Opinion Magazine
Number of visits: 10,228,908
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમાજના દબાયેલા લોકોનો આક્રોશ ફિલ્મી પડદે વ્યક્ત કરનાર કેમેરામેન અને ફિલ્મમેકર ગોવિંદ નિહલાની

નીલય ભાવસાર|Opinion - Opinion|14 November 2019

કોઈ પણ કુશળ ફિલ્મમેકર માટે ફિલ્મમેકિંગની પ્રક્રિયા માટે જરૂરી ટેક્નિકલ જ્ઞાન હોવું પહેલી શરત છે. ફિલ્મ ડિરેક્ટર માટે વાર્તા અને એક્ટિંગ સિવાય એડિટિંગ, સિનેમેટોગ્રાફી, સાઉન્ડ ડિઝાઈન, લાઈટિંગ વગેરેની સમજ હોવી પણ ખૂબ જરૂરી છે. ફિલ્મમેકિંગની દુનિયામાં એવા ઘણાં ફિલ્મ ડિરેક્ટર્સ છે કે જેમણે તેમના કરિયરની શરૂઆત ફિલ્મ એડિટર અથવા સિનેમેટોગ્રાફર તરીકે કરી હોય અને બાદમાં ડિરેક્ટશનના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય. હાલ બોલિવૂડમાં એવા ઘણાં ફિલ્મમેકર્સ છે કે જેઓ કુશળ સિનેમેટોગ્રાફર અથવા ફિલ્મ એડિટર હોવાની સાથે-સાથે કામયાબ ડિરેક્ટર પણ હોય.

આજે આપણે બોલિવૂડના જાણીતા સિનેમેટોગ્રાફર, ડિરેક્ટર-લેખક ગોવિંદ નિહલાનીના ફિલ્મ કરિયર પર એક નજર માંડીશું. બોલિવૂડમાં જ્યારે આર્ટ હાઉસ સિનેમા(સમાંતર સિનેમા અથવા નવું સિનેમા)નો યુગ શરૂ થયો ત્યારે ડિરેક્ટર શ્યામ બેનેગલની સાથે સિનેમેટોગ્રાફર (કેમેરામેન) તરીકે કરિયરની શરૂઆત કરનાર ગોવિંદ નિહલાનીએ એક સ્વતંત્ર ફિલ્મમેકર તરીકેની પણ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી. પદ્મશ્રી વિજેતા ફિલ્મમેકર ગોવિંદ નિહલાનીને 6 નેશનલ એવોર્ડ અને 5 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે. ગોવિંદ નિહલાનીએ જે બોલિવૂડ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કેમેરાવર્ક કર્યું છે તેમાં 'આક્રોશ' (1980), 'અર્ધસત્ય' (1983), 'દ્રોહકાલ' (1994), 'જુનૂન' (1979), 'ભૂમિકા' (1977), 'મંથન' (1976) વગેરેનો સમાવેશ થાય છે. કેમેરાના ટેક્નિકલ જ્ઞાન સહિત સાહિત્યની ઊંડી સમજ ધરાવતા ગોવિંદ નિહલાનીની ફિલ્મોગ્રાફીમાં સાહિત્યકાર અથવા સાહિત્યકૃતિ સાથેનો ગાઢ સંબંધ જોવા મળે છે.

ગોવિંદ નિહલાનીએ જ્યારે સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ તેમણે ઓમ પુરી અને નસીરુદ્દીન શાહને લઈને 'આક્રોશ' (1980) નામની ફિલ્મ બનાવી. મરાઠી નાટ્યકાર વિજય તેંદુલકર અને સત્યદેવ દુબે લિખિત આક્રોશ(1980)માં ઓમ પુરીએ એક પણ ડાયલોગ વિના માત્ર આંખો અને ચહેરાના હાવભાવથી સમાજના કચડાયેલા વર્ગનો આક્રોશ વ્યક્ત કર્યો. જ્યારે 'અર્ધસત્ય'(1983)માં મનોમંથન કરી રહેલા પોલીસ ઓફિસરના રોલમાં ઓમ પુરીએ સમાજ વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કર્યા. ડાર્ક અને વાસ્તવિક સ્થિતિ રજૂ કરતી 'અર્ધસત્ય'(1983)ને આજે પણ પોલીસ પર બનેલી શ્રેષ્ટ બોલિવૂડ ફિલ્મ ગણવામાં આવે છે. ફરી એક વખત મરાઠી નાટ્યકાર વિજય તેંદુલકરે આ ફિલ્મ લખી અને તેનું શીર્ષક જાણીતા મરાઠી કવિ દિલીપ ચિત્રેની કવિતા આધારિત છે. ગોવિંદ નિહલાનીની આ બંને ફિલ્મોનો અંત હિંસક હતો અને દર્શકોને વિચારવા માટે મજબૂર કરી દે તેવો હતો. ગોવિંદ નિહલાનીના સિનેમામાં સમાજના દબાયેલા, કચડાયેલા અને વંચિતોની વેદના, વિભાજનની દાસ્તાન ('તમસ' સિરિયલ), નક્સલવાદ ('હઝાર ચૌરાસીકી માં' નામની ફિલ્મ), કોમી એખલાસ, મજૂરો આંદોલન (ફિલ્મ 'આઘાત'), સ્ત્રી સશક્તિકરણ, સમાજના ઉચ્ચવર્ગનો દંભ અને અસામનતા જેવા વિષયો જોવા મળે છે.

ગોવિંદ નિહલાનીનો જન્મ તારીખ 19 ડિસેમ્બર, 1940ના રોજ કરાચી (હાલ પાકિસ્તાનમાં) થયો, બાળપણમાં તેમણે સૌ પ્રથમ ગુજરાતી સંત અને કવિ નરસિંહ મહેતાના જીવન આધારિત ફિલ્મ 'નરસી ભગત' જોઈ હતી. વર્ષ 1947ના વિભાજન બાદ તેમનો પરિવાર રાજસ્થાનના ઉદયપુરમાં આવીને સ્થાયી થયો. આ દરમિયાન કેમેરાવર્ક તરફ તેમની રુચિ જાગૃત થઈ, સિંધી પરિવારમાંથી આવતા ગોવિંદ નિહલાનીએ ફેમિલી બિઝનેસમાં આગળ વધવાની જગ્યાએ કુશળ કેમેરામેન બનવાનો નિર્ણય કર્યો અને આ માટે તેમણે બેંગ્લોરમાં આવેલી ઈન્સ્ટિટ્યૂટમાંથી સિનેમેટોગ્રાફી(cinematography)નો 3 વર્ષનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1962માં તેઓ મુંબઈ આવ્યા અને બોલિવૂડના દિગ્ગજ સિનેમેટોગ્રાફર વી.કે. મૂર્થી(ગુરુદત્તની ફિલ્મોના કેમેરામેન)ના સહાયક તરીકે કરિયરની શરૂઆત કરી. બાદમાં એડવર્ટાઇઝમેન્ટના ક્ષેત્રમાં કેમેરામેન તરીકે કાર્ય કરતા તેમની મુલાકાત ડિરેક્ટર શ્યામ બેનેગલ સાથે થઈ. આ દરમિયાન શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહલાનીએ સાથે મળીને ડોક્યુમેન્ટ્રી અને એડવર્ટાઇઝમેન્ટ પર કામ કર્યું. જ્યારે શ્યામ બેનેગલે તેમની પ્રથમ ફિલ્મ 'અંકુર' બનાવી ત્યારે ગોવિંદ નિહલાનીએ તેમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું. બાદમાં શ્યામ બેનેગલની 'નિશાંત' (1975), 'મંથન' (1976), 'ભૂમિકા' (1977), 'જુનૂન' (1978), 'આરોહણ' (1982) સહિતની ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર તરીકે કાર્ય બાદ ગોવિંદ નિહલાનીએ સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ફિલ્મ 'જુનૂન' (1978) માટે તેઓને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો. શ્યામ બેનેગલની સાથે કેમેરાવર્ક કરતી વેળાએ તેઓ ફિલ્મમેકિંગના પાઠ શીખ્યા અને નાટ્યકાર – લેખક સત્યદેવ દુબે તેમ જ વિજય તેંદુલકર થકી તેમનો થિયેટર(નાટક)ની દુનિયા સાથે પરિચય થયો.

આ તે સમય હતો કે જ્યારે ભારતીય સિનેમામાં સમાંતર સિનેમા(નવું સિનેમા અથવા આર્ટ સિનેમા)ની મૂવમેન્ટ ચાલી રહી હતી. બોલિવૂડમાં એક બાજુ અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, મિથુન, જિતેન્દ્ર વગેરે સ્ટાર્સની મનોરંજક ફિલ્મો આવી રહી હતી જ્યારે બીજી બાજુ શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, સઈદ અખ્તર મિર્ઝા અને કુંદન શાહ જેવા ફિલ્મમેકર્સ ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, સ્મિતા પાટિલ અને શબાના આઝમી જેવાં સામાન્ય ચહેરો ધરાવતાં એક્ટર્સને લઈને સમાજની વાસ્તવિકતા આધારિત રિયાલિસ્ટિક ફિલ્મો બનાવી રહ્યા હતા. ઓછા બજેટની સમાંતર સિનેમાની ફિલ્મોમાં રિયાલિસ્ટિક વિષયો, એકિટંગ, સામાજિક પ્રશ્નો, રિયલ લોકેશન્સ મહત્ત્વના હતા. આ સમયગાળામાં ગોવિંદ નિહલાનીએ જે ફિલ્મો ડિરેક્ટ કરી તેમાં 'આક્રોશ' (1980), 'વિજેતા' (1982), 'અર્ધસત્ય' (1983), 'પાર્ટી' (1984), 'આઘાત' (1985), 'દ્રોહકાલ' (1994), 'હજાર ચૌરાસીકી માં' (1997), 'થક્ષક' (1999), 'દેવ' (2004) વગેરે મહત્ત્વની ફિલ્મોનો સમાવેશ થાય છે. ગોવિંદ નિહલાનીની ફિલ્મોમાં ઓમ પુરીને એક્ટિંગ કરવા માટેનું ખુલ્લું અવકાશ મળ્યું, અર્ધસત્ય માટે ઓમ પુરીને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અજય દેવગન, અમરીશ પુરી, ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ, શશી કપૂર સહિતનાં જાણીતાં કલાકારો ગોવિંદ નિહલાનીની ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે.

માત્ર ફિલ્મો નહીં પરંતુ ટી.વી. ક્ષેત્રે પણ ગોવિંદ નિહલાનીનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. તેમણે 1988માં ભીષ્મ સહાનીની નવલકથા આધારિત 'તમસ' નામની 6 એપિસોડ્સની ટી.વી. સિરિયલ બનાવી, વિભાજનની વેદના રજૂ કરતી આ ટી.વી. સિરિયલને દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી અને તેને 3 નેશનલ એવોર્ડ મળ્યા હતા. ટી.વી. સિરિયલ 'તમસ'ની પટકથા ગોવિંદ નિહલાની અને ભીષ્મ સહાનીએ સાથે મળીને લખી હતી. ગોવિંદ નિહલાનીની અન્ય મહત્ત્વની ફિલ્મમાં 'હજાર ચૌરાસીકી માં'(1997)નો સમાવેશ થાય છે. બંગાળી લેખિકા મહાશ્વેતા દેવીની નવલકથા 'હજાર ચૌરાસીકી માં' આધારિત આ ફિલ્મમાં કથિત રીતે નક્સલવાદનો મુદ્દો અને પુત્ર ગુમાવી ચૂકેલા એક માતાની વેદના કેન્દ્રસ્થાને છે. એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદ નિહલાની જણાવે છે કે મને ફિલ્મ બનાવવાના વિચાર સાહિત્યમાંથી મળે છે. સાહિત્ય અને સિનેમા એકબીજાની સાથે સંકળાયેલાં છે. મારી મોટાભાગની ફિલ્મો સાહિત્યકૃતિ વાર્તા, નવલકથા કે પછી કોઈ નાટક આધારિત છે.

આ સિવાય રિચાર્ડ એટેનબરોની હોલિવૂડ ફિલ્મ 'ગાંધી'માં ગોવિંદ નિહલાનીએ સહાયક સિનેમેટોગ્રાફર તરીકે કાર્ય કર્યું હતું. રિચાર્ડ એટેનબરો જ્યારે ભારતમાં 'ગાંધી'નું શૂટિંગ કરવા માટે આવ્યા ત્યારે તેમણે સહાયક કેમેરામેન તરીકે ગોવિંદ નિહલાનીને પસંદ કર્યા હતા. આ શૂટિંગ દરમિયાન તેઓને એક કેમેરાવર્ક તરીકે કામ કરવાની સંપૂર્ણ આઝાદી મળી, ડિરેક્ટર રિચાર્ડ એટેનબરોએ ગોવિંદ નિહલાનીને તેમના દ્રષ્ટિકોણથી સીન શૂટ કરવા માટેની આઝાદી આપી. માત્ર એટલી જ સલાહ આપી કે દરેક ફ્રેમમાં ભીડ દેખાવી જોઈએ કારણ કે ભારતની આબાદી વધારે છે. ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘અર્ધ સત્ય'માં ઓમ પુરી, સ્મિતા પાટિલની સામે બેસીને મરાઠી કવિ દિલીપ ચિત્રેની જે કવિતાનું પઠન કરે છે તેમાં તેનો સારાંશ રહેલો છે, તેનો અનુવાદ આ મુજબ છે. 'ચક્રવ્યૂહમાં ઘૂસતા પહેલાં, હું કોણ અને કેવો હતો, તે મને યાદ નથી. ચક્રવ્યૂહમાં ઘૂસ્યા બાદ મારી અને ચક્રવ્યૂહની વચ્ચે માત્ર એક ઘાતક નિકટતા હતી, તેનો મને ખ્યાલ નહીં આવે. ચક્રવ્યૂહમાંથી નીકળ્યા બાદ ભલે હું મુક્ત થઈ જાઉં પણ ચક્રવ્યૂહની રચનામાં કોઈ ફરક નહીં પડે. એક પલડામાં નપુંસકતા અને એક પલડામાં પુરુષાતન, અને ત્રાજવાના વચ્ચેના કાંટા પર અર્ધસત્ય.'

(લેખક www.iamgujarat.comમાં પત્રકાર છે)

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

શિક્ષણથી બેહાલી

રોહિત શુક્લ|Opinion - Opinion|14 November 2019

નિશાળો, કૉલેજો કે યુનિવર્સિટીઓમાં ભણાવવાના કે અન્ય સંલગ્ન કામગીરીમાં રોકાયેલાઓને પોતે જે કાંઈ કરે છે તે શા માટે કરે છે, તેની કુલ અસર શી છે, જે કામ કરાવવામાં આવી રહ્યું છે, તેની પાછળ કયા વિચારો કામ કરે છે અને પોતાની કામગીરીનાં પરિણામ કેવાં આવે છે, તે બધા વિશે કોઈક વ્યાપક દૃષ્ટિકોણથી વિચારવાનો ભાગ્યે જ સમય મળતો હશે. તેમાં રસ-રુચિ હશે કે કેમ તે પણ વિચારવું ઘટે. એક અત્યંત સાદા પ્રશ્નથી પ્રારંભ કરીએઃ

દિલ્હીમાં શિક્ષણની વ્યવસ્થામાં સગવડો તથા ગુણવત્તામાં, આટલા ટૂંકા સમયમાં (પાંચ વર્ષમાં !) આટલો મોટો સુધારો આવી શક્યો અને ‘મહાન’ ગણાતા ગુજરાતની શિક્ષણની હાલત આટલી ખસ્તા કેમ ? દિલ્હીમાં શિક્ષક વધારે સારા હશે ? યાદ રહે, પાંચ વર્ષ અગાઉ પણ લગભગ આ જ શિક્ષકો હતા. દિલ્હીમાં ફેર પડ્યો તેનું કારણ તેનો સુંદર વહીવટ છે. આ વર્ષે અર્થશાસ્ત્રનું નોબલ સમકક્ષ ઇનામ મેળવનારા અભિજીત બેનર્જીના વિચારોનો તેમણે કરેલો ઉપયોગ પણ ઘણો કામ આવ્યો છે. સામે પક્ષે થોડાંક વર્ષ અગાઉ ગુજરાતના એક વહીવટી અધિકારીએ ખંડસમયના અધ્યાપકો માટે વાપરેલા શબ્દો એટલા બિનશોભાસ્પદ છે કે ‘અભિદૃષ્ટિ’ તેનો ઉલ્લેખ પણ નહીં કરે! અલબત્ત, ગોરા બ્રિટિશ હાકેમોની જગ્યાએ આવી પડેલા આ સત્તાના મદોન્મતો આગળ અંગ્રેજોની વિવેકી ભાષા અને તહજીબને યાદ કરીને ગ્લાનિ અનુભવવી રહી !

હમણાં જ એક નવો ઉત્સાહ વ્યક્ત થયો છે. આર્થિક બદહાલીથી ગુજરી રહેલા આપણા સમાજમાં સરકાર અન્ય ખાસ કશું કરી શકે તેમ જણાતું નથી; કદાચ તેથી જ હવે નવી વાત આવી છે : આપણે ત્યાં હવે વિદેશથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવશે ! આમ તો ભારતમાં, ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયા મૂવમૅન્ટ ચાલી હતી; હવે યુવાઓ અને ધનવાનોની નવી ક્વિટ- ઇન્ડિયા મૂવમૅન્ટ શરૂ થઈ ગઈ છે ! અમેરિકા, કૅનેડા અને યુનાઇટેડ કિંગ્ડમ. તો જૂનાં અને જાણીતા ગંતવ્યસ્થાનો હતાં; હવે મેડિકલના અભ્યાસ માટે ફિલિપાઇન્સ, ચીન, યુનાઇટેડ કિંગ્ડમ., રશિયા, દક્ષિણ આફ્રિકા વગેરે નજીકના દેશો ઊભરી રહ્યા છે. ભારતમાં મેડિકલમાં પ્રવેશ નથી મળતો તેથી જ વિદ્યાર્થીએ વિદેશ જાય છે, તેવું ધારવાની ભૂલ કરવા જેવી નથી. ગુજરાતનો જ દાખલો લો. એક તો અહીંની મેડિકલ કૉલેજોમાં પૂરતો સ્ટાફ જ નથી; ઘણે ઠેકાણે કૉલેજ સાથે સંલગ્ન દવાખાનામાં પૂરતા દરદીઓ પણ હોતા નથી ! ફીનાં ધોરણો અકલ્પ એવાં ઊંચાં છે. ગુજરાતમાં મેરિટથી પ્રવેશ મેળવી શકનાર વિદ્યાર્થી એમ.બી.બી.એસ. થતાં સુધીમાં લગભગ રૂ. પચાસ લાખ ખર્ચે છે, જેમાંથી માત્ર ફીના રૂ. ૪૨ લાખ હોય છે આની સામે, અમેરિકાની યુનિવર્સિટીના સભ્યાસક્રમ ભણાવનાર ફિલિપાઇન્સમાં પૂરતા શિક્ષકો, માત્ર ચાળીસ જ વિદ્યાર્થીઓની બૅચ અને રહેવા, જમવા, પુસ્તકો અને ગણવેશ સહિતનો ખર્ચ માત્ર રૂ. ૨૧ લાખ છે ! મેડિકલના અને વધુ વ્યાપક રીતે અન્ય અભ્યાસક્રમોમાં પણ ઘણી ઊંચી ફી માટે કયાં આર્થિક કારણો જવાબદાર છે, તે ગંભીર શોધનો વિષય છે.

શાળેય શિક્ષણથી શરૂઆત કરીએ તો જે સમસ્યાઓ ઝટપટ ઊડીને આંખે વળગે છે, તે આટલી :

૧. ગુજરાતમાં સરકારી શાળાઓમાં ૨૨ હજાર શિક્ષકોની ઘટ છે. સરકારના સર્વ શિક્ષા- અભિયાન, શાળા પ્રવેશોત્સવ, ગુણવત્તા – અભિયાન વગેરે તમામ કાર્યક્રમોની આ શિક્ષકોની આ ઘટને કારણે હવા જ નીકળી જાય છે. વગર શિક્ષકે ગુણવત્તા જાળવવાનો કે વધારવાનો કોઈ કીમિયો  જડ્યો હોય, તો સરકારે તેને સત્વરે જાહેર કરવો જોઈએ.

૨. રાજ્યની ઘણી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોય છે. વર્ગો (ચોમાસા સિવાય) બહાર ખુલ્લામાં ચાલે અને ચાર કે પાંચ ધોરણના વિદ્યાર્થીઓ ચાર દિશામાં બેસે અને એક શિક્ષક વચ્ચે ઊભા રહીને ચારેય વર્ગોને ભણાવે, તેથી ગુણવત્તા જળવાશે ?! ખૂબી એ છે કે આ કોઈ નવી કે આકસ્મિક ઘટના નથી.

૩. સરકારી ગણાતી શાળાઓ પૈકી ઘણાંનાં મકાનો જર્જરિત થઈ ગયાં છે. ‘સિત્તેર વર્ષમાં કશું થયું નથી’ એમ કહેનારાઓએ યાદ રાખવા જેવું છે કે અનેક શાળાઓના ઓરડા આ સિત્તેર વર્ષમાં બન્યા છે. પૂજ્ય મોટા જેવા ગુજરાતના એક સંતે તો ગામેગામ નિશાળોના ઓરડા બાંધવા માટે દાનની અપીલ કરેલી. ૧૯૮૬ની શિક્ષણ નીતિ હેઠળ રાજીવ ગાંધીએ ‘ઑપરેશન બ્લૅક બોર્ડ’ અને પ્રત્યેક જિલ્લામાં નવોદય શાળાઓ રચી શિક્ષણની ગુણવત્તા સુધારવા પ્રયાસ કરેલો.

૪. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ની વાત નારાબાજી કે ભાષણબાજી અને ઉપદેશથી આગળ કેમ નથી વધતી ? નિશાળોને ફરતી કંપાઉન્ડ વૉલ ન હોય, છોકરીઓ માટે અલગ ટૉઇલેટ ન હોય અને માથું ફાડી નાંખે તેવા ફીના આંકડા હોય ત્યાં મા-બાપ શું કરે ? ફી-નિયંત્રણ, ટૉઇલેટ અને કંપાઉન્ડ વૉલ બાંધવા અને પોપડા ન ખરે તેવા વર્ગખંડો બાંધવામાં પણ સરકાર હજુ સફળ નથી થઈ. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર આપણે ઉતરાણ કરીએ તે શક્ય છે પણ શાળાઓમાં જરૂરી સગવડો કરીએ તે અશક્ય છે.

૫. ગુજરાત સરકારે એક-બે વાર ગુણવત્તાની તપાસના આંકડા બહાર પાડ્યા તો ખરા પણ પછી પોતાની ભૂલ સમજાઈ ! આ આંકડાં વડે સરકારની નિષ્ફળતા સાબિત થતી હતી. મજાની વાત એ છે કે શિક્ષણની ગુણવત્તાની તપાસ સરકારી તંત્ર દ્વારા થાય છે. તેમાં કોઈ શિક્ષણશાસ્ત્રીની સામેલગીરી જરૂરી ગણાતી નથી. ભલે! હવે આપણે એમ કરીએ કે જે રીતે સરકાર શિક્ષણની ગુણવત્તા તપાસે છે, તેવી જ રીતે સરકારી કામગીરીની તપાસ શિક્ષકો પાસે કરાવવી ઘટે. ચોમાસામાં બટકી જતા પુલો, રસ્તે રસ્તે ધૂણતા ભૂવાઓ, નર્મદાની તૂટી પડતી નહેરો, દૂષિત પાણી, સગવડ વગરનાં દવાખાનાં, વીજળીનાં મસમોટાં બિલ, ખાનગી શાળાઓ દ્વારા વસૂલાતી ફી … ઘણા વિષયો છે, જેની તપાસ અને સંશોધનનું કામ સરકારે શિક્ષણજગતને સોંપવું જોઈએ.

ખેર ! આવાં અનેક કારણોસર શાળા પ્રવેશોત્સવ પછી પણ ઊંચો ડ્રૉપઆઉટ અને નીચી ગુણવત્તા આપણા શિક્ષણ સાથે સંકળાયેલાં જ રહ્યાં છે. પેલાં ‘સિત્તેર વર્ષ’માં હાલત આટલી ખરાબ ન હતી; આજના મુકાબલે તે થોડાક ‘અચ્છે દિન’ હતા.

ગુજરાત રાજ્યે પોતાની જી.ડી.પી. (સ્ટેટ જી.ડી.પી.)ના ૧.૪૬ ટકા (૨૦૧૮-૧૯) શિક્ષણ પાછળ ખર્ચ્યા, પ્રાથમિક શિક્ષણ માટે તો માત્ર ૦.૯૧ ટકા ! શિક્ષણ પાછળના ખર્ચની બજેટ હેઠળની જોગવાઈમાં, પાછલા વર્ષની તુલનાએ ૨૦૧૯-૨૦માં માત્ર ૧.૭૪ ટકાનો વધારો થયો, પરંતુ પ્રાથમિક શિક્ષણ પાછળના ખર્ચમાં રૂ. ૨૨૮.૫ કરોડનો ઘટાડો થયો ! સરકારને ગુણવત્તા અંગે ચિંતા છે અને હોવી જ જોઈએ, પરંતુ વર્ષ ૨૦૧૯-૨૦માં, પ્રાથમિક શિક્ષણ પાછળના કુલ રૂ. ૧૩,૮૪૮.૪૯ કરોડમાંથી શિક્ષકોની તાલીમ માટે માત્ર ૦.૨૦ ટકા ફાળવવામાં આવ્યા !

બીજી તરફ, દેશનાં ૧૮ મોટાં રાજ્યોના શિક્ષણ પાછળના ખર્ચની ટકાવારી તુલના કરીએ, તો વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮માં છત્તીસગઢ પ્રથમ સ્થાને હતું, જ્યારે દેશમાં પોતાને વિકસિત રાજ્ય ગણાવાતું ગુજરાત ૧૪માં સ્થાને હતું !

રાજ્યના શિક્ષણના પ્રયાસોને લીધે અક્ષરજ્ઞાન ધરાવતી વસ્તીની ટકાવારીમાં વધારો થયો છે, તે સાચું પણ આ વિગતોને જરાક વધુ ધ્યાનપૂર્વક તપાસવાની જરૂર છેઃ

દેશમાં તાજેતરનો સાક્ષરતાનો દર આ પ્રમાણે છે :

કુલ સાક્ષરતા ૬૯.૧૪ ટકા

એસ.સી. ૭૦.૫૦ ટકા

એસ.ટી. ૪૭.૭૪ ટકા

પરંતુ તેમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનો ગાળો મોટો છે :

કુલ વસ્તી ૨૧.૮૬ ટકા

એસ.સી. ૨૪.૯૮ ટકા

એસ.ટી. ૨૩.૧૬ ટકા

મતલબ કે દરેક જૂથમાં સ્ત્રીઓ કરતાં લગભગ ત્રણથી ચાર ગણા વધુ પુરુષો શિક્ષિત બને છે. અને સ્ત્રીઓ પાછળ રહી જાય છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ સૂત્રને યાદ કરીએ !

ગુજરાતમાં શિક્ષણની એક અન્ય વિશેષતા એ છે કે રાજ્યમાં દર ૪.૬૬ પ્રાથમિક શાળા દીઠ માત્ર એક માધ્યમિક શાળા છે. પ્રાથમિકથી આગળ ભણવું હોય, તો ૩.૬૬ શાળાઓનાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ લાંબું અંતર ચાલવું, હૉસ્ટેલમાં રહેવું અને અન્ય ભારે ખર્ચ ઉઠાવવા તૈયાર રહેવું પડે ! બેટી પઢાઓના નારાઓની જય હો !!

સરકારના ધ્યાન ઉપર આ વિગતો હોય જ અને શિક્ષણના આદર્શો તથા નીતિ વિષે પણ માહિતી હોય જ, છતાં રાજ્યની શિક્ષણની પરિસ્થિતિ ચિંતાજનક છે જ.

એક તરફ એમ કહેવાય છે કે દેશમાંથી બેકારી દૂર કરવા વાસ્તે ‘સ્કિલ’માં વધારો કરવો જરૂરી છે. પરંતુ પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રની વાસ્તવિકતા એ છે કે તમામ પ્રકારની લાયકાતો એટલે કે સ્કિલ ધરાવતા હોવા છતાં વીસ હજારથી વધુ શિક્ષકોની ભરતી જ કરાતી નથી ! વળી, આવા શિક્ષકોની તાલીમ માટે પણ માત્ર ૦.૨૦ ટકાના ખર્ચની જોગવાઈ કરાય છે.

પ્રાથમિક શિક્ષણ પૂરું કરે તેને માટે માધ્યમિક શાળાઓ નથી અને છત્તીસગઢ પ્રથમ સ્થાને તથા ગુજરાત છેક ચૌદમાં સ્થાને આવે તેટલું ઓછું ખર્ચ સરકાર કરે છે.

આ સંજોગોમાં ગુણવત્તા કે ડ્રૉપ આઉટ માટે સરકારે પોતે પોતાની જ કામગીરી તપાસવાની ખાસ અને તાત્કાલિક જરૂર છે. સરકાર આ વાસ્તવિકતા પોતે જ સર્જી છે તે સ્વીકારે અને શિક્ષકોના માથે દોષ નાંખવાનું બંધ કરે તો સાચી દિશાની શરૂઆત શક્ય બનશે.

[સંપાદક, ‘અભિદૃષ્ટિ’]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 02-04

Loading

કોમી એકતાના પ્રખર પુરસ્કર્તા : મૌલાના આઝાદ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 November 2019

આઝાદી આંદોલનની સ્વરાજ ત્રિપુટી ગાંધી, નહેરુ, પટેલ સાથે અચૂક સામેલ કરવા યોગ્ય એક નામ મૌલાના અબુલ કલામ આઝાદનું છે. ભારતની સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણી સેનાની, મહાન દેશભક્ત, કોમી એકતાના પ્રખર પુરસ્કર્તા, દેશના પ્રથમ શિક્ષણ મંત્રી, કવિ, લેખક અને પત્રકાર મૌલાના આઝાદ ભારત વિભાજનના કટ્ટર વિરોધી હતા. વીસમી સદીના ભારતીય ઇતિહાસની વિરલ પ્રતિભા અને હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક એવા મૌલાનાસાહેબનો એક ઔર જન્મદિન બે દિવસ પૂર્વે “રાષ્ટ્રીય શિક્ષણ દિન” તરીકે મનાવાયો.

૧૧મી નવેમ્બર ૧૮૮૮ના રોજ મક્કામાં જન્મેલા મૌલાના આઝાદનું મૂળ નામ ગુલામ મોહીયુદ્દીન એહમદ હતું. તેમના પૂર્વજો બાબરના શાસનકાળ દરમિયાન ભારત આવ્યા હતા. મૌલાના આઝાદના પિતા હિન્દુસ્તાની અને માતા અરબસ્તાની હતાં. મૌલાનાસાહેબના જન્મના દસેક વરસો બાદ તેમનો પરિવાર કોલકાતામાં આવી વસ્યો. એમણે મોટા ભાગનું શિક્ષણ ઘરમાં જ લીધા પછી, ઈજિપ્તના કેરોની અલ-અ-જહાર વિશ્વ વિધ્યાલયમાં અરબીનો અભ્યાસ કર્યો હતો. એમણે પરંપરાગત ‘પીરપદ’નો વિરોધ કર્યો હતો. ઈસ્લામ ધર્મના અર્થવાહક તરીકેના વારસામાં મળેલા ‘મૌલાના’ના પદને તેમણે ધાર્મિક સંકુચિતતામાંથી બહાર આણી, વિસ્તાર કર્યો. કુરાનની પ્રમાણભૂત અને પ્રસિદ્ધ અરેબિક આવૃત્તિ એ એમનું મૌલાના તરીકેનું અગત્યનું કામ ગણાય છે. નાની ઉંમરે દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરનાર અબુલ કલામને પોતાના જ્ઞાન અને દર્શનની કોઈ સીમાઓ કે બંધનો સ્વીકાર્ય નહોતાં એટલે તેમણે પોતાનું ઉપનામ “આઝાદ’ રાખ્યું હતું જે કાયમી ઓળખ બની રહ્યું.

જ્યારે કેટલાક લોકો મુસ્લિમોને અંગ્રેજોને વફાદાર રહેવાના પાઠ પઢાવતા હતા ત્યારે એક સૂફી સંતનો દીકરો અબુલ કલામ પીરપદ છોડી જાહેરજીવનના પાઠ ભણતો હતો. કોલકાતા અને મુંબઈ વસવાટ દરમિયાન એમણે અંગ્રેજી ભાષા અને આધુનિક પુસ્તકોનો અભ્યાસ કર્યો. જેણે જ્ઞાનપિપાસા જાગ્રત કરી, જીવનમાં પરિવર્તન આણ્યું. મૌલાના આઝાદે કિશોરાવસ્થામાં “લીસાનુસ્સીદક” (સત્યવાણી) સામયિક કાઢ્યું હતું. જ્યારે મહાત્મા ગાંધીનો ભારતના જાહેરજીવનમાં ઉદય પણ નહોતો થયો ત્યારે, ઈ.સ. ૧૯૧૨માં., ૨૪ વરસના યુવાન અબુલ કલામે, મુસ્લિમોને રાષ્ટ્રપ્રેમના પાઠ શીખવવા “અલ-હિલાલ” (બીજનો ચંદ્ર) નામક સામયિક શરૂ કયું હતું. ડો. ઝાકીર હુસેન જેવા વિદ્વાન માટે પણ જેનું વાચન પ્રેરણાદાયી હતું એવા ‘અલ-હિલાલ”ના એ જમાનામાં ૨૬ હજાર ગ્રાહકો હતા. તેમાં પ્રગટ થતાં  લેખોને કારણે તે અંગ્રેજોની ખફગીનો ભોગ બન્યું અને મૌલાનાને રાંચીમાં નજરકેદ કરવામાં આવ્યા હતા.

ભારતના આઝાદી આંદોલનમાં એકતરફ રાષ્ટ્રવાદી મુસ્લિમો અને બીજી તરફ કટ્ટરપંથી મુસ્લિમોની સ્થિતિ વચ્ચે આરંભે ક્રાંતિકારીઓથી આકર્ષાયેલા મૌલાના આઝાદે કૉન્ગ્રેસમાં જોડાઈ રાષ્ટ્રવાદનો રાહ સ્વીકાર્યો. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન વારંવાર જેલવાસ ભોગવનાર મૌલાના આઝાદ મુસ્લિમ લીગની પાકિસ્તાનની માંગણીના કટ્ટર વિરોધી હતા. એટલે લીગી નેતાઓ તેમને કોમના ગદ્દાર માનતા હતા. ત્રણત્રણ વખત કૉન્ગ્રેસ પ્રમુખપદે વરાયેલા મૌલાના આઝાદ, આઝાદી પૂર્વેના અતિ મુશ્કેલ એવા, ૧૯૩૯થી ૧૯૪૬ના સમયગાળામાં, કૉન્ગ્રેસ પ્રમુખ હતા. એમના રાષ્ટ્ર્વાદી વિચારો પ્રત્યે સૌને આદર હતો. હિંદુ મુસ્લિમ એકતાની હિમાયત અને વિભાજનના વિરોધને કારણે મૌલાના આઝાદને પંડિત નહેરુ અને સરદાર પટેલ સાથે કડવાશભર્યા મતભેદો પેદા થયા હતા. “સાચો મુસલમાન સ્વાધીનતાના જ શ્વાસ ઘૂંટતો હોય”, એમ કહેનાર મૌલાનાસાહેબ રાષ્ટ્રીય એકતાના ભોગે આઝાદી ચાહતા નહોતા. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું, “આકાશમાંથી કોઈ દેવદૂત ઊતરી આવે અને તે દિલ્હીના કુતુબમિનાર પર ચડીને કહે, હિદુ મુસ્લિમ એકતાને ઠોકર મારો અને જુઓ ૨૪ કલાકમાં તમને સ્વરાજ મળી જાય, તો હું હિંદુ મુસ્લિમ એકતા ખાતર સ્વરાજનો ત્યાગ કરવા તૈયાર છું. કેમ કે સ્વરાજ મેળવવામાં વિલંબ એકલા ભારતનું નુકસાન હશે. પણ જો એકતા લુપ્ત થશે તો સમગ્ર માનવજાતનું નુકસાન હશે.”

મૌલાના આઝાદના કૉન્ગ્રેસ પ્રમુખના કાર્યકાળ દરમિયાન જ કૉન્ગ્રેસે ભારતના ભાગલાની દરખાસ્ત વિચારી અને અંતે સ્વીકારી. ભારત-પાકિસ્તાનના ભાગલા સાથેની આઝાદીનો સ્વીકાર મૌલાનાના જીવનનો સૌથી દુ:ખદાયી દિવસ હતો. જ્યારે ગાંધીજી પણ આ નિર્ણય આગળ લાચાર ઠર્યા ત્યારે અબુલ કલામ પાસે પણ તેના સ્વીકાર સિવાયનો કોઈ વિકલ્પ નહોતો. ભાગલા અંગે એપ્રિલ ૧૯૪૬માં એમણે કહેલું, “પાકિસ્તાન શબ્દ જ મારા સંસ્કારની વિરુદ્ધ છે. દુનિયાનો કોઈ ભાગ પાક (પવિત્ર) છે અને કોઈ નાપાક (અપવિત્ર) એવી વહેંચણી બિનઈસ્લામી છે. ઈસ્લામ આવા ભાગલા સ્વીકારતું નથી. “ એટલે જ કૉન્ગ્રેસ મહાસભાની બેઠકમાં (૧૪ જૂન, ૧૯૪૭) વિભાજનના સ્વીકાર અંગેના ઠરાવ પર તેમણે કહ્યું હતું,” રાજકીય દ્રષ્ટિએ બંને દેશો જુદા થવાના હોય તો પણ સંસ્કૃતિ અને સંસ્કારની દ્રષ્ટિએ બંને દેશોએ સાથે રહેવું જોઈએ.

સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી  (૧૯૪૭થી ૧૯૫૮) તરીકે મૌલાના આઝાદે  વિજ્ઞાન અને તકનિકી શિક્ષણનો વિકાસ કર્યો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતી સંશોધન સંસ્થાઓ તેમણે સ્થાપી યુ.જી.સી, આઈ.આઈ.ટી., સાહિત્ય અકાદેમી, સંગીત નાટક અકાદમી અને લલિત કલા અકાદમીની સ્થાપના તેઓ શિક્ષણ મંત્ર્રી હતા તે દરમિયાન થઈ હતી. શિક્ષણ મંત્રી મૌલાનાસાહેબે વિજ્ઞાન અને તકનિકી શિક્ષણ દ્વારા ભારતને આધુનિક બનાવવા પ્રયાસો કર્યા હતા. ભારતની જરૂરિયાતો ભારતમાં જ સંતોષાય અને તે માટેનું શિક્ષણ મળી રહે તેવા પ્રબંધો ઘડ્યા હતા. નોકરી અને ડિગ્રી વચ્ચેનો વિચ્છેદ અને શિક્ષણ માત્ર રોજી રોટીનું સાધન ન બની રહે તે દિશામાં તેમણે કરેલાં પ્રયત્નોને ઝાઝી સફળતા મળી નહોતી.

મૌલાના અઝાદની નખશિખ દેશભક્તિ અને તેમનું કોમી એકતા પ્રત્યેનું સમર્પણ એ બાબતથી પણ પરખાય છે કે  પોતાની આત્મકથા ”ઈન્ડિયા વીન્સ ફ્રીડમ”ની રોયલ્ટીની અડધી રકમમાંથી તેઓએ ભારત અથવા પાકિસ્તાનના કોઈ બિન મુસ્લિમને અંગ્રેજી ભાષામાં ઈસ્લામ વિશે ઉત્તમ પુસ્તક લખવા કે મુસ્લિમને હિંદુ ધર્મ વિશે પુસ્તક, લખવા પુરસ્કાર આપવાની યોજનાની પોતાના વસિયતમાં જોગવાઈ કરી હતી !

મહાદેવ દેસાઈએ લખેલા મૌલાના આઝાદના જીવન ચરિત્રની પ્રસ્તાવનામાં, ૧૯૪૦માં, ગાંધીજીએ લખ્યું હતું, છેક ૧૯૨૦થી મૌલાના અબુલ કલામ આઝાદ સાથે રાષ્ટ્રીય કાર્યમાં સાથીદાર રહેવાનો લાભ મને મળેલો છે. એમનું ઈસ્લામ ધર્મનું જ્ઞાન અજોડ રહ્યું છે. તેઓ અરબીના મહાન વિદ્વાન છે. એમની રાષ્ટ્રીયતા, ઈસ્લામ પ્રત્યેની એમની શ્રદ્ધા જેવી જ બુલંદ છે. ભારતીય ઇતિહાસના કોઈ પણ અભ્યાસીએ એમના આજના સ્થાન(કૉન્ગ્રેસના પ્રમુખ)નો મર્મ પામવો જોઈશે.”

૧૯૯૨માં “ભારતરત્ન”થી નવાજાયેલા મૌલાના આઝાદનો જન્મ દિવસ (૧૧મી નવેમ્બર) ૨૦૦૮થી “રાષ્ટ્રીય શિક્ષણ દિન” તરીકે સરકારી રાહે મનાવાય છે. સાંપ્રદાયિક સોહાર્દની જેને સવિશેષ જરૂર છે તેવા આપણા બિનસાંપ્રદાયિક દેશને અને તેની નવી પેઢીને મૌલાના અબુલ કલામ આઝાદના જીવનકાર્ય અને વિચારોનું સ્મરણ વારંવાર કરાવવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 13 નવેમ્બર 2019

Loading

...102030...2,7992,8002,8012,802...2,8102,8202,830...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved