Opinion Magazine
Number of visits: 9969446
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક વિશિષ્ટ અનુભવ

નવીન બેન્કર|Opinion - Opinion|20 October 2018

અમારા શહેર હ્યુસ્ટનમાં, કોઇ સંસ્થાએ થોડાં વર્ષો પહેલાં, રઈસ મનીઆર નામના એક ગઝલકાર-કવિનો કાર્યક્રમ યોજેલો. હું જુવાન હતો, ત્યારે મને ય કવિ થવાની ચળ ઉપડેલી. અને મેં નિરંજન ભગતની કવિતાઓ વાંચેલી. બરકત વિરાણી (બેફામ), આસિમ રાંદેરી જેવાની રચનાઓ મને બેહદ પ્રિય.

હું કાંઇ કવિ તો હતો નહીં, પણ હું કવિતા લખી શકું છું એમ બતાવીને મારી ક્લાસની અમુક છોકરીઓને ઇમ્પ્રેસ કરવાનું મને ગમતું. એટલે આસિમ રાંદેરીની ‘લીલા’ને આધારે, મેં એમાં થોડા ઘણા સુધારા-વધારા કરીને, અમુક છોકરીને એમ લાગે કે મેં એના પર જ આ કવિતા લખી છે એ રીતે રજૂઆત કરતો અને પાછો કહેતો કે ‘ના .. ના .. આ મેં નથી લખી આ તો NB એટલે કે નિરંજન ભગતે લખેલી છે. પેલી છોકરી તો NB એટલે નવીન બેન્કર જ સમજે ને ! અને .. પછી શરમાઇ જતી અને મને અહોભાવથી જોતી.

આ બધી ફેબ્રિકેટેડ કવિતાઓની ડાયરી મેં આજે મારી ૭૮ વર્ષની ઉમ્મરે પણ સાચવી રાખી છે અને અમારી સાહિત્યની મંડળીના મારા જેવા રસિક સમવયસ્ક મિત્રો (પ્રવીણકાંત શાસ્ત્રી જેવા) સાથે શેર કરીને, ખૂબ હસીએ છીએ. મારી જૂની રોમેન્ટિક પોકેટ બુકો કે જે એ જમાનામાં ( ૧૯૬૪ થી ૧૯૬૮) બબ્બે રૂપિયાની કિંમતે ફૂટપાથ પર આકર્ષક મુખપ્રુષ્ઠમાં વેચાતી એની પણ વાતો કરીએ.

 ખેર ! હું જરા આડી વાતે ઊતરી ગયો. આપણે વાત રઈસ મનીઆરના કાર્યક્રમની કરવાની છે.

હું ત્રીસેક વર્ષથી આ શહેરમાં બનતી ગતિવિધિઓ અંગે અહેવાલો લખું અને ‘નયા પડકાર’, ‘ગુજરાત ટાઇમ્સ’, ‘ગુજરાત સમાચાર’ અને બીજા લોકલ ફરફરિયાઓમાં છપાવું. ક્યારેક નાટકોનાં અવલોકનો લખું અને સિનિયર સિટીઝન્સ મંડળમાં મીમિક્રી કરીને લોકોને હસાવું એટલે લોકો મને ઓળખે. ઉંમરને કારણે પણ લોકો રિસ્પેક્ટ આપે એટલે મને સિનિયર્સ મંડળમાં ટિકિટો વેચવા આપેલી. સિનિયર્સ માટે માત્ર સાત ડોલરનો ભાવ હતો.

પહેલાં તો મેં, રઈસભાઇ કેટલા મોટા ગજાના ગઝલકાર અને કવિ છે, તેમણે કેવી મહાન વ્યક્તિઓ વિશે પુસ્તકો લખ્યાં છે, કેટલા રૂપાળા છે, કેવું મીઠું મીઠું બોલે છે એની વાતો કરીને મારું જ્ઞાન પ્રદર્શિત કર્યું હતું. અને અંતમાં કહ્યું હતું કે ત્રણ કલાકના કાર્યક્રમને અંતે સ્વાદિષ્ટ ભોજન અપાશે.

હવે  શ્રોતાજનોમાંથી થયેલા પ્રશ્નો –

૭૦+ ઉમ્મરનાં એક ડોશીમા ઊભા થયાં – માફ કરજો. અમેરિકામાં ‘ડોશી’ને ડોશી નથી કહેતા. યંગ લેડી કહે છે. પણ આ લેખમાં તો મારે એ વ્યક્તિ માટે ‘ડોશી’ જ લખવું છે. કે..મ ? એ તમે જ નક્કી કરજો.

‘તે હેં, નવીનભાઈ, એ ભઈ શેની કવિતાઓ કરે છે ?’ આ મણિયાર એટલે પેલા અમદાવાદમાં બાલાહનુમાન પાસે ચૂડા વેચતા’તા એ પ્રિયકાંત મણિયારના દીકરા થાય ?'

મેં કહ્યું – ‘ના .. આ મણિયાર નથી, મનીઆર છે. સુરતના ડેન્ટિસ્ટ છે.’

‘તે … દાંત પણ તપાસશે ?’   (ઓ તારું ભલું થાય …)

‘ભોજનમાં શી શી વાનગીઓ આપવાના છો?’ 

મેં કહ્યું – ‘દાળભાત, પૂરી, શાક, કઠોળ, શીખંડ,પાપડ, અથાણું વગેરે …'

‘તે આ બધું માત્ર સાત જ ડોલરમાં ?’

‘હા .. અને ઉપરથી હસાવવાના ટુચકા, કવિતાઓ, ગઝલો -’

‘એ તો જોણેં હમજ્યા, પણ ખાવાનું પહેલાં દેવાનું કે કવિતાઓ હંભળાવ્યા પસે ?’

મેં કહ્યું – ‘કાર્યક્રમને અંતે.’

‘ભલે … તો અમારી તૈણ ટિકિટો આલો.'

બીજાં કેટલાંકે પણ ટિકિટો લીધી.

કાર્યક્રમ અડધો પત્યો, પછી એ ડોશીનો ફોન આવ્યો – ‘નવીનભાઈ, મારી દીકરીને સ્થળ પર આવવા માટે ડાયરેક્શન લખાવો ને ! એ વોલમાર્ટમાંથી હમણાં જ આવી, અમે તૈયાર થઈને નીકળીએ જ છીએ.’

મને કેટલો ગુસ્સો આવ્યો હશે એની તમને કલ્પના પણ નહીં આવે. આમે ય હું તામસી પ્રકૃતિનો અને અપશબ્દોનો છૂટથી ઉપયોગ કરવાની ટેવ ધરાવું છું. 

મેં કહ્યું – ‘શું કહ્યું ? મોટેથી બોલો .. સંભળાતું નથી .. અહીં વાઈ-ફાઈ કનેક્શન નથી .. સંભળાતું નથી.’  અને પછી ફોન કાપી નાંખ્યો અને ભોજન પત્યું ત્યાં સુધી ફોન બંધ જ રાખ્યો.

સાચા સાહિત્યરસિકોને તો રસના ઘુંટડા ગળાવે એવો સરસ કાર્યક્રમ હતો અને ગુજ્જુઓએ માણ્યો પણ હતો. હું ‘ગુજ્જુ’ શબ્દપ્રયોગ કરું છું એ ઘણાંને ગમતું નથી. પણ જે લોકો સમયપાલન અને શિસ્તને સમજતા નથી અને વિવિધ મંદિરોમાં મફતિયું ખાવાં માટે લાઇનો લગાવે છે, એવાં લોકો માટે જ હું આ શબ્દપ્રયોગ કરું છું. તમને આસ્થા હોય એવા એકાદ મંદિરમાં પ્રસંગોપાત, ક્યારેક મહાપ્રસાદ લેવા માટે લાઇનમાં ઊભા રહો એ ક્ષમ્ય છે. અથવા પત્નીની બીકે, એના ડ્રાઇવર તરીકે જવું પડ્યું હોય એવા  – મારા જેવા – લોકો માટે આ શબ્દપ્રયોગ લાગુ પડતો નથી.

******************

e.mail : navinbanker@yahoo.com

6606 DeMoss Dr. # 1003, Houston, Tx 77074 U.S.A.

Blog : navinbanker.gujaratisahityasarita.org

Loading

ખબર છે તને?

નવ્યાદર્શ|Poetry|19 October 2018

ખબર છે તને?
આજે મેં તને ગમતો ડ્રેસ પહેર્યો હતો.
એ જ તો જે સફેદ ને ચમકદાર છે
જેમાં હું પરીઓના દેશની ભૂલી પડેલી પરી લાગતી હતી તે
ખબર છે તને?
આજે મેં એ ડ્રેસ પર મારા કપાળે બિંદી લગાવેલી હતી.
હું કોઈ દી' બિંદી નહોતી લગાવતીને
તો બધી જ સહેલી જોઇને કહેતી,
‘વાહ, સુંદર પરી.’
મારા લહેરાતા વાળની સાથે
ત્યારે તને ગમતું સ્મિત મારા ચહેરા પર ખીલી રહ્યું હતું
અને ગાલ પરનું પેલું ખંજન પણ ….
તને શું કહેવું મારે.
તું તો બધું જ જાણે છે,
બધું જ સમજે છે
માટે તો
હું એવા પ્રદેશમાં જવા માંગુ છું
જ્યાં મને તારી કોઈ ખબર ન મળે
અને તને મારી.
તું તો નાસ્તિક છે ને
એટલે પરીઓના દેશને પણ તું નહીં જ માનતો હોય,
હું ફરી એ દેશમાં ચાલી જઈશ.
પપ્પા પણ મમ્મીના કાનમાં કંઇક એવું જ ગણગણતા
બંને હસતાં,
હમણાં હમણાં બગીચામાં ખબર છે તને
કેટલી ય લાલ કીડીઓએ મારા પગને ઘેરી લીધો હતો
માંડ માંડ તેને દૂર કરી
તો પણ એકે તો ચટકો ભરી જ લીધો,
‘મર એ મર, અહીં પણ તું મને નહીં છોડે?’
તારા ન હોવામાં પણ કેટલો પાસે હોય છે તું નહીં?
‘લાલ કીડી’
એટલે તો હું આજમાં જીવું છું
ખબર છે તને?
વાળ બાંધી લઉં છું અને બિંદીને અરીસામાં લગાવી
હું દોડી જાઉં છું ગામની એ પહાડીઓ પર
ઠંડો પવન, મોરનું બોલવું,
પક્ષીઓના ટહુકાઓ વચ્ચે
મંદ મંદ હવામાં તારું આંસુ બનીને વહેવું …
ખબર છે તને …
પાછાં વળતાં પાણીની છાલક ચહેરા પર ઉડાવીને હસી લઉં છું
એ જ પરીઓના દેશની કલ્પના કરતી
ચૂંદડીને લહેરાવતી
દોડી જાઉં છું તારી યાદોના પ્રદેશથી દૂર,
એટલે ખૂદ મારાથી દૂર …
હવે પડી ખબર તને?

Email : navyadarsh67@gmail.com

Loading

અનોખી શૈલીના ચિત્રકાર તરીકે તેમ જ આસ્વાદ્ય પદ્ધતિના વાર્તાકાર તરીકે જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ સદા સ્મરણીય રહેશે

સુમન શાહ|Opinion - Opinion|19 October 2018

શબ્દ, સૂર ને રંગ-રેખા સિવાય જીવનનાં દારુણ દુ:ખોમાંથી આપણને કોણ ઉગારી શકે એમ છે…

વ્યથિત છું. જિજ્ઞેશ બ્રહ્મભટ્ટનું અવસાન થયું છે. જન્મ ૫-૫-૧૯૭૨, અવસાન ૧૨-૧૦-૨૦૧૮. ઍમ.એ.માં મારો વિદ્યાર્થી હતો. વાર્તાકાર. ચિત્રકાર. સહજાનન્દ કૉલેજમાં ગુજરાતી સાહિત્યનો અધ્યાપક. એની પત્ની શ્રદ્ધાને, પંખી-પરી દીકરીઓને કે મમ્મી કાન્તાબહેનને એમના આ દોહ્યલા સમયમાં રૂ-બ-રૂ નહીં મળ્યાનો મને વસવસો છે. અમેરિકા જેટલે દૂરનો વિદેશવસવાટ કારમો થઇ પડ્યો છે.

૪૬-૪૭ની ઉમ્મર કંઇ મરવા માટેની ન ગણાય. એને અસાધ્ય રોગ લાગુ પડેલો – જેમાં, ક્રમે ક્રમે બધાં અંગ લકવાગ્રસ્ત થઇ જતાં હોય છે. પાંચેક વર્ષ જિજ્ઞેશ અને સ્વજનો એની સામે ઝઝૂમ્યાં. જમણા હાથની હથેળીથી શરૂઆત થયેલી – જે હાથે એ સુન્દર ચિત્રો કરતો'તો, વાર્તાઓ લખતો'તો. ધીમેધીમે બોલવાનું અશક્યવત્ થઇ ગયેલું – જે મુખેથી એ વાર્તાપઠન કરતો'તો, વાર્તાઓનાં વાચિકમ્ અને વ્યાખ્યાનો કરતો'તો. છેલ્લે તો માત્ર સાંભળી શકતો'તો. એનાથી બોલાય નહીં પણ વાર્તાની બે સારી વાત સાંભળે એટલે મલકી પડે. અનોખી શૈલીના ચિત્રકાર તરીકે તેમ જ આસ્વાદ્ય પદ્ધતિના વાર્તાકાર તરીકે જિજ્ઞેશ સદા સ્મરણીય ગણાશે. એના અવસાનથી એક સાચા સર્જકનો વિલય થયો છે. એના પ્રથમ વાર્તાસંગ્રહ 'મહોરાં-ની વાર્તાકલા વિશે થોડીક વાતો કરીને હું જિજ્ઞેશને શ્રદ્ધાંજલિ અર્પું છું.

'મહોરાં'-માં એણે વાંદરાભાઇનું વિલક્ષણ પાત્ર સરજયું છે. એને કેન્દ્રમાં રાખીને પાંચ વાર્તાઓ લખી છે. આપણને લુચ્ચા શિયાળની કે ફુલણજી કાગડાની બોધકથાઓની ખબર છે. આ વાંદરાભાઇ પણ એવા જ છે. માણસની જેમ જ વર્તે છે. પણ કશો બોધ આપવા નથી આવ્યા. વાર્તા કહેનારા કથકની વાતો કરવા આવ્યા છે. કથકના અન્તરંગ મિત્ર છે. આમ તો, આ કથક તે આપણા દરેકનો 'હું' અને વાંદરાભાઈ તે આપણી અંદર બેઠેલો એક બીજો 'હું' જે આપણને હરદમ જોતો રહેતો હોય છે. પહેલા હું-નો સાક્ષી. ચુકાદા સુણાવ્યા કરતો જજ પણ ખરો. વાર્તાઓ આવું બધું ચિન્તનાત્મક નથી કહેતી. જિજ્ઞેશ આપણને વાર્તાકલાના સૌન્દર્યનો નિર્વ્યાજ આનન્દાનુભવ કરાવે છે.

જરા ડોકિયું કરીએ : મેં કહ્યું કે વાંદરાભાઈ માણસની જેમ જ વર્તે છે. પણ કેવી રીતે? સાંભળો : 'મહોરાં' નામની વાર્તામાં એઓશ્રી એક ચિત્રકાર છે. સ્થિતિસંજોગ પ્રમાણેના કથકને ચહેરા બનાવી આપે છે. બીમાર ચહેરો. ભોળો માસૂમ ચહેરો. કથક ડરતો હોય, કથકને હિમ્મત બતાવવાની કે ખોટો રૉફ છાંટવાની કે હસવાનો ડૉળ કરવાની જરૂરતો પડી હોય – એવા કોઇ પણ પ્રસંગે વાંદરાભાઈ સેવાતત્પર. કથક એ ચહેરાઓને પોતાનાં મહોરાં રૂપે વાપરી શકે. 'ભ્રાન્તિ'-માં વાંદરાભાઈ ખલનાયક છે. મીનાક્ષી અને ઉલ્લાસના પ્રેમ-પરિણયમાં દખલગીરી કરે છે. 'નગરચર્યા'-માં રૂપાળા મહારાજશ્રી છે ને 'રાજા રાજા' રમે છે. 'સુન્દરીલોકમાં !'-માં બ્યૂિટ-કૉન્ટેસ્ટના સૂત્રધાર છે. સુન્દરીઓના ઍન્ટ્રન્સ-ટેસ્ટ લે છે. જ્યૂરર પણ ખરા. એક શીર્ષક વિનાની વાર્તામાં એઓ રંગમંચ – કાર્યોના આસિસ્ટન્ટ છે, પરદા બાંધે છે. એમાં, બધી લીલા પોતે નથી કરતા, કથક પાસે કરાવે છે, નેપથ્યમાં સરકી ગયેલા મુત્સદ્દી લાગે છે. વગેરે.

જુઓ, દરેક મનુષ્યની અંદર એક વાંદરો વસે જ છે. અંદરની કોઇ ડાળે બેઠેલો જ છે. કરો ઈશારો, હૂપ્ કરતોક હાજર થશે. જિજ્ઞેશના વાંદરાભાઈ વાર્તા કહેવાની એક જુક્તિ રૂપે રજૂ થયા છે, કથાજુક્તિ – નૅરેટિવ ડિવાઈસ. હકીકતે, એ આપણા મન-મર્કટના સગાસ્નેહી છે અને આપણી નાનીમોટી બનાવટો માટેનું મહોરું પણ છે. સાહિત્યની કલા આમે ય એક મહોરું જ છે. મહોરું પ્હૅરી લઇએ ને જેમ આનન્દ આવે એમ કલાનો અનુભવ મેળવીએ એટલે પણ આનન્દ આવે. પણ મહોરું હટાવી લઇએ એટલે જી-વ-નની અસલિયતનો પણ એટલો જ તીવ્ર અહેસાસ થાય.

આ વાર્તાસંગ્રહમાં મનુષ્યના વિવિધ ચહેરાઓનાં જિજ્ઞેશે પોતે દોરેલાં ચિત્રોની પ્રિન્ટ્સ મૂકી છે. પાંચ વાર્તાઓની શ્રેણી અને આ ચિત્રશ્રેણી એકબીજાંની પૂરક છે. ચિત્રો કશી રૂપાળી વ્યક્તિઓના સ્કૅચીસ નથી. જીવનસંઘર્ષમાં તરડાઈ-મરડાઈને વિકૃત થઇ ગયેલા મનુષ્ય-ચહેરાઓ છે, જે એમનાં મહોરાં બની ગયાં છે. જોવાથી જ ખ્યાલ આવે. વાચકો કથક અને વાંદરાભાઈનો મેળ પાડવાની મજા લઇ શકે છે એ રીતે ચિત્રો જોનારાઓ આ બન્ને શ્રેણી વિશે મજાની મથામણ કરી શકે છે. મને યાદ છે, એ ચિત્રો જિજ્ઞેશે પૅકિન્ગમાં વપરાતાં રફ ટૅક્ષચરવાળાં પૂંઠાં પર દોરેલાં. મેં પૂછેલું : આ જળવાશે શી રીતે? પૂંઠાં તો બટકાઈ જાય : તો કહે : ભલે ને, સર; આમે ય ચિત્રોને આપણે ત્યાં કોણ સાચવે છે ! : એ ચિત્રોનું એણે ઍક્ઝિબિશન પણ કરેલું .. એક જ શૈલી એક જ પ્રકાર અને એક જ ઉપાદાનથી ઊભી થયેલી એ ચિત્રશ્રેણી જિજ્ઞેશની કારકિર્દી સંદર્ભે ઘણી નોંધપાત્ર હતી. મને કલ્પના આવે છે કે એને સ્વાસ્થ્યભર્યું જીવવા મળ્યું હોત તો સાર્થક પ્રયોગોના ચિત્રકાર રૂપે એ કેટલો બધો વિકસી આવ્યો હોત.

આશ્વાસન એ છે કે બન્ને દીકરીઓ, પંખી ૧૬-ની અને પરી ૧૪-ની, ચિત્રકાર છે, ગાયક છે. પંખીએ Exalted અને પરીએ The War of Darakof નવલકથાઓ અંગ્રેજીમાં લખી છે, પ્રકાશિત છે. વિદેશી ગીતો પણ ગાય છે. લાગે જ નહીં કે કોઇ ભારતીય-ગુજરાતી છોકરી ગાઇ રહી છે. YouTube પર પરીને Free me… ગાતી સાંભળો (Sia – cover by Pari, from Lyrebirds). જિજ્ઞેશની જીવનસંગિની શ્રદ્ધા નૃત્યાંગના પણ છે. એણે અહોરાત એની પારાવારની સેવા કરી છે. જિજ્ઞેશનું ન-જેવું બોલ્યું ય સમજી શકતી. એટલે મેં એને જિજ્ઞેશની આત્મકથા લખવા કહેલું. હવે એમ કહું છું કે શ્રદ્ધા એમના દામ્પત્યજીવનની સ્મૃિતકથા લખે. પત્ની અને પુત્રીઓ વડે જિજ્ઞેશનું કલાસ્વપ્ન સમ્પન્ન થશે. શબ્દ, સૂર ને રંગ-રેખા સિવાય જીવનનાં દારુણ દુ:ખોમાંથી આપણને કોણ ઉગારી શકે એમ છે…

જિજ્ઞેશની અન્ય વાર્તાઓનું કે 'કંઇ પણ બની શકે' સંગ્રહની બદલાયેલી વાર્તાસૃષ્ટિનું તેમ જ એના સમગ્ર વિશ્વનું મૂલ્યાંકન કરી શકાય એવી એમાં ક્ષમતા છે. જિજ્ઞેશે ટ્રૅકિન્ગ કે બર્ડવૉચિન્ગ નિમિત્તે ત્રણ સ્થળોએ ડાયરી લખી છે – ડેલહાઉસી, આબુ અને કુલુમનાલી. એમાં ચિત્રો છે, શબ્દો છે. જિજ્ઞેશનાં ચિત્રો ઘણું 'કહે' છે; શબ્દો ઘણું 'દેખાડે' છે. વાર્તાઓને એની ચિત્રકલાનો લાભ મળ્યો છે, સાથોસાથ, વાર્તાકલાને ભાષાભવનમાં એ ભણતો'તો એ દરમ્યાનના આધુનિક વિશ્વસાહિત્યનો પણ લાભ મળેલો છે. મને એણે એક વાર કહેલું : સર, કંટાળાજનક વર્ગવ્યાખ્યાન વખતે હું સ્કૅચીસ કરતો રહું છું : હું ધારું છું કે મારાં વ્યાખ્યાનોમાં એને એમ કરવાની જરૂર નહીં પડી હોય. એને એટલે સ્તો મારી પાસે સુરેશ જોષીની કલ્પનસૃષ્ટિ વિશે પીએચ.ડી. કરવાનો મનસૂબો જાગેલો. ઘણી બધી નોંધો કરી લાવેલો. પણ શી ખબર, દિશા બદલાઇ હશે કે શું તે દેખાય નહીં એટલે દૂર જતો રહેલો. જો કે વર્ષો પછી પાછો ફરેલો. "સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ"-માં જોડાઇને એણે એક સશક્ત વાર્તાસર્જક રૂપે ગજું કાઢેલું. હવે કદ્દીયે પાછા ફરાય નહીં એટલે દૂર ચાલી ગયો છે ત્યારે આપણે તો એની કલાસૃષ્ટિની સન્નિકટ રહી જ શકીએ છીએ…

===

૧૯/૧૦/૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ, પ્રેસના સૌજન્યથી, અહીં મૂક્યો છે.

https://www.facebook.com/suman.shah.94/posts/2164950110202557  

Loading

...102030...3,0783,0793,0803,081...3,0903,1003,110...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved