરેશબાબુને પ્રણામ કરે છે.    

***

07 May 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

સૂર્યમુખી 

સુરેશ જાની|Opinion - Opinion|7 May 2025

હજુ થોડા દિવસ પહેલાં તો મારો જન્મ થયો હતો. એક પ્રગાઢ નિદ્રામાં હું પોઢેલી હતી. મારામાં કશું ય સળવળતું ન હતું. કોઈ સંચાર ન હતો. કોઈ વિચાર ન હતો. બસ એક અનંત નિદ્રામાં મારું સમગ્ર હોવાપણું પર્યાપ્ત હતું. એ પ્રગાઢ નિદ્રામાં, સુષુપ્ત હોવાપણાના અંતરતમ ખૂણે, કોઈ પ્રછ્છન્ન અભિપ્સા ટૂંટિયું વાળીને સૂતેલી હતી. તે અભિપ્સાને કોઈ દેહ ન હતો; પણ કશુંક બનીને મ્હાલવાની, વિસ્તરવાની, વિકસવાની એક કલ્પના માત્ર હતી. એ તો એક ખ્યાલ જ હતો. શું થવું છે, અને શું બનવું છે, તેની ક્યાં મને કશી ય જાણ જ હતી? એક લાંબા, સ્નિગ્ધ, ઊંડા બોગદાના તળિયે ધરબાઈને, લપાઈને મારું સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાપણું સોડ વાળીને સૂતેલું હતું. મારી બાજુમાં મારા જેવી ઘણી ય સખીઓ પણ મારી જેમ જ સૂતેલી હતી. અમારી નીચે મિષ્ટ જીવનરસનો ઝરો વિલસી રહ્યો હતો અને અમને પ્રેમથી તરબતર કરીને એકમેક સાથે તે ચીપકાવી રહેલો હતો. એ મિષ્ટ જળની સુંવાળી પથારીમાં અમે બધાં એકમેકની હૂંફમાં આમ પોઢેલાં હતાં.

અને ત્યાં તો એ બધા આવી પહોંચ્યા. અમારાથી ય અતિસૂક્ષ્મ એ બધા હતા. પણ તેમનો સ્વભાવ અમારાથી સાવ વિપરીત હતો. એ સૌ તરવરાટથી ભરપૂર હતા. સાવ નાનકડા હતા પણ અત્યંત ચંચળ હતા. એક ઘડી શાંત બેસી રહે એવા એ ન હતા. સૂવાનું કે આરામનું તો નામ જ નહીં. ચીકણા બોગદામાંથી સડસડાટ લપસીને, નીચે આવીને એ બધા અમને ઘેરીને ઘોંઘાટ કરવા લાગ્યા. એમના તરવરાટનું ગુંજન મારી અગાધ શાંતિના શાંત સરવરજળમાં વમળો પેદા કરવા લાગ્યું. મારી એ પ્રગાઢ નિદ્રામાં કોઈના સ્વાગતનો ઢોલ જાણે પીટાઈ રહ્યો હતો. એક વિપ્લવ સર્જાઈ ગયો. અને એ ઢોલના ધબૂકે મારા સુષુપ્ત હોવાપણામાં કોઈક અજાણી જાગ્રુતિ આવી ગઈ. આળસ મરડીને મારામાં કશુંક સળવળાટ કરવા લાગ્યું. એ બધા ઘોંઘાટિયાઓએ કોઈકને મળવાની, તેની સાથે એકાકાર બની જવાની, કશુંક બનવાની, વિસ્તરવાની, મહાલવાની, મારામાં સૂતેલી અભિપ્સાને જગાડી દીધી.

એમાંનો એક તો ભારે બળૂકો નીકળ્યો. મારી દીવાલને તેણે ભેદી નાંખી. આળસ મરડીને બેઠેલા મારા હોવાપણાના સૂક્ષ્માતિસૂક્ષ્મ કણના બધાયે અંશોમાં તે તો ફરી વળ્યો. એક પ્રભંજન જેમ પાંદડાને ઊડાડી મૂકે તેમ, મારો પ્રત્યેક કણ જાગી ઉઠ્યો. અને એ શુભ પળે એ તોફાની નાચણિયાની સાથે હું એકાકાર બની ગઈ. વિશ્વના અનંત રાસની એક સાવ નાનકડી પ્રતિકૃતિ મારી અંદર જાગી ગઈ. મારી સૂતેલી ઇચ્છા આળસ મરડીને પોતાની અંગભંગીઓને આ રાસના તાલે તાલે નર્તન કરાવી રહી. કશુંક બનવાનો એ ખયાલ હવે મૂર્ત સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો.

કદી નહોતું બન્યું તેવું કાંઈક બનવા લાગ્યું. આ રાસના પ્રભાવે મારામાં નૂતન જીવનનો સંચાર થયો. ધીમે ધીમે મારા હોવાપણાએ વિસ્તરવાની શરૂઆત કરી દીધી. મારી એ પ્રછ્છન્ન અભિપ્સા હવે જાગી ચૂકી હતી. કોઈક નવા ભવિતવ્યની એક રૂપરેખા મારામાં ઘડાવા લાગી. કોઈક નવા જ સ્વરૂપવાળા જીવનો આકાર મારા કણકણમાં ઘડાવા લાગ્યો. બીજો કોઈ આવો તોફાની આ વિસ્તરણમાં ખલેલ ન પહોંચાડે, એ માટે મારી દીવાલ હવે સખત થવા માંડી. મારું કદ પણ સાથે સાથે વધવા લાગ્યું. મારા નિવાસસ્થાન એ બોગદાના તળિયેથી આવી રહેલા જીવનરસના ઝરાના જળને હું તરસ્યા હરણાંની જેમ ઘટક ઘટક પીવા લાગી. મારી એ તૃષાનો જાણે કે કોઈ અંત જ ન હતો. મેં જોયું કે, મારી બાજુની સખીઓના પણ આ જ હાલ હતા. અમે બધીઓ આ રાસમાં રમમાણ હતી. અને એ રાસની પ્રત્યેક હીંચે અમે વધુ ને વધુ પુષ્ટ થતાં જતાં હતાં.

બધાંની સતત વર્ધમાન એવી આ તરસ થકી પેલો ઝરો તો ધીમે ધીમે સૂકાવા લાગ્યો. કાળક્રમે અમે એટલાં બધાં વધી ગયાં અને અમારી તરસ પણ એટલી બધી વધી ગઈ કે, એ ઝરો અમારી તરસને સંતોષી શકે તેમ ન રહ્યું. તે સૂકાઈ ગયો. અમારી ન સંતોષાઈ શકે એવી પ્યાસ માટે એ ઝરાનું જળ હવે પર્યાપ્ત ન હતું. અને અમે બધાં સૂકાં અને ફરી પાછાં સુષુપ્ત બની ગયાં. એક નવી નિદ્રામાં અમે પાછાં સમેટાઈ ગયાં. અમારું નિવાસસ્થાન એ બોગદું પણ સૂકું ભઠ્ઠ બનીને ખરી પડ્યું. અને પવનના એક ઝપાટે અમે સૌ ફંગોળાઈ ગયાં. અથડાતાં, કૂટાતાં અમે ધરતીની ધૂળમાં ઢબોરાઈ ગયાં – વિખરાઈ ગયાં – બધી સખીઓ છૂટી પડી ગઈ. વાયરાએ અમને ક્યાંના ક્યાં ય ફંગોળી દીધાં. એ ગંદી, ગોબરી નવીન વસ્તી હવે મારું નવું નિવાસસ્થાન બની.    

પણ મને ક્યાં આની કશી ખબર જ હતી? એક નવી નિદ્રામાં મારું નવું હોવાપણું, નવી પ્રછ્છન્ન અભિપ્સાઓને લઈને ફરી ટૂંટિયું વાળીને પોઢી ગયું હતું. એક નવા હોવાપણાના, એક નવા જીવનના એક નવા અધ્યાય પહેલાંની આ એક નવીન રાત્રિ હતી. હવે મારી અંદર કોઈ અમૂર્ત ખયાલ ન હતો, હવે તો એક અતિ-મહાન હોવાપણાની બ્લ્યુ-પ્રિન્ટ મારી અંદર છપાઈને આકાર લઈ ચૂકી હતી.

 ધરતીની ગોદમાં, માટીની ચાદરમાં વિંટળાયેલું મારું અસ્તિત્વ ટૂંટિયું વાળીને સૂતું હતું. સ્વચ્છ આકાશમાં સૂર્યનો કાળઝાળ તાપ સોળે કળાએ વિલસી રહ્યો હતો. બધું યથાવત્ હતું. કોઈ ફેરફાર નહીં. કશું જ નવું નહીં. ત્યાં જ ધીમે ધીમે વાતાવરણમાં કાંઈક નૂતન આગમનના સંચાર થવા લાગ્યા. નૈઋત્યના પવન ઘટાટોપ, ઘનઘોર વાદળોને ખેંચી લાવ્યા. આકરો સૂરજ આ ઘટામાં ઘેરાઈ ગયો. મોરની ગહેંક મેઘરાજાને સત્કારતી ગાજવા લાગી. કાળાં ડિબાંગ નભમાં વાદળો પાણીના જળભંડાર ભરીને આવી પહોંચ્યા. વિજળીના ચમકારા કોઈ નૂતન ઘટનાના આગમનના અણસાર આપવા લાગ્યા.

અને બારે મેઘ ખાંગા બનીને ટૂટી પડ્યા. તપ્ત ધરતીનો પાલવ ભીંજાઈ ગયો. કાળઝાળ ગરમીથી તપેલી ધરતી શિતળતાનો આસ્વાદ કરી રહી. મેઘરાજા ફરી આવવાનું વચન દઈને વિદાય થઈ ગયા. સૂરજના કિરણ ફરી સળવળી ઊઠ્યા. ભીની ધરતીની સોડમ અને આ ઉષ્માએ મારી અનંત નિદ્રામાં ખલેલ પાડી. હું તો સફાળી આળસ મરડીને બેઠી થઈ ગઈ. મારા રોમે રોમમાં જીવન જાગી ઉઠ્યું. મારી અંદર સૂતેલાં બ્લ્યુ પ્રિન્ટના પાનાં ફરફરવાં લાગ્યાં. આ સળવળાટના પ્રથમ ચરણમાં એક નાનકડો અંકૂર મારા નાનાશા અસ્તિત્વના આવરણને ભેદીને ટપ્પાક દઈ બહાર કૂદી આવ્યો. મારી અનંત પ્યાસ ફરી  જાગ્રુત બની ગઈ.  ધરતીના પડમાંથી આ અંકુર ઘટ્ટાક ઘટ્ટાક પાણી પીવા માંડ્યો. એ જળ મારી અંદરના સૂકા પાર્શ્વભૂમાં ફરી વળ્યું, અને મારી અંદર ધરબાયેલા કણે કણ આ જળમાં ઓગળી ઓગળીને પેલા નવા આગંતુકને પોષણ દેવા માંડ્યા. એ મૂઓ તો આ બેય ધાવણ ધાવતો જાય અને વધતો જાય. દિવસે ન વધે એટલો રાત્રે વધે.

એની અંદરથી વળી બીજો અંકુર ફૂટ્યો અને એણે તો સીધી આકાશ ભણી દોટ મેલી. પેલા તોફાનીનો વારસદાર ખરો ને! એ તો ધરતીની કૂખને ફાડીને ખુશબૂદાર હવાની લહેરખીમાં ઝુલવા માંડ્યો. મારું ધાવણ અને હવાનો પ્રાણ બન્નેના પ્રતાપે એ લીલો છમ્મ બની ગયો. એના કણે કણ એ હવાને શ્વસવા લાગ્યા. સૂરજની ઉષ્મા મારું ધાવણ અને હવાના પ્રાણ આ ત્રિપૂટીના પ્રતાપે હવે એ તો માળો કમાતો થઈ ગયો! નવા કણોના ઢગલે ઢગલા મારા કુટુમ્બના ભંડારમાં ઉમેરાવા લાગ્યા. મારી અને આ બે અંકુરોની વચ્ચે જીવનરસ વહી જતી એક નાનકડી નદી વહેવા લાગી.

હવામાં ફેલાયેલા મારા લીલા અને કથ્થાઈ ફરજંદો અને ધરતીમાં કેલાયેલા મારા સફેદ સંતાનો આ નદીના કાંઠે વસવા લાગ્યા; વિલસવા લાગ્યા; વધવા લાગ્યા. આ પ્રક્રિયા દિનરાત, પ્રચંડ વેગે વર્ધમાન થતી રહી. નવાં લીલાં પર્ણો અને નવા સફેદ મૂળો નવી નદીઓને વહેવડાવતા કાંઠા સર્જતા ગયા. વિકાસની આ વણથંભી વણજાર ધરતીની અંદર અને ઉપર મુક્ત હવામાં વધતી જ રહી – વધતી જ રહી. પોઠોની પોઠો ભરીને નવા ફરજંદો સર્જાવા લાગ્યા. મારું કુટુમ્બ હજારો અને લાખો કણોમાં ફેલાતું ગયું.

પણ હવે હું ક્યાં? મારું શું અસ્તિત્વ? મારો કયો દેહ? અરે! હું કોણ? મારું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ હવે ક્યાં હતું? હું તો ફેલાઈ ગઈ. એ કણેકણમાં પથરાઈ ગઈ.

મારામાં લખાયેલી એ બ્લ્યુપ્રિન્ટ નું શિર્ષક હતું ‘ સૂર્યમુખી’

હવે મારો વડલો પાંગર્યો હતો. ધરતીમાં દબાયેલું અને બીજના કોચલાની બહાર વીસ્તરેલું મારું હોવાપણું આભને અડવા આંબતું હતું. સૂર્યના કિરણોમાંથી જમણ જમતાં જમતાં અને મૂળિયાંએ છેક ઉપર સુધી પહોંચાડેલો જીવનરસ પીતાં પીતાં, લીલાં પાંદડાં લહેરમાં મસ્ત બની વાયરાની હારે હીંચોળતાં હતાં. આ ભોજન અને પીણાંથી પુષ્ટ બનેલી ડાળીઓએ આખા કુટુમ્બને આધાર આપવાનું કામ ઉપાડી લીધું હતું. એ  તો જીવનરસનો હાઈવે બની ગયાં હતાં.

જીવનારાં મોજીલા જીવ હતા. મારા હૈયે ઊચાટ ઊભરતો હતો. ક્રૂર જલ્લાદ જેવા શિયાળાના ઓતરાદા વાયરા એક ‘દિ વાશે અને આ હર્યા ભર્યા ઘરને તહસ નહસ કરી નાંખશે. મારો વડલો ધરાશાયી બની જશે. મારું બધું કર્યું કારવ્યું ધૂળમાં મળી જશે. આ બધી સંપદા હતી ન હતી થઈ જશે. હવે પાર્શ્વભૂમાં રહ્યે પાલવશે નહીં. મારે કાંઈક કરવું પડશે – નેપથ્યમાં રહીને પણ.

મારી મનોકામનાને વાચા આપતા વાસંતી વાયરા વાયા. મારી મનોકામના મહોરી ઊઠી. ડાળીઓ પર નવી જ જાતના અંકૂર ફૂટવા લાગ્યા. આ બધા મારી આવતીકાલની પ્રજાના જનકો હતાં. તેમનું કલેવર જ કાંઈ ઓર હતું. ધીરે ધીરે આ અંકૂર વિસ્તરવા લાગ્યા. પાંદડાંની જેમ તે માત્ર એક સપાટી પર જ વિકસતા જીવ ન હતા, કે ડાળીઓની જેમ લાંબા લસ પણ ન હતા. એ તો પુષ્ટ અને ધીંગાં હતાં. તેમનામાં કુટુમ્બના વિસ્તરણની ક્ષમતા હતી. એક નવા ભવિષ્યની સંભાવનાને એ ઊજાગર કરવાના હતા. મારી નવી અભિપ્સાઓના, મારા નવા શમણાંઓના, નવી રંગભૂમિ પરના એ કસબીઓ હતા.

એ તો મોટાં ને મોટાં થવાં લાગ્યાં – ઠોસ સામગ્રીથી ભરપૂર. મારું બધું યે માતૃત્વ હવે એમની સેવા ચાકરીમાં, એમના સંવર્ધનમાં સમર્પિત બની ગયું. મારી નવી અભિપ્સાઓને આ બાળુડાંઓ કાર્યાન્વિત કરવાનાં હતાં ને? મારું હોવાપણું હવે એક નવી જ ક્ષિતિજમાં, નવા પરિમાણ અને નવા પરિવેશમાં એક નવા જ કાફલાને રવાના કરવા લાલાયિત બન્યું હતું. મારી બધી જ ઊર્મિઓ ઘનીભૂત બનીને આ અભિયાનમાં પરોવાઈ ગઈ.

અને એક ‘દિ સૂર્યના પહેલા કિરણની ઉષ્મા કોમળ સ્પર્શે, આ નવાંકુર આળસ મરડીને જાગી ગયું. તેનાં અંગ ઉપાંગ મહોરી ઉઠ્યા. તેની આછા રંગની પાંદડીઓ મરોડ ખાઈને ધીમે ધીમે ઊઘડવા માંડી. સોનેરી રંગની અનેક પાંદડીઓની વચ્ચે મખમલ જેવાં મુલાયમ નવજાત શીશુ જેવાં અને મિષ્ટ મધની પમરાટ વાળાં એ બાળુડાં આ જનમ કેદમાંથી બહાર આવીને નવા વિશ્વનું દર્શન કરી રહ્યાં.

‘સૂરજમુખી’ નામને સાર્થક કરી રહ્યાં.

અને આ શું? હું તો પાછી હતી ત્યાં ને ત્યાં મારી જાતને ભાળી રહી. એ જ જૂનું ને જાણીતું, સ્નિગ્ધ બોગદું. અને તેની નીચે મીઠા જીવનરસમાં ફરીથી સૂતેલી હું. ફરક માત્ર એટલો જ હતો કે હવે હું એક ન હતી. અનેક રૂપ ધારી હું મારી પોતાની દીકરીઓ બની ગઈ હતી. એ મખમલી માહોલની ટોચ ઉપર પેલા તોફાની દીકરાઓમાં પણ હું જ તો હતી!

એક નવું ભવિષ્ય આકાર લઈ ચૂક્યું હતું. જીવનના સાતત્યની સંભાવનાની આ નવી શક્યતાના આનંદના પરિપ્રેક્ષ્યમાં મારું નવું હોવાપણું ઝૂમી રહ્યું હતું. એ જ જૂના રાસમાં હું હિંચ લઈ રહી હતી. ફરી જન્મ, ફરી વિકાસ, ફરી મૃત્યુ. બીજમાંથી સૂરજમુખી અને સૂરજમુખીમાંથી બીજ. વરસો વરસ આ જ ક્રમ. જીવનનું સાતત્ય. મારા હોવાપણાનું સાતત્ય.

આ દરેક વર્તુળની સાથે મારું કર્તૃત્વ વિસ્તરતું જતું હતું. આ દરેક વૃત્તની સાથે જડતા, અંધકાર અને અકર્મણ્યતા સામેના મારા કલ્પોપૂરાણા સંઘર્ષમાં હું વિજેતા બનીને આગળ વધતી હતી.

E.mail :  surpad2017@gmail.com

Loading

સત્યજિત રે, અને એમની પ્રસિદ્ધ અપુત્રયી 

સોનલ પરીખ|Opinion - Opinion|7 May 2025

સત્યજિત રે ફિલ્મકલાના માસ્ટર છે. એમની ફિલ્મો જોયા પછી મારું મન જે રીતે રણઝણી ઊઠે છે એને હું વર્ણવી શકતો નથી. લોકો જન્મે છે, જીવે છે અને મૃત્યુ આવે ત્યારે એને સ્વીકારે છે. થિયેટરમાં અપુત્રયી જોયા વિના જો મૃત્યુ આવે તો એને પાછું કાઢજો. 

— અકિરા કુરોસાવા 

(જપાનના ફિલ્મસર્જક) 

જપાનના પ્રસિદ્ધ ફિલ્મસર્જક અકિરા કુરોસાવાએ 1975માં મોસ્કોમાં લૅક્ચર આપતા કહ્યું હતું, ‘સત્યજિત રે ફિલ્મકલાના માસ્ટર છે. એમની ફિલ્મો જોયા પછી મારું મન જે રીતે રણઝણી ઊઠે છે એને હું વર્ણવી શકતો  નથી.’ ‘પથેર પાંચાલી’ને યાદ કરતાં કુરોસાવાએ કહ્યું કે ‘કાન્સ ફૅસ્ટિવલમાં એ ફિલ્મ બતાવાયા પછી સિનેમેટિક ગ્લૉબલિઝમનો નવો યુગ બેઠો. જાણે કોઈ મહાનદીનો ઉદાત્ત પ્રવાહ વહી નીકળ્યો.’

સત્યજિત રે અને એમની અપુત્રયી (‘પથેર પાંચાલી’, ‘અપરાજિતો’ અને ‘અપુર સંસાર’) એવા વિષયો છે કે એમના વિશે વારંવાર વાત કરવી ગમે. ઓસ્કાર વિજેતા અને લેખક તેમ જ પ્રકાશક, ચિત્રકાર, સુલેખનકાર (કેલિગ્રાફર), ગ્રાફિક ડિઝાઇનર અને ફિલ્મ વિવેચક રેએ ભારતમાં તેમ જ વિદેશમાં સિનેમાનું ગૌરવ વધાર્યું. 2 મે એ સત્યજિત રેનો જન્મદિન છે એ નિમિત્તે ફરી એમને અને એમની અપુત્રયીને યાદ કરીએ : 

કેવું છે ‘પથેર પાંચાલી’નું પ્રથમ દૃશ્ય ?

સત્યજીત રે

વિશાળ જળરાશિ પર એક બાજુ કમળનાં પાંદડાં ફેલાયેલાં છે. બેચાર કમળ ઝૂલે છે. વચ્ચેથી ઊભા થયેલા એક પર્ણહીન ભીના થડિયા પર એક વરસાદી જીવડું લાંબી પારદર્શક પાંખ ફફડાવતું બેઠું છે. કેમેરા જળરાશિને પોતાનામાં સમાવતો કિનારાની વનશ્રી અને હરિયાળા વગડા પરથી પસાર થતો ગામમાં પ્રવેશે છે. નાની કાચી શેરીને છેડે લાકડાના થાંભલાવાળા વરંડામાં એક સ્ત્રી હાથ વતી પંખો હલાવતી સૂતી છે. ઘરમાં એક નાના આયનામાં જોતી આઠનવ વર્ષની કન્યા આંખમાં આંજણ આંજે છે, એ જ આંગળીથી કપાળ પર ચાંદલો કરે છે અને લીટીવાળી બંગાળી સાડી સંભાળતી, નાનો ઘડો કાંખમાં લેતી ઘર પાછળના નાના ફળિયામાં જાય છે. ખાડો ખોદી, એક છોડ રોપી, પાલવ ગળા ફરતો લઈ તે એ છોડને પ્રણામ કરે છે. બીજા દૃશ્યમાં એક નાનો છોકરો – માત્ર ધોતી પહેરેલો – હરિયાળા મેદાનમાં દોડે છે. પાછળ આ કન્યા દોડે છે. વરસાદ તૂટી પડે છે. છોકરો એક મોટા ઝાડ નીચે આશ્રય લે છે, બહેન ગોળગોળ ફરતી ભીંજાતી રહે છે. થોડીવારમાં એ ઝાડ નીચે આવે છે ત્યાં સુધીમાં ઝાડની ઘટા ટપકવા માંડી છે. બહેન ધ્રૂજતા ભાઈને પોતાના પાલવમાં વીંટી લે છે. આ બાજુ સૂતેલી મા થોડા પાંદડા એકઠાં કરતી, નીચે પડી ગયેલું કોઈક વનફળ લઈ ફાટેલા પાલવથી માથું ઢાંકતી ઘર તરફ દોડે છે. 

થોડી સેકન્ડોમાં સમેટાઈ જતા આ દૃશ્યમાં કેટલું કેટલું કહેવાયું છે – તેમાં ગતિ છે, વાર્તાનો ઉપાડ છે, સંવેદન છે, સર્જક-ભાવક-કથાનકને જોડતી શાંત એકતાનતા છે …

1955માં બનેલી ‘પથેર પાંચાલી’ સત્યજિત રેની પહેલી ફિલ્મ હતી. 1956ના કાન્સ ફૅસ્ટિવલમાં આ ફિલ્મ અનેક અવૉર્ડ જીતી. 1992માં 64માં ઑસ્કાર સમારંભમાં ઓડ્રી હૅપબર્ને ઘોષણા કરી, ‘ધ ઓનરરી ઑસ્કાર ઑફ ધીસ યર ગૉઝ ટુ ધ ગ્રેટ ઇન્ડિયન ફિલ્મમેકર સત્યજિત રે’. 70 વર્ષના સત્યજિત રે એ સમારંભમાં હાજર ન હતા, હૃદયરોગની સારવાર માટે કોલકાતાની એક હૉસ્પિટલમાં દાખલ થયેલા હતા. એમણે હૉસ્પિટલમાંથી આપેલો પ્રતિભાવ અમેરિકામાં ચાલી રહેલા ઑસ્કાર સમારંભમાં સ્ક્રીન પર બતાવાયો હતો. બીમાર છતાં પ્રફૂલ્લિત અને તેજસ્વી લાગતા સત્યજિત રે કહેતા હતા, ‘ફિલ્મસર્જકને માટે ઑસ્કાર એટલે નોબેલ પ્રાઈઝ. ખુશ છું. જિંદગીમાં જે પણ શીખ્યો, જે પણ જોયું-જાણ્યું-અનુભવ્યું તે સઘળું મેં સિનેમાની કલાને સમર્પિત કર્યું …’ 

ઑસ્કાર મળ્યો તે જ વર્ષે તેમને ભારતરત્ન મળ્યું. એ જ વર્ષે તેમનું મૃત્યુ થયું. એમણે પોતાની માતૃભાષા બંગાળીમાં ફિલ્મો બનાવી, પણ એની અપીલ વૈશ્વિક હતી. તેઓ કહેતા, ‘ધ બેસ્ટ ટેકનિક ઈઝ ધ વન ધેટ ઈઝ નોટ નોટિસેબલ.’ સભાન રીતે નોંધાયા વિના જે અસ્તિત્વને ગાઢ રીતે સ્પર્શી જાય તે ફિલ્મ-ટેકનિકનું શ્રેષ્ઠ રૂપ છે. એટલે જ સત્યજિત રે કે એમની ફિલ્મોને વર્ણવવાં એટલાં સરળ નથી. સ્થાનિક વિષયો, અત્યંત સરળતા અને સાદગીભરી અભિવ્યક્તિ છતાં તેમાં સર્વવ્યાપકતાનો સ્પર્શ હોય છે. 

અપુત્રયી એ બાળક અપૂર્વની પુખ્ત ઉંમર સુધીની જીવનયાત્રા છે. ઉપરાંત ‘જલસાઘર’, ‘દેવી’, તીન કન્યા’, ‘ચારુલતા’, ‘નાયક’, ‘અશ્ની સંકેત’, ‘શતરંજ કે ખિલાડી’, ‘ઘરે બાહિરે’, ‘ગણશત્રુ’, ‘શાખા પ્રશાખા’ અને ‘આગંતુક’ આ ફિલ્મોએ તેમને અકિરા કુરોસાવા, આલ્ફ્રેડ હિચકોક, ચાર્લી ચૅપ્લિન, ડેવિડ લીન, રિત્વિક ઘટક, વિટ્ટોરિયો દ સિકા જેવા સર્જકોની હરોળમાં મૂકી આપ્યા. 

સત્યજિત રેના દાદા અને પિતા લેખક, વિચારક, પ્રકાશક અને સમાજસુધારક. સત્યજિત ત્રણ વર્ષના હતા ત્યારે પિતા ગુજરી ગયા. માએ કષ્ટ વેઠીને પુત્રને મોટો કર્યો અને તેનો કલાપ્રેમ જોઈ શાંતિનિકેતન પણ મોકલ્યો. મેધાવી સત્યજિત શાંતિનિકેતનને કંઈક રમૂજથી જોતા, પણ ત્યાં જ તેમની પાંખો ખૂલી. ગ્રાફિક આર્ટ શીખી તેમણે જવાહરલાલ નહેરુના ‘ડિસ્કવરી ઑફ ઇંડિયા’ સહિત થોડાં પુસ્તકોનાં કવરપેજ બનાવ્યાં હતાં.

1947માં એમણે અન્ય સાથે મળી કલકત્તા ફિલ્મ સોસાયટી બનાવી, જેમાં વિદેશની ફિલ્મો પ્રદર્શિત થતી. સત્યજિત આ દરેક ફિલ્મો જોતા. 1949માં એમને દીર્ઘકાલીન પ્રેમિકા સાથે લગ્ન કર્યાં. એ જ વર્ષે ફ્રેંચ દિગ્દર્શક ઝાં રેંવૉર કોલકાતા આવ્યા હતા. એમની ‘ધ રિવર’ ફિલ્મના શૂટિંગમાં સત્યજિત મદદરૂપ થયા અને પોતાના મનમાં ઘોળાતો ‘પથેર પાંચાલી’ પ્રોજેક્ટ ચર્ચ્યો. 1950માં કંપનીએ સત્યજિતને 3 મહિના માટે લંડન મોકલ્યા. આ ત્રણ મહિના દરમિયાન એમણે 99 ફિલ્મો જોઈ. વિટ્ટોરિયો દ સિકાની ‘બાયસિકલ થિવ્ઝ’ અને ઝાં રેંવૉરની ‘રુલ્સ ઑફ ધ ગેમ’થી એટલા પ્રભાવિત થયા કે હવે એવી ફિલ્મો જ બનાવવી એવું નક્કી કરી લીધું. મોટાભાગની ફિલ્મોની વાર્તાઓ પોતે જ લખી. સંગીત પણ આપ્યું અને સિનેમેટોગ્રાફી પણ કરી. 

‘પથેર પાંચાલી’ની વાર્તા 1828માં બિભૂતિભૂષણ બંદોપાધ્યાયે લખેલી આ જ નામની વાર્તા પર આધારિત હતી. વિદ્વાન પણ ગરીબ બ્રાહ્મણ હરિહર અને એની પત્ની સર્બજયા બાળકો દુર્ગા અને અપૂર્વ સાથે એવા નાના ગામડામાં રહે છે, જ્યાં દિવસમાં એક વાર પસાર થતી ટ્રેન પણ નવાઈનો વિષય છે. હરિહર એક વાડીનો માલિક હતો, પણ હવે બધું વેચાઈ ગયું છે. મોટી આંખોવાળા અપુની એન્ટ્રી લગભગ વીસ મિનિટ પછી થાય છે. દેશ નવો સ્વતંત્ર થયો હતો, બંગાળનો મોટો ભાગ પાકિસ્તાનમાં જતો રહ્યો હતો. ગ્રામીણ બંગાળથી લઈ બનારસ ને પછી કોલકાતા સુધી અપુત્રયીની યાત્રા છે. ચકિત આંખોવાળો બાળક અપુ અનેક ઊતરચઢમાંથી પસાર થતો વિચારશીલ યુવાન બને છે. સત્યજિત અને તેમના બધા તરવરિયા સાથીઓ ત્યારે નવા હતા, બધા જ પછીથી પ્રખ્યાત થયા. શૂંટિંગની શરૂઆત 1952માં પોતાની બચતમાંથી કરી પણ પછી પૈસા ખૂટતા ગયા.

સત્યજિત ત્યારે પણ પૂર્ણતાના આગ્રહી. પટકથામાં ફેરફાર ઈચ્છનારની મદદ ન સ્વીકારે. છેવટે સરકારે મદદ આપી. 1955માં ફિલ્મ રિલિઝ થઈ. કલાકૃતિ તરીકે વિદેશોમાં પણ વખણાઈ. એક વિવેચકે જો કે કહ્યું, ‘હાથથી ખાવાનું ખાતા કંગાળ ખેડૂતોની ફિલ્મ મને તો ન ગમે.’ પણ ‘ટાઈમ્સ’એ તેને ‘પ્યૉર સિનેમા’ કહી. ‘અપુર સંસાર’માં માનીતા કલાકારો સૌમિત્ર ચેટરજી અને શર્મિલા ટાગોરને લીધા, આ ત્રણે ફિલ્મોના અનુભવો સત્યજિત રે એ ‘માય યર્સ વિથ અપુ-અ મેમ્વૉર’ પુસ્તકમાં સમાવ્યા છે. ત્રણે ફિલ્મોનું સંગીત પંડિત રવિશંકરે આપ્યું હતું. 

સત્યજિતે કહ્યું હતું, ‘ઘણીવાર મને લાગે છે કે શેરીમાં ચાલતો એક સાધારણ માણસ મહાનાયકો કરતાં વધારે પડકારરૂપ વિષય છે. આછાઘેરા પડછાયામાં આવૃત્ત એની સાધારણતા, એના અસ્તિત્વમાં ગૂંજતું ભાગ્યે જ સંભળાય તેવું જીવનસંગીત મારે શોધવું છે, પકડવું છે, વ્યકત કરવું છે.’ કુરોસાવા કહે છે, ‘લોકો જન્મે છે, જીવે છે અને મૃત્યુ આવે ત્યારે એને સ્વીકારે છે – બરાબર. પણ થિયેટરમાં અપુત્રયી જોયા વિના જો મૃત્યુ આવે તો એને પાછું કાઢજો.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 ઍપ્રિલ  2025

Loading

...102030...346347348349...360370380...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved