Opinion Magazine
Number of visits: 9968766
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માત્ર વાત જ નહીં, કહેવાની રીત પણ સાચી હોવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|31 March 2019

પહેલી વાતઃ જગતની કોઈ સંસ્કૃતિ શૂન્યાવકાશમાં નથી વિકસતી. તેને માટે અનુકૂળ માટી-હવા-પાણીની જરૂર પડતી હોય છે. બીજી વાતઃ જગતની કોઈ સંસ્કૃતિ સંપૂર્ણ નથી હોતી. સંસ્કૃતિઓ આખરે માનવર્નિિમત હોય છે એટલે તેમાં ખામીઓ રહેવાની જ. ત્રીજી વાતઃ આખી દુનિયામાં સંસ્કૃતિઓના પરસ્પર સંક્રમણનો યુગ અત્યારે ચાલી રહ્યો છે. એની શરૂઆત આજથી પાંચસો વરસ પહેલાં, માણસ પોતાના વતનથી ઘણે દૂર જતો અને વસતો થયો, ત્યારે થઈ હતી અને અત્યારે તેનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. માણસ પોતાને અને પોતાપણાને લઈને બીજા સ્થળે વસવાટ કરવા જતો હોય છે અને ત્યાં તેણે બીજાની અને બીજાપણાની સાથે જીવવાનું હોય છે.

અહીંથી ઓળખયજ્ઞા અને સમન્વયયોગની શરૂઆત થાય છે અને તેનાથી કોઈ મુક્ત નથી.

આ વાક્ય ફરી વાર નોંધી લો; તેનાથી કોઈ મુક્ત નથી. જગતમાં અત્યારે જોવા મળી રહેલો સંસ્કૃતિ-સંઘર્ષ એ ઓળખયજ્ઞા અને સમન્વયયોગને નકારવાનું પરિણામ છે. આ આજના યુગની નવી સ્થિતિ છે.

આપણને એમ લાગે છે કે આપણા પોતાના પોતાપણામાં કોઈ ખામી નથી અને જે ખામી છે એ બીજાના બીજાપણામાં રહેલી છે. એ જો તેનું ખામીયુક્ત બીજાપણું છોડી દે અને આપણી  ખામીરહિત સંસ્કૃતિ સ્વીકારી લે તો અમે તેમને બાથમાં લેવા આતુર છીએ. અમારી અંદર પ્રેમની કોઈ ખોટ નથી, ઉમંગનો દરિયો છે; તેણે માત્ર બીજાપણું જતું કરવું જોઈએ અને જે આપણું છે તેને તેણે પોતાનું કરવું જોઈએ. અચ્છા, બીજાઓ તેમનું બીજાપણું જતું ન કરવા માગે તો પણ ચાલશે (એટલી ઉદારતા અમારામાં છે), પણ બહુમતીના પોતાપણાને તેણે અધિક માપ તો આપવું જ જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આવી ભૂમિકા છે. તેઓ અત્યંત પ્રામાણિકતાપૂર્વક એમ માને છે કે તેઓ કોઈ આકરી શરત નથી મૂકતા. લઘુમતીએ બહુમતી સાથે સમરસ થવું જોઈએ, બસ. શું આ માગણી  વધારે પડતી છે?

આ દલીલ જેટલી દેખાય છે એટલી નિર્દોષ નથી. એમાં સાંસ્કૃતિક સર્વોપરિતા સ્થાપિત કરવાનો હેતુ છે. અમે અમારું જતું નહીં કરીએ કારણ કે અમે બહુમતીમાં છીએ અને તમારે તમારાપણું જતું કરવું પડશે કારણ કે તમે લઘુમતીમાં છો. બીજું અમારી સંસ્કૃતિ ખામીરહિત શ્રેષ્ઠ છે એટલે તેને અપનાવવામાં વાંધો ન હોવો જોઈએ. આને સાંસ્કૃતિક સંક્રમણ અને સમન્વય ન કહેવાય. આને સાંસ્કૃતિક સર્વોપરિતા માટેનો આગ્રહ અને સંઘર્ષ કહેવાય.

આજકાલ આખા જગતમાં આવા સાંસ્કૃતિક સંઘર્ષ ચાલી રહ્યા છે, કારણ કે જાગતિક (વૈશ્વિક) સમાજ પચરંગી બની રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાપણું લઈને બીજાના બીજાપણા સાથે જીવી રહ્યા છે. અંગ્રેજીમાં કહીએ તો કોસ્મોપોલિટનિઝમ અને મલ્ટી-કલ્ચરિઝમ આજના જગતની આકાર લઈ રહેલી વાસ્તવિકતા છે અને તે આવતીકાલની નક્કર વાસ્તવિકતા હશે. ભારતમાં હિંદુઓ સાંસ્કૃતિક સર્વોપરિતાનો આગ્રહ રાખે છે તો પરાયા દેશમાં એ જ હિંદુઓ પરાયાઓની સાંસ્કૃતિક સર્વોપરિતાથી બચવા માગે છે.

અહીં ત્રણ બાબત તટસ્થતાપૂર્વક તપાસવી જોઈએ. પહેલી બાબત એ છે કે શું આપણી સંસ્કૃતિ ખરેખર ખામીરહિત છે? બીજી બાબત એ કે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે દીવાલો રચવાથી સરવાળે ફયદો થવાનો છે કે નુકસાન? આઘા રહેવાથી કે આઘા રાખવાથી સરવાળે આપણને કોઈ ફાયદો થશે ખરો? અને ત્રીજી બાબત એ છે કે આજના જગતમાં આઘા રહેવું કે કોઈને આઘા રાખવા એ શક્ય છે?

આ ત્રણ સવાલ વિશે, કોઈની વાતમાં આવ્યા વગર, શાંતિથી વિચારો.

શું હિંદુ સંસ્કૃતિ ખરેખર ખામીરહિત છે? આ શ્રેણીમાં હિંદુ સંસ્કૃતિનો ઘાટ કઈ માટીમાંથી ઘડાયો એની વાત કરવામાં આવી રહી છે. એ માટીની મુલાયમતા, લવચીકતા, તેની સુગંધ વગેરેની વાત કરવામાં આવી રહી છે જેણે હિંદુમાનસને ઘાટ આપ્યો છે; તે શું ખરેખર નિર્દોષ ખામીરહિત છે? દલિતો, પછાત વર્ગના લોકો અને દરેક વર્ગ કે જ્ઞાતિની બહેનો મારો કાન આમળે એ પહેલાં મારે કહી દેવું જોઈએ કે આપણી માટીની અદ્દભુત મુલાયમતા તેમ જ લવચીકતા છતાં અને આબોહવામાં મન પ્રસન્ન કરી દે એવી સુગંધ હોવા છતાં આપણી સંસ્કૃતિ પૂર્ણપણે ખામીરહિત નથી. થોડું શરમાવાપણું આપણી સંસ્કૃતિમાં પણ છે અને જ્યાં શરમાવાપણું હોય ત્યાં સ્વાભાવિકપણે છોડવાપણું પણ હોય.

એ હકીકત છે કે જગતની તમામ સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિ સૌથી વધુ ઉદાર છે. આ વાતે આપણે ચોક્કસ ગૌરવ લઈ શકીએ, પરંતુ સાથોસાથ જ્યાં શરમાવાપણું છે તેનો સ્વીકાર પણ કરવો રહ્યો.

સમસ્યા અહીં છે. ભારતમાં જે સંસ્કૃતિ-વિમર્શ થાય છે ગૌરવ-શરમનો વિવેક જળવાતો નથી. દલિત અને સ્ત્રીને કરવામાં આવેલા ન્યાયની એરણે હિંદુ સંસ્કૃતિને મૂલવનારા પ્રગતિશીલો હિંદુ સંસ્કૃતિની કિંમત કોડીની કરે છે એ પણ ખોટું છે અને સંસ્કૃતિ-સંરક્ષકો હિંદુ સંસ્કૃતિમાં કોઈ ખામી જ જોવા તૈયાર નથી એ પણ ખોટું છે.

આવા બે અંતિમેથી સંસ્કૃતિ-વિમર્શ કરવામાં આવશે તો સરવાળે એમાં આપણને જ નુકસાન થવાનું છે.

ભોળા હિંદુઓને એમ લાગે છે કે પોતાને બુદ્ધિમાન પ્રગતિશીલ ગણાવનારાઓને હિંદુઓમાં કોઈ સારપ નજરે પડતી જ નથી. તેઓ હિંદુ ધર્મનો, હિંદુ સંસ્કૃતિનો અને હિંદુઓનો દ્વેષ કરે છે. તેમની વિચારસરણી પાશ્ચાત્ય છે, તેઓ ભારતીય નથી. પ્રગતિશીલ લોકો દ્વારા કરવામાં આવતી હિંદુ સંસ્કૃતિની આક્રમક ચિકિત્સાને કારણે સરેરાશ હિંદુએ તેમની વાત સાંભળવાની જગ્યાએ કાન બંધ કરી દીધા છે.

આ એ હિંદુ છે જેણે રાજા રામમોહન રોયથી લઈને ગાંધીજી સુધીના સુધારકોની વાત સાંભળી હતી અને તેમને સાથ આપ્યો હતો, પરંતુ અત્યારના પ્રગતિશીલોને તેઓ સાથ આપતા નથી.

કેમ?

આ મુદ્દે બુદ્ધિમાન, પ્રગતિશીલ અને પોતાને ઉદારમતવાદી ગણાવતા સંસ્કૃતિ-ચિકિત્સકોએ વિવેક કરવાની જરૂર છે. તેમણે રાજા રામમોહન રોયથી લઈને ગાંધીજી સુધીના પૂર્વસૂરિઓએ કરેલા વિમર્શ પર એક નજર કરવાની જરૂર છે. એમણે એ જોવા-સમજવાની જરૂર છે કે મા પોતાના બાળકને ઓસડ કઈ રીતે પીવડાવે છે. સાચું બોલતા અને કાન આમળતા કોઈ રોકતું નથી. રાજા રામમોહન રોય, વિવેકાનંદ કે ગાંધીજી પણ કાન આમળવાનું ચૂક્યા નથી. પણ કાન આમળવાની એક રીત હોય … એમાં પ્રેમ હોય તો વાત બને …

તો આજનો આ લેખ મારા પ્રગતિશીલ મિત્રોને સમર્પિત.

e.mail : ozaramesh@gmail.com

સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 31 માર્ચ 2019 

http://sandesh.com/just-talking-not-tell-it-to-be/

Loading

નેપોલિયનની રણનીતિ જે હોય એ, આપણો સેનાપિત ભરયુદ્ધે રોજ ઘોડો બદલે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|31 March 2019

કંઈક તો થવાનું જ હતું. દરેક ભારતીયની આવી ગણતરી હતી. કોઈ કહે, ગોધરા અને ગુજરાતકાંડ જેવી કોઈ ઘટના બનશે. કોઈ કહે, પાકિસ્તાન પર હજુ એક હુમલો કરવામાં આવશે. ખુદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આવી શંકા વ્યક્ત કરી હતી. કોઈ કહે, પોતાના પર હુમલો કરાવશે. એ પછી બુધવારે જ્યારે વડા પ્રધાને જાહેરાત કરી કે તેઓ બપોરે રાષ્ટ્રને સંબોધવાના છે ત્યારે આખો દેશ ચિંતામાં પડી ગયો હતો. શું કરશે? બંધારણની કોઈ કલમ શોધી કાઢીને ચૂંટણી તો રદ્દ નહીં કરે? નરેન્દ્ર દામોદરદાસ મોદી લોકસભાની ચૂંટણી જીતવા  કાંઈ પણ કરી શકે એમ છે અને કોઈ પણ હદે જઈ શકે છે. છેવટે બુધવારે જ્યારે સેટેલાઈટ કિલર ટેસ્ટની જાહેરાત કરી ત્યારે આખા દેશે રાહત અનુભવી હતી. ચાલો સસ્તામાં ઘાત ગઈ! ભારત એલિટ ક્લબનું મેમ્બર બની ગયું. હવે બી.જે.પી.ને ખોબલે ખોબલે વોટ મળી જશે અને નરેન્દ્રભાઈ બીજી વખત વડા પ્રધાન બની જશે. હવે અહીંથી અટકે તો સારું.

આવી જગતના સૌથી મોટા લોકશાહી દેશના વડા પ્રધાનની ઈમેજ છે. આવી જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીના અનુગામીની ઈમેજ છે. આનાં કરતાં ગજા મુજબનાં કામ કર્યાં હોત અને ન કરવાં જેવાં સાહસો ન કર્યાં હોત તો આવો વખત ન આવત એવું નથી લાગતું? જેઓ કોઈ કરિશ્મા નથી ધરાવતા અને પોતાને અવતારપુરુષ નથી માનતા એવા સાવ મર્ત્ય માનવી, નામે ડૉ. મનમોહન સિંહે ૨૦૦૯માં કૉન્ગ્રેસને બીજી મુદ્દત અપાવી હતી. ૨૦૦૪ની તુલનામાં કૉન્ગ્રેસને ૨૦૦૯માં વધારે બેઠકો મળી તેનો શ્રેય ડૉ. મનમોહન સિંહને જતો હતો. ડૉ. મનમોહન સિંહ બીજી મુદ્દતમાં નિષ્ફળ ગયા એ જુદી વાત છે.

ડૉ. મનમોહન સિંહની નિષ્ફળતાનાં બે મુખ્ય કારણ હતાં. એક આર્થિક ગતિરોધ. નવમૂડીવાદી અર્થતંત્રમાં વિકાસનો રથ તેની શક્ય એટલી સર્વોચ્ચ ઊંચાઈએ જઈને અટકી ગયો હતો. અંગ્રેજીમાં આને સેચ્યુરેશન પોઈન્ટ કહેવામાં આવે છે અને પછી રેખા નીચેની તરફ વળવા લાગે છે. બીજું કારણ એ હતું કે ભારતે ૧૯૯૧ પછી આર્થિક સુધારાઓ કરીને અર્થતંત્રના દરવાજાઓ તો ખોલી નાખ્યા, પરંતુ લૂંટારાઓ માલ લૂંટી ન જાય તેની સાબદી વ્યવસ્થા કરી નહોતી. આર્થિક સુધારાઓની સાથે સાથે વ્યવસ્થાકીય સુધારાઓ કરવામાં નહોતા આવ્યા. નરસિંહ રાવ, દેવગોવડા, ગુજરાલ, વાજપેયી, ડૉ. મનમોહન સિંહની સરકારો આવી ને ગઈ પણ કોઈએ વ્યવસ્થાકીય સુધારાઓ નહોતા કર્યા. કયા કયા સુધારાઓ અત્યંત આવશ્યક છે અને જો તે કરવામાં નહીં આવે તો મૂડીપતિઓ શાસકોના આંગળિયાત બનીને દેશને લૂંટી લેશે એવી ચેતવણી ૧૯૯૧થી જ આપવામાં આવતી હતી.

ન્યાયતંત્ર પાંગળું, વહીવટીતંત્ર અસંવેદનશીલ અને ભ્રષ્ટ બન્ને, તપાસસંસ્થાઓ અકાર્યક્ષમ અને ભ્રષ્ટ, સંસદને ચાલવા દેવામાં આવે નહીં તો શું થાય? એ જ, જેની કિંમત દેશમાં આર્થિકક સુધારાઓ કરનારા નાણા પ્રધાન ડૉ. મનમોહન સિંહને ખુદને પચીસ વરસ પછી વડા પ્રધાન તરીકે ચૂકવવી પડી. આને પરિણામે સ્થિતિ એવી બની કે પહેલાં જે ધનપતિઓ શાસકોના ક્રોની એટલે કે બગલબચ્ચા હતા તે હવે શાસકો ધનપતિઓના બગલબચ્ચા બની ગયા. જગત આખામાં આવું બની રહ્યું છે અને જગત આખું આ જાણે છે.

૨૦૧૪માં નરેન્દ્ર દામોદરદાસ મોદી સ્પષ્ટ બહુમતી સાથે, લોકોની ચાહના, અપેક્ષા અને શ્રદ્ધા સાથે, રસ્તામાં બહુ મુશ્કેલી પેદા ન કરી શકે એવા નિર્બળ વિરોધ પક્ષો સાથે, આતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ તળિયે ગયા હોય એવી અનુકૂળતા સાથે વડા પ્રધાન બન્યા હતા. કોઈને પણ ઈર્ષ્યા થાય એવી અનુકૂળતા હતી.

અહીંથી આગળ વધતા પહેલાં ઘડીભર વિચારો કે તમે નરેન્દ્ર મોદીની જગ્યાએ હો તો શું કરો? વિચારી જુઓ. એને માટે વડા પ્રધાન જેટલી લાયકાતની જરૂર નથી અને આત્યારના જગતમાં શાસકને અને લાયકાતને સંબંધ પણ નથી. વિચારી જુઓ; તમે નરેન્દ્ર મોદીની જગ્યાએ હો તો શું કરો? તમને એક સાદો સવાલ મનમાં પેદા ન થાય કે ડૉ. મનમોહન સિંહ જેવો જાગતિક ખ્યાતિ ધરાવતો અર્થશાસ્ત્રી આર્થિક ગતિરોધ સામે ઘૂંટણાં ટેકીને બેસી ગયો તો જરાક સમજીએ તો ખરા કે એ આર્થિક ગતિરોધનું વમળ કેવું છે, કેટલું ઊંડું છે અને તેનાં મૂળ ક્યાં છે? જો બાહોશ ડોક્ટરના ઈલાજ  કારગર નીવડતા નથી, તો કોણ છે જે ઈલાજોને નિષ્ફળ બનાવે છે? આવો પ્રશ્ન થાય કે ન થાય? ડૉ. મનમોહન સિંહ દેવગોવડા નહોતા કે હસી કાઢો.

અહીં તમને ઘરગથ્થુ ઉદાહરણ આપું. કોઈ માણસ સખત બીમાર છે અને કોઈ ઈલાજ લાગુ નથી પડતો. છેવટે બાહોશમાં બાહોશ ડોક્ટરને બોલાવવામાં આવે છે. એ આવીને શું કરશે? એ દરદીને તપાસશે, આગલા ડોક્ટરોએ શું ઈલાજ સૂચવ્યા છે અને દવાઓ આપી છે એનાં પ્રિસ્ક્રીપ્શન જોઈ જશે અને શેને કારણે દવાઓ કામ નથી કરતી એનાં કારણો શોધશે. આ સ્વાભાવિક ક્રમ છે. જો ફી લઈને દરદીને સાજો કરવાની ઈમાનદારી હોય તો કોઈ પણ માણસ આ જ કરશે. આને માટે કોઈ વધારાની તાલીમની જરૂર નથી, આ જ કરવાનું હોય; પછી એ ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે ખેડૂત હોય. સમસ્યાનું સ્વરૂપ અને સંજોગો દરેક ડાહ્યો માણસ તપાસે છે.

બીજું ઉદાહરણ વડા પ્રધાનનું જ આપું. વિનય સીતાપથીએ ‘હાલ્ફ લાયન: હાઉ પી.વી. નરસિંહ રાવ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ડિયા’ નામનું પી.વી. નરસિંહ રાવનું જીવનચરિત્ર લખ્યું છે જે દરેકે વાંચવા જેવું છે. કૉન્ગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં પી.વી. નરસિંહ રાવની વડા પ્રધાનપદ માટે પસંદગી થઈ એ પછી ઘરે જઇને પહેલું કામ નાણા સચિવને બોલાવવાનું કર્યું હતું અને પૂછ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિ કેવી છે? તેમણે એટલું વિચારી લીધું હતું કે આગલી ચન્દ્રશેખરની સરકારને ભારતનું અનામત સોનું લંડનમાં ગીરવે મૂકીને પૈસા ઊઠાવવા પડ્યા હતા તો આર્થિક સંકટ મોટું હોવું જોઈએ. કારણ વિના અને સામે ચાલીને કોઈ થોડું નાક કપાવે! નાણા સચિવે નરસિંહ રાવને કહ્યું હતું કે આર્થિક સંકટ બહુ મોટું છે. તેમણે આંકડા પણ આપ્યા હતા. નાણાસચિવને સાંભળીને નરસિંહ રાવને સમજાઈ ગયું હતું કે કોઈ રાજકારણી નાણા પ્રધાન આર્થિક વમળમાંથી દેશને બહાર કાઢી શકે એમ નથી. એને માટે નિષ્ણાત અર્થશાસ્ત્રીની જરૂર છે અને એ પણ નાણા પ્રધાન તરીકે. કોઈ બાહોશ અર્થશાસ્ત્રીને શોધીને તેને પગલાં લેવાની સ્વતંત્રતા પણ આપવી પડશે એટલું જ નહીં પીઠબળ પણ આપવું પડશે. પછી જેમ કહેવામાં આવે છે એમ, રેસ્ટ ઈઝ હિસ્ટરી. પી.વી. નરસિંહ રાવની લઘુમતી સરકારે લઘુમતી સરકાર હોવા છતાં ઇતિહાસ સર્જ્યો.

જે કોઈ ડોક્ટર કરે કે પી.વી. નરસિંહ રાવે કર્યું એ નરેન્દ્ર મોદીને નહીં સૂઝ્યું હોય? તેમને એટલો વિચાર નહીં આવ્યો હોય કે ડૉ. મનમોહન સિંહ જેવો જાગતિક ખ્યાતિ ધરાવનારો માણસ જ્યાં હાર્યો છે તો ચાલો સંકટનું સ્વરૂપ સમજી લઈએ? બીજાને જવા દો આગળ પૂછ્યું એમ તમે હો તો શું કરો?

તેમના તો ઠીક, દેશના દુર્ભાગ્ય કે તેમણે આવો કોઈ પ્રયાસ જ નહોતો કર્યો. જરૂર જ શું છે જ્યારે દેશની પ્રજાને મેસ્મેરાઈઝ્ડ કરતાં આવડતું હોય. હિન્દુત્વવાદીઓ અને મુસ્લિમ વિરોધીઓ તો કોઈ પણ સંજોગોમાં સાથ આપવાના જ છે. એમાં નેહરુની સાત પેઢીને યાદ કરીને કૉન્ગ્રેસની બદનામી કરો એટલે કૉન્ગ્રેસ વિરોધીઓનું ઉમેરણ થશે. તેમને હિન્દુત્વવાદી એજન્ડા માફક ન આવતો હોય તો કાંઈ વાંધો નહીં, તેમનો કૉન્ગ્રેસ વિરોધ એટલો તીવ્ર કરો કે  આપોઆપ તેઓ હિંદુ કોમવાદ સામે આંખ આડા કાન કરશે. આ ઉપરાંત રાષ્ટ્રવાદ, દેશપ્રેમ, મુસલમાનોના અત્યાચારોનો ઇતિહાસ, ગોરક્ષાના નામે ધોલધપાટ કરતાં રહીશું તો આપોઆપ દેશમાં ધ્રુવીકરણ થશે અને તેને કારણે થોડા ભારતીયો ભારતીય મટીને હિંદુ બની જશે. આમ નવહિંદુ પણ બી.જે.પી.ના સમર્થકોમાં ઉમેરણ કરશે. અને નામબદલી અને ઇવેન્ટો તો ખરી જ. રાતના બાર વાગે ખાસ સંસદ બોલાવીને જી.એસ.ટી. લાગુ કરો, અર્ધકુંભને પૂર્ણ કુંભ બનાવી દો, વગેરે. આમ લોકોને લાગવું જોઈએ કે દેશમાં કાંઈક અનોખું થઈ રહ્યું છે. આને કારણે મારા એક મિત્રની ભાષામાં ‘બાળુંડાંઓ’નું સમર્થકોમાં ઉમેરણ થશે. ભાડૂતી જાનૈયાઓ અને બેન્ડ વાજાઓ (ગોદી મીડિયા) તો છે જ.

કમાયા વિના પાંચ પેઢી ખાય એવી ગોઠવણ કર્યા હોવા છતાં અત્યારે આવલાં કેમ મારવાં પડે છે? કઈ વાતનો ભય છે? શું નજરબંધીનાં પદાર્થો પરિણામ નથી આપતાં? એવી તે કઈ મજબૂરી હતી કે આચારસંહિતાનો ભંગ કરીને સેટેલાઈટ કિલર ટેસ્ટ કરવો પડ્યો? એ પહેલાં પણ થઈ શકતો હતો અને પછી પણ થઈ શકત. નેપોલિયને કહ્યું હતું કે એક વાર યુદ્ધ શરૂ થઈ જાય પછી સેનાપતિને અને સેનાપતિના ઘોડાને બદલવામાં આવતા નથી. એને ખરાબ રણનીતિ કહેવાય. આપણે ત્યાં સેનાપતિ ભરયુદ્ધે રોજ ઘોડો બદલે છે. બાલાકોટ અને દલિતોના પગ ધોવાથી લઈને સેટેલાઈટ કિલર ટેસ્ટ કરવા સુધી તેમણે એક મહિનામાં દસ ઘોડા બદલી નાખ્યા છે. આનો શું અર્થ કરશો?

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2019

Loading

સોશ્યલ મીડિયાઃ માનવ સમાજને સમાંતર વિશ્વ જ્યાં રાજકારણ ‘અંગત’ યુદ્ધ છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 March 2019

૨૦૧૭-૨૦૧૮માં સોશ્યલ મીડિયા પોસ્ટ કે ફોરવર્ડને કારણે ધરપકડ થઇ હોવાનાં ઓછામાં ઓછા ૫૦ કિસ્સા બન્યાં છે

છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશનાં રાજકારણની સ્થિતિ સંગીન બની છે અને તેનું કારણ છે કે પહેલાં પાનને ગલ્લે સિમિત રહેતી ચર્ચા હવે વૉટ્સએપ અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર પણ થવા માંડી છે. કાં તો લોકો વિરોધી હોય કાં તો તરફેણમાં હોય પણ જે રીતે તેઓ ચર્ચા કરતાં કરતાં લાગણીનાં જોર અથવા તો બોજનો ભોગ બની જાય છે તેને કારણે રાજકારણ છે એનાં કરતાં વધારે પેચીદું અને ‘ભયંકર’ લાગવા માંડે છે. આપણે ત્યાં મુખ્ય બે પ્રકારનાં લોકો જોવા મળે છે જે કાં તો બિંધાસ્ત વગર વિચારે પોતાનાં અથવા તો પોતે જેને ટેકો આપે છે તે પક્ષનાં વિચારોને ‘દે ધનાધન’ દીધે રાખે છે અને એટલા ખુન્નસથી પોતાની વાતને વળગે છે જાણે તેમની સાથે સંમત નહીં થનારા તમામને એમનું ચાલે તો ગોળીએ દઇ દે. ગોળીએ નથી દઇ શકતા એટલે તેઓ કાં તો ગ્રૂપમાંથી એક્ઝિટ થઇ જાય છે અથવા તો સોશ્યલ મીડિયા પર ‘અનફ્રેન્ડ’ થઇને દોસ્તી-યારીને ખતમ કરી દે છે. જેમને આ કાદવ-ઉછાળ પ્રવૃત્તિ ગમે છે એ લોકો સામસામે દલીલબાજી કરવાનું ચાલું રાખે છે, પછી ભલેને એમને એક ‘કોરમ’ થવા જેટલું ઑડિયન્સ પણ ન મળતું હોય.

હવે આ તો એક પ્રકારનાં લોકોની વાત થઇ, બીજાં પ્રકારનાં લોકો એવા છે જે સોશ્યલ મીડિયા કે ચેટ ગ્રુપ્સમાં ચાલતા મેસેજીઝ, શેર્સ, પોસ્ટ્સ અને ફોરવર્ડ્ઝને જોયા કરે છે ખરાં પણ તેમાં પ્રવૃત્ત ભાગ લેવાનું ટાળે છે. તેમનો પોતાનો મત સ્પષ્ટ હોય છે અને તેઓ બીજાને પોતાનો મત ગળે ઉતારવાની જહેમત કરવામાં નથી માનતા. આ બંન્ને મુખ્ય પ્રકારો વચ્ચે એક વધારાનો પ્રકાર છે જે નિરપેક્ષતા અને નિસ્પૃહતાથી પોતાને જે ગમતું હોય એ શેર કરે છે – શેર કરે એટલે કે એ લખાણ તેમનું પોતાનું નથી હોતું પણ પોતે જે વિચારો સાથે મેળ ખાય છે તેને બંધ બેસતું હોય છે. આવા લોકોને ટિપ્પણી કરવામાં કે પોતાના વિચારો થોપવામાં રસ નથી હોતો પણ પોતાની વાત રમૂજથી કે ગંભીરતાથી રજૂ કરી શકાતી હોય તેવી તમામ બાબતોને તેઓ બહુ સ્પષ્ટતાથી ‘શેર’ કરે છે જે તેમણે પોતે નથી લખી.

રાજકીય પક્ષો માટે સોશ્યલ મીડિયા કેટલો મોટો ફોર્સ બની ચુક્યો છે તેની વાત આપણે ગયા અઠવાડિયે કરી પણ મતદારો માટે રાજકારણની વાત આવે ત્યારે સોશ્યલ મીડિયા શું મહત્ત્વ રાખે છે તેની પણ ચર્ચા કરવી અનિવાર્ય છે.

તાજેતરમાં જ આવેલા એક સમાચાર અનુસાર અંગ્રેજી બોલી શકતા ૫૫ ટકા ભારતીયો પોતાનો રાજકીય મત ઑનલાઇન પોસ્ટ કરવામાં નથી માનતા. થોડાં વર્ષો પહેલાં જ્યારે બાળ ઠાકરેનું નિધન થયું અને બે છોકરીઓએ તેમના મૃત્યુ નિમિત્તે મહારાષ્ટ્ર બંધ હોવાની વાસ્તવિકતાની ટીકા કરી ત્યારે તેમની ધરપકડ થઇ હતી. આ તો એક ઘટના છે પણ એ પછી એક કરતાં વધારે વાર એવું પણ બન્યું કે શાસક પક્ષની ટીકા કરતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી પોસ્ટ કરનારાઓની ધરપકડ કે અટક કરાઇ. એક રિપોર્ટ અનુસાર ૨૦૧૭-૨૦૧૮ની વચ્ચે સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે લગભગ ૫૦ લોકોની ધરપકડ કરાઇ છે. આવા પ્રકારની ધરપકડમાંથી કોઇ બાકાત નહોતું તેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, રિક્સાવાળા, એક્ટિવિસ્ટ્સ વગેરે તમામનો તેમાં સમાવેશ થતો હતો. સોશ્યલ મીડિયાનો ઉપયોગ રાજકારણમાં છેલ્લા પાંચ વર્ષથી બળુકો બન્યો છે અને માટે જ મતદારો તેનો ઉપયોગ પોતાનું બળ વાપરવા ન કરે તેની તકેદારી પણ જાણે રખાતી હોય એવું લાગે છે. પરંતુ આમાં કોઇ એક પક્ષની વાત નથી કારણ કે ઑનલાઇન પોતાની વાત મુકનારાઓ કોઇ એક જ પક્ષનાં હોય એ જરૂરી નથી. બન્ને મુખ્ય રાજકીય પક્ષોનાં આઇ.ટી. સેલ જેટલાં પહેલાં ક્યારે ય નહોતાં એટલાં હવે એક્ટિવ અને એલર્ટ છે. કદાચ આ કારણે જ રોઇટર્સમાં આવેલા એક રિપોર્ટ અનુસાર અંગ્રેજી બોલનારા સમૂહનો સરવે કરતાં જાણવા મળ્યું કે સત્તાધીશોની આંખે ન ચઢે એ માટે તેઓ પોતાના રાજકીય અભિપ્રાયને ઑનલાઇન પ્લેટફૉર્મ પર વ્યક્ત નથી કરતા.

આમ પણ ઑનલાઇ પ્લેટફૉર્મ પર રાજકીય વિવાદ છેડવો એ સુરંગ બિછાવેલા મેદાન પર ચાલવા જેવી સ્થિતિ હોય છે. એક સંશોધન અનુસાર ઑનલાઇન એવા જ લોકો રાજકીય વિવાદનો મધપૂડો છંછેડે છે જેમને ખરેખર તો બીજા શું વિચારે છે તેની પરવા સુદ્ધાં નથી હોતી. તેમને ટ્રોલિંગની પણ પરવા નથી હોતી અને સોશ્યલ મીડિયાનાં ‘સમાજ’માં તેમને વિષે લોકો ‘જજમેન્ટ’ કે પૂર્વગ્રહ બાંધી લેશે એનાથી પણ તેમને કોઇ ફેર પડતો નથી. હવે આ પરિસ્થિતિનું એક ભયસ્થાન એ છે કે એવાં લોકો પણ હોય છે જેમને ‘રિજેક્શન’નો ડર હોય છે. પોતે રિજેક્ટ ન થઇ જાય એટલે જેની હોહા વધારે છે તેની સાથે જોડાઇ જવુંની ગાડરિયા પ્રવાહની વૃત્તિ તેમને વધારે માફક આવે છે. આમ થાય તો અંતિમવાદી જૂથોનું કદ વધી જાય પછી ભલેને હોબાળો કરનારાંની સંખ્યા બહુ મોટી ન હોય. પરિણામ એવું પણ આવે કે આના પગલે રાજકીય ધ્રુવીકરણ વધી જાય.

વધારેને વધારે ભારતીયો હવે ઑનલાઇન છે. ગ્રામીણ મત કોઇપણ ચૂંટણી માટે સૌથી અગત્યનાં હોય છે ત્યારે સ્માર્ટફોન ધારક ગામડાંનો હોય અને શહેરનો હોય ત્યારે પણ ઘણાં સમીકરણો બદલાઇ જાય છે. શહેરનો સ્માર્ટ ફોન ધારક વિવેકબુદ્ધિ વાપરવાનું પસંદ કરે તે સ્વાભાવિક છે. તે પ્રો અને એન્ટી બંને પ્રકારની માહિતી મેળવે ત્યારે તેને ‘ફેક્ટ ચેક’ કરવાની સૂઝ હોય છે. ગામડાંનાં માણસ માટે હાથમાં સ્માર્ટફોન હોવાનું એક્સાઇટમેન્ટ જ એટલું બધું હોય છે કે તેને ‘હાઉ ઇઝ ધી જોશ?’વાળી વાતમાં જોશ જ દેખાય છે અને ફોરવર્ડ્ઝ કે પોસ્ટ શેર કરતી વખતે તેને હોશનો ઉપયોગ કરવાની જરૂર નથી લાગતી. આ સ્થિતિમાં ફેક ન્યુઝનાં ફેલાવા સહિત ગરીબ-સામાન્ય માણસની ધરપકડ જેવા કિસ્સા સામાન્ય બની જાય છે. લાઇવ મિન્ટ વેબ પોર્ટલ પર એક રિપોર્ટમાં સાવ નિર્દોષતાથી કંઇક પોસ્ટ કે ફોરવર્ડ થઇ ગયું હોવાને કારણે જેમને રાજકારણ કે ભક્તિવાદ કે વિરોધાનાદ સાથે કંઇ જ લેવા દેવા ન હોવા છતાં જેલની હવા ખાવી પડી હોવાનાં વિગતવાર કિસ્સા નોંધાયા છે. આ બિચારા માણસો પોલીસનો ત્રાસ વેઠીને આવે પછી તેમની આસપાસનો સમાજ તેમનો બહિષ્કાર કરવા માંડે છે અને અને તેમને તો પોતાનો કહેવાતો ‘ગુનો’ પણ સમજાતો નથી. ગામડાંનો માણસ આ આખી ય વસ્તી એકલો પડે છે તો શહેરનો માણસ રાજકારણની ચર્ચામાં સંબંધ બગાડવામાં એક્સપર્ટ બન્યો છે. સાહેબની વાતનો વિરોધ થાય કે નહેરુને સવાલ કરાય તો ગ્રુપમાંથી નિકળી જવાનાં અથવા તો કુટુંબનાં સભ્યોને બ્લોક કરી દેવાનાં કિસ્સા તો આસપાસનાં વર્તુળમાંથી જ પૂરતાં મળી જાય એમ છે.

વળી ફેક ન્યુઝ અને ખોટી માહિતીને પગલે રાજરમત કરાતી હોવાનો પ્રશ્ન માત્ર ભારત પૂરતો સિમીત નથી કારણ કે વિદેશમાં પણ આ મુદ્દો સળગતો રહે છે. આ બધાંની વચ્ચે સોશ્યલ મીડિયા પર રાજકીય મનોરંજનનો અસ્ખલિત પ્રવાહ વહેતો હોય છે. કુનાલ કામરા, વરુણ ગ્રોવર જેવા સ્ટેન્ડઅપ કોમિક્સ હોય કે પછી આકાશ બેનર્જી અને ધ્રુવ રાઠી જેવાં ભારતીયો બહુ નક્કર હકીકતોને ઉત્તમ કટાક્ષ સાથે રજૂ કરે છે. તેઓ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાબિત થાય છે. જે લોકો તરફી કે વિરોધી કે પછી સત્ય હકીકત લોકો સુધી લાવવાનાં એક માત્ર હેતુને પાર પાડવા માગે છે તેઓ શાંતિથી પોતાનું કામ કરતાં રહે છે. એવાં કેટલાંક લોકો પણ છે જેમની પોસ્ટ્સને પગલે ફેસબુકે તેમનું એકાઉન્ટ બ્લૉક કરી દીધું હોય પણ પછી ફરી તેમને જીવતદાન મળે છે અને તેઓ પોતાની વાત કોઇપણ પ્રકારનાં સંકોચ વગર કહે છે.

વળી આપણે ત્યાં એવાં લોકો પણ છે જે બરખા દત્ત જેવાં જર્નાલિસ્ટને બેહૂદી તસવીરો મોકલે છે અને પછી ઝડપાય પણ છે.

વિદેશમાં પણ વિવાદાસ્પદ પોસ્ટને પગલે ધરપકડ થવાનાં કિસ્સા થયાં છે. જેમ કે નોર્થ લેન્કશાયરનાં માર્કસ મીચાને પોતાનો પાળેલો કૂતરો નાઝી સેલ્યુટ કરે છે એવા વીડિયો પોસ્ટ કર્યાં અને તેને જેલભેગો કરાયો. ૨૦૧૭માં બર્લિન પોલીસે હેટ પોસ્ટ, ધમકીઓ, રંગભેદ જેવી પોસ્ટને પગલે ૩૬ જણનાં ઘરે રેડ પાડી હતી. આ એવી ઘટના હતી જેમાં ધ્રુવિકરણને રોકવાનો પ્રયાસ હતો જે સરાહનીય છે. હવે આનાંથી વિપરીત કિસ્સા જોઇએ તો ૨૦૧૮ની સાલમાં ટર્કિશ સત્તાધીશોએ નોર્થેવેસ્ટ સિરિયન ડિસ્ટ્રીક્ટ અફ્રિનમાં કરેલી લશ્કરી પહેલની ટીકા કરનારા અને શાંતિની માંગ કરનારા લોકોની મોટી સંખ્યામાં ધરપકડ કરી હતી. જોર્ડનમાં પણ સોશ્યલ મીડિયા પર સરકારની ટીકા કરનારાઓની ધરપકડ થઇ હોવાના કિસ્સા પહેલાં બની ચુક્યાં છે. આ બધાંની વચ્ચે અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમ જેવા બે સશક્ત રાષ્ટ્રોની વાત કરીએ તો એ સ્પષ્ટ છે કે ત્યાં લોકો પોતાના રાજકીય વિચારો વ્યક્ત કરતાં જરા ય પાછી પાની નથી કરતા.

સેલફોનનો સ્માર્ટ ઉપયોગ કરવાને મામલે ભારત કાં તો ક્યાંક કાચો પડે છે અથવા તો પછી વધુ પડતી સમજણનું દોઢ ડહાપણ બધું ડહોળી નાખનારું સાબિત થાય છે. રાજકીય બાબતોને મામલે પ્રજા વિવેકબુદ્ધિને પ્રાધાન્ય આપે તો પ્રધાનો વધુ પડતા લાભ કે વધુ પડતા ફટકા, બંન્નેમાંથી બચી જઇ શકે એ ચોક્કસ.

બાય ધ વેઃ

રાજકીય બાબતને લગતી પોસ્ટ કે ફોરવર્ડ્ઝને કારણે ધરપકડ થઇ હોવાના કિસ્સા એવા જ દેશોમાં છે ત્યાં સરકાર અંતિમવાદી માનસિકતા ધરાવે છે જે ઉપરનાં બનાવો પરથી પણ સમજી શકાય છે. આપણે ત્યાં લિન્ચીંગનાં વીડિયો વાઇરલ થાય છે તો કશું નથી થતું પણ ભૂલથી સરકારની ટીકા થાય તો જેલના સળિયા ગણવા પડે છે. વળી એમાં એવું નથી કે ખુદ સાહેબને તેનાથી ફેર પડે છે કારણ કે તેઓ આ બધાથી પર છે અને તે પોતાના આઇ.ટી. સેલને પ્રચાર-પ્રસાર માટે જ કામે લગાડે પણ નાની જગ્યાઓએ કાયદો-વ્યવસ્થા જાળવનારાઓ બની બેઠેલા ઠેકેદારો છે અને આમ તેઓ લોકોને રંજાડીને ‘દેશભક્તિ’નો ખોંખારો ખાઇને ખુશ રહે છે. બાકી દરેક પક્ષ પોતાના આઇ.ટી. સેલના ઉપયોગથી શું કરવા ધારે છે અને શું કરી શકે છે તેને માટે ગયા અઠવાડિયાની વાત વાગોળવી રહી અને વિગતે સમજવું હોય તો ફ્લેટ સ્ક્રીનની પેલે પાર જઇને મુદ્દાને ૩૬૦ ડિગ્રીમાં સમજવો પડે.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2019

Loading

...102030...2,9482,9492,9502,951...2,9602,9702,980...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved