અનેક મોઢે એને બોલવું પડે જેના વિચાર સ્પષ્ટ ન હોય, કાં ઇરાદો સ્પષ્ટ ન હોય અને કાં હિંમત ઓછી પડતી હોય
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિને બીજી વ્યક્તિને દેશભક્તિનું સર્ટિફિકેટ આપવાનો અધિકાર નથી. એ પછી તેમણે ઉમેરણ કર્યું હતું કે મને પણ નહીં. આ છેલ્લું કથન જોતાં એમ લાગે છે કે તેઓ પોતાને હિન્દુઓનો અવાજ સમજે છે. મોહન ભાગવતે દેશપ્રેમીઓને મર્યાદાનું ભાન કરાવ્યું એના હજી અઠવાડિયા પહેલાં તેમણે કહ્યું હતું કે ‘આ દેશ હિન્દુઓનો છે અને જે પણ વ્યક્તિ આ દેશમાં જન્મ લે છે એ હિન્દુ છે. ધર્મ અલગ હોઈ શકે, પણ ઓળખ એક જ છે; હિન્દુ. હિન્દુ એ ધર્મવાચક ઓળખ નથી, પરંતુ રાષ્ટ્રવાચક ઓળખ છે.’
અહીં બે સવાલ ઉપસ્થિત થાય છે. પહેલો સવાલ એ કે ઇન્ડિયન, ભારતીય, હિન્દુસ્તાની અને એક સમયે હિન્દી એવા રાષ્ટ્રવાચક શબ્દો આપણી પાસે છે અને એની સામે કોઈ પ્રજાને વાંધો નથી તો એને અપનાવી લેવાની જગ્યાએ હિન્દુનો આગ્રહ શા માટે? આખું જગત આપણને ઇન્ડિયન, ભારતીય કે હિન્દુસ્તાની તરીકે ઓળખે છે અને ઇતિહાસમાં પણ ભારતની પ્રજાનો ઉલ્લેખ આ ત્રણ શબ્દોમાં જ કરવામાં આવ્યો છે. ઓળખના જે શબ્દો હાથવગા છે, રૂઢ છે, નિર્વિવાદપણે સર્વસ્વીકાર્ય છે તો પછી હિન્દુનો આગ્રહ શા માટે? બીજું, હિન્દુસ્તાનમાં તો હિન્દુ આવી જ જાય છે અને એ છતાં સંતોષ નથી એનું શું કારણ? હિન્દુઓની ભૂમિ (સ્તાન) એ હિન્દુસ્તાન અને તેમને હિન્દુરાષ્ટ્ર તો જોઈએ છે.
૧૯૪૭માં ભારતનું વિભાજન થયું ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ આગ્રહ રાખ્યો હતો કે હવે ભારતનું વિભાજન થઈ રહ્યું છે તો અત્યાર સુધી અખંડ ભારતને ઓળખાવનાર શબ્દ ઇન્ડિયા સ્થગિત કરી નાખવો જોઈએ અને એની જગ્યાએ ઇન્ડિયા સત્તાવારપણે હિન્દુસ્તાન તરીકે ઓળખાવું જોઈએ, કોમી વિભાજન પછી ઇન્ડિયા હવે ઇતિહાસ બની જવું જોઈએ. આ દરખાસ્તનો સરદાર પટેલે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ધર્મના નામે ઇન્ડિયામાંથી જે બહાર નીકળે એ ઓળખ ગુમાવે, બાકી ભારત તો ઇન્ડિયા ધૅટ ઇઝ ભારત તરીકે જ ઓળખાશે. બચાડા મોહન ભાગવતને આ બધા ઇતિહાસની જાણ નહીં હોય.
જે ધર્મના નામે ઇન્ડિયા ધૅટ ઇઝ ભારતમાંથી બહાર નીકળે એ ઓળખ ગુમાવે એમ સંઘના આરાધ્ય દેવ-ગાંધીનુયાયી-કૉન્ગ્રેસી સરદાર પટેલે ત્યારે કહ્યું હતું. ભારત કરતાં હિન્દુસ્તાન શબ્દ વધારે પ્રચલિત હોવા છતાં સત્તાવારપણે ભારત શબ્દ અપનાવવામાં આવ્યો હતો, કારણ કે એ સમયના ભારતના નેતાઓ આડકતરી રીતે પણ કોમી વિભાજનને માન્યતા આપવા નહોતા માગતા. ઇન્ડિયા ધૅટ ઇઝ ભારત સર્વસમાવેશક ઓળખ છે અને હિન્દુસ્તાન શબ્દ પણ એટલો જ સર્વસમાવેશક છે એટલે તો સંઘને એમાં વાંધો છે. તમે ભારતીય તરીકે ઓળખાતા હશો તો ચાલશે, પણ અંદરથી તમે હિન્દુ હોવા જોઈએ, કારણ કે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદનો આ તકાદો છે જે તેમણે ઇટલીમાંથી આયાત કર્યો છે.
બીજો સવાલ હિન્દુત્વનો ઉપસ્થિત થાય છે. મુસલમાન ભલે ધર્મે મુસલમાન હોય, ખ્રિસ્તી ભલે ધર્મે ઈસાઈ હોય; દિલથી તેઓ હિન્દુ હોવા જોઈએ. હવે હિન્દુપણાની (જેમને તેઓ હિન્દુત્વ તરીકે ઓળખાવે છે) તેમની વ્યાખ્યા શું કહે છે? જેમની પિતૃભૂમિ અને પવિત્ર ભૂમિ બન્ને ભારત હોય એ જ હિન્દુ. આ વ્યાખ્યા વિનાયક દામોદર સાવરકરે કરી છે જે સંઘને સ્વીકાર્ય છે. હિન્દુત્વ શબ્દપ્રયોગ સંઘે અપનાવી લીધો છે અને સંઘે સત્તાવારપણે કે આડકતરી રીતે સુધ્ધાં સાવરકરની હિન્દુની વ્યાખ્યાનો અસ્વીકાર નથી કર્યો.
હવે જેની જન્મભૂમિ અને પવિત્ર ભૂમિ ભારત હોય એ જ માત્ર હિન્દુ ગણાય તો અન્ય ધર્મીઓ પાસેથી સંઘ કયા આધારે હિન્દુ તરીકે ઓળખાવવાનો આગ્રહ રાખે છે? તેમની વ્યાખ્યા જ તેમને હિન્દુ તરીકે ડિસમિસ કરે છે. સાવરકરે તો ત્યાં સુધી કહ્યું છે કે જેની જન્મભૂમિ અને પવિત્ર ભૂમિ ભારત હોય એ જ હિન્દુ ગણાય અને એ જ માત્ર ભરોસાપાત્ર રાષ્ટ્રનિષ્ઠ ગણાય જ્યારે બાકીનાઓની રાષ્ટ્રનિષ્ઠા શંકાસ્પદ હોય છે. રેખા તો સાવરકરે ખેંચી આપી છે જે સંઘને માન્ય છે તો પછી ભારતમાં જન્મે એ દરેક હિન્દુ, પછી એનો ધર્મ ગમે એ હોય એમ કહેવાનો શું અર્થ છે? પણ પ્રશ્ન કરે કોણ? વિચારે કોણ? સમીક્ષા કરે કોણ? RSSની શાખાઓમાં કુમળા ચિત્તનું બોન્સાઇ કરવામાં આવે છે.
હું જ્યારે શિખાઉ પત્રકાર હતો ત્યારે મેં મારા સિનિયર પત્રકારને પૂછ્યું હતું કે મુમ્બાદેવી પરથી મુંબઈનું નામ પડ્યું અને નરેન્દ્ર આગળ જતાં વિવેકાનંદ બન્યા એવા એકસરખા લેખો વારંવાર વાંચ્યા છે તો એને ફરી-ફરી છાપતા રહેવાનો શું અર્થ? તેમણે કહ્યું હતું કે દર વરસે નવા યુવા વાચકો ઉમેરાતા હોય છે તેમના માટે. છાપાવાળાઓએ સમયાંતરે એકસરખા લેખો આપવા પડતા હોય છે. RSSની પણ એ જ નીતિ છે. દર વરસે નવા હિન્દુઓ પેદા થતા રહે છે એટલે તેમને અનેક મોઢે બોલીને ભ્રમમાં રાખવા પડે.
એક માર્ગ અપનાવો તો માર્ગ સ્પષ્ટ કરવો પડે, એની વ્યાખ્યા કરવી પડે, એની રૂપરેખા આપવી પડે, વ્યવહારુતા બતાવવી પડે અને સૌથી મોટી વાત એ કે ખુદે એના પર ચાલવું પડે. આટલી ત્રેવડ નથી એટલે અનેક મોઢે બોલવું પડે છે. તમે કોઈ જેહાદી મુસલમાનને જોયો છે અનેક મોઢે બોલતા? તે ખોટું વિચારે છે અને કરે છે એમાં કોઈ શંકા નથી; પરંતુ તે જે માને છે એ જ બોલે છે અને એ જ કરે છે અને જ્યાં સુધી જીવ ન ગુમાવે ત્યાં સુધી એ જ બોલતો-કરતો રહે છે. અનેક મોઢે એને બોલવું પડે જેના વિચાર સ્પષ્ટ ન હોય, કાં ઇરાદો સ્પષ્ટ ન હોય અને કાં હિંમત ઓછી પડતી હોય. RSSની શાખાઓમાં બોન્સાઇની ચોથી પેઢી તૈયાર થઈ રહી છે. માનવધનનો કેવડો મોટો વેડફાટ! વિચાર તો કરો.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 15 ફેબ્રુઆરી 2017