પિંડવળ – ધરમપુરમાં વંચિતો માટે સેવાકાર્યની ધૂણી ધખાવીને બેઠેલા એ ચારેચાર કર્મઠો વાસ્તવમાં માનવીય મૂલ્યોને વરનારાં સાચૂકલાં જણ હતાં. ડૉ. નવનીતભાઈ ફોજદાર, કાન્તિભાઈ શાહ, હરિશ્ચંદ્ર બહેનો : કાન્તાબહેન અને હરવિલાસબહેન.
કાન્તિભાઈ શાહ તો “ભૂમિપુત્ર”, પોતાનાં પુસ્તકો અને મનન-ચિંતનના કારણે જાણીતા. ‘એકત્વની આરાધના’ દ્વારા એમણે હરિશ્ચંદ્ર બહેનોનો પરિચય પણ કરાવ્યો. સર્વોદય પરિવાર ટ્રસ્ટનાં અમારાં જેવાં શુભેચ્છકોને ક્યારથી રાહ હતી કે ક્યારેક ડૉ. નવનીતભાઈના પ્રદાનની પણ ગુજરાતને જાણ થાય. જો કે ડૉક્ટર-સાહેબ પોતાની કોઈ કદરદાની કે પ્રશંસાના ક્યારે ય મોહતાજ ન હતા. વાસ્તવમાં એનાથી અળગા જ રહેતા. કામને સમર્પિત, નિર્મોહી, અપરિગ્રહને આત્મસાત્ કરનાર, તૃણમૂળ વસનારાં વંચિતોની સમસ્યાને સમજનાર, જિંદગીને ચાહનાર ડૉક્ટર નવનીતભાઈ ફોજદારના જીવન-કવનને સર્વગ્રાહી છતાં સંક્ષિપ્તમાં વર્ણવીને પણ એમને ન્યાય આપનાર વિક્રમભાઈ અને ભદ્રાબહેન તો સાથે પુસ્તિકામાં સરસ, તરલ, પ્રવાહી શૈલીમાં અભિવ્યક્તિ કરનાર મુનિ દવેનો આભાર માનીએ એટલો ઓછો. વિચારવર્તુળ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકા ગુજરાતી પ્રજાને મળેલી અનોખી ભેટ છે, તો ડૉક્ટરસાહેબનું સાચું તર્પણ છે.
છેંતાળીસ પાનાંમાં સંકલિત એમની જીવનગાથા આ ક્ષેત્રની સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકટ પરિસ્થિતિ અને સમસ્યાઓના ઉકેલ માટે પ્રતિબદ્ધ-કટિબદ્ધ-સમર્પિત ડૉક્ટર સાહેબ અને એમના સહકર્મીઓએ કરેલા પ્રયાસોની વાત માંડે છે. અમારે તો વલસાડથી ધરમપુર ઢૂંકડું. સાચું કહું તો મને સતત એક પ્રશ્ન થતો જ રહ્યો છે કે આઝાદીનાં સિત્તેર વર્ષ પછી પણ આ વિસ્તાર કેમ ત્યાંનો ત્યાં જ હોય તેવું લાગે છે! રાજારજવાડાં, સર્વોદય કાર્યકર્તાઓ, મિશનરીઓ, હિંદુત્વવાદીઓ, વિકાસશીલ સંસ્થાઓ અને કલ્યાણપ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સહિત કેટલા ય લોકો સક્રિય છે. આઝાદી પછી આજપર્યંત સંસદસભ્યની બેઠક આદિવાસી અનામત જ રહી છે. ઉત્તમભાઈ પટેલથી લઈ વર્તમાન રાજકર્તાઓ સહિત સંસદસભ્યો અને ધારાસભ્યોએ સરકાર દ્વારા પણ આ વિસ્તારના વિકાસ માટે શક્ય તેટલા પ્રયત્નો કર્યા છે. અહીંની પ્રજાએ આદિવાસીઓથી વનવાસી સુધીની યાત્રા કરી લીધા પછીથી પણ હજી કેમ એ જ નિષ્કામ સેવાની જરૂર વર્તાયા કરે છે?
આઝાદ ભારતનો કદાચ પ્રથમ પ્રજાકીય સત્યાગ્રહ પણ ‘પારડી અન્ન ખેડસત્યાગ્રહ’ આ ભૌગોલિક વિસ્તારથી જ થયેલો. તમે ધરમપુર જુઓ તો સમૃદ્ધિની ઝાંખી કરાવતું નગર લાગે. અમાપ કુદરતી સૌંદર્ય વેરાયેલું છતાં મૂળ નિવાસીઓને તો ભારોભાર અભાવ ને રોટી-કપડાં-મકાનનાં વલખાં એ કેવી કુદરતી મજાક! પરંતુ એ જ સત્ય છે. ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છતાં પણ પાણીની સમસ્યા તો ખરી.
જો કે આજે પણ અહીં કામ કરનારા પ્રશ્નો પૂછ્યા વગર જે કાંઈ કામ થાય તે કર્યા જ કરે છે. પોતે લાખોની કમાણી કરી મહાનગરમાં પોતાની કારકિર્દી બનાવી શક્યા હોત કે કામ કરતાં કરતાં પોતાની મસમોટી સંસ્થા બનાવી મિલકતો વસાવી લીધી હોત, પરંતુ આ લોકોએ તો ક્યારે ય પણ પોતાની સાદગી અને સ્વીકારેલી નિમ્ન મધ્યમવર્ગીય જીવનશૈલી છોડી નહીં. હજી પણ ખડકીમાં સુજાતા કે ખોબામાં નીલેશ જેવાં કાર્યકર્તા એ જ સાદગીથી રહીને પોતાના ધ્યેયને સમર્પિત રહે છે.
નવનીતભાઈનાં કામનો પરિચય મને જ્યોતીન્દ્ર દેસાઈના કારણે થયેલો, તો કાન્તાબહેન-હરવિલાસબહેનની ઓળખાણ મારી નાનીબહેનનાં કારણે થયેલી. વરસો સુધી અમે ચાદરચારસા, ટુવાલ, નેપકિન્સ અને વસ્ત્રો માટે ખાદી પિંડવળની જ ખરીદતાં. જો કે અમે ખાદીધારી નહીં, પરંતુ અમને ખાદી ગમે અને પિંડવળની પ્રવૃત્તિઓને વેગવંત બનાવી શકાય એટલે. ઝાઝી ગતાગમ તો નહીં કે અહીં કામ કરવું કેટલું કપરું છે, પરંતુ જઈ શકાતું ત્યારે અમે ધરમપુર વિસ્તારમાં મિત્રોને શક્ય તેટલા સહાયભૂત થવાનું તો પસંદ કરતાં જ એટલે આ લોકોનાં કામને પણ જાણીએ.
છતાં આ નાનકડી પુસ્તિકાના કારણે નવેસરથી નવનીતભાઈ અને મંડળીનું જાણવાનું ગમ્યું. નાથાબાપા સાથે એમના સંબંધો કે નવનીતભાઈને ગમતાં ભજનની ઝલક એ પાસાની જાણ તો આજે આ વાંચતાં જ થઈ. જો કે એમના અન્ય રસક્ષેત્રની ઝાંખી પણ અહીં મળે છે. જેમ કે જૂની ફિલ્મોનાં ગાયનોમાં એમનો રસ અને મધુર ગાયકી. આમ, સાદો ખોરાક છતાં સ્વાદના રસિયા હોવું, વંચિતો માટે અતિ સંવેદનશીલતા અને અભાવો વચ્ચે પણ રસ્તા કાઢવાની કુનેહ જેવી લાક્ષણિકતાઓ ધ્યાનાકર્ષક બની રહે છે. અંતિમ દિવસોમાં વેઠેલી શારીરિક પીડાઓ વચ્ચે પણ જાળવેલી સમતાની નોંધ તો એમને વિશે લખનારાં સૌએ લીધી છે. અમે પણ મિત્ર ડૉ. ઉષાબહેન મૈસેરીના કારણે જાણેલું કે એમણે હરફ ઉચ્ચાર્યા વગર કેવી પીડા ભોગવી હતી.
આજે આ પુસ્તિકા વાંચતાં સાંઈ મકરન્દ દવે-કુન્દનિકા કાપડિયા, કોકીબહેન-ભીખુભાઈ, હર્ષાબહેન, અશ્વિનભાઈ, કાન્તિભાઈ ચંદારાણા, દક્ષા અને આર્ચ ટીમ, અપર્ણા કડીકર, આદરણીય શ્રીમદ્ રાજચન્દ્ર-રાકેશભાઈની ટીમ, ઋષિત મસરાણી, નીતિનભાઈ, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડની ટીમ, અમારી સંસ્થા અસ્તિત્વની ધરમપુર ટીમ અને ગિરિબાલા, પ્રજ્ઞા રાજા અને અન્ય કેટલાક સેવાભાવીઓ યાદ આવે છે. પુસ્તિકામાં સંસ્મરણો તાજાં કરનાર ડૉ. લતાબહેન-અનિલભાઈ, મયંકભાઈ, અશ્વિન પટેલ, અશ્વિન શાહ, અશોક ગોહિલ, મહેશ ભણસાલી, હસમુખ પારેખ, પ્રકાશ શાહ અને મુનિ દવેએ પણ નવનીતભાઈના જીવનનાં વિવિધ પાસાં વિશે પારદર્શકતાથી લખ્યું છે.
શ્રી સુરેશભાઈ પરીખ અને વિચારવલોણું વિશે પણ લખવું જોઈએ, જેથી સમાજમાં શિષ્ટવાચન વિશે જાણ થાય. આજે તો આટલું જ. મુનિ દવે, પ્રજ્ઞા પટેલ, નિરંજન શાહ, તરુણ શાહ – ‘વિચારવલોણું’ના વર્તમાન સંપાદકો છે. ફરીથી વિક્રમભાઈ અને ભદ્રાબહેનનો આભાર કે એમણે એક નવનીતભાઈના વ્યક્તિચિત્ર શબ્દસ્થ કર્યું અને મને યાદ કરી આ પુસ્તકથી પરિચિત પણ કરી. સામાન્ય રીતે હું કરતી નથી, પરંતુ આજે મિત્રોને ખાસ વિનંતી કે આ પુસ્તિકા ખરીદીને ઘરમાં તો રાખે, પરંતુ વહેંચવાની કાળજી પણ કરે. આ એવી વ્યક્તિનું જીવનકવન છે કે જ્યારે ડૉક્ટરો મન મૂકીને પૈસા પાછળ દોડે છે, ત્યારે લગભગ અકિંચન રહીને, અગવડો ભોગવીને પોતાના વંચિતબંધુ-ભગિનીઓ માટે જીવન ન્યોછાવર કર્યું. નવનીતભાઈને દિલી સલામ.
E-mail : bakula.ghaswala@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2018; પૃ. 10