Opinion Magazine
Number of visits: 9969600
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિતો-આદિવાસીઓના વિકાસ માટેના કરોડો રૂપિયા સરકારી જાહેરખબરોમાં અને અન્યત્ર ખરચાય છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|21 September 2018

દલિતો અને આદિવાસીઓના વિકાસ માટે ફાળવવામાં આવેલાં નાણાં એ જ હેતુ માટે, તેવો  કાયદો ઘડાય તેવી કોશિશ વિરોધ પક્ષો, કાર્યકર્તાઓ અને સંગઠનો કરી રહ્યાં છે

નૅશનલ કમિશન ફૉર સફાઈ કર્મચારીઝના તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં પહેલી જાન્યુઆરીથી દર પાંચ દિવસે એક સફાઈ કામદારનું ગટરમાં કામ દરમિયાન મોત નીપજ્યું છે. તેમાંથી છ મોત તો ગયા એક જ અઠવાડિયા દરમિયાન દિલ્હીમાં નોંધાયાં છે. મોતનો આંકડો ઘણો વધારે હોવાની શક્યતા, સરકારે કાનૂની રાહે નીમેલાં કમિશને વ્યક્ત કરી છે. ગયાં પચીસ વર્ષ દરમિયાન તામિલાનાડુમાં 194, ગુજરાતમાં 122, કર્ણાટકમાં 68 અને ઉત્તર પ્રદેશમાં 51 સફાઈ કામદારોનાં ફરજ દરમિયાન મોત થયા હોવાનું કમિશને નોંધ્યું છે.

દલિત વર્ગના સફાઈ કામદારો આ રીતે મોતને ભેટે છે, તો દેશના આદિવાસીઓ એ  બિનઆદિવાસી લોકો કરતાં ત્રણ વર્ષ ઓછું જીવે છે. આ માહિતી કેન્દ્રનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમ જ આદિવાસી વિકાસ મંત્રાલયના તાજેતરના અહેવાલોમાંથી મળે છે. નિષ્ણાતોની સમિતિએ આપેલા અહેવાલમાં દેશના આદિવાસીઓનાં આરોગ્યની હાલત અંગે આ મુજબનાં નિરીક્ષણો છે: ઊંચું કુપોષણ,નીચું રસીકરણ, જન્મ વખતે ખૂબ ઓછાં વજનવાળાં બાળકોની મોટી સંખ્યા, મેલેરિયા, ટ્યુબરક્યુલોસિસ અને રક્તપિત્તનું ઊંચું પ્રમાણ. અન્ન, વસ્ત્ર, રહેઠાણ, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતોને અભાવે આદિવાસીઓ અને દલિત નાગરિકોની જે દુર્દશા થાય છે તેના  દર્દનાક કિસ્સા માધ્યમોમાંથી  સતત મળતા રહે છે.

આ દુર્દશાનું એક મોટું કારણ એટલે દેશનાં અર્થતંત્રમાં તેમના માટે પૂરતાં નાણાં ફાળવવામાં આવતાં નથી, અથવા તો એ નાણાં યોગ્ય રીતે વપરાતાં નથી. ખરેખર તો ભારત સરકારે દલિત અને આદિવાસી સમૂહો અન્ય વર્ગોની હરોળમાં આવી શકે તે માટે એક ખૂબ મહત્ત્વનું પગલું લીધું છે. તેણે આ વર્ગો માટે નાણાં ફાળવણી અને વિવિધ કલ્યાણ કાર્યક્રમો માટે બે યોજનાઓ બનાવી છે. એક, 1975-76માં આદિજાતિ વિકાસ પેટા યોજના (ટ્રાઇબલ સબ પ્લાન); અને બે,1979-80માં અનુસૂચિત જાતિ પેટા યોજના (શેડ્યુલ્ડ કાસ્ટસ સબ પ્લાન જે પહેલાં અનુસૂચિત જાતિ માટેની ખાસ અંગભૂત યોજના અથવા શેડ્યુલ્ડ કાસ્ટ સ્પેશ્યલ કમ્પોનન્ટ પ્લાન તરીકે ઓળખાતી હતી). આ બંનેને ટૂંકમાં ટી.એસ.પી. અને એસ.સી.એસ.પી. કહેવામાં આવે છે. આ યોજનાઓ હેઠળ ફાળવવામાં આવેલાં નાણાં સરકારનાં વિવિધ ખાતાંઓ પૂરતાં પ્રમાણમાં ઉપયોગમાં લેતા નથી હોતાં, અથવા તો મૂળ હેતુ સિવાયના કામોમાં વાપરે છે. આમ ન થાય તે માટે સંગઠનોએ કરેલી રજૂઆતો ધ્યાને ધરવામાં આવતી નથી. જેમ કે, ગયાં વર્ષે ઑક્ટોબરમાં જ્યારે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની દેવામાફી માટે આદિવાસીઓ અને દલિતો માટેનાં નાણાંનો ઉપયોગ કરવાની જાહેરાત કરી, ત્યારે અનેક સંગઠનોએ કરેલા વિરોધને નજરઅંદાજ કરવામાં આવ્યો. ગેરવપરાશનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે સરકારો માટે યોગ્ય નાણાવપરાશ કરવાનું કાનૂની રાહે બંધનકર્તા બને તે માટે કાયદો ઘડવામાં આવે એવી માગણી ઊઠી. તેને પરિણામે આન્ધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં નાણાંના યોગ્ય ઉપયોગ અંગેનો કાયદો  અસ્તિત્વમાં આવ્યો. તેને શેડ્યુલ્ડ કાસ્ટ્સ સબ-પ્લાન ઍન્ડ ટ્રાઇબલ સબ-પ્લાન (પ્લાનિન્ગ, અલૉકેશન ઍન્ડ યુટિલાઇઝેશન ઑફ ફાઇનાન્શિયલ રિસોર્સેસ) ઍક્ટ એટલે કે અનુસૂચિત જાતિ પેટા-યોજના અને આદિજાતિ પેટા-યોજના (નાણાંકીય સાધનોનાં આયોજન, ફાળવણી અને ઉપયોગ) કાયદા તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં વિરોધ પક્ષોએ આ કાયદો બનાવવા માટેનું વિધેયક ચૌદમી વિધાનસભાના બજેટ સત્રમાં એટલે કે માર્ચ 2017માં દાખલ કર્યું છે. તે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાની બેઠક પરથી ચૂંટાયેલા કૉન્ગ્રેસના ધારાસભ્ય નૌશાદજી સોલંકીએ રજૂ કરેલું ખાનગી વિધેયક છે. તેના ટેકામાં શાસક પક્ષોના દલિત અને આદિવાસી ધારાસભ્યો જોડાય તેવાં પ્રયત્નો સંગઠનો કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે પછાત દલિત અને આદિવાસી વર્ગો માટેની ખાસ યોજનાઓ માટેના નાણાં રાજ્ય સરકાર અન્ય જગ્યાએ વાપરી રહી છે. કાઉન્સિલ ફૉર સોશ્યલ જસ્ટીસના નેજા હેઠળ વંચિતો માટે વર્ષોથી લડતાં રહેલાં વાલજીભાઈ પટેલ નાણાંના ડાઇવર્ઝનના વિરોધમાં જુલાઈ 2014થી સરકાર સામે પુરાવા સાથે રજૂઆત કરતાં રહ્યા છે. તેમણે મોટા ભાગની વિગતો માહિતી અધિકારનો ઉપયોગ કરીને મેળવી છે. તેમણે અનુસૂચિત જાતિ/જનજાતિના નાણાંમાંથી ફન્ડ ડાઇવર્ઝનના આપેલાં કેટલાક દાખલા આ મુજબ છે. ડીસા જી.આઇ.ડી.સી. માટે 77.37 લાખ રૂપિયાના ખર્ચે રોડ, નવ અંગ્રેજી પુસ્તકોની એક-એક હજાર નકલોનું પ્રકાશન 5,46,620 રૂપિયા, 1 જાન્યુઆરી 2015 થી 13 સપ્ટેમ્બર 2015 દરમિયાન કેટલાક સરકારી કર્મચારીઓનો નવ્વાણું લાખ રૂપિયા જેટલો પગાર, ‘રોજગાર સમાચાર’ અઠવાડિક અને ‘ગુજરાત’ પખવાડિકના કેટલાંક વર્ષોથી પ્રકાશનનો પોણા ચાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ.

સરકારે પ્રચાર-પ્રસિદ્ધિ માટે પણ દલિત-આદિવાસી સમૂહ માટેનાં નાણાંમાંથી કેવી રીતે પૈસા વેર્યા છે તેની વિગતો પણ વાલજીભાઈ આપે છે. સરકારે એપ્રિલ 2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની  ગુજરાત મુલાકાતમાં જાહેરાત અને સ્વાગત ખર્ચ સવા કરોડ વેડફ્યા હતા. ઇકોતેરમા સ્વાતંત્ર્ય પર્વની જાહેરાત 1 કરોડ 56 લાખ પચાસ હજારમાં પડી હતી. વર્ષ 2014ના આરંભે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી માટે લોખંડ ભેગું કરવાના અભિયાન માટેની ટેલિવિઝન જાહેરખબરો માટે રૂપિયા 1 કરોડ 46 લાખ વપરાયા. પાંચ કરોડના ખર્ચે ‘લોકશાહીના ધબકારા’, ‘ગતિશીલ ગુજરાત’, ‘સૌનો સાથ સૌનો વિકાસ’ અને ‘સરકારની સિદ્ધિઓ’ જેવી જાહેરખબરો ટેલિવિઝન પર આપવા માટે સરકારે પાંચ કરોડ ખર્ચ્યા. ગ્રામ સડક યોજના, દિવ્યાંગોના જીવનમાં ઉજાસ, યુવા વર્ગની પડખે સરકાર, મેગા જૉબ ફેર જેવી જાહેરખબરો ઉપરાંત જે અનેક જાહેર ખબરો માટે દલિત-આદિવાસીઓના વિકાસ માટેનાં નાણા સરકારે ખર્ચ્યા તેની વિગતો કાઉન્સિલ ફૉર સોશ્યલ જસ્ટીસ આપે છે.

એક બાજુ દલિત-આદિવાસીઓ માટેનાં નાણાંનો અન્ય ઉપયોગ થાય છે, તો બીજી બાજુ વસ્તીના પ્રમાણમાં તેમના માટે ઓછા નાણાં ફાળવવામાં આવે છે. આ અંગે કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ) ગુજરાત સરકારનો કાન પકડી ચૂક્યું છે તે ક્રિસ્ટોફ જેફ્રેલૉટ ગુજરાતમાં દલિત અત્યાચારો આંગેના એક લેખમાં યાદ કરાવે છે. અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે ‘સચ્ચાઈ ગુજરાતકી’ નામના મહત્ત્વના લેખસંગ્રહમાં પણ દલિત-આદિવાસી વર્ગો માટેની નાણાં-ફાળવણીમાંનાં છીંડાં બતાવ્યાં છે. આર્થિક બાબતોના વિશ્લેષક સુરજીત ભલ્લા નૅશનલ સૅમ્પલ સર્વેના અહેવાલોના આધારે દલિત અને આદિવાસીઓની બાબતમાં ગુજરાતનો દેખાવ  સાવ સાધારણ રહ્યો છે એમ તારણ આપ્યું છે. વીતેલાં થોડાંક વર્ષોનાં અંદાજ પત્રમાં આદિવાસીઓ અને દલિતો માટેના સબ-પ્લાનની છણાવટ કરીને કર્મશીલ અભ્યાસી માર્ટીન મૅકવાન નોંધે છે : ‘સમાજે દલિત અને આદિવાસીઓને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ન્યાયની બાબતમાં સ્પષ્ટપણે  છેટા રાખ્યા છે. તેમ છતાં સરકાર આ વર્ગો તરફ  ધરાર બેદરકાર રહી છે.’ આ વખતનું વિધાનસભાનું સત્ર ધારાસભ્યોએ જંગી પગારવધારા થકી ચલાવેલી લોકોની લૂંટથી પૂરું થયું. તેમાં તમામ પક્ષોના ધારાસભ્યોની સંમતિ હતી. આવી સર્વસંમતિ દલિતો અને આદિવાસીઓ માટેની યોજનાઓના નાણાના યોગ્ય ઉપયોગ માટે કાનૂન બનાવવામાં થાય એવી આશા અસ્થાને ગણાય ખરી ?

******

20 સપ્ટેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 21 સપ્ટેમ્બર 2018 

Loading

કૃષ્ણાબાઈ નારાયણ સુર્વે : માસ્તરની છાંયડી

બકુલા ઘાસવાલા|Opinion - Literature|20 September 2018

આ કથાનું શબ્દાંકન નેહા સાવંતનું છે. અનુવાદ દેવયાની દવેનો છે. પ્રકાશક : અરુણોદય. મૂલ્ય :₹ 120-00.

કૃષ્ણાનું લાડનું નામ કિશા. એમને ફોટામાં જુઓ તો પ્રભાવશાળી, જાજરમાન લાગે. પ્રથમ છાપ જ એવી પડે કે બાંધો મજબૂત હશે. ચહેરા પર નિર્ભીકતા એકદમ બોલકી. સહજ સ્મિતમઢી મોંકળા અને માયાળુ નજર ધ્યાનાકર્ષક. એની સામે નારાયણ સુર્વે ફોટામાંથી ય થોડા અકળ, બીડાયેલા હોઠોના કારણે મક્કમ નિર્ણયશક્તિ ધરાવનાર નિજાનંદી લાગે. એ બન્નેની સામ્યતા એ કે બાળપણથી જ એમણે માતાપિતાની છત્રછાયા ગુમાવેલી. નારાયણ તો કચરાપેટી આગળથી એમના પાલકપિતાને મળેલા. તેથી એમને ઓળખ મળી નારાયણ ગંગારામ સુર્વે તરીકે. બન્ને સાખપાડોશી. દાદીએ કિશાને ભરપૂર પ્રેમથી સાચવ્યાં અને ઉછેર્યાં. ભરચક સંયુક્ત પરિવારમાં કેળવ્યાં પણ ખરાં. ભણ્યાં નહીં છતાં કોઠાસૂઝ અને ડહાપણ તો મળ્યું. પોતાનાં બાળપણ, દાદી અને નાની, ફોઈ અને કાકાઓ, પિતરાઈઓ અને એમની સાથેની જીવનચર્યા વિશે એ પારદર્શક, નિર્ભેળ, સહજ વર્ણન કરી શકે છે. પારકાં-પોતાનાંનાં ભેદ, માણસોની વર્તનવ્યવહારની રીત વિશે સ્પષ્ટ સમજ એમને છે. પ્રેમ, આકર્ષણ, સંબંધનું મૂલ્ય અને ગરિમા વિશે પણ અત્યંત સ્પષ્ટ વલણ એમને સહજ સાધ્ય લાગે. આજથી પચ્ચોતેર એંસી વર્ષ પહેલાંનાં મુંબઈની મિલોના શ્રમિકોની પારિવરિક જિંદગીની વાતો કિશા સરળતાથી પોતાની અભિવ્યક્તિમાં વણી લે છે.

નારાયણને પોતે સામેથી કહી શકે છે કે મારા કાકા મારા પાલક નથી. તમારે  કોઈ નથી, મારું પણ અત્યારે કોઈ નથી. આપણે એકબીજાંનો હાથ પકડીએ, એમાં શું ખરાબ છે? આજી (દાદી)  નારાયણને પસંદ કરતાં હતાં. કિશા નારાયણને ‘માસ્તર' તરીકે જ ઓળખાવે છે. માસ્તરની કમ્યુિનસ્ટ ચળવળ, ભાષણ, પ્રવૃત્તિ અને સ્વભાવ બધ્ધું એને ગમતું હતું! એમને વિશે કિશાની ભાવના સાફ અને સ્પષ્ટ હતી તેથી પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરવામાં એને સંકોચ થયો નહીં. માસ્તર સાથે લગ્ન થયાં તે દિવસનું કોર્ટનું વાતાવરણ અને અકિંચન વર સાથે શરૂ થયેલી ઉપર આભ નીચે ધરતી જેવી વાસ્તવિક જિંદગીની શરૂઆત કિશાને બિહામણી લાગતી નથી. મરાઠા, મહાર, બૌદ્ધ એવા કોઈ ભેદભાવ કિશાના મનમાં નથી. સાચા અર્થમાં કમ્યુિનસ્ટ. ભણતરથી શીખેલી જીવનશૈલી નહીં. વાસ્તવિક ચણતર, પણતર, ગણતર અને જણતરની દાસ્તાન.

અભણ તો કહેવાં પૂરતાં, તે સમયે પણ કુટુંબ નિયોજનની સભાનતા એમને પૂરેપૂરી! તે જ રીતે પગભર રહેવાની અનિવાર્ય સમજ અને પ્રબળ વૃત્તિયે પૂરેપૂરી. ફૂટપાથ પરથી દુકાનના ઓટલા, એક ઓરડાનું ઘર, કારમી ગરીબી અને સંસારલીલાની ચઢતી ઊતરતી વાસ્તવિકતાને એમણે પચાવી. પોતાની જવાબદારી પર જ ચાર સુવાવડ કરી. હંમેશાં પોતાનું કામ ચાલુ જ રાખ્યું. શાળામાં પટાવાળા તરીકે વફાદારીથી કામ કરતાં રહ્યાં. માસ્તરને એટલા મુક્ત રાખ્યા કે ખરા અર્થમાં એમને પટાવાળામાંથી માસ્તરની પદવીએ પહોંચવામાં પીઠબળ પૂરું પાડ્યું. માસ્તર કવિ અને વક્તા તરીકે વિકસતા રહ્યા એમાં પોતે જે ફાળો આપ્યો તે વિશે ય કૃષ્ણાબાઈ એટલાં જ સ્પષ્ટ અને સભાન. માસ્તરને નાનીનાની વાતો શીખવીને મેં ઘડ્યા છે એવું અભિમાનપૂર્વક કહેવામાં એમને સંકોચ નથી અને એટલે જ એ મારાં તો પ્રીતિપાત્ર બને છે. જે રીતે પતિને આગળ વધવા પ્રોત્સાહિત કરતાં રહે છે તે રીતે પોતાનાં સંતાનોના વિકાસ માટે ય ઉત્સુક છે જ. રવિ, શ્રીરંગ, કલ્પના, કવિતા વિશે પણ એમને ગાંધારીની દ્રષ્ટિ કે ધૃતરાષ્ટ્રભાવના નથી. જે ગુણો દેખાયા છે તેની વાતની સાથે પારદર્શકતાથી એમના વિશેની પોતાની ભાવના પણ દર્શાવે છે. પોતે ક્યાં ભૂલ કરી તે વિશે જે સમજાયું તેની રજૂઆત એઓ નિસંકોચપણે કરે છે.

પોતાનાં દોહિત્ર – પૌત્રીઓને ઉછેરવાની જવાબદારી સહજપણે જ માથે લઈ લે છે, બાળપણની જ નહીં પરણાવવા સુધીની! ક્યારે ય કોઈના પર ઉપકાર કર્યો હોય એવો ભાવ નહીં કે સામે અપેક્ષા નહીં. નખશીખ માતૃવાત્સલ્ય. બધું અનાયાસ, સહજ. જે રીતે સામે આવ્યું તે રીતે સ્વીકૄત. એકદમ રેશનલ, સ્થિતપ્રજ્ઞા. માની મઢૂલીમાં બધાંને સ્થાન. એની ખાસ દાદફરિયાદ નહીં. એમની કથામાંથી પસાર થતાં થતાં મેં જાતને સતત સંકોર્યાં કરી. જીવનને વિકસાવવાં ખરેખર શાની જરૂર પડે? મારે કહેવું જોઈએ કે મેં મારી આસપાસની અનેક સ્ત્રીઓ વિશે લખ્યું છે. ઘણી  સ્ત્રીઓનાં આત્મકથન વાચ્યાં અને સાભળ્યાં છે, અનેકના પ્રશ્નોના ઊકેલ માટે પ્રયત્નો કર્યાં છે તોયે કૃષ્ણાબાઈની કથા સોંસરી ઊતરી છે.

એમનાં કથાનકની કેટલીક ઝલક જે એમનાં વ્યક્તિત્વને ઉજાગર કરે છે :

"મારા પિતાના ગયા પછી મારી માનાં મનમાં થયું હશે કે પતિ તો ગયા તેમના સિવાય જીવવું કેવી રીતે? ખોળામાં એકની એક છોકરી છે તેને એકલીને કોને આધારે મૂકીને મિલમાં કામે જાઉં? એ સમયનાં લોકો પણ વિચિત્ર હતાં. મારા કાકાઓ દારૂબારૂ પીતા હતા. તો આવા પુરુષોના ઘરમાં વિધવા તરીકે કેવી રીતે જીવાય? “(પાનું-૨) આમ માનાં આત્મકથન સાથે કિશા માની આત્મહત્યાની વાત કહે છે.

"પોતે (આજી-દાદી) ઘર છોડી બહાર જાય નહીં અને મને પણ જવા દે નહીં, હવે મને પણ એવી ટેવ પડી ગઈ છે. મને ઘરમાં રહેવું ગમે છે. અને મારે ઘરે કોઈ આવ્યું હોય તો જમાડ્યા વગર જવા દેતી નથી. આજીના સંસ્કાર મારામાં ઊતર્યા છે. મારી આજી કામમાં વાઘ જેવી ખાસ કરીને, રાંધવા કરવામાં."(પાનું-૮)

"આજીના શબ્દો મારા માટે કીંમતી હતા. આજીને જે ગમે તે સારું જ હોય એવી મને ખાતરી હતી. હે રામ! તેને (નારાયણ) કોઈ નથી તો મારે પણ કોણ છે? એકાદ લંગડી છોકરી આંધળા છોકરાનો હાથ ઝાલે એમાં ખરાબ શું? તેરમાં ચૌદમાં વર્ષે મારાં મનમાં પ્રગટેલી આ પહેલી જ ભાવના હતી. આને જ પ્રેમ કહેવાય શું? મને કંઈ સમજાતું નહોતુ.” (પાનું-૧૪) દાદીની નારાયણ પ્રત્યેની લાગણીથી પ્રેરિત કિસાની નારાયણ પ્રત્યેની પ્રેમની અનુભૂતિ પછી લગ્નમાં પરિણમી.

"સ્ત્રીઓ તેને માસ્તર કહેતી. એક ચોક અને બ્લેકબોર્ડ લઈ મતદાન માટે ચોકડી મારવાનું શિખવાડતો હતો. મને બોલાવી ચોકડી મારવા કહ્યું. મારી લીટી વાંકી જતી હતી. કદી હાથમાં ચોક પકડ્યો જ નહોતો ને? “આ શું કરો છો? સાદી ચોકડી મારવાનું પણ ફાવતું નથી તમને! બાકીની બહેનો જુઓ કેવી ચોકડી મારે છે?” મને ત્યારે ગુસ્સો આવ્યો. બહેનોને એએવું તે શું  શીખવ્યું કે પોતાને મોતો માસ્તર સમજવા લાગ્યો! ત્યારથી તેને નીચો દેખાડવા માટે માસ્તર કહેવા લાગી.” (પાનું-૧૬)

"મારે આજી હતી. માસ્તરને એવું કોઈ નહોતું. તેમને કોઈએ પ્રેમ કર્યો નહીં. એ બિચારો શું કરે? હંમેશાં કોઈના ઉપકાર પર જ જીવતા હતા. કોઈ આપે તે ખાવાનું, કોઈ કપડાં આપે તે પહેરવાના, કદી કોઈનું શર્ટ, કદી કોઈનું પેન્ટ. આવા વેશમાં જોતી તો દિલ દુખતું, થતું કે માણસ છે તે પણ. જાતિ, ધર્મનું લેબલ નથી તે કંઈ તેનો ગુનો છે! કંઈ નહીં, લીકોએ તેને ધૂત્કાર્યો પણ હું એવું નહીં કરું. જે થવું હોય તે થાય. હવે એનો હાથ પકડવાનો તો છોડવાનો નહીં એવો પાકો નિર્ણય મનમાં કર્યો.” (પાનું-૧૯)

"આજીના ઘેર હું સ્વતંત્ર રૂમમાં રહેતી હતી. અહીં ઝૂંપડુ મળ્યું. આછીપાતળી મદદ મળતી. અમારા માટે તે કીંમતી હતી. નોકરી નથી, વ્યવસ્થિત ઘર નથી તો સંસાર વધારીને ચાલશે નહીં. આ બાબતમાં મને કોઈ માહિતી નહોતી. માસ્તરને તો જરા પણ નહીં. મેં નિર્ણય લીધો ને પહોંચી નાયગાંવ આરોગ્ય કેંદ્રમાં સંતતિનિયમનની માહિતી માટે”. (પાનું-૩૬)

આવા સીધાસાદા અનેક અવતરણો અહીં નોંધી શકાય એમ છે. વખત જતાં નારાયણ ખૂબ પ્રખ્યાત સાહિત્યકાર અને કર્મશીલ બને છે. અનેક એવોર્ડ મળે છે. પદ્મશ્રી નારાયણ સુર્વે તરીકે સન્માનિત થાય છે. જિંદગીના અનેક ચઢાવ ઊતરાવ આવે છે. સંતાનોના પ્રશ્નો, નારાયણભાઉની અતિ વ્યસ્તતા, આજુબાજુ અનેક પરિવર્તનના માહોલમાં ય કૃષ્ણાતાઈ તો તેવા જ રહે છે જેવા એ હતા. આખી કથામાંથી પસાર થતાં રહી રહીને એક જ વિચાર આવ્યા કરે કે પદ્મશ્રીના ખરા હક્કદાર કોણ

આ જીવનકથામાંથી હું શીખી કે આપણે જે છીએ તે જ દેખાવું અને સ્વીકારવું. કિશાબા તમને દિલથી પ્રણામ.

વલસાડ

Loading

રાહુલ ગાંધીએ ખોંખારો ખાઈને કહેવું જોઈએ કે હા, હું સેક્યુલર ભારતીય છું અને મારો ધર્મ મારી અંગત બાબત છે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 September 2018

‘હમ ભી ડીચ’ કહેવત સાંભળી હશે. અવદીચ બ્રાહ્મણોની નાતનું જમણ હતું. દરેક અવદીચ જમવા માટે વાડીમાં પ્રવેશતી વખતે પોતાની ઓળખ આપતા કહેતો હતો; ‘અવદીચ’. ત્યાં ઊભેલો એક ભૂખ્યો માણસ આ જોતો હતો અને તેને સમજાયું કે કોઈ એક શબ્દ બોલવાથી વાડીમાં પ્રવેશ મળે છે. તેણે બને એટલા ધ્યાનથી એ શબ્દ સમજી લીધો અને લાઈનમાં ઊભો રહી ગયો. તેનો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું : ‘હમ ભી ડીચ’. કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આજકાલ આવું કરતા નજરે પડી રહ્યા છે. દરેક જગ્યાએ હમ ભી હિન્દુ કહીને તેઓ હિન્દુ મતદારના દિલમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરે છે.

ગયા વરસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે તેમના માર્ગમાં આવતું એક પણ મંદિર નહોતું છોડ્યું. દરેક જગ્યાએ માથું ટેકવતા હતા, પરંતુ ભૂલમાં પણ કોઈ દરગાહમાં નહોતા જતા. દરગાહ કે મંદિરમાં જવાથી હિન્દુ નારાજ થઈ જશે એવો તેમને ભય લાગતો હતો. મને યાદ છે ત્યાં સુધી તેમણે કોઈ જગ્યાએ કહ્યું પણ હતું કે તેઓ શિવભક્ત છે. એ પછી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને ત્યાં પણ એ જ સિલસિલો. કર્ણાટકમાં જેટલાં મંદિરો છે એટલા મઠો છે જેમ પંજાબમાં ડેરાઓ છે. રાહુલ ગાંધીએ મઠોમાં જઇને મઠાધીશોના આશીર્વાદ લેવાનું શરૂ કર્યું. ભારત એવો દેશ છે જ્યાં કોઈ દુશ્મન સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદ મેળવી લે તો ચિંતા નહીં, પણ મઠાધીશના આશીર્વાદ લઈ જાય એ ન ચાલે. આ દેશમાં ભગવાનની વોટબેંક કરતાં ભગવાનના એજન્ટોની વોટબેંક મોટી છે. રાહુલ ગાંધીને જ્યારે મઠાધીશોના આશીર્વાદ મળવા લાગ્યા, ત્યારે પોતાને હિન્દુઓના બેતાજ બાદશાહ સમજનારા નરેન્દ્ર મોદી અને હિન્દુઓના ઈજારદાર આડતિયા અમિત શાહ ડરી ગયા અને તેઓ પણ મઠાધીશો પાસે જવા લાગ્યા હતા. ‘હમ ભી ડીચ’નો પ્રભાવ હતો.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીના વિમાનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. વિમાન એક બાજુએ નમી ગયું હતું એટલે તેને ઉતારવું કેમ એની સમસ્યા પેદા થઈ હતી.  શિવભકત રાહુલ ગાંધીએ કૈલાસ માનસરોવરની યાત્રા કરવાની માનતા માની અને વિમાન હેમખેમ ઊતરી ગયું. રાહુલ ગાંધી હમણાં માનસરોવર જઈ આવ્યા, અને ત્યાંથી સરોવરનું પાણી પણ લેતા આવ્યા હતા. એ પાણી તેમણે દિલ્હીમાં ગાંધીજીની સમાધિ પર ચડાવ્યું હતું. તેમણે માનસરોવરનાં પાણીના અર્ધ્ય વિષે ખુલાસો કરતા માનસરોવરનાં પાણીની અને ગાંધીજીની નિર્મળતાની સરખામણી કરી હતી. હવે તેમણે મધ્ય પ્રદેશમાં મંદિરમાં જઇને ભગવાનના આશીર્વાદ મેળવીને ચૂંટણીપ્રચાર શરૂ કર્યો છે.

આ બાજુ નરેન્દ્ર મોદી મુસલમાનની દરેક ઓળખના પ્રતિકોથી દૂર ભાગતા હતા. ટોપી, કુરાન, માળા, ચાદર એમ કોઈ ચીજને હાથ નહોતા લગાડતા. આપણા હિંદુહૃદયસમ્રાટનો મુસલમાન સાથે સીધો તો છોડો, બાદરાયણ સંબંધ પણ નથી, એની ખાતરી દરેક હિન્દુ ભક્તને થવી જોઈએ. જ્યારે હિન્દુઓના આંબાવાડિયાની શીતળ છાયા માથે હોય, ત્યારે મુસલમાનની બોરડી(બાદરાયણનો એક અર્થ બોરડી પણ થાય છે અને કહેવત પાછળ એક કથા છે.)ની જરૂર શું છે? દેશભક્ત હિન્દુને ખાતરી થવી જોઈએ કે સાહેબ મુસલમાનને તો ભાવ નથી આપતા, પણ તેના પ્રતીકોને પણ ભાવ નથી આપતા. સાહેબે મુસલમાની ટોપી પહેરવાની ના પાડી દીધી હોય એવી વીડિયો ક્લીપ તમે જોઈ હશે. ન જોઈ હોય તો યુ ટ્યુબ પર જોવા મળશે.

હવે રાહુલ ગાંધીએ હિંન્દુ ચહેરો ધારણ કર્યો છે અને દેશમાં રાજકીય મૂડ બદલાઈ રહ્યો છે, ત્યારે હિન્દુઓના બેતાજ બાદશાહ અને ઈજારદાર આડતિયાને પણ લાગવા માંડ્યું છે કે મુસલમાનો સુધી પહોંચવું જોઈએ. આંબાવાડિયું એટલું શીતળ નથી રહ્યું એટલે બોરડીનો થોડો છાંયો મળી જતો હોય તો પ્રયાસ કરવો જોઈએ. એમાં વળી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બી.જે.પી.ની હાલત ખરાબ છે. વ્હોરા મુસલમાનો અન્ય મુસલમાનોથી દૂર રહે છે. એમાં તેમનો સ્વાર્થ છે, પણ એ વાત જવા દઈએ. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વ્હોરાઓની વસ્તી છે એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન વ્હોરાઓના ધર્મગુરુના આશીર્વાદ લેવા ઇન્દોરમાં મસ્જિદમાં ગયા. ત્યાં શું બન્યું ખબર છે? ઉચ્ચાસને બેઠેલા ધર્મગુરએ નીચાસને બેઠેલા વડા પ્રધાનને ચાદર, માળા અને કુરાન આપ્યા હતા અને વડા પ્રધાને તેનો સ્વીકાર કર્યો હતો એટલું જ નહીં; સૈયદના સાથે વાઅજ (વોહરાઓની ધાર્મિક પ્રાર્થના) પણ પઢી હતી. સોશ્યલ મીડિયા પર મજાક થઈ રહી છે કે જો રાહુલ ગાંધી વધુને વધુ હિન્દુ બનતા જશે તો એક દિવસ નરેન્દ્ર મોદીએ હજ કરવા મક્કા જવું પડશે.

ખેર, બે મુદ્દા અહીં ઉપસ્થિત થાય છે. એક તો એ કે ગાંધીજીને આવી સંકુચિત ધાર્મિકતાથી દૂર રાખવામાં આવે. તેમણે પોતે જિંદગીમાં ક્યારે ય કર્મકાંડી સાંકડી ધાર્મિકતાને સ્વીકારી નહોતી. તેઓ હિન્દુ હોવા માટે ગર્વ લેનારા હિન્દુ હતા, પરંતુ આધ્યાત્મિક હિન્દુ હતા. ધાર્મિક હોવામાં અને આધ્યાત્મિક હોવામાં જમીન-આસમાનનો ફરક છે. ધાર્મિક માણસ ધર્મઝનૂની હોઈ શકે છે. અધાર્મિક-નાસ્તિક કોમવાદી હોઈ શકે છે. મહમ્મદઅલી જિન્નાહ અને વી.ડી. સાવરકર આના ઉદાહરણ છે. હિન્દુત્વવાદી હોવા માટે ઈશ્વર પરાયણ હોવાની જરૂર નથી.

બીજી બાજુ આધ્યાત્મિક માણસ કયારે ય ધર્મનું ટૂંકું તરભાણું હાથમાં લેતો નથી. એને એવા અવલંબનોની જરૂર જ નથી પડતી. ગાંધીજી પ્રાર્થના કરતા હોય એવી સેંકડો તસ્વીરો તમે જોઈ હશે, પરંતુ પ્રાર્થનાસ્થળે તમે કોઈ ભગવાનની તસ્વીર કે ધર્મગ્રન્થ નહીં જોયા હોય. કોઈ પ્રકારના ધાર્મિક કર્મકાંડ ગાંધીજીએ ક્યારે ય કર્યા નથી. કોઈ મંદિરમાં કે મસ્જિદમાં ગાંધીજી ગયા નથી. કોમીશાંતિ માટે મસ્જિદમાં જઇને ભાષણ કર્યા છે, પરંતુ કોઈ મૌલવીના આશીર્વાદ નથી લીધા. શંકરાચાર્યના કે કોઈ બીજા કોઈ ધર્મગુરુના આશીર્વાદ ગાંધીજીએ નથી લીધા. એક પ્રસંગ જાણીતો છે. પુરીમાં જગન્નાથના મંદિરમાં દલિતોને પ્રવેશ આપવામાં નહોતો આવતો. એકવાર ગાંધીજી કસ્તૂરબા સાથે જગન્નાથપુરીમાં હતા. કસ્તૂરબાની દર્શને જવાની ઈચ્છા હતી. તેમણે મહાદેવભાઈને કહ્યું અને મહાદેવભાઈ તેમને દર્શન કરાવવા મંદિર લઈ ગયા. ગાંધીજીને એ અપરાધ અક્ષમ્ય લાગ્યો હતો.

ગાંધીજી આધ્યાત્મિક હિન્દુ હતા, આપણા જેવા ‘અમે અને તમે’ કરનારા હિન્દુ નહોતા એ વાતનો તો વાંધો છે. એટલે તો તેમની હત્યા કરવામાં આવી અને એટલે તો તેમને ગાળો આપવામાં આવે છે. માટે, પ્લીઝ, ગાંધીજીને ધર્મના રાજકારણથી દૂર રાખવામાં આવે. માનસરોવરનાં પવિત્ર જળની ગાંધીજીને જરૂર નથી. તેમને સમજવાની કોશિશ કરો, તેમનું મૂલ્યાંકન કરો, જ્યાં તેઓ ખોટા હોય ત્યાં આકરી આલોચના કરો, સમયાનુસાર પુનર્મૂલ્યાંકન કરો, એ ગાંધીજીને આપવું જોઈતું અર્ધ્ય છે. ગાંધીજી એક માણસ હતા અને માનવી ધારે તો કેટલી ઉંચાઈ પ્રાપ્ત કરી શકે એની ગાંધીજી દીવાદાંડી છે. એટલે તો ગાંધીજીએ કહ્યું છે: મારું જીવન મારો સંદેશ છે. એક માનવી અદકેરું જીવન જીવી ગયો. પરવડતો હોય તો સ્વીકારો અને ન પરવડતો હોય તો ભૂલી જાઓ. 

તો રાહુલ ગાંધીને અને બીજાઓને બે હાથ જોડીને વિનંતી કે ગાંધીજીને ધર્મના રાજકારણથી દૂર રાખવામાં આવે. હિન્દુત્વવાદીઓ ગાંધીજીને કુપ્રચાર કરીને બદનામ કરી રહ્યા છે અને  ધર્મનું રાજકારણ કરે છે તો એનો ઉત્તર માનસરોવરનું પવિત્ર જળ નથી. કોમવાદી રાજકારણનો ઉત્તર ગાંધીજી પોતાની જિંદગીની કિમંત ચૂકવીને આપતા ગયા છે, જો રાહુલ ગાંધીમાં એ રસ્તે ચાલવાની હિંમત હોય તો. એ રસ્તો છે; સેક્યુલર ભારતીય હોવાનો. ખોંખારો ખાઈને કહેવું જોઈએ : હા, હું સેક્યુલર ભારતીય છું. મારો ધર્મ મારી અંગત બાબત છે. કોન્ગ્રેસ સેક્યુલર ભારતીયતામાં માને છે અને એમાં કોઈ સમાધાનો કરવામાં નહીં આવે. ભૂતકાળમાં અમે જે સમાધાનો કર્યાં એ અમારી ભૂલ હતી અને એ ભૂલની ગંભીરતા અમને સમજાઈ છે. આવો શુદ્ધ સેક્યુલર ભારતના નિર્માણમાં કોંગ્રેસને સાથ આપો.

હિન્દુરાષ્ટ્ર સામે ભારતીય રાષ્ટ્રના નિર્માણનો આ નેરેટિવ (વિચારદર્શન) છે જે ગાંધીજી આપતા ગયા છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 સપ્ટેમ્બર 2018

Loading

...102030...3,1093,1103,1113,112...3,1203,1303,140...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved