Opinion Magazine
Number of visits: 10,229,039
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંદોલનોની દેખીતી ગેરહાજરી પ્રખર નેતૃત્વને આગળ આવતા અવરોધે છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 December 2019

જેનામાં અવાજ ઉઠાવવાની સચ્ચાઇ અને ધગશ અન્યો કરતાં વધારે છે તે એકલ-દોકલ લડાઇ લડ્યા કરે છે

આપણા દેશમાં છેલ્લા કેટલાક સમયથી અણધારી આફતો, પરિવર્તનો અને કટોકટીની સ્થિતિ એક પછી એક ઊભી થતી રહે છે. ખેડૂતોનાં પ્રશ્નો, સ્ત્રીઓની સલામતીનાં મુદ્દા, કોમી હિંસા, ભ્રષ્ટાચાર સામેની લડત, પર્યાવરણને લઇને થતો ઊહાપોહ, દલિતો કે આદિવાસી આંદોલનોનો કોલાહલ જેવું કંઇ કેટલું બધું સતત આપણા દેશમાં ચાલતું રહે છે. લોકશાહી રાષ્ટ્રમાં જ્યાં સતત રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓમાં ઉતાર ચઢાવ આવ્યા કરે ત્યાં પરિવર્તનો પણ થાય અને નવા ચહેરાઓ રાજકીય કે સામાજિક ફલક પર દેખાય પણ ખરાં, પરંતુ એ બધાં વરસાદી દેડકાં સાબિત થાય છે. આંદોલનનો જુવાળ બહુ જુદા પ્રકારનો હોય છે જેમાંથી નવા આગેવાનો મળવાની આશા રહે છે. છેલ્લા એક દાયકામાં જોઇએ તો કોઇ એક આંદોલને આખા રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું હોય, આખા રાષ્ટ્રની અપેક્ષાઓ વધારી હોય તો એ છે ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ બિલ માટે અણ્ણા હઝારેએ શરૂ કરેલી ચળવળ. એ આંદોલનને પગલે શરદ પવારે મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. થોડા વખત પછી પાસાં પલટાયાં અને એ આંદોલને આપણને ‘આપ’ અને કેજરીવાલ આપ્યા. કેજરીવાલ ઉત્તમ નેતા કે આગેવાન છે એ કહેવું વાજબી ન હોઇ શકે, પણ રાજકારણીઓની ભીડમાં એ જુદા તરી જ આવે છે અને એટલી સફળતા મેળવવી પણ કંઇ નાની વાત ન કહેવાય.

આંદોલનોએ ભારતને હંમેશાં બહુ નોંધપાત્ર નેતાઓ પૂરા પાડ્યાં છે. સ્વતંત્ર સંગ્રામ એક સર્વાંગી આંદોલન હતું જેમાં આખા રાષ્ટ્રએ હિસ્સેદારી નોંધાવી હતી. સ્વતંત્ર ભારતમાં રાજકીય અને આર્થિક પ્રવાહો સાથે જે પરિવર્તનો આવ્યા તેમાં આંદોલનોનો ફાળો બહુ મોટો હતો. જો કે ઘણાં આંદોલનોનો પાયો જાતિવાદ પણ હતો. સિત્તેર અને એંશીનાં દાયકામાં જાતિઓનાં ઘર્ષણને પગલે જાતભાતનાં વિરોધો થયા. વળી રોજગારી માટે થયેલાં સ્થળાંતરે પણ ઘર્ષણને વેગ આપ્યો. આવા જ એક જાતિ આધારિત ઘર્ષણનાં મૂળિયાં પકડીને બાળ ઠાકરે મહારાષ્ટ્રનો જાણીતો ચહેરો બન્યા અને શિવસેનાનો જન્મ થયો. શિવસેના અને ઠાકરે પરિવારની વિચારધારાઓ યોગ્ય છે કે નહીં તે મુદ્દો અહીં નથી ચર્ચાઇ રહ્યો પણ તેમણે આગેવાનની હરોળમાં પોતાનું નામ તો નોંધાવ્યું જ. નેતાઓ એ રીતે પણ આવતાં તો કામદારોની ચળવળમાં કોઇ પાસાંને જેણે બાકી નહોતાં રાખ્યા તેવા જ્યોર્જ ફર્નાન્ડિસને રેલવેની તોતિંગ હડતાળે રાષ્ટ્રીય રાજકારણનાં એક ધારદાર નેતાની ઓળખ આપી. કાપડ મીલ કામદારોનાં આંદોલને દત્તા સામંત જેવા ચહેરાને આગેવાન બનાવ્યા. તે રાજકારણમાં પણ આવ્યા.  જો કે એક સમયે તેમની પડખે ઊભા રહેલા મીલ કામદારોએ તેમનો વિરોધ પણ કર્યો અને તેમનો અંત લોહિયાળ રહ્યો.

ભારતમાં આંદોલનોનો દોર નથી અટક્યો, પણ તેનો પ્રકાર બદલાઇ ગયો છે. અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી, હાર્દીક પટેલથી માંડીને કન્હૈયા કુમાર પણ આંદોલનોની જ નિપજ છે પણ જેનામાં ખરેખર પરિવર્તન કરવાની ક્ષમતા છે તે એકલા પડી જાય  છે, તો જે લોકો જાતિનાં કાર્ડનો ઉપયોગ કર્યા કરે છે તે અંતે સત્તાની લાલચમાં સમાધાન કરે છે, પછી લડતનું જોશ રાજકીય શતરંજના દાવપેચ માટે જરૂરી શાતિર શાંતિમાં ફેરવાઇ જાય છે.

ભારત આંદોલનોનો દેશ રહ્યો છે. ચિપકો આંદોલન, સેવ સાયલન્ટ વૅલી આંદોલન, નામાંતર આંદોલનથી માંડીને નર્મદા બચાઓ આંદોલન જેવાં ઘણાં આંદોલનો થયાં છે જેની રાષ્ટ્રવ્યાપી ચર્ચાઓ અને અસર બંન્ને રહ્યાં છે. નર્મદા બચાઓ આંદોલનનાં મેધા પાટકર તેમનાં નામ અનુસાર મેધાવી ચોક્કસ છે, અને તેમણે બનતું બધું જ કર્યું પણ અમુક મામલે સત્તાધીશોને આંદોલનકારીઓનાં કાંડા કાપી લેતા સારી પેઠે આવડે છે. જો કે મેધા પાટકર પ્રકારનાં આગેવાનોનું મૌન ખરીદી નથી શકાતું.  પણ છેલ્લા કેટલાક દાયકાઓથી જે લોકો સત્તા પર હોય છે તેઓ જ્યારે મૌન ખરીદી નથી શકતાં ત્યારે બીજા દેકારા વધારી દે છે. વળી કલબુર્ગી હોય કે દાભોલકર કે પછી ગૌરી લંકેશ, આ બધાં ‘વન પર્સન આર્મી’ની માફક કામ કરનારા લોકો હતાં, પણ હવે તેઓ નથી. આ લોકોની સરિયામ હત્યા કરાઇ. કોઇ મોટા આંદોલનને પ્રેરક બળ પૂરું પાડી શકે તેવી આ મશાલોને કસમયે જ ઠારી દેવાઇ. આ કારણે જેનામાં અવાજ ઉઠાવવાની ધગશ અને સચ્ચાઇ અન્યો કરતાં વધારે છે તે જાહેરમાં આવવાને બદલે પોતાની રીતે, એકલ-દોકલ લડાઇ લડ્યા કરે છે અને કદાચ ગૌરી લંકેશ કે દાભોલકર જેવી શહીદી વહોરવાની રાહ જોયા કરે છે.

પણ શું આનો અર્થ એમ કરવો કે આપણા લોકશાહી રાષ્ટ્રમાં આંદોલનો નથી થઇ રહ્યાં? આંદોલનોનું સ્વરૂપ હવે બદલાયું છે. ટ્વીટર વૉર અને ફેસબુક પર ચાલતી ચળવળો ડિજીટલ આંદોલનનાં રૂપમાં મોટી બની રહી છે. ડિજીટલ એજમાં હોઇએ ત્યારે આ તમામ પ્લેટફોર્મ્સ મહત્ત્વનાં છે કારણ કે વધુમાં વધુ લોકો સુધી અવાજ પહોંચી શકે છે. ઇજીપ્તમાં ફેસબુકને કારણે તો ક્રાંતિ આવી પણ આપણે ત્યાં એ સ્તર લાવવું મુશ્કેલ છે. વિવિધતામાં એકતાની આપણી ઓળખ વિખવાદો વધારતી બાબત બની ચૂકી છે. જ્યાં એક વર્ગનાં લોકો બળાત્કારનાં વીડિયો શોધવા સર્ચ કરતા હોય, જ્યાં કોઇનાં ઓનર કિલીંગના વિડિયો જોનારા લાખોની સંખ્યામાં મળી આવે ત્યાં માનસિકતાઓ વચ્ચેનો ભેદ ડિજીટલ પ્લેટફોર્મ પર પણ આંખે ઊડીને વળગે તેવો હોય છે. વૉટ્સ એપ કે અન્ય સોશ્યલ મીડિયા પર દેખાવો કરવા માટે શેર થતી વિગતો લોકો ગંભીરતાથી નથી લેતા તેમ નથી પણ મોટાભાગનાં કિસ્સામાં દેખાવોમાં ‘હું પણ ત્યાં હતો/હતી’ એ દેખાડવા માટે થતી નવી પોસ્ટ્સ સુધી આ આંદોલનનો જુવાળ સીમિત થઇ જાય છે.

જેને નક્કર કામ કરવું હોય છે તેઓ પોતાની આવી પોસ્ટ્સ્નો હિસ્સો જ નથી હોતા, તેમાં વિગતો જ ‘નાયક’ હોય છે. સોશ્યલ મીડિયા પર પોતે કોની સાથે દલીલમાં બહેતર સાબિત થઇ શકે છે તેની હોડમાં આંદોલનનો જુવાળ કિ-બોર્ડ પર ટાઇપ કરવામાં જ ખતમ થઇ જાય છે અને એટલે જ કદાચ અત્યારનાં આંદોલનોમાંથી કોઇ મજબૂત નેતા મળવો મુશ્કેલ થઇ રહ્યો છે. એક તરફ મીડિયાનો મારો અતિરેકની હદ પાર કરી ચૂક્યો છે ત્યારે સતત ભક્તિનાં મંજીરા વચ્ચે અલગ સંભળાયેલો અવાજ શોધવો ઇન્ટરનેટને કારણે સરળ હોઇ શકે પણ કોઇની એક પોસ્ટ શેર કે ફોરવર્ડ કરીને આપણે આંદોલનમાં જોઇએ એટલું ઇંધણ નથી પૂરી શકતા.

જો કે નિર્ભયા આંદોલન, ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટનાં વિદ્યાર્થીઓનો વિરોધ, જાધવપુર યુનિવર્સિટીમાં થયેલા વિરોધો નક્કર પરિણામો લાવનારા સિદ્ધ થયા. અત્યારે જે.એન.યુ.માં પણ જે ચાલી રહ્યું છે તેનાં ભારતીય વિદ્યાર્થી આલમ પર ઘેરા પ્રતિભાવ પડશે એ ચોક્કસ. નવી પેઢીને આંદોલન કરીને પરિવર્તન લાવવામાં રસ ચોક્કસ છે પણ નહોર વાગી જાય એ રીતે કડક પકડમાં લેવાતાં આ યુવા ચહેરાઓ આગેવાન બનવાની ધારે હોય ત્યારે કાં તો આંદોલન પૂરતો જુવાળ સાચવે છે અને પછી અલગ રસ્તે ચાલી જાય છે અથવા તો દબાણમાં આવી સમાધાન અપનાવે છે કે પછી તેઓ એકલા પડી જાય છે. લોકશાહી દેશમાં આંદોલનથી આવેલા આમૂલ પરિવર્તનો ઇતિહાસની મહત્ત્વની ઇંટ હોય છે તે આપણે સમજવું રહ્યું. એક ફોરવર્ડ મેસેજ કે એક પોસ્ટથી માનસિક સ્તરે અધધધ વૈવિધ્ય ધરાવતા દેશમાં પરિવર્તન લાવવું મુશ્કેલ બનશે. આપણા દેશમાં બહુ બધુ બદલાઇ રહ્યું છે અને એ પરિવર્તન આપણને માફક આવશે જ એ જરૂરી નથી અને માટે જ વધારે સજાગ થઇને આંદોલનોને માર્ગે નેતૃત્વ શોધવાની કવાયત આપણે કરવી જ રહી. વૈચારિક જડતા, સત્તા મોહ કે માફિયા માનસિકતા પરિવર્તન નહીં પતન નોતરે. જિંદગી સાથે ઘસાઇને જીવેલા લોકો આંદોલનની સાચી આગ બને છે અને તેઓ જ પરિવર્તનશીલ સમાજ બક્ષી શકે છે.

બાય ધી વેઃ

ફેક ન્યુઝનાં જમાનામાં, જ્યાં પ્રેસ્ટીટ્યુટ કે સિકુલર જેવા શબ્દો બિનસાંપ્રદાયિક અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ધરાવતી લોકશાહીનાં વિચારકો માટે ઉછળવા માંડ્યા છે ત્યારે આપણે સાચું જીવવાની હિંમતનો દીવો બુઝાવા ન દે તેવા એકલ-દોકલ લડવૈયાઓની સાથે હાથ જોડવાની તાતી જરૂર છે. રાહુલ બજાજે જે કહ્યું તેમાં કંઇ ખોટું નથી. ભયનો માહોલ બધે જ પ્રસર્યો છે પણ હવે અમને ડર નથી એ આપણે ખોંખારો ખાઇને કહી શકીશું ત્યારે આંદોલનો સામાજિક, સુધારાવાદી અને ક્રાંતિકારી પ્રકારનાં થશે નહીંતર બધું કી-બોર્ડનાં ‘હેપ્ટીક ટચ’ અને ફોરવર્ડનાં ‘નૉટિફિકેશન સાઉન્ડ’માં જ અટકી જશે. હિંસા, ભ્રષ્ટાચાર, શોષણ, ગુનાખોરી બિહામણા ચોક્કસ છે પણ એટલા મજબૂત નથી કે આંદોલનનાં ઉજાસ પર ઓળો બનીને પથરાઇ જાય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ડિસેમ્બર 2019

Loading

પ્રશસ્તિસભર રચનાઓ અધિકૃત ઇતિહાસલેખન ન ગણાય !

રમેશ ઓઝા|Opinion - Opinion|8 December 2019

આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ત્રણ ચીજ હિંદુઓ માટે સાવ અજાણી છે. એક પોતાના વિષે વાત કરવાનો સંકોચ અથવા આત્મકથાલેખન, બીજી દસ્તાવેજીકરણ અને અને ત્રીજી ઇતિહાસલેખન. આ ત્રણેય પરસ્પર પૂરક છે. જો ઇતિહાસમાં થયેલા સારા-નરસા માણસોના જીવનકથાઓ કે ચરિત્રો ન હોય અને દસ્તાવેજો ન હોય ત્યાં ઇતિહાસલેખન અસંભવ છે. પ્રાચીન ભારતનો એકમાત્ર ઇતિહાસગ્રંથ ૧૨મી સદીમાં કલહણે લખેલો ‘રાજતરંગીણી’ નામનો કાશ્મીરનો ઇતિહાસ છે. આ સિવાય ચંદ બારોટે કે બરડાઈએ એ જ અરસામાં ૧૨મી સદીમાં લખેલા ‘પૃથ્વીરાજરાસો’ જેવા થોડાક પ્રશસ્તિગ્રંથો છે જેને ઇતિહાસલેખન માટે આધાર તરીકે ખાસ વાપરી ન શકાય. ‘રાજતરંગીણી’ સંસ્કૃતમાં લખાયેલો ગ્રંથ છે અને પૃથ્વીરાજ રાસો’ બ્રજ ભાષામાં લખાયેલો ગ્રંથ છે.

ભારતમાં મુસલમાનો આવ્યા એ પછીથી તવારીખો લખવાની શરૂઆત થઈ અને એ દ્વારા હિંદુઓને ઇતિહાસલેખનનો થોડોક પરિચય થયો હતો. ભારતનો પ્રાચીનયુગથી લઈને આધુનિકયુગ સુધીનો ઇતિહાસ અંગ્રેજોએ લખ્યો હતો જે તેમની જરૂરિયાત મુજબનો હતો. આ ઉપરાંત તેમનાં તેમાં પૂર્વગ્રહો પણ હતા જેની વાત આગળ ઉપર આવશે.

જીવનચરિત્રો, દસ્તાવેજો અને ઇતિહાસલેખનના અભાવને કારણે ભારતનાં સમાજજીવનનાં કેટલાંક છેડાં મળતાં નથી. દાખલા તરીકે ભારતમાં હિંદુઓમાં જ્ઞાતિભેદ કઈ રીતે શરૂ થયા એ આપણે જાણતા નથી. અસ્પૃશ્યતાનાં મૂળ ક્યાં છે એ આપણે ચોક્કસપણે કહી શકતા નથી. આર્યો અને દ્રવિડો વચ્ચેના સંબંધો વિષે કહેવું મુશ્કેલ છે. આદિવાસીઓ ભારતના મૂળ વતનીઓ હતા એમ આપણે માનીએ છીએ, પરંતુ તેમના વિષે પણ ચોક્કસપણે આપણે કાંઈ કહેવાની સ્થિતિમાં નથી. ભાષાઓ કઈ રીતે વિકસી અને તેણે ભારતના જે તે પ્રદેશોને કઈ રીતે સાંસ્કૃતિક ઘાટ આપ્યો એ ચોક્કસપણે જાણવા મળતું નથી. મુસલમાનો પહેલાં ભારતમાં આવેલા યવનો અથવા વિદેશીઓ કઈ રીતે ભારતમાં ઓગળી ગયા એ આપણે જાણતા નથી.

શ્રમણો અને બ્રાહ્મણોના સંઘર્ષો અને સમન્વય વિષે સિલસિલાબંધ માહિતી મળતી નથી. જેમ કે સામાજિક સમાનતામાં માનનારા અને નિરર્થક કર્મકાંડોનો વિરોધ કરનારા બૌદ્ધોનો ભારતમાં સદીઓ સુધી પ્રભાવ હતો. જો એમ હોય તો એ પ્રભાવ આજે જોવા કેમ મળતો નથી? સદીઓ સુધી વ્યાપક રહેલો પ્રભાવ સાવ લુપ્ત થાય એવું બને? જ્ઞાતિઓ અને અસ્પૃશ્યતા એના એ સ્વરૂપમાં કાયમ રહી છે અને કર્મકાંડો પણ હિંદુઓમાં પ્રચુર માત્રામાં છે. બીજું બૌદ્ધ ધર્મ લુપ્ત કઈ રીતે થયો? આ કોઈ વિદેશી આક્રમણકારો નથી કે તેને તગેડી મૂકી શકાય. ભારતમાં બૌદ્ધોનો પ્રભાવ કેવી રીતે ક્ષીણ થયો એ આપણે જાણતા નથી. મુસલમાન શાસકોની ભારતમાં વંશાવળી (ડાયનાસ્ટી) શરૂ થઈ એ પહેલાં ભારતના હિંદુ શાસકોનો સરખો રાજકીય ઇતિહાસ પણ આપણી પાસે નથી. જેમ કે વિક્રમ સંવતની શરૂઆત કયા વિક્રમ સાથે થઈ એની આપણને ચોક્કસ જાણ નથી.

ટૂંકમાં ઇતિહાસલેખનના અભાવને કારણે મુસલમાનો ભારતમાં શાસકો તરીકે આવ્યા એ પહેલાંના આપણા ઇતિહાસમાં મોટાં ગાબડાંઓ છે. માત્ર રાજકીય નહીં, સાંસ્કૃતિક પણ. જો આ હકીકત હોય અને એ હકીકત છે જ ત્યારે એક પ્રજા તરીકે આધુનિક યુગમાં આપણી કેટલીક ફરજ બને છે. એ ફરજ એ છે કે આપણે ઇતિહાસને નામે જે કથનો કરવામાં આવે છે તેને શંકા સાથે જોવાં જોઈએ. જે કહેવામાં આવે છે એમ ન પણ બન્યું હોય એમ કબૂલ કરવા જેટલું ખુલ્લાપણું દાખવવું જોઈએ. આપણા અતીત વિષે આપણે જે માહિતી ધરાવીએ છીએ એ સંદિગ્ધ છે. સંદિગ્ધ માહિતીના આધારે વર્તમાનમાં અસંદિગ્ધ વલણ અપનાવવું એ નરી મૂર્ખાઈ છે. આટલું તો તમે સ્વીકારશો એવી અપેક્ષા વધારે પડતી તો નથી જ.

ભારતમાં આજે સામાજિક હિતો ધરાવનારાઓ દસ્તાવેજો તેમ જ ઇતિહાસના શૂન્યાવકાશનો કે પછી ઇતિહાસમાં જોવાં મળતાં ગાબડાંઓનો લાભ લે છે. તેઓ તેમને માફક આવે એ રીતે ઇતિહાસ લખે છે અને ખરું પૂછો તો ઇતિહાસ રચે છે, કન્સ્ટ્રક્ટ કરે છે. ઇતિહાસલેખન અને ઇતિહાસરચના એ બે જૂદી વસ્તુ છે. જગતમાં ખૂબ લાંબો ઇતિહાસ ધરાવનારા દેશોમાં એક ભારત છે. જગતમાં ખૂબ સંકુલ સમાજ ધરાવનારો દેશ ભારત છે. આવા દેશમાં વર્ગીય હિતો ધરાવનારાઓ ઇતિહાસ પોતાને માફક આવે એ રીતે રચે, કન્સ્ટ્રક્ટ કરે અને એ વર્ગના લોકો તેને જ સાચો આધારભૂત ઇતિહાસ માનીને એકબીજા સાથે હિસાબ કરે ત્યારે સહઅસ્તિત્વ સામે જોખમ પેદા થાય છે.

ભારતમાં અત્યારે આવું જ બની રહ્યું છે. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ એક સમસ્યા છે અને પોતાનાં વર્ગીયહિતોને ધ્યાનમાં રાખીને બીજાઓને આરોપીના પીંજરામાં ખડો કરનારો ખાસ રચવામાં આવતો ઇતિહાસ બીજી સમસ્યા છે. હકીકતમાં બીજી સમસ્યા વધારે મોટી સમસ્યા છે. સનાતની હિંદુઓ પોતાની રીતે ઇતિહાસ રચે છે. દલિતો પોતાની રીતનો ઇતિહાસ રચે છે. આર્યાવર્તના અભિમાનીઓ પોતાને માફક આવે એ રીતે ઇતિહાસ રચે છે અને દ્રવિડો તેમને માફક આવે એ રીતે ઇતિહાસ રચે છે. ટૂંકમાં ભારતની સમસ્યા ઇતિહાસના અભાવની છે અને તેના અભાવના પરિણામે ઇતિહાસ રચવાના (કન્સ્ટ્રક્ટેડ હિસ્ટરી) વલણની છે. ભારતમાં દરેક કોમ મહાન છે અને દરેક કોમ બીજા દ્વારા હિજરાયેલી છે. એક જ સમયે વિજેતા અને પરાજીત બંને છે. અંગ્રેજીમાં કહીએ તો વિક્ટર અને વિકટીમ બંને છે.

તો સુજ્ઞ વાચક, આવી સ્થિતિમાં તારી શી ફરજ બને છે? જવાબ છે વિવેક. ઇતિહાસનાં નામે જે કાંઈ કહેવામાં આવે છે તે સત્ય જ છે એમ માની લેવાની જરૂર નથી. જો ખાતરી કરવી હોય તો ઇતિહાસને નામે કહેવામાં આવતા પ્રત્યેક કહેવાતા ઐતિહાસિક કથનને ચકાસવાનો પ્રયત્ન કરી જો. એક સ્થળે ચોક્કસ અટકી પડવાનો પ્રસંગ આવશે. કાં તો પ્રમાણ ખોટું હશે અને કાં સંદિગ્ધ હશે. ગેરંટી. ભારતના આજના પ્રશ્નોને તપાસતી વખતે અને અભિપ્રાય બનાવતી વખતે ઇતિહાસનો કેટલો આશરો લેવો એનો વિવેક કરવો જરૂરી છે. ટૂંકમાં ભારતના ઇતિહાસનો આશ્રય લેવા જેવું નથી. તે ખાસ રચવામાં આવેલો અને ખાસ જરૂરિયાત મુજબ રંગ પૂરેલો ઇતિહાસ છે. આ શ્રેણીમાં કહેવામાં આવતાં અનેક કથનો કેટલાક વાચકોને ગ્રાહ્ય લાગતા નથી, કારણ કે તે તેમનાં ગૃહિતો કરતાં જુદાં પડે છે. વાચકે મારા કથનને પણ અંતિમ માનવાની જરૂર નથી અને પોતાના ગૃહિતોને પણ અંતિમ માનવાની જરૂર નથી. આપણે બધા આધારભૂત ઇતિહાસના અભાવ અને ન સમજી શકાય એવા ગાબડાંઓની વચ્ચે આપણને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સલાહ માત્ર એટલી જ છે કે ગૃહિતોને એમને એમ ગ્રહણ કરવાની જગ્યાએ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો. 

તો શું કરવું છે? રંગ પૂરેલા ઇતિહાસને સાચો માનીને ખપી જવું છે કે પછી ઇતિહાસને વિવેકની એરણે ચકાસીને અસ્તિત્વ ટકાવવું છે? વિચારી જો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 ડિસેમ્બર 2019

Loading

એક અજાણ્યા ગાંધીની આત્મકથા : નટવર ગાંધી

બકુલા ઘાસવાલા|Opinion - Literature|8 December 2019

 

Soloman Grundy,
Born on a Monday,
Christened on a Tuesday,
Married on Wednesday,
Took ill on Thursday,
Grew worse on Friday,
Died on Saturday,
Buried on Sunday ,
That was the end,
Of Solomon Grundy.

                                  − James Orchard Halliwell

નટવર ગાંધીકૃત એક અજાણ્યા ગાંધીની આત્મકથાના પાન ૨૬ પરે આ કાવ્ય મુકાયું છે.

આ મુક્તક વાંચતાં મને યાદ આવ્યું –

‘पुनरपि जननम् ,पुनरपि मरणम्, पुनरपि जननी जठरे शयनम्।
कृपया, पारे, पाहि मुरारी …….

આ જગતમાં ગણ્યા ગણાય નહીં એટલા માનવો જનમ્યા,જીવ્યા, પોતાનું કાર્ય કર્યું અને વિદાય થયા. પોતપોતાના જીવનકાર્ય દરમિયાન કેવું જીવાયું, કેમ કેમ જવાયું, નામદામ કમાયા, સફળનિષ્ફળ થયા એનો હિસાબ કેટલાકે આત્મકથા દ્વારા આપ્યો. કેટલાકનું જીવન ચરિત્ર લખાયું. સરવાળે તો ઉપર લખ્યું તે જ પરિણામ દેખાયું એમ કહીએ તો ખોટું નથી, છતાં જેમને આત્મકથા વાંચવી ગમે તેમને માટે નટવર ગાંધીની એક અજાણ્યા ગાંધીની સંઘર્ષ અને સિદ્ધિની કથા રસપ્રદ તો લાગે.

ગુજરાતના સાવરકુંડલા નામે ગામમાં જન્મેલો એક બાળક બાળપણની મધુર સ્મૃતિઓ વગર બહોળા પરિવારમાં મોટો થઈ, ડાહ્યાડમરો વિદ્યાર્થી બની મુંબઈ પહોંચે, ત્યાં અથડાઈકુટાઈને આગળ કોલેજમાં ભણે, તક મળે તો આગળ વધવામાં પાછી પાની ન કરવી એ તકિયાકલામ સાથે જીવે, લગ્નની વય થઈ એટલે પરણે, અમેરિકા જઈને ત્યાં પણ ભણે, સંઘર્ષ કરે અને જેમ જેમ તક મળે તેમ આગળ ને આગળ વધે. આમાં નવું શું? અંતે એવો પ્રશ્ન થાય તેવી આ કથા નથી.

આ આત્મકથા આઝાદી આંદોલનના અંતિમ તબક્કામાં જન્મેલા, ગુલામી મુક્ત થયેલા દેશની શરૂઆતની પરિસ્થિતિમાં જીવનસંઘર્ષ કરતી પેઢીની વાસ્તવિકતા, ગાંધીવિચાર પ્રભાવમાં રહેવું અને એ પ્રભાવના ઓસરવાનો અનુભવ કરતા કરતા પણ એ શાશ્વત મૂલ્યો આત્મસાત્ કરી જીવનપથ પર આગળ વધનારા યુવાનની વૃદ્ધાવસ્થા સુધીની દડમજલની વાસ્તવિકતાનું નિરૂપણ કરે છે. બાળપણના એ સમયખંડમાં શાળામાં ગાંધીવિચારના પ્રભાવના કારણે પોતાનું સત્ય અને અનુભૂતિનું આકલન નટવરભાઈએ પૂરી ઈમાનદારીથી કર્યું છે. મને તો આ કથા વાંચવામાં એટલે જ રસ પડ્યો છે. એમણે ક્યાં ય પણ આભાસી ચિત્ર ઊભું કરવાનો પ્રયત્ન કર્યો નથી.

ભારતીય પરંપરામાં પરિવાર પ્રેમની દુહાઈ ખૂબ કરવામાં આવે. વતનવછોયાં અને વતનઝૂરાપાની બોલબાલા પણ ભારે. નટવરભાઈ તટસ્થ રહી પોતાની વાસ્તવિકતા વર્ણવે છે. એમને અમેરિકામાં થયેલા સારાનરસા બન્ને અનુભવોનું વર્ણન કરે છે તો દેશમાં હતા ત્યારની ખાટીમીઠી યાદો છે તે પણ વાગોળે છે. એમને માતાપિતા માટે એવો ધ્યાનાકર્ષક અહોભાવ નથી પરંતુ એમની વાસ્તવિકતા સમજ્યા પછી એમનું ગુણદર્શન કરી શકે છે. સંયુક્ત પરિવારની તેઓ દુહાઈ કરતા જ નથી છતાં જે ફરજ બજાવવાની છે તે એમણે યથા શક્તિ બજાવી છે તેનો અછડતો જ ખ્યાલ આપવા છતાં વાચક તરીકે સમજી શકાય છે કે જીવનસંગિની નલિનીબહેનના કારણે તેઓ એમાં સફળ થયા છે.

બાકી પોતાની કારકિર્દી બનાવવા પાછળ તનમન ને સમયથી પ્રતિબદ્ધ વ્યક્તિ એમાં તો સિદ્ધિ મેળવે જ છે તે આલેખ અહીં પૂરો મળે છે. અમેરિકાનું એમનું વાસ્તવ દર્શન, રંગભેદ, ભારતીય પરંપરામાં જાતિભેદ, ત્યાં મળતી તક, ત્યાં સફળનિષ્ફળ થતા ભારતીયો કે અન્ય વિદેશીઓ વિશે વિશ્લેષણ એવાં અનેક પાસાં પર એમણે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રકાશ પાડ્યો છે. જો કે એમણે પોતાની કારકિર્દીલક્ષી વાતો વિગતે દર્શાવી છે. શિક્ષણ કેન્દ્રિત મહેનત, કાર્યસ્થળના વહીવટી પડકારો, પોતાની મક્કમતા અને વખત આવે સંબંધિત વર્ગને કડવી દવા પાવાનો ઉદ્યમ જેવી વાતો એમણે લાંબી લેખણે કરી છે. અમેરિકાની પ્રજાલક્ષી સેવાઓ, વહીવટી ખૂબી ખામીઓ સાથે મળતો સહકાર, મુશ્કેલીની વાતો પણ કરી છે. તે રીતે મુંબઈના અનુભવોની વિશદ છણાવટ સાથે પોતે કેમ અમેરિકા જવા ઉત્સુક હતા તેનું વર્ણન પણ પારદર્શકતાથી કર્યું છે. પોતાની મહત્ત્વાકાંક્ષાઓની પૂર્તિ છતાં ‘હજી કંઈક બાકી રહે છે’ની અતૃપ્ત ઝંખના અને અજંપો તેઓ છુપાવતા નથી. પોતાની સાહિત્ય પ્રીતિ, પ્રવૃત્તિઓની વાત પણ કરી છે. જ્યાં રહો તેના થઈને રહો પછી દેશ હોય કે પરદેશ આ મુદ્દો એમણે સુપેરે સ્પષ્ટ કર્યો છે. દેશમાં એમનો સીધો પરિચય દર્શક, ઉમાશંકર જોષી અને સુરેશ દલાલ જેવા સાહિત્યકારો – કવિઓ સાથે છે. એમને વિશે એમણે લખ્યું છે. પન્નાબહેન નાયક સાથેની સાહિત્યિક પ્રવૃત્તિઓ અને સંબંધોની વાતો પણ કરી છે.

આ પ્રકારની વ્યક્તિઓ વિશે હું સારી રીતે કલ્પના કરી શકું છું અથવા સ્પષ્ટ કહી શકું કે મારી આસપાસ તો મેં મોટાભાગે આ પ્રકારની હસ્તિઓ જ જોઈ છે. પોતાનો કોશેટો તોડે જ નહીં, આમ સૌના અને પછી કોઈના નહીં, એમની દિશાથી બીજે ન હટે, અર્જુનની જેમ જ એક લક્ષ્ય. જનહિત સામે કુટુંબ કે પોતાની જાતની ઐસીતૈસી. નામકમાણીની સાથે આર્થિક રીતે સંપન્ન થયા પછી પણ સતત કર્મણ્યતા એ એમનો સ્વભાવ છે એટલે એમને ખાલીપો ન લાગે. આ સમગ્ર આત્મકથામાં નલિનીબહેન હાંસિયામાં રહી ગયાં છે. હાંસિયામાં રહી જવું એ સ્ત્રીઓની ખાસ કરીને પત્નીની નિયતિ હોઈ છે પછી એ કસ્તૂરબા હોઈ કે નલિનીબહેન. નટવરભાઈની જીવનયાત્રાના છેલ્લા પડાવે એમને પન્ના નાયકનો સહવાસ મળે છે અને એ સાહચર્ય માટે તેઓ ભારતીય સમાજની દ્રષ્ટિએ ક્રાન્તિકારી નિર્ણય લે છે તે પગલું મારા જેવાને ગમે એમાં નવાઈ નથી. અલબત્ત, એમાં પન્નાબહેનની હિંમતને સલામ કરીશ કારણ કે આ અવસ્થામાં કોઈ બાળકને સાચવવાની જવાબદારી લેવા જેવી જ વાત મને તો લાગી. જો કે અહીં કોણ કોને સાચવે છે તે ખબર નથી પરંતુ નટવરભાઈએ પારિવારિક જીવનના આ પાસાંનું દર્શન કરાવવું રહ્યું.

નટવરભાઈ જે સમયખંડમાંથી પસાર થયા તેમાં સ્ત્રી વિષયક અમુક ટીપ્પણી સહજ છે છતાં હું એવી બાબતો પ્રત્યે સજાગ છું એટલે એમણે બોડી બામણીનું ખેતર (પાનું;૧૦) કે પોતાની મૂલ્ય નિસબત દર્શાવવા કરેલી સરખામણીમાં વેશ્યાગીરી જેવો શબ્દપ્રયોગ કઠે છે. (પાનું:૩૦૧) પુરુષો દરેક સમયે પુરુષ જ રહે છે તેનો ચિતાર પણ એમની લેખિનીમાં મળે છે. ખાસ કરીને સ્ત્રીઓ પર થતી ગંદી કમેન્ટનો ઉલ્લેખ એમના ગામ વિશેના વર્ણનમાં છે (પાનું:૩૯). જો કે તેઓ સ્ત્રીઓની મૈત્રીમાં ઝાઝો રસ ધરાવતા હોય તેવું એમના લખાણમાં દેખાતું નથી કારણ સ્પષ્ટ છે એમનું લક્ષ્ય જ કારકિર્દી બનાવવાનું છે. એટલા વ્યસ્ત કે વિચારવાનો સમય જ ન મળે પછી તે બાબત કુટુંબ સાથે રહેવાની હોય કે અન્ય. એમણે પોતાના સંતાનોને રતન તરીકે ઓળખાવવાથી વિશેષ લખ્યું નથી એટલે એ પાસું પણ અજાણ્યું રહી જાઈ છે. એક રીતે જોઈએ તો એ આ પ્રકારની સરેરાશ ભારતીય સફળ વ્યક્તિઓની માનસિકતા અને લાક્ષણિકતા છે.

મહેશભાઈ દલાલે ભેટ આપ્યું એટલે આ પુસ્તક વાંચવા મળ્યું. પન્નાબહેનના સ્ત્રી કેન્દ્રિત કાવ્યો મને ગમે છે. નટવરભાઈનાં કાવ્યસર્જનથી હું પરિચિત નથી. જો કે એમણે પોતાની સાહિત્યયાત્રા વિશે અને ખાસ કરીને છંદોબદ્ધ કૃતિઓની સર્જન પ્રક્રિયાની વાત કરી છે એ પ્રભાવિત તો કરે છે. આ આત્મકથા વાચક તરીકે ૧૯૪૫-૨૦૧૬(એમનો જન્મ તો ૧૯૪૦માં)નો સમયખંડ જીવિત કરી આપે છે, ખાસ કરીને ગામ, મુંબઈ અને અમેરિકાના ફલક પર. થોડી મર્યાદાઓ છે પરંતુ નટવરભાઈની અભિવ્યક્તિ રસપ્રદ છે. મને તો વાચનક્ષમ લાગી.

પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા.લિ., ૧૯૯/૧,ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ:૪૦૦ ૦૦૨; ટેલિફોન : ૦૨૨ – ૨૨૦૦ ૨૬૯૧, ૦૨૨ – ૨૬૪૪ ૨૮૩૬; મૂલ્ય:₹ ૪૦૦/-; $15 એરમેલ સાથે.

૮/૧૨/૨૦૧૯

Loading

...102030...2,7732,7742,7752,776...2,7802,7902,800...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved