Opinion Magazine
Number of visits: 9969811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોહન ભાગવતની બદલાયેલી ભાષાના સૂચિતાર્થો : આ લોકસભાની ચૂંટણી પહેલાં કે પછીની વૈકલ્પિક યોજના છે. પ્લાન – બી

રમેશ ઓઝા|Opinion - Opinion|22 September 2018

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતની બદલાયેલી ભાષા જોઇને એ લોકો પણ આભા બની ગયા છે જેઓ સંઘના અને વર્તમાન સરકારના સમર્થક છે. મોહન ભાગવત મોહન ગાંધીની માફક કેમ બોલવા લાગ્યા? મતપરિવર્તન કે પછી નવો ખેલ? જો મતપરિવર્તન હોય તો નવી ફિલસૂફી ઠરાવ કરીને સ્પષ્ટ કરવી જોઈએ, પણ એવું ક્યારે ય બનવાનું નથી. આ નવો ખેલ છે અને સંઘના ઇતિહાસમાં એ કોઈ નવી વાત નથી. અનેક મોઢે બોલવું, પ્રસંગે-પ્રસંગે અલગ-અલગ રીતે બોલવું, અલગ-અલગ ચહેરા રાખવા, કોઈ ભૂમિકાએ ક્યારે ય પણ બંધાવું નહીં એ તેમની મોડસ ઓપરેન્ડી (કાર્યપદ્ધતિ) છે.

૧૯૯૫માં બી.જે.પી.નું મહા અધિવેશન મુંબઈમાં મળ્યું હતું અને એમાં અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ૧૯૯૬માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હતી અને બી.જે.પી.ને સમજાઈ ગયું હતું કે બાબરી મસ્જિદ તોડ્યા પછી અને દેશમાં ઊભી કોમી તિરાડ પેદા કર્યા પછી પણ બેડો પાર થઈ શકે એમ નથી. આ બ્રહ્મજ્ઞાન થવા પાછળનું કારણ કે હતું કે ઉત્તર પ્રદેશ, અવિભાજિત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો પરાજય થયો હતો. રામજન્મભૂમિના નામે હિંદુઓમાં ઉન્માદ પેદા કર્યો એના એક વરસમાં. આ ત્રણેય રાજ્યોમાં બી.જે.પી.ની સરકારો હતી. બી.જે.પી.એ ધાર્યું નહોતું કે આવાં પરિણામ આવશે.

એ એ જ અટલ બિહારી વાજપેયી હતા જેમની ૧૯૮૫ પછી ભયંકર ઉપેક્ષા કરવામાં આવી હતી. ઉપેક્ષા અપમાનની કક્ષાની હતી. એ સમયે વાજપેયીએ લખેલાં કેટલાંક કાવ્યો તેની સાક્ષી પૂરે છે. ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને માત્ર બે બેઠકો મળી એ પછી વાજપેયીના ઉદારમતવાદનો કોઈ ખપ નહોતો. એ સમયે ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’, ‘હિન્દુસ્તાન મેં રહના હો તો વંદેમાતરમ્ બોલના હોગા’, ‘તીન (અયોધ્યા, મથુરા અને બનારસની મસ્જિદ) નહીં તીન હજાર નહીં રહેગી એક મઝાર’, બાબર કી ઔલાદ’, ‘મૌલાના મુલાયમ’, (એ સમયના ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન), એક ધકા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો’ વગેરે નારાઓ હતા. કોઈએ સંઘ પરિવારના કાર્યકર્તાઓને બેફામ બોલતા વાર્યા નહોતા અને અયોધ્યામાં એક ધકા ઔર દોના નારાઓ બોલતા હતા, ત્યારે લાલ કૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશી વગેરે પક્ષના શીર્ષસ્થ નેતાઓ ઉપસ્થિત હતા.

ક્યાં ગયું હતું બધું ડહાપણ? અને ૧૯૯૩માં ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં તેમ જ પેટા ચૂંટણીઓમાં થયેલા પરાજય પછી એકદમ ડહાપણની યાદ આવી હતી જે રીતે અત્યારે આવી છે. અટલ બિહારી વાજપેયીએ એવી ભાષામાં બોલવા માંડ્યું હતું જેવી ભાષામાં અત્યારે મોહન ભાગવત બોલી રહ્યા છે. વાજપેયી ખરેખર ઉદારમતવાદી હતા કે સંઘ પરિવારની આપેલી ભૂમિકા નિભાવનારા અભિનેતા હતા એ વિષે બે મત છે. શંકાનું કારણ એ છે કે તેમણે ક્યારે ય બોલવાનો પ્રસંગ આવ્યો હતો ત્યારે ખોંખારો ખાઈને બોલ્યા નહોતા. કદાચ પાછલી ઉંમરે ક્યાં જવું એની દુવિધા પણ હોય. ‘જાય તો જાય કહાં’ એવી તેમની એક કવિતા પણ છે.

નોંધવા જેવી વાત એ છે કે ૧૯૯૫ પછીથી સંઘ પરિવારમાં ડહાપણ યુગ બેઠો હતો અને ઉપર જે નારાઓની યાદી આપી એ નારાઓ બોલવાનું બંધ કરવામાં આવ્યું હતું. બંધ એટલે સાવ બંધ. જાણે કે આપણે ટીવી ચેનલ બદલી નાખી હોય અને મારા-મારી, ગાળા-ગાળી અને દેકારાની જગ્યાએ ગુરુબાનીના સૂર રેલાતા હોય એવો અનુભવ થવા લાગ્યો હતો.

તો સવાલ એ છે કે રહી-રહીને હવે ત્રણ રાજ્યોની વિધાનસભાઓની અને લોકસભાની સામાન્ય ચૂંટણી માથે છે ત્યારે કેમ સૂર બદલ્યો? એવી કઈ રાજકીય મજબૂરી છે? સો ટકા મત પરિવર્તન નથી અને જો મત પરિવર્તન હોય તો ઠરાવ કરીને બતાવે. હંમેશ માટે હિન્દુત્વ અને હિન્દુરાષ્ટનું સ્વરૂપ વ્યાખ્યાયિત કરી નાખવામાં આવે. એ પછી તમારા પર કોઈ શંકા નહીં કરે. પણ લખી રાખજો આવું કયારે ય બનવાનું નથી. તો પછી કઈ રાજકીય મજબૂતી છે જેને કારણે સંઘના સરસંઘચાલકે ભાષા બદલવી પડી છે.

શક્યતા એવી છે કે સંઘના નેતાઓને ખાતરી થઈ ગઈ છે કે એકલા નરેન્દ્ર મોદી વૈતરણી તારી શકે એમ નથી. હવે સબ કા સાથ સબ કા વિકાસ, અચ્છે દિન, કમ્પિટિટિવ ફેડરલિઝમ, કાળા નાણાની વાપસી, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, પારદર્શકતા, ૫૬ ઈંચની છાતી વગેરે ચાલી શકે એમ નથી. નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીની ઈમેજ ઇવેન્ટો યોજનારાઓ, ખેલ પાડનારાઓ, જુમલા ફેંકનારાઓ, સરેઆમ જૂઠું બોલનારાઓ, રાજકીય લક્ષ્મણ રેખા નહીં પાળનારાઓ, આત્મકેન્દ્રી અને દેશમાં સામાજિક વિભાજનો પેદા કરનારાઓ તરીકેની બની ગઈ છે અને હવે એ બદલવી અશક્ય છે. જેમ રામજન્મભૂમિના કોમી અંદોલનનું નેતૃત્વ કરનારા લાલ કૃષ્ણ અડવાની ૧૯૯૫માં પોતાની ઈમેજ બદલી શકે એમ નહોતા એના જેવી જ સ્થિતિ છે. અડવાણી ઇચ્છત તો પણ એ શક્ય નહોતું અને અત્યારે પણ એવી જ સ્થિતિ છે. નરેન્દ્ર મોદી લાખ પ્રયત્ન કરે તો પણ ૨૦૧૪માં પાછા ફરી શકે એમ નથી. અખલકને લિન્ચિંગ કરીને મારી નાખ્યો તો અમારું શું ઉખાડી લીધું એવી ભાષા વાપર્યા પછી હવે સભ્ય થવા માટે કોઈ જગ્યા જ નથી બચી. તેમણે વિવેક અને ઠાવકાઈના બધા દરવાજા બંધ કરી દીધા છે.

૧૯૯૫માં અને ૨૦૧૮માં એક ફરક છે. ત્યારે હજુ બી.જે.પી.એ કેન્દ્રમાં પહોંચવાનું હતું અને અત્યારે ત્યાં ટકવાનું છે. ૧૯૯૫માં અટલ બિહારી વાજપેયી ભાથામાં એક તીરની માફક ઉપલબ્ધ હતા જેમની ઈમેજ ખરડાયેલી નહોતી, બલકે અકબંધ હતી; જ્યારે અત્યારે સંઘ પરિવારના ભાથામાંનું નરેન્દ્ર મોદી નામનું તીર વપરાઈ ચૂક્યું છે.

બે સંભવનાઓ નજરે પડે છે. એક એ કે સંઘના નેતાઓએ નરેન્દ્ર મોદી-અમિત શાહને કહી દીધું હશે કે હવે પછીથી તમે ધીરે-ધીરે નિષ્ક્રિય થતા જાઓ. નરેન્દ્ર મોદી માત્ર શાસન વિષે બોલે અને અમિત શાહ પંચ તારક હોટલમાં બેસીને ચૂંટણીનું મેનેજમેન્ટ જુએ. હવે પછી નરેન્દ્ર મોદી લો પ્રોફાઈલ ધારણ કરતા જાય જે રીતે ૧૯૯૫ પછી લાલ કૃષ્ણ અડવાણીએ બોલવાનું બંધ કરી દીધું હતું. આવતા બે-ત્રણ મહિનામાં આસ્તે-આસ્તે સંઘ અને સંઘે પસંદ કરેલા નેતાઓ આગળ આવે, તેઓ જ મોટાભાગે રાજકીય નિવેદનો કરે. ડહાપણ, ડહાપણ અને ડહાપણ. તો ટૂંકમાં સંઘ અને બી.જે.પી.ના ઠાવકા નેતાઓ લાંબી લાઈન દોરતા જાય.

બીજી સંભવના એવી છે કે આ લોકસભાની ચૂંટણી પહેલાં કે પછીની વૈકલ્પિક યોજના છે. પ્લાન – બી. જો લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી. સવાસો દોઢસો બેઠકોથી વધારે બેઠકો ન મેળવી શકે તો નરેન્દ્ર મોદીની જગ્યાએ બીજા કોઈને વડા પ્રધાન બનાવવામાં આવે. એ વ્યક્તિ કોણ હશે એ ઓળખવું મુશ્કેલ નથી. જે મોહન ભાગવતની અત્યારની ભાષામાં બોલવા લાગે, વારંવાર બોલે, આગ્રહપૂર્વક બોલે એને નરેન્દ્ર મોદીનો વિકલ્પ સમજવો. અત્યારથી જ વિકલ્પ નક્કી થઈ ગયો છે. નીતિન ગડકરી પર નજર રાખજો. જો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓની ચૂંટણીમાં કારમો પરાજય થાય તો પ્લાન – બી વહેલો પણ અમલમાં મૂકવામાં આવે. ચૂંટણી પૂર્વે જ નરેન્દ્ર મોદીની જગ્યાએ કોઈ બીજા નેતાને (નીતિન ગડકરી વાંચો) વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરવામાં આવે.

આ રાજકારણ છે એમાં કાંઈ પણ બની શકે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 22 સપ્ટેમ્બર 2018

Loading

સળગતું જંગલ, માઓવાદ અને રાજ્ય

ઘનશ્યામ શાહ|Opinion - Opinion|22 September 2018

નંદિની સુંદરના અંગ્રેજી પુસ્તક ‘The Burning Forest : India’s War in Bastar’ પરથી તૈયાર કરેલ પરિચય-પુસ્તક ‘વિકાસની વિકરાળતા અને આદિવાસીની કરુણ દાસ્તાન’નું આમુખ

વંચિત-શોષિત આદિવાસીઓના હક્કોની માંગણી માટેનો સંઘર્ષ, નક્લસવાદી, માઓવાદીઓની આદિવાસીઓ તરફી હિંસક લડત અને પ્રજાસત્તાક રાજ્યની ભૂમિકા આ પુસ્તકના વિષયવસ્તુમાં કેન્દ્ર સ્થાને છે.

રાજ્યની જવાબદારી સંસાધનોની ન્યાયી વહેંચણી કરી સૌની સુખાકારી જોવાની છે. પણ જ્યારે જ્યારે વંચિતો એમના અધિકાર અને ન્યાયની માંગણી કરે છે, સંઘર્ષ કરે છે ત્યારે રાજ્ય તેમની લડતને ફક્ત કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં જ જુએ છે. રાજ્ય એવું વલણ રાખે છે કે “અમે આપીશું, અમે તમારું ભલું ઇચ્છીએ છીએ, પણ તમે માંગનાર કોણ?” આદિવાસીઓની માંગણીઓને લોકશાહી રાજ્ય સામ-દામ-દંડ અને ભેદથી કચડી નાખે છે. આ પરિસ્થિતિથી ગુંગળામણ, નિઃસહાયતા અનુભવતાં સંવેદનશીલ, સમાજશાસ્ત્રી નંદિની સુંદર પોતાની અકળામણ આપણી સાથે શેર કરે છે.

૧૯૪૬ના ડિસેમ્બરમાં ભારતની બંધારણ સભામાં બંધારણના ઉદ્દેશ અંગેના ઠરાવ પર લગભગ એક અઠવાડિયું ચર્ચા ચાલી. આ ઠરાવમાં સૌને ન્યાય, સામાજિક-આર્થિક-રાજકીય સમાનતાની સાથે “લઘુમતીઓને, પછાત આદિવાસી વિસ્તારોને અને પછાત-કચડાયેલા વર્ગોને પૂરતું રક્ષણ આપવાની ગેરન્ટી આપવામાં આવી.” આ વખતે બધા જ જુદી જુદી વિચારસરણીના આગેવાનો – નેહરુ, આંબેડકર, સરદાર પટેલ, મસાણી, શ્યામપ્રસાદ મુખરજી વગેરે પછી છેલ્લે આદિવાસી આગેવાન જયપાલ સિંઘ બોલવા ઊભા થયા. એમણે પોતાના વાત શરૂ કરી કે ‘એક જંગલી, એક આદિવાસી તરીકે આ ઠરાવના કાયદાની પરિભાષા મને ન સમજાઈ શકે તેવું માની શકાય. પણ મારી સામાન્ય બુદ્ધિ મને કહે છે કે હવે આપણે બધા ભેગા થઈને આ સ્વતંત્ર ભારતની રચનાના સંઘર્ષમાં કામ કરીશું. ભારતના સમગ્ર ઇતિહાસમાં પ્રાચીનકાળથી કોઈપણ સમુદાય સાથે ખરાબમાં ખરાબ વર્તન રાખવામાં આવ્યું હોય તો તે અમારા સમાજ પ્રત્યે … અમારા સમુદાયનો ઇતિહાસ બિન-આદિવાસીઓ દ્વારા સતત શોષણ, અમારાં સંસાધનો છીનવી લેવાનો અને તેની સામે અમે અવારનવાર કરેલા બળવાઓનો છે. આમ છતાં ય આજે હું જવાહરલાલ નેહરુ અને આપ સૌની વાતનો સ્વીકાર કરું છું કે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ કે જેમાં સૌને સમાન તરોક મળે અને કોઈને પણ અવગણવામાં ન આવે …'

આજે આપણી સૌએ આપણી જાતને અને રાજ્યને સવાલ પૂછવાનો છે કે આઝાદીના સાત દાયકાઓ પછી બંધારણે આપણા બિન-આદિવાસી આગેવાનોએ આપેલ ગેરન્ટીનું / વચનનું શું થયું? શું આપણે નાગરિક તરીકે, અને રાજ્યએ આદિવાસીઓ અંગે અભિગમ બદલ્યો છે? આ પુસ્તકે આ અવસ્થા કરતો સવાલ આપણા સૌ સમક્ષ ઊભો કર્યો છે. આ માટે નંદિની સુંદરના ‘ધ બર્નિંગ ફોરેસ્ટ’ પુસ્તકનું ગુજરાતીમાં, સરળ ભાષામાં પ્રકાશન કરવા માટે ભૂમિપુત્ર – યજ્ઞ પ્રકાશન અને રજનીભાઈ દવેને અભિનંદન.

દેશની કુલ વસ્તીના આઠ ટકા આદિવાસીની વસ્તી છે. તેમાંના નેવુ ટકા ગામડામાં જંગલ કે ટેકરીઓ-પહાડો પર વસે છે. જંગલ-પહાડો-પશુ-પ્રાણીઓ તેમની આજિવિકાનું સાધન છે. પરદેશી બ્રિટિશ સલ્તનને પોતાની જરૂરિયાતો ઉદ્યોગો, યુદ્ધ અને એશઆરામની જિંદગી માટે જંગલો પર કબ્જો મેળવ્યો. ૧૮૬૫થી જંગલની પેદાશ પર કાબૂ મેળવવા, અને સ્થાનિક લોકોને એમાંથી બાકાત રાખવાના કાયદા બનાવવાની, આદિવાસીઓને એમના પરંપરાગત કુદરતી હક્કોમાંથી વંચિત કરવાની પ્રક્રિયા શરૂ કરી. ૧૯૪૭ પછી આ પ્રક્રિયા ચાલુ જ રહી એટલું જ નહીં પણ એણે વેગ પકડ્યો. વિકાસના નામે, પ્રગતિના નામે. આપણા ઉદ્યોગો, શહેરો, સિંચાઈ અને પાવર માટેના વિશાળ બંધો, ન્યુિક્લયર પાવર પ્લાન્ટ વગેરે માટે જે લોકો વિસ્થાપિત થયા તેમાંના ત્રીજા ભાગના આદિવાસીઓ છે. તેમની જમીન પર બંધ બંધાયા પણ તેમને પીવા કે ખેતી માટે પાણી ન મળ્યું. એમની જમીનો પર ઉદ્યોગ થયા, થઈ રહ્યા છે અને તેમને બહાર ધકેલી મૂકવામાં આવે છે. તેઓ વેરવિખેર થઈ જાય છે અને રોજગારી માટે દૂર દૂર ભટકે છે. ૧૯૮૨માં એ.કે. રોય નોંધે છે : “ઝારખંડના અજવાળામાં અંધારુ છે … બોકારો, રૂરકેલા, જમશેદપુર, દામોદરવેલી પ્રોજેક્ટ અને ઓરિસ્સાના હિરાકુંડ બંધના પાવર પ્રોજેક્ટ્‌સ – અહીં વિકાસની કંઈ જ ખોટ નથી, પણ આ બધું સ્થાનિક રહેવાસીઓને ભોગે. ઉદ્યોગ તેમને બહાર ધકેલે છે. બંધ તેમને ડુબાડે છે અને નષ્ટ થતાં જંગલો તેમને ભૂખ્યા રાખે છે …”

છેલ્લા સાત દાયકામાં દેશમાં જે કંઈ ભૌતિક પ્રગતિ-વિકાસ થયો છે તેમાં સૌથી વધારેમાં વધારે આજિવિકાના સાધનો જેમણે ગુમાવ્યાં હોય તો તે આદિવાસીઓ છે. આ કહેવાતા વિકાસનો સૌથી ઓછો લાભ-શિક્ષણ, આરોગ્ય, કામ ધંધા-નોકરી-કોઈને મળ્યો હોય તો તે આદિવાસીને. એક બાજુએ આદિવાસીઓ પોતાનાં નૈસર્ગિક અને ભૌતિક સાધનો ગુમાવે છે. અને સાથેસાથે એમના પ્રદેશમાં ઊભા થતા મોટા ઉદ્યોગો, બંધો, થર્મલ પાવર અને બિનઆદિવાસી અધિકારીઓ અને ધંધાદારીઓથી ઊભરાતાં શહેરો આદિવાસીઓને તુચ્છકારી એમની પરંપરાગત સંસ્કૃિત પર આક્રમણ કરી એમનો બધી જ રીતે ગેરલાભ ઉઠાવે છે. આ અજંપામાંથી ઉદ્‌ભવે છે ગુસ્સો, વિપ્લવ અને આક્રમકતા, જે નક્સલબારી વિચારસરણી અને કાર્ય પદ્ધતિને પોષે છે. નક્સલબારી વિચારસરણીનો પક્ષ માઓવાદી તરીકે ઓળખાય છે. તેઓ માને છે કે આજનું રાજ્ય સામાન્ય લોકોના કલ્યાણ અને વિકાસ માટે નથી. તે છે પૂંજીપતિ કોર્પોરેટ હાઉસીસનાં હિતો માટેનું આ રાજ્ય જુદી જુદી રીતે સીધી કે આડકતરી રીતે હિંસાનો ઉપયોગ લોકો પર કરે છે. આ પ્રકારના રાજ્ય સામે – રાજ્યની માળખાગત (સતત અન્યાય, સાધનોની છીનવણી અને બીક) અને ખુલ્લેઆમ રોજબરોજ પોલીસ, જંગલખાતા અને બીજા અધિકારી દ્વારા આચરાતી હિંસા સામે શાસ્ત્રોનો ઉપયોગ કરે છે. તેઓ હિંસક ક્રાંતિ દ્વારા લોકોના રાજ્યની રચના માટે હિમાયત કરે છે, લડે છે.

માઓવાદી અને રાજ્યની હિંસા વચ્ચે ભીંસાતા આદિવાસીઓની વિવશતાને લેખક અહીં રજૂ કરે છે. છત્તીસગઢનાં – બસ્તરનાં આદિવાસી ગામોમાં લેખકે વારંવાર જે સાંભળ્યું, જોયું, અને અનુભવ્યું તે પરથી લેખકને માઓવાદીઓનાં બલિદાન માટે માન ઊપજે છે. પણ તે સાથે તેઓ તેમના હિંસાના માર્ગને વખોડે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે અન્યાય સામેની હિંસક લડત પણ વિકૃત, ઘાતકી અને ભ્રષ્ટાચારનું સ્વરૂપ લઈ શકે છે. સૈદ્ધાંતિક રીતે માઓવાદીઓના શસ્ત્ર ક્રાંતિ દ્વારા સામાજિક પરિવર્તનના ખ્યાલ અને માર્ગને તેઓ નકારે છે. તે સાથે લોકશાહીમાં બંધારણ દ્વારા આપેલ વચનોને અવગણી, આદિવાસીઓના પ્રશ્નો અને માંગણીને પૂરી કરવાને બદલે રાજ્ય આદિવાસીઓ પર જુલમ આચરે છે. જેની મૂળભૂત જવાબદારી જનતાને ન્યાય આપવાની છે, તે રાજ્ય પોતે જ લોકશાહી વિરુદ્ધ આચરણ કરીને માનવ અધિકારનું બંધારણનું ખંડન કરે છે તેનો પણ લેખક વિરોધ કરે છે.

આઝાદી પછી જેમ જેમ આદિવાસીઓ પોતાની આજિવિકાનાં સંસાધનો વધુ ઝડપથી ગુમાવતા ગયા તેમ તેમ તેમનામાં અજંપો વધતો ગયો. તેમને વધુને વધુ લાગવા માંડ્યું કે આ રાજ્ય-વ્યવસ્થામાં તેમનો અવાજ નથી. એમનાં હિત અને સુખાકારીને સ્થાન નથી. ૧૯૮૦ના દાયકાથી છત્તીસગઢ, ઝારખંડના આદિવાસી માઓવાદી વિચારસરણી તરફ વળતા ગયા. ધીમેધીમે નક્સલવાદીઓની વગ અને વિસ્તાર વધ્યાં. એમના તાબાના વિસ્તારમાં માઓવાદી જનતા સરકારની રચના થવા લાગી. એમની સાથે વધુ ને વધુ આદિવાસીઓ જોડાયા કારણ કે એમને શાંતિ અને સ્વમાનભેર જીવવું છે. તેઓએ રચેલી એક કાવ્ય પંક્તિ એમની વાત કહે છેઃ હું ચાહું છું શાંતિ, નહીં કે યુદ્ધ; નથી જોવા મારે ભૂખ્યાં બાળકો, દુબળી સ્ત્રીઓ કે મૂક થઈ ગયેલા પુરુષો; તેથી તો મેં ચાલુ રાખ્યો છે સંઘર્ષ …

રાજ્ય આ સંઘર્ષને ઠારવા આદિવાસીઓના પ્રશ્નો ઉકેલવાને બદલે, અને વિકાસમાં ભાગીદાર બનાવવાને બદલે, એમની સામે બેફામ હિંસાનો ઉપયોગ કરે છે. આદિવાસીઓને અંદરોઅંદર વિભાજિત કરીને લડાવે છે. ૨૦૦૫માં રાજ્યે માઓવાદીની સામે સ્થાનિક આદિવાસીઓની અર્ધલશ્કરી ટુકડીઓ એને સલવાજુડુમ કહેવામાં આવે છે તેની રચના કરી. જે ગામોના આદિવાસીઓ આ સલવાજુડુમમાં જોડાવાની આનીકાની કરે તેમની પર રાજ્યે જુલમ શરૂ કર્યો, સળગાવી દીધા, સ્ત્રીઓ પર પોલીસ અને અર્ધસરકારી બળોએ બળાત્કાર કર્યા. આ જુલમથી ત્રાસી લગભગ એક લાખ આદિવાસીઓ આંધ્રપ્રદેશમાં જતા રહ્યા. સુપ્રિમ કોર્ટે સલવાજુડુમને ગેરકાયદેસર ઠેરવી અને વિખેરવાનો આદેશ આપ્યો. એટલે રાજ્યે ઓપરેશન ગ્રીન હન્ટ શરૂ કર્યું. કેટલાક આદિવાસીઓને લલચાવી ‘સ્પેિશયલ પોલીસ ઓફિસર’(SPO)ની ટુકડીઓ રચી. આ આખી પ્રક્રિયામાં જે આદિવાસીઓ રાજ્યને ટેકો આપતા ન હોય તે સૌને નકલસવાદીઓ ગણી મારવામાં આવ્યા, જેલમાં પૂર્યા. સામે પક્ષે જે આદિવાસીઓ પોતે નક્સલવાદીઓ નથી એવું કહેવડાવતા હોય તેમને નક્સલવાદીઓએ રાજ્યના એજન્ટ ગણ્યા અને એમને શિક્ષા કરવા માંડી, એમની પર હિંસક હુમલા કર્યા. પરિણામે સામાન્ય આદિવાસી લોકો રાજ્ય અને માઓવાદીઓની હિંસા વચ્ચે ભીંસાય છે. પ્રસ્તુત પુસ્તક આ ચિંતા આપણી સમક્ષ રજૂ કરે છે. અને લોકશાહીમાં રાજ્યની ભૂમિકા અંગે સવાલ પણ ઊભાં કરે છે.

આઝાદ ભારતમાં આદિવાસીઓને લઈ રહેલ અન્યાયને કોઈ પણ સંવેદનશીલ નાગરિક, ખાસ કરીને અહિંસક સમાજ ઇચ્છતો નાગરિક સ્વીકારી ન શકે. અન્યાયના, શોષણના પાયા પર રચાયેલ સમાજ અહિંસક ન હોઈ શકે. તે સાથે હિંસાના માર્ગે ન્યાયમૂલક સમાજ રચી ન શકાય. લેખક કહે છે કે માઓવાદીઓ શસ્ત્રની તાકાતમાં એક અંધવિશ્વાસભર્યું વલણ ધરાવે છે.

રાજ્ય થોડાક ઉદ્યોગપતિઓનાં હિતોને સાચવવા હિંસા કરે છે અને આદિવાસીઓને અન્યાય કરે છે. એટલું જ નહીં, જેઓ રાજ્યની આ હિંસાને ટેકો નથી આપતા, વંચિતોના ન્યાયને પ્રાદ્યાન્ય આપે છે તેઓને દેશવિરોધી, માઓવાદી ગણી હેરાન કરે છે. એમને ચૂપ કરવાનો પ્રયત્ન કરે છે. આ પુસ્તકનાં લેખક નંદિની સુંદર, બેલા ભાટિયા, ડૉક્ટર સેન, હિમાંશુકુમાર જેઓ આ વિસ્તારમાં ગરીબ આદિવાસીઓને મદદ કરવા, શાંતિ માટે પ્રયત્ને કરે છે તે સૌને રાજ્ય દુશ્મન, માઓવાદી તરીકે ખપાવી હેરાન કરે છે, જેલમાં પૂરે છે. સર્વોદય કાર્યકર હિમાંશુકુમારને લાગે છે કે જે રીતે રાજ્ય વર્તી રહ્યું છે તે જોતાં તો જો આજે ગાંધીજી જીવતા હોત તો તે પણ જેલમાં હોત.

આ પુસ્તક વાંચતાં આપણે હચમચી જઈએ છીએ અને આપણી જાત સાથે, અંતરાત્મા સામે ઘણા સવાલો ઊભા થાય છે. ભૂમિપૂત્ર – યજ્ઞ પ્રકાશન અને રજનીભાઈને આ પુસ્તક ગુજરાતી વાચકો સમક્ષ મૂકવા બદલ અભિનંદન. આ પુસ્તક પર વધુ ખુલ્લા મને ચર્ચા થાય તો રજનીભાઈ મહેનત સફળ થશે.

અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 03-04 

Loading

મોહન ભાગવત મોહન ગાંધી કેમ બની ગયા?

રમેશ ઓઝા|Opinion - Opinion|21 September 2018

તુમ તો હમસે શહાણે નિકલે અબ તક કહાં છુપે થે ભાઈ? પાકિસ્તાની કવયિત્રી ફહમીદા રિયાઝે નવેસરથી કવિતા લખવી પડે એવાં અમૃતવચનો ભાગવતમુખેથી વહી રહ્યાં છે. ત્રિશુળધારીઓ પણ એકબીજાને ચીમટા ખણીને પૂછતા હશે કે હું જે સાંભળી રહ્યો છે એ જ તું સાંભળે છે ને કે પછી મને ભ્રમણા થઈ રહી છે? હજુ પંદર દિવસ પહેલાં જ હિન્દુ ઈજારદાર અને બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં અખલાકને મારી નાખવામાં આવ્યો તો અમારું શું બગાડી લીધું? ૨૦૧૬માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોઈ લીધાં ને? અર્થાંતરે ગુજરાતમાં ત્રણ હજાર મુસલમાનોને મારી નાખ્યા તો અમારું શું બગડી ગયું? ચાર મુદત ભોગવી રહ્યા છીએ ને? અર્થાત્ લઘુમતી કોમના લોકોનું લિન્ચિંગ કરવામાં આવે છે ત્યારે અમને તો (બી.જે.પી.ને) એમાં રાજકીય ફાયદો જ થાય છે. આવું બોલવા માટે એક ખાસ પ્રકારની અસંસ્કારિતા અને અસંવેદનશીલતા જોઈએ, જે અમિત શાહ ધરાવે છે. હવાડામાં આ જે પાણી છે એ કયા કૂવામાંથી આવે છે એ આખું જગત જાણે છે.

સૌજન્ય : હિન્દી, બી.બી.સી., 19 સપ્ટેમ્બર 2018

આમ પણ ભારતીય દર્શનશાસ્ત્રના વિદ્વાનોમાં સેંકડો વરસથી ચર્ચા ચાલી રહી છે કે ભાગવત પુરાણ છે કે વેદાંતનો ગ્રન્થ? પુરાણોમાં અલ્પશિક્ષિત ભક્તોને ગેલમાં રાખનારી થોડી રસપ્રદ પણ વધુ કંટાળાજનક લાંબી-લાંબી વાર્તાઓ છે. એમાં દેવો આપસમાં ઝઘડે છે, છેતરપિંડી કરે છે, નિંદા કરે છે, બીજાના ઘરમાં આગ લગાડનારા નારદ મુનિ પણ છે અને એમાં વચ્ચે થોડી થોડી વારે ડહાપણભરી બે વાતો પણ કહેવામાં આવે છે. ભાગવતમાં થોડો ફરક છે. ભાગવત છે તો પુરાણ જ, પરંતુ એમાં વેદાંતનું દર્શન સુલભ ભાષામાં આપવામાં આવ્યું છે. કેટલાક સનાતન ધર્મના વિદ્વાનો ભાગવતને સાવ પુરાણની કેટેગરીમાં મૂકવા તૈયાર નથી. તેઓ તેને પુરાણનો ઓછો, વેદાંતનો ગ્રન્થ વધુ માને છે. લોકસુલભ ભક્તિના માર્ગે ઈશ્વર સાથે એકાકાર કરાવનારો ગ્રન્થ.

ઇસ્કોન મૂવમેન્ટ ભાગવત આધારિત ભક્તિ અને વેદાંતનો સમન્વય કરવાનો પ્રયાસ કરે છે જેની સ્થાપના (નામ સૂચવે છે એમ) સ્વામી ભક્તિવેદાંતે કરી હતી. હકીકતમાં આનાં મૂળ ચૈતન્ય મહાપ્રભુમાં છે જેનો સ્વીકાર આજકાલ ઓછો કરવામાં આવે છે. ધર્મનું આ પણ એક લક્ષણ છે. ઇસ્લામના પયગંબરે તેમની પહેલાં થઈ ગયેલા પયગંબરોની યાદી આપી દીધી છે. ઉલ્લેખ પૂરતો છે. સિખો પણ ક્યાં કબીરના ઋણનો સ્વીકાર કરે છે? ટૂંકમાં ભાગવત ગામઠી ગીતા જેવો ગ્રન્થ છે. લોકસુલભ, પણ ઊંડાણમાં લઈ જાય એવો.

મને ખબર છે, આપણે વાત શ્રીમદ્દ ભાગવતની નથી કરતા મોહન ભાગવતની કરી રહ્યા છીએ. ભાગવતમુખેથી જે વાણી પ્રગટ થઈ એણે લોકોને ચોંકાવી દીધા છે. આપણે એકલા દેવ અને બીજા દાનવની વસ્તીગણતરી ચાલતી હતી એમાં વચ્ચે એક લોહી એક અસ્થિપિંજર ધરાવનારો આખો માણસ ક્યાંથી ટપકી પડ્યો? હજુ અઠવાડિયા પહેલાં મોહન ભાગવતે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદની સવાસોમી જયંતી પ્રસંગે બોલતા હિંદુઓને સલાહ આપી હતી કે એક થાવ. એક નહીં થાવ તો જેમ જંગલમાં જંગલી કૂતરાઓ મળીને સિંહનો શિકાર કરે છે એમ હિન્દુઓનો શિકાર થઈ જશે. હિન્દુ નામના સિંહનો કોણ શિકાર કરશે? જંગલી કૂતરાઓ અર્થાત્ વિધર્મીઓ. આ નવમી સપ્ટેમ્બરે આપવામાં આવેલી શિખામણ છે. દસ જ દિવસ થયા છે. હવે કહેવામાં આવ્યું છે; મનુષ્ય માત્ર એક છે, ભેદ કરવાનો હોય? આવો બાથમાં આવો. અમારી બાથ ખૂબ મોટી છે બધાને અંદર સમાવી શકીએ એમ છીએ.

આજથી આપણે દેવ અને બીજા દાનવોની વસ્તીગણતરી બંધ. હવે હિન્દુઓએ વધારે બાળકો પેદા કરવાની જરૂર નથી, કારણ કે ભારતમાં અને સંસારમાં દાનવો છે જ નહીં તો કોની સામે આપણે વસ્તી વધારીશું? આજથી વિધર્મીઓના ઘરમાં ડોકિયા કરવાનું બંધ કારણ કે એ પણ આપણા જેવો જ હાડ-માંસનો માણસ છે એટલે તેના ઘરમાં શું નવું મળવાનું? મોહન ભાગવત મોહન ગાંધી બની ગયા એ જોઇને આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. વિધર્મીઓ અને સેક્યુલર હિંદુઓ તો સ્તબ્ધ થઈ ગયા છે, પરંતુ ભક્તો પણ હેરાન થઈ ગયા છે. દેવ અને દાનવોની વસ્તીગણતરી કર્યા વિના આયખું પૂરું કરવાનું? ડોકિયાં પણ નહીં કરવાના જેમાં નવ નવ દાયકાની હથરોટી છે?

આ અચનાક આવેલું પરિવર્તન મતપરિવર્તન છે કે હૃદય પરિવર્તન? કે પછી આની પાછળ કોઈ રાજકારણ છે? આવો સવાલ મને અનેક લોકોએ પૂછ્યો છે અને એમાં ભક્તોનો પણ સમાવેશ થાય છે. તમને પણ કોઈએ આવો સવાલ પૂછ્યો હશે અને નહીં પૂછ્યો હોત તો તમે તમારી જાતને તો અ સવાલ પૂછ્યો જ હશે. અચાનક મોહન ભાગવત મોહન ગાંધી કેમ બની ગયા? તેમના અતીતને પ્રારંભથી ન ખોળીએ તો શિકાગોના પ્રવચન પછી માત્ર દસ દિવસમાં? આ રાજકારણ છે કે મતપરિવર્તન?

મારા બે ઉત્તર છે. જો મતપરિવર્તન હોય તો ઠરાવ કરીને બતાવે. સંઘ ઠરાવ કરતો જ નથી. જો ઠરાવ કરે તો વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરવી પડે અને એમાં જો ભવિષ્યમાં પરિવર્તન કરવું હોય તો પરિવર્તન પાછળનાં કારણો આપવાં પડે એટલું જ નહીં નવી ભૂમિકા માંડવી પડે. ચાલો અત્યાર સુધી ઠરાવ નથી કર્યો તો નથી કર્યો, હવે કરવામાં આવે. તમે જે બોલો છો એને વફાદાર છો તો લેખિત ઠરાવ કરવામાં વાંધો શું છે? તમારી જ ભૂમિકા અને તમારા જ શબ્દો તમારે અંકે કરવાના છે. અમારો લખેલો માનવતાવાદી ઠરાવ તમે પસાર કરો એવું તો અમે કહેતા નથી. તો ઈમાનદારીની પહેલી કસોટી એ છે કે તમે જે કહો છો એની લેખિત માંડણી કરો.

સૌજન્ય : 'ધ એશિયન એઇજ', 21 સપ્ટેમ્બર 2018

તમે કહેશો કે આ તો અવિશ્વાસ દાખવ્યો કહેવાય. આપણે વિશ્વાસ રાખવો જોઈએ. ના એવું નથી. અંગત સંકલ્પ પણ ઈશ્વરની કે આપ્તજનની સાક્ષીમાં કરવામાં આવે છે. પરિવાર સંબંધિત સંકલ્પ પરિવારના સભ્યોની હાજરીમાં કરવામાં આવે છે અને સામાજિક સંકલ્પ સમાજની વચ્ચે કરવામાં આવે છે. એ લેખિત સ્વરૂપમાં એટલા માટે કરવામાં આવે છે કે સમાજમાં અનેક જણ અનેક રીતે વિચારતા હોવાને કારણે ખોટું અર્થઘટન ન થાય. એટલે તો ઠરાવ પર વિશદ ચર્ચા કરવામાં આવે છે કે જેથી ખોટાં અર્થઘટનની કોઈ સંભાવના ન બચે. ગાંધીજી ઠરાવ કરતા અને કરાવતા હતા. આખા જગતમાં આવો રિવાજ છે. એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો જગતમાં સૌથી મોટું અને સૌથી વધુ લોકતંત્ર ધરાવતું સંગઠન છે એમ ખુદ મોહન ભાગવતે કહ્યું છે. તો પહેલી કસોટી છે લેખિત ઠરાવ કરો.

મારો બીજો ઉત્તર એ છે કે મને આવો કોઈ ભ્રમ નથી અને તમારે ભ્રમ રાખવાની જરૂર નથી. આવું ક્યારે ય બનવાનું નથી. ક્યારે ય એટલે ક્યારે ય નહીં. જગતના કોઈ ફાસિસ્ટ સંગઠનોએ આજ સુધી ઠરાવ કર્યા નથી. અનેક મોઢે બોલવું, પ્રસંગે-પ્રસંગે અલગ-અલગ રીતે બોલવું, અલગ-અલગ ચહેરા રાખવા, કોઈ ભૂમિકાએ ક્યારે ય પણ બંધાવું નહીં એ તેમની મોડસ ઓપરેન્ડી છે. માનવતાવાદની આ ભાગવતપ્રસાદી કોઈ પહેલીવારની નથી, ભાગવતમુખે ભાગવતપ્રસાદી પહેલીવાર સાંભળવા મળી એટલું જ નવું છે.

સમય-સમયે જરૂરિયાત મુજબ બદલાતી ભૂમિકા અને આ વખતે બદલાયેલી ભૂમિકા પાછળની રાજકીય ગણતરીની વાત આવતીકાલે. 

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 21 સપ્ટેમ્બર 2018

Loading

...102030...3,1083,1093,1103,111...3,1203,1303,140...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved