Opinion Magazine
Number of visits: 10,212,502
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કથા-પુકુર : ૧

હિમાંશી શેલત|Opinion - Opinion|8 January 2018

ઊંઘ હરામ થઈ જાય એવું બનશે ઘણું-ઘણું. હાથ કલમ હેઠે મૂકવા તરફડશે પણ લખવું પડશે, લખ્યે જ પાર. સામે આગ લાગી હશે તોયે ઓલવવા માટે દોડાશે નહીં, માત્ર લખાશે, આગ … આગ !

અભિશાપ કહો તો અભિશાપ, આશીર્વાદ કહો તો આશીર્વાદ, હાથ ખેંચીને કોઈકે કલમ પકડાવી. પછી આનાકાની શી રીતે થાય ?

•

– તો કથા-પુકુરનું આ પહેલું બિંદુ.

રાજમાં દૈત્યનો ભારે ત્રાસ. પ્રજા મરણતોલ પીડામાં પહોંચી રાજદ્વાર. રાજા સામે દુખડાં ઠાલવ્યાં. રાજા આશ્ચર્યચકિત.

મારા છતાં તમને દુઃખ ? માનું જ નૈ, હું પ્રજાવત્સલ ને પ્રજાપ્રિય, કોણ કનડે છે તમને ?

પ્રજા કરગરીને નાકલીટી તાણી માંડ બોલી કે મા’રાજ, દૈતડાં પજવે છે. અતિશય ત્રાસ છે એમનો.

રાજા ગર્જ્યા, શી રીતે પજવે છે. ઝટ કહો. આ ઘડી પીડા દૂર કરું. હું તારણહાર, જીવનાધાર, મારા છતાં … પ્રજા બાપડી ક્ષીણ કંઠે બબડે કે રાખ્ખસની કનડગત એક હોય તો કહીએ, આ તો વાતે-વાતે એક છરી, નાક કાપું, લાવ તલવાર, માથું વાઢું, અને મોતને ઘાટ એમ ઉતારે જાણે પૃથ્વીપટે હતાં જ નહીં. એવાં કેટલાંયે બત્રીસલક્ષણાં જતાં રહ્યાં !

રાજા ચિંતનમાં પડ્યા. એમ ને એમ કંઈ દૈત્યો કનડે નહીં. પૂછી લીધું, તમારો કંઈ અપરાધ ? કશું કર્યું દૈત્યોને ના ગમે એવું ? પ્રજાએ તો પેટછૂટી કબૂલાત કરી.

જીવીએ છીએ એને વાંક ગણો તો એમ માઈબાપ, પણ એક વાર થોરને કાંટાળો કીધો, અને ઝેરકચોલાંને ઝેરી, આ એટલી ભૂલ ગણો તો ભૂલ!

રાજાએ કપાળે હાથ પછાડ્યો, અરેરે, આવી પહાડ જેવડી ભૂલ! દૈત્યોને ચોક્કસ માઠું લાગ્યું. બહુ સંવેદનાસભર, રાષ્ટ્રપ્રેમી, કૂણાં માખણ જેવાં હૈયાં છે એમનાં, એમને આવું કહેતાં પહેલાં જરા પૂછવું તો હતું! હવે કંઈ થાય નહીં. હાથે કરીને કુહાડો માર્યો પગે! પ્રજા વિમાસણમાં. તારણહાર દૈતડાંને રોકી ન શકે ? રાજા કહે કે ચિંતા ન કરો, તમે આપણી સમૃદ્ધિ જુઓ, આનંદ આવશે. આપણા વરિષ્ઠ ઉદ્યોગપતિનો મહેલ જોયો ? હાલમાં જેનું ઉદ્‌ઘાટન કર્યું એ મંગલભવન જોયું ? આ જ તકલીફ છે ને, જે જોવા જેવું છે તે તો જોતાં જ નથી તમે! દૈત્યોને છોડોને!

સમસ્ત જનગણ સ્તબ્ધ.

થોરને કાંટાળો કહ્યો અને ઝેરકચોલાંને ઝેરી, એ શું આવડો મોટો અપરાધ? મહારાજ તૌ દૈત્યોને નાથવામાં માનતા નથી અને એમાં તો દૈત્યોની નફ્ફટાઈ બેફામ છે. એમને જે નડે એમને પતાવી દીધાં પછીયે ઠરતાં નથી, ફટાકડા ફોડી હરખ કરે કરે છે, અને જમણવાર રાખે છે. એમને રોકે એવું કોઈ કરતાં કોઈ દેખાતું નથી. આ તે કેવું કલ્યાણરાજ ?

હવે આપણી પાસે એક જ માર્ગ છે. પીડિતોના અગ્રણીએ જાહેર કર્યું. સહુ એમની આસપાસ ફરી વળ્યાં. સઘળી આશા છોડીને થાકેલાં તમામ માટે આ રાહતના સમાચાર હતા. કયો ઉપાય હશે આપણા આગેવાન પાસે ?

આપણે સ્વાંગ સજવાનો છે દૈત્યોનો. ચહેરા એવા પહેરી લેવાના, એમના જેવા. ઢબછબ, બોલચાલ બધુંયે એમના જેવું, ભલભલા થાપ ખાઈ જાય એવો વેશ. પછી આપણને કનડગત નહીં, એમને થશે કે આપણે તો એમનામાંનાં જ છીએ, તે આપણને તો બરાબર ખબર હોય કે આપણે અલગ છીએ, ભલાં પરગજું, સત્યનિષ્ઠ. કેવો લાગ્યો આ ઉપાય ?

લાંબા વિચાર બાદ એક ચતુરે સવાલ કર્યો કે દૈત્યોનું તો સમજ્યાં, આપણે એકમેકને શી રીતે ઓળખી શકીશું, જ્યારે સહુ સરખેસરખાં જ દેખાતાં હશે ત્યારે ?

સવાલ એને ઠેકાણે છે અને જવાબ જડ્યો નથી આ ઘડી સુધી. બધો ગોટાળો એને કારણે ચાલી રહ્યો છે, ક્યાં સુધી ચાલશે, શી ખબર !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 15

Loading

ખન્તીલા તન્તીલા અને એટલા જ આત્મશ્રદ્ધાળુ વ્યક્તિત્વની ઓળખ મળે એવા આસ્વાદ્ય કથનસૂરમાં આ કથા કહેવાઇ છે

સુમન શાહ|Opinion - Literature|7 January 2018

આ આત્મકથામાં જીવનલીલા જ છે, છતાં સર્જનાત્મક અભિવ્યક્તિની કલા રૂપે અનુભવાય છે ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ વિશે

ગાંધીજી જગજાણીતા; એટલી જ જાણીતી એમની આત્મકથા – સત્યના પ્રયોગો. પણ, મારે આજે જેની વાત કરવી છે એ આત્મકથાનું નામ છે, ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’. (ઇમેજ, ૨૦૧૬). એ ‘અજાણ્યા’ તે, નટવર ગાંધી. મૂળે સાવરકુંડલાના. ૧૯૪૦માં જન્મ. કેટલોક સમય મુમ્બઈમાં રહીને વરસોથી અમેરિકામાં વસ્યા છે. બી.કોમ., ઍલ.ઍલ.બી., ઍમ.બી.એ. અને પીએચ.ડી. અમેરિકામાં નાનીમોટી નોકરીઓ અને થોડો વખત પ્રોફેસરી કરેલી. પણ પછી તો રાજધાની વૉશિન્ગ્ટનના ટૅક્સકમિશ્નર-પદે અને છેલ્લે નાણાપ્રધાનની ઑફિસમાં સી.ઇ.ઓ.-પદે હતા. ૨૦૧૩-માં નિવૃત્ત થયા. ત્યારે ‘વૉશિન્ગ્ટનિયન’-ના પત્રકારને નિવૃત્તિ ચાર વર્ષ વહેલાં લેવાનું અનોખું કારણ આપેલું. કહેલું :

‘I have a new love in my life’ : એ ન્યૂ લવ તે આપણાં માનીતાં કવિ, પન્ના નાયક. પતિ નિકુલભાઈના અવસાન પછી, ૫૦ વર્ષના સહવાસ પછી, પન્નાબહેન; અને પત્ની નલિનીબહેનના અવસાન પછી, ૪૭ વર્ષના સહવાસ પછી, નટવરભાઈ, બન્ને, ૨૦૧૩-થી સાથે રહેવાનું નક્કી કરે છે, ને રહે છે. ત્યારે પન્નાબહેન ૮૦-નાં હતાં અને નટવરભાઈ ૭૩-ના. આ વિરલ પણ સુન્દર ઘટનાને સમાજ નહીં સમજી શકેલો. મિશ્ર પ્રતિભાવો જન્મેલા. જો કે નટવરભાઈનો પ્રતિ-પ્રતિભાવ એ હતો કે -I don’t give a damn…

આ વીગતો ૨૯૭-મા પાને એમણે પોતે આપી છે. પણ સાવરકુંડલાથી શરૂ થયેલી એમની વિકાસશીલ કારકિર્દી મને એમ સૂચવે છે કે નટવરભાઈનો first love તો બહુ પહેલેથી જાતના આત્મઘડતર સાથે હતો. હું ધારું છું, મૂજી અતડા એકાકી છોકરાએ ૭૬-ની ઉમ્મરે ૩૪૪ પાનની આત્મકથા પ્રકાશિત કરી તે એ ચકાસી જોવા કે જાતના ઘડતર માટે જીવનમાં પોતે અસાધારણ પરિશ્રમ કરેલો કે કેમ; કરેલો તો શું મળ્યું. વાંચ્યા વગર બોલનારા કહેવાના – આમાં વ્યાવસાયિક કારકિર્દીની વાતો હશે. ના. હું માનું છું કે એ first love-ને ચરિતાર્થ કરવા નટવરભાઈએ વ્યક્તિ તરીકે કેવીક પસંદગીઓ કરી, કેવાંક સામર્થ્યોને કામે લગાડ્યાં; પોતા પાસેથી શું લીધા કર્યું અને સામે, આસપાસના સંસારને શું આપ્યા કર્યું; એ નિરન્તરના વિનિમયની જાતતપાસનો આ આત્મકથા, જાહેરમાં મૂકેલો પાકો અંગત હિસાબ છે. પણ જિન્દગીની એવી લૅણાંદેણીનો આત્મકથાકારે શો સાર મેળવ્યો છે? એ કે સાધના અધૂરી છે. નટવરભાઈ જીવનજોદ્ધાની જેમ જિન્દગીને એ જ તિતિક્ષાથી તાકી રહ્યા છે. આટઆટલી સિદ્ધિઓ પછી પણ એમના આત્માને જાણે હાશ નથી થઈ. એવા ન-લૌકિક અસંતોષની નોંધ લેતાં મને સારું લાગ્યું છે. કેમ કે એ જ તો છે આત્મકથા કથવા માટેનું ખરું પ્રયોજન ! એ જ તો છે આત્મકથા વાંચવા-જાણવા માટેનું કારણ. બાકી, પદપ્રતિષ્ઠા ને પૈસાથી ધરાયેલા તો શુંયે લખે ને વાચકો શુંયે પામે !

કૉલમની મર્યાદામાં પૂરું નહીં કહી શકું. સ-વીગત વિવરણ પણ નહીં કરી શકું. પણ મારાં મન્તવ્યો હમેશાં સુચિન્તિત હોય છે. એને શ્રદ્ધેય ગણવાં. બુકટાઇટલ પરની છબિઓ સૂચવે છે કે આ માણસના કાળા વાળ ધોળા થઈને હાલ ટાલ પડી છે તે ધ્યેયસિદ્ધિ માટેના એના પ્રામાણિક સંઘર્ષનું પરિણામ હશે. ઇન્ડિયા અને અમેરિકામાં વ્હૅંચાઈ ગયેલી કારકિર્દીની કથા નટવરભાઈએ એવા બે ભાગમાં કરી છે. ઠેર ઠેર પેટાશીર્ષકોથી સમગ્ર કથાને રેખાન્કિત કરી છે. એથી વાચનયાત્રીને મુકામે મુકામે થોભ્યાની રાહત અને વિશ્રામ મળે છે. મને ખાતરી છે કે આ પછીના વાક્યમાં હું સૂચવીશ એ શીર્ષકોમાં મુકાયેલાં નિરૂપણોને વાંચી જનારા વાચકો આખું પુસ્તક વાંચી નાખશે : વાર્તા લાગે એ હદે પ્રસંગોને આલેખવાની લેખકની સૂઝબૂઝ માટે અનેક શીર્ષકો સૂચવી શકું, પણ આ એક અનિવાર્ય છે : (પિતાશ્રીના મોટાભાઈ) બાપુજીનું ગાંડપણ : સાવરકુંડલાનિવાસ દરમ્યાન આશાએષણાઓ અને ભાગી છૂટવાની ઝંખના જાગી, તાલાવેલી લાગી, એ માટે : નીરસ બાળપણ. રેઢિયાળ ઉછેર. મારો વિચિત્ર સ્વભાવ : મુમ્બઈનિવાસ દરમ્યાન કૉલેજમાં ગયા, નોકરીઓની હાડમારીઓ વેઠી, એ માટે : હું કૉલેજિયન થયો. નોકરી મળી, પણ પગાર વગરની. ડેડ એન્ડ નોકરી : સાહિત્ય તેમ જ રાજકીય પરિવેશની જાણકારીથી ઉઘાડ અનુભવ્યો એ માટે તેમ જ મિત્રો વિશે : રતિભાઈ. જારેચા અમેરિકા ઉપડ્યા. સાહિત્યનો શોખ લાગ્યો. મુમ્બઈનું વિશાળ સાંસ્કૃિતક જગત : નલિનીબહેન સાથેનો ગૃહસ્થાશ્રમ જાણવા : માથેરાનમાં હનીમૂન. એક ઓરડીનો અમારો ગૃહસ્થાશ્રમ : દામ્પત્યજીવનની કઠિન પરિસ્થિતિઓ અને પતિના ખુલ્લા દિલના એકરાર માટે : નલિનીનું દુ:ખદ અવસાન : અમેરિકા-ગમન તેમ જ ઍટલાન્ટા અને વૉશિન્ગ્ટનનિવાસ દરમ્યાનની બૃહદ્ જીવનરસકહાણી માટે : પ્લેનની પહેલી મુસાફરી. કાળા લોકોની યુનિવર્સિટી. ગોરી પ્રજાનો પહેલો પરિચય. મિસફિટ. વૉશિન્ગ્ટન – જી.એ.ઓ.(આખું પ્રકરણ). હું સી.ઍફ.ઓ. થયો : એ ઉચ્ચ પદે પ્હૉંચ્યા અને મુશ્કેલીઓનો જિગરથી સામનો કર્યો એ આત્મશક્તિના પરિચય માટે : વૉશિન્ગ્ટનનું ટૅક્સકૌભાંડ – મારા જીવનની મોટી કસોટી. વાહ વાહ અને હુરિયો : છેલ્લે, નિવૃત્તિ લેવાનો નિર્ણય.

આત્મકથાનું સાહિત્યિક મૂલ્ય છે. એ ઇતિ-હ-આસ નથી, સર્જનાત્મક લેખન છે. આ કથા પણ દસ્તાવેજ કે વહીવંચો નથી. હકીકતસમૃદ્ધ જીવનલીલા જ છે, છતાં સતત સર્જનાત્મક અભિવ્યક્તિની કલા રૂપે અનુભવાય છે. સાહિત્યિક મૂલ્યનો અર્થ એ પણ ખરો કે આત્મકથામાં ક્યાંક ટૂંકીવાર્તા અને નવલકથાની અસરો પણ પ્રગટતી હોય. આમાં, બનાવો પ્રસંગો પરિસ્થિતિઓ અને ઘટનાઓથી એવો સંમિશ્ર કથારસ પ્રગટ્યો છે. સુજ્ઞ વાચક અનુભવશે કે પોતાની સામે એક દીર્ઘ કથા આળેખાતી ભજવાઈ રહી છે. ગુજરાતી અને દેશીવિદેશી સાહિત્યકારો ચિન્તકો ને રાજનીતિજ્ઞોના ઉલ્લેખોની સાથોસાથ, એમણે પોતાના વિચારજગતની પણ ઝાંખી કરાવી છે. લાગે કે નટવરભાઈ તેજસ્વી વિચારક વ્યક્તિ છે. હું ભૂલી ગયેલો કે પૃથ્વીછંદ-પ્રભુ એઓ ત્રણ કાવ્યસંગ્રહોના કવિ છે; પણ પછી યાદ આવી ગયેલું. ‘અનંતસ્પર્શીય આદર્શની પ્રાપ્તિ’ જેવો સુ-સંસ્કૃત પ્રયોગ કરી શકે છે. તેમ છતાં એમની કહેણી – સ્ટાઇલ ઑફ નૅરેશન – સરળ છે.

ખાસ તો મારે એ કહેવું છે કે એમણે એમના ખન્તીલા તન્તીલા અને એટલા જ આત્મશ્રદ્ધાળુ વ્યક્તિત્વની ઓળખ મળે એવા આસ્વાદ્ય કથનસૂરમાં આ કથા કહી છે. એ સૂર ઊર્મિલ અને રસપ્રદ છે. એમાં રણકાર છે, સાચકલાઇ છે. ત્રુટિઓના નિખાલસ એકરાર છે. નાનીમોટી લબ્ધિઓના આછાપાછા સંતોષોની ઝલક છે. નટવરભાઈએ આત્મનિરીક્ષાપૂર્વક પોતાનું હૃદય ઠાલવી દીધું છે. લાગે કે બધું આત્માની સાક્ષીએ બોલ્યા છે. છતાં, જીવનપુરુષાર્થ વિશે તુષ્ટ નથી દીસતા. પણ, ના; સાવરકુંડલાના પારિવારિક લાડ-પ્યાર વિહોણા ઉત્સાહ-ઉલ્લાસહીન વાતાવરણમાંથી જે જણ સર્વ વાતે સજ્જ થવાને આત્મશ્રદ્ધાપૂર્વક ભાગ્યો, એટલે કે, મારી દૃષ્ટિએ in the making-માં પરોવાયો, કઠિનતર American Dream-માં જોતરાયો અને જીવનસત્યો પામ્યો, એ આત્મબોધની આ એક સાફલ્યગાથા છે. મને કહેવું ગમે છે કે કથાનાયકે meaningless જીવનચક્રને meaningful-ની દિશામાં પૂરા આત્મબળથી ઘુમાવી જાણ્યું છે. એને અવલોકવાથી સાહિત્યનો રસસંતર્પક અનુભવ મળે છે. વિલક્ષણ જીવનપ્રેરણા મળે છે.

પુસ્તકોની આવી સીમિત ઓળખ આપ્યા પછી હારીછૂટીને હું કહેતો હોઉં છું – દોસ્તો, જાતે વાંચી લેજોને; પ્રસન્ન થઈ જશો. ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ માટે પણ એમ જ કહું છું. પણ જણાવું કે એને આપણા પ્રસિદ્ધ આત્મકથા-સાહિત્યમાં ઝડપથી ઉમેરી લઇએ. આપણા યુનિવર્સિટી-અભ્યાસક્રમોમાં વહેલી તકે દાખલ કરી દઈએ.

શનિવાર, તારીખ ૬/૧/૨૦૧૮-ના રોજ, “નવગુજરાત સમય” દૈનિકમાં પ્રકાશિત આ લેખ, પ્રેસના સૌજન્યથી અહીં મૂક્યો છે.

e.mail : suman.g.shah@gmail.com

Loading

આંતરજાતીય લગ્ન અને સ્ત્રીના ધર્મની દ્વિધા

રંજના હરીશ|Opinion - Opinion|7 January 2018

વિશ્વભરમાં સ્ત્રીનું લગ્ન એટલે જાણે તેનો પુનઃ જન્મ. લગ્ન સાથે તેનું નામ, અટક, ઘર, પરિવેશ અને ધર્મ બધું જ બદલાઈ જાય ! સ્ત્રી જે પુરુષને પરણે તે પુરુષનો ધર્મ તે જ તેનો ધર્મ બની જાય ! આ પિતૃસત્તાક પ્રથા સદીઓથી વિશ્વભરમાં પ્રવર્તે છે. ખાસ કરીને ભારતમાં તો ખરી જ.

હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે પારસી, જેવા ભારતના બધા જ ધાર્મિક સમાજોમાં લગ્ન પછી સ્ત્રીના નિર્વિવાદપણે ધર્મપરિવર્તનને સ્વીકારી લેવાયું છે. ટૂંકમાં સમાજ આખો સ્ત્રીને પુરુષના નામે, પુરુષના ધર્મે, અને પુરુષના સંદર્ભે જ ઓળખતો રહ્યો છે. અને તેનાં માઠાં પરિણામો સ્ત્રીએ સહન કર્યાં છે. જ્યાં લગભગ કોઈ જ સ્ત્રી આવા અન્યાયનો વિરોધ સુદ્ધાં કરતી નથી, જ્યાં લગ્ન બાદ નવું નામ, નવી અટક અને નવો ધર્મ આંતરજાતીય લગ્નની પરિણીતા પોતાના ભાગ્યરૂપે સ્વીકારે છે, ત્યાં આવા પિતૃસત્તાક ધાર્મિક વલણની વિરુદ્ધમાં થોડા જ સમય પહેલાં એક પારસી સ્ત્રી મેદાને પડી. શ્રીમતી ગુલરુખ એમ. ગુપ્તા નામની જન્મે પારસી, પરંતુ લગ્ન બાદ હિન્દુ બનેલી તથા ગુપ્તા અટક ધરાવતી સ્ત્રીએ વલસાડના પારસી ટ્રસ્ટ સામે કાનૂની ફરિયાદ નોંધાવી.

ફરિયાદ એવી હતી કે પારસી સમાજ દ્વારા ચલાવાતા વલસાડ પારસી ટ્રસ્ટના હોદ્દેદારોએ પોતાના સમાજના નિયમોને ધ્યાનમાં રાખતા નોન પારસી પુરુષને પરણેલ આ યુવતીને પારસી અગિયારી કે પારસી સ્મશાનગૃહમાં જવા પર નિષેધ ફરમાવ્યો હતો. પારસી સમાજના નિયમ પ્રમાણે તેમના ધાર્મિક સ્થળોમાં પ્રવેશવાનો હક ફક્ત પારસીઓને જ હોય છે. નોન પારસીમાં પરણેલ દીકરીઓને લગ્ન બાદ ધર્મસ્થાનમાં પ્રવેશવાનો હક રહેતો નથી. દેખીતું જ છે કે ગુલરુખનો લગ્ન બાદ ધર્મ બદલાઈ ગયો હતો. તેણે પતિનો ધર્મ અંગિકાર કર્યો હતો. અને તેથી હવે તે પારસી રહેતી નથી. પારસી ન હોવાને કારણે હવે તેને પારસી ધર્મસ્થાન કે પારસી સ્મશાનગૃહમાં પ્રવેશવાનો હક રહેતો નથી. અને તેથી ગુલરુખ પોતાના વૃદ્ધ માતા-પિતાની અંતિમક્રિયા કરી શકશે નહીં ! પારસી ટ્રસ્ટના આ નિર્ણય વિરુદ્ધ ગુલરુખે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. સુનાવણીને અંતે ગુલરુખના પ્રતિપક્ષીઓ જીતી ગયા. હાઈકોર્ટે ગુલરુખને સ્મશાનગૃહમાં પ્રવેશીને માતા-પિતાની અંતિમક્રિયાના હક ન આપ્યા !

હાઈકોર્ટનો આ ચુકાદો ગુલરુખને સ્વીકાર્ય ન હતો. તેનો તર્ક હતો કે જે ધર્મમાં તે જન્મી હતી તે ધર્મમાં આજીવન રહેવાનો અધિકાર તેને મળવો જોઈએ. પોતાની આ માન્યતાને સાચી ઠેરવવા ગુલરુખે એક ઓર ન્યાયિક જંગ લડવાનો નિર્ણય કર્યો. અને તેણે હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો. નામદાર સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયમૂર્તિઓની બેન્ચે આ કેસને સાંભળ્યો અને તેમણે ગુલરુખની તરફેણામાં ચુકાદો આપતાં જણાવ્યું કે, લગ્ન બાદ પત્નીએ પતિનો ધર્મ ફરજિયાતપણે સ્વીકારવો પડે તે આગ્રહ ન્યાયિક નથી. સ્ત્રીની પોતાની ઇચ્છા પ્રમાણે તે જે ધર્મ સ્વીકારે તે સ્વીકારવાનો તેને હક છે … તેથી આ કેસ કરનાર ગુલરુખ ગુપ્તા નામની હિન્દુ પુરુષને પરણેલી પારસી સ્ત્રીને પારસી પંચાયત કે ટ્રસ્ટ 'ટાવર ઓફ સાયલન્સ'(પારસી સ્મશાનગૃહ)માં પ્રવેશતી અટકાવી શકે નહીં. નામદાર સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ફક્ત ગુલરુખ નામની એક સ્ત્રીને જ ન્યાય આપતો નથી, પરંતુ આખી પારસી સ્ત્રી જાતને એક વિશેષ ધાર્મિક હક આપે છે. આ ચુકાદાથી ગુલરુખ ખુશ છે, તે જીતી ગઈ છે. હવે તે તથા નાતબહાર પરણેલી બે બહેનો પોતાના 84 વર્ષનાં માતા-પિતાની અંતિમક્રિયા કરી શકશે.

સ્ત્રીઓને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ અદાલતના નિર્ણયનું સ્વાગત છે. આ નિર્ણય સ્ત્રીને પોતાની માલિકી ગણનાર પિતૃસત્તાક સમાજના માઈન્ડ સેટથી હઠકે વિચારવાની સ્વસ્થ શરૂઆત કરે છે. પરંતુ સહેજ ગંભીરતાથી વિચારીએ તો સમજાય કે આવો ચુકાદો સ્ત્રીને બે ધર્મો વચ્ચે વહેંચાયેલું જીવન જીવવાની છૂટ આપી રહ્યો છે. ગુલરુખે પોતાના પતિનો ધર્મ તથા અટક અપનાવ્યા છે. લગ્ન બાદ તે ગુલરુખ ગુપ્તા બની છે. એટલે કે હવે તે હિન્દુ છે, અને હિન્દુ રહીને, હિન્દુ ધર્મ ઉપરાંત હવે નામદાર કોર્ટ તેને પારસી ધર્મનો પણ હક આપી રહી છે. અને અન્ય ધર્મ અંગિકાર કરી ચૂકેલ મૂળ પારસી સ્ત્રીને ન્યાયાલય પારસી ધર્મમાં પોતાની આસ્થા ધરાવવાનો હક આપી રહી છે.

આ પ્રમાણે આંતરજાતીય લગ્ન કરનાર પારસી સ્ત્રીને હિન્દુ બની હોવા છતાં પારસી ધાર્મિક હકો મળી રહ્યા છે. તો પછી પારસી પુરુષને પરણેલ હિન્દુ સ્ત્રીનું શું ? તેનો વિચાર પણ કરવો જોઈશે. આવી, હિન્દુમાંથી પારસી બનેલ, સ્ત્રીની પરિસ્થિતિ શું છે તે પણ જોવું પડશે. આવી સ્ત્રીઓને પારસી ધર્મ અપનાવતો નથી. તેમને અગિયારી કે ધાર્મિક સ્થળોમાં પ્રવેશનો હક હોતો નથી. અલબત્ત, પારસી પતિથી જન્મેલ એ હિન્દુ સ્ત્રીના બાળકોને પારસી પંચાયત પારસી તરીકે ચોક્કસ સ્વીકારે છે અને હકો પણ આપે છે.

લગ્ન બાદ પારસી બનેલી આવી હિન્દુ સ્ત્રીઓના ધાર્મિક હક વિશે વિચારતા મને વર્ષો પહેલાંની મારી એક બહેનપણીનું સ્મરણ થયું. મારી એ બહેનપણીએ આઈ.આઈ.એમ.માંથી એમ.બી.એ. કર્યું હતું. અને અભ્યાસ દરમિયાન જ પોતાના એક સહાધ્યાયી પારસી પુરુષ સાથે તેને પ્રેમ થયો હતો. બંને પક્ષોની અસંમતિને ઉપરવટ થઈ, તે બંનેએ આંતરજાતીય લગ્ન કરી લીધેલાં. અને ભારત છોડી યુ.એસ.માં સ્થાયી થવા નિર્ણય કરેલો. મને જાણવા મળેલું કે યુ.એસ.માં મારી બહેનપણીએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી પીએચ.ડી. કરેલ. અને હવે તે કોઈ સારી કંપનીમાં સી.ઈ.ઓ. છે. તેના પારસી પતિએ પણ આગળ અભ્યાસ કર્યો ને ત્યારબાદ કોઈ યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે જોડાયો હતો. વર્ષો બાદ તેની ભારતયાત્રા દરમિયાન જ્યારે અમે મળ્યાં ત્યારે મને બે સોહામણા પુત્રોની માતા એવી મારી અત્યંત સફળ બહેનપણીને જોઈને ખૂબ આનંદ થયો. દોમદોમ સાહ્યબીમાં મ્હાલતી મારી એ બહેનપણી લોકોની ઇર્ષાનું કારણ હતી. પરંતુ અમે બંને એકલા મળ્યાં, ત્યારે તેણે પોતાના મનની વાત મને કરી. તેણે કહ્યું કે અલબત્ત તે એક સફળ સી.ઈ.ઓ. હતી. એક સારી પત્ની હતી. બે પુત્રોની માતા હતી અને તેના પતિ અમેરિકાની નામાંકિત યુનિવર્સિટીમાં પ્રેસિડેન્ટ (કુલપતિ) પદે બિરાજતા હતા. આ બધું જોતા લોકો માનતા હતા કે તે સુખી હતી. પણ વાસ્તવમાં તે તદ્દન એકલવાયી હતી.

મને આશ્ચર્ય થયું. આવી ભરી ભરી જિંદગીમાં તે એકલવાયી કઈ રીતે ? તેણે મને કહ્યું, 'મારી એકલતા સામાન્ય નથી. એ એક આધ્યાત્મિક એકલતા છે.' આસપાસના લોકોને અત્યંત સુખી દેખાતી મારી બહેનપણીના મનમાં ઊંડે ઊંડે દુઃખ હતું. અમેરિકામાં વસતા તેના નાનકડા પરિવારમાં ત્રણ વિરુદ્ધ એકની આ એકલતા હતી. કુલ ચાર જણના પરિવારમાં ત્રણ જણ પાક્કા પારસી હતા. જેણે પોતાનો હિન્દુ ધર્મ ત્યજીને પતિનો પારસી ધર્મ અપનાવ્યો હતો, તેવી મારી બહેનપણી પોતાના પરિવારના ત્રણ સભ્યની જેમ પારસી નહોતી ! પારસી હોવા છતાં તેને હિન્દુ માનવામાં આવતી ! મહિને એકાદ વાર પોતાના નિવાસસ્થાનથી સાંઈઠએક માઈલની દૂરી પર આવેલ પારસી અગિયારી જવાનો ક્રમ જીવનભર ચાલ્યો. પણ જ્યારે પણ અમેરિકામાં સ્થિત આ પારસી કુટુંબ અગિયારીએ જતું ત્યારે કુટુંબના ત્રણ સભ્યો એટલે કે મારી બહેનપણીનો પતિ અને તેના બે પુત્રો તેને મૂકીને અગિયારીમાં પ્રાર્થના કરવા જતા. પારસી પંચાયતના નિષેધને કારણે પારસી ધર્મમાં ન જન્મેલ તેવી તેને ધર્મસ્થાનમાં પ્રવેશવાનો હક નહોતો ! 'દર મહિને અગિયારીની બહાર જીવનની એકલતાનો આ અનુભવ જીરવવો મારે માટે કપરો છે. એ મને સતત યાદ અપાવે છે કે હિન્દુ ધર્મ ત્યજીને હું પારસી પતિ ખાતર પારસી બની, પરંતુ ત્યાં મારો સ્વીકાર પૂર્ણપણે ન થતાં મારી સ્થિતિ ધોબીના કૂતરા જેવી છે, ન ઘરનો કે ન ઘાટનો' તે બોલી.

મારી બહેનપણીની આવી સૂક્ષ્મ આધ્યાત્મિક એકલતાની વાતે મને અંગ્રેજી કવિ ટેનિસનના લોકપ્રિય કાવ્ય 'ફોરસેકન મરમેન'(ત્યજાયેલ મત્સ્યપુરુષ)ની યાદ અપાવી. આ કાવ્યમાં એક સ્ત્રી પોતાનું સર્વસ્વ ત્યાગીને સમુદ્રના જીવ એવા એક મરમેનના પ્રેમમાં પડે છે. સ્ત્રી પતિના વિશ્વમાં જઈને વસે છે. અને તેના બાળકોની માતા પણ બને છે. પરંતુ તેને સતત અજંપો રહે છે. આ સ્ત્રીને લાગ્યાં કરે છે કે તેનું અંતરમન કંઈક ઓર જ ઝંખી રહ્યું છે. છેવટે એકવાર સમુદ્રના પેટાળમાંથી પત્નીના વિશ્વને જોવા દરિયાકાંઠે આવેલ મરમેન તથા તેના બાળકોને ત્યજીને તે સ્ત્રી સુદૂર દેખાતા દેવળોમાં પ્રાર્થના કરવા પહોંચી જાય છે. પતિ તેને રોકે છે, પરંતુ પેલી તેને કહે છે, 'મારા વિશ્વમાં ઈસ્ટરનો સમય એટલે દેવળમાં જવાનો સમય. પ્રભુને પ્રાર્થના કરવાનો સમય. મને જવા દે.' અને બસ એ પોતાના પતિ તથા બાળકોને ત્યજીને પોતાની આધ્ચાત્મિક એકલતાનો તોડ શોધવા પોતાના લોકો તથા પોતાના ઈશ્વરને મળવા ચાલી જાય છે.

'ફોરસેકન મરમેન'ની નાયિકા સ્ત્રી અને મારી બહેનપણીના જીવનમાં સામ્ય પણ છે અને ભિન્નતા પણ. મરમેનને પરણેલ સ્ત્રી પોતાની ઇચ્છા મુજબ પોતાના ધર્મસ્થાનમાં જઈને પ્રાર્થના કરવા બેસી જઈ શકી, પરંતુ પારસીને પરણેલ મારી હિન્દુ બહેનપણી આજે પણ ધર્મસ્થાનની બહાર જ રાહ જોતી એકલી બેઠી છે !

તા.ક. સ્મૃિતનું કામ પણ અવળચંડુ. સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે વાંચતાંની સાથે મને મારી વર્ષો જૂની બહેનપણી સ્મરી. જાણે એ મને કહી રહી હતી 'મને પણ ન્યાય જોઈએ. મને પણ અગિયારીમાં પ્રવેશ જોઈએ.'

E-mail : ranjanaharish@gmail.com

Loading

...102030...3,3743,3753,3763,377...3,3803,3903,400...

Search by

Opinion

  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?
  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved