Opinion Magazine
Number of visits: 9969650
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેનેડાની કુદરતનું કામણ : ચરણ ત્રીજું

આશા બૂચ|Opinion - Opinion|22 October 2018

ચરણ ત્રીજું : અલાસ્કા ક્રુઝ

કેનેડા પ્રવાસના ત્રીજા ચરણરૂપે વાનકુંવરથી અલાસ્કા ક્રુઝ માટે પ્રસ્થાન કર્યું. કસ્ટમ અને ઇમિગ્રેશનની તમામ વિધિઓ પતાવી નોર્વેજિયન ક્રુઝ લાઈનમાં કેનેડા પ્લેઈસથી રવાના થયાં. આ ગંજાવર જહાજની વિગતો જાણવા જેવી. તેનું બાંધકામ ઈ.સ. 2005માં પૂરું થયું. અતિ આધુનિક જહાજ બાંધવાનો ખર્ચ લગભગ $420 મિલિયન થયો. તેમાં આશરે છ હજાર જેટલાં  મુસાફરો-સ્ટાફ અને જહાજ ચાલકો સહિત આરામથી રહી શકે. અંદાજે 1200 જેટલાં સેવકો 60 જેટલાં જુદા જુદા દેશોનું પ્રતિનિધત્વ કરે છે, જે બાબતનું એ જહાજના કપ્તાનને ઘણું ગૌરવ છે. લગભગ 295 મીટરની લંબાઈ, 60 મીટરની ઊંચાઈ અને 40 મીટરની પહોળાઈ ધરાવતું આ જહાજ ક્યારેક ઝડપથી તો ક્યારેક ધીમી ગતિએ, પરંતુ સરેરાશ 25 દરિયાઈ માઈલની ઝડપે અલાસ્કાના કિનારે આગળ ધપતું રહ્યું.

હવે જ્યાં આટલી મોટી સંખ્યામાં મુસાફરો અને કર્મચારીઓ એક અઠવાડિયા માટે રહે ત્યાં તમામ આધુનિક સગવડો તો હોવાની જ. ત્રણેક સામૂહિક રસોડાં અને તેથી ય વધુ રેસ્ટોરન્ટ્સ દુનિયા આખીમાંથી ચૂંટેલી વિવિધ વાનગીઓ પીરસે. મુસાફરો માટે ઝડપથી ચાલવા માટે વોકિંગ ટ્રેક્સ, જીમખાના, તરણ હોજ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ અને ટેનિસ કોર્ટ્સ જેવી પ્રવૃત્તિઓ તમારાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા બસ થઇ પડે. બે એક સ્ટેજ પર પશ્ચિમી શાસ્ત્રીય સંગીત સતત વહેતું હોય, તો ક્યારેક એક્યુપંક્ચર અને યોગાસન શીખવાતાં હોય. દરેક રાત્રીએ લગભગ બે હજાર દર્શકોને સમાવતા થિયેટરમાં સંગીત, નૃત્ય, જાદુના ખેલ, પ્રહસનો, સરકસના ખેલ, બેલે ડાન્સ વગેરે મનોરંજન કાર્યક્રમ પીરસવામાં આવતો. એટલું જરૂર કહીશ કે મનોરંજન માટેનાં સ્ટેજ, પરિવેશ, સાધનો અને ધ્વનિ-પ્રકાશની વ્યવસ્થા કોઈ મોટા શહેરના થિયેટરને હરાવે તેવી ઉચ્ચ કોટિની  હતી. મનોરંજન પણ આખું કુટુંબ સાથે બેસીને માણી શકે તેવું સ્વચ્છ હતું. એવી જ રીતે રેસ્ટોરન્ટ્સથી માંડીને તમામ પ્રવૃત્તિઓ અને રહેવા માટેના રૂમની સ્વચ્છતા નમૂનેદાર હતી.

કેનેડાનો કિનારો છોડ્યો ત્યારે સૂર્યોદય પાંચ વાગે અને સૂર્યાસ્ત 9.20 વાગે થયો, જેમ જેમ ઉત્તર તરફ ગતિ વધી તેમ તેમ દિવસ લાંબો થતો ગયો. ત્રીજે-ચોથે દિવસે તો 3.45 ઊગીને 10.40 વાગે આથમતા સૂરજની મજા ડેક પર જઈને અને પોતાના રૂમની બારીમાંથી જોઈને સફર વસૂલ કરી લીધી. દરિયાનાં મોજાંના તાલે જહાજ ચાલતું રહે અને મધરાતે કે મળસ્કે ઊઠીને આકાશની શોભા નિહાળવાની મજા કોઈ ઑર છે.

અમારો પહેલો પડાવ કેચિકેન નામના એક તદ્દન નાના પણ અત્યંત સુંદર ગામના બારામાં હતો. તેની વસતી 2010ની વસતી ગણતરી પ્રમાણે 8050ની છે, અને આમ છતાં એ પ્રદેશમાં સહુથી વધુ વસતી ધરાવનાર એ પાંચમું ગામ છે!  વરસના ચાર-પાંચ મહિના પ્રવાસીઓ આવે અને એ ગામને ધમધમતું કરી મૂકે, બાકીના મહિનાઓ બરફમાં ધરબાઈને પોઢતું રહે. કેચિકેન નેટિવ અમેરિકન અને તેમના ટોટમ પોલ્સ, ગ્લેિસયર્સથી કોતરાયેલાં વેરાન મેદાનો, હિમાચ્છાદિત પર્વતો, નાના મોટા ધોધ, કાળાં રીંછ, બોલ્ડ ઇગલ્સ અને વરુઓ માટે પ્રખ્યાત છે. હજુ આજે પણ સાક્સમેન નેટિવ વિલેજ, કે જે ટોટેમ પોલ્સનું સહુથી મોટું સંગ્રહસ્થાન છે, ત્યાં ટોટેમ કોતરવાની કળા બતાવાય છે. કેચિકેન ક્રીક (નહેર) છ માઈલ લાંબી અને Tongass Narrow તળાવમાં મળે છે, તેને કિનારે લાકડાંના ટેકા પર ઘરો બાંધેલાં છે. વીસમી સદીમાં પર્વતારોહણ અને મચ્છીમારી કરનારા તેમ જ કાયાકિંગ અને ઝીપ લાઇનિંગ કરનારાઓ આજીવિકા રળવા આવતા. એ પુરુષોના મનોરંજન માટે આ શેરીઓમાં ઘણી લલનાઓ પોતાનો ધંધો જમાવી બેઠેલી, જેમાં ‘ડોલ્સ હાઉસ’ પ્રખ્યાત છે. આ ટચુકડા ગામની પ્રદક્ષિણા કરતાં કેટલીક માહિતી જાણવા મળી, જેમાંની એક એ કે આદિવાસી લોકો ચારના અંકને ખૂબ મહત્ત્વનો ગણે છે, કેમ કે તેમની માન્યતા મુજબ એ ચાર ઋતુઓ, ચાર દિશાઓ અને ચાર તત્ત્વો – પૃથ્વી, પવન, અગ્નિ અને પાણીનું પ્રતિનિધત્વ કરે છે! મન તો થયું શોધી કાઢવાનું કે એ પ્રજા ક્યાંક આપણાં વડવાંઓના દૂર દૂરનાં પરિવારનાં તો નહીં હોય ને?

કેચિકેન ઊતરો અને લંબર જાક શૉ ન જુઓ તો મુલાકાત અધૂરી રહે. આ વિસ્તાર સામન(એક પ્રકારની માછલી)ની રાજધાની ગણાય છે, તેમ એ ગાઢ જંગલોથી છવાયેલો એટલે લાકડાં કાપવાનો અને તેના માવા બનાવવાનો ઉદ્યોગ પણ અહીં ખાસ્સો વિકસ્યો. સાઉથ ઇસ્ટ અલાસ્કાનાં લાકડાં કાપવાનો ઇતિહાસ આ શૉમાં કહેવામાં આવ્યો. છ કુશળ કાઠિયારાઓ પોતાના બળપ્રદર્શન અને ઝડપથી કામ કરવાની શક્તિ અને રમૂજથી રસીલી વાર્તાઓ કહીને એ શૉને જીવંત બનાવતા રહ્યા. બાર જાતનાં અલગ અલગ કામ કરવાં સાત રતલની કુહાડી, છ ફૂટની કરવત, ઝાડ પર ચડવા માટેનાં દોરડાં અને ચેઇન સૉના ઉપયોગ જોતાં તેમની કુશળતા અને સાહસિકતાનો અંદાજ આવે. આધુનિક સાધનોના અભાવવાળા જમાનામાં લાકડાંનાં, પાણીમાં તરતાં થડ પર સમતોલન રાખી, કઈ રીતે પોતાના માલને સાચવતા એ બતાવ્યું; એ તો કમાલનો ખેલ હતો.

અમારો બીજો પડાવ હતો 455 ચોરસ માઈલના વિસ્તારમાં ફેલાયેલ 11 ચોરસ માઇલ પાણીથી ઘેરાયેલ અને 800-1000ની વસતી ધરાવતા પર્વતોની ગોદમાં સૂતેલા ગામ સ્કાગવે, જ્યાંથી વ્હાઇટ પાસ અને યુકોન રેઇલ રોડ શરૂ થાય. ‘ગોલ્ડ રશ’ નામે જાણીતી બનેલ આ ઘટનાની કહાની કઇંક આવી છે: ઈ.સ. 1896માં ક્લૉન્ડાઈક પાસે સોનાની રજકણો મળી આવી, એવું જ્યોર્જ કારમાક નામના સાહસ પ્રવાસીએ શોધી કાઢ્યું. છાપામાં ‘સોનું સોનું સોનું !’ એ મથાળા હેઠળ 1897માં સમાચાર છપાયા કે પોર્ટલેન્ડ સ્ટીમર પરના 68 ધનવાન લોકો કોથળા ભરીને પીળી ધાતુ લઈને સિએટલ પહોંચ્યા છે. બસ પછી તો સોનું મેળવવાની આશા રાખતા સાહસિકોના એક લશ્કરે ક્લૉન્ડાઈક સોનાની ખાણ તરફ કૂચ આદરી. ટૂંકો પણ આકરાં ચઢાણવાળો ચીકૂટનો માર્ગ છોડીને લાંબો પણ ઓછા ચઢાણ વાળો વ્હાઇટ પાસ અને યુકોન રુટ લઈને એક એક ટન જેટલો ભાર ઊંચકી ચાલ્યા થોકે થોક લોક સોનાની શોધમાં. પારાવાર મુશ્કેલીઓ ભોગવવાની હોવા છતાં લોકોનો સોના માટેનો મોહ ઓછો ન થયો. છેવટ 1897માં આ કઠણાઈ ભરી મુસાફરીનો વિકલ્પ નોર્ધર્ન પેસિફિક રેઇલરોડના એન્જિનિયર જ્યોર્જ બેકેટે રેઇલ રોડ બાંધીને આપ્યો. આ નેરોગેજ રેઇલ રોડ 3,000 ફૂટની ઊંચાઈ પર પહોંચે. 110 માઈલ લાંબો રેઇલ રોડ બરફ વર્ષા અને માઇનસ 60 જેટલા ઠંડા વાતાવરણમાં બાંધવો ખૂબ મુશ્કેલ હતો. 35,000 મજૂરોએ સખત મજૂરી કરીને સન 1900માં એ ભગીરથ કામ પૂરું કર્યું. તે સમયે $10 મિલિયનના ખર્ચે બંધાયેલ આ રેઇલ રોડ સ્ટીલ અને લાકડાંના બાંધકામની એક અજાયબી હતી. સિવિલ એન્જિનિયરિંગ માટે એક સીમાચિહ્ન હતું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાને અલાસ્કામાં હાઇવે બાંધવા માટેનું નાણું પૂરું પાડવામાં આ રેઇલ રોડનો મોટો ફાળો. પછી તો ખનીજ ધાતુઓની કિંમત ગગડી અને 1982માં ખાણ બંધ થઇ. 1988થી આ રેઇલ રોડને ટુરિસ્ટ એટ્રેક્શન તરીકે વિકસાવાયો.

સ્કાગવેથી ઉપડેલ નેરો ગેજની ટ્રેઈનની સફરમાં ત્રીજા ભાગનું ચઢાણ પૂરું કરતાં રોકી પોઇન્ટ પરથી સ્કાગવેની ખીણ અને હાર્ડિંગ પર્વત અને ગ્લેિસયરનું સુંદર દ્રશ્ય નજરે  પડે. 1920-30 દરમ્યાન છેક ડેટ્રોઈટથી દર વર્ષે બ્યુકાનન બોયઝની ટૂર આવતી, જેઓ એક ખડક પર પોતાનું નામ કોતરીને નિશાની મૂકી ગયા છે તે પણ દેખાય. આવી સાહસ યાત્રાઓ જોખમોથી ભરેલી હતી. ઓગસ્ટ 1889માં પર્વતને ફોડવા જતા, થયેલ અકસ્માતમાં, 100 ટન ગ્રેનાઈટ ખડક નીચે બે મજૂરો દબાઈ મર્યા જેની ખાંભી હજુ ત્યાં છે. પહાડો પરથી 6,000 ફૂટની ઊંચાઇએથી પડતો બ્રાઇડલ વેઇલ ફોલ દૂર દૂરથી પણ લોભામણો લાગતો હતો. સમુદ્રની સપાટીથી 1,000 ફૂટ ઊંચે બનાવેલ બુગદામાંથી ટ્રેન પસાર થાય. 20 માઈલ મુસાફરી કર્યા બાદ 2,885 ફૂટની ઊંચાઈએ અમેરિકા/કેનેડાની સરહદ પર પહોંચ્યા. સોનાની શોધમાં નીકળી પડેલ સાહસિકોને એકાદ વર્ષ પૂરતો પુરવઠો પૂરો પાડવા માલ સામાન લઈને ઘોડેસવાર પોલીસ તૈનાતમાં રહેતા તે જગ્યા જોઈ. અમારી યાત્રા અહીંથી પાછી વળી કેમ કે ક્લૉન્ડાઈક સોનાની ખાણ તો એથી ય ઉત્તરમાં 500 કિલોમીટરની દૂરી પર છે. પરંતુ જતાં અને વળતાં પર્વતો, ખીણો અને ઝરણાંઓની શોભા મન ભરીને માણી.

અમારો ત્રીજો પડાવ અલાસ્કાની રાજધાની Juneau – જુનાઉમાં હતો. જુનાઉ પર્વતની તળેટીમાં લાબું થઈને સૂતેલ આ ગામ અમેરિકાનું ક્ષેત્રફળના હિસાબે બીજા નંબરનું ગામ ગણાય. ઈ.સ. 2010ની વસતી ગણતરી પ્રમાણે તેની આબાદી 31,275ની. ક્રુઝના બારા પાસેથી મળતી બસમાં વ્હેઈલ જોવા માટે Stephen’s Passage જવા એક બારા પર પહોંચ્યાં. માર્ગમાં Mendenhall ગ્લેિસયરના દૂરથી દર્શન કરવા મળ્યા. વાતાવરણ થોડું વાદળ છાયું હતું, પણ બરફ છાયા પર્વતો, મોટાં ખેતરો અને શુદ્ધ તાજી હવા મનને ખુશીથી ભરી દેવા પૂરતા હતા. એક મોટર બોટમાં અમે પંદર જેટલા પ્રવાસીઓ ઉપડયાં.

સ્ટીવન્સ પેસેજમાં નજર પહોંચે ત્યાં સુધી માત્ર ભૂરા રંગનાં પાણીમાં પેદા થતા હળવા તરંગો અને કિનારે નાના મોટા પર્વતોની સંગાથે લગભગ અર્ધો કલાક સફર કરી. અમારી માર્ગદર્શક અમને હમ્પબેક વ્હેઈલ વિષે માહિતી આપતી રહી. આજે એ મહાકાય જળચર પ્રાણીની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય થઇ પડી છે. અમારી ધીરજ ખૂટવા આવે, તે પહેલાં અમને કહેવામાં આવ્યું કે થોડી વારમાં વ્હેઈલ જ્યાં પોતાનો ખોરાક શોધવા ડૂબકી મારે છે, ત્યાં પહોંચવામાં છીએ. ચાર-પાંચ નાની મોટી બોટ અપેક્ષિત જળ વિસ્તારને ફરતે ઘુમરાવો લેતી હતી. ત્યાં તો વ્હેઈલ શ્વાસ લે ત્યારે છોડતાં પાણીના ફુવારા ઊંચે ઊડતા જોયા. સાધારણ રીતે હમ્પબેક વ્હેઈલ બે કે ત્રણની સંખ્યામાં શિકારે નીકળે એમ કહેલું. અમે એક પછી એક પાંચ-સાત જગ્યાએથી વ્હેઈલ તરતી હોવાના પુરાવા જોયા. થોડી મિનિટોમાં તો તેની કાયા ઊંચી થઈને પાણીમાં પછડાતી જોઈ. પછી તો જાણે સિન્ક્રોનાઈસ્ડ સ્વિમીંગની માફક એક હારમાં એક સાથે અગિયાર-બાર જેટલી વ્હેઈલ વારા ફરતી નર્તન કરતી જોવા મળી. એ અદ્દભુત દ્રશ્ય હતું. એનું વર્ણન કેમ કરી શકું? પ્રવાસીઓ તો ખુશીથી નાચતા હતા જ, પણ બોટના ચાલક અને ગાઈડ પણ પોતાના સદ્દનસીબને દુવા દેતા હતા.

હવે અમારી સફર Glacier Bay National Parkમાં પ્રવેશી હતી. નેશનલ પાર્કના બે રેન્જર્સ અમને માહિતી આપવા નાની બોટમાં આવીને દોરડાની નિસરણીની મદદથી આ મહાકાય ક્રુઝ શિપ પર આવી ગયેલ. તેમણે કહ્યું કે આ ગ્લેિસયર બે તો કુદરતની એક પ્રયોગશાળા – અભ્યાસ કેન્દ્ર છે. આ નેશનલ પાર્ક માત્ર 250 વર્ષ પહેલાં ફક્ત ગ્લેિસયર્સનું જ ધામ હતું. લગભગ 100 માઈલ લાંબી અને સેંકડો ફૂટ ઊંડી હિમ નદીઓ આ પ્રદેશમાં હતી. આજે એ ગ્લેિસયર ઉત્તર તરફ પીછેહઠ કરીને લગભગ અદ્રશ્ય થવાની અણી પર છે. એકાદ ડઝનથી ય ઓછા જેને ટાઇડ વોટર ગ્લેિસયર કહે છે, તે બાકી રહ્યા છે કે જે દરિયા કિનારાના ઊંચા પર્વતો પરથી દરિયા તરફ વહેતાં વહેતાં બરફની કરાડો રચતા જાય અને માણેક જેવા ભૂરા રંગના શિખરોની રચના કરતા જાય. આ હિમ નદીઓ પરિવતર્નની સાક્ષી છે અને જાણે આપણને કહે છે, બે મિનિટ માટે થોભી જાઓ, આ ઠંડી અને શુદ્ધ હવામાં શ્વાસ લો અને કલ્પના કરો પહેલાં હતું તેવું વાતાવરણ આજે પણ હોય તો?

ક્રુઝ શિપ ધીમી ગતિએ આગળ વધતું હતું અને અચાનક પાણીમાં બરફના ટુકડાઓ તરતા જોયા અને કલ્પના કરી કે હવે એકાદ ગ્લેિસયરની સમીપે જઇ રહ્યાં છીએ. પહેલી હિમ નદી જોઈ તે Margerie. Mount Root નામના પર્વત પર 12,860 ફૂટની ઊંચાઈ પર તેનું મૂળ. 21 માઇલ લાંબી અને એકાદ માઈલ પહોળી આ હિમ નદી દરિયાને મળે તે ટર્મિનસ પાસે 350 ફૂટ ઊંડી કરાડો રચીને ઊભી છે. આ ગ્લેિસયર બીજા ગ્લેિસયરની માફક પીછેહઠ નથી કરતો, માટે 1925માં તેને નેશનલ મોન્યુમેન્ટ અને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાયો. અમારા સદ્દનસીબે તેમાંની એક કરાડને તૂટીને પાણીમાં પડતી જોઈ. કુદરતની આ અદ્દભુત રચના પાસેથી ખસવાનું મન ન થાય, પરંતુ બીજા એવા જ એક અવર્ણનીય ગ્લેિસયર જોવા જહાજે મોઢું અવળી દિશામાં ફેરવીને ચાલવા માંડ્યું.

Johns Hopkins 1811 (552 km) ફૂટની ઊંચાઇએથી પડતો 12 માઈલ લાંબો ગ્લેિસયર છે. આ ગ્લેિસયર હજુ આગળ વધતો જાય છે. તેની કરાડો ખૂબ ઘાટા નીલ રંગની અને તીક્ષ્ણ ધારવાળી છે. ગ્લેિસયર પર રચાતા છાયા પ્રકાશનું નર્તન અને આજુબાજુ પથરાયેલ નિઃશબ્દ શાંતિ કોઈ જુદી જ દુનિયામાં લઇ જાય. તેની શોભા અને પ્રતિભા વર્ણવવા શબ્દો નથી મારી પાસે, માત્ર  છબી છે.

સાતમે દિવસે જહાજને છોડતા પહેલાં, હજુ એક ગ્લેિસયર જોવાનો હતો. અચાનક ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. બાજુના પર્વતો તો ઠીક, એ જહાજની આસપાસ બે ફૂટ સુધીના વિસ્તારનું પાણી પણ ન દેખાય. સહુ પ્રવસીઓનાં મનમાં નિરાશા વ્યાપી. જેના કદ અને સૌંદર્ય વિષે ખૂબ વખાણ સાંભળેલા તે ગ્લેિસયર જ ન જોઈ શકાય તો ભારે રંજ રહે. પંદર-વીસ મિનિટ સુધી મૌન બેસીને પ્રાર્થના કરવા સિવાય કોઈ ઉપાય નહોતો. ત્યાં તો ધીરે ધીરે જાણે દૂધનો બનેલો પડદો ઊંચકાયો, અને સામે દેખાયો Hubbard Glacier. હબર્ડ ટાઇડ વોટરનો સહુથી મોટો ગ્લેિસયર છે. 1350 ચોરસ માઈલનો બ્લ્યુ આઈસ તેની મિલકત છે. લગભગ 122 કિલોમીટર દૂર અને 11,000 ફૂટની ઊંચાઈએ તેનું મૂળ. હબર્ડ દરિયાને મળે તે પહેલાં તેને Valerie નામનો બીજો ગ્લેિસયર આવીને મળે છે. વર્ષોવર્ષ બરફ વર્ષા થાય તેનાથી નીચેના બરફ પર દબાણ આવે અને તે સઘન બનતો જાય. આમ હિમ નદી બનતી જાય. ગ્લેિસયર દરિયાને આવી મળે તે બરફ 400 વર્ષ જેટલો જૂનો હોઈ શકે. માર્ગમાં ત્રણથી દસ માળ જેટલા ઊંચા આઇસબર્ગ કોતરતો જાય. મોટા ભાગનો આઇસબર્ગ પાણીની સપાટીથી નીચે હોય એટલે જહાજોને ½ માઈલથી વધુ નજીક જવાની પરવાનગી નથી હોતી. આ છ એક માઈલ પહોળા અને 400 ફૂટ ઊંડા ગ્લેિસયરને બસ એક નજરે જોયા જ કર્યો. પ્રકૃતિની લીલા જોઈને અનેક સવાલો થાય, ઘણી માહિતીઓ અપાય, પણ એ ગ્લેિસયર્સની વિશાળતા, તેની પુરાતન રચના અને તેનાં અપ્રતિમ સૌંદર્ય પાસે એ વિગતોનો કોઈ અર્થ નથી રહેતો.

Seward નામના બંદરે જહાજને અલવિદા કરી, એન્કરેજથી સિએટલના હવાઈ જહાજની સફર શરૂ કરતાં પહેલાં, વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન સેન્ટરની ઊડતી મુલાકાત લેવાનો મોકો મળ્યો. અમે કઇં જંગલી પ્રાણીઓ જોવા ઊંડે જંગલોમાં જઈએ તેવા સાહસિક નથી. એકરોમાં પથરાયેલ આ અભયારણમાં બ્રાઉન અને બ્લેક બેર, મૂસ, કરીબૂ, પોર્ક્યૂપાઈન, વુડ બાઈસન, એલ્ક હરણ અને શિયાળ જેવાં જવલ્લેજ જોવાં મળતાં પ્રાણીઓને મોજથી ફરતાં અને ચરતાં જોઈને અમારા કેનેડાના પ્રવાસનો અંત આવ્યો.

જ્યારે જ્યારે પ્રાકૃતિક સૌંદર્યથી છલકતા પ્રદેશોની સફર કરવાનું બન્યું છે, ત્યારે ત્યારે હંમેશ અનુભવ્યું છે કે સ્વર્ગ અહીં પૃથ્વી પર જ છે. કુદરતને સમજવી, માણવી, તેનું સંગોપન અને સંવર્ધન કરવું એ માનવ જાતની પવિત્ર ફરજ છે.

(સંપૂર્ણ)

e.mail : 71abuch@gmail.com

Loading

અમૃતસરની ઘટના સામૂહિક હત્યા ન કહેવાય?

રમેશ ઓઝા|Opinion - Opinion|21 October 2018

જરા વિચારી જુઓ !

તમે અમેરિકામાં કે યુરોપમાં કોઈ માનસિક રોગીએ હાથમાં રિવોલ્વર લઈને દસ-વીસ જણાની સામૂહિક હત્યા કરી હોય એવા સમાચાર વાંચ્યા હશે, પરંતુ વાવાઝોડામાં, પૂરમાં કે ધરતીકંપમાં કે માનવભૂલના કારણે થતા અકસ્માતોમાં પચાસ માણસો માર્યા ગયા હોય, એવા સમાચાર વાંચ્યા છે? વળી સામૂહિક હત્યાઓની ઘટનાઓ વિશેષ કરીને માત્ર અમેરિકામાં જ બને છે, યુરોપના દેશોમાં બનતી નથી, એનું કારણ એ છે કે અમેરિકામાં શસ્ત્રો ધરાવવાનો પરવાનો આસાનીથી આપવામાં આવે છે. આપણે ત્યાં ડ્રાઈવીંગ લાયસન્સ મેળવતા જેટલો સમય લાગે એના કરતાં અડધા સમયમાં અમેરિકામાં શસ્ત્રો ધરાવવાનો પરવાનો મળે છે. આને કારણે મોટા ભાગે અમેરિકમાં જ સામૂહિક હત્યાઓની ઘટના બને છે. હવે અમેરિકામાં પણ શસ્ત્રો ધરાવવાનો પરવાનો આસાનીથી આપવામાં આવે છે, એની સામે ઊહાપોહ શરૂ થયો છે. પોતાની જિંદગી જેટલી જ બીજાની જિંદગીની કિંમત છે.

આપણી એવી ધારણા છે કે મનોરુગ્ણ માણસ વિફરે અને જે નુકસાન પહોંચાડે એનાં કરતાં કુદરત વિફરે ત્યારે અનેકગણું નુકસાન પહોંચાડી શકે. આ ધારણા ખોટી નથી. કુદરતની તાકાત સામે માનવી કોઈ વિસાતમાં નથી. તો પછી કુદરતી હોનારતોમાં થતાં મૃત્યુના અંક્ડામાં આટલો ફરક કેમ છે? આપણે ત્યાં સેંકડો કે હજારો માણસો મરે એ સ્વાભાવિક ઘટના કહેવાય અને અમેરિકા કે યુરોપમાં પચાસનો આંકડો તો અધધ કહેવાય. આનું પહેલું કારણ એ છે કે આપણા માટે માનવીની જિંદગીની કોઈ ખાસ કિંમત નથી. બીજું એનાથી પણ વધારે મહત્ત્વનું કારણ એ છે કે માનવી ક્યારે વિફરે એ કહેવું મુશ્કેલ છે, પણ કુદરત સંકેત આપ્યા વિના ભાગ્યે જ વિફરે છે. સંકેત મળતાની સાથે જ વહીવટીતંત્ર સાબદું થઈ જાય છે. જવાબ આપવો પડે એવી આધુનિક રાજ્યવ્યવસ્થા હોય, સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહારો હોય અને માણસો મૃત્યુ પામે? ત્યાં ડિઝેસ્ટર મેનેજમેન્ટ ડિઝેસ્ટર થાય એ પહેલાં કામે લાગી જાય છે અને એ પછી તો હોનારતને હંફાવે છે.

આપણે ત્યાં વરસે દહાડે દસેક હજાર માણસો અતિશય ઠંડીને કારણે, અસહ્ય ગરમીને કારણે, ખૂબ વરસાદ અને પૂરને કારણે મરે છે. દર વરસનો અનુભવ છે, પણ વહીવટીતંત્રને કોઈ ફરક પડતો નથી. ગરમી અને ઠંડીમાં વધારો એકાએક થતો નથી. શહેરમાં કેટલાં લોકો આશ્રય વિનાના છે અને રસ્તા પર સૂવે છે, કેટલાં નિરાધાર લોકો બીમાર છે, કેટલાં લોકો નદીને કિનારે વસે છે, કેટલાં મકાનો જર્જરિત છે, કેટલાં લોકો ભૂસ્ખલન થઈ શકે એવા પહાડો કે ટેકરાઓની તળેટીમાં વસે છે, એની શાસકોને જાણ નથી હોતી? બધી જ જાણ હોય છે, પરંતુ માનવીની કિંમત હોય તો ને? આ બધી દુર્ઘટનાઓને જ્યાં સુધી અકસ્માત તરીકે ખપાવવામાં આવે છે અને ખપાવવામાં આવશે ત્યાં સુધી આમ જ ચાલશે. અકસ્માત એટલે અકસ્માત. જેમાં ઘટના માટે અને તેના પરિણામ માટે કોઈ જવાબદાર ન હોય એનું નામ અકસ્માત.

આ અકસ્માતની ભારતીય વ્યાખ્યા છે, પ્રગતિશીલ દેશોમાં અકસ્માતની આવી વ્યાખ્યા કરવામાં આવતી નથી. કોઈ ગાંડો માણસ વિફરે અને અનર્થ કરી બેસે એ અકસ્માત. બાકીની બધી જ દુર્ઘટનાઓ (કુદરતી સહિત) રોકી શકાય છે અને રોકી શકાય એમ ન હોય તો જાનહાનિ નિવારી શકાય છે. ટૂંકમાં પાશ્ચાત્ય રાજ્યવ્યવસ્થાના ધોરણો મુજબ કમોતે થતું માનવમૃત્યુ એ નિષ્ફળ રાજ્યનાં અને ફૂહડ શાસકોનાં લક્ષણો છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં વરસે દહાડે ૧,૫૦૦ જેટલાં લોકો ભીડને કારણે ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ પામે છે. આ અકસ્માત છે? વરસે દહાડે હજારેક બાળમજૂરો ફટાકડાનાં કારખાનાંઓમાં કે અન્ય મજૂરીનાં સ્થળે મૃત્યુ પામે છે એ અકસ્માત છે? દર વરસે હજારેક લોકો જ્યાં ત્યાં ઉત્સવ કે મેળાઓમાં થતા અકસ્માતો કે ભાગદોડમાં માર્યાં જાય છે એ અકસ્માત છે? શાસકોને ખબર નથી હોતી કે દર વરસે કેટલાં માણસો આવે છે અને કેટલી વ્યવસ્થાની જરૂર છે? વરસોવરસ લોકોની હાજરીમાં કેટલાં પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે? દર વરસે જે તે રોગના ઉપદ્રવને કારણે હજારેક લોકો મરે છે એ અકસ્માત છે? ભારતનાં જુદાજુદા શહેરોમાં સોએક જેટલાં સફાઈ કામદારો ગટરમાં ઊતરીને મરણ પામે છે, એ અકસ્માત છે? મુંબઈ અને મહારાષ્ટ્રમાં દર વરસે દસ-વીસ ગોવિંદાઓ મટકી ફોડતા પડીને મૃત્યુ પામે છે એ અકસ્માત કહેવાય? કોઈ ફરક નથી પડતો, કારણ કે ભારતીય વ્યાખ્યા મુજબ જે મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવવામાં ન આવે એ અકસ્માત. હાથ ખંખેરી નાખવાનું નામ અકસ્માત.

શુક્રવારે અમૃતસર નજીક ટ્રેન નીચે કચડાઈ જવાથી ૬૦ જેટલાં લોકો માર્યાં ગયાં એ ઘટનાને અકસ્માત કહેવાય? ભારતીય ધોરણો મુજબ કહેવાય, કારણ કે કોઈએ કોઈને ઇરાદાપૂર્વક માર્યાં નથી; પરંતુ પાશ્ચાત્ય ધોરણો મુજબ એને રાજ્યની નિષ્ફળતા અને શાસકોની ફૂહડતા કહેવાય. ઉઘાડા રેલવે ટ્રેકની બાજુમાં રાવણદહનનું આયોજન કરવામાં આવે, તેને મંજુરી આપવામાં આવે, રેલવે સત્તાવાળાઓની મંજુરી લેવામાં ન આવે અને જો મંજુરી લેવામાં આવી હોય તો રેલવેના સત્તાવાળાઓ સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન કરે, ટ્રેનની વ્હીસલ કે ઈમરજન્સીમાં આપવામાં આવતાં સૂચનો કાને પણ ન પડે એવો પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવામાં આવે, નેતા પોતે કેટલો લોકપ્રિય છે અને પોતાની પાછળ કેટલી ભીડ છે એ બતાવવા માટે તહેવારોનો ઉપયોગ કરે, લાલચો આપીને નાની જગ્યામાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવે, નેતાગીરીનો દુરુપયોગ કરીને સુરક્ષાને લગતાં સૂચનોની ઐસીતૈસી કરે અને પરિણામે જે દુર્ઘટના ઘટે એને અકસ્માત કહેવાય? સામૂહિક ખૂન શા માટે ન કહેવાય?

રાજ્ય નાદાર હોય, શાસકો ફૂહડ હોય, કોઈનું રૂંવાડું ફરકતું ન હોય, અનુભવમાંથી કોઈ કાંઈ શીખતું ન હોય એવો આપણો દેશ છે. આ દેશના શાસકો વ્યવસ્થામાં સુધારો કરીને પ્રગતિશીલ દેશોની બરોબરી કરવાની ત્રેવડ નથી ધરાવતા, એટલા માટે બુલેટ ટ્રેનનો આશરો લે છે. બુલેટ ટ્રેન વિકાસનું પ્રતીક નથી, નાદારીનું પ્રતીક છે. જાતને અને પ્રજાને છેતરવાનું પ્રતીક છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 અૉક્ટોબર 2018

Loading

પ્રિયતમ સખે ચંદુભાઈ મટાણી

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|21 October 2018

જાણે કે શબ્દ ને સૂર થીજી ગયા હોય, તેવો માહોલ અહીં વર્તાય છે. ગુજરાતી આલમે ચોમેર સોપો પડી ગયો છે. શનિવાર, 28 જુલાઈ 2018ના  રાતે નવેકને સુમારે ચંદુભાઈ મટાણીએ લેસ્ટર નગરે વિદાય લીધી, તેની જોડાજોડ વિલાયતની ભૂમિ પર વાદળ છવાઈ ગયાં હોય તેવો અનુભવ છે. ગઈ સાલ, કુમુદબહેન મોટા ગામતરે સિધાવ્યાં હતાં, અને હવે ચંદુભાઈ એમનો સધિયારો મેળવવા જાતરાએ નીકળી ગયા. હવે તો સ્મરણની કેડીએ … …

ખેર ! 

ચંદુભાઈ જોડેના સખાભાવને જોત જોતામાં અાશરે ચારેક દાયકાઅો થવામાં છે. ’ગુજરાતી સાહિત્ય અકાદમી’ની બીજી ભાષા-સાહિત્ય પરિષદની, લેસ્ટર ખાતે, વ્યવસ્થાના તે દિવસો હતા. ઝામ્બિયાથી અા મુલકે તેવાકમાં જ સ્થાયી થવા અાવેલા ચંદુભાઈ મટાણી તેમ જ લેસ્ટરના જાણીતા શહેરી માધુભાઈ સોનીના વડપણમાં, સ્થાનિક સ્તરે, સ્વાગત સમિતિની રચના કરવામાં અાવી હતી. લેસ્ટરના બેલગ્રેવ રોડ અને મેલ્ટન રોડના લગભગ ચોખંભે ત્યારે ચંદુભાઈની દુકાન હતી, તેવું સાંભરણ છે. તેમની દુકાને, તેમના ઘરે પણ, અા અંગેની નિયિમત બેઠકો થતી અને તે દરેકમાં ભાગ લેવા લંડનથી અાવરોજાવરો રહેતો. તેવા તેવા દિવસોથી જ જાણે કે એમનું વ્યક્તિત્વ સતત અાકર્ષતું રહ્યું; અને સમયની કેડીએ તે સંબંધ વિસ્તરીને અંગત મૈત્રીમાં ય ફેરવાઈ ગયો. ‘પૂર્વાલાપ’ના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’, સખા બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને ઉદ્દેશીને, ગાય છે તેમ, ચંદુભાઈને ય ઉદ્દેશવાનું, અાથીસ્તો, મન છે :

ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે  સૌમ્ય વયનાં
સવારોને  જોતો  વિકસિત  થતાં  શૈલશિખરે;
અને  કુંજે  કુંજે  શ્રવણ  કરતો  ઘાસ  પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં !

….. અને અાટઅાટલાં વરસોની અા સહિયારી યાત્રાના દરેક પડાવે જોતો રહ્યો છું : સંગીત પ્રત્યેની એમની લગની; સાહિત્ય માટેની રસિક અભિરુચિ; પારાવાર વાંચન; જાહેર જીવન માટેના કેટલાક અાદર્શો; સંસ્થાસંચાલનની મથામણ; પ્રકૃતિએ વિવેક બૃહસ્પતિ; મધમીઠી પરોણાગત; મૈત્રીમાં સતત કૃષ્ણનો ભાવ; − અને અામ, અાવી અાવી અા યાદી પણ ક્ષિતિજે વિસ્તરી શકે છે.

ચંદુભાઈએ વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ સાથેનો સંપર્ક જેમ જીવંત રાખ્યો હતો, તેમ, અા પાસ, ગીતસંગીતના પ્રસારણ માટે દાયકાઅોથી અગ્રગામી સંસ્થા તરીકે જેની નામના બંધાઈ છે તે તેમની ‘શ્રુિત અાર્ટ્સ’ સાથેની ઘનિષ્ટતા મેં સ્વાભાવિક કેળવી જાણી છે. વળી, અારંભથી એમણે “અોપિનિયન” સંગાથે ફક્ત તંતુ જોડી જ નહોતો રાખ્યો, અનેકોના તાર પણ સાંધી અાપ્યા હતા. અાજ સુધીનો અનુભવ કહે છે કે તે સરેરાશ એક ઉમદા વાચક નીવડ્યા છે.

અામ જોઈએ તો ચંદ્રસિંહ ગોરધનદાસ મટાણી માંડવી(કચ્છ)નું સંતાન. અને માંડવીને ય પોતીકો પોરસાવતો ઇતિહાસ છે. રુકમાવતી નદીને કાંઠે, દરિયા િકનારે, વિસ્તરેલા અા માંડવી નગરને અાશરે ચારસો સાલનો ધબકતો ઇતિહાસ વીંટળાયો પડ્યો છે. વળી, લગભગ ૧૮મી સદીથી અહીંનું બંદર દેશાવરી વહાણવટા ક્ષેત્રે ધબકતું અાવ્યું છે. હિંદી મહાસાગરને અારેઅોવારે પલોંઠ લગાવી જામેલા, દૂરસુદૂરના અનેક દેશો સાથે, તેને અાથી નિજી સંબંધ બંધાયો હતો. અાવા કોઈક તબક્કે, અાપણા ચંદુભાઈ મટાણીએ અાફ્રિકાની વાટ લીધી. કહે છે કે પહેલાં તે મોઝામ્બિક ગયા. તે દિવસોમાં ત્યાં તેમના મોટાભાઈ હતા. તેમની પાસે બેરા બંદરી નગરમાં ચંદુભાઈએ બે’ક મહિનાઅો અાનંદમોજમાં વિતાવ્યા હશે. અને પછી, તત્કાલીન ન્યાસલૅન્ડના પાટનગર બ્લાન્ટાયરમાં, નસીબને પલોટવા રહ્યા. મલાવી તરીકે અોળખાતા અા મુલકમાં, ચંદુભાઈએ બે’ક વરસ નોકરી કરી હશે. અને પછી, તેમની યુવાનીનો ઘોડો થનગનવા માંડયો; અને તેમણે, કોઈક ભાતીગળ પળે, ઘોડાને પલાણી, ત્યારના ઉત્તર રહોડેશિયાની (હાલના ઝામ્બિયાની) વાટ પકડી. અા સાહસ હતું અને તેમાં એ કામયાબ રહ્યા.

ત્યાં ચંદુભાઈની ક્ષિતિજ ધીમે ધીમે વિસ્તરતી ચાલી. મુફલીરા ગામે જમાવટ કરી. વેપારવણજનો જેમ પથારો જામ્યો તેમ તેમની ખુદની પાકટતા ય નીખરતી ચાલી. પોતાના અંતરમનમાં પડેલા સંસ્કારને કારણે, ફોટો કસબ પણ ખીલવ્યો. ગળું અને કંઠ પણ સોજ્જા. સંગીતમાં ઊંડો રસ. ખૂબ સાંભળે. સમજે. હિન્દી ફિલ્મજગતના ગાયક મૂકેશના ભારે ચાહક. પરિણામે, ચંદુભાઈ મજલિસ જમાવે અને મૂકેશે ગાયેલાં એકમેકથી ચડિયાતાં ગીતોની હૂબહૂ જમાવટ કરે. બીજી પા, સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતીની આવનજાવન અને એમનો ઊંડો પાસ લાગ્યો; તેમ આપણા શિરમોર ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત પ્રવાસનો ય રંગ લાગ્યો. આ બધું સ્વાભાવિકપણે એમના પાયામાં ધરબાયું છે. સુગમ સંગીતને ક્ષેત્રે, જેમનાં એકમેકથી ચડિયાતાં કામોના ચોમેર આજે સિક્કા પડે છે, તેવા આ ચંદુભાઈ મટાણીની ભેરુબંધી, ગોવિંદભાઈ પટેલ સંગાથે સન ૧૯૫૫થી બંધાઈ. એક પેટી વગાડે, બીજા તબલાં પર સંગત કરે અને છતાં, પાછા, બંને ગાય – ગીતો, રાસ, ભજનો, અને ઘણુંબધું. સંગીત સંગે, ઝામ્બિયામાં અને વિલાયતમાં, આ બેલડાએ એક વાતાવરણ ઊભું કર્યું, સમાજ ઊભો કર્યો. બીજી પાસ, વિલાયતમાં લેસ્ટરથી, ‘શ્રુતિ આર્ટ્સ’ની રચના વાટે ચંદુભાઈ મટાણીએ તો કમાલ કરી જાણી છે.

િવલાયતમાંના અા ચારેક દાયકાઅો દરમિયાન, ‘શ્રુિત અાર્ટ્સ’ સંસ્થાનો વિકાસ, ચંદુભાઈની રાહબારીમાં, કૂદકે અને ભૂસકે જામ્યો છે. દર વર્ષ થતી રહેલી તેની વિવિધ પ્રવૃત્તિઅો દ્વારા જ અા વ્યાપ સહજ દેખાઈ અાવે છે. વળી, ‘સોના રૂપા’ વાટે, ગીત-સંગીતની ક્ષિતિજ હવે ખંડખંડે વિસ્તરી છે. ‘સોના રૂપા’ હેઠળ વિધવિધ પ્રકારનાં સંગીતની અૉડિયો કસેટ, ડિ.વી.ડી. તેમ જ સી.ડી.નું િનર્માણ થયું છે. અા અાખી યાદી નજરે પડે ત્યારે જ તેની સભરતા સમજાય. જોનારને અા કામમાં સમજણ અને દૂરંદેશી અારોપાયેલી જોવા સાંપડે. અા સમૂળા પ્રકલ્પમાં, હવે, પુત્ર હેમન્ત મટાણીની અાગેવાની ભળી છે. તેમણે પૂરી નિષ્ઠા સાથે સંગીતનું સરસ અને સફળ પ્રસારણ તથા વિસ્તરણ કર્યું છે. અા અાખી ઝુંબેશે, ચંદુભાઈની લાંબા ગાળાની કામગીરીને બડું ગૌરવ બક્ષ્યું છે. મુંબઈના ‘ટાઈમ્સ’ જૂથે, મહાનગરી મુંબઈમાં તથા ભારતમાં ય ‘સોના રૂપા’ વાટે તૈયાર કરેલી અાવી અાવી સંગીત સામગ્રીઅો મેળવી શકાય તેવી વ્યવસ્થા કરી છે. તે ખુદ એક મોટી હરણફાળ છે. વળી, સુરેશ દલાલ, અાિસત દેસાઈ, હેમાંગિની દેસાઈ શાં મિત્રોની ય હૂંફ તેમને નિરંતર રહી છે.  

આટઆટલાં વરસોનું એમનું આ તપ, હવે, ડાયસ્પોરિક ગુજરાતી જનજીવનના ઇતિહાસનું એક સોનેરી પૃષ્ઠ બની બેઠું છે. ચંદુભાઈ મટાણીનું અાદિમ સ્વરૂપ ખીલતું રહ્યું હોવાનું અનુભવાતું જોયુંજાણ્યું છે. દીકરો હેમન્ત તબલાં પરે સરસ સંગતિ અાપે. દીકરી સાધનાનો કંઠ યુગલગીતોમાં સામેલ રહે. પુત્ર હેમન્તભાઈની બંને દીકરીઅો – શેફાલી તથા નેહાલીને પલોટવામાં ચંદુભાઈએ કમાલ કરી. કેટલી ય મજલિસોમાં, અા બંને પૌત્રીઅોને દાદાજીને ગાયકીમાં સક્રિય સંગતિ અાપતાં ભાળી છે. પોતાનાં ત્રીજા સંતાન, સાધનાબહેનના ચિરંજીવ રોહનને પણ ચંદુભાઈએ ગીતસંગીતની મજલિસમાં ક્યારેક સામેલ કરવાનું રાખ્યું. અાવી ઘટનામાં કોઈને પોત્રીઅો – દોહિત્ર માટેનો મમત કદાચ લાગે; પણ ના, એ એમ નથી. હકીકતે, ગુજરાતી સંગીતની જીવાદોરી, એમણે એમના પછીની, પહેલી શું, બીજી પેઢી સુધી, ખેંચી આપી. આ સ્પષ્ટપણે વર્તાય છે. આ મટાણી ઘરાણાની બરકત છે.

પત્ની કુમુદબહેને, પુત્ર હેમન્ત અને પુત્રવધૂ પ્રીતિએ, પુત્રીઅો – દીના અને સાધનાએ પણ ચંદુભાઈના ગોવર્ધનને ઊંચકવામાં ડાંગનો સતત અને સજ્જડ હૂંફટેકો દીધા કર્યો. માંડવીના અા નબીરાએ બેરા, બ્લાન્ટાયર, મુફલીરા અને લેસ્ટર મુકામે થાણા જમાવ્યા, અને અા દરેક થાણે, એમનો ગઢ મજબૂત બનતો જ ચાલ્યો.

ચંદુભાઈના મતે, અા આઠ દાયકા ઉપરાંતની મજલમાં, તેમને ત્રેવડો સંતોષ રહ્યો. ત્રણ ત્રણ પેઢી વિસ્તરેલો તેમનો પરિવાર સુદૃઢપણે સંયુક્ત રહ્યો છે. છેલ્લાં દશ વર્ષ દરમિયાન, કુમુદબહેનની માંદગી વેળા હેમન્ત, પ્રીતિ તથા પરિવારનાં અપાર હૂંફ અને સાથ મળ્યાં. સંયુક્ત કુટુંબની અા દેણગીને તે પરમકૃપાળુની પ્રસાદી લેખતા. વળી, પોતાને તંદુરસ્ત અાયખું મળી શક્યું છે તેનો ય તેમને પારાવાર અાનંદ રહ્યો. 2017-18ના સંદી સમય લગી ભરપૂરપણે ગાઈ શકાયું છે, તેથી સંતોષ રહેતો, તેમ પણ ચંદુભાઈ સતત કહેતા રહ્યા. અાટલું કમ હોય તેમ, વિલાયતમાં, અાફ્રિકામાં તેમ જ ભારતમાં બહોળું મિત્રવર્તુળ ઊભું થઈ શક્યું, તેને ચંદુભાઈ જીવનની મોટી કમાણી ગણતા. અાથીસ્તો, કુદરત પ્રત્યે તે અોશિંગણભાવ વ્યક્ત કરી જ લેતા.

ગુજરાતી ગીતસંગીતના જ ફક્ત નહીં, ભારતીય ગીતસંગીતના પણ એ પરચમધારી. અા ક્ષેત્રે એ કર્મશીલ પુરવાર થયા છે અને એમનામાં અાપણા એક અગ્રસૂરિ તરીકેના ય અનેક લક્ષણો ફૂટ્યા છે. અાવા એક ‘પાંજો માળુ’નો, અંગત અંગત, મધમીઠો પરિચય રહ્યો. તેનું સદા ય ગૌરવ છે.

અાવા ચંદુભાઈની વિદાયને ખમવી અઘરી બની છે .. એમનું સતત અદકેરું સ્મરણ રહેજો.

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

[પ્રગટ : "નિરિક્ષક", 01 અૉક્ટોબર 2018]

Loading

...102030...3,0773,0783,0793,080...3,0903,1003,110...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved