Opinion Magazine
Number of visits: 10,229,683
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્યનું સ્થાન નક્કી કરે છે લેખકો અને વાચકો. એ સ્થાન ગમે ત્યારે ઊલળી પડે, પણ એનો નાશ નથી કરી શકાતો

સુમન શાહ|Opinion - Literature|17 June 2019

આપણને કશાક શરણની જરૂર હોય છે. શરણ સાહિત્ય આપી શકે છે – એ તો શરણોનું શરણ છે

અરુન્ધતી રૉય, હાર્લેમ-વ્યાખ્યાન વખતે

સાહિત્યના સ્થાન વિશે અરુન્ધતી રૉય 

તાજેતરમાં અરુન્ધતી રૉયે (1963 – ) ‘પેન અમેરિકા’-ના નિમન્ત્રણથી ‘આર્થર મિલર ફ્રીડમ ટુ રાઈટ લૅક્ચર’ અન્વયે વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાન ‘પેન વર્લ્ડ વૉઇસિસ ફેસ્ટિવલ’-ના ભાગ રૂપે ન્યૂયૉર્ક સિટી-હાર્લેમમાં ઍપોલો થીએટરમાં યોજાયું હતું.

એમણે કહ્યું કે સમુદ્રો તપી રહ્યા છે ને આઈસ કૅપ્સ પીગળી રહી છે (કહેવાય ‘કૅપ’, પણ એ પચાસ હજાર કિલોમીટર ધરતી પર છવાયેલા હિમ અને બરફના પથારા હોય છે). કહ્યું કે પૃથ્વી પરના જીવનને ધારણ કરી રહેલી પારસ્પરિક જાળને – વેબ ઑફ ઈન્ટરડીપેન્ડન્સને – નેસ્તનાબૂદ કરવાને આપણે ત્વરાથી ધસી રહ્યા છીએ. કહ્યું કે આપણી દુર્જેય બુદ્ધિશક્તિ મનુષ્ય અને મશીન વચ્ચેની સીમાઓનો લોપ કરવાની દોરવણીઓ આપી રહી છે. આ ગ્રહને અને તેની પ્રજાતિરૂપ મનુષ્યને જોડવાને આપણે સમર્થ છીએ, પણ આપણો દુર્જેય અહંકાર એમ થવા નથી દેતો. કહ્યું કે કલાને સ્થાને આપણું હવે ઑલ્ગોરિધમ્સથી -પ્રૉબ્લેમોના ઉકેલો આપતી, ખાસ તો, કમ્પ્યૂટરની ગણક-પ્રક્રિયાઓથી- નભે છે.

એમણે જણાવ્યું, આવા સમયે આપણને ‘અજ્ઞાત’ તરફ લઇ જનારા નેતાઓ મળ્યા છે ! અરુન્ધતીએ વ્હાઈટ હાઉસના વ્હાઈટ સુપ્રામેસિસ્ટ્સનો -અમુક વંશ, જાતીયતા કે જૂથની સર્વોપરિતાની વકીલાત કરનારા, સર્વોપરિતાના રખેવાળોનો- નિર્દેશ ખાસ કરેલો. ચીનના નવ્ય સામ્રાજ્યવાદને પણ યાદ કરેલો. એમણે કહ્યું કે આપણામાંના ઘણા જનો સ્વપ્ન સેવે છે કે ‘અન્ય વિશ્વ શક્ય છે’, આ લોકો પણ એ જ સેવે છે. પણ એમને માટે એ સ્વપ્ન છે, આપણા માટે, દુ:સ્વપ્ન !

અરુન્ધતીએ કહ્યું કે અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો અત્યારલગીની ભૂલોમાં એ મોટામાં મોટી ભૂલ હશે. આપણે આવા ભવિષ્ય તરફ ધકેલાઇ રહ્યા છીએ ત્યારે વીજપ્રપાત જેવા આક્રમક થઇને મુરખામીઓ આદરી રહ્યા છીએ -ફેસબુકનાં ‘લાઈક્સ’ -ફાસિસ્ટ્સ આગેકૂચપ્રદર્શનો – જૂઠખચિત ન્યૂઝકૂપ્સ … લાગે છે કે ધનોતપનોત નીકળી જવાનું છે …

કઠિન અને અસહિષ્ણુતાભર્યા સમયમાંથી આપણે એકદમની ઝડપથી પસાર થઇ રહ્યા છીએ ત્યારે અરુન્ધતીને પ્રશ્ન થયો છે કે એવા દારુણ સમયમાં સાહિત્યનું સ્થાન શું છે. માનમરતબો કે મૂલ્ય શું છે? એ નક્કી કરે છે કોણ? એમણે કબૂલ્યું છે કે આ સવાલોનો કોઇ એક સમુપકારક ઉત્તર નથી મળવાનો. એમને પ્રશ્ન થયો છે -એવા સમયે અને ભારત જેવા દેશમાં લેખક હોવું એટલે શું? ઉત્તરમાં એમણે લેખક તરીકેના પોતાના જાતઅનુભવની ખટમીઠી કહાની આ વ્યાખ્યાનમાં ભરપૂર વીગતો આપીને કરી છે.

અરુન્ધતીએ જણાવ્યું કે અમુક વખત પછી હું ‘પોલિટિકલ-ઍક્ટિવિસ્ટ’ કહેવાવા લાગી હતી. સંકેત એ હતો કે મારાં સર્જનાત્મક લેખનો – ફિક્શન – પોલિટિકલ નથી અને મારા નિબન્ધો, લેખો, એટલે કે નૉન-ફિક્શન, સાહિત્યિક નથી !

એમણે દર્શાવ્યું હતું કે સાહિત્ય એવી વસ્તુ છે જે ગૂંચવાડાભરી બાબતોને સરળ અને સાદી રીતે કહી જાણે છે. એ શક્તિ એમણે સર્જનોમાં જોઇ છે. બૂકર-વિનર ‘ધ ગૉડ ઑફ સ્મૉલ થિન્ગ્સ’ (1997) પછી એમણે બીજી નવલકથા ‘ધ મિનિસ્ટ્રી ઑફ હૅપિનેસ’ (2017) આપી છે. ક્યારેક કહેલું, પોતાનો પહેલો પ્યાર સર્જન છે. છતાં એમણે અસરકારક એટલાં બધાં બિનસર્જનાત્મક લેખનો કર્યાં છે, આપણને થાય, વર્તમાનમાં ભાગ્યેજ કોઇ સ્ત્રી-લેખકે કર્યાં હશે. લાગે કે એ સર્જનેતર લેખનો એમનો ભલેને બીજો પ્યાર હોય, પણ પ્યાર છે. છેલ્લા બે દાયકાના એવા લેખોનું પુસ્તક છે, ‘માય સેડિશિયસ હાર્ટ’ (2019), જેમાં અરુન્ધતીએ ન્યાય, અધિકારો અને સ્વાતન્ત્ર્ય માટે તાર સ્વરે વિદ્રોહ પોકાર્યો છે.

કહે કે મારા જાતઅનુભવે મને શીખવ્યું છે કે સાહિત્યનું સ્થાન નક્કી કરે છે લેખકો અને વાચકો. કેટલીક રીતે એ સ્થાન ડામાડોળ હોય છે, ગમે ત્યારે ઊલળી પડે, પણ એ સ્થાન અ-નાશ્ય છે, એનો નાશ નથી કરી શકાતો. એ જો નષ્ટભ્રષ્ટ થયું હોય, તો આપણે લેખકો એને નવેસર રચી શકીએ છીએ. શા માટે કરીએ છીએ એવું? એટલા માટે કે આપણને કશાક શરણની જરૂર હોય છે. અરુન્ધતીએ કહ્યું કે આપણને એવું શરણ સાહિત્ય આપી શકે છે, સાહિત્ય શરણોનું શરણ છે.

હું આને એક મહાનુભાવ લેખકવ્યક્તિ તરફથી મળેલું મૂલ્યવાન વિધાન ગણું છું. એ એમની સર્જક અને કર્મશીલ બન્ને વ્યક્તિતાઓથી સંભવેલું નવનીત છે. એનું જેટલું સ્વાગત કરીએ અને મૂલ્ય આંકીએ, ઓછું કહેવાય.

આપણે ત્યાં સર્જક વ્યક્તિને અને કર્મશીલ વ્યક્તિને સામસામે મૂકવાનો બૂરો ચાલ છે. કેટલાક સર્જકો કર્મશીલોને નથી ગણતા, કેટલાક કર્મશીલો સર્જકોને નથી ગણતા. જ્યારે ત્રીજાઓ, સર્જકોને કર્મશીલ થવા અને કર્મશીલોને સર્જક થવા અવારનવાર પરોણાઘૉંચ કરતા રહે છે. જાણે શી યે મોટી સાહિત્યસેવા કરતા હોય !

અરુન્ધતીના વ્યાખ્યાનમાં રજૂ થયેલી બાબતો ઓછી વિવાદાસ્પદ નથી પણ એમાં ઝળહળતું કોઇ સત્ય હોય તો, વિદ્રોહ છે. રાજસત્તાઓની હાજરીમાં નિરન્તરના અન્યાયો જે થાય છે, પ્રજાઓ જે ભોગવે છે, એની વ્યથા સર્જકજીવોને હમેશાં સતાવતી હોય છે. અરુન્ધતીનો વ્યાખ્યાનસૂર એ વ્યથાથી ઘણો રંજિત રહ્યો છે.

આપણે ગુજરાતી સાહિત્યકારો વ્યથિત નથી એમ નથી પણ આપણી વ્યથા નાનકડું મીંદડું લાગે છે. આપણે સર્જન સિવાયનાં લેખનોમાં નથી પડતા. નિબન્ધલેખન પ્રકૃતિગાન માટે કરીએ છીએ. આત્મકથા જાતહિસાબ માટે લખીએ છીએ. મનુષ્યજીવનને સતાવતા કૂટપ્રશ્નોને વિષય તરીકે નથી અપનાવતા : હન્ગર-પ્રોજેક્ટ, ન્યૂક્લીયર વૉરફૅર, ક્લાઇમેટ ચેન્જ, રેસિઝમ, અપાર્થેઇડ, ઍનર્જી ક્રાઇસિસ, સોનિક પૉલ્યૂશન કે ટૅરરિઝમ જેવા જાગતિક પ્રશ્નો : આપણને આપણા નથી લાગતા. રાજકારણને, માત્ર નીરખવા-ચર્ચવાનું આવડે છે. અને તેમાંયે રાષ્ટ્રના રાજકારણને સ્પર્શીએ એટલા રાજ્યનાને નહીં અને આન્તરરાષ્ટ્રીયને તો જર્રાય નહીં. નારી-શોષણ અને દલિત-વ્યથા માટે સમાજને ઢંઢોળવાનું સૌથી વધારે ફાવે છે. આપણી વ્યથાનું વર્તુળ વિસ્તરતું નથી. પરિઘની બહાર જવું આપણને પરવડતું નથી.

બીજું, આપણા બધાની કારકિર્દીઓ વિદ્રોહસૂરે નહીં પણ મમ્મટ-કથિત યશ:પ્રયોજને ઘડાતી ચાલે છે. રાષ્ટ્રીય કક્ષાના ઍવૉર્ડઝ મળે પછી ઈતિસિદ્ધમ્ ! કેટલાક તો રણજિતરામ મળે પછી ઠરી જાય. બાકીનાઓ આને આદર્શ ધ્યેય ગણીને દિલોદિમાગથી મથતા રહે. આ કશી ફરિયાદો નથી. દરેકને પોતાનું સપનું સ્વેચ્છાએ અને શક્તિમતિએ આકારવાનો અધિકાર છે.

સવાલ એટલો જ છે કે આપણાથી યશ પાસે કેમ અટકી પડાય છે? તારસ્વર કેમ નથી પ્રગટતો? ઠાવકાઇ જ કેમ? સાહિત્યકાર પ્રતિભાવન્ત ન પણ હોય પણ એની પાસે વ્યુત્પત્તિ -દુનિયાને વિશેનું જ્ઞાન- તો હોઇ શકે કે નહીં? આને પણ પ્રતિબદ્ધતા કે સમયપ્રસ્તુતતા જેવા ચવાયેલા મુદ્દા સાથે ન જોડવા વિનન્તી, કેમકે એમાં પણ ચર્ચાચર્ચી પછી બન્ને પક્ષવાળા દે-તાલી કરતા પોતપોતાના ઘર ભણી નીસરી જતા હોય છે.

ભૂતકાળમાં એક સાહિત્યકારમિત્રે એવો દયાર્દ્ર સૂર રેલાવેલો કે -ભાઇ ! મને ગુજરાતીમાં એકાદ રિલ્કે આપો ! સાર્ત્ર આપો ! પણ, હું, આપણે ત્યાં કેમ એકેય અરુંધતી નથી એવી મૃદુલકણ્ઠ સૂરાવલી છેડનારો નથી. મતલબ, આ કોઇ ચીલાચાલુ રોકકળ નથી. આ તો લેખક તરીકેના મારા અને તમારા જાતઅનુભવને તપાસવાની વાત છે. ચોપાસની પરિસ્થિતિ નીરખીને એકબીજાને પૂછવાની વાત છે કે ગમતીલી દીવાલોની બહાર જોતાં આપણને શું અથવા કોણ રોકે છે…

= = =

પ્રગટ : 'સાહિત્ય સાહિત્ય' નામક લેખકની કટાર,'નવગુજરાત સમય", 08 જૂન 2019

Loading

‘કોટા ફેક્ટરી’ : શિક્ષણની ફેક્ટરીનું દર્શન સાથે શિક્ષણ પણ!

કિરણ કાપૂરે|Opinion - Opinion|2 June 2019

છેલ્લા કેટલાં ય સમયથી વેબ સિરીઝનું ફોર્મેટ ભારતમાં ડંકો વગાડી રહ્યું છે. ફિલ્મ અને સિરિયલનું વચ્ચેનું આ માધ્યમ દર્શકોને દસથી વીસ કલાકમાં જે મનોરંજન પીરસે છે તે ફિલ્મો કરતાં વધુ ઊંડાણભર્યું હોય છે અને સિરિયલ કરતાં ઓછું કંટાળાજનક. હવે તો તેનું ચલણ એ હદે વધી રહ્યું છે કે દર બીજા મહિને એક સારી કહી શકાય તેવી વેબ સીરિઝ વિવિધ સ્ટ્રીમિંગ વીડિયો સાઈટ પર ઉપલબ્ધ થાય છે. થોડા વખત અગાઉ જ 'કોટા ફેક્ટરી' નામની એક વેબ સિરીઝ રિલીઝ થઈ છે. આ સિરીઝમાં રાજસ્થાનમાં આવેલું એજ્યુકેશનલ હબ કોટામાં કેવી રીતે શિક્ષણનો બિઝનેસ ચાલે છે તેનું તાદૃષ્ય ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. કોટા તો એક માત્ર દાખલો છે, આવા નાનાં-મોટાં એજ્યુકેશનલ હબ હવે દેશના અનેક શહેરોમાં ઊભા થયા છે, જે જ્ઞાનના કેન્દ્રો રહ્યાં નથી, બલકે તેમની ઓળખ હવે જ્ઞાનના નામે બિઝનેસ કરવાની જ છે!  શિક્ષણ વ્યવસ્થા પર કટાક્ષ કરતી આ સિરીઝ અચૂક જોવા જેવી છે. …

શિક્ષણ વ્યવસ્થા પર કટાક્ષ કરતી અનેક ફિલ્મોનું નિર્માણ થયું છે, પરંતુ શિક્ષણ વિષય અંગે વાસ્તવિક ફિલ્મ તો લોકો પર ઊતરે છે, જ્યાં તેને દરેક પડાવે પીસાવાનું આવે છે. 'કોટા ફેક્ટરી'માં આરંભના જ દૃશ્યમાં તે સ્પષ્ટ થતું જાય છે કે કેવી રીતે આ ચક્રમાં વિદ્યાર્થીઓ અને તેનો પરિવાર ધીરે ધીરે ફસાય છે. આ બિઝનેસની પૂરી કથાનો આરંભ સિરીઝના શરૂઆતના જ દૃશ્યોમાં થાય છે, જ્યાં એક પિતા તેના પુત્ર(વૈભવ પાંડે)ના ‘આઈ.આઈ.ટી.’ના કોચિંગ માટે અહીં એડમિશન અર્થે આવે છે. જાણીતી એક ઇન્સ્ટિટ્યુટમાં પુત્રને એડમિશન તો મળતું નથી, પરંતુ કોટાની પૂરી કહાની બયાન કરનારો રિક્સાવાળો મળી જાય છે. જે કોટા શહેરના માહોલથી પરિચિત છે. કોટા કેવી રીતે ફૂલ્યું ફાલ્યું અને આજે ક્યાં જઈને પહોંચ્યું છે તેનો એક સંવાદ કંઈ આ રીતે તે રિક્સાવાળો પિતા-પુત્ર સામે બયાન કરે છે : “હમ તો યહાં તબ સે હૈ, જબ કોટા ફેક્ટરી નહીં પર શહર હુઆ કરતા થા. તબ કોચિંગ ક્લાસ કી યુનિફોર્મ નહીં હુઆ કરતી થી. ઓર યે સારા માહોલ એક છોટે સે મહોલ્લે વિજ્ઞાન નગર તક હી સીમિત થા.”

આ રિક્સાવાળો કોટા શહેરના માહિતી સુધી જ સીમિત નથી રહેતો. તે અહીંયાના ક્લાસિસ કેવી રીતે ચાલે છે તેનું પણ જ્ઞાન આપતાં પિતા-પુત્રને કહે છે : “યે શહર નહીં હૈ, બલકે એક બહુત બડાં હોસ્ટેલ હૈ. યહા લડાઈ ઇસ બાત કી નહીં હૈ કી કોચિંગ આઈ.આઈ.ટી. કા સોલ્યુશન દે પાઈ યા નહીં. બલકે ઇસ બાત કી હૈ કિ કિસ કોચિંગ ને સબસે પહલે દી. યહા સબ પાગલ હૈ સર, હર તરફ બસ યહી બાત હોતી હૈ કિ કૌન સે ઇન્સ્ટિટ્યુટને ટોપર્સ સે ફીસ લી. કિસ ઇન્સ્ટિટ્યુટને સહી મેં ઉસ કો શિક્ષા દી ઔર કિસને સીધા રેન્ક હી ખરીદ લીયા. કૌન સા ટીચર કિસને ખરીદા. કૌનસા ફેકલ્ટી ઇન્સ્ટિટ્યુટ છોડકર અપના અલગ ઇન્સ્ટિટ્યુટ ખોલ રહા હૈ. બસ, યહી સબ બિગ બોસ ચલતા રહતા હૈ.”

શિક્ષણમાં ચાલી રહેલી આટલી મોટી રમતને એક રિક્સાવાળાના મુખે કેટલી સરસ રીતે કહેવાઈ છે. આ રીતે કુલ પાંચ એપિસોડની આ સીરિઝની આ પ્રથમ સિઝન છે. આ સિઝનના પ્રથમ એપિસોડમાં જ કોટા શહેરનો એક ઓવરવ્યૂ દર્શકને મળે છે. વાર્તા આનાથી આગળ વધે છે ત્યારે પિતા-પુત્ર એક અન્ય પ્રોડોજી ઇન્સ્ટિટ્યુટના વહિવટકાર પાસે એડમિશન માટે જાય છે અને ત્યાં વૈભવ પાંડેને એડમિશન મળે છે. અહીંયા પણ જે સૌથી અગત્યનું એક કેરેક્ટર પ્રવેશે છે અને તે છે જીતુભૈયા. આ જીતુભૈયાની ઓળખ છે કોટાના નંબર વન ફિઝિક્સ ટીચર તરીકેની. તેઓની વિશેષતા એ છે કે તે ફિઝિક્સ હિંદીમાં સરળ રીતે વિદ્યાર્થીઓને સમજાવી શકે છે. આ કેરેક્ટરનો આરંભથી જ ચાર્મ વર્તાય છે અને તે વૈભવ પાંડેને જે શિખામણ આપે છે, તે પણ દરેક વિદ્યાર્થીએ ગાંઠે બાંધવા જેવી છે : “તુમ જૈસો કી ફીસ સે રેન્કર્સ કો સુવિધા મિલતી હૈ. ઔર મેરે જૈસો કા ઘર ચલતા હૈ. ઔર તુમ જૈસે જો ચલે આતે હૈ ના કોટા, નાઈન્થ મેં પોકોમન, ટેન્થ મેં પબજી, ઇલેવન્થ મેં કોટા. ક્યોં? બાજુવાલેં શર્માજી પૂછેંગે તો બતાયેંગે કી કોટા મેં આઈ.આઈ.ટી., નીટ કી તૈયારી કર રહે હૈ. કુલ લગતા હૈ. ફેશન હૈ. યે જો અખબારોં મેં ઇશ્તહાર દેખકર, હોર્ડિંગ દેખકર, હન્ડ્રેન્ડ પર્સેન્ટ સિલેક્ટેટ ગેરન્ટી, હમ ભી બોલતે હૈ હન્ડ્રેન્ડ પર્સન્ટ સિલેક્શન ગેરન્ટી. યે દેખકર જો તુમ ચલે આતે હો ના. પર યહાં કોઈ ગેરન્ટી નહીં હૈ.”

આવા તો અનેક સંવાદ છે જે શિક્ષણ આપતી આવી ઇન્સ્ટિટ્યુટની મર્યાદાઓ આપણે સામે મૂકે છે. પણ બીજા એપિસોડમાં જે સૌથી અગત્યનું છે તે જીતુભૈયાના ક્લાસ છે, જે વિદ્યાર્થીઓને મજાથી ફિઝિક્સ તો શિખવાડે છે, પણ સાથે સાથે કોટામાં કેવી રીતે રહેવું, કેવી રીતે કોટામાં પ્રશ્નોનો સામનો કરવો તે પણ ખૂબ સરળતાથી પોતાના જ દાખલા આપીને શિખવાડે છે. એક વખત પછી તો એવું થઈ આવે કે જીવનના આરંભના જ તબક્કે જો જીતુભૈયા જેવાં શિક્ષક મળી જાય તો કેટલા ય વિદ્યાર્થીઓનો બેડો પાર થઈ જાય!

જીવનમાં કેટલાંક પ્રશ્નો એવાં આવતાં હોય છે તેનું કોઈ સોલ્યુશન નથી અને વિદ્યાર્થીકાળમાં તો આવાં પ્રશ્નો આવે છે ત્યારે તેના સામે ટકવાનું ઓર પડકારભર્યું હોય છે. પણ તેનું ય સોલ્યુશન અહીંયા આપ્યું છે. જે વિદ્યાર્થીઓ મેસમાં જમતાં હશે તેઓને ખ્યાલ હશે કે મેસમાં જમવું પણ એક પડકાર છે. તે માટે ઇન્સ્ટિટ્યુટનો એક બંદો વૈભવ પાંડે અને તેની મંડળીને સલાહ આપે છે કે : “દાલ, સબજી, રોટી બનાની પડતી હૈ, તો ગલતી કા સ્કોપ હૈ, ઔર સ્કોપ દીયા તો મેસવાલે ગલતી કરેંગે હી. ઇસિલિએ વો ખાઓ જો યે નહીં બનાતે, જૈસે સલાડ, અચાર, પાપડ, દહી ચીની.” આવા નાના ફન્ડાથી વૈભવ પાંડે કોટામાં સેટ થાય છે અને ‘આઈ.આઈ.ટી.’માં તૈયારી કરવા માટે પૂરી રીતે તૈયાર થાય છે. આ સીરિઝનું કેન્દ્રિય પાસું શિક્ષણ હોવા છતાં તેનું મજાનું પાસું દોસ્તી પણ બને છે.

હવે થોડું કોટાના શિક્ષણ વિશે જાણીએ તો અહીંયા ચાળીસથી વધુ મોટી કોચિંગ ક્લાસ આવેલી છે, જ્યાં વર્ષે દહાડે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે છે. ઇવન, શહેરનું અર્થતંત્ર પણ આ એજ્યુકેશનલ એક્ટિવિટીથી જ ઊભું છે અને આ ઇન્ડસ્ટ્રીનું અંદાજિત વાર્ષિક ટર્નઓવર 1,500 કરોડનું છે. કોટા આજે શિક્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે પણ તેની શરૂઆત વિનોદકુમાર બંસલ નામની વ્યક્તિથી થઈ હતી, જેમણે પછીથી બંસલ ક્લાસિસ પ્રાઈવેટ લિમિટેડ નિર્માણ કર્યાં. આ ક્લાસિસની અનેક ફેકલ્ટીઝ આજે કોટામાં પોતાની ઇન્સ્ટિટ્યુટ ધરાવે છે. વિદ્યાર્થીની વાત આવે ત્યાં કારકિર્દીની પણ વાત આવે, અને જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાનું હોય ત્યારે તેનું માનસિક દબાણ વિદ્યાર્થી પર વિશેષ અનુભવાય છે. અને એટલે જ કોટાનું જે ગંભીર પાસું છૂટી જાય છે તે એ કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો મુજબ અહીંયા 2014માં 45 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી અને 2015માં પણ આ આંકડો 17નો હતો. આમ, કારકિર્દીના લ્હાયમાં અનેક વિદ્યાર્થીઓ આ શહેરમાં આવીને જીવનનો અંત પણ લાવે છે. આ ઉપરાંત, અનેક  પ્રાઈવેટ શાળાથી પણ કોટામાં જ્યાં-ત્યાં વિદ્યાર્થીઓ નજરે ચઢે છે.

કોટા ફેક્ટરીની આ પ્રથમ સિઝનમાં આવેલાં પાંચ એપિસોડમાં વૈભવ પાંડેનો અભ્યાસ ચાલે છે, દોસ્તો બને છે, તેને રોમાન્સ પણ થાય છે અને તે જીવનનાં પાઠ પણ શીખે છે. આમ જીવનના બધા જ રંગ પરોવીને આ સીરિઝ મસ્ટ વોચ સીરિઝમાં સ્થાન પામે છે.  

e.mail : kirankapure@gmail.com

(સૌજન્ય : ‘ઇન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’ – “ગુજરાતમિત્ર”, 19 મે 2019)

Loading

માઉન્ટ એવરેસ્ટઃ અહીં પણ ‘ટ્રાફિક જામ’ મોતનું કારણ બની રહ્યો છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 June 2019

માઉન્ટ એવરેસ્ટ જોખમી બનવાનાં કારણો હિમશીલાની ટોચની ભ્રમણા જેવાં છે, ધાર્યા કરતાં કંઇક ગણાં મોટા અને કાતિલ

એક સમય હતો જ્યારે શહેરના ઘોંઘાટ અને ટ્રાફિકથી કંટાળીએ ત્યારે આપણને એમ થતું કે પહાડોમાં જતાં રહેવું જોઇએ. ત્યાં પરમ શાંતિનો અનુભવ પણ થાય અને કુદરતનો વૈભવ અને શક્તિ બંન્નેનો અનુભવ થાય. હવે એવા દિવસો આવ્યા છે કે માઉન્ટ એવરેસ્ટ પર ટ્રાફિક જામ થવા માંડ્યો છે અને અકસ્માતમાં જીવ ગુમવાનારાઓનું પ્રમાણ ત્યાં પણ વધી ગયું છે. આ વર્ષે પવર્તારોહણની મોસમમાં એવરેસ્ટ પર ગયેલા ૧૧ જણા, જેમાં ત્રણ ભારતીય છે તે મોતને ભેટ્યા છે. આમ તો એવરેસ્ટ હંમેશાં કપરાં ચઢાણોનો એસિડ ટેસ્ટ રહ્યો છે, પણ સમયાંતરે ત્યાં સંજોગો વધુને વધુ વસમાં બની રહ્યાં છે. છેલ્લા અઠવાડિયામાં એવરેસ્ટ સર કરવા હારબંધ ઊભેલા પર્વતારોહકોની તસવીર બહુ પ્રચલિત બની છે. એ તસવીર એ વાતનો પુરાવો છે કે એવરેસ્ટ પર ટ્રાફિક ‘જામ’ થવા માંડ્યો છે અને ત્યાં હજારો ફૂટની ઊંચાઇએ પણ માણસ જાતે પોતાનું પોત પ્રકાશવામાં કંઇ બાકી નથી રાખ્યું. માઉન્ટ એવરેસ્ટ વધારે જોખમી બની રહ્યો છે તેનાં કારણો ઉપરછલ્લાં નહીં પણ ઘણાં ઊંડા છે, બિલકુલ દરિયામાં દેખાતી હિમશીલા જેવાં અને માટે જ એ સમજવાં જરૂરી છે.

પહેલી વાત તો એ કે, ૨૯ હજાર ફૂટની ઊંચાઇએ પહોંચતો માઉન્ટ એવરેસ્ટ ચઢવો હોય તો તમારી ગમે એટલી તૈયારી હોય કે પછી ત્યાં મોસમ બહેતર હોય, એ કોઇ કાચા-પોચાનો ખેલ નથી. એવરેસ્ટ પર ચઢવું એક ગંભીર ફોકસ માંગી લે તેવી બાબત છે, હવે સમસ્યા એ છે કે જે લોકોને પર્વતારોહણનો પૂરતો અનુભવ નથી તેવાં પણ એવરેસ્ટ પર ચઢાણ માંડે છે. ગાડરિયો પ્રવાહ એ એવરેસ્ટ પર ભેગી થયેલી ભીડનું સૌથી મોટું કારણ છે. એવરેસ્ટને ‘સર’ કરવાની ભૂખ મોતનું આમંત્રણ બની રહી છે. એવરેસ્ટ પર જનારાનો મૃત્યુ આંક ૧૯૨૨થી માંડીને આજ સુધીમાં ૩૦૭ છે પણ આઘાતની વાત એ છે કે આ વર્ષે ૧૧ જણા ત્યાં મોતનાં મ્હોમાં ધકેલાઇ ગયા. એવરેસ્ટ પર પરિસ્થિતિ સરળ નથી હોવાની પરંતુ ત્યાં ભેગી થનારી ભીડ આ પરિસ્થિતિને વધારે આકરી બનાવે છે.  શેરપા તેન્ઝિંગ નોરગે એ ૧૯૫૩માં એડમન્ડ હિલેરી સાથે શેરપા તરીકે એવરેસ્ટની ટોચ સુધી સફર ખેડી હતી. તેન્ઝિંગના પુત્ર જેમલિંગે એક અંગ્રેજી ન્યુઝ પોર્ટલ પર એવરેસ્ટ, પર્વતારોહક, સરકારી વલણ તથા દિવસે દિવસે વધુ અઘરાં બની રહેલા એવરેસ્ટની ડરામણી હકીકત જણાવી છે.

તેમના મતે આજકાલ હવે પર્વતારોહકોને ટોચ પર પહોંચતા પહેલાં માટે બે-ત્રણ કલાક સુધી લાઇનમાં ઊભા રહીને પ્રતિક્ષા કરવી પડે છે. કપરાં વાતાવરણમાં આટલી વાર ઊભા રહેવાનું થાય એટલે શરીરની ઊર્જા ખર્ચાય તે સ્વાભાવિક છે વળી શરીરની ગરમી જાળવવા ઉપરાંત પર્વતારોહક  ઑક્સિજનનાં બાટલાનો બોજ પોતાની જિંદગી ધબકતી રાખવા ખભે લઇને ઊભો હોય. હોલ્ડિંગ રોપ્સ ઝાલીને આટલા બધાં લોકો ઊભા હોય અને તાકડે જ જો સેફટી રોપ જ તૂટી જાય તો એક સાથે બધાં જ પડી જાય, જેને કારણે ઇજા અને મૃત્યુ બંન્ને થવાની શક્યતા રહે છે. બહુ જ સાદી અને સૌને સમજાય એવી હકીકત એ છે કે આટલી ઊંચાઇ પર આ રીતે લાંબા કલાકો ઊભા રહેવું શરીરને હાનિ પહોંચાડે છે. એવરેસ્ટની ટોચ પર પહોંચનારા ત્યાં રાતવાસો નથી કરતાં. ઉપર પહોંચી ત્યાં થોડી ક્ષણો માણી અને પછી નીચે ઉતરવા માંડે છે કારણકે શરીર એટલી ઊંચાઇ લાંબા કલાકો આમ પણ ન ખેંચી શકે. 

એક સમય હતો કે નેપાળની સરકાર એવરેસ્ટની ટોચ પર પહોંચવા માટેનાં માત્ર વીસ પરવાના આપતી. એ સિત્તેરના દાયકાની વાત હતી અને આજે આ પરવાનાનો આંકડો ૩૮૦ કરતાં પણ વધારે છે. જે રીતે લોકોને આડેધડ પરવાના અપાય છે તે સરકારની ટુરિઝમને પગલે આવક પેદા કરવાની મહેચ્છા દર્શાવે છે. દરેક વ્યક્તિ દીઠ પરવાનો આપવા માટે ૧૧,૦૦૦ અમેરિકી ડૉલર્સ સરકારને ચુકવવાનાં રહે છે. આ તો એક ખર્ચો છે પણ આ ઉપરાંત શેરપા ભાડે કરવાથી માંડીને, ટુર ઑપરેટર્સનાં સમીકરણો વગેરેને પગલે પર્વતારોહકો એવરેસ્ટની ટોચ પર જવા માટે ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ ડૉલર્સ ખર્ચે છે. વળી દરેક પર્વતારોહક સાથે એક શેરપા હોવાનો એટલે કે જો ૩૮૦ જણાંને પરવાના મળે તો કૂલ ૭૬૦ જણા એવરેસ્ટ તરફ પ્રયાણ કરે.

વળી મોસમનાં હાલને ધ્યાનમાં લઇએ તો ય એક સમયે, એક સાથે લગભગ ૨૦૦ કે ૨૫૦ જણાં કાં તો ચઢાણ કરતાં હોય અથવા તો ઊતરતા હોય. ૧૯૯૯ની સાલથી દર વર્ષે એવરેસ્ટ સુધી જનારાની સંખ્યા ૩૫૦ની આસપાસ રહી છે. આ આંકડા પર કોઇપણ જાતનો પ્રતિબંધ કે નિયંત્રણ મુકવાનું સરકારે હજી સુધી વિચાર્યું નથી. વધતી જતી જનસંખ્યાનો પ્રભાવ જાણે એવરેસ્ટ પર પણ પડી રહ્યો છે. ૨૨મી મેનો દિવસ પર્વતારોહકો માટે શરૂ સારા મોસમનાં સમાચારથી થયો. જે રીતે પર્વતારોહકોનાં ટોળાં ટોચને ‘સર’ કરવા સાબદા થયાં અને ‘ટ્રાફિક’ જામ થઇ ગયો. એક પણ ગ્રૂપ લિડરને એવો વિચાર ન આવ્યો કે પોતાના સમિટને લઇને આગળ વધવા માટે એ કોઇ બીજો દિવસ પણ પસંદ કરી શકે.  કુંતલ જોઇશેર નામના એક પર્વતારોહકે આપેલી જાણકારી અનુસાર એવરેસ્ટ ‘સર’ કરવા નિકળી પડેલાઓમાંથી કેટલાક તો સાવ નવા નિશાળિયા હતા, તેઓ પોતાનાં બુટની દોરી સુદ્ધાં જાતે નહોતાં બાંધી શકતા.

વધુ ઊંચાઇ પર ધાર્યા કરતાં વધારે કલાકો જ્યારે ‘રાહ’ જોઇને રહેવું પડે ત્યારે માણસનું શરીર જવાબ આપી દે તેવું થવાની સંભાવનાઓ વધી જ જાય. એવરેસ્ટ પર ૨૬,૦૦૦ ફૂટ પછીનો જે પ્રદેશ છે તેને ‘ડેથ ઝોન’ તરીકે જ ઓળખવામાં આવે છે જ્યાં માણસનું અસ્તિત્વ હોવું જ ન જોઇએ. માત્ર ગણતરીના કલાકો જ ત્યાં ગાળી શકાય પછી ગમે તેટલી ઑક્સિજન બૉટલ્સ હોય તો પણ. એક હદ પછી માણસનું શરીર મંદ પડવા માંડે. એક્યુટ માઉન્ટેન સિકનેસને કારણે ઊબકા આવવા, ચક્કર આવવા, થાક લાગવો જેવી સ્થિતિ ખડી થાય છે. વળી જ્યારે એવરેસ્ટ પર ‘ટ્રાફિક’ જામ થયો હોય એટલે એ પરિસ્થિતિમાંથી પોતાની જાતને બહાર કાઢીને વધુ સુરક્ષિત સ્થળે ખસી જવાનું પણ મુશ્કેલ જ હોય. ઊંચાઇ પર હવા પાતળી હોવાને કારણે મગજની આસપાસ રહેલા મેમ્બ્રેન્સ તથા ફેફસાં ગળવા લાગે છે – લીક થવા માંડે છે જેને કારણે શરીરમાં રહેલું પ્રવાહી જ્યાં ન જવું જોઇએ ત્યાં પણ પહોંચી જાય છે.

ફેફસાંમાં પ્રવાહી ભરાવા માંડે પછી ઑક્સિજન મેળવવું બહુ અઘરું થઇ જાય અને એમાં પણ વ્યક્તિ એવાં સ્થળે હોય જ્યાં ઑક્સિજન ઓછો છે. ફેફસાંની આ સ્થિતિને હાઇ-અલ્ટિટ્યુડ-પલ્મનરી-એડેમા કહે છે. મગજમાં પ્રવાહી ભરાવાની સ્થિતિને હાઇ-અલ્ટિટ્યુડ-સેરેબ્રલ-એડેમા કહે છે જે પરિસ્થિતિને વધારે ગંભીર બનાવે છે. આવા સંજોગોમાં માણસ સંતુલનની શક્તિ ગુમાવી બેસે છે, તેને માટે કો-ઑર્ડિનેશન કરવાનું પણ મુશ્કેલ થઇ જાય છે. ચઢાણ વખતે શરદી, થાક, ડિહાઇડ્રેશનના સંજોગોમાં આ બન્ને શારીરિક જોખમો ખડાં થઇ શકે છે. વળી અનુભવને અભાવે પર્વતારોહક શરીરની આ પરિસ્થિતિ સમજ્યા વિના પોતાની સફર ચાલુ રાખે તો પછી તેના જાનને ચોક્કસ જોખમ ખડું થાય. એવરેસ્ટની ટોચ પર પહોંચવામાં ગતિ બહુ અગત્યનું કામ કરે છે. ઝડપથી ઊપર પહોંચી, સમિટને ટેગ કરીને તરત નીચેની સફર શરૂ કરવામાં જ સાર છે. પર્વતારોહણ એક સિરિયસ એક્ટીવિટી છે, ઊંચાઇ પર તમે માત્ર ટકી રહ્યા છો – જીવી નથી રહ્યાં તે હકીકત સમજવી જરૂરી છે. ટોચ પર વધારે સમય પસાર કરવામાં તમારી પાછળ રાહ જોઇ રહેલાં લોકો આ ઊંચાઇ પર બહુ લાંબો સમય ટકવા માટે સક્ષમ નથી એનો ખ્યાલ રાખવો જ રહ્યો.

વળી જ્યાં એક સમયે વર્ષે ૨૦ જણ જતાં હોય ત્યાં જનારાની સંખ્યા ૭૦૦થી વધુ થાય એટલે ત્યાં થતી ગંદકી અંગે તો માત્ર કલ્પના જ કરવી રહી.

એવરેસ્ટની ટોચે પહોંચવા ભેગી થયેલી ભીડ, પાંચ જ દિવસની ‘ઑલ ક્લિયર’ પ્રકારની મોસમ, અણઘડ-બિનઅનુભવી પર્વતારોહકો અને ટૂર ઑપરેટર્સ વચ્ચેની સ્પર્ધા માત્ર માણસોનાં નહીં પણ પ્રકૃતિનાં આ જોખમી પણ અભૂતપૂર્વ ચમત્કારનાં કહેવાય તેવા એવરેસ્ટનાં મોતનું કારણ બની રહ્યાં  છે.

બાય ધી વેઃ

‘વધુ’ની એષણા પર્યાવરણ અને માણસ બન્નેનાં જીવ લઇ રહી છે. ત્યાં પહોંચી જનારાઓ વાતાવરણ પ્રત્યે લગીરેક સંવેદના નથી ધરાવતા. આ વર્ષે નેપાળી સરકારે જ્યારે એવરેસ્ટનું સ્વચ્છતા અભિયાન પૂરું કર્યું ત્યારે તેમણે દાયકાઓથી એવરેસ્ટની ટોચ પર ભેગો થયેલો કચરો દૂર કર્યો અને આ કચરાનું વજન ૧૧ ટન થયું. એવરેસ્ટની ટોચ પર જવામાં રહેલો રોમાંચ હવે ડેસ્ટિનેશન પર પાડેલી સેલ્ફીઓ પૂરતો સિમિત થઇ રહ્યો હોય એવું લાગે છે. જેમલિંગે પોતાની વાતમાં ખેદ વ્યક્ત કર્યો છે કે સાચા પર્વતારોહકો ઘટી રહ્યાં છે કારણ કે એવાં લોકો સુદ્ધાં એવરેસ્ટ ‘સર’ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે જે ઊંચાઇ પર હિટરની માંગણી સુદ્ધાં કરે છે. આ જ દર્શાવે છે કે એવરેસ્ટ ‘સર’ કરવો સાહસનો સંતોષ નહીં પણ દેખાડાની હોડ બની ચૂકેલી બાબત છે.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જૂન 2019

Loading

...102030...2,9472,9482,9492,950...2,9602,9702,980...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved