Opinion Magazine
Number of visits: 10,229,304
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ વૃંદાવન આખું

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|22 August 2019

હૈયાને દરબાર

બે દિવસ પછી જન્માષ્ટમી છે. કૃષ્ણ પરાણે વ્હાલા લાગે એવા ભગવાન છે, જેમના પ્રેમમાં અનાયાસે પડી જવાય. એમાં ય કવિઓના તો એ પ્રિય ઈશ્વર. ગુજરાતી તથા ભારતની અન્ય ભાષામાં કૃષ્ણગીતો એટલાં બધાં રચાયાં છે કે કયા ગીતની વાત કરવી અને કયું બાજુએ મૂકવું એ દ્વિધા નિવારીને આજે કેટલાંક થોડાંક વધારે ગમી ગયેલાં ગીતો અહીં મૂક્યાં છે. વાંચવા અને સાંભળવાં બન્ને ગમે એવાં આ ગીતો તમને જરૂર ગમશે.

આજનું મુખ્ય ગીત છે વાંસલડી ડોટ કોમ. જેમના નામમાં જ ગિરિધારી સમાયા છે એ કવિ કૃષ્ણ દવે ભગવાન કૃષ્ણનું કેવું મસ્ત ગીત લઈને આવે છે! આધુનિક જમાનાને અનુરૂપ આ ગીત બ્રિટનના સ્વ. ચંદુભાઈ મટ્ટાણીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે હેમા દેસાઈએ. કાનજીની વિશાળ વેબસાઈટની વાત આધુનિક સંદર્ભમાં હૃદયસ્પર્શી રીતે રજૂ થઈ છે. એ સિવાય કેટલાંક અન્ય કૃષ્ણગીતો અહીં મૂક્યાં છે એ પણ વાંચજો અને સાંભળજો.

———————-

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ …



ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ …

એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ …

• કવિ : કૃષ્ણ દવે   • સ્વરકાર : ચંદુભાઈ મટ્ટાણી   • ગાયિકા : હેમા દેસાઈ

http://tahuko.com/?p=509

Gujarati Poem of Krushna Dave, Vansaladi Dot Com

https://www.youtube.com/watch?v=HA7uNckW7wU
————————-

હરીન્દ્ર દવેના શબ્દો અને પરેશ ભટ્ટનું સ્વરાંકન, એમના જ અવાજમાં જ રજૂ થયેલું ગીત રાધાની લટની લહેરાતી કાળાશે… અમારું ઓલટાઈમ ફેવરિટ ગીત છે. સ્કૂલ-કોલેજના દિવસોમાં સ્પર્ધાઓમાં ગાઈને ઈનામો પણ મેળવ્યાં છે. એ સ્મૃતિઓ તાજી કરવા લ્યો તમે ય અમારી સ્મૃતિમાં સહભાગી થાઓ.

રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો ક્હાન કેમ શોધું?
આખું આકાશ એક રંગે છવાયું
એમાં મનગમતો વાન કેમ શોધું?

એક તો વૃંદાવન કેડી
ને કેડી પર ઊગ્યા કદમ્બ કેરા ઝાડ
હળવો હડસેલો લાગે લહેરીને
સૌરભના અણધાર્યા ઉઘડે કમાડ

સમજું સૈયર તમે ઘરભેગી થાઓ
હવે ભૂલી હું ભાન કેમ શોધું?

ઊડતા વિહંગ કેરા ટહુકા વણાયા હશે
વહેતી હવાની કોઇ લહેરમાં
ગોકુળનો મારગ તો ઢૂંકડો લાગે છે
હવે સમજાવો કેમ જવું ફેરમાં

યમુનાનાં વ્હેણનું તરંગાતું ગાન
એમાં મનગમતી તાન કેમ શોધું

આ ગીતમાં કેવી સરસ વાત કરી છે કવિ હરીન્દ્ર દવેએ. એ જાણે કહે છે કે કૃષ્ણ બહુ દૂર ચાલી નીકળ્યા હોય તો સમજી શકાય, પણ આસપાસ હોય તેને કેવી રીતે ખોળવા? રાધાની લટમાં છુપાયેલા કાનને શોધવા રાધાદૃષ્ટિ જોઈએ.

http://tahuko.com/?p=693

———————–

કવિ અનિલ જોશીની લાજવાબ રચના. પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને ઉષા મંગેશકરનો કંઠ.

નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું

ધખતી બપોરમાં બળતું વેરાન બધે ઊના તે વાયરા ફૂંકાતાં
ભાદરવે તડકાનાં પૂર ચડ્યા એટલાં કે છાંયડાઓ જાય છે તણાતા!

બંધ કરું પોપચાં તો મળે સ્હેજ છાંયડી એટલે વેરાન નહીં છોડું
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું

પીળચટ્ટા ગીતમાંથી ઊડીને પતંગિયાં આવળના ફૂલ થૈ છવાય!
આવળનાં ફૂલ પીળા રંગનાં ખાબોચિયાં એમાં વેરાન પડી ન્હાય!

આવા વેરાનને બાંધતાં દોરીને જેમ વગડાનું ગાન પડે થોડું
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું

https://madhurgeeto.wordpress.com/2018/12/10/૩૨૯/

———————-

કવિ દિલીપ રાવલની કલ્પના આ ગીતમાં સુંદર છે.

બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
એક મનગમતો જન્મે ઉન્માદ જો …

છલક્યાં ને કીધું મેં ગોકુળિયું ગામ, અને મલ્કયાંનું કાલિંદી નામ,
છલકયાં ને મલક્યાંનો સરવાળો કીધો, તો પ્રગટ્યા’તા પોતે ઘનશ્યામ,
પ્રગટીને પનઘટ પર પ્રીતિનો પાડયો’તો કા’ન તમે મીઠેરો સાદ જો …

બંસી જેવા જ તમે પાતળિયા શ્યામ, અને હળવા કે પાંપણનો ભાર,
એક એક હૈયામાં કેવા વસો છો, ને રાખો છો સૌની દરકાર,
કા’ન તણા કામણને બિરદાવું કૈ રીતે, મનમાં જન્મે છે વિવાદ જો …

રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ, અને કા’નાની કીકીમાં રાધા,
જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને, ત્યાં લગ છે રહેવાની બાધા,
કા’ન તમે મારું એ અણપ્રગટયું ગીત હવે ગોકુળિયું દેશે રે દાદ જો …

http://tahuko.com/?p=12853

————————

કૃષ્ણપ્રિય કવિ સુરેશ દલાલની કૃતિ, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને હંસા દવેનો કંઠ. ગીત ગમતીલું જ હોયને!

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી,
ને મને સૂતીને સપને જગાડ્યા કરી.

બાંવરી આ આંખ મારી આમતેમ ઘૂમે,
                         ને ઝાંઝરથી લજ્જા વેરાય,
એકલીના મહેલમાં ઓશીકે જોઈ લ્યોને
                         મધુવનમાં વાયુ લહેરાય.

હું તો બાહુના બંધમાં બંધાયા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી ..

નીલરંગી છાંય થઈ તારો આ સૂર મારી
                        યમુનાના વહેણ માંહી દોડે,
જાગીને જોઉં તો જાણું નહીં કે
                        કેમ મોરપીંછ મહેકે અંબોડે.

મને અનહદના રંગમાં ડુબાડ્યા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

https://www.youtube.com/watch?v=ENlClhQ-MQo

———————–

કવિ મહેશ શાહની આ રચનામાં વિરહવેદના કેવી પ્રગટી છે સાંભળો!

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહિ આવું,
જમનાનાં વ્હેણમાંથી પાણી લઇ મૂકો કે મુરલીની તાન નહિ લાવું.

જમનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદમ્બનો પ્હાડ,
લીલેરી લાગણીઓ ક્યાં ય ગઇ ઓસરીને રહી ગઇ વેદનાની વાડ,
ફૂલની સુવાસ તણા સોગન લઇ કહી દો કે શમણાંને સાદ નહિ આવું.

આટલી અધીરતા જવામાં છે કેમ જરા એક નજર ગાયો પર નાખો,
આખરી યે વાર કોઇ મટુકીમાં બોળીને આંગળીનું માખણ તો ચાખો,
એકવાર નીરખી લે ગામ પછી કહી દો કે પાંપણને પાન નહિ આવું.

http://tahuko.com/?p=13094

————————

કવિ કનુ સૂચક ‘શીલ’એ રાધા અને ગોપીઓની વ્યથાને એમના ગીતમાં આબાદ ઝીલી છે. મોહન બલસારાએ રાગ તોડીમાં સ્વરબદ્ધ કરેલી આ રચના વારંવાર સાંભળવી ગમે એવી છે.

એકવાર ગોકુળ છોડી ગયા પછી પાછા ન આવ્યાં ઘનશ્યામ,
રાધા સલૂણાં સમજી ગયા ક્હાન છાંડી ગયા છે બાળાભાવ.

ડાળી કદંબની, યમુના કિનારો, સાથીઓ હતાં ગોપ ગાય,
મહીં માખણની ફોડવી મટુકીઓ, બંસીમાં છેડ્યા સૂર સાત,
બાંધ્યો પવન એણે ફાટ ફાટ છાતીમાં, લીધી મથુરાની વાટ.

અંગ અંગ ટેરવાંના સ્પર્શને જે ઝૂરતાં’તા ફૂલોનો લાગતો’તો ભાર,
મોહનમૂરત તેણે સાંભળી’તી વાત જેના દર્શનથી આયખું રળિયાત,
હેતે ગ્રહી એણે હૈયે જ ચાંપી, મળ્યો કુબ્જાને નવો અવતાર.

સંદેશા આવ્યાં કદી ઉદ્ધવને સાથ લઇ પરમની પોકળ વાત,
જાણે અબુધ શું એ ધરણીના કણકણમાં ગૂંજે છે જેનું નામ,
શિરામાં લોહી વહે યુગોથી ગોપીઓનાં, છાંડી ગયા છે જે શ્યામ

———————

જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણને કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે, એવી આંખ ભીની કરી દેતી મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે ..  રાધા કે બિના શ્યામ આધા!! અને આખી ગઝલનો હાર્દ હોય એવો છે ગઝલનો મક્તા ..!

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

આ ગઝલનાં સ્વર-સંગીત અનંત વ્યાસનાં છે. જુઓ આ અદ્ભુત ગઝલ!

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

http://gujaratigazal.com/1660/

———————-

કવિ અંકિત ત્રિવેદીની આ આધુનિક કવિતા અને કંઠ આશિત દેસાઈનો.

કાનજીના મોબાઈલમાં જ્યારે અચાનક રિંગટોન રાધાનો વાગે,
જન્મોજનમની ઘેલી રાધાની પ્રીત કાનજીની આંખોમાં જાગે.

મોબાઈલના નેટવર્કમાં કેમે ના સંભળાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો ઝાલી;
આયખાની સાંજ પર ઊભેલો કાનજી, સપનાનો ટૉક ટાઈમ માંગે.

s.m.s. મોકલેલો વાયા ઓધાજી, એના replyમાં રાધાના આંસુ,
રાધાના આંસુનો s.m.s. વાંચીને, કાનજીની આંખે ચોમાસું;
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં વાંસળી વાગે છે એક રાગે.

http://tahuko.com/?p=13261

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 22 ઑગસ્ટ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=575949

Loading

એક્ટિંગ અને સામાજિક ક્ષેત્રે ઉમદા કાર્ય કરીને ‘વિજેતા’ બનેલા એક્ટર વિક્ટર બેનરજી

નિલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|22 August 2019

આજે આપણે એક એવા ભારતીય એક્ટર વિશે વાત કરીશું કે જેઓ દેશ-વિદેશના મહાન ડિરેક્ટરની ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે. વિક્ટર બેનરજી નામના એક્ટર અંગ્રેજી, હિન્દી, બંગાળી અને અસામી ભાષાની ફિલ્મોમાં તેમના અભિનયની પ્રતિભા દેખાડી ચૂક્યા છે અને તેઓ જે મહાન ડિરેક્ટરની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, તેમાં જેમ્સ આઇવરી, સર ડેવિડ લીન, સત્યજીત રાય, મૃણાલ સેન અને શ્યામ બેનેગલનો સમાવેશ થાય છે.

એક જમીનદાર બંગાળી હિન્દુ પરિવારમાં જન્મેલા એક્ટર વિક્ટર બેનરજીએ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક કર્યા બાદ જાદવપુર યુનિવર્સિટીમાંથી કમ્પેરેટિવ લિટરેચરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. વિક્ટર બેનરજીએ સૌ પ્રથમ મહાન ભારતીય ફિલ્મમેકર સત્યજીત રાયની એકમાત્ર હિન્દી ફિલ્મ 'શતરંજ કે ખિલાડી'માં અભિનય કર્યો ત્યારબાદ તેઓ બોલિવૂડ ડિરેક્ટર શ્યામ બેનેગલની ફિલ્મ 'કલયુગ' અને 'આરોહણ'માં જોવા મળ્યા. વર્ષ 1982માં રિલીઝ થયેલી ફિલ્મ 'આરોહણ'માં વિક્ટર બેનરજી એક જમીનદારના નકારાત્મક પાત્રમાં જોવા મળ્યા હતા. વિક્ટર બેનરજીને એ સમયે ઈન્ટરનેશનલ ઓળખ પ્રાપ્ત થઈ કે જ્યારે તેમણે હોલિવૂડ ફિલ્મમેકર ડેવિડ લીનની ફિલ્મ 'અ પેસેજ ટૂ ઈન્ડિયા'માં ડૉ અઝીઝ અહેમદનું પાત્ર ભજવ્યું. 'અ પેસેજ ટૂ ઈન્ડિયા' નામની નવલકથા પર આધારિત આ ઐતિહાસિક ફિલ્મને કુલ 11 ઓસ્કર નોમિનેશન્સ પ્રાપ્ત થયા હતા. આ ફિલ્મનું શૂટિંગ ભારતના વિવિધ પ્રદેશોમાં કરવામાં આવ્યું હતું. વિક્ટર બેનરજીએ જે અન્ય બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો તેમાં 'જોગર્સ પાર્ક', 'માય બ્રધર … નિખિલ', 'સરકાર રાજ' જેવી કેટલીક ફિલ્મોનો સમાવેશ થાય છે.

પરંતુ, આજે એક્ટર વિક્ટર બેનરજીની અહીં ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કારણ કે તેમણે ફિલ્મજગત માટે જે વિશિષ્ટ કાર્ય કર્યું છે તે ભાગ્યે જ ફિલ્મજગતની સાથે સંકળાયેલા લોકો કરી શકે છે. વિક્ટર બેનરજી તેમની એક્ટિંગ માટે જેટલા પ્રખ્યાત છે તેટલા જ પ્રખ્યાત તેઓ તેમના સામાજિક કાર્યો માટે પણ છે. તેમણે દેશ-વિદેશની જે કોઈ ફિલ્મમાં કામ કર્યું ત્યાં તેમણે સહકર્મીઓ(સહઅભિનેતા)ના હક માટે અવાજ ઉઠાવ્યો છે. એક્ટિંગના કાર્યને સામાજિક જવાબદારી સમજનાર વિક્ટર બેનરજીએ એક સમયે ફિલ્મોમાં કામ કરતા એક્સ્ટ્રા કલાકારોના હક માટે લાંબી લડત ચલાવી હતી.

સૌથી વધુ બંગાળી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા વિક્ટર બેનરજી જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં ગરમીના સમયમાં ફિલ્મના સેટ પર એક્સ્ટ્રા કલાકારો પાસે દિવસના 8થી 10 કલાક કામ કરાવવામાં આવતું હતું, તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા અને તેઓને બાળકો સાથે ગરમીમાં સતત ઊભા રહેવું પડતું હતું. ગરીબ વિસ્તારોમાંથી આવતા એક્સ્ટ્રા કલાકારોને કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવતી નહોતી અને કામના પૈસા આપવાના બદલે એક ટાઈમનું જમવાનું આપીને પરત મોકલવામાં આવતા હતા. વિક્ટર બેનરજીએ આ એક્સ્ટ્રા કલાકારોના હક માટે અવાજ ઉઠાવ્યો, તેમની સાથે પણ માનવીય વ્યવહાર થાય અને કામ પૂરતું વળતર મળે તે માટે લાંબી લડત ચલાવી. આ એક્સ્ટ્રા કલાકારોને આખા દિવસનું કામ કરે ત્યારે માત્ર પાંચ રૂપિયા મળતા હતા, ત્યારે વિક્ટર બેનરજીએ તેમના હક માટે એક યૂનિયનની રચના કરી અને તેનું નામ આપ્યું સિનિક કો-આર્ટિસ્ટ યુનિયન. ત્યાર બાદ એક્સ્ટ્રા કલાકારોને ન્યાય મળ્યો અને તેમના વળતરમાં પણ વધારો થયો. એક સમયે ફિલ્મના સેટ પર આ ગરીબ એક્સ્ટ્રા કલાકારોની સાથે પશુ જેવું વર્તન કરવામાં આવતું હતું તેમાં પરિવર્તન જોવા મળ્યું અને શોષણમાંથી મુક્તિ મળી.

વિક્ટર બેનરજી એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા જણાવે છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ, વિદેશમાં પણ એક્સ્ટ્રા કલાકારોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે.  ડેવિડ લીનની હોલિવૂડ ફિલ્મ 'અ પેસેજ ટૂ ઈન્ડિયા'ના એક અનુભવની વાત કરતા વિક્ટર બેનરજી જણાવે છે કે મેં ત્યાં ફિલ્મના શૂટિંગ પર જોયું કે સેટ પર એક્સ્ટ્રા કલાકારોને અન્ય કલાકારો કરતાં અલગ પ્રકારનું સાવ સામાન્ય ફૂડ આપવામાં આવતું હતું, કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી આ ભવ્ય હોલિવૂડ ફિલ્મના સેટ પર એક્સ્ટ્રા કલાકારોની સાથે થઈ રહેલા ખરાબ વર્તનને વિક્ટર બેનરજી જોઈ શક્યા નહીં અને તેમના હકમાં અવાજ ઉઠાવ્યો હતો. અહીં વિક્ટર બેનરજીને જીત મળી અને ફિલ્મ 'અ પેસેજ ટૂ ઈન્ડિયા'ના એક્સ્ટ્રા કલાકારોના વળતરમાં પણ વધારો થયો તેમ જ તેઓનું ફૂડ મેનુ પણ બદલવામાં આવ્યું. માત્ર ભારતમાં જ નહીં પણ ઇંગ્લેન્ડની ફિલ્મોમાં પણ વિક્ટર બેનરજીએ એક્સ્ટ્રા કલાકારોના હક માટે અવાજ ઉઠાવ્યો કે જ્યાં તેઓને રંગભેદની નીતિનો અનુભવ થયો હતો.

વિક્ટર બેનરજી એકમાત્ર એવા ભારતીય વ્યક્તિ છે કે જેઓને ત્રણ અલગ-અલગ કેટેગરીમાં નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વિક્ટર બેનરજીને 'Where No Journeys End' નામની ડોક્યુમેન્ટરી માટે સિનેમેટોગ્રાફર (કેમેરામેન) તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો છે. 'The Splendour of Garhwal' અને 'Roopkund' નામની ડોક્યુમેન્ટરી માટે તેઓને ડિરેક્ટર તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો છે અને સત્યજીત રાયની ફિલ્મ 'ઘરે બાઈરે' માટે તેઓને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં આવેલી બોલિવૂડ ફિલ્મ 'જોગર્સ પાર્ક'માં વિક્ટર બેનરજીના અભિનયની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. સુભાષ ઘાઈ લિખિત આ ફિલ્મમાં વિક્ટર બેનરજીએ જસ્ટિસ જ્યોતિન પ્રસાદ ચેટરજીનું પાત્ર ભજવ્યું હતું કે જેઓ જેની (પેરિઝાદ ઝોરાબિયન) નામની મોડલના પ્રેમમાં પડે છે. ફિલ્મ 'જોગર્સ પાર્ક'ને સમય કરતાં આગળની ફિલ્મ ગણાવતા વિવેચકોએ તેની ભારે પ્રશંસા કરી હતી. વિક્ટર બેનરજીએ ભારતના મહાન ફિલ્મમેકર સત્યજીત રાયની બંગાળી શોર્ટ ફિલ્મ 'પીકૂ'માં અને રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા આધારિત ફિલ્મ 'ઘરે બાઈરે'માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય વિક્ટર બેનરજી ઈન્ટરનેશનલ લેવલે ઈસ્માઈલ મર્ચન્ટ પ્રોડક્શન અને જેમ્સ આઇવરી દિગદર્શિત ફિલ્મ 'Hullabaloo Over Georgie and Bonnie's Pictures’માં પણ એક્ટિંગ કરી ચૂક્યા છે.  

પહાડ અને પ્રકૃતિને પસંદ કરનારા વિક્ટર બેનરજી હિમાચલ પ્રદેશમાં તેમના ઘણાં વર્ષો પસાર કરી ચૂક્યા છે. સાહિત્ય પ્રેમી એવા વિક્ટર બેનરજી અનેક ટૂંકી વાર્તાઓ લખી ચૂક્યા છે અને દેશના વિવિધ ન્યૂઝપેપર્સ તેમ જ મેગેઝિન્સમાં તેમના આર્ટિકલ્સ પ્રકાશિત થયેલા છે. ઉત્તરાખંડને અલગ કરવા માટેની જે ચળવળ ચાલી હતી તેમાં પણ વિક્ટર બેનરજી જોડાયા હતા. વિક્ટર બેનરજી લગભગ 40 વર્ષથી અસમમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે "Moran Blind School" નામની શાળા ચલાવે છે કે જ્યાં ચાના બગીચામાં કામ કરતા કામદારો અને ગામના ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. તેઓ "Bird Watchers Association of Uttarakhand"ના બ્રાન્ડ એન્બેસેડર છે. ફિલ્મ સિવાય સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવનાર એક્ટર વિક્ટર બેનરજી ખરા અર્થમાં વિજેતા છે.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

પેશન – ચાહના

ઇલા કાપડિયા, ઇલા કાપડિયા|Opinion - Short Stories|22 August 2019

લેન્ડ લાઇનનો ફોન રણક્યો અને અમારા એરોનોટિક એંજિનિયર દીકરા ક્રીસે સમાચાર આપ્યા કે તેમના પરિવારમાં ઓરવિલ અને વિલ્બર નામના બે નવા સભ્યોનો ઉમેરો થયો છે. નિત નવું પ્રસ્તુત કરતો ક્રિસ, એરોપ્લેનની શોધ તથા પ્રથમ ઉડાન કરનાર રાઇટ (Wright) ભાઇઓના નામ પસંદ કરે તે સાહજિક હતું, છતાં થોડું ગુહ્ય લાગ્યું ખરું.

ક્રિસ ચબરાક, ચપળ, બુદ્ધિમત્તા અને અતિ પ્રેમાળ વ્યક્તિ. ક્રિસનું ખરું નામ તો કિશન છે પરંતુ એને એ.એ. મિલ્નની ‘વિની ધ પૂહની’ વાતો અને કાર્ટૂન નાનપણમાં ખૂબ જ ગમતાં. જેમાં ક્ર્રિસ્ટોફર રોબિન નામનો છોકરો રમકડાંનાં પ્રાણીઓ સાચાં હોય તેવી રીતે તેમની સાથે રમે. ક્રિસને પણ તે કાર્ટૂનનાં પાત્રો, જેવાં કે પૂહ બેર (રીંછ), ઇયોરે (ગદર્ભ), ટીગર, રૂ – કાંગારૂ, જેવાં રમકડાં ખૂબ જ ગમતાં. કિશન પણ એવો જ મીઠડો, એટલે અમે એને ક્રિસના હુલામણા નામથી બોલાવીએ છીએ.  

વળી, નાના ક્રિસનો પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ કંઈક અનોખો હતો. બે ત્રણ મહિનાનો હતો ત્યારે પણ પ્રાણી કે પક્ષીનાં રમકડાં જોઈ તેની આંખમાં તારા ચમકતાં અને ઘૂરુરુર ઘૂરુર કરી તેની સાથે વાતો કરતો. ત્રણેક વર્ષનો સમજણો થયો ત્યારથી તેને પોતાના ‘પેટ’ (પાળતું) પ્રાણીની માંગણી ચાલુ કરેલ. પ-ણ મારી વિચારસરણી કંઇક અલગ હતી. હું એને મારી માન્યતા પ્રમાણે સમજાવતી કે, “બેટા પ્રાણીઓને ઘરમાં કે પિંજરમાં પૂરવાં એ ક્રૂરતા છે”. એ પણ સમજતો કે પાંજરામાં રહેવાનું હોય તો એને પણ ન ગમે.

કેળવણી ક્ષેત્રના નિષ્ણાત મારા પપ્પા હંમેશ કહેતા, ‘બાળકોને પાંચ વર્ષ સુધી પાંચે ઇન્દ્રિયો કેળવાય તેવા વાતાવરણમાં ઉછેરો, તેના રસને પોષો, પાંગરો, તે પોતાની જાતે શીખે તેવું કરો અને તે દ્વારા મળેલા અનુભવોનું વર્ણન કરતાં પ્રેરો’. તેથી જ જ્યારે તે નાનો હતો તે સમયમાં અમે ભારત ગયાં ત્યારે તેનો ‘પ્રાણીપ્રેમ’ પોષવા નડિયાદથી બેએક માઈલ દૂર કુંભનાથ પાસે ખુલ્લાં નૈસર્ગિક વાતાવરણમાં પપ્પા તેને પક્ષીઓનાં નિરીક્ષણ માટે લઈ જતા, આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી શહેર બહાર બનાવેલા રસ્તામાં જ આવતા ચબૂતરામાં (પરબડી) નાખવાનાં ચણના દાણા લેવાનું તે અવશ્ય યાદ રાખતો. ખુલ્લા આકાશ નીચે પ્રસરેલ વિશાળ વનમાં વિહરતાં પક્ષીઓની વર્તણૂકનું અવલોકન કરતાં તે ખરેખર ક્રિસ્ટોફર રોબિન લાગતો. પપ્પાએ જણાવેલ પક્ષીઓનાં ગુજરાતી નામો, તેમનાં દેખાવ, હલનચલનની વાતો કરતા તે ધરાતો નહીં.

રોજ પાછલા બેડરૂમમાં ચકલીએ કરેલા માળાની મુલાકાત લેવા પપ્પાને આંગળી પકડી દોરી જતો. ઇંડામાંથી બચ્ચાં નીકળ્યાં ત્યારે એની આનંદની કિકિયારીઓથી આખું ઘર ગાજી ઊઠ્યું હતું. પણ એક દિવસ હ્રદય દ્રવી ચીસ પાડી, મારી તરફ દોડતાં આવી હાંફળોફાંફળો બોલ્યો, ‘ક્વીક મમ, કોલ ધ એંબ્યુલન્સ, લિટલ ચીક ફોલન એન્ડ ઈંજર્ડ’.

ચીસ સાંભળી બધાં જ દોડ્યા. એંબ્યુલન્સની વાતે થોડી રમૂજ સાથે બધાં વિખરાયાં. એના જ હાથે પપ્પાએ બચ્ચાને પાછું માળામાં ગોઠવાવ્યું. બીજે દિવસે ચકલીની ચાંચમાંથી બચ્ચાને ચણ કરતાં જોઈ એને શાતા વળી અને મોં પર પ્રસરી આનંદની લહરી.

વાત સારી શેઠ પોળમાં પ્રસરી અને બાળગોપાળની ગેંગ અમારા ઘર પર ઊતરી, તેને નવાં જન્મેલાં ગલૂડિયાં રમાડવા લઈ ગયા, મારા મમ્મીએ કૂતરી માટે બનાવેલા શીરા સાથે. એને પોતાનું ગલૂડિયું પસંદ કરી નામ પણ પાડવા દીધું. પણ જેવું ક્રીસે તેને ગોદમાં લઈ દોડવા માંડ્યું કે બધા સાથે બોલી ઊઠ્યાં. ‘નહીં ક્રિસ, એની મા કરડશે. ખાલી રમાડવાનું’.

મા અને બચ્ચાંના નાતાનો એક નવો પાઠ એ શીખ્યો.

સાથે હળીમળીસાર્વજનિક પશુ પક્ષીઓની સહકારી સંભાળ રાખવાની મહત્ત્વતા તેને સમજાઈ.     

લંડનમાં પણ એનો ‘પ્રાણીપ્રેમ’ અમારા પાડોશીઓથી અજાણ્યો ન હતો. એક દિવસ સામે રહેતા ચાર્લ્સ અને બેટી, ‘લેસી’ લેબ્રાડોરને ફરવા લઈ જતાં હતાં. જોઈને ક્રીસે આનંદની કિકિયારી પાડી ‘લે — સી —'. બારી ખુલ્લી હોવાથી બંનેએ તે સાંભળી અને અમારા ઘરની ઘંટડી વગાડી. બારણું ખૂલતાં જ ક્રીસ દોડીને લેસીને વળગી પડ્યો.

‘ઓહો!! ક્રીસ બેટા લેસીની ઉપર સૂઈ નહીં જવાનું, તેને પંપાળવાની, જો એના બધા વાળ તારા કપડાં ઉપર લાગ્યા છે’. તેમનાં ગયાં પછી, ચોખ્ખાઈની ચૂંધી રાખતી મારી નજર ક્રિસનાં કપડાં પર પડતાં હું બોલી પડી.

‘મમ, કેન આઈ હેવ આ પપી? નાનું અમથું, રિયલી કડલી’. ક્રીસે તક ઝડપી.

અને અમે આ ઘરમાં રહેવા આવ્યાં ત્યારનો દુઃસ્વપ્ન જેવો અનુભવ મારી આંખ સમક્ષ તરવર્યો. ગમે તેટલી વાર વેક્યૂમ કરતાં અને કાર્પેટ ધોવડાવવા છતાં પહેલાના માલિકના ચારપગા પ્રાણીના વાળ કે ઘરની વિચિત્ર વાસ ન ગઈ. મકાન ખરીદવાનો મોટો ખર્ચ કર્યા પછી બીજી જરૂરિયાતો જવા દઈ કાર્પેટ બદલવાનો મોટો ખર્ચ તરત જ કરવો જ પડ્યો.

‘બેટા, પપીની ખૂબ સંભાળ રાખવી પડે. એને નવડાવવું પડે, બહાર ફરવા લઈ જવું પડે, શિસ્તની તાલીમ આપવી પડે. તું હજુ નાનો છે એટલે એ બધું કઈ રીતે કરે?’ એમ સમજાવી વાત મેં વાળી.

પુરુષત્વના જીન્સ – વંશીય ગુણો અને ખાસ એના ડેડીના, એમ તે પાછીપાની કરે તેમ ન હતો. ઉંમર વધતાં માગણીમાં બુદ્ધિ અને અનુભવોની દલીલો સાથે તર્ક વિતર્ક ઉમેરાતાં ગયા.

પાંચ વર્ષે એના મિત્ર અમલની પાર્ટીમાંથી આવી પુખ્ત વયના માણસની જેમ કહે ‘મમ, કેન આઈ ટોક ટુ યુ’?

‘ઓફકોર્સ, બેટા, શું છે’? મેં પૂછ્યું.

‘કેન આઈ હેવ અ રેબિટ ? યુ સી અમલ તેના રેબિટને પાંજરામાં ગાર્ડનના પાટિયો પર રાખે છે. પણ  નિયમિત બહાર પણ કાઢે છે.’ પૂરી તૈયારી સાથે આવેલ ક્રિસ બોલ્યો.

અને એની બહેન કાયા વચ્ચે બોલી પડી. ‘ઓહ નો, ક્રીસ, યુ ડોન્ટ વોન્ટ રેબિટ. કારણ કે રેબિટ કેબેજ ને કેરટ ખાય અને — ઓહ, છી છી એટલું ગંદું કરે’.

‘તને ક્યાંથી ખબર’? એણે તરત જ પૂછ્યું. 

‘કારણ કે આઈ હેડ વન’. કાયાએ કહ્યું.

‘રિયલી, વ્હોટ હેપન્ડ ટુ ઇટ?’ ક્રિસના મોં પર ઇંતેજારી ચમકી.

‘વેલ થોડા સમયમાં તો મો — ટું થઈ ગયું હતું. પાંજરું સાફ કરવા હું એને પકડીને બહાર મૂકવા જતી હતી અને તે મારા હાથમાંથી છટક્યું અને એક—બે—અને ત્રીજી છલાંગે પહોચ્યું વાડની પેલે પાર. એના ભાઈ બહેનો અને મિત્રોને મળવા’.

રમૂજથી તેના મોં પાર હાથ રાખી ખીલ ખીલ કરતાં ક્રિસના મોં પર થોડી ક્ષણો પછી વિચારોનું વાદળ છાયું. 

‘હાશ, કાયાએ આજ તો ઉગારિયાજી રે’!!! મેં રાહત અનુભવી.

પ—ણ એમ જવા દે તો એ ક્રિસ નહીં. મારી ધારણા ખોટી પડી. આ વખતે તો તે પરિપૂર્ણ તૈયાર હતો.

‘વેલ, કેન આઈ હેવ અ બર્ડ ધેન, જસ્ટ આ લિટલ વન, કાયા હેડ એ ‘પેટ’, વ્હાય કાન્ટ આઈ? ઇટ્સ નોટ ફેર’ એણે દલીલ કરી. 

હું પણ એની જ મમ્મી હતી ને! પાંચ વર્ષમાં હું પણ એટલી જ પાવરધી દલીલોમાં કે પટાવવામાં ના, સમજાવવામાં હતી.

એનો હાથ પકડી એને પાટિયો ડોર પાસે લઈ ગઈ. ‘જો બેટા, સામે પેલા બે કબૂતર કેવાં બાજુ બાજુમાં પ્રેમથી બેઠાં છે! સામે ઝાડ પર પક્ષીઓ ડાળે ડાળે અને આકાશે મુક્તિથી ઊડે છે ને?’ કેટલાંક માળાનાં બચ્ચાંઓની ચાંચમાં કેટલા પ્રેમથી ચણ મૂકે છે!’

‘એમાંનાં એકને પાંજરામાં લાવી પૂરીએ તો ?’

એમ તો મારો દીકરો લાગણીપ્રધાન હતો. એના હ્રદયની સંવેદના એના ચહેરા પર પથરાઈ. એ કશું બોલ્યા વગર મારે ગળે વળગી પડ્યો.

છતાં મારા મગજમાં વિચારનું બીજ એણે જરૂર રોપ્યું. ભાઈ બહેનની વચ્ચે થયેલ ભેદભાવ ભાવિમાં મોટું સ્વરૂપ કદાચ લે.

ગાર્ડનનું દ્રશ્ય બતાવ્યા પછી, પોતાના પ્રેમને પોષવા તે ગાર્ડનમાંથી નાના લેડી બર્ડ્સને નાજુકાઈથી પકડી હથેળીમાં રાખી પંપાળતો, તેના પરનાં ટપકાં ગણતો, ચાલવાની રીતનું નિરીક્ષણ કરતાં ધરાતો નહીં. એક ખુલ્લી બોટલમાં રાખી, થોડા પાંદડા એમાં મૂકતો, એમને ખાવા માટે, રોજ તેનું જતન કરતો અને મન મનાવતો કે તે એના ‘પેટ’ છે. પોતાના ઘરને સાથે લઈ ફરતી ગોકળ ગાયને જોઈ વિસ્મય પામતો, રોબિનની સાથે વાતો કરતો, બ્લેક બર્ડનું ગાયન સાંભળવામાં એક લીન થઈ જતો.

તેને જોતાં મને નેચરાલિસ્ટ જેરલ્ડ ડુરેલે લખેલ આત્મકથા માય ‘ફૅમિલી એન્ડ અધર એનીમલ્સ’ યાદ આવી જતી, જેમાં એ પણ બાળપણમાં ગ્રીસના કોર્ફુ આઇલૅન્ડના મુક્ત વાતાવરણમાં આ જ રીતે પ્રાણીઓની સંભાળ રાખતા.

છતાં મને એમ ભાસ થતો કે તે ખોવાયેલો ખોવાયેલો લાગે છે અને મને હ્રદયસ્પર્શી રંજ થતો.

એક દિવસ તે ગાર્ડનમાં રમતો હતો. અચાનક મને એની ઉત્સાહિત હર્ષ સભર કિકિયારી સંભળાઈ.

‘મ—મ’ કરી એ મારી તરફ દોડ્યો. ‘મ —મ મારું ‘પેટ’, મારું પોતાનું’. મને ખેંચીને લઈ ગયો.

શ્વાસ થંભાવી એણે સ્ફોટ કર્યો. ‘હું મારો દડો લેવા ગેરેજમાં આવ્યો, તો મને કંઈક અવાજ આવ્યો અને કશુંક હાલતું હોય તેવું સંભળાયું. અચરજ સાથે હું નજીક ગયો. અ — ને એને જોયું’.

આનંદથી એની આંખમાં ફરી તારા ચમકવા લાગ્યા. મારી નજર નીચી કિનારીવાળા બોક્સમાં લપાઈને બેઠેલા એક નાના હેજહોગ પર પડી. ‘ઓહ!! મમ, આઈ કેન કીપ ઇટ, કાન્ટ આઈ’! કહી મને વીંટળાઇ ગયો. એના ગાલ પર પપ્પી ચોડતાં આશ્ચર્ય અને આનંદ મિશ્રિત સંવેદનો સાથેની મારી ‘હા’ સાથે, અમારા ઘરમાં એક નવું પ્રકરણ શરૂ થયું.

એક દિવસ એની કારમી ચીસ સંભળાઈ, ‘ડે —ડી —‘, જે અમને એસ.ઓ.એસ. (સેવ અવર સોલ્સ – અમારા જાન બચાવો) સિગ્નલ જેવી લાગી. અમે બંને દોડતા પહોંચ્યાં. એના ચહેરા પર દર્દનું વાદળ છાયું હતું, અને ખુલ્લું મોં અને પહોળી આંખો કંઇંક અનિવાર્ય થયું હોય તેની ભીતિનો ખ્યાલ આપતા હતા. અમારા હોંશકોશ ઊડી ગયા. પાસે જતાં રાહત થઈ કે ક્રિસને કશું નથી થયું. કદાચ તેને થયું પણ હોત, તો પણ એ આવી ચીસ ન પાડત, જેવી એના પ્યારા ‘પેટને’ જોઈને તેનાથી પડાઈ ગઈ. એણે આંગળી હેજહોગ તરફ ચીંધી. અમારી નજર હેજહોગ તરફ ગઈ. ‘હું બોક્સ બહાર ગાર્ડનમાં લઈ આવ્યો. મારા ‘પેટને’ ચાલવાની પ્રેક્ટિસ આપવા. હળવેથી તેને બહાર મૂક્યું. પ—ણ —? એ ચાલવાનો પ્રયત્ન કરતું હતું પણ લંગડાતું હતું.’ એકી શ્વાસે તે બોલ્યો.

અમે પણ વિમાસણમાં પડી ગયા કે આટલા નાજુક પ્રાણીના નાજુક પગની કેવી રીતે મરામત કરવી. આચાનક મને બ્રેઇન વેવ સ્ફૂરયો —– ‘આર.એસ.પી.સી.એ’ !!! મારા મોંમાંથી શબ્દો સરી પડ્યા.

તે જમાનામાં ગૂગલ દાદાની મહેર ક્યાં હતી? બી.ટી. ટેલિફોન કંપનીની ડિરેક્ટરી ફંફોસી અમે આર.એસ.પી.સી.એ.(પ્રાણીઓનું રક્ષણ કરતી સંસ્થા)ને ફોન લગાડ્યો. તેમની સલાહ લેવા. સામેથી તેમણે જણાવ્યું કે તેઓ આવીને તેને લઈ જશે. અમારા અચંબા સાથે પંદરેક મિનિટમાં તો પ્રાણીઓની એંબ્યુલન્સ આવી પહોંચી અને અમને જણાવ્યું કે હેજહોગ પ્રોટેકટેડ સ્પીશીસ છે, (હેજહોગની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે તેથી તે પ્રજાતિને સુરક્ષિત રાખવાનો કાયદો છે). એટલે તેની સારવાર કર્યા પછી પણ તે પાછું નહીં આપે.

ક્રિસનું પડેલું મોં જોઈ એંબ્યુલન્સ મેને એને સમજાવ્યું કે તેઓ હેજહોગનું રક્ષણ કરી, તેમની વસ્તી વધે તેવા વાતાવરણમાં રાખશે.

‘એનો પગ સારો થઈ જશેને? તેને બહુ દર્દ તો થતું હશેને’? ક્રિસે પૂછ્યું. “યુ ડોન્ટ વરી સન, અમે તેની ખૂબ કાળજી રાખીશું“. એમ્બ્યુલન્સ મેને એને ખાતરી આપી.       

હેજહોગ તો ગયો પણ ક્રિસને વ્યથાનાં વાદળમાં ડૂબાડીને. એનું નાનું હ્રદય હેજહોગનું દુ:ખ ન સહી શક્યું. અને તે ધ્રૂસકાં ભરતો ખાધા વગર જ સૂઈ ગયો.

ક્રિસના પ્રાણી માટેનો તલસાટ, તડપાટ અને વલવલાટથી અમારું હ્રદય દ્રવી ઊઠ્યું. અડધી રાત સુધી પાસાં ફેરવ્યાં.

માની મમતા આગળ મારી પ્રાણીઓને પિંજરમાં નહીં પૂરવાની મક્કમતા, ચોખ્ખાઈની ચૂંધી અને સમય ન્યૂનતા ડગી ગયાં!!!

નીચે આવી ડાઇનિંગ ટેબલ આગળ અમે સામસામે ગોઠવાયાં. મેં પાપડી ગાંઠિયા, મરચાંની ચટણી અને નડિયાદથી આવેલ નવીનચંદ્રનું ભૂસું કાઢી મૂક્યું, ના, દિલસોજીમાં થોડું હડસેલ્યું. અમારી આ અકથ્ય પ્રશ્નને ઉકેલવાની એક પરંપરા હતી.

‘એવું નથી કે મને પશુ પક્ષીઓ માટે પ્રેમ નથી. વર્ષો સુધી ગાય, કૂતરા માટે સૌથી પ્રથમ કાઢેલું ખાવાનું હું જ ચાટમાં નાખવા જતી અને સાથે પાણી પણ ભૂલતી નહીં. મેં વર્ષોનો ઊભરો ઠાલવ્યો. આપણે ભારતમાં દાયકાઓથી ચાલતી કેટલી સારી વ્યવસ્થા હતી. પોળનાં, ફળિયાનાં કે સોસાઇટીનાં બધાં પ્રાણીઓ સાર્વજનિક અને એમની સંભાળ પણ સહકારી. ચોખ્ખાઈને ધ્યાનમાં રાખેલ ગામ કે શહેરની બહાર ચબૂતરો, પક્ષીઓ માટે એક અનોખી વ્યવસ્થા હતી. વૃદ્ધોને ચણ નાખવા જવા માટે ચાલવાની કસરત અને બહાર નિકળવાનું બહાનું મળતું’. મેં મારી વિચારણા રજૂ કરી.

‘હા, આઈ અગ્રિ વિથ યુ, પણ નીશુ, આપણે થોડું પ્રેક્ટિકલ થવાની જરૂર છે, ડિયર’.

‘તે હવે મને સમજાય છે ને! આટલા નાના બાળકની એક નાનકડી માંગણી માટે મા થઈને મેં એને  કેટલો દુ:ખી કરી તાવ્યો. કોરાતાં હ્રદયે હું બબડી’.    

ચર્ચા વિચારણા પછી એક નાનું ‘પેટ’ અપાવવું એવું વિચારી મારા પતિ હિતેનના સૂચન પ્રમાણે આર.એસ.પી.સી.એ.ની સલાહ લેવાનું નક્કી કરી, રહી સહી રાતનો ઉપયોગ અને અમારી થાકેલી આંખને આરામ આપવાના હેતુ સાથે અમે પલંગની દિશા પકડી.

બીજે દિવસે મારી કોર્પોરેશન તરફથી બાળકો માટે ક્રિસમસ પાર્ટી હતી, ત્યાં પહોચતાં, મોટા  મેદાનમાં સ્વર્ગ જેવા સુંદર ‘લેપલેંડ’નું દ્રશ્ય અમારી નજર સામે હતું. અજાયબી અને અચંબાથી ભરેલ ક્રિસના મોંના ભાવો અવર્ણીનીય હતા. અ–ને અચાનક બે મોટા, મદમસ્ત અરબી ઘોડા કરતાં ઊંચા હૃષ્ટ પુષ્ટ રેઇન્ડીઅર સ્લે ખેંચતા અમારી પાસે આવી ઊભા રહ્યા. પહેલી વાર સાચા રેઇન્ડીઅર જોઈ, અજાયબીથી ક્રીસના હ્રદયના ધબકારા ક્ષણિક થંભી ગયા. સ્લેમાથી ફાધર ક્ર્રિસમસ ઉતર્યા. લાલ કપડાં, કેપ, મોટી દાઢી અને મોટા જિંગલ બેલ સાથે ઉદ્ગાર્યા ___`હો હો હો’. અ —ને વાતાવરણ બાળકોની  કિકિયારીઓથી ગાજી ઊઠ્યું. ક્રિસ તો ફાધર ક્રિસમસે આપેલી પ્રેસણ્ટ, સુપરમેનનું કોશ્ચ્યુમ પહેરી સ્વર્ગીય પાર્ટીની યાદમાં, આગલા દિવસની વાત ભૂલી ગયો હતો. કદાચ થોડા સમય માટે .– પણ અમે નહીં!

ચાર દિવસ પછી એની બર્થડે હતી તેથી ‘પેટને’ લાવી ગેરેજમાં સંતાડયું.

વર્ષગાંઠના આગલા દિવસની રાત્રે, મોડે સુધી, તેને સૂવું ન હતું. વર્ષગાંઠના ઉત્સાહમાં બાર વાગ્યા પહેલાં જ તેની આંખ મીંચાઇ. ડેસ્ક ઉપર પેપર વીંટાયેલ પ્રેસણ્ટરૂપ ‘પેટના’ પાંજરામાં થતાં ખખડાટથી, તે જાગી ગયો, તેની નજર ડેસ્ક પર પડી. વીજળીની ત્વરાએ પ્રેસણ્ટ તરફ પહોંચ્યો. ધીરે રહીને સહેજ પેપર ફાડીને એણે જોયું તો અંદર કશુંક હાલતું લાગ્યું, જરા વધારે પેપર ફાડયું. અ —ને અ —ને, નાના પ્રાણીને જોતાં જ એ બહાર નીકળી મને ગળે વળગી ઝપ્પી અને પપ્પી કરી હજાર વાર “થેન્ક યૂ થેન્ક યૂ થેન્ક યૂ” બોલ્યો. “ઓહ, ગોડ, મમ, આઈ એમ સો સો એક્સાઈટેડ!!! એની બે ચળકતી આંખોથી એ મને ટીકી ટીકી જોઈ રહ્યું છે. એનું કાળું ફર મને અંધારામાં પણ દેખાયું. માય લિટલ પેટ!!! એને હું ‘ફ્રીસ્કી’ કહીશ”.

એનું નામકરણ અને સ્વાગત ક્રિસની ખૂબ ધમાધમથી થયું અને તેના ઘર – પાંજરાની સ્થાપના કોન્સર્વેટરીમાં. નાનકડો હેમ્પસ્ટર અમારા પરિવારનો એક અગત્યનો સભ્ય બની ગયો.

પશુ પક્ષી પ્રત્યે મને અવહેલના ન હતી, પણ એટલું આકર્ષણ પણ નહીં. છતાં ક્રિસ અને ફ્રીસ્કને હળેલા જોઈ ઓફિસથી આવી કોંસર્વેટરીમાં ડોકિયું કરી, બેચાર દાણા તેને ધરતી થઈ. પછી તો તર્જની આંગળી અને અંગૂઠા વચ્ચેથી દાણો ખાવા માટે મારો પગરવ સાંભળતાં જ પાંજરાની જાળી પર ચાર પગે લટકી, તલપાપડ રહેતો, જાણે આખો દિવસ એ માટે ભૂખ્યો રહેતો હોય એમ!!!

છ વર્ષની ઉમ્મરે ક્રીસે, ફ્રીસ્કીને અને તેના ઘરને સ્વચ્છ રાખવાની, ખવડાવવાની અને એકસરસાઈસ કરાવવાની જવાબદારી લીધી અને પાળી પણ. ફ્રીસ્કી કાં તો એની હથેળીમાં લપાયું હોય કે ખભા ઉપર ઝૂલતું હોય, બન્ને હંમેશ સાથે, અલબત્ત, એના નક્કી કરેલ શરત અને નિયમ પ્રમાણે. તે એટલું ‘ક્યૂટ’ હતું કે બધાને વહાલું.

હું પણ પરિવારને પ્રથમ રાખવાના સંસ્કાર ગળથૂથીમાંથી મળેલાં છતાં, ફ્રીસ્કને પ્રથમ પ્રાધાન્ય આપતી થઈ ગઇ મારામાં આટલો ધરખમ ફેરફાર!!!

હું જ કેમ. અમારે ત્યાં કોઈ પણ આવે તો પહેલાં પાંજરા પાસે જઇ ફ્રીસ્કની ખબર પહેલી લે. હવે ક્રિસને બદલે ફ્રીસ્ક સેન્ટર ઓફ એટ્રેક્શન!!!

લાંબા વિન્ટરના શીતળ અંધારિયા દિવસો પછી તે સમરનો હૂંફાળો દિવસ હતો. રવિરાજ સત અશ્વોના રથ પર સવાર થઈ ખોબલે ખોબલે લંડન પર સનશાઈન પધરાવતા હતા. પાડોશમાં બધા જ એનો લાભ લેવા ગાર્ડનમાં ઠલવાયાં હતાં. ક્રિસને પણ ફ્રીસ્ક્ને બહારની હવાનો સ્વાદ ચખાડવાનો ઉમળકો જાગ્યો. જેવું એણે બહાર કાઢ્યું કે તે ઉશ્કેરાટમાં ક્રિસના હાથમાંથી છટક્યું અને સ ર ર સરક્યું, બહાર જવા. તે જ સાથે કોન્સર્વેટરીના બારણાને પવનનો ઝપાટો લાગ્યો  અ —ને અ —ને ફ્રીસ્કિના શરીરને અથડાયું.

બધાંની ચીસ સાથે અમારા હાથ આંખ પર દબાયા. ફ્રીસ્ક એ ઘા ન જીરવી શક્યું. અમારા જીવ અધ્ધર થઈ ગયા. ક્રિસની બૂમો ‘ઇટ્સ માઈ ફોલ્ટ, મેં એની સંભાળ ના રાખી’ કલાકો સુધી તેના હીબકાં સાથે ચાલુ રહી. અમને ખબર હતી કે અમારા ગમે તેટલા આશ્વાસનની કોઈ અસર નથી થવાની.

છેવટે હિતેનની નાજુક પ્રસંગને સમજપૂર્વક સંભાળી લેવાની કુશળતા કામ આવી. ક્રિસને ફ્રીસ્ક પાસે લઈ જઈ તેના હાથમાં પ્રેમથી મૂકી, તેને પંપાળવાનું અને મને એક સારું બોક્સ લાવવાનું કહ્યું. સદ્દનસીબે મારી સંઘરાખોરી કામ આવી. એક નાનું સુંદર બોક્સ મેં હિતેનને આપ્યું. થોડું ઘાસ મૂકી ક્રીસે ફ્રીસ્ક્ને સૂવડાવ્યું અને પાંજરામાંથી ફ્રીસ્કના રમકડાં ગોઠવ્યાં. ક્રિસની પાસે લખાવ્યું ‘અવર લવિંગ ફ્રીસ્ક, રેસ્ટ ઇન પીસ. ઓમ શાંતિ’.

એની ક્રિયાકાંડ કરી પાછાં વળતાં સૂમસામ ઘરના સન્નાટાએ અમારી આંખમાં આંસુ તગતગાવ્યાં.

એનું મન બીજે વાળવા, તેને મેં ફ્રીસ્કના સ્મારક પર યાદગીરી સમ લખાણ મૂકવા થોડા શબ્દો કે નાની કવિતા વિચારવાનું કહ્યું. બીજે દિવસે બે લાઇન લખી મને બતાવી અને મેં એક પંક્તિ ઊમેરી અને કાયાએ એક પૂંઠા પર વોટરપ્રૂફ પેનથી લખ્યું. —

                                પ્યાર અતિ અમારો એ તને સમજાય
                                ઝૂરે આઝાદી કાજ ફ્રીસ્ક તું અંતરે સોરાય     
                                વિહંગ વિહારત વિશાળ વ્યોમે પિંજર જોઈ ફફડાય
                               મુક્તિ સૌ જીવોને પ્રાણથી પ્યારી બંધનમાં જીવ રૂંધાય

‘મમ તું સાંભળે છે’? ક્રિસના શબ્દોએ મને અતીતમાંથી વર્તમાનમાં ઝબકાવી. ‘હા, તો બે ત્યજાયેલ બિલાડીનાં બચ્ચાંને અપનાવવાની આર.એસ.પી.સી.એ.ની જાહેરાત વાંચી હું મારી જાતને રોકી ન શક્યો. એટલા બધા ક્યૂટ અને કડલી છે’!! કેટ્સ આર ક્લીનેસ્ટ એનિમલ્સ અને મેં તેમના બહાર જવા આવવા માટે એક ફ્લેપ બનાવ્યું છે, અને લૉન્ડ્રીમાં રહેવાનું. મમ, પાળતું પ્રાણીને પિંજરમાં રાખવા કરતાં મરઘીઓને પાંજરામાં પૂરી વધારે ઈંડાં કે ગાયોમાંથી અઢળક દૂધ મેળવવા થતી ક્રૂરતા વધુ હૃદયદ્રાવક છે.’

‘તારી વાત સો ટકા સાચી છે.’ તેની સાથે સહમત થતાં મે ઊમેર્યું. છતાં હું કહેવા જતી હતી કે ફ્લીઝ ન થાય તે ધ્યાન રાખજે. પણ મને અદ્રશ્ય વારંવાર વદેલ ‘હિતેન વાણી’ સંભળાઈ.

‘નિશુ, ઇટ્સ ટાઈમ ટૂ લેટ ગો.’

************

e.mail : ilakapadia1943@gmail.com          

Loading

...102030...2,8782,8792,8802,881...2,8902,9002,910...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved