Opinion Magazine
Number of visits: 10,213,823
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાસ્તાં લાખોકરોડો હિંદવાસીઓની, કર્ટસી સાઈનાથ

રજની દવે|Opinion - Opinion|20 January 2018

જાહેરજીવનના કવિ તરીકે સુપ્રતિષ્ઠ અક્ષરકર્મી, સ્વાતંત્ર્યસૈનિક, શિક્ષણકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં લોકશાહી નવસંચારથી માંડીને સ્વાયત્ત અકાદમી-આંદોલનના અગ્રયાયી ઉમાશંકર જોશીના શતાબ્દી-વર્ષથી સ્મૃિતવ્યાખ્યાનનો જે એક સિલસિલો કવિની વ્યાપક સમાજનિસબત ફરતે ગંગોત્રી ટ્રસ્ટે શરૂ કર્યો છે, એ પરંપરામાં આ વખતનું વ્યાખ્યાન ‘હિંદુ’ના ગ્રામીણ તંત્રી રહી ચૂકેલા પી. સાઈનાથે ગઈ ૨૯-૧૨-૨૦૧૭ના રોજ અમદાવાદમાં એ.એમ.એ. ખાતે આપ્યું હતું. ઇન્દુકુમાર જાનીની અધ્યક્ષતામાં યોજાયેલ આ વ્યાખ્યાન પ્રસંગે નેવું નાબાદ નિરંજન ભગતની વિશેષ ઉપસ્થિતિમાં વક્તવ્યની માંડણી સાથે એકતાર એવું ખીચોખીચ સભાગૃહ આજના પડકારભર્યા માહોલમાં નાગરિક-નિસબતના સદ્‌ભાવસંકેત રૂપે આશ્વસ્તકારી એટલો જ આશાપ્રદ અવસર હતો. અહીં ‘ભૂમિપુત્ર’ના તંત્રી રજની દવેએ ઝીલેલી અક્ષરછબી પ્રસ્તુત છે.

ગંગોત્રી ટ્રસ્ટનાં સ્વાતિ જોશીએ મેગ્સેસે અને પી.યુ.સી.એલ. હ્યુમન રાઇટ્‌સ ઍવૉર્ડથી વિભૂષિત પી. સાઈનાથને આવકારવા સાથે ગૃહને એમનો પરિચય કરાવ્યો. તે પછી સભાના અધ્યક્ષ ઇન્દુકુમાર જાનીએ પ્રાસંગિક સંબોધનમાં શરદ જોશીને યાદ કરીને બે શબ્દો સંભાર્યા હતા. India અને ભારત. સાઈનાથ ભારત અંગેનું પત્રકારત્વ કરી રહ્યા છે. તેઓ વર્ષમાં ૩૦૦ દિવસ ભારતનાં ગામડાંઓમાં પત્રકારત્વ માટે વિતાવે છે. સાઈનાથ કહે છે, જ્યારે એક બાજુ ગામડાંઓમાં હજારો ખેડૂત આપઘાત કહી રહ્યા હતા, ત્યારે Lakme Fashion Week માટે ૫૧૨ જર્નલિસ્ટ્‌સ ખડેપગે ઊભા હતા અને પોતાના કૅમેરાની ઘોડી મૂકવાની જગ્યા માટે ઝઘડતા હતા. આ પત્રકારોને ગામડાંના સમાચાર-આપઘાતના સમાચારમાં કંઈ કવરેજ કરવા જેવું લાગતું ન હતું. મૉડેલનાં કપડાં કોટનનાં છે, તેની નોંધ લે છે, પરંતુ આ કોટન-કપાસ ઉગાડનાર ખેડૂતને તેનો ભાવ નથી મળતો તે તરફ પત્રકારોનું ધ્યાન નથી જતું. આજે ન્યુઝનો જમાનો નથી રહ્યો, એન્ટરટેઈનમેન્ટવાળું પત્રકારત્વ બની ગયું છે.

દેશનાં પાંચ રાજ્યોના સૌથી વધુ ગરીબ જિલ્લાઓમાં તેમણે એક લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો, જેમાં ૫૦૦૦ કિલોમીટર તો પગપાળા પ્રવાસ કર્યો. આ પ્રવાસમાંથી પુસ્તક તૈયાર થયું, ‘Everyday Loves a good Drought’, જે ૧૯૯૬માં પ્રગટ થયું હતું. આ પુસ્તક ખૂબ વખણાયું હતું.

પી. સાઈનાથ દલિતો અંગે એક પુસ્તક તૈયાર કરવા માગે છે, જેમાં ૧૫ રાજ્યોની વિગતોનો સમાવેશ કરવામાં આવશે. એક લાખ પચાસ હજાર કિલોમીટર વિસ્તારની વિગતો તેમણે ભેગી કરી છે. પાંચ રાજ્યોમાં જવાનું બાકી છે. આ પ્રોજેક્ટ પતાવવા પોતાના ગજવાના પૈસા વાપરવાનું ચાલુ કર્યું છે. છેલ્લાં ૩૦ વર્ષમાં વિવિધ રીપોર્ટિંગ માટે જે ફોટોગ્રાફ લીધા છે, તેમાંથી એક પ્રદર્શન તૈયાર કર્યું છે. નામ આપ્યું ‘Visible Work, Invisible Women : Women and Work In Rural India.’ આ પ્રદર્શન કારખાનાના દરવાજે, ગામડાંઓમાં બસ-રેલવે સ્ટેશન પાસે બતાવવામાં આવે છે. છ લાખ લોકોએ આ પ્રદર્શન જોયું છે.

પી. સાઈનાથના પત્રકારત્વનો આગવો મિજાજ છે. આજકાલ જે પત્રકારો-મીડિયાના માણસો એમ કહેતા ફરે છે કે લોકો જે માગે છે, તે અમે આપીએ છીએ. ત્યારે સાઈનાથ કહે છે, તેમના વતી કહેવાની સત્તા તમને ક્યારે આપી? દેશમાં ચારે બાજુ મીડિયામાં ઇન્ડિયા શાઇનિંગ છવાયેલું હતું, ત્યારે ભારતના ૬૦ કરોડ મતદાતાઓએ વર્ષ ૨૦૦૪-૦૫ની ચૂંટણીમાં જે પરિણામ દર્શાવ્યું, તે મીડિયાની નજરમાં જ આવ્યું ન હતું?

સાઈનાથ કહે છે, આજે મીડિયા ખુદ એક સ્થાપિત હિત ધરાવતો એકમ બની ગયું છે. કૉર્પોરેટ જગત તેને ચલાવે છે. આવા પ્રિન્ટમીડિયા કે વિઝ્‌યુઅલ મીડિયાને પત્રકારોની નહીં, CEO(ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર)ની જરૂર હોય છે. આમાં એડિટોરિયલ લખાણની શું સ્થિતિ થાય તે વિચારવાનું રહે!

સાઈનાથને અંગ્રેજી ભાષામાં બોલતા સાંભળવા એ એક લહાવો છે. તેઓ પાંચ ભાષા બોલી શકે છે. તેમણે હિંદી-અંગ્રેજી મિક્સ ભાષામાં વક્તવ્ય આપ્યું.

શરૂઆતમાં કહ્યું કે આપણે ત્યાં શબ્દ વપરાય છે નૅશનલ ન્યૂઝપેપર. તો શું બાકીનાં છાપાંને આપણે ઍન્ટિ-નૅશનલ કહીશું?

આ નૅશનલ છાપાં પોતાના પહેલા પાનામાં ગ્રામીણ જનતાના પ્રશ્નો માટે કેટલી જગ્યા ફાળવે છે? પાંચ વર્ષની એવરેજ તપાસતાં જવાબ મળે છે માત્ર ૦.૬૭ ટકા! આ દેશમાં ગામડાની જનસંખ્યા ૬૯ ટકા જેટલી છે. નૅશનલ છાપું ત્યારે ગણાય જેમાં સમગ્ર દેશનું ચિત્ર પ્રમાણસર ઝિલાતું હોય.

નવી દિલ્હીનું બાંધકામ આર્કિટેક Edwin Lutyensની દૃષ્ટિ પ્રમાણે કરવામાં આવ્યું હતું. કેટલાક લોકો Lutyens’ Delhi શબ્દપ્રયોગ કરે છે. આ Lutyens Delhiનો શહેરો માટેનો પક્ષપાત જાણીતો છે. નોટબંધી વખતે પ્રજાની હાડમારી દર્શાવવા શહેરોમાં એ.ટી.એમ. પાસેની લાંબી લાઇનો ટીવીમાં બતાવવામાં આવતી હતી. ગામડાંની સ્થિતિનું કોણ કવરેજ કરે? ગામડાંમાંથી શહેરોમાં મજૂરીકામ માટે આવતા લોકોના હાથમાં પૈસા આવતા બંધ થતાં કફોડી સ્થિતિમાં મુકાયા હતા. તેમનું દર્દ કોણે ઉજાગર કર્યું?

છાપાંઓમાં ૬૦ ટકા કવરેજ દિલ્હી-મુંબઈને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બોલીવુડ, દલાલ સ્ટ્રીટના સમાચારો વધુ આવે છે.

સાઈનાથ પ્રવચનોમાં દેશના ૮૩૩ મિલિયન લોકો, જે ગામડામાં રહે છે તેના અંગે વધુ ભાર મૂકતાં તેમની ભાષા અંગે વાત કરતા રહ્યા છે. આ લોકો ૭૮૦ ભાષા બોલે છે. તેમની પાસે ૮૬ લિપિ પણ છે. શહેરી લોકો આ જાણતા નથી. (આપણાં ગણેશ દેવીએ પણ આ દિશામાં ઘણું કામ કર્યું છે.) સાઈનાથ કહે છે, હું મુંબઈમાં રહું છું. મુંબઈમાં પચરંગી પ્રજા આવીને રહે છે. અહીં ૨૯ પ્રકારની ભાષા બોલવાવાળા રહે છે. દરેક ભાષામાં જુદાજુદા કલ્ચરની વાતો સમાયેલી હોય છે. આ બધાના માથે એકબે ભાષા થોપી દેતાં આ કલ્ચર અંગેની ઘણી વાતો ખતમ થઈ જશે. આપણે ભાષાની વિવિધતા પર ધ્યાન ન આપ્યું. આ વિવિધતાનો વૈભવ ખતમ થવાના આરે છે. ત્રિપુરામાં એક ભાષાના માત્ર સાત જાણકાર રહ્યા છે. આંદામાનમાં એક ભાષા બોલનાર માત્ર એક જ વ્યક્તિ બચી છે. તેના મૃત્યુ બાદ તે ભાષા સદાને માટે ભૂંસાઈ જશે. ઓરિસ્સામાં કાલાહાંડી-કોરાપુટ વિસ્તારમાં Minral Transport માટે ૨૮૦ કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. રોડની આજુબાજુ ગ્રામહાટ ભરાય છે. આ બજારમાં આવનારા લોકો ૧૬ ભાષામાં પોતાની વાત રજૂ કરતા હોય છે. એકબીજાની ભાષા ન જાણવાવાળા વચ્ચે વિશ્વાસ આધારિત ખરીદ-વેચાણ ચાલે છે.

સાઈનાથ કહે છે, દેશમાં છેલ્લાં ૨૫ વર્ષમાં આર્થિક અસમાનતા ખૂબ જ વધી ગઈ છે. જોવાની વાત એ છે કે દેશમાં સુનામી જેવી કુદરતી આફત આવે, ત્યારે શૅર બજારમાં સેન્સેક્સ ઊંચો જાય છે. આ દેશમાં કેટલાક લોકોનો ધંધો-નફો ઘણા બધા લોકોની ગરીબી, મજબૂરી પર આધારિત છે. તેમણે Global Wealth Data રિપોર્ટમાંથી કેટલીક વાતો કહી હતી. આ રિપોર્ટમાંની કેટલીક વિગતોમાં જણાવ્યા પ્રમાણે દેશના ગરીબ એવા ૩૦ ટકા લોકો પાસે દેશની માત્ર ૧.૪ ટકા સંપત્તિ છે. (દેશની સ્થિતિ સમજવા પિરામિડની કલ્પના કરવામાં આવે છે, જેના પાયામાં અસંખ્ય ગરીબ લોકો છે. પિરામિડની ટોચ પર અબજોપતિ છે. બિલિયોનેર છે.) ટોચના ૧ ટકા લોકો પાસે ૪૯ ટકા સંપત્તિ છે. પાંચ ટકા પાસે ૬૫.૫ ટકા અને ટોચના ૧૦ ટકા લોકો પાસે ૭૪ ટકા સંપત્તિ છે. વર્ષ ૨૦૦૦માં નવ બિલિયોનેર હતા, તે ૨૦૧૭માં ૧૦૧ બિલીયોનર થઈ ગયા છે. બીજી બાજુ વિશ્વના Human Development Indexમાં ૧૮૮ દેશોની યાદીમાં ભારતનું સ્થાન ૧૩૧માં સ્થાને છે. (India Slips in Human Development Index)

આર્થિક અસમાનતા દર્શાવવા માટે Gini Coefficient આંક દર્શાવવામાં આવે છે, જે ૦-૧૦૦માં હોય છે. ૦ સંપૂર્ણ સમાનતા, ૧૦૦ સંપૂર્ણ અસમાનતા, ભારતમાં આ આંક ૫૧.૪ ટકા છે. આ વાતની પણ આપણે અહીં નોંધ લેવા જેવી છે – કોઈ સોસાયટી આવી આર્થિક અસમાનતામાં ટકી ન શકે, સમાજ તૂટી પડવા તરફ જાય, તેમ સાઈનાથ ભાર મૂકીને કહે છે.

સાઈનાથે આ વિષયની માંડણી કરતાં ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન. સિંગની વાત મૂકી હતી. ગુજરાતમાં છેલ્લે થયેલી વિધાનસભાના ચૂંટણીમાં BJPની સીટો ૧૧૫માંથી ઘટીને ૯૯ થઈ તેનાં કારણો અંગે જણાવતાં બે મુદ્દા જણાવ્યાઃ (1) Farmer Distress (2) Lack of Employment among youth. આ કારણોસર લોકોનો ગુસ્સો પ્રગટ થયો અને તેથી Voting against Ruling Partyની સ્થિતિ સર્જાઈ હતી.

મહારાષ્ટ્રમાં ખેડૂતોના આપઘાતના પ્રશ્ને ૩૦ જેટલા કમિશન-રિપોર્ટ તૈયાર થયા હશે. કદાચ સરકાર પોતાને અનુકૂળ આવે તેવા રિપોર્ટની રાહ જોતી હશે! ૨૦ વર્ષમાં મહારાષ્ટ્રમાં ૬૫,૦૦૦ ખેડૂતોએ અને સમગ્ર દેશમાં વર્ષ ૧૯૯૫થી ૨૦૧૪ સુધીમાં ત્રણ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. સાઈનાથ ખેડૂતોની આત્મહત્યા અંગે સતત લખતા રહે છે. સરકારને આ ખૂંચે છે. ખેડૂતો મરે તે ખૂંચવાની જગ્યાએ આ લખાણો ખૂંચે છે! ડૉ. જાદવ કમિશને સાઈનાથ અંગે આઠ પાનાંની નોંધ મૂકી છે. કેટલાક લોકો કહે છે, ખેડૂત દારૂ પીએ છે. (બેવડો છે) માટે મરે છે. આ વાત ધ્યાનમાં લઈએ તો અન્ય ક્ષેત્રોમાં પણ ઘણાં મોત થવાં જોઈએ. (મજાકમાં કહ્યું – આમ હોય તો કાઈ જર્નલિસ્ટ બચ્યા ન હોત!) પ્રશ્નોત્તરી સમયે સાઈનાથે જણાવ્યું, મહારાષ્ટ્રના એક વખતના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે તો ત્યાં સુધી કહી નાંખ્યું હતું ‘અમારો આભાર માનો કે અમે ખેડૂતો પર કેસ નથી કર્યા. કારણ કે આપઘાત એ ગુનો છે.’ આ વાત હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રગટ થઈ હતી.’

સાઈનાથે ખેતી અંગેના એમ.એમ. સ્વામીનાથના વડપણ તળે બનેલ નૅશનલ કમિશન ઑન ફાર્મરના રિપોર્ટ અંગે વાત કરી હતી. વર્ષ ૨૦૦૬માં સંપૂર્ણ રિપોર્ટ પ્રગટ થઈ ગયો હતો. આમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે સરકારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ટેકાના ભાવ ખેત- પેદાશ ઉત્પન્ન કરવામાં થયેલ કુલ ખર્ચમાં ૫૦ ટકાનો વધારો ઉમેરીને જાહેર કરવા જોઈએ. આ વાત ભારતીય જનતા પક્ષે તેના ચૂંટણીઢંઢેરામાં પણ મૂકી હતી. પક્ષ સત્તા પર આવ્યો, ત્યાર પછી તેણે પલટી મારી. સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ આપીને જણાવ્યું કે સરકાર આ પ્રમાણેની ગણતરી પ્રમાણે ભાવ નહીં આપી શકે. સરકાર અનાજની મોટા પાયે ખરીદી કરતી હોય છે. સાઈનાથે કહ્યું, સરકાર પાસે ‘નેનો’ને ફાળવવા માટે પૈસા છે, પરંતુ ખેડૂતો માટે નથી. લોકોએ નેનો કારને અપનાવી નથી માટે તેનું નામ No-No રાખવા જેવું છે! સરકારી બૅંકો મર્સિડીસ કાર ખરીદવા છ ટકા વ્યાજે પૈસા આપે છે, જ્યારે ટ્રૅક્ટર માટે ૧૬ ટકા વ્યાજે લોન આપે છે.

પીપલ્સ આર્કાઇવલ ઑફ રૂરલ ઇન્ડિયા(પારી)એ પી. સાઈનાથનો એક મસમોટો ખજાનો છે. આમાં સાઈનાથની ફોટોજર્નલિસ્ટ તરીકેની સૂઝબૂજનાં દર્શન થાય છે. પ્રવચન દરમિયાન આમાંના કેટલાક ફોટોગ્રાફ દર્શાવ્યા. આજના કૉમ્પ્યૂટર અને ગુગલયુગમાં આવું પત્રકારત્વ એક સફળ સાધન બની શકે છે. આમાં સાઈનાથની એક વિશિષ્ટ દૃષ્ટિએ માણી શકાય છે. દેશમાં કલ્ચરની વિવિધતા, એકએક વ્યક્તિનું આગવું વ્યક્તિત્વ, ભાષાની – બોલીની પ્રચુરતા, દેશના ખૂણે-ખૂણે વસતા લોકોની વિશેષતા, આત્મવિશ્વાસ, દેશભક્તિ, સઘળું આમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આઝાદી વખતના યુવાનોમાં આજે ૯૦-૯૫ વર્ષની ઉંમરે પણ દેશ માટેનો પ્રેમ કેવો ધબકી રહ્યો છે, તે વાત વિવિધ ઇન્ટરવ્યૂઝ દ્વારા દર્શાવામાં આવી હતી. અંગ્રેજ સરકાર ભારતને લૂંટતી હતી. તે વખતે સરકારનો ખજાનો લૂંટીને ભૂખ્યા ખેડૂતોને-ગ્રામજનોને પહોંચાડનારા કૅપ્ટન આજે જ્યારે વર્તમાન સરકાર લોકોને લૂંટીને પૈસા બૅંકમાં જમા કરીને માલેતૂજાર ઉદ્યોગપતિઓને આપે છે, ત્યારે દુઃખી છે. સવારના પહોરમાં ઘંટી ચલાવતા-ચલાવતા બાબાસાહેબ આંબેડકરનાં ગીતો ગાતી, બંધારણની રચનાની વાતોને ગીતોમાં સમાવતી બહેનોની વાત તેમણે રજૂ કરી હતી. દક્ષિણ કોરિયાની પોસ્કો કંપની સામે લડનાર આદિવાસી લોકો ગીતો દ્વારા લડતનો ટેમ્પો કેવો જાળવી રાખે છે, તે દર્શાવ્યું. Book of Bandipurની વાત રજૂ કરતાં ૩૫ વર્ષની બહેનની સૂઝબૂજ અને હોશિયારીની વાત કરતાં તેમણે કહ્યું, જયમ્મા બાંદીપુર નૅશનલ પાર્કમાં ફોટોગ્રાફ દ્વારા તે એકદમ નજીકથી દીપડાનો ફોટો લે છે અને તેનાં બાળકો જે રસ્તે ભણવા જાય છે, ત્યાં વાઘનાં પગલાંનાં નિશાન ‘Tiger Pug Markનો સુંદર ફોટોગ્રાફ લે છે. સાઈનાથે માત્ર તેને કૅમેરો કેવી રીતે ક્લિક કરવો તે જ શીખવ્યું હતું. આવા ફોટોગ્રાફ દ્વારા તે પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે. વિવિધ રાજ્યની સરકારો પણ સાઈનાથને આવી તાલીમ આપવા આજે આમંત્રણ આપે છે.

આજે ગામડાંની સ્થિતિ, ત્યાંના કારીગરોની સ્થિતિ દયનીય છે. સરકારે તો જાણે તેની ભાષા, તેની વિવિધતા, તેની કલાકારીગરીની આવડતને અવગણીને તેને ખતમ થવા તરફ ધકેલ્યું છે. ‘Skill India’ આ વાત સમજી શકે તેમ નથી. માત્રા કારખાનાં-ઉદ્યોગ કે કૉર્પોરેટ-જગતના વિકાસ માટેની સ્કિલ માટેનો ખ્યાલ કરે છે. લાકડાની હોડી-બોટ બનાવનારાનું કામ સાથેનું સંગીત અનોખું હોય છે. ભારતના શ્રમજીવી લોકોના જીવનમાં સંગીત વણાયેલું હોય છે.

આ બધાનો ધબકાર સાઈનાથના પત્રકારત્વમાં ઝિલાયો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 10-11 

Loading

ચલચિત્ર-વિતરણનું ચિત્ર : ‘ધાડ’ નિમિત્તે

પરેશ નાયક|Opinion - Opinion|19 January 2018

કેતન મહેતાની ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ અમદાવાદના એડવાન્સ સિનેમામાં ઓગણીસસો એક્યાશીની સાલમાં રજૂ થયેલી. ત્યારે એડવાન્સ સિનેમાનાં માલિક રમોનાબહેને પોતાની નાજુક તબિયત છતાં અંગત રસ લઈને હિંમતભેર એનું વિતરણ કરવાનું બીડું ઝડપેલું. ફિલ્મ માંડ એક અઠવાડિયું પૂરું કરી શકેલી. મોટી ફિલ્મો અને મુંબઈના વિતરકો-નિર્માતાઓ પ્રયોગાત્મક ફિલ્મો વિશે ત્યારે જે ભેદભાવભર્યો વ્યવહાર રાખતા, તેના સાક્ષી થવાનું બનેલું.

ત્યાર પછી રૂપાલી સિનેમામાં ‘મિર્ચમસાલા’ રજૂ થયું, ત્યારે પણ પરિસ્થિતિ એવી જ હતી. એ પછી બાણુની સાલમાં મારી પટકથા પર આધારિત સંજીવ શાહની ફિલ્મ ‘હું હુંશી હુંશીલાલ’ રજૂ કરવા અમે પ્રયાસો કરેલા. પણ ‘ભવની ભવાઈ કે મિર્ચમસાલા’ની જેમ કૉસ્મેિટક રિલીઝની સંભાવના પણ ઊભી થઈ શકેલી નહીં.

આ લખું છું ત્યારે ‘ધાડ’ ફિલ્મને બીજા સપ્તાહમાં લઈ જવા માટે અમે મથી રહ્યાં છીએ. ખબર નથી આવતા શુક્રવારે ફિલ્મની પરિસ્થિતિ શું હશે. આયરની એ છે કે મર્યાદિત બજેટમાં પબ્લિસિટી થઈ હોવાને લીધે હવે જ્યારે પ્રેક્ષકો ‘ધાડ’ ફિલ્મ જોવા માટે ટિકિટો બુક કરાવી રહ્યા છે, ત્યારે થિયેટર-માલિકો ફિલ્મને બંધ કરવા વિશે મન મનાવી લઈ ચૂક્યા હોય એમ વરતાય છે.

*   *   *

‘ધાડ’ની વિતરણ-પ્રક્રિયામાં, કલાત્મક સિનેમા માટેના પોતાના અંગત પેશનને લીધે છેલ્લા કેટલાક મહિનાઓથી અમારી સાથે રિલીઝ – પાર્ટનર તરીકે સઘન રીતે જોડાયેલા વંદન શાહ જૂના રૂપમ સિનેમાના માલિક છે. ઓગણીસસો બાવનની સાલમાં બંધાયેલું રૂપમ થિયેટર અમદાવાદના પહેલવહેલાં સિનેમાઘરોમાંનું એક હતું. સંભવતઃ પહેલું. વંદન શાહના દાદાજી બિહારીભાઈ પોપટલાલ શાહ ગાંધીવાદી હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા હતા, જેમણે આઝાદી પછીના તરતના ગાળામાં એ સમયમાં અજાણ્યે ને આધુનિક કહેવાય તેવો ફિલ્મ-વિતરણનો વ્યવસાય અપનાવેલો. એમના પુત્ર યોગેશભાઈ બિહારીલાલે રૂપમ થિયેટરમાં ન્યૂ ફિલ્મ સોસાયટીની ફિલ્મોને પણ પ્રોત્સાહન આપેલું. કેતન મહેતાની ‘સરદાર’ ફિલ્મ એમણે નહીં નફો નહીં નુકસાનની રાહે પચ્ચીસ સપ્તાહ ચલાવેલી અને માત્ર બે રૂપિયાના દરે ગુજરાતની નિશાળોના વિદ્યાર્થીઓને પોતાની પહેલથી આ ફિલ્મ બતાવેલી. બિહારીલાલ શાહની પરંપરાને જાળવી રાખીને વંદન શાહે આજે ‘ધાડ’ ફિલ્મને પડદા સુધી પહોંચાડવામાં નિમિત્તરૂપ ભૂમિકા ભજવી છે.

*   *   *

કલાપક્ષની મારી ઑફિસમાં અત્યારે અમે શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓને ‘ધાડ’ ફિલ્મ બતાવવા મથામણ કરી રહ્યા છીએે, પરંતુ થિયેટરના માલિકોનો અભિગમ ઉપેક્ષાભર્યો છે. એડવાન્સમાં ભાડું લીધા પછી પણ મોટા ભાગનાં સિનેમાઘરો નિર્માતા-વિતરકને કશી જ જાણ કર્યા વિના મુનસફી પ્રમાણે શોના ટાઇમિંગમાં ફેરફાર કરી નાખે છે અને ફાવે ત્યારે શો કૅન્સલ કરી દે છે. બુક-માય-શો જેવી વચેટ એજન્સીની કાર્યપદ્ધતિ પણ એવી જ ઉપેક્ષાપૂર્ણ છે.

હું એ તારણ પર આવી રહ્યો છું કે નાના નિર્માતાઓ કે સમાંતર સિનેમાના દિગ્દર્શકો માટે એમના નિશ્ચિત પ્રેક્ષકવર્ગ સુધી ફિલ્મોને પહોંચાડવાનો રસ્તો પણ હજી આઠમા-નવમા દસકની જેમ જ અનેક અડચણોથી ભરેલો છે. સરકારે આમાં તાકીદે દખલગીરી કરવી જોઈએ.

*   *   *

સાંભળ્યું છે કે મુંબઈનાં સિનેમાઘરોમાં ફક્ત એક જ પ્રેક્ષક હોય, તો પણ ફિલ્મ બતાડવાનો મહારાષ્ટ્ર સરકારનો નિયમ પાળવામાં આવે છે. ઓગણીસમી જાન્યુઆરીએ ‘ધાડ’ મુંબઈમાં રિલીઝ કરવા અમે અને વંદન શાહ કટિબદ્ધ છીએ. આશા રાખીએ કે ફક્ત એ બે જ પ્રેક્ષકો હોય એવો મોળો પ્રતિસાદ ન મળે, અને જો એમ થાય તો પણ એ એકલદોકલ પ્રેક્ષકો માટે શો ચાલુ રાખવામાં આવે.

*   *   *

‘ધાડ’ની નિર્માણપ્રક્રિયા

બે હજારની સાલમાં ‘ધાડ’નું મોટા ભાગનું શૂટિંગ પૂરું થયેલું. અને બે હજાર ત્રણ સુધીમાં ઍડિટિંગનું નેવું ટકા કામ પૂરું થઈ ગયું હતું. એ પછીનો પોસ્ટ-પ્રોડક્શનથી વિતરણ સુધીનો અંતિમ તબક્કો બે હજાર ત્રણથી બે હજાર સત્તર અકલ્પ્ય રીતે લાંબો ચાલ્યો. એ પછી પણ આખરે ફિલ્મ રિલીઝ થઈ શકી છે, એનું આશ્ચર્ય બીજા બધાની જેમ મને પણ છે.

ભાગ્યે જ કોઈ ફિલ્મની નિર્માણપ્રક્રિયાનો અંતિમ તબક્કો ‘ધાડ’ ફિલ્મ જેટલો પ્રલંબ, પીડાદાયક, મુશ્કેલીઓભર્યો ને તો ય દિલચસ્પ અને રોમાંચક રહ્યો હશે. દિગ્દર્શક તરીકે મારે છેક ફિલ્મની રિલીઝની કામગીરી સુધી સીધેસીધા એમાં અગ્રેસર રહેવાનું બન્યું, એનો વિગતસર વૃત્તાંત મારા આગામી પુસ્તક ‘ફિલ્લમફેરી’માં દર્જ હશે. બે હજાર ઓગણીસના જાન્યુઆરીમાં આ પુસ્તક પ્રગટ કરવા માટેનું આયોજન છે.

ત્રણની સાલમાં ફિલ્મનો એક સળંગ કટ તૈયાર થયેલો, પણ ત્યાં સુધી ફાઇનાન્સની સ્થિતિ ડામાડોળ જ હતી. ક્રૅડિટ, વચનો અને ઉમેદના આધારે અમે આગળ ધપ્યે જતા હતા. દરમિયાન નિર્માતા કીર્તિ ખત્રી અને હું, આ અંગે જ્યાંજ્યાંથી બિનશરતી લોન કે અનુદાન મળે તે માટે ફિલ્મના અન્ગ્રેડેડ રફકટના અંશો બતાવી પ્રયાસ કરતા હતા. લોકભાગીદારીની રાહે આમાં ટીપેટીપે મદદ મળતી હતી તેમતેમ ધીમેધીમે કામ આગળ વધતું હતું.

દરમિયાન બે હજાર નવની સાલમાં ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા કેટલાક વધુ અનુભવી ફિલ્મકારોની સલાહથી મને કમને આ ફિલ્મ પેલી અન્ગ્રેડેડ પ્રિન્ટ વડે જ કીર્તિભાઈએ સેન્સર કરાવી દીધેલી. એમને આશા હતી કે સરકારી સબસિડી મળશે તો નૅગેટિવનું ગ્રેન્ડિંગ ને કલર-કરેકશન કરાવી આખરી પ્રિન્ટ તૈયાર કરાવી વિતરણ કરી શકીશું.

પરંતુ સરકારી દફ્તરોમાં તે વર્ષોમાં વિધિસર સબસિડી મેળવવાની પ્રક્રિયા અત્યંત કપરી અને મારા તેમ જ કીર્તિભાઈના સિદ્ધાંતોને અનુકૂળ નહોતી. અમને સમજાયું કે અમે મોટી ભૂલ કરી કે ફિલ્મ વહેલી સેન્સર કરાવી લીધી. કેમ કે અંતિમ ને આખરી સુધારાવધારા સાથેની સબટાઇટલવાળી પ્રિન્ટ ન હોવાને લીધે હવે ફિલ્મ-ફૅસ્ટિવલ્સમાં મોકલીને એને વિતરણ સુધી દોરી જવાની પેલી સમાંતર દિશા પણ એથી ધૂંધળી થઈ ગઈ.

આ તબક્કે હું સંપૂર્ણ હતાશ હતો આ ફિલ્મના ભાવિ વિશે. મન વાળી લઈ રહ્યો હતો કે દસકાની મહેનત એળે ગઈ.

પણ નવથી સત્તર દરમિયાનનાં વર્ષોમાં કીર્તિ ખત્રી ઉપરાંત લાલ રાંભિયાના અથાગ પ્રયાસોને કારણે અને શેમારુવાળા બુદ્ધિચંદ મારુ અને ઍડલૅબના વીસનજી મેમણિયાના અંગત ઇન્ટર્વેન્શનને પગલે ઍડ લૅબમાંથી લેબનાં વર્ષોના દેવા છતાં ફિલ્મની નૅગેટિવ આખરે ઍડ- લૅબમાંથી શેમારુની ફિલ્મલૅબમાં અમે લાવી શક્યા. દરમિયાન અદાણી ગ્રૂપ ઑવ ઇન્ડસ્ટ્રી પણ મદદે આવી. આશાનું નવું કિરણ ફૂટ્‌યું. કલર-કરેક્ટેડ પ્રિન્ટ દોઢ દસકા પછી મેં જોઈ.

શેમારુએ એમના ઍડિટિંગ સ્ટુડિયોમાં સબટાઇટલ પ્રિન્ટ તૈયાર કરવાની વ્યવસ્થા કરી આપી. મેં મુંબઈ જઈ એ આખી પ્રક્રિયા શેમારુના એડિટરોની મદદથી પૂરી કરી. ત્યાર બાદ ફરી ઉત્સાહભેર સોશિયલ મીડિયા ઉપર ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું.

રૂપમ ઍન્ટર્‌ટેઇનમૅન્ટના વંદન શાહે ફિલ્મને રિલીઝ કરવા માટે રિલીઝ-પાર્ટનર તરીકે જોડાવામાં રસ દાખવ્યો. મારા એડિટરમિત્ર જયેશ ડેલીવાલા એમના ઇન્દુ પ્રોડક્શન્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મદદે આવ્યા. ચેતન ચૌહાણ તેમના પ્રમોશન્સ રીડિફાઇન્ડ વડે સહયોગમાં જોડાયા. એ પછી કીર્તિભાઈ અને હું ફરી કટીબદ્ધ બન્યા કે હવે તો ફિલ્મ રિલીઝ કરીશું જ. એમણે મારી સંસ્થા કલાપક્ષ વડે એને રિલીઝ કરવા માટેના તમામ હકકો મને આપ્યા. એ પછી, જયંત ખત્રી ફિલ્મ્સ-ફાઉન્ડેશન પાસે બચેલી સીલકમાં મારા પરિવારના સહયોગથી રિલીઝ માટેનું ફાઇનાન્સ જોડી પચ્ચીસ લાખ ઊભા કર્યા.

ગુજરાતમાં ચાળીસ થિયેટર્સ ભાડે રાખી મુંબઈની ત્રણ રિલીઝ એજન્સીઝ – યુએફઓ, સ્ક્રેબલ તથા ક્યૂબ સાથે કરારો કરી સ્થાનિક એજન્સીઝ સાથે પબ્લિસિટીની વ્યવસ્થા ગોઠવી આખરે પાંચ જાન્યુઆરી બે હજાર અઢારે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ને ઓગણીસ જાન્યુઆરીએ મુંબઈમાં તથા ત્યાર પછીના મહિનાઓમાં ચેન્નાઈ, બૅંગાલુરુ, પૂણે, કોલકાતા વગેરે જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં ફિલ્મને રિલીઝ કરવા માટેનો એક વ્યાપક પ્લાન તૈયાર થઈ શક્યો. ત્યાર બાદ સંભવતઃ યુ.કે., અમેરિકા અને ઑસ્ટ્રેલિયાની રિલીઝ માટે પણ ટીમ ‘ધાડ’ના અમે સૌ સભ્યો આશાવંત છીએ અને એ આશાના જોરે ગુજરાતના થિયેટર – માલિકોની હાલની મનસ્વી વિતરણલીલાને સાક્ષીભાવે જોઈ રહ્યા છીએ.

E-mail : naikparesh@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 12-13 

Loading

નૈન સિંઘ : સાંગપોનો નકશો તૈયાર કરનારો ‘સોલો ટ્રાવેલર’

વિશાલ શાહ|Opinion - Opinion|19 January 2018

પૌરાણિક વાર્તાઓમાં બ્રહ્મપુત્ર નદીના જન્મ વિશે શું કહેવાયું છે? પુરાણોમાં આ નદીની સૌથી પ્રચલિત વાર્તા કઈ છે? પરશુરામે બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને કયું મહા પાપ ધોયું હતું? ગયા અઠવાડિયે આ કોલમમાં એ ત્રણેય પ્રશ્નના જવાબ અપાઈ ગયા. એ લેખમાં બ્રહ્મપુત્રની ભૂલભૂલૈયા જેવી ભૂગોળની પણ વાત કરાઈ. ઈ.સ. ૧૭૧૫માં ઈટાલિયન પાદરી ઈપોલિતો દેસીદેરી ગોવાથી વાયા સુરત, અમદાવાદ, રાજસ્થાન, કાશ્મીર, લદાખ થઈને તિબેટ પહોંચ્યા એ વાત પણ થઈ ગઈ. દેસીદેરીએ લખેલી ઐતિહાસિક પ્રવાસ ડાયરી અને તેના આધારે તૈયાર થયેલાં પુસ્તકો પરથી સાબિત થઈ ગયું છે કે, તેઓ તિબેટના અંતરિયાળ વિસ્તારમાં પહોંચેલા પહેલા યુરોપિયન હતા. દેસીદેરીનો હેતુ તિબેટમાં જઈને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતો, બ્રહ્મપુત્રનું મૂળ શોધવાનો નહીં. પરંતુ દેસીદેરી અજાણતા તો અજાણતા બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા હોવાથી આ પ્રદેશમાં થયેલા ખેડાણની વાત આવે ત્યારે ઇતિહાસ તેમને યાદ કરે છે.

હવે આગળ વાત.

સાહસિક પ્રવાસી નૈન સિંઘ રાવતની એન્ટ્રી

તિબેટના ઉચ્ચ પ્રદેશોમાંથી વહેતી સાંગપો નદી ગ્યાલા પેરી અને નામચા બારવા પર્વતોને ભેદીને પૂર્વ તરફ આગળ વધે છે. બસ, મુશ્કેલી આ જ સ્થળેથી શરૂ થાય છે. ૧૯મી સદીમાં ઉપગ્રહો તો હતા નહીં, એટલે નકશો તૈયાર કરવા મથી રહેલા યુરોપિયન અને સ્થાનિક એક્સપ્લોરર્સને મૂંઝવણ થતી કે, આ મહાકાય પર્વતમાળાઓમાંથી આગળ વધતું વહેણ ક્યાં જાય છે અને કઈ નદીને મળે છે? વળી, આગળ જતાં બીજાં પણ અનેક વહેણ જોવા મળતાં, જેના કારણે મૂંઝવણમાં ઓર વધારો થતો.

નૈન સિંઘનું ગૂગલ ડૂડલ

અમુક નિષ્ણાતો એવું માનતા કે, સાંગપો પૂર્વ તરફ આગળ વધીને મ્યાંમારની ઈરાવદી કે સાલવિન નામની નદીઓને મળે છે. તો એક થિયરી એવી હતી કે, આ પર્વતો ભેદીને સાંગપો દક્ષિણ તરફ વહે છે અને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે, જ્યાં તે સિઆંગ નામે જાણીતી છે. જો કે, એવું હોય તો બીજો પણ એક સવાલ ઉદ્ભવતો. જો સાંગપો જ બ્રહ્મપુત્ર હોય તો તે ચોક્કસ કયા સ્થળેથી ભારતમાં પ્રવેશે છે? દોઢેક સદી પહેલાં આ વાતનો ચોક્કસ જવાબ કોઈ પાસે ન હતો.

આ દરમિયાન સર્વે ઓફ ઇન્ડિયાએ સાંગપોનો સંપૂર્ણ નકશો તૈયાર કરવાનું નક્કી કર્યું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતનું સંપૂર્ણ મેપિંગ અને સર્વેઇંગ કરવા ૧૭૬૭માં સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. આ સંસ્થાને સાંગપોના રૂટનો નકશો તૈયાર કરવા એક સાહસિક, તાલીમબદ્ધ અને ઉત્સાહી યુવાનની ભરતી કરી. એ યુવાન એટલે નૈન સિંઘ રાવત. નૈન સિંઘનો જન્મ ૨૧મી ઓક્ટોબર, ૧૮૩૦ના રોજ ઉત્તરાખંડના કુમાઉની જોહર વેલીના એક નાનકડા ગામમાં થયો હતો.

૨૧મી ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ગૂગલે નૈન સિંઘ રાવતના ૧૮૭મા જન્મદિનની ઉજવણી નિમિત્તે ડૂડલ કરીને તેમની કામગીરીને બિરદાવી હતી.

સર્વે ઓફ ઇન્ડિયા અને નૈન સિંઘનો ભેટો

હિમાલયના મિલામ ગ્લેિશયરની તળેટીમાં આવેલી જોહર વેલીમાં જન્મેલો નૈન સિંઘ નાનપણથી જ  તિબેટના અંતરિયાળ વિસ્તારોમાં રઝળપાટ કરતો. નૈન સિંઘ અધવચ્ચે જ અભ્યાસ છોડીને પિતાને કૃષિ અને બીજા વ્યવસાયમાં સાથ આપતો. તેના પિતા બૌદ્ધ ધર્મ અને તિબેટિયન સંસ્કૃિત પ્રત્યે આકર્ષાયા હતા, જેનો પ્રભાવ નાનકડા નૈન સિંઘ પર પણ પડ્યો હતો. નૈન સિંઘે પિતા સાથે તિબેટના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા અનેક બૌદ્ધ મઠોની મુલાકાત પણ લીધી હતી. એ જમાનામાં તિબેટમાં ભાગ્યે જ કોઈ બહારના વ્યક્તિને અંદર સુધી પ્રવેશવાની મંજૂરી મળતી. જો કે, નૈન સિંઘ નસીબદાર હતો, જે તિબેટમાં રખડપટ્ટી કરીને તિબેટિયન ભાષા અને રીતરિવાજ પણ શીખી ગયો હતો. સ્થાનિક તિબેટિયનો સાથે પણ તેણે સારી એવી મિત્રતા કેળવી હતી. ઉત્તરાખંડમાં ગોરખા અને અન્ય સ્થાનિકોમાં પણ નૈન સિંઘ એક આગળ પડતા સાહસિક વ્યક્તિ તરીકે ઠીક ઠીક જાણીતો થઈ ગયો હતો.

નૈન સિંઘ રાવત

આ દરમિયાન સર્વે ઓફ ઇન્ડિયાએ એડોલ્ફ અને રોબર્ટ શેલેજિનટ્વેઇટ નામના બે સગા જર્મન ભાઈઓને ઉત્તરાખંડમાં હિમાલયન એક્સપ્લોરેશન માટે મોકલ્યા. તેઓ ઉત્તરાખંડમાં રખડપટ્ટી કરી રહ્યા હતા ત્યારે દેબ સિંઘ રાવત નામના એક સ્થાનિકને મળ્યા. દેબ સિંઘે જર્મન ભાઈઓને વધુ એક્સપ્લોરેશન કરવા નૈન સિંઘ રાવત, મણિ સિંઘ રાવત અને દોલ્પા નામની ત્રણ વ્યક્તિની મદદ લેવાનું સૂચન કર્યું. નૈન સિંઘ અને મણિ સિંઘ પિતરાઈ હતા. આ સૂચન સ્વીકારીને શેલેજિનટ્વેટ ભાઈઓએ ૧૮૫૫માં આ ત્રણેય સ્થાનિકની સર્વે ઓફ ઇન્ડિયામાં સત્તાવાર નિમણૂક કરી અને શરૂ થઈ એક અનોખી સાહસયાત્રા.

… અને શરૂ થયો નૈન સિંઘનો અનોખો પ્રવાસ

એ ત્રણેયે હિમાલયન એક્સપ્લોરેશનમાં બ્રિટિશરોને ઘણી મદદ કરી, જેનાથી પ્રભાવિત થઈને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૬૩માં તેઓને દહેરાદૂનની ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે ઓફિસમાં તાલીમ લેવા મોકલ્યા. નૈન સિંઘ અને તેમના બે સાથીદારે ત્યાં સળંગ બે વર્ષ નોંધો કરવાની, રેકોર્ડ બનાવવાની, વૈજ્ઞાનિક અને બૌદ્ધ પદ્ધતિ પ્રમાણે અંતર માપવાની તેમ જ હોકાયંત્ર-સેક્સટન્ટ (જમીન-દરિયામાં ખૂણાની માપણીના આધારે અંતર-ઊંચાઈ માપવાનું સાધન) જેવા વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ લીધી. આકાશમાં તારા જોઈને દિશા નક્કી કરવામાં નિષ્ણાત નૈન સિંઘને વૈજ્ઞાનિક તાલીમ મળતા, એ કળા થોડી વધુ નિખરી. નૈન સિંઘ 'ફાસ્ટ લર્નર' હોવાથી ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વેની ઓફિસમાં ઘણું બધું શીખીની બહાર આવ્યા.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૦૨માં સ્થાપેલી ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વેનો હેતુ સમગ્ર ભારતીય ઉપખંડની ભૂગોળનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કરવાનો હતો. હિમાલયના એવરેસ્ટ, કાંચનજંગા અને કે-૨ જેવા શિખરોની ઊંચાઈ પણ આ જ સંસ્થાએ માપી હતી.

લેહથી લ્હાસા સુધીના નૈન સિંઘના પ્રવાસનો નકશો 

ઇ.સ. ૧૮૬૫માં નૈન સિંઘ, મણિ સિંઘ અને દોલ્પાની તાલીમ પૂરી થઈ, પરંતુ નૈન સિંઘ અને મણિ સિંઘ ઘરે જવાના બદલે સીધા નેપાળ ઉપડ્યા. નૈન સિંઘે હિમાલયની પર્વતમાળાઓ, જંગલો અને નાનાં-મોટાં વહેણો ઓળંગીને કાઠમંડુથી લ્હાસા થઈને માન સરોવર સુધી આશરે બે હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો. આ થકવી દેતા પ્રવાસમાં જંગલી પ્રાણીઓ, ઝેરી જીવો, ખોરાક-પાણીનો પુરવઠો અને વાતાવરણને લગતી અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો હોવાથી ‘એકથી ભલા બે’ હતા, પરંતુ મણિ સિંઘે આ યાત્રા અધવચ્ચે જ છોડી દીધી. તેઓ ભારત તિબેટ સરહદે પહોંચતા જ ભારત પાછા આવી ગયા.

જો કે, નૈન સિંઘ એકલા હોવા છતાં હિંમત ના હાર્યા અને એકલપંડે પ્રવાસ (સોલો ટ્રાવેલ) કરીને માન સરોવર સુધી જઈને વાયા પશ્ચિમ તિબેટ ભારત આવ્યા. નૈન સિંઘ પાછા આવ્યા ત્યારે તેમની પાસે નેપાળથી તિબેટ જતા સમગ્ર રસ્તાની, લ્હાસાની ઊંચાઈની તેમ જ સાંગપો નદીની બહુ જ મોટા રૂટની વૈજ્ઞાનિક માહિતી તૈયાર હતી.

નૈન સિંઘ રાવત જેનું નામ, જેમને ચૈન ન હતું

નૈન સિંઘે ૧૮૬૫માં શરૂ કરેલી પહેલી યાત્રા ચોક્કસ ક્યારે પૂરી થઈ એ વિશે જાણકારી નથી, પરંતુ ૧૮૬૭માં પશ્ચિમ તિબેટમાં ફરી એકવાર પ્રવાસ કરીને તેમણે થોક જાલુંગ નામની સોનાની ખાણ શોધી કાઢી હતી. નૈન સિંઘે જોયું કે, સ્થાનિકો જમીનની સપાટી ઉપરછલ્લી ખોદીને સોનું કાઢી રહ્યા છે. તિબેટિયનો જમીનમાં ઊંડા ખાડા કરીને સોનું નહોતા કાઢતા કારણ કે, તિબેટિયન સંસ્કૃિતમાં પૃથ્વીમાં ઊંડા ખાડા કરવા એ ગુનો છે. જો ફળદ્રુપ જમીનો છે, તો જ માણસનું અસ્તિત્વ છે એવું તેઓ માને છે.

ટૂંકમાં થોક જાલુંગમાં સોનું ધરબાયેલું છે એ વાત સ્થાનિકો જાણતા જ હતા, પરંતુ નૈન સિંઘે તૈયાર કરેલા નકશા પછી બહારની દુનિયાને ત્યાં સોનાની ખાણ હોવાની જાણકારી મળી. આ પ્રવાસો પછીયે નૈન સિંઘ થાક્યા ન હતા. સાંગપોના વધુ કેટલાક રૂટનો નકશો તૈયાર કરવા તેમણે ૧૮૭૩માં ફરી એકવાર લેહથી લ્હાસા સુધીનો પ્રવાસ શરૂ કર્યો. આ બંને સ્થળ વચ્ચેનું સીધી લીટીમાં અંતર ૧૩૭૦ કિલોમીટર છે, પરંતુ પર્વતીય પ્રદેશોમાં આ આંકડો વધી જાય. જો કે, નૈન સિંઘે બે જ વર્ષમાં આ અંતર કાપી નાંખ્યું અને સાંગપોના વધુ કેટલાક રૂટનો નકશો તૈયાર કર્યો.

નૈન સિંઘની યાદમાં ભારત સરકારે બહાર પાડેલી ટિકિટ

આ મહાન સિદ્ધિ બદલ રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૬૮માં સોનાનું ક્રોનોમીટર આપીને નૈન સિંઘનું સન્માન કર્યું હતું. ક્રોનોમીટર એટલે તાપમાનની અસર ના થાય એવું સમય માપવાનું સાધન. રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૭૭માં નૈન સિંઘને પેટ્રન્સ મેડલથી પણ નવાજ્યા. પેરિસની સોસાયટી ઓફ જિયોગ્રાફર્સે પણ નૈન સિંઘને સુંદર ઘડિયાળ ભેટમાં આપી હતી, જ્યારે ભારત સરકારે બે ગામની જમીન ભેટમાં આપીને તેમની સિદ્ધિને બિરદાવી હતી. ૨૭મી જૂન ૨૦૦૪ના રોજ ભારત સરકારે નૈન સિંઘની યાદમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

નૈન સિંઘ ઘડપણમાં ઉત્તરપ્રદેશના મોરાદાબાદમાં સ્થાયી થયા અને ત્યાં જ પહેલી ફેબ્રુઆરી, ૧૮૮૨ના રોજ કોલેરાથી મૃત્યુ પામ્યા.      

***

નૈન સિંઘે સાંગપો નદીના બહુ જ મોટા હિસ્સાનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કર્યો એ વાત ખરી, પરંતુ સાંગપો એ જ સિઆંગ અને સિઆંગ એ જ બ્રહ્મપુત્ર નદી છે એ વાતની વૈજ્ઞાનિક સત્યતા ચકાસવાની હજુ બાકી હતી. એ માટે બ્રહ્મપુત્ર નદીનો આખેઆખો વૈજ્ઞાનિક નકશો તૈયાર થાય એ જરૂરી હતું. નૈન સિંઘ રાવતનું એ અધૂરું કામ ભારતના જ એક સાહસિક પ્રવાસીએ પૂરું કર્યું.

એ કોણ? એ સાહસકથા વાંચો આવતા અંકે.

——-

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk/2018/01/blog-post_15.html

Loading

...102030...3,3623,3633,3643,365...3,3703,3803,390...

Search by

Opinion

  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?
  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved