Opinion Magazine
Number of visits: 9969452
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાલીન્ટા : જય હો લોકશાહી માત કી !

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|9 September 2018

નજરે જોયું

ભાઈ યશ મકવાણા(સહ કન્વીનર, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ) એ બાલીન્ટા દલિત અત્યાચાર મુદ્દે સ્થળ તપાસમાં સાથે જોડાવા કહ્યું, ત્યારે હું બહુ ઉત્સાહિત નહોતો. કેમ કે દલિત અત્યાચારોના સેંકડો બનાવો વિશે જાણવા-લખવા-વાંચવાનું બન્યું છે. એટલે એમાં નવું શું હોય ( સિવાય કે હિંસા, ક્રૂરતાની ઘાતકતાનું પ્રમાણ) કે જવું જોઈએ એમ લાગતું હતું. પણ જ્યારે બાલીન્ટા અત્યાચારનો મુખ્ય આરોપી ‘બ્રાહ્મણ” છે, એમ જાણ્યું ત્યારે આઘાત અને આશ્ચર્ય અનુભવ્યા, અને મેં બાલીન્ટા જવાની હા ભણી.

કોઈ આફ્રિકા ખંડના દેશના નામ જેવું નામ ધરાવતું બાલીન્ટા ગામ, આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં આવેલું છે. તાલુકા મથક સોજીત્રાથી આશરે બારેક કિલોમીટરના અંતરે આવેલા આ ગામમાં ખેડા – આણંદ જિલ્લાના અનેક ગામોમાં પટેલોએ બંધાવેલા પ્રવેશદ્વારો જેવું પ્રવેશ દ્વાર છે. ગામના ‘મણિબા પટેલ પ્રવેશદ્વાર’માંથી ગામમાં પ્રવેશવું ભારે દુષ્કર હતું. આષાઢી વર્ષાનાં પાણી  ગામના પ્રવેશદ્વારની ચોપાસના ખાડાઓમાં ભરાયેલા હતા. તો ગારા અને કીચડમાંથી રસ્તો શોધવો મુશ્કેલ હતો. જેમણે માતૃશ્રીની સ્મૃિતમાં ભવ્ય પ્રવેશદ્વાર બનાવ્યું છે તેમને તેની નીચેની જ આ ગંદકીનો ઉપાય કેમ નહીં જડ્યો હોય, તેવા પ્રશ્ન સાથે માંડ માંડ પ્રવેશદ્વાર વટાવી ગામમાં પ્રવેશ્યા.

યશ મકવાણા, પ્રકાશ મકવાણા, લલિત મહિડા, જયંતી મકવાણા, ચન્દ્રકાંત રોહિત સાથે ૨૪મી જુલાઈની બપોરે બાલીન્ટાની મુલાકાત લીધી. ગુજરાતના જ નહીં દેશના કોઈ પણ ગામમાં દલિતોની વસ્તી ગામના આથમણા ખૂણે, ગામ છેવાડે જ હોય છે. બાલીન્ટા પણ તેમાં અપવાદ નહોતું. દલિત ફળિયામાં પ્રવેશતાં ફળિયાના મુખ્ય રસ્તાની બંને બાજુ બાંકડા મૂકેલા હતા. પહેલા બાંકડે બાબાસાહેબ આંબેડકરનું, તો તે પછીના બાંકડાઓ પર દિવંગત  કલ્યાણભાઈ લલ્લુભાઈ મકવાણા, કાશીબહેન ગાંડાભાઈ વણકરનાં નામો કોતરેલાં હતાં. એક બાંકડો છત્રસિંહ ચુનીભાઈ જાદવના નામનો હતો. જુદીજુદી જાતિકોમનાં નામોના બાંકડા જોડાજોડ રહી શકે છે, તેમ જો માણસો રહેતા હોત તો કેવું સારું એવો વિચાર મનમાં આવ્યો ન આવ્યો ત્યાં તો વિનુભાઈ રોહિતનું ઘર આવી ગયું.

આશરે ૩,૮૦૦ થી ૪,૦૦૦ની વસ્તીનું બાલીન્ટા ગામ અઢારે વરણને પોતાનામાં સમાવી વસ્યું છે. ગામમાં બહુમતી વસ્તી ઠાકોરોની છે. તે પછીના ક્રમે પટેલોની વસ્તી છે. દલિતોમાં વણકરોના ૩૦, વાલ્મીકિના ૨૦ અને રોહિતોના ૮ ઘર છે. ગામમાં માત્ર બે જ ઘર અને પંદરેક વોટ ધરાવતા ‘બ્રાહ્મણ’, ગામના સરપંચ  છે.  તો ૮ ઘર ધરાવતા ‘રોહિત’ ડેપ્યુટી સરપંચ છે ! જ્યારે દેશનું વાતાવરણ જાતિધર્મકોમના નામે વિષાક્ત હોય ત્યારે અહીં જાતિકોમધર્મ સિવાય સરપંચ-ઉપસરપંચ હોય તે જાણીને પહેલી નજરે રાજી થવાયું.

૩૦ વરસના, અપરણિત, ગુજરાતી વિષયમાં ગ્રેજ્યુએટ થયેલા દલિત યુવાન વિનુભાઈ મગનભાઈ રોહિતની ગ્રામ પંચાયતના સભ્ય તરીકે આ બીજી ટર્મ છે. ૨૦૧૨માં એ પ્રથમવાર ચૂંટાયેલા. ૨૦૧૭ની બીજી ટર્મમાં  ડેપ્યુટી સરપંચ છે. દલિતોની ત્રણેય પેટાજ્ઞાતિઓમાં રોહિતો સાવ જ લઘુમતીમાં છે તો પંચાયતનો સભ્ય તેમનો કેમ ?એવો સવાલ પૂરો થાય તે પહેલાં તો ફળિયામાં બેઠેલા સૌ એક અવાજે બોલી ઊઠે છે, “અમારા ગામમાં એવું નથી. જે લાયક હોય તે ક પછ તયણેય કોમમાંથી વારાફરતી પંચાયતનો સભ્ય બનં છં. ૧૯૪૭થી આજ સુધી અમારી અનામત બેઠક પર ચૂંટણી થઈ નથ. અમે જ અમારો સભ્ય બિનહરીફ ચૂંટીય છ.” આ અદ્દભુત દલિત એકતા અને સમજ પર ઓવારી જવાનું મન થવું સ્વાભાવિક હતું. જો કે લોકશાહીએ નાગરિક તરીકે, મતદાર તરીકે તેમને જરૂર ભેગા રાખ્યા છે, પણ ધર્મ અને સમાજે તેમને તેમ રહેવા દીધા નથી. ૮ ઘરના રોહિતોના ફળિયામાં એમનું ચામુંડા-બહુચરનું, ૩૦ ઘરના વણકરોનું રામાપીરનું અને ૨૦ ઘરના વાલ્મીકિઓના ફળિયામાં હડકાઈ માતાનું મંદિર છે. વણકરો-રોહિતોનું સ્મશાન ભેગું છે પણ વાલ્મીકિનું નોખું છે !

ગામના સરપંચની સીધી ચૂંટણી થવી જોઈએ એવી ઝીણાભાઈ દરજી સમિતિએ ભલામણ કરેલી. તેનો આશય તો આખું ગામ મળીને તેનો સરપંચ પસંદ કરે તેવો હતો. પરંતુ નાતજાતકોમધર્મમાં વહેંચાયેલા સમાજે કંઈક જુદું જ કર્યું. બાલીન્ટામાં ભટ્ટ અને દવે અટક ધરાવતા માત્ર બે જ બ્રાહ્મણ કુટુંબો છે. તેમના વોટ ગણીને ડઝનેય નહીં હોય પણ ગામના સરપંચ પ્રવીણભાઈ હીરાલાલ ભટ્ટ નામક બ્રાહ્મણ છે. તેના કારણમાં, તેમની લોકપ્રિયતા કરતાં તેમને મળેલી સત્તાધારી બી.જે.પી.ની ઓથ હોવાનું દલિતો કહે છે. આ કુટુંબનો પ્રભાવ એટલો છે કે ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ તે જ ચૂંટાયા છે અને આખા પંથક પર તેમનું વર્ચસ્‌ છે. તેમની દાદાગીરી અને ગરીબ ગુરબાંને રંજાડવાની વૃત્તિ દલિત ડેપ્યુટી સરપંચ પર હાથ ઉપાડવા સુધી પહોંચી છે. ગામના બહુમતી ઠાકોરો વહેંચાયેલા છે. ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં ૫ ઠાકોરોએ ઉમેદવારી કરી હતી. એમાંનો એકેય ન ચૂંટાયો અને અણુમતિના બ્રાહ્મણ સરપંચ પદ પામ્યા.

ભારતીય લોકશાહી માટે ભારે કલંકરૂપ એવી હિંદુ સમાજની ધાર્મિક -સામાજિક જડતા વિનુભાઈની ડેપ્યુટી સરપંચ તરીકેની પસંદગીમાં જોવા મળી. ૨૦૧૨માં વિનુભાઈ રોહિત પહેલીવાર ગ્રામ પંચાયતના સભ્ય બન્યા અને આ ઉત્સાહી, પ્રતિબદ્ધ, પંચાયતી રાજના નીતિનિયમોના જાણકાર સભ્યે પોતાને ડેપ્યુટી સરપંચ બનાવવાની વાત કરી, ત્યારે ગ્રામપંચાયતની બેઠકમાં પહેલાં તો બેઘડી સોપો પડી ગયો અને પછી તરત ઠઠ્ઠામશ્કરી થયેલી. ૨૦૧૭ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ૧૦ સભ્યોમાં ૮ ઠાકોરો, ૧ દલિત અને ૧ દેવીપૂજક ચૂંટાયા હતા. ઠાકોરો બહુમતીમાં હતા પણ વહેંચાયેલા હતા. એટલે દલિત અને દેવીપૂજક જેમના પક્ષે જાય તેને સત્તા મળે તેમ હતું. સમર્થન માટે વિનુભાઈ રોહિતે તેમને ડેપ્યુટી સરપંચ બનાવવાની શરત કરી, જે ઠાકોરોને બહુ આકરી લાગી. તેથી ઠાકોરોએ  સત્તા મેળવવા રસ્તો કાઢવા દેવી દેવતાનો આશરો લીધો. આ પંથકના ઠાકોરો માટે કોડવા ગામના હડકાઈ માતા ભારે આસ્થાનું કેન્દ્ર હતા. એટલે હડકાઈ માતાના મંદિરે જઈ  ચિઠ્ઠી નાંખવી અને માતાજી જે પસંદ કરે એમ કરવાનું નક્કી થયું. નિર્ધારિત દિવસે આખું રાવણું હડકાઈ માતાએ ગયું ને ચિઠ્ઠી બનાવી. તો માતાની કૃપા વિનુભાઈ રોહિત પર ઊતરી ! માતાનો આદેશ અને આશિષ ઠાકોરો માટે શિરોમાન્ય હતા. છતાં કશું વિઘ્ન ન આવે અને કોઈ સભ્ય તૂટે નહીં એટલે તેમના પક્ષના સભ્યોને જૂનાગઠ લઈ જવાયા ને પંચાયતની બેઠકના કલાક પહેલાં જ ગામમાં લવાયા. આમ દલિતોના બિનહરીફ પ્રતિનિધિ વિનુભાઈ રોહિતને જે લોકશાહી માત ડેપ્યુટી સરપંચ ન બનાવી શક્યાં તે કોડવાના હડકાઈ માતાએ કરી બતાવ્યું ! 

પંચાયતના સભ્ય બન્યા ત્યારથી જ વિનુભાઈએ ન માત્ર ગામના દલિતોના, સૌ વંચિત-ગરીબોના વિકાસ કામો હાથ ધર્યા હતા. વિનુભાઈ કહે છે, “ગામમાં તળાવડીના કાંઠે અમારું વણકર-રોહિતોનું સ્મશાન છે .. જે ભારે ખરાબ હાલતમાં હતું. ચોમાસામાં તો ભારે મુશ્કેલી પડે. ગામના વાલ્મીકિના સ્મશાનની જમીન પર પટેલોએ એટલું દબાણ કરેલું કે પાંચ-દસ ફૂટ ભોંય માંડ બચેલી. એટલે આ સ્મશાનનું કામ મેં પહેલાં હાથ પર લીધું.” ગામડા ગામનો, લોકશાહી પ્રક્રિયામાં સામેલ થયેલો, એક જન પ્રતિનિધિ, જો એ દલિત હોય તો, વિકાસ કાર્યો માટેની તેની પહેલી પ્રાથમિકતા સ્મશાન બને છે તે ભારે ખિન્ન કરનારી બાબત છે. વિનુભાઈએ સ્મશાનનો પ્રશ્ન તો ઉકેલ્યો, દલિત ફળિયામાં પાણી, વીજળી, ગટર અને પેવર બ્લોક પણ નંખાવ્યા. ગામના દૂરના ફળિયાઓમાં પણ એ વિકાસને લઈ ગયા. દલિત ફળિયાને અડીને જમીનના એક જુદા ટુકડા પર સુંદરભાઈ પૂંજાભાઈ વણકર કુટુંબના ૮ ઘરો ૨૦૦૧માં વસ્યા. એમની વસ્તીમાં કશી સુવિધા નહીં. એમાં ય પાણીની તો ભારે તકલીફ રોજ ઊઠીને પાણી વારંવાર બાજુના વાલ્મીકિના નળેથી લેવા જવું પડતું હતું. પંચાયતમાં રજૂઆતો કરી કરી થાક્યા પણ કશું ન વળ્યું.” ૨૦૧૨માં વિનુભાઈ સભ્ય બન્યા અને અમારા ઘરોમાં પાણી આવ્યું, રસ્તો બન્યો અને હવે સ્ટ્રીટ લાઈટ પણ આવશે.” એવું ભારે ઓશિંગણ ભાવે આ ભાઈઓએ કહ્યું.

પંચાયતના સભ્ય વિનુભાઈ પંચાયતનો વહીવટ પારદર્શક અને ન્યાયી બને તે માટે મથતા હતા. જ્યાં પંચાયતે કામો કરવા જેવા છે તે, જોખમો વહોરીને પણ કરાવે અને એટલે હાલના સરપંચ કુટુંબને એ ખૂંચે છે. ગઈ તારીખ ૨૦ જુલાઈએ સાંજે પાંચેક વાગે વિનુભાઈ ગામના ટાવર પાસે દિનેશભાઈ કનુભાઈ પરમારની દુકાને ઊભા હતા. ત્યારે તેમણે ત્યાં ઊભેલા સરપંચના દોહિત્ર કિસનભાઈ દીપકભાઈ દવેને “કિસનપુરાવાળી પાણીની લાઈનમાં પાણી મળતું ન હોવાની” વાત કરી. તો કિસનભાઈ ઉશ્કેરાઈ ગયા. તેમને જાતિવિષયક ગાળો બોલી અપમાનિત કર્યા અને તેમણે અને તેમની સાથેના બીજા ત્રણ લોકોએ તેમના પર હુમલો કરી માર્યા. આ બનાવની પોલીસ ફરિયાદ બનાવના ૨૦ કલાક બાદ ભારે લોકદબાણ પછી પોલીસે લીધી પણ ઓગસ્ટ મહિનાના આરંભ સુધી હજુ કોઈની ધરપકડ થઈ નથી. કેમ કે બધા હુમલાખોરોને ભારતીય જનતા પક્ષની હૂંફ મળેલી છે અને પોલીસ તેની આગળ બેબસ છે.

ઘટનાના ચોથા દિવસે અમે ગામમાં ગયા ત્યારે વિનુભાઈ બહુ સ્વસ્થ હતા. એમણે ઘટનાની માંડીને વાત કરી. ત્રણેય ફળિયામાં અને ગાઉ છેટેના સ્મશાનમાં પણ લઈ ગયા. અમે વિનુભાઈને વારંવાર અમારી કોઈ મદદની જરૂર હોય તો કહો એમ પૂછતા હતા તો એ બહુ નચિંત થઈને, ‘બીજું તો શું મને બરોબર ન્યાય મલ એવું કરજો” એટલું જ કહ્યે જતા હતા.

ત્રણ ચાર કલાકની આ મુલાકાત પછી અમે ગામમાંથી નીકળતા હતા, ત્યારે ગામના એક પૂર્વ સરપંચ ભેળા હાલના પંચાયતના સભ્ય અને વિનુભાઈના સાથી પ્રહલાદભાઈ ચુનારા મળ્યા. પ્રહ્લાદભાઈ ભારે ચિંતામાં અને ઉશ્કેરાટમાં હતા. વિનુભાઈની ખરી હાલતની વાત કરતાં એમણે કીધું કે, “એમના માટે ગામમાં નીકળવું કાઢું છે. એક પોલીસનું રક્ષણ મળ્યું છે પણ એ ડંડો લઈને આખો દાડો પંચાયતમાં બેસી રહે છે. ગમે ત્યારે કશું થઈ જવાની ચિંતા રહે છે.” પ્રહ્લાદભાઈ ચુનારાની વાત ચૂપચાપ સંભળી રહેલા વિનુભાઈના ચહેરાના ભાવ પરથી લાગ્યું કે અત્યાર સુધી વિનુભાઈ જે અમને નથી કહી રહ્યા તે પ્રહ્લાદભાઈએ કહ્યું છે. યોગ્ય પોલીસ તપાસ, પોલીસ રક્ષણ અને આરોપીઓની ધરપકડના પ્રયાસો કરવાના આશ્વાસન સાથે અમે ગામ છોડ્યું. પણ આ નાનકડા ગામમાં વિનુભાઈના રૂપે જે નવું યુવા દલિત નેતૃત્વ ઉભરી રહ્યું છે તે આજે કેવા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તેના વિચારોમાં આખા રસ્તે ખોવાયેલો રહ્યો. હડકાઈ માયે તો વિનુભાઈને ડેપ્યુટી સરપંચ બનાવી દીધા છે, પણ હે મારી લોકશાકી મા તું એને હેમખેમ રાખે તો ય ઘણું !

સૌજન્ય : “દલિત અધિકાર (પાક્ષિક)”, 01 અૉગસ્ટ 2018; પૃ. 01-02

Loading

ડૉલર સામે રૂપિયો તૂટી રહ્યો છે ત્યારે વડા પ્રધાન ચુપ કેમ છે? અરુણ જેટલી નાણા ખાતાના પ્રધાન નથી, નાણા ખાતાના વકીલ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|8 September 2018

ભારતીય અર્થતંત્રને થાળે પાડવા નરેન્દ્ર મોદીએ અવતાર ધારણ કરવાનો સંકલ્પ કર્યો, ત્યારે પહેલી જાન્યુઆરી ૨૦૧૪ના રોજ અમેરિકન ડૉલર સામે રૂપિયાની કિમંત ૬૨.૩૨ પૈસા હતી. ભારતમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે એપ્રિલ-મે મહિનામાં રૂપિયાની કિંમત સરેરાશ ૬૦ રૂપિયાની આસપાસ હતી અને દોકડાની પણ આવડત નહીં ધરાવતા ડૉ. મનમોહન સિંહે સત્તાના સૂત્ર અવતારપુરુષને સોંપ્યા ત્યારે રૂપિયાની કિંમત ૫૮.૫૨ રૂપિયા હતી. અને આજે? આજે રોજ અઢાર અઢાર કલાક પરિશ્રમ કરનારા વડા પ્રધાન એટલો પરિશ્રમ કરી રહ્યા છે કે ડૉલર સામે રૂપિયાની કિંમત ૭૨ રૂપિયે પહોંચી ગઈ છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં યુ.પી.એ. સરકારની અણઆવડત વિષે જે ભાષામાં અને જે શારીરિક હાવભાવ સાથે જાહેરસભાઓમાં પ્રહારો કર્યા હતા, એની વીડિયો ક્લિપ્સ પર એક નજર કરવી જોઈએ. ત્યારે નરેન્દ્ર મોદીના તેવર જોઇને એમ લાગતું હતું કે ડૉ. મનમોહન સિંહ ઘરમાં લપાઈને રહે એમાં જ તેમની સલામતી છે.

દેશપ્રેમ જાગૃત થયો છે અને દેશપ્રેમ જ્યારે જાગૃત થાય ત્યારે વટવૃક્ષો ધરાશયી થઈ જતા હોય છે. ગાંધીજીએ એ કરી બતાવ્યું હતું અને નરેન્દ્ર મોદીએ અભિનય સાથે એ બોલી બતાવ્યું. આજે ડૉલર સામે રૂપિયો ૭૨ રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે અને વડા પ્રધાન અભિનય તો બાજુએ રહ્યો મોઢું પણ ખોલતા નથી. દેશની જનતાને એટલું પણ કહેવામાં આવતું નથી કે ધીરજ ધરો અમે પ્રયત્નશીલ છીએ. હવે રૂપિયો વધારે નહીં ગગડે કારણ કે રિઝર્વ બેન્કે દરમ્યાનગીરી કરી છે. દરમ્યાનગીરી કરવી પડે એમ છે કારણ કે ક્રુડની આયાત મોંઘી પડી રહી છે. માત્ર વિદેશી હુંડિયામણનું ધોવાણ નથી થઈ રહ્યું, પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવોને કારણે ફુગાવો વધી રહ્યો છે. આમ તો ડૉલર સામે રૂપિયો તૂટે ત્યારે નિકાસમાં ફાયદો થતો હોય છે, પરંતુ ભારત એ મોરચે પણ ચીન સામે માર ખાઈ રહ્યું છે.

ભગવાને અને ભક્તોએ ૨૦૧૪માં અને એ પછીના વરસોમાં વિચારવું જોઈતું હતું કે એવું શું હતું કે અર્થશાસ્ત્રી તરીકેની જાગતિક કીર્તિ ધરાવનારા ડૉ. મનમોહન સિંહ ઘૂંટણિયે વાળીને બેસી ગયા છે? એવું શું છે કે જગતની સૌથી મોટી આર્થિક તાકાત ગણાતા અમેરિકા અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું છે? એવું શું છે કે પશ્ચિમના તમામ દેશો જી.ડી.પી.માં બે-અઢી ટકાથી લઈને નેગેટિવ ગ્રોથમાં અટવાઈ પડ્યા છે અને બહાર જ નથી નીકળી શકતા. એવું શું છે કે જપાન જેવા જપાનનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે? એવું શું છે કે જગતમાં જે કાંઈ વિકાસ થાય છે એ રોજગારીરહિત વિકાસ છે? અંગ્રેજીમાં કહીએ તો જોબલેસગ્રોથ. એવું શું છે કે આખા જગતમાં ખેતીઉદ્યોગ મોટા સંકટનો સામનો કરી રહ્યો અને એમાં ભારત અપવાદ નથી? તેમણે એ પણ વિચારવું જોઈતું હતું કે જ્યારે આખું જગત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હોય ત્યારે ભારતનો વિકાસદર સાત-સાડા સાત ટકાની આસપાસ શા કારણે જળવાઈ રહ્યો છે? ચારે બાજુના લેખાજોખા કરવા જોઈતા હતા.

૧૯૯૧માં ભારત આવા જ એક ત્રિભેટે ઊભું હતું જ્યારે વિધાતાએ પી.વી. નરસંહ રાવને વડા પ્રધાન બનાવ્યા હતા. નરસિંહ રાવ ઓછું બોલનારા, ઠરેલ અને ગંભીર માણસ હતા. તેમને સમજાઈ ગયું હતું કે ભારતનું ભાંગી પડેલું અર્થતંત્ર તેમની કબર બની શકે એમ છે. અનેક મિત્રો સાથે સલાહમસલત કર્યા પછી તેમણે એક નીવડેલા અર્થશાસ્ત્રીને નાણા પ્રધાન બનાવ્યા. ૨૦૧૪માં પણ એમ લાગ્યું હતું કે ભારતની નિયતિને એક નિર્ણાયક વળાંક આપવાનો દાવો કરનારા નરેન્દ્ર મોદી કોઈ વિચક્ષણ અર્થશાસ્ત્રીને નાણા ખાતું સોંપશે. જ્યારે પ્રધાન મંડળની રચના થઈ અને અરુણ જેટલીને નાણા ખાતું અને સ્મૃિત ઈરાનીને શિક્ષણ ખાતું સોંપવામાં આવ્યું, ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે આ સરકાર વિકાસલક્ષી નથી, હિન્દુત્વલક્ષી છે. વિકાસના જે દાવાઓ કરવામાં આવતા હતા અને સપનાંઓ બતાવવામાં આવતાં હતાં એ ખોટાં હતાં.

અહીં એક કમાન રચવા જેવી છે. પી.વી. નરસિંહ રાવ, અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી. આ ત્રણેય આર્થિક સુધારાના યુગના વડા પ્રધાન. નરસિંહ રાવને સમજાઈ ગયું હતું કે જો આર્થિક ગતિરોધ દૂર કરવામાં નહીં આવે તો તેઓ મુદત પણ પૂરી નહીં કરી શકે. અટલ બિહારી વાજપેયીને એમ લાગ્યું હતું કે ભારતનું અર્થતંત્ર ઢાળ પર છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. કેટલાક લોકોને તેના લાભ નથી મળતા, પરંતુ તેમની નારાજગી ઇન્ડિયા શાઈનિંગના રાષ્ટ્રીય મૂડમાં ઓગળી જશે. ૨૦૦૪માં ભારત આર્થિક મોરચે ધસમસતી પ્રગતિ કરી રહ્યું છે એવો રાષ્ટ્રીય મૂડ પેદા કરવામાં આવ્યો હતો. ગરીબોને લાભ મળે એ માટે તેમણે ખાસ કોઈ ચિંતા કરી નહીં જેની કિંમત તેમણે ચૂકવવી પડી હતી.       

આ ત્રણમાં નરેન્દ્ર મોદી સામે અનેકગણો મોટો પડકાર હતો. એક તો આખું જગત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને માનવીય વહેવારોમાં આર્થિક વહેવાર વધારે પરસ્પરાવલંબી હોય છે અને આ તો પાછો ગ્લોબલાઇઝેશનનો યુગ. ભારત પાસે આખા જગતમાં સૌથી મોટી યુવાશક્તિ છે જેના બે હાથને કામ જોઈએ છે. ભારતમાં કૃષિવિકાસ અટકી પડ્યો છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને નવી પેઢી ખેતી કરવા તૈયાર નથી. ડૉલર સામે રૂપિયો તૂટી રહ્યો છે અને તેલના ભાવ વધી રહ્યા છે. સૌથી મોટી ચિંતાની વાત એ હતી કે આર્થિક ગતિરોધના કારણે જગત આખામાં પ્રતિક્રિયાવાદી ઉભાર આવ્યો છે એટેલ દરેક દેશમાં દરવાજા બંધ કરવાની માંગણી થઈ રહી છે. પરદેશી માલ અને પરદેશી વ્યક્તિ અમારા દેશમાં નહીં જોઈએ. જગત આખું આવું વલણ ધરાવતું થયું છે.

પી.વી. નરસિંહ રાવ સામે નવા યુગમાં નવી જરૂરિયાત પ્રમાણે યાત્રા શરૂ કરવાનો પડકાર હતો. અટલ બિહારી વાજપેયી સામે ગરીબલક્ષી દિશા બદલવાનો પડકાર હતો અને નરેન્દ્ર મોદી સામે અટકી પડેલી અને અટવાઈ ગયેલી યાત્રાને પાછી શરૂ કરવાનો હતો. થાકીને બેસી ગયેલા બળદને ઊભો કરવો એ મોટો પડકાર હોય છે. પૂછી જોજો કોઈ ખેડૂતને. જ્યારે અસીલની જરૂરિયાત અનુસાર કોઈ પણ દિશાની દલીલ કરનારા વકીલ સાહેબને નાણા પ્રધાન બનાવવામાં આવ્યા, ત્યારે ખ્યાલ આવી ગયો હતો કે નરેન્દ્ર મોદી પાસે ચાલવા માટે કોઈ આર્થિક એજન્ડા નથી. હા, જ્યારે પણ સરકારના બચાવમાં પેરવી કરવી પડે ત્યારે કામ આવેલા વકીલ નાણા પ્રધાન છે. અરુણ જેટલી નાણા ખાતાના પ્રધાન નથી, નાણા ખાતાના વકીલ છે. જરૂરિયાત જ આટલી હતી. અરુણ જેટલી નિષ્ફળ નાણા પ્રધાન નથી, પરંતુ નાણા મંત્રાલયે રોકેલા પણ અસરકારક દલીલો નહીં કરી શકનારા નિષ્ફળ વકીલ છે.

હવે ચૂંટણી નજીક આવી રહી છે અને પ્રતિકૂળતાઓ વધી રહી છે. સમય બચ્યો નથી એટલે વિકલ્પો પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો વિકલ્પ છે જ નહીં એમ કહેવામાં આવી રહ્યું છે અને રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડીને તેમને બહાર ધકેલવામાં આવી રહ્યા છે. આના કરતાં ૨૦૧૪માં જ પાટી-પેન લઈને એકડો ઘૂંટવાનું શરૂ કર્યું હોત તો કેટલું સારું થાત!

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 સપ્ટેમ્બર 2018

Loading

સુરેશ જોષી હતા, વરેશ્યસ રીડર. મેધાવી ચિન્તક. કલ્પનનિષ્ઠ સર્જક. ઉત્તમ અધ્યાપક. પ્રખર વક્તા. સાત્ત્વિક વિદ્રોહના માણસ. અને, અતિ સંવેદનશીલ હ્યુમન બીઇન્ગ.

સુમન શાહ|Opinion - Literature|8 September 2018

સંવેદનાસમૃદ્ધ શબ્દસૃષ્ટિના સર્જક સુરેશ જોષીને આજેે એમની પુણ્યતિથિએ આપણા સૌની સ્મરણાંજલિ …

બે દિવસ પર સુરેશ જોષીની પુણ્યતિથિ ગઈ. અવસાન તારીખ ૬ સપ્ટેમ્બર ૧૯૮૬. હયાત હોત તો ૯૭ વર્ષના હોત. અસ્થમાથી પીડાતા હતા, પણ મનોસ્વાસ્થ્ય સારું હતું. તબિયત લથડેલી. વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરેલા. અમે લોકો મળવા જતા. ત્યારે, 'મારી પ્રાણઘાતક વેદનાનું શું થશે?' જેવો પ્રશ્ન પૂછતા… મને પૂછેલું : ડભોઇ હતો? ક્યારે આવ્યો, બોલ, શું થશે? એમને વિશેની ચિન્તાથી ગ્રસ્ત મને શું સૂઝે? મૂંગા મોઢે જોઇ રહેલો. પછી નડિયાદની હૉસ્પિટલમાં ખસેડાયેલા. ત્યાં એમનું અવસાન થયેલું.

સૉક્રેટિસનું મૃત્યુ ઍથેન્સવાસીઓએ ફરમાવેલા મૃત્યદણ્ડથી થયેલું. એમને હૅમલોક પીવું પડેલું. સૉક્રેટિસે 'ડેફિનેશન્સ'-માં, પ્લેટોએ 'ફૉર્મ્સ'-માં તેમ ઍરિસ્ટોટલે 'મૅટર ઍન્ડ ફૉર્મ'-માં જીવનભર પોતાની ચિત્તશક્તિઓ ખરચેલી. કામૂનું મૃત્યુ કાર-અકસ્માતથી થયેલું. ફુલ્લ સ્પીડમાં દોડતી કાર ઝાડ સાથે અથડાયેલી. જીવનની અસંગતતા – ઍબ્સર્ડિટી – વિશે એમણે લાક્ષણિક ચિન્તન કરેલું. ચાબૂકથી ફટકારાતા એક અશ્વની વેદના જોઇને નિત્શે એને બચાવવા દોડી ગયેલા. અશ્વને બાથમાં લઇ રડી પડેલા, પાગલ થઇ ગયેલા. હૉસ્પિટલમાં દાખલ કરવા પડેલા. નિત્શેએ 'ઈશ્વરના મૃત્યુ'-ની વાત કરેલી, એમ કે એ મનોભાવના હવે મરી પરવારી છે. અને એટલે, ઓવરમૅનની -કશા પરમ પુરુષની – શોધમાં જીવ્યા હતા.

જ્ઞાનમાત્ર અનુભવથી રચાય છે એ વાતને આગ્રહથી આગળ કરનારા ફિલસૂફ ડેવિડ હ્યુમને ઍબ્ડોમિનલ કૅન્સર થયેલું. મરણપથારીએ હતા. ડૉક્ટરને કહ્યું : મારા શત્રુઓ ઇચ્છે – જો હોય તો – જલ્દીમાં જલ્દી પતી જઉં; મારા મિત્રો ઇચ્છે તો સરળતાથી ચાલ્યો જઉં. ત્રણ દિવસ પછી હ્યુમનું અવસાન થાય છે. ડૉક્ટરે કહેલું કે હ્યુમના ચહેરા પર કશી ચિન્તા કે નિરાશા ન્હૉતી. બધાં જોડે હેતભરી નરમાશથી વાત કરતા'તા. અને, જેવા એકલા પડતા'તા, મનગમતાં પુસ્તકોમાં ખોવાઇ જતા'તા. વિશિષ્ટ વિશ્વસાહિત્યકાર હોર્હે લુઇસ બોર્હેસ છેલ્લે તો સમ્પૂર્ણ અન્ધ થઇ ગયેલા. લીવરના કૅન્સરને કારણે મૃત્યુ થયેલું. જીનીવામાં અન્ત્યેિષ્ઠ વખતે વડા પાદરીએ કહેલું : બોર્હેસે નિરન્તર સમુચિત પદની શોધ કરી છે. એવું પદ, જે વસ્તુજગતનો અન્તિમ સાર આપતું હોય. ઉપસંહારમાં કહેલું, એ પદને માણસ નથી શોધતો, પદ પોતે જ માણસને શોધી લે છે.

ગાંધીજીનાં બન્ને શસ્ત્ર, સત્ય-અહિંસા, જેનાથી ઉત્તમ એકેય શસ્ત્ર હોઇ શકે નહીં એવાં, અનુત્તમ હતાં. એમની કરુણતમ હત્યા થઇ હતી. કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટે 'આત્માની આરઝૂ સદા ઝૂરવાની' કહીને ઝૂરણને 'જીવનનું અખૂટ પાથેય' ગણેલું. એમણે આત્મહત્યા કરેલી. ક્ષયગ્રસ્ત કવિ રાવજી પટેલે 'અલકાતાં રાજ'-ને અને 'મલકાતાં કાજ'-ને 'ડૂબતાં' જોયેલાં પણ એને વાગેલી તો 'સજીવી હળવાશ'. અકાળે અવસાન થયેલું.

આ સૌનાં શક્તિ-સામર્થ્યની તુલના તો શક્ય જ નથી, જરૂરી પણ નથી. છતાં સૌમાં મને સામ્ય એ દેખાયું છે કે સૌ મનોમન્થનને વરેલા હૃદયવાન મનુષ્યો હતા. મારે ખાસ તો એ કહેવું છે કે સૌની ચેતના 'અતિ' હતી. સુરેશ જોષીની વ્યક્તિમત્તાની મને સપ્તવિધ ઓળખ મળેલી છે : વરેશ્યસ રીડર. મેધાવી ચિન્તક. કલ્પનનિષ્ઠ સર્જક. ઉત્તમ અધ્યાપક. પ્રખર વક્તા. સાત્ત્વિક વિદ્રોહના માણસ. અને, અતિ સંવેદનશીલ હ્યુમન બીઇન્ગ. આમ, એમનામાં સંવેદન, ચિન્તન અને કર્મ ત્રણેય હતાં ને ખાસ એ કે એ સર્વની એમનામાં સંવાદિતા હતી, હાર્મનિ હતી. એમણે 'ભોંતળિયાનો આદમી' શીર્ષકથી દોસ્તોએવસ્કીની 'મૅન ફ્રૉમ ધ અન્ડરગ્રાઉન્ડ'-નો અનુવાદ કરેલો છે. એમાં નાયક પોતાની વેદનાનું કારણ દર્શાવે છે. કહે છે – સંવિત્તિની અતિમાત્રા એ જ મારો અપરાધ છે. સુરેશભાઇ પર એનો પ્રભાવ કેટલો, એની પંચાતમાં ન પડીએ. પણ એમની ખુદની સંવેદનશીલતા એવી જરૂર હતી. 'છિન્નપત્ર' કૃતિ એમણે મિત્રદમ્પતી જયન્ત પારેખ અને સુધાબહેનને અર્પણ કરી છે. લખ્યું છે કે 'ચેતનાની અતિમાત્રા એક આમરણ માંદગી જ છે'. સુરેશભાઇએ અસ્થમાભેગી એ માંદગીને પણ ભોગવેલી એમ કહેવામાં કશી ભૂલ નથી થતી. ઉમેર્યું છે કે 'એમાંથી છટકી નથી શકાતું, કારણ કે આપણે સંવેદનશીલ છીએ.' ચેતનાની એ અતિમાત્રાની ઝાંખી, ખાસ તો, સુરેશભાઇની સાહિત્યસૃષ્ટિમાં થાય છે.

જુઓ, મનુષ્યજીવનનાં બે મહાન પરિબળો છે : પ્રેમ અને મૃત્યુ. બન્ને એમની સૃષ્ટિમાં રસાયાં છે. મુસદ્દારૂપ નવલકથા 'છિન્નપત્ર' પ્રેમવિષયક છે અને 'મરણોત્તર' મૃત્યુિવષયક. કોઇ પણ વાચક / ભાવક બન્નેને વાંચે. મારી સાગ્રહ વિનન્તી છે. બન્નેમાંથી ક્યાંક કિંચિત્ છોડી દઇને એક એક અંશ રજૂ કરું છું :

'છિન્નપત્ર'-માં અજય માલાને કહે છે : 'ગઈ કાલની જ વાત; આપણને ખબર નહોતી ને છતાં આપણી જ પાછળ આપણા આગામી વિરહનો પડછાયો નહોતો ઊભો? જે અશરીરી છે તેના પર આપણું નિયન્ત્રણ નથી. આથી જ તો વિરહ ગમે તેટલે દૂરથી દોડીને આપણી વચ્ચે આવીને ઊભો રહી જાય છે; આંગળીઓમાં ગૂંથેલી આંગળીઓ વચ્ચે આવીને એ સહેજ સરખા ખાલી અવકાશના આશ્રયે વિસ્તરવા માંડે છે. હું વાંચતો હતો, પણ … ક્યારે મારા શબ્દો કેવળ આછા શા ઉદ્ગારની બાષ્પ બનીને વિખેરાઈ ગયા, ક્યારે તારી નિષ્પલક આંખોમાં ઘેરી ઉદાસી ઘેરાઈ આવી ને કશુંક બોલવા મથતા તારા હોઠને મેં ચૂમી લીધા … પછી બધું જ ભારે ભારે લાગવા માંડ્યું …કદાચ એ ભારને ઉપાડવો ન પડે એટલા ખાતર જ આપણે શૂન્યને ઝંખીએ છીએ … શૂન્યમાં આપણે તરી શકતા હોત પણ શૂન્યમાં તરવાનું શક્ય નથી, ડૂબવાનું જ શક્ય છે. આથી નાના સરખા કાર્યનો આધાર લઈને આપણે તરવા મથીએ છીએ; એકાદ કવિતાની પંક્તિ, થોડીક રેખાઓ. પણ એ મને તારાથી દૂર ને દૂર વહાવી નહીં લઈ જાય ને? આથી ઘણી વાર કલમ થંભી જાય છે, ધીમે ધીમે મૌન ઝમે છે, હું ડૂબું છું.' (ખણ્ડ : ૨૩).

'મરણોત્તર'માં નાયકને સાંભળો, કહે છે : 'હવે સમુદ્ર આંસુથી તરબોળ રૂમાલના જેવો પડ્યો છે. આદિ કાળના કોઈ વિરાટ સરિસૃપની જેમ પેટે ચાલતું ધુમ્મસ ધીમે ધીમે આગળ વધે છે … રમતા બાળકના હાથમાંથી લસરી પડીને લખોટી ક્યાંક જઈને અદૃશ્ય થઈ જાય તેમ ચન્દ્ર ક્યાંક દડી ગયો છે … ધુમ્મસના ચાલવાના અવાજ સિવાય ક્યાં ય કશું સંભળાતું નથી. તેથી જ મરણ જાણે હાંફતું બેઠું હોય એવી એના શ્વાસોચ્છ્વાસની અતિશયોક્તિ થઈ જાય છે … ઘરની બંધિયાર હવાને ધુમ્મસ એના બોદા ટકોરાથી જગાડે છે … મને આશા બંધાય છે : આ ધુમ્મસ જ કદાચ મારામાં વસતા મરણને ગૂંગળાવશે : હું મરણની પ્રવૃત્તિ જોયા કરું છું. એ એના ખભા હલાવે છે. ઘડીક એના પીળા દાંત દેખાડે છે. એની આંખો હવે તગતગતી નથી. પશુના જેવો એનો ઘૂરકાટ પણ આછો થઈ ગયો છે. એ પોતાના વજનને વીંટળાઈ વળ્યું છે … આછી ભીનાશની ઝીણી ચાદરમાં હું લપેટાઈ જાઉં છું … ચારે બાજુથી ઘેરાઈ જવાનો આ અનુભવ, વળીને, જંપી ગયેલી કોઈ વાસનાને જગાડે છે. ધુમ્મસ એની શતલક્ષ જિહ્વાથી ચાટીચાટીને એ વાસનાને માંજે છે. એ ઇચ્છા, માથું ઊંચકે છે ને પૂછે છે: 'ક્યાં છે મૃણાલ?' (ખણ્ડ : ૧૬).

ચેતનાની અતિમાત્રાએ સંવેદનાસમૃદ્ધ અને રસપ્રદ ગદ્યમાં આલેખાયેલી આ શબ્દસૃષ્ટિ ગુજરાતી સાહિત્યમાં વિરલ છે. એના સર્જક સુરેશ જોષીને આજેે એમની પુણ્યતિથિએ આપણા સૌની સ્મરણાંજલિ …

= = =

[શનિવાર, તારીખ ૮ / ૯ / ૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત આ લેખ અહીં મૂક્યો છે]

https://www.facebook.com/suman.shah.94/posts/2104023639628538?__tn__=K-R  

Loading

...102030...3,1193,1203,1213,122...3,1303,1403,150...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved