Opinion Magazine
Number of visits: 9584701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વહીવટ’ શબ્દનો અર્થવિસ્તાર

યોગેન્દ્ર પારેખ|Opinion - Literature|16 December 2016

તાજેતરમાં એક સ્વજનને ઘરે જવાનું થયું. ત્રણ વર્ષના નીલકાન્તને એક ઓરડામાં રમકડાંના ઢગલા વચ્ચે જોયો. બેઠકખંડમાંથી બે-ત્રણ સાદ પાડવા છતાં બાળક બહાર આવવા તૈયાર નહીં. તેના દાદાએ કહ્યું કે આજે રમકડાંનો આખો કબાટ ખાલી કર્યો છે તેનો ‘વહીવટ’ ચાલે છે. દાદાની દુનિયાનો ‘વહીવટ’ શબ્દ પૌત્રની રમત રમતમાં પવિત્રતા પામ્યો. વહીવટ શબ્દનો આટલો સરળ અર્થ થતો હોત તો ક્યાં કોઈને કશી તકલીફ છે. પણ આ શબ્દ આપણા વર્તમાન વાસ્તવમાં આપણા મનોજગતમાં જુદો જ અર્થબોધ કરાવે છે. સત્યથી જેટલા વેગળા એટલાં વહીવટની નજીક એવા વિષમય અર્થઘટનના આશ્લેષમાં આપણે અનુકૂળ અર્થઘટન કરીને રોડવી લેવાનું હોય છે.

સરકારી પરિભાષામાં કાર્યાલયના સમગ્ર તંત્રનું સંચાલન થતું હોય, તેવી એક વિભાગીય શાખાને વહીવટ કહેવામાં આવે છે. જે-તે વિભાગ સંલગ્ન સામાન્ય નાગરિકો, અરજદારો, લાભાર્થીઓ, સંલગ્ન સેવાસંસ્થાઓ, નોંધણી પામેલા અધિકૃત સભાસદો, પ્રજાજનો, જો શૈક્ષણિક સંસ્થા હોય, તો વિદ્યાર્થીઓ, કરાર દ્વારા જોડાણનું અસ્તિત્વ ધરાવતી વ્યક્તિઓ કે સંસ્થાઓ વગેરે-વગેરે આ વહીવટના કાર્યક્ષેત્રમાં, વર્તુળમાં, પ્રભાવમાં, અસરમાં, પરિણામની ભૂમિકાએ આવે છે. જે-તે સંસ્થાની બંધારણીય જોગવાઈઓનું પાલન થાય તે ધ્યાનમાં રાખીને સંસ્થાએ પોતાની સ્થાપનાના હેતુઓ સિદ્ધ થાય તે માટે સાર્થક દિશામાં પ્રયત્ન કરવાના થાય. તેને સાચી દિશાનો વહીવટ થયો કહેવાય.

પ્રિય વાચક! વહીવટનો સાચૂકલો અર્થ વાંચીને તમને કંટાળો આવ્યો હશે. ચીડ ચડી હશે. સ્વાભાવિક છે કે જગતમાં જે વસ્તુનું કોઈ અસ્તિત્વ જ ના હોય, એવી વાતને એક આદર્શ તરીકે રજૂ કરી સવારસવારમાં અથવા તો તમે જ્યારે પણ વાંચતાં હશો, ત્યારે તમને કંટાળો આપવાનો કોઈ બદઇરાદો નથી. સત્ય વિશેની જાણકારી મેળવ્યા પછી અસત્યનો ભેટો કરવાથી જે ઉઝરડા પડે છે, તે કોઈ ભાગ્યશાળી કે પુણ્યશાળીને જ પડે છે. બાકી બધાંને માત્ર મજા આવે છે અથવા તો નારાજગી થાય છે. કોણ કેવા વહીવટમાં પડ્યા છે, તેના આધારે વહીવટ શબ્દનો અર્થવિસ્તાર તેના વાચકના મનમાં વિવિધ ભાવ જન્માવે છે.

આપણે મૂળ વાત વહીવટની કરતા હતા. પાપ-પુણ્યની કલ્પના અને શાસ્ત્રથી ઊભરાતાં વિશ્વમાં વહીવટનો અલાયદો મુકામ છે. જ્યાંથી બધું ઉદ્ભવે છે, વિસ્તરે છે, લય-વિલય પામે છે, આથડે છે, અથડાવે છે, ટપારે છે, ટકોરે છે, ટકરામણ થાય છે, પાર પડે છે. પાધરું પડે છે અને પડે ત્યારે સઘળું પડે છે. પાપભીરુ માણસ એ વિસ્તારમાં હોવા છતાં જેના પ્રવર્તમાન અર્થથી દૂર રહેવામાં ક્યારેક સફળતા મેળવે છે, ક્યારેક ખરડાય છે. જેને આવડે એને જ આવડે છે, એવા કૌશલ્યનું નામ વહીવટ છે.

થોડા દિવસ પહેલાં એક મોટી સંસ્થામાં અરજી કરનાર યુવાને પૂરી નિર્દોષતાથી માર્ગદર્શનની અપેક્ષાએ આ લખનારને પૂછ્યું કે ‘વહીવટી અનુભવ’ના ખાનામાં શું લખું? બે ઘડી આઘાતમાંથી બહાર આવીને મેં પૂછ્યું, તમે જીવનમાં ક્યારેય જમીનમાપણી કરાવી છે? એન.એ.- એન.ઓ.સી.નો અનુભવ છે? વીજજોડાણ કપાયું હોય, તો પાછું કનેક્શન મેળવ્યું છે? સાત-બારનો ઉતારો કઢાવ્યો છે? કોઈને નોકરીમાં સેટ કર્યા, કરાવ્યા છે? કોઈને નોકરીમાંથી કઢાવ્યા છે? કોઈની બદલીમાં નિમિત્ત બન્યા છો? કોઈને મેમો આપવામાં, અપાવવામાં સહાયક બન્યા છો ? કોઈની કામગીરી પર પાણી ફેરવતાં આવડે છે? પાણી ફેરવ્યા પછી અજાણ્યા બની આશ્વાસન આપતાં આવડે છે? એક સિક્કાની બે બાજુ તરીકે સત્ય અને અસત્યનો ઉપયોગ કરવાની ફાવટ છે? કરવા યોગ્ય કરવા માટેની નિષ્ક્રિયતા અને ન કરવાનું કરવાની તત્પરતા તમારા સ્વભાવમાં છે? કામની વસ્તુ ગૂપચાવવાની અને નકામી વસ્તુ શણગારવાની આદત છે? જાહેરહિતમાં જાહેર કરવા યોગ્ય બાબતોને ગોપનીય ગણીને ચાપલૂસી કરતાં આવડે છે? તમને ન આવડતાં કામ સત્તાની રૂએ બીજા પાસેથી કરાવી લેવડાવી તમે કરેલાં કામ તરીકે રજૂ કરી શકો? કોઈને મુખ્ય પ્રવાહમાંથી હટાવતાં આવડે છે? આટલા બધાં પ્રશ્નો સાંભળીને ડઘાઈ ગયેલા યુવાને અરજી કરવાનું માંડી વાળ્યું. આખરે સ્વચ્છતા-અભિયાનને કેન્દ્રમાં રાખીને આખી થીમ ડેવલપ થાય તે રીતે એક એન.જી.ઓ.ની સ્થાપના કરી અને સ્વનિયુક્ત વહીવટની દુનિયામાં પ્રવેશ કર્યો.

માટે હે આર્યપુત્ર! ભવ્ય ભારતવર્ષમાં ચાણક્યથી લઈ ગાંધીજી – મોરારજી સુધીની વહીવટી પરિભાષાનું જ્ઞાન, પ્રયોગની ભૂમિકાએ અમલમાં, એટલે કે વ્યવહારમાં લાવવાનો તારો અભરખો હોય, તો તેને ઢબૂરી દેજે!

વહીવટ એટલે વહીવટ! બીજું કશું જ નહીં, એટલું સમજાય ત્યારે જાતને સજ્જ કરજે. એક વખત અંતરાત્માનું ઍન્કાઉન્ટર કરવાની આદત પડી જાય, પછી વહીવટ કરવામાં વાંધો આવતો નથી. દેહાવરણ જેવી ચામડી પણ તેની કુમાશ છોડીને આવશ્યક જાડાઈ ધારણ કરી લે છે. કોઈ ગેંડાની ચામડી સાથે સરખાવે, તો હરખાયા વગર પાર્ટી આપી શકાય છે. જયજયકાર કરવા માટે આખી જમાત તૈયાર થઈ જાય છે અને આ જમાતથી જાતને અળગી રાખનાર એકાદ વિરલાને કે વીરાંગનાને એકલા પાડી દેતાં કે મૂરખ સાબિત કરવામાં બહુ વાર નથી લાગતી. અલબત્, આખી કાયનાત એટલેે કે જમાત તેમાં મદદગાર થાય છે.

E-mail : gandhinesamajo@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 12

Loading

સદ્ગત વિનોદ અધ્વર્યુ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|16 December 2016

ગુજરાતી સાહિત્યના અધ્યાપક, કવિ, વિવેચક, સંપાદક, આસ્વાદક અને પ્રેમાળ માણસ વિનોદ અધ્વર્યુનું ચોવીસમી નવેમ્બરના ગુરુવારની સાંજે નેવ્યાસી વર્ષની વયે અમદાવાદના તેમના નિવાસ્થાને અવસાન થયું. ચોવીસ જાન્યુઆરી ૧૯૨૭ ના રોજ ડાકોરમાં જન્મેલા વિનોદભાઈ મુંબઈની વિલ્સન કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ. અને ભારતીય વિદ્યા ભવનમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ.થયા. તેઓ ૧૯૫૭થી બાર વર્ષ અમદાવાદની બી.ડી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક  હતા. ત્યારબાદ તે  ખેડા  જિલ્લાના બાલાસિનોર (અત્યારે મહિસાગર જિલ્લામાં) ગામની આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં અઢાર વર્ષ આચાર્ય રહ્યા અને ૧૯૮૭માં નિવૃત્ત થયા. બાલાસિનોર જેવા કસબામાં  તેમણે અનેક સાહિત્ય પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું.

સાહિત્યના ઊંડા અભ્યાસી હોવા ઉપરાંત વિનોદભાઈ નાટકના મર્મજ્ઞ હતા. ‘નાટ્યાનુભૂતિ’ નાટ્યવિવેચન પરના તેમના લેખોનો સંચય છે. આ જ ક્ષેત્રના દીર્ઘલેખોના સંગ્રહ ‘રંગલોક’માં ગુજરાતી નાટક, તેનું ગદ્ય, ગુજરાતીમાં શૅક્સપિયર અને એકાંકી નાટ્યસ્વરૂપ પરના અભ્યાસો છે. ગુજરાતી એકાંકીના ત્રણ સંચયોનું સંપાદન પણ તેમણે કર્યું છે. ખાસ નોંધવું જોઈએ કે  ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પરથી રેડિયો અને રંગમંચ પર રજૂ થયેલા અલગ અલગ નાટકો તેમ જ  તેની ગુજરાતી ટેલિફિલ્મમાં એ ત્રણેયમાં નાટ્યાલેખ(સ્ક્રિપ્ટ) ઉપરાંત અનેક પાસાંમાં વિનોદભાઈએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ‘યજ્ઞશેષ’ના સોળ અભ્યાસલેખોમાં આનંદશંકર, ગોવર્ધનરામ, કાન્ત, બળવંતરાય, દર્શક અને રવીન્દ્રનાથ પરની સમીક્ષાનો સમાવેશ થાય છે. અહીં છેલ્લો લેખ ‘સાહિત્યકૃતિઓનાં માધ્યમાંતરો’ એવો છે. આ લેખમાં તેમણે ગોવર્ધનરામની મહાનવલ પરના પોતાના માધ્યમાંતરના કર્તૃત્વ વિશે એક શબ્દ સુદ્ધા લખ્યો નથી. પોતાની જ કૉલમમાં પોતાની જ કૃતિઓનો આસ્વાદ કરાવવાના ને એવાં બધાંના જમાનામાં આ વાત ધ્યાનમાં લેવા જેવી છે. ગોવર્ધનરામની જેમ મુનશી તેમના બીજા આરાધ્ય હતા. મુનશી પરનું એમનું અભ્યાસ-પુસ્તક (મોનોગ્રાફ) કેન્દ્રીય સાહિત્ય અકાદેમીએ ‘ભારતીય સાહિત્યના નિર્માતા’ શ્રેણી હેઠળ બહાર પાડ્યું છે. તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ તે ‘નન્દિતા’ (૧૯૬૧). પ્રયોગશીલતા, અર્થઘનતા, પ્રતીકાત્મકતા અને લાઘવ એ આ સંચયની રચનાઓના મુખ્ય લક્ષણો છે એમ પ્રસાદ બ્રહ્મભટ્ટ નોંધે છે. તેમાંથી ‘રાજગરો’ ગીતરચના પાઠ્યપુસ્તકમાં આવવાને કારણે જાણીતી છે. ‘માણેકડું’ અને ‘મુસાફરો’ રચનાઓ કવિએ ખુદ, ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘સર્જક અને સર્જન’ શ્રેણી હેઠળ તેમની પર બનાવેલી દસ્તાવેજી ફિલ્મમાં વાંચી છે. ‘ભોગાવો’ કવિતા તેમના મુખે રસિકોએ ઘણી વાર સાંભળી છે. એ કવિતા હમણાં તેમને શ્રદ્ધાંજલિ તરીકે, જાણીતા નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ફેસબુક પર ટાંકી છે. આ રચનાની જેમ વિનોદભાઈની બીજી ઘણી રચનાઓ અને તેમના કેટલાક વિવેચન લેખો પુસ્તક તરીકે આવ્યા નથી.

વિનોદભાઈના રુચિવૈવિધ્યનો અંદાજ તેમની સાથેની વાતોની જેમ તેમના સમૃદ્ધ વ્યક્તિગત ગ્રંથસંગ્રહમાં પણ મળતો. તેમાં નાટક, સિનેમા, ચિત્ર, શિલ્પ, સંગીત જેવી કલાઓનાં ગુજરાતી તેમ જ અંગ્રેજી પુસ્તકોનો પણ સમાવેશ હતો. વિનોદભાઈ વાંસળી સરસ વગાડતા, જૂની રંગભૂમિનાં ગીતો ગાતાં. ‘વિનોદભાઈ અદ્દલ અશોક કુમાર લાગે છે’ એમ રઘુવીર ચૌધરીએ ‘તિલક કરે રઘુવીર’ના બીજા ભાગમાં કુલીનચંદ્ર યાજ્ઞિકના શબ્દચિત્રમાં નોંધ્યું છે. વાતોના રસિયા વિનોદભાઈ બોલે ત્યારે તેમના ચહેરા પર અને અવાજમાં હેત વરતાતું. બાલાસિનોરના તેમના રળિયામણા આચાર્ય નિવાસે કે સૅટેલાઈટ વિસ્તારના તેમના ઘરે તેમની પાસેથી સાંભળેલાં કાવ્યશાસ્ત્રવિનોદ કે અતીતરાગી ગોષ્ઠી મને યાદ આવે છે. વિલ્સનના દિવસોને તે બહુ સંભારતા. ત્યાં તેમને કુલીનચંદ્ર યાજ્ઞિક અને ઇન્દ્રવદન કોઠારી જેવા મિત્રો તેમ જ પત્ની સુરંગી મળ્યાં. હમણાં બ્યાંશી-ત્ર્યાંશીની ઉંમરે તેમની દીકરી નંદિતા તેમને વિલ્સનમાં લઈ ગઈ ત્યારે તે કૉલેજની ઇમારતના બધા માળ ચઢીને તેમાં ફર્યા, કેટલાક વર્ગોમાં પણ બેઠા.

વિનોદભાઈની લાંબી-લાંબી વાતોમાં મુનશી, અનંતરાય, વિષ્ણુપ્રસાદ, ઉમાશંકર, નિરંજન (ભગત) જેવાં નામ, અનેક અધિવેશનો-જ્ઞાનસત્રોનાં સંભારણાં,નાટકોના અનુભવો ઉજાગર થતાં. ફરિયાદ કે કડવાશ તેમના મોંઢે સાંભળી નથી. ગુજરાતી લેખનના મારા શરૂઆતના મહિનાઓમાં મને જેમનાં માર્ગદર્શન-પ્રોત્સાહન મળ્યાં તેમાંથી એક તે વિનોદભાઈ. તેમણે બોંતેર વર્ષની વયે કચ્છના ભૂકંપ પીડિતોને સહાય પહોંચાડવા માટે તેમની કૉલોનીમાં યુવાસહજ પહેલ કરી હતી. એંશીમા વર્ષ સુધી તો તે ટુ-વ્હીલર ચલાવતા. છેલ્લા દિવસ સુધી તે પુસ્તકો, છાપાં, સાહિત્યિક સામયિકો અને વિચારપત્રો વાંચતાં રહ્યાં. જીવન માટેની તેમની મુગ્ધતા અને તેમનો ઉત્સાહ છેક સુધી ટક્યાં હતાં. સાહિત્યની દુનિયાને નજીકથી જોયા પછી પણ તેમણે સાક્ષર તરીકેની શાલીનતા અને માણસ તરીકેની સાલસતા જાળવી રાખી હતી. 

૨૭ નવેમ્બર ૨૦૧૬

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 13

Loading

સદ્ગત દિલીપ પડગાંવકર

પ્રકાશ ન. શાહ|Profile|16 December 2016

પત્રકાર દિલીપ પડગાંવકર ગયા. બોંતેર વરસનું, હવેના જમાનામાં ભાગ્યે જ પૂર્ણાયુષ કહી શકાય એવું જીવીને ગયા. જો કે એમણે જે તીવ્રતાથી, સઘનતાથી આ વરસોનો હિસાબ આપ્યો તે જોતાં ભરપૂર જીવીને ગયા.

મળવાનું તો મોડેથી, ખાસે મોડેથી થયું, ને તે પણ ગણીને ત્રણચાર વાર. પણ ઘણાબધા રસિક વાચકોની જેમ એમને વણમળ્યે વાંચ્યાચાહ્યાનો તો એક લાંઆઆબો સિલસિલો રહ્યો. હવે તરતમાં પાંચ દાયકા થશે એ વાતને જ્યારે યુવા દિલીપે (હજુ તો સ્નાતકવર્ષોમાં હશે) પૅરિસથી યુવજનોના અજંપાના સુરેખ રિપોર્તાજ વાટે ‘ટાઇમ્સ’ના વાચકોને મોહી લીધા હતા. એ વર્ષોમાં મારા પ્રિય વિદેશવૃત્તાંત લેખકો બે હતા – પ્રાહા વસંત (પ્રાગ સ્પ્રિંગ) સબબ નિર્મલ વર્મા અને યુવજન આંધીઅજંપા સબબ દિલીપ પડગાંવકર.

આગળ ચાલતાં બૅંગકોક-પૅરિસ ખાતેની યુનેસ્કો કામગીરી પછી દેશમાં એ ‘ટાઇમ્સ’ના તંત્રીપદે પહોંચ્યાં અને ગિરિલાલ જૈન પછી, ખાસ કરીને ૧૯૯૨ના દોરમાં એમનું એ પદે કાર્યરત હોવું – કોમવાદની પૂરા કદની રાજકીય વિચારધારાની રાષ્ટ્રીય પ્રતિષ્ઠા વચ્ચે-નિરક્ષીરવિવેકની દૃષ્ટિએ આશ્વસ્તકારી હતું. (તે દિવસોમાં હું ભવન્સમાં પત્રકારત્વના વર્ગો લેતો. મને યાદ છે, કંઈક ચર્ચા નીકળી ત્યારે નોંધપાત્ર તંત્રીલેખ લેખે વર્ગમાં શિલ્પા ભટ્ટે ‘રિપબ્લિક બિર્સ્મ્ચડ’ એ મતલબના મથાળે પડગાંવકરે લખેલું એની જિકર કરી હતી.)

ગિરિલાલને યાદ કર્યા તે સાથે ઉમેરવું જોઈએ કે દિલીપમાં બે સમર્થ પુરોગામી – અદિબ કહેતાં શામલાલ અને ગિરિલાલ-નું અજબ જેવું રસાયણ હતું. શામલાલનો અક્ષરસૃષ્ટિ ને વિચારલોક વિશેનો જે ચાવ અને લગાવ તેમ જ ગિરિલાલની રાજકીય પ્રવાહો વિશેની જે ઝીણી નજર, બેઉ દિલીપ કને હતાં. શામલાલના સહૃદય સંસ્કારનો મારે મતે દિલીપને લાભ એ થયો કે એ ગિરિલાલની પેઠે ગોથું ખાતા બચી ગયા. ફિરોજશાહ મહેતાએ જેની બોરીબંદરનાં ડાહી ફોઈ (ઑલ્ડ લેડી ઑફ વિક્ટોરિયા ટર્મિનસ) તરીકે કલાસિક ઓળખાણ આપી હતી ને ‘ટાઈમ્સ’ની તંત્રી પરંપરા (અલબત્ત, માલિકી ઝોક સાથે) રાજ્યસંસ્થા પરના ભારની રહી છે. એમાં જેમ સાંસ્થાનિક દબાણો તેમ સ્વાતંત્ર્યોત્તર સરકારસંધાનનો હિસ્સો હશે તેમ મજબૂત રાજ્ય વગર લોકશાહી વેરણછેરણ થઈ જાય એવી ધોરણસરની નાગરિક ચિંતાનો પણ હશે. કટોકટી વખતે ગિરિલાલ મ્યાન જેેેેેેેેવા થઈ ગયા અને જેવી તે હળવી થઈ કે ‘નાઉ ઇટ કેન બી ટોલ્ડ’ કહેતાંકને પડમાં પધાર્યા એ અનુભવ પછી ૧૯૯૦-૯૨માં નવા ઓથારદોરમાં તંત્રીપદે દિલીપનું હોવું એક અચ્છો અનુભવ હતો. ક્યારેક રોયવિચારમાં રમેલા મનાતા ગિરિલાલ મજબૂત રાજ્યસંસ્થાની બાલાશ જાણે એમાં કશું ખોટું નહોતું. માત્ર, આ ચિંતા એમને સંઘ પરિવારના રાષ્ટ્રરાજ્યવાદની અનુમોદના સુધી ખેંચી જાય તેને કંઈ નહીં તો પણ ગરબડગોથું તો કહેવું જ જોઈએ. પડગાંવકરે  આવું ગોથું ન ખાધું એ એમનો વિશેષ.

ગિરિલાલ-દિલીપ સંક્રાન્તિ વર્ષોમાં મારે એમને મળવાનું થયું તે ‘ટાઈમ્સ’ના ગુજરાતી આવિષ્કાર સંદર્ભે, ૧૯૯૦માં. તે પૂર્વે, આગલે વરસે અશોકકુમાર જૈન સાથે (એમના નિમંત્રણથી) મુલાકાતને અંતે મેં વિધાયક પ્રતિસાદ નહોતો આપ્યો. દરમ્યાન, સહજ ક્રમે ‘જનસત્તા’ છૂટ્યું અને હું છડો હતો ત્યારે વળી) નિમંત્રણ તાજું થયું (હવે સમીર જૈનનો દોર હતો) અને વાત આગળ વધતાં પડગાંવકરને મળવાનું પણ થયું. હરીશ ખેર અને તુષાર ભટ્ટ બંને ઇચ્છતા હતા કે હું ‘ટાઇમ્સ’માં જોડાઉં. એમને અને દિલીપને મારે વિશે જે પણ વાત થઈ હશે, ભોંય તૈયાર હતી. પણ તે સવારે દિલ્હી દફતરમાં જે વાતો થઈ, અદૂકડા લન્ચ લગી લંબાઈ, એમનાં સ્નાતક (મારાં અસ્નાતક) વર્ષોથી માંડીને જેપી આંદોલન, દલિત સાહિત્ય, નવ્ય સિનેમા … થયું કે ઠીક જામશે, પણ –

મેં લગભગ તરત જ ‘ટાઇમ્સ’ છોડ્યું ત્યારે પડગાંવકરે કોઈને કહેલું કે શાહ મને મળવા રોકાયા હોત તો મેં એમને સમજાવી લીધા હોત. મેં કહ્યું કે બચાડા જીવ દેશમાં બીજે નંબરે હશે, પણ ‘ટાઇમ્સ’માં નવમા નંબરે છે, એમને કાં પજવું. વસ્તુતઃ રામનાથ ગોયન્કા, જ્યોર્જ વર્ઘીઝ અને પ્રભાષ જોશીથી સેવાયેલ એક્સપ્રેસ સંસ્કાર સામે મને સમજાવું જોઈતું હતું કે ટાઇમ્સ ઉત્તરોત્તર વધુ માલિક છાપ બજારવસ્તુ બની રહ્યું છે અને હવે એને તંત્રીઓની નહીં પણ ‘બ્રાન્ડ મૅનેજર’ની જરૂર હોવાની છે. દેખીતા સમીરાના અંદાજમાં પૂરા કદના તંત્રીની કોઈ ભૂમિકા રહેવાની નહોતી, બાગે બહાર બ્રાન્ડ મૅનેજર તરેહનો નવો અવતાર થવાનો હતો જે! (સુરેન્દ્ર પ્રતાપ સિંહ ‘ટાઇમ્સ’માંથી નીકળી ગયા અને ‘આજ તક’ એ આરંભિક સમાચારબુલેટિનનો જે ચમત્કાર થયો એ માટે આપણે બાળ સમીરના ઋણી રહીશું.)

દિલીપનું ‘ટાઇમ્સ’થી છૂટા થવું, છેટા અને છડા રહેવું (છેવટે વળી ટાઇમ્સ સાથે ‘કન્સલ્ટિંગ એડિટર’ તરીકે હોવું) આ ઘટનાક્રમ દરમ્યાન એક વાર એક-બે મિનિટ માટે મળવાનું થયું તે પછીથી અભયઘાટ તરીકે ઓળખાવાયેલ પરિસરમાં – મોરારજી દેસાઈની અંતિમ યાત્રામાં એ અંગ્રેજી કોમેન્ટેટરો પૈકી હતા, હું ગુજરાતી પૈકી. અમે સહેજસાજ સ્મિતની આપલે કરી ન કરી, ને એમણે કહ્યું – સો વી આર ઓન ધ સેઈમ પ્લેનેટ, નો? (પછીના દસકામાં કદાચ ‘ઑન ધ સેઈમ પેજ’ કહ્યું હોત – ખબર નથી). પણ ૨૦૦૨માં એ જ્યારે એડિટર્સ ગિલ્ડ તરફે આવ્યા ત્યારે સાઇડલાઇન્સમાં થોડી મિનિટ ઠીક આપલે થયાનું સાંભરે છે. એમણે દેશની બંધારણીય સમજૂત પર ભાર મૂક્યો અને કહ્યું કે બંધારણમાં કેટલુંક અર્ધસ્ફુટ લાગે છે તે સાભિપ્રાય છે કેમ કે એમાં રાજકારભારીઓ અને નાગરિક સમાજના વહેવારિયાઓને એક વિધાયક મોકળાશ મળી રહે છે. એમની સાથે થયેલી વાત સંભારું છું ત્યારે સમજાય છે કે રાષ્ટ્રવાદની પ્રજાસૂય વ્યાખ્યા તરફનો મારો (મારા જેવાઓનો) ઝોક ૧૯૯૨/૨૦૦૨ પછી શી વાતે સ્પષ્ટ થવા લાગ્યો હશે. હકીકતમાં મારી સ્મૃિતમાં આ પ્રજાસૂય સંસ્કારના સગડ જવાહરલાલ નેહરુના આઠેક દાયકા પરના એ યાદગાર ભાષણ લગી જાય છે જેમાં એમણે ગ્રામીણ શ્રોતા સમૂહને તમારી આંખના આંસુ તે ભારતમાતાની આંખનાં આંસુ ને તમારા ચહેરા પરનું સ્મિત તે ભારતમાતાનું સ્મિત, એવી પ્રજાપરક વ્યાખ્યાને ધોરણે રાષ્ટ્રવાદની નિરૂપણા કીધી હતી. બેનેડિકટ એન્ડરસન અને માર્થા નૂસબોમ તો પછીથી, હમણે હમણે, વાંચવાનાં બન્યા હશે.

પડગાંવકર અને રાધા કુમારે કાશ્મીર પ્રશ્ને ઇન્ટરલૉક્યુટર તરીકે સેવા આપી, એનુંયે આ ક્ષણે સ્મરણ થાય છે. છેવટનાં વરસો, દોમ દોમ દિલ્લી છાંડી એમણે પુણેનો વિદ્યાવિલાસ-વાસ પસંદ કર્યો તેમાં એમના જીવનનાં વલણોનો પરિચય મળી રહે છે. ચીફ એડિટરથી કન્સલ્ટિંગ એડિટર તરીકેની એમની સંક્રાન્તિ પ્રકારાન્તરે બજારનાં બળો મુક્ત પત્રકારત્વને કઈ હદે ગ્રસી શકે છે એનું એક ચિત્ર આપી રહે છે. એક રીતે, આવું આવું પોસ્ટ ટ્રુથ સોસાઈટીની એ નાંદી ઘટના હતી. દેશમાં ભલે બીજા ક્રમે હોય, ટાઇમ્સમાં તો એ નવમા ક્રમે છે, એવું મેં ક્યારેક કરેલું સ્માર્ટિંગ આ ક્ષણે મ્યાન કરું છું, અને તંત્રી હોવું તે ક્યારેક અધિપતિ હોવું હોઈ શકતું હતું એ યુટોપિયાઈ લાગતા અતીત વાસ્તે બે આંસુ પાડી પડગાંવકરને સફરની સલામ પાઠવું છું.

નવેમ્બર ૨૭, ૨૦૧૬

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 15 અને 02

Loading

...102030...3,4883,4893,4903,491...3,5003,5103,520...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved