Opinion Magazine
Number of visits: 9969650
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાયદા પંચની અમૂલ્ય સલાહ : યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ શા માટે? સિવિલાઈઝ્ડ સિવિલ કોડ શા માટે નહીં?

રમેશ ઓઝા|Opinion - Opinion|6 September 2018

ગઈકાલના લેખમાં આપણે જોયું કે ભારતીય પ્રજા વચ્ચેના આંતરિક વિખવાદ અને બહુમતી પ્રજાના દુરાગ્રહોનાં કારણે એક દેશ એક ભાષા તેમ જ એક દેશ એક કાયદાની બસ આપણે ચૂકી ગયા. બંધારણ ઘડતી વખતે પણ આ દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં પણ સફળતા નહોતી મળી. હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં આવે એની સામે માત્ર દક્ષિણ ભારતમાંથી વિરોધ થયો હતો એવું નહોતું. અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વ દ્વારા સમાજમાં સ્વાભાવિક વર્ચસ્‌ ધરાવનારા ભદ્ર વર્ગે પણ તેનો વિરોધ કર્યો હતો અને આજે પણ કરે છે. આવું જ એક દેશ એક કાયદાની બાબતમાં બન્યું હતું.

અહીં એક વાત નોંધી લેવી જોઈએ કે દેશની કાયદાપોથીઓમાં જેટલા કાયદા છે એમાંથી ૯૯ ટકા કાયદાઓ દેશની દરેક પ્રજાને એક સરખા લાગુ પડે છે. માત્ર કૌટુંબિક કાયદાઓ (પર્સનલ લોઝ) અલગ અલગ છે. કૌટુંબિક કાયદાઓમાં લગ્ન, છૂટાછેડા, દત્તક, વારસાહક, બે પત્ની રાખવીનો સમાવેશ થાય છે. બીજું આવા વૈયક્તિક કે કૌટુંબિક કાયદાઓનો લાભ એકલા મુસલમાનોને મળે છે એવું નથી, ભારતમાં એવી એક પણ પ્રજા નથી જેને તેમના પોતાના વૈયક્તિક કાયદાઓનો લાભ ન મળતો હોય. આદિવાસીઓ માટે પણ તેમના પરંપરાગત રિવાજો અનુસારના કાયદાઓ (કસ્ટમરી લોઝ) અસ્તિત્વ ધરાવે છે અને એ બધા તેમના પોતાના અલગ અલગ છે.

હિન્દુત્વવાદીઓ કોમી રાજકારણ કરે છે એટલે હવા એવી પેદા કરી છે કે પર્સનલ લોઝ જાણે કે એકલા મુસલમાનો માટે છે અને તેઓ એકલા એકસમાન કાયદા(યુનિફૉર્મ સિવિલ કોડ)નો વિરોધ કરે છે. હકીકત આનાથી ઊલટી છે. બંધારણ ઘડાતું હતું ત્યારે વૈયક્તિક કાયદાઓ નાબૂદ કરીને તેની જગ્યાએ દરેક પ્રજા માટે એક સરખા કાયદા ઘડવામાં આવે એ દરખાસ્તનો વિરોધ કૉન્ગ્રેસમાંના રૂઢિચુસ્ત હિન્દુઓએ અને કૉન્ગ્રેસની બહારના હિન્દુત્વવાદીઓએ કર્યો હતો. એ પછી હિન્દુ સમાજ માટે હિંદુ કોડ બીલ રજૂ કરવામાં આવ્યું, ત્યારે પણ તેમણે તેનો વિરોધ કર્યો હતો. જો તેમણે વિરોધ ન કર્યો હોત તો ત્યારે યુનિફૉર્મ સિવિલ કોડની એક શક્યતા નજરે પડતી હતી. ટૂંકમાં આજે દેશમાં યુનિફૉર્મ સિવિલ કોડ નથી તો એ માટે મુસલમાનો કરતાં રૂઢિચુસ્ત હિન્દુઓ અને હિન્દુત્વવાદીઓ વધારે જવાબદાર છે.

બંધારણ ઘડનારાઓને જ્યારે ખાતરી થઈ ગઈ કે અત્યારે એક દેશ એક ભાષા તેમ જ એક દેશ એક કાયદો સાકાર કરવા શક્ય નથી, ત્યારે તેમણે તેને માર્ગદર્શક સિદ્ધાંતોમાં આમેજ કર્યા હતા. માર્ગદર્શક સિદ્ધાંતોમાં કહેવામાં આવ્યું છે કે આપસી મતભેદોનાં કારણે આટલાં કામ અમારાથી થઈ શક્યા નથી જે ભવિષ્યમાં અનુકૂળતા પેદા કરીને કરવામાં આવે. શું કહી ગયા છે? અનુકૂળતા પેદા કરવામાં આવે અર્થાત્ સર્વસંમતિ વિકસાવવામાં આવે અને તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે.

સભ્ય રાષ્ટ્રના નિર્માણ માટે માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનેક બાબત કહેવાઈ છે જેમાં ભાષા મુખ્ય છે. દેશને જોડવા માટે અત્યંત શક્તિશાળી કડી હોય તો એ ભાષા છે. હિન્દુત્વવાદીઓ અને બીજા દેશપ્રેમીઓ એક દેશ એક ભાષા વિષે ઊહાપોહ નથી કરતા, ક્ષુલ્લક વૈયક્તિક કાયદાઓ વિષે ઊહાપોહ કરે છે. આનું કારણ કોમી રાજકારણ છે. જો તેઓ સાચા દેશપ્રેમી હોય, તો તેમણે હિન્દી રાષ્ટ્રભાષા બને એ રીતની સર્વસંમતિ બનાવવી જોઈએ અને હિન્દીના પક્ષે સર્વસંમતિ બને એ રીતની સુલભ હિન્દીનું સ્વરૂપ વિકસાવવું જોઈએ. ઉચ્ચારણ કરવામાં જડબું તોડી નાખે એવી હિન્દી ભાષા દક્ષિણ ભારતીયો તો ઠીક, હિન્દી પ્રદેશનો બહુજન સમાજ પણ નથી સ્વીકારતો. દેખાવ પૂરતા છીછરા દેશપ્રેમ કરતા ં દેશને જોડનારી નક્કર કડીઓ વિકસાવવા માટે તેમણે કામે લાગી જવું જોઈએ.

તેઓ નથી કરવાના એની ખાતરી રાખજો. બે કારણ છે. એક તો તેઓ રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનું રાજકારણ કરે છે, તેઓ દેશપ્રેમી નથી. બીજું કારણ એ છે કે અંગ્રેજી ટકી રહે એમાં તેમનું પણ સ્થાપિત હિત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના નવ દાયકાના ઇતિહાસમાં ક્યારે ય એક દેશ એક ભાષા માટે અંદોલન કર્યું છે? હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકૃતિ મળે એ માટે દક્ષિણ ભારતમાં હિન્દીનો પ્રચાર કર્યો છે? દરેક પ્રદેશ અને સમાજમાં હિન્દી સ્વીકાર્ય બને એ માટે હિન્દીને  સુલભ કરવાનું કોઈ મિશન સંઘે હાથ ધર્યું છે ખરું? આ બધાં કામ ગાંધીજીએ કર્યા હતા અને આજે પણ થઈ રહ્યાં છે, કારણ કે ગાંધીજી સાચા દેશપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી હતા. તમને નથી લાગતું કે દેશને જોડનારી સૌથી મહત્ત્વની કડી ભાષા છે? ચીન અને જપાનની સફળતા આનું ઉદાહરણ છે. ભારતીયોનો અંગ્રેજીપ્રેમ જોઇને જગત હસે છે.

કહેવાતા દેશપ્રેમીઓને દેશને જોડનારી સૌથી મજબૂત કડી(હિન્દી ભાષા)ને સ્વીકાર્ય બનાવવામાં રસ નથી. એમાં રાજકીય લાભ નથી એટલે કારણ વિના ક્યાં તાકાત ખર્ચવી. તેમને યુનિફૉર્મ સિવિલ કોડમાં રસ છે, કારણ કે એમાં રાજકીય લાભ છે. ખોટી રીતે મુસલમાનોને ટાર્ગેટ બનાવીને ઘેલા દેશપ્રેમીઓને બેવકૂફ બનાવવામાં અને બેવકૂફોની બેવકૂફી ટકાવી રાખવામાં તેમને રસ છે. આપણો એટલે કે સુજ્ઞ નાગરિકોનો કોઈ સ્વાર્થ નથી એટલે આપણે હિન્દીને સુલભ બનાવીને સ્વીકાર્ય બનાવવા માટે કામ કરવું જોઈએ. બાકી યુનિફૉર્મ સિવિલ કોડ ક્ષુલ્લક રાજકીય મુદ્દો છે.

થોભો, એ ક્ષુલ્લક પણ નથી. જે તે ધર્માનુયાયીઓના વૈયક્તિક કાયદાઓ મુખ્યત્વે સ્ત્રીઓને અન્યાય કરનારા છે. એમાં સ્ત્રીઓને અન્યાય થઈ રહ્યો છે એટલે તેમાં સુધારા કરવામાં પુરુષોને રસ નથી, અને બીજું એને કારણે સ્ત્રી સમોવડી બની શકે એમ છે એટલે પુરુષો (જેઓ ધર્મના પ્રવક્તા અને ઠેકેદારો છે) તેનો વિરોધ કરે છે. તો આનો અર્થ એ થયો કે વૈયક્તિક કાયદાઓ લૈંગિક અન્યાય કરનારા છે અને એ અર્થમાં ક્ષુલ્લક નથી, ગંભીર છે. આનો બીજો અર્થ એ થયો કે યુનિફૉર્મ સિવિલ કોડ લૈંગિક સમાનતા માટે અને ન્યાય માટે છે, તેને ધર્મ સાથે ખાસ કોઈ સંબન્ધ નથી. ભારત સભ્ય રાષ્ટ્ર હોવાનો દાવો ત્યારે જ કરી શકે જેમાં કાયદા દ્વારા અને રાજ્ય દ્વારા કોઈને અન્યાય ન થતો હોય. અહીં તો કાયદા દ્વારા અને એ રીતે રાજ્ય દ્વારા દરેક ધર્મની સ્ત્રીઓને અન્યાય થઈ રહ્યો છે.

અહીં કાયદા પંચે ૩૧મી ઓગસ્ટે દેશ સમક્ષ ચર્ચા માટે રાખેલા ‘કન્સલ્ટેશન પેપર ઓન રિફોર્મ ઓફ ફેમિલી લો’નો પ્રવેશ થાય છે. પહેલીવાર નવી પણ નક્કર વાત કહેવાઈ છે. ‘કન્સલ્ટેશન પેપર ઓન રિફોર્મ ઓફ ફેમિલી લો’માં કહેવામાં આવ્યું છે કે મુખ્ય મુદ્દો લૈંગિક અન્યાયનો છે, પરંપરા કે રિવાજજન્ય કાયદાકીય વૈવિધ્યનો નથી. જો સ્ત્રીઓ સહિત કોઈને પણ કાયદો કે રિવાજ અન્યાય ન કરતો હોય તો ભલેને એ કાયદાપોથીમાં રહે ફરક શું પડે છે? નિર્દોષ કાયદાઓનું વૈવિધ્ય કબૂલ રાખો અને અન્યાય કરનારા સદોષ કાયદાઓમાં સુધારા કરો. ટૂંકમાં યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ શા માટે? સિવિલાઈઝ્ડ સિવિલ કોડ શા માટે નહીં? તમને અન્યાય અને અસભ્યતા સામે વાંધો છે કે વૈવિધ્ય સામે વાંધો છે? તમે સ્ત્રીઓને થતો અન્યાય જોઇને શરમ અનુભવો છો કે વૈવિધ્ય જોઇને શરમ અનુભવો છો? આ પ્રશ્નો આપણા જેવા સુજ્ઞ અને સંવેદનશીલ નાગરિકો માટે છે. આપણે જાગૃત સંવેદનશીલ નાગરિક બનીશું તો શાસકો પર દબાવ આવશે, બાકી તેમને સત્તા સિવાય બીજી કોઈ ચીજમાં રસ નથી.

કાયદા પંચે સારું કામ એ કર્યું છે કે તેણે માત્ર સલાહ નથી આપી, દરેક ધર્મના એકેએક વૈયક્તિક કાયદાની ચકાસણી કરી છે અને કયો કાયદો સુધારવાની જરૂર છે એ બતાવ્યું છે. એમાં હિંદુ કોડ બીલ અંતર્ગત ઘડાયેલા કાયદાઓનો અને સ્પેિશયલ મેરેજ એક્ટનો પણ સમાવેશ થાય છે.

નિસબત ન્યાય, સભ્યતા અને સંસ્કારિતા માટેની હોવી જોઈએ. એના પાયા પર રાષ્ટ્રનું નિર્માણ થાય. તારસ્વરીય દેશપ્રેમ તામસી તો હોય છે ઉપરથી વાંઝિયો પણ હોય છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 સપ્ટેમ્બર 2018

Loading

રાધા સો ગીત તારાં લખવાં કબૂલ, કૃષ્ણનું નામ નહીં આવે, બોલ મંજૂર છે?

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|6 September 2018

હૈયાને દરબાર

જન્માષ્ટમીના આનંદમય અવસરની અસર વિદેશી ધરતી પર વર્તાઇ રહી છે. શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ અને મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી … જેવાં ગીતો મોરેશિયસના સ્થાનિક રેડિયો પર બજી રહ્યાં છે. ટર્કોઇશ ગ્રીન કલરના દરિયાની લહેરો પરથી લહેરાતા પવનની સરસરાહટ ચિત્તને પ્રસન્ન કરી રહી છે. ચોમેર ગાઢ હરિયાળી અને નીરવ શાંતિ છે. બસ, થોડી ચહલપહલ છે પરદેશી પ્રવાસીઓની. મોરેશિયસના બીચ પર બિકિનીધારી લલનાઓ ટહેલી રહી છે. આ નીરવ શાંતિમાં દૂરથી મંદિરમાં ઘંટારવ સંભળાય છે. સાંજ ઢળવાની તૈયારીમાં છે. આરતી ટાણું થયું છે. અહીં જ રહેતાં મારાં સ્વાતિભાભી મોરેશિયસના ઇસ્કોન મંદિરનો સંકેત આપે છે.

આ નાનકડા આઈલેન્ડ પર સંખ્યાબંધ હિન્દુ મંદિર આવેલાં છે. લોકો આધ્યાત્મિક છે. મોરેશિયસના ઇસ્કોનમાં જન્માષ્ટમીએ લગભગ પચીસ હજાર ભક્તો રાધાકૃષ્ણના દર્શન કરવા આવે છે. સ્વચ્છ સુંદર રસ્તાઓ ધીમે ધીમે રંગબેરંગી લાઈટોથી ઝળહળવા લાગ્યા છે. કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કૃષ્ણ સમગ્ર જીવનને પ્રેમ કરનારા યુગ પુરુષ છે. એ એકમાત્ર એવા યોગેશ્વર છે જેમણે સ્ત્રીઓની લાગણીઓનો સ્વીકાર કોઇ જાતના ભેદભાવ રાખ્યા વિના કર્યો છે. કોઈ અવતારી પુરુષ રાસલીલા રમતા હોય એવી કલ્પના કરી શકાય? પૂર્ણ પુરુષોત્તમ સુદામાના તાંદુલ આરોગી શકે? અર્જુનનો રથ બની શકે? કૃષ્ણના જીવનમાં દંભને કોઈ સ્થાન નથી. જ્યાં દંભની બોલબાલા હોય ત્યાં કૃષ્ણ રાજી ન જ હોય. રાધા-કૃષ્ણનાં ગીતો વિના કોઈ ગીતકાર જામતો નથી. પ્રેમપંથ પાવકની જ્વાળાની અનુભૂતિ પામનારાને કૃષ્ણની વાંસળીના સૂર સંભળાય છે. કૃષ્ણ ગીતોની વણઝાર મનને તર-બ-તર કરી રહી છે. રાધાનું નામ તમે વાંસળીના સૂર માંહી, જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો, ધેનુકાની આંખોમાં જોયાં મેં શ્યામ, નેજવાને પાંદડે, એકવાર ગોકુળ છોડી ગયા ને … ઓહો, કેટલાં ગીતો યાદ કરવાં?

દેહ મોરેશિયસના દરિયા કિનારે છે પણ મન જઈ પહોંચ્યું છે ગોકુળ, મથુરા-વૃંદાવનમાં. કાનાની મોરલીના સ્વર જાણે દૂર સુદૂરથી સંમોહિત કરી રહ્યા છે. અત્યંત સુંદર આછા લીલાશ પડતાં-સી ગ્રીન ઇન્ડિયન ઓશનમાંથી એક આકૃતિ પ્રગટે છે, રાધા-કૃષ્ણની. રાધા બિના કાના આધા ઔર કાના બિન અધૂરી રાધા. રાધાને કોઈ પૂછે છે કે કાનો તો તને છોડી ગયો છે તો એના વિના તું શું કરશે? રાધા તરત કહે છે કે કાનો તો મારા નામમાં જ સમાયેલો છે, રને કાનો રા અને ધને કાનો ધા. હવે કહો, કાનો ક્યાં દૂર છે મારાથી? આવી કૃષ્ણ સમર્પિત રાધાના કૃષ્ણપ્રેમની મિસાલ જગતમાં ક્યાં ય ન જડે. કૃષ્ણને સોળ હજાર રાણીઓ હતી અને ગોપીઓ સાથેની શૃંગારિક ક્રીડાઓ તો ખરી જ. કૃષ્ણ આટલી બધી સ્ત્રીઓ સાથે સમય વિતાવે એટલે લોકો રાધાને સવાલ કરતા કે તને કંઈ તકલીફ નથી થતી? ત્યારે રાધા નિશ્ચિંતપણે જવાબ આપે, "મુઝે છોડ કર વો ખુશ રહતે હૈ તો શિકાયત કૈસી, ઔર મૈં ઉન્હેં ખુશ ન દેખું તો મુહોબ્બત કૈસી?” રાધાભાવે પ્રેમ કરવો એ કાચાપોચાનું કામ નહીં. જો કે, સામે કૃષ્ણ જેવો પૂર્ણ પુરુષોત્તમ હોવો પણ એટલો જ જરૂરી. મોરપીંછને માંડવે આજે સવાલ-જવાબનું એક અદ્દભુત, અનોખું ગીત સ્મરણ પટ પર ઊભરી રહ્યું છે. તમે માની ન શકો એવા કવિ છે અને કલ્પી ન શકાય એવી કવિની કલ્પના છે આ ગીતમાં. કૃષ્ણ ગીતો તો અઢળક રચાયાં છે, પણ ફક્ત રાધા ગીતો કેટલાં? કવિને અહીં રાધા ગીત રચવાનું મન થાય છે. હાસ્યલેખક તરીકે જ ઓળખાતા બકુલ ત્રિપાઠી અહીં કવિ તરીકે સાવ ભિન્ન પ્રકારનું ગીત લઈને આવે છે. કવિની હિંમત તો જુઓ! તેઓ રાધા પાસે જઇ એક પ્રસ્તાવ મૂકે છે:

રાધા સો ગીત તારાં લખવાં કબૂલ છે,
કૃષ્ણનું નામ નહીં આવે, બોલ મંજૂર છે?
બંસરીની વાત નહીં આવે, બોલ મંજૂર છે?
વાંક નથી તારો વેર નથી મારા મનમાં,
પણ આજે નિર્ધાર મારો પાકો,
કૃષ્ણ કેરા જાદુથી મુક્ત ના એકે કવિ,
પાડ્યો છે એણે કેવો છાકો,
બીજા છો ડરતાં ને ભરતાં છો ખંડણી,
હું તો કવિ ક્રાંતિ ધ્વજ ધારી,
ડરતો ના કૃષ્ણથી હું કવિઓને કહેતો કે,
દુનિયા છે કનૈયાથી થાકી …!
માઠું લગાડજે મા ભોળુડી રાધિકા,
કૃષ્ણનો ય વાંક નથી ઝાઝો,
અમે અક્કરમી કલ્પનાના કંજૂસિયા,
મળતો વિષય ન બીજો તાજો,
પ્રેમની જ્યાં વાત આવી, ટપક્યું ગોકુળિયું ને ગાયો જમના કિનારો,
કૃષ્ણ વિના તો જાણે પ્રેમ જેવું ક્યાં ય નથી, પાક્કો છે ગોઠવ્યો ઇજારો,
તારાં હું ગીત લખું એકસો ને એક પૂરાં,
પાડીએ રિવાજ હવે ન્યારો, કાનુડાના નામ વિના તારું નામ ગાઈએ, રચીએ દુનિયામાં નવો ધારો ..!

આમ, કવિને ૧૦૧ ગીત એવાં રચવાનું મન છે જેમાં કાનુડો ક્યાં ય ન આવે. કાનાના નામ વિનાની ફક્ત રાધાની કવિતા રચીને નવો ચીલો ચાતરવો છે. આ પ્રસ્તાવ રાધા સમક્ષ મૂકીને કવિ ચાલ્યા જાય છે. થોડા દિવસ પછી કવિ રાધાની સંમતિ લેવા પરત ફરે છે ત્યારે રાધા જે જવાબ આપે છે એ જવાબરૂપી ઉત્કૃષ્ટ ગીત આશિત-હેમા દેસાઈએ અદ્દભુત ગાયું છે. આજે મોરેશિયસના સાગર કિનારે અચાનક આ ગીત યાદ આવે છે ને થાય છે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવ્યા પછી હવે રાધિકાને ગાઈએ. વિદેશની ધરતી પર મનમાં રાસલીલા ચાલી રહી છે. આવી જ અનુભૂતિ એકવાર અમેરિકાની ધરતી પર થઇ હતી. લોસ એન્જલસથી લાસ વેગાસની લોન્ગ ડ્રાઈવ પર યજમાને હંસા દવેના સૂરીલા કંઠે રાધાનું નામ તમે વાંસળીના સૂર માંહી … ગીત કાર ડેકમાં સંભળાવ્યું ત્યારે વિદેશની ધરતી પર ગુજરાતી ગીતના સૂરોની રંગીનિયત બહુ મીઠી લાગી હતી. આ લખાય છે ત્યારે ભારતીય સમય મુજબ આઠમની તિથિ છે અને રાત્રિના બરાબર બાર વાગ્યા છે. વિશ્વભરમાં નાદ ગુંજી ઊઠ્યો હશે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી …!

અમે પણ અહીં દરિયાકિનારેથી ઘરે પહોંચીને કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયા છે. ગુજરાતના નારેશ્વરથી ગુરૂજી ખાસ પધાર્યા છે. હોમ-હવન, દત્ત બાવની અને અવધૂત સ્તુિત સાથે ઘરમાં કૃષ્ણ જન્માષ્ટમીનાં ભજન-કીર્તન ચાલી રહ્યાં છે, પરંતુ મારે તો રાધા ભાવથી કૃષ્ણને નિરખવા છે. એટલે જ એક અનોખું ગીત આજે આ કોલમમાં રજૂ કરવું છે. એ ગીત છે ઘંટડીઓ રણકી ને રાધાજી ટહુક્યા …! આ પ્રકારનું ગીત સ્વરકારની પારખું નજરે ચઢે, સ્વરબદ્ધ થાય અને લોકપ્રિય પણ થાય એ ય અનોખી ઘટના. આ ગીતમાં રાધાજી કવિને પ્રત્યુત્તર આપતાં કહે છે કે મારી પરવાનગી શું માંગો છો? એકસો ને એક શું, એક લાખ ગીતડાં ગાશો તો ય કાનો તો બધે આવશે જ. કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય, ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો, આપણાથી છૂટે કેમ આપણો જ નાતો, કવિ! છોડો ને કૃષ્ણથી છૂટવાની વાતો!

આ ગીતના સંદર્ભમાં ગાયક-સ્વરકાર આશિત દેસાઇ કહે છે, "વર્ષો પહેલાં નડિયાદમાં એક લાઈબ્રેરીના ઉદ્દઘાટન નિમિત્તે અમને ગાવા માટે નિમંત્રણ હતું. આયોજકોએ દસેક ગીતો આપીને કહ્યું કે આમાંથી બે-ત્રણ નડિયાદના કવિ છે એટલે એમનાં ગીત ખાસ ગાજો. અમે એમને કહ્યું કે પહેલાં જણાવ્યું હોત તો સારું થાત, અમે એ ગીતો તૈયાર કરીને આવત. પણ હવે તો છૂટકો નહોતો. કાગળિયાં ઉથલાવતા બે કંઇક જુદાં ગીત પર નજર પડી. વાંચીને વધારે મજા એટલે આવી કે કવિ બકુલ ત્રિપાઠી હતા. એક હાસ્યલેખક આવી ઉમદા કવિતા લખી શકે એ જ આશ્ચર્યજનક વાત હતી. શબ્દો બહાર આવે એ રીતે કમ્પોઝ કરવું એ પડકારજનક કામ હતું. છેવટે, રાધા સમક્ષ જે પ્રસ્તાવ મુકવામાં આવે છે એનું પઠન કરવાનું મેં નક્કી કર્યું અને રાધાનો જવાબ ગીત તરીકે સ્વરબદ્ધ કર્યો. ઓન ધ સ્પોટ, ગીત તૈયાર કરી રજૂ કર્યું ને એવું ઉપડ્યું કે હવે તો દરેક પ્રોગ્રામમાં એની ફરમાઇશ આવે છે. સામાન્ય રીતે ગીત ગાતાં પહેલાં હું કવિ પરિચય હંમેશાં આપું પણ આ ગીત લોકોની ધારણા પર છોડું છું. શ્રોતાઓ રમેશ પારેખથી માંડીને કેટલા ય કવિઓનાં નામ ધારે અને છેલ્લે હું બકુલ ત્રિપાઠીનું નામ કહું ત્યારે એમના અચરજનો પાર ન રહે. કવિ હંમેશાં કંઈક નવું કરવા ઈચ્છે છે પણ આ હદે કલ્પના કરે એ કાબિલે તારીફ છે. મારી આ ફેવરિટ કૃતિ છે.

ખૂબ ગમતાં કૃષ્ણ ગીતોમાં હવે અમે પણ આ ગીતનો સમાવેશ કરી દીધો છે. તમે પણ સાંભળજો. ચોક્કસ મજા આવશે.

—————————

ઘંટડીઓ રણકી ને રાધાજી ટહુક્યા કે,
મારી પરવાનગી શું માગો?
કૃષ્ણ વિનાના તમે એકસો ને એક શું,
એક લાખ ગીતડાં ગાઓ, પણ કેમ કરી ગાશો એનું છે અચરજ,
આ આટલામાં સાત વાર આવ્યો?
હોઠથી હટાવો તો આંખમાં છુપાતો ને પાંપણ ઢાળો તો સામે આવે,
આંખો ખોલો તો હાશ! કૃષ્ણ નથી ક્યાં ય, અરે હૈયે આ નટખટ સંતાયો,
હું યે રિસાણી’તી એક દિ’ને હૈયેથી, વાળી-ઝૂડીને બહાર કાઢ્યો,
હળવી થઈ દર્પણમાં જોયું તો કૃષ્ણ,
અને મારો ન ક્યાં ય અણસારો,
કપરું છે કામ, ભલી તમને આ હોંશ છે કે કાનાનું નામ નહીં લેવું,
પણ કેમ કરી ગીત તમે રચશો રાધાનું, એના એક એક અક્ષરમાં કાનો,
કૃષ્ણ એ જ શબ્દ છે ને કૃષ્ણ એ જ લય છે, ને આપણે તે કંઠ કૃષ્ણ ગાતો,
આપણાથી છૂટે કેમ આપણો જ નાતો, કવિ! છોડોને છૂટવાની વાતો …!

• કવિ : બકુલ ત્રિપાઠી • સ્વરકાર : આશિત દેસાઇ • ગાયક કલાકારો: આશિત-હેમા દેસાઇ

——————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 સપ્ટેમ્બર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=438152

Loading

એક જિંદગી કાફી નહીં; અલવિદા, કુલદીપ નૈયર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 September 2018

વાતાવરણ નિરાશાજનક હતું. નેફા(નોર્થઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી – અરુણાચલ પ્રદેશ)નો ખાસ્સો એવો ભાગ હાથમાંથી ગયો હતો. ભારતીય દળો છેક તેઝપુરની તળેટી સુધી પાછાં આવી ગયાં હતાં. લાચારીનાં વાદળ એવાં ફેલાઈ રહ્યાં હતાં કે, જે લોકો બહાદુર હતા તે પણ ઢીલા પડી ગયા હતા. વડાપ્રધાન હતા તો દૃઢ, પણ એમને એનો અંદાજ આવતો ન હતો કે, સ્થિતિ કેવી આકાર લેશે. એક સાંસદ ખાડીલકર (જે હવે નાયબ સ્પીકર પણ હતા) લોબીમાં એમને મળ્યા, અને ડિપ્લોમેટિક રસ્તો અપનાવા સૂચન કર્યું. નાસેર (ઈજિપ્તના ગમાલ અબ્દેલ નાસેર) કામ આવે?

નાસેર નિરાશાજનક નીકળ્યા, નેહરુ બોલ્યા. મોસ્કો? ‘મને બહુ આશા નથી,’ એ બોલ્યા.

એક ખાલીપો ઘેરાઈ વળ્યો હતો. ચીન સાથે શાંતિની બુનિયાદ પર એમણે જે કંઈ ઊભું કર્યું હતું, તેને આમ ધરાશાયી થતું જોઇને એમને કેટલી પીડા થતી હશે. એમના ઘરમાંથી વાતો આવતી હતી કે, એ સામાન્ય કરતાં વધુ મૌન થઇ ગયા હતા, વિચારો પ્રગટ કરતા ન હતા, અને ક્યારેક ચિંતામાં ધ્રૂજતા હતા. ગુટ-નિરપેક્ષ દેશો છેહ દઈ ગયા હતા.

ઈમર્જન્સી કેબિનેટ બેઠકમાં ગૃહપ્રધાન (લાલ બહાદુર) શાસ્ત્રીએ સૂચન કર્યું કે, ભારત ચાઉં-એન-લાઈના પત્રમાં ચીનનો જે પ્રસ્તાવ છે, તે સ્વીકારી લે. વડાપ્રધાને કહ્યું, ‘ના.’ બીજા મંત્રીઓ PMના પક્ષમાં હતા. રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને સાહસિક સમાધાન સૂચવવા બદલ ગૃહપ્રધાનની પ્રસંશા કરી. નેફામાં એવા-એવા ધબડકા હતા કે, સૈન્યના વડા જનરલ થાપરનું રાજીનામું ગમે ત્યારે આવવાનું હતું.

ગૌહાટીથી ડિમાન્ડ હતી કે, દિલ્હીથી કોઈ વરિષ્ઠ નેતા આસામની મુલાકાત લે. નવી દિલ્હીને આસામની પડી નથી, એવા જનતાના રોષથી મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને દુઃખી હતા. નેહરુના પ્રજાજોગ સંદેશમાં ‘અત્યારે મારી સહાનુભૂતિ આસામની જનતા સાથે છે’ વિધાનનો અર્થ, રાજ્યને ‘ગુડબાય’ એવો થયો. ઘણા આસામીઓ ખુલ્લેઆમ કહેતા હતા કે, રાજ્યને અનાથ છોડી દેવા બદલ, આપણે ચીનાઓ સાથે હાથ મિલાવીને ‘દિલ્લીવાળાઓ’ને પાઠ ભણાવો જોઈએ. અંતે લાલબહાદુર શાસ્ત્રીને આસામ જવા કહેવામાં આવ્યું.

ઉપરની આ આખી વાત, ચીને શસ્ત્રવિરામ જાહેર કર્યો તેના બીજા દિવસે, 20 નવેમ્બર, 1962ના રોજ લખાયેલી છે, અને એ પત્રકાર કુલદીપ નૈયરની આત્મકથા ‘બિયોન્ડ ધ લાઈન્સ’નો હિસ્સો છે. આ કુલદીપ નૈયરનું 95 વર્ષની ઉંમરે ગયા બુધવારે અવસાન થઇ ગયું.

પત્રકારો તો ઘણા છે, પણ જેના જવાથી એક આખો ઇતિહાસ પણ જાય, એવા પત્રકારો જૂજ છે. નૈયર એમાંના એક. જેણે વિભાજનનું દર્દ ભોગવ્યું હોય, અને જે સ્વતંત્ર ભારતમાં નવા ઇતિહાસના સાક્ષી બન્યા હોય એવા પત્રકારો તો કદાચ હવે રહ્યા નથી. કુલદીપ નૈયર એમાં હતા, હવે એ પણ ગયા. એમની માતા પાસેથી 120 રૂપિયા લઈને સિયાલકોટથી દિલ્હી આવનારા નૈયર પરિવારના પહેલા સભ્ય હતા. દિલ્હી દંગાની લપેટમાં હતું. નૈયરની ટ્રેન 24 કલાક સુધી મેરઠમાં અટવાયેલી રહી. દિલ્હી પહોંચીને એ સીધા જ બિરલા હાઉસ ગયા, જ્યાં ગાંધીજી રહેતા હતા. ત્યારે એમની ઉંમર 24 વર્ષની હતી.

એમની આત્મકથામાં નૈયર લખે છે, “મારી જિંદગીમાં વિભાજનની જેટલી અસર પડી છે, તેટલી બીજી કોઈ બાબતની નથી પડી. વિભાજને મને મારાં મૂળિયાંમાંથી ઉખાડી નાખ્યો. મારે એક નવા માહોલમાં નવેસરથી જિંદગી શરૂ કરવી પડી. જિંદગીમાં દરેક નવી શરૂઆત અનોખી હોય છે. હું ભૂલમાં પત્રકારત્વમાં આવી ગયો હતો. મારે વકીલ થવું હતું, અને ડિગ્રી પણ મેળવી હતી. સિયાલકોટમાં હું વકીલ તરીકે નામ નોધાવું, તે પહેલાં ઇતિહાસ આડો આવ્યો. ભારતનું વિભાજન થઇ ગયું, અને હું દિલ્હી આવી ગયો, જ્યાં ઉર્દૂ અખબાર ‘અંજામ’માં મને નોકરી મળી. હું હંમેશાં કહું છું કે, મારા પત્રકારત્વનો આગાજ (આરંભ) અંજામ(અંત)થી શરૂ થયો.’

નૈયરને ઉર્દૂનો ખૂબ શોખ હતો. દરિયાગંજ-દિલ્હીમાં એ મશહૂર શાયર હસરત મોહાનીને મળ્યા, અને એમનો જ એક શેર બોલ્યા;

નહીં આતી તો યાદ ઉનકી, મહિનો તક નહીં આતી
મગર જબ યાદ આતે હૈ તો અકસર યાદ આતે હૈ

મોહાનીએ પૂછ્યું, ‘ઉધર સે લગતે હો, પર કિધર સે?’ ‘સિયાલકોટથી’, નૈયરે કહ્યું. ‘ઇકબાલ પણ ત્યાંના જ છે.’ મોહાની બોલ્યા. ઇકબાલ, ફૈઝ બંને સિયાલકોટના હતા. મોહાનીએ નૈયરને ત્યારે કહેલું કે, હિન્દુસ્તાનમાં ઉર્દૂનું મહત્ત્વ ઘટી જશે, અને એમના કહેવાથી નૈયરે અંગ્રેજી પત્રકાર બનવાનું નક્કી કર્યું.

નૈયરની આત્મકથા એમની જ નહીં, આઝાદ ભારતની કહાની છે. આ આત્મકથા 1940થી શરૂ થાય છે, જ્યારે ‘પાકિસ્તાન-પ્રસ્તાવ’ પસાર થયો હતો. વીસ પ્રકરણોમાં વિભાજિત આ પુસ્તકમાં ભારત-પાકિસ્તાન વિભાજન, ચીનનું યુદ્ધ, બાંગ્લાદેશનું યદ્ધ, 1975ની કટોકટી અને 1977ની ચૂંટણી, ઓપરેશન બ્લુ સ્ટાર, રાજીવ ગાંધી અને વી.પી. સિંહનો દૌર, બાબરી ધ્વંસ, ભા.જ.પ.ની પહેલી સરકાર અને મનમોહન સિંહની સરકારના સમયનું વિવરણ છે.

ભારતમાં ભાગ્યે જ કોઈ પત્રકાર હશે, જેણે હિંમતથી, સ્પષ્ટતાથી અને ભાવનાથી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાનના એક મહાસંઘની તરફદારી કરી હોય. નૈયર લખે છે, ‘મારા માટે આ પ્રતિબદ્ધતાનો સવાલ છે, જૂની યાદો સાથે જોડાયેલી લાગણીઓનો નહીં. મને આશા છે કે એક ને એક દિવસ દક્ષિણ એશિયા શાંતિ, સદ્દભાવના અને સહકારની સહયોગી દુનિયા બનશે. મહાદ્વીપ પર લાંબા સમયથી છવાયેલાં નફરત અને દુશ્મનીનાં વાદળો વચ્ચે પણ હું આ ઉમ્મીદ કરું છું.’

નેતાઓ કે લેખકો તો બીજાં પુસ્તકો વાંચીને ઇતિહાસ લખતા હોય છે. નૈયર તો એ જીવ્યા હતા, એના સાક્ષી હતા. ગાંધીજીની હત્યા પછી સ્થળ ઉપર પહોંચનારા પત્રકારોમાં નૈયર પણ હતા. એ ‘અંજામ’ સમાચારપત્ર તરફથી રિપોર્ટિંગ કરવા ગયા હતા. એનું વિવરણ આજના કોઈપણ પત્રકાર માટે રોમાંચક છે. એ દિવસ યાદ કરીને નૈયર લખે છે,

‘30 જાન્યુઆરી, 1948નો એ દિવસ શિયાળાના અન્ય દિવસ જેવો જ હતો. હલકો તડકો અને ઠંડક હતી. કાર્યાલયના એક ખૂણામાં પી.ટી.આઈ.નું ટેલિપ્રિન્ટર સતત શબ્દો છાપી રહ્યું હતું. ડેસ્ક ઇન્ચાર્જે મને લંડનના એક સમાચાર અનુવાદ કરવા આપ્યા હતા. હું ચા પીતાં-પીતાં ધીમે-ધીમે કામ કરી રહ્યો હતો. એવામાં ટેલિપ્રિન્ટરની ઘંટી વાગી. હું કૂદીને ટેલિપ્રિન્ટર પાસે પહોંચ્યો, અને મેં એમાંથી બહાર આવતા ‘ફ્લેશ’ને વાંચ્યો – ગાંધી શોટ. મિનિટોમાં જ હું અને મારો એક સહકાર્યકર મોટરબાઈક પર સવાર થઇ બિરલા હાઉસ પહોંચ્યા. મેં ગમગીનીનો માહોલ જોયો.

ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનને ત્યાં જતા અને ગાંધીને સલામી આપતા જોયા. થોડા અંતર પર પટેલ, નેહરુ અને રક્ષામંત્રી બલદેવ સિંહ ચિંતામાં હતા કે, આ અનહોની ઘટનામાંથી પેદા થનારી હિંસામાંથી દેશને કેવી રીતે બચાવી શકાય. ત્યાં જ એ નક્કી થયું કે, રેડિયો પર એ જાહેરાત કરવામાં આવે કે, મારવાવાળો મુસલમાન નથી, જેથી મુસલમાનોને કાતિલ માનીને એમની વિરુદ્ધ હિંસા ન ભડકે.’ એ પછીનો પૂરો ઘટનાક્રમ નૈયરે ચશ્મદીદ ગવાહ તરીકે લખ્યો છે. આ અને આવાં અનેક દૃષ્ટાંત સાથેનું ‘બિયોન્ડ ધ લાઈન્સ’ ભારતનો રાજનૈતિક દસ્તાવેજ છે.

અભિજ્ઞાનશકુંતલમાં એક શ્લોક છે:


यद्यत्साधु न चित्रे स्यात् क्रियते तत्तदन्यथा ।


तथापि तस्या लावण्यं रेखया किंचिदन्वितम् ।।

લેખક ‘દિવ્ય ભાસ્કર’ વડોદરા આવૃત્તિના નિવાસી તંત્રી છે.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 02 September 2018 

https://www.divyabhaskar.co.in/rasdhar/bhaskar-galaxy/raj-goswami/news/RDHR-RAJG-HDLN-article-by-raj-goswami-gujarati-news-5949823-NOR.html

Loading

...102030...3,1213,1223,1233,124...3,1303,1403,150...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved