Opinion Magazine
Number of visits: 10,228,813
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ : અત્યારનાં ગુજરાતી સાહિત્યમાં પુસ્તક સંપાદનનું એક સર્વોચ્ચ શિખર

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|22 November 2019

મેઘાણી-સાહિત્યનાં, જોતાં જ ગમી જાય તેવાં અને અનેક રીતે ઉત્તમ ગુણવત્તા ધરાવતાં, પંદર પુસ્તકો ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ નામની ગ્રંથ-શ્રેણી હેઠળ અમદાવાદમાં ચાલી રહેલાં પુસ્તકમેળામાં મળી રહ્યાં છે.  ગુજરાતી સાહિત્યમાં અસાધારણ સંપાદક જયંત મેઘાણીની સમજ અને માવજત સાથેનાં 7,674 પાનાંનાં આ પુસ્તકોનો સંપુટ પચાસ ટકા વળતર ગણીને કુલ બે હજાર સિત્તેર રૂપિયાનો છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ આ સંપુટ પ્રકાશિત કરીને લોકો માટે બહુ સારું કામ કર્યું છે, છતાં લોકશાહી માર્ગે ચાલવાની અકાદમીની  જરૂરિયાત તો ઊભી જ રહે છે.

અકાદમીએ સમગ્ર મેઘાણી સાહિત્યની ગ્રંથયોજના યોજના હેઠળ પ્રસિદ્ધ કરેલી આ શ્રેણીમાં મેઘાણીભાઈનાં અલગ અલગ સમયે અને સ્વરૂપે બહાર પડેલાં પુસ્તકોમાંથી છેંતાળીસ પુસ્તકોનો પંદર ગ્રંથોમાં સમાવેશ છે. ખૂબ લોકપ્રિય  ‘સૌરાષ્ટ્રની રસધાર’ના ચારેય ભાગ સહુથી દળદાર એટલે સાડા છસો પાનાંનો નવમો ગ્રંથ બને છે. ‘બહારવટિયાકથાઓ’માં ‘સોરઠી બહારવટિયા’ અને ‘દરિયાપારના બહારવટિયા’ આવી જાય છે. ‘લોકકથા સંચય’ એ ‘ડોશીમાની વાતો’, ‘દાદાજીની વાતો’, ‘રંગ છે બારોટ’ અને કંકાવટી’ને સમાવે છે. ‘રઢિયાળી રાત’ ગ્રંથ હેઠળ મૂળ પુસ્તકના ચારેય ખંડ આવરી લેવાયા છે. કુલ  489 ગીતોમાંથી દરેકે દરેક મેઘાણીભાઈએ તેને માટે લખેલી ‘પીઠિકા’ એટલે કે ટૂંકી નોંધ સાથે વાંચવા મળે છે. ‘લોકગીત સંચય’ નામ હેઠળ ‘ચૂંદડી’ના બે ભાગ, ‘હાલરડાં’, ‘ઋતુગીતો’ અને ‘સોરઠી ગીતકથાઓ’ સંગ્રહોને સાથે મૂકવામાં આવ્યા છે. લોકવાણીના બધાં સંગ્રહોમાં મેઘાણીએ લખેલા પ્રવેશકો ‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ’માં સંગ્રહિત થયા છે.

લોકસાહિત્ય પરના તેમના લેખો અને વિખ્યાત ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા  ‘લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય’માં વાંચવા મળે છે. ફોકલોર માટે મેઘાણીએ વર્ષો લગી આખા સૌરાષ્ટ્રમાં કરેલા રઝળપાટ અને તેમાં તેમને મળેલા માનવીઓનાં, માત્ર લસરકા જ કહી શકાય તેવાં સંભારણાં ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’, ‘સોરઠને તીરે તીરે’ અને ‘પરકમ્મા’ પુસ્તકોમાં લખ્યાં છે, જે અકાદમીની શ્રેણીમાં ‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ’ નામના સોળમા ગ્રંથમાં મળે છે. ગુજરાતી લખાણોનાં અંતિમ એટલે કે સત્તરમા ગ્રંથ તરીકે  ‘સોરઠી સંતો અને સંતવાણી’ છે જેમાં ‘સોરઠી સંતો’, ‘પુરાતન જ્યોત’ અને ચાર લેખો છે. મેઘાણીએ ભજનોને લોકવાણીનો અંતિમ પરિપાક કહ્યો છે. એમના સાહિત્યજીવનનું એ અંતિમ કર્મ હતું.

મેઘાણીના સર્જનનો આરંભ કવિતા અને વાર્તાલેખનથી થયો હતો. મેઘાણી શ્રેણીનો પહેલો ગ્રંથ ‘સોના નાવડી’ છે જે કવિની તમામ 450 પદ્યરચનાઓને સમાવે છે. આ સહુથી રમણીય પુસ્તકમાં નવ સંચયોને છે : ‘વેણીનાં ફૂલ’, ‘કિલ્લોલ’, ‘સિંધુડો’, ‘કોઈનો લાડકવાયો અને બીજાં ગીતો’, ‘પીડિતોના ગીતો’, ‘યુગવંદના’, ‘એકતારો’, ‘બાપુનાં પારણાં’ અને ‘રવીન્દ્ર-વીણા’. બીજા ક્રમના ગ્રંથ ‘પરિભ્રમણ’ના પણ બે ખંડ છે. તેમાં સાહિત્ય આસ્વાદ અને વિવેચનનાં સાડા ત્રણસો લખાણો છે. ‘બીજા પ્રદેશના, દરિયાપારનાં સાહિત્ય, પત્રકારત્વ અને કળાનાં વિવિધ પાસાં પરના સંખ્યાબંધ લેખો અને નોંધો’ એમાં સમાવી છે એમ જયંતભાઈ કહે છે. વેરવિખેર અને વર્ગીકરણમાં પડકારરૂપ એવી સામગ્રીથી ખીચોખીચ એવાં તેરસો પાનાં એ જયંતભાઈના પરિશ્રમની પરાકાષ્ટા સમા છે. ત્રીજો ગ્રંથ મેઘાણીની ‘સમગ નવલિકા’ નામે બે ખંડ તરીકે આવે છે. પહેલાંમાં ‘કુરબાનીની કથાઓ’, ‘જેલ-ઑફિસની બારી’, સિનેમાકથાઓ ‘પ્રતિમાઓ’, ‘પલકારા’; અને બીજામાં, ‘મેઘાણીની નવલિકાઓ’ અને ‘વિલોપન અને  બીજી વાતો’ નામના મૂળ સંગ્રહો સાથે મૂકવામાં આવ્યા છે. ત્રીજો ગ્રંથ મેઘાણીની ‘સમગ નવલિકા’ નામે બે ખંડમાં છે. ચોથા ગ્રંથમાં મુખ્યત્વે બંગાળીમાંથી અનુવાદિત ત્રણ નાટકો છે : ‘રાણો પ્રતાપ’, ‘રાજા-રાણી’ અને ‘શાહજહાં’. સમગ્ર મેઘાણી સાહિત્ય યોજના હેઠળ હજુ નવેક પુસ્તકો તૈયાર થઈ રહ્યા છે. તેમાં નવલકથા ગ્રંથના ચાર ઉપરાંત ચરિત્ર, ઇતિહાસ, પત્રકારત્વ અને મેઘાણીના અંગ્રેજી લેખો પરનું એક એક પુસ્તક હશે. ઓગણીસમા ક્રમનો ગ્રંથ ‘મેઘાણી-સંદર્ભ’ નામનો ખૂબ વિશિષ્ટ શાસ્ત્રીય ગ્રંથ હશે.

આમ તો મેઘાણીનાં સમગ્ર સાહિત્યનું જયંતભાઈનું સંપાદનકાર્ય એ ગુજરાતી સાહિત્યનાં સંપાદનકાર્યનાં કદાચ એક સર્વોચ્ચ શિખર જેવું છે. તેની સરખામણીમાં અકાદમીના ઉપક્રમે કે એકંદરે જે સંપાદનો થાય છે તેમાંથી મોટાં ભાગનાં સંપાદકોની દૃષ્ટિહીનતા તેમ જ સાચાં-ખોટાં કારણોસર થતી કામચોરીને કારણે વામણાં લાગે છે. જયંતભાઈનું સંપાદનકાર્ય પિતૃસાહિત્ય માટેની સમર્પિતતાથી આગળ વધીને સાહિત્ય માટેનો ઊંડો લગાવ તેમ જ સંપાદનકળાની જાતે કેળવેલી સમજ અને વંદનીય કર્તવ્યનિષ્ઠા બતાવે છે. લોકો નિવૃત્ત થાય તે વયે અને એટલે કે અઠ્ઠાવનમાં વર્ષે  તેમણે સમગ્ર મેઘાણી સાહિત્યની દસ હજાર પાનાંની યોજના મેઘાણી જન્મશતાબ્દીના 1996નાં વર્ષમાં ઊપાડી અને પછીની જ સાલમાં અસલ સોના જેવું પુસ્તક ‘સોના-નાવડી’ આપ્યું. મેઘાણી પરિવારની આ યોજનાનો મુખ્ય હેતુ ‘લેખકનાં સાહિત્યની પ્રમાણભૂત વાચના’ લોકો સમક્ષ મૂકવાનો હતો. અનેક કારણોસર મેઘાણીનું સર્જન-સંશોધન પુસ્તકો, તેમની અનેક આવૃત્તિઓ, અખબારી લખાણો, સંશોધનનાં ટાંચણો, વ્યાખ્યાનો જેવાં વિવિધ સ્વરૂપે વેરવિખેર હતું. લખાણોમાં લેખકે પોતે કરેલાં સુધારા-વધારા, પુસ્તકોની આવૃત્તિઓમાં ઉમેરણો-બાદબાકીઓ, પ્રસ્તાવનાઓ અને ટિપ્પણો, તખલ્લુસો, લેખકની ઓળખ, પ્રકાશનસાલ, જેવા સંખ્યાબધ પ્રશ્નો તર્કપૂર્ણ રીતે હલ કર્યા છે. અગ્રંથસ્થ લખાણો ‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ’ અને ‘જન્મભૂમિ’ અખબારોની જૂની-પુરાણી ફાઇલો ઉપરાંત ‘પ્રસ્થાન’, ‘કૌમુદી’ જેવાં સામયિકોનાં અંકોમાંથી શોધી છે. આ બધાં થકી જયંતભાઈએ મેઘાણી-સાહિત્યનો અધિકૃત પાઠ તૈયાર કર્યો છે. તેની માહિતી તેમણે દરેક ગ્રંથનાં લાક્ષણિક રીતે મીતભાષી તટસ્થ નિવેદનોમાં આપી છે, અને તેમાંના પડકારો સંશોધકે બિટ્વિન ધ લાઇન્સ વાંચવા પડે છે.

સંશોધક ન હોય એવા વાચનપ્રેમી માટે સહુથી નોંધપાત્ર બાબત તે જયંતભાઈ પુસ્તકને સુરુચિપૂર્ણ રીતે આકર્ષક કેવી રીતે બનાવે છે તેની છે. અકાદમીની આ ગ્રંથમાળાનાં પાકાં પૂંઠાંનાં આવરણો તો મેઘધનુષી છે. રેખાંકનો અને તસવીરોની જયંતભાઈને  આગવી સૂઝ છે. પૂરક સામગ્રી તરીકે તે કેટલીક જગ્યાએ મેઘાણીના હસ્તાક્ષરનો પણ તે ઉપયોગ કરે છે જે વાચકને રોમાંચિત કરી દે છે. દરેક પુસ્તકને શક્ય એટલું યુઝર-ફ્રેન્ડલિ બનાવવા માટે જયંતભાઈ જે પૂરક સામગ્રી આપે છે તે આપવાની તસદી અન્ય સંપાદકો ભાગ્યે જ લે છે. જયંતભાઈ લોકબોલીના અને રૂઢિપ્રયોગોનો નાનકડો કોશ તો આપે જ છે, પણ સાથે પુસ્તક પ્રકાશનની સાલવારી અને ‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ પુસ્તકમાં નકશો પણ આપે છે. સૂચિઓ એમની અનોખી સિદ્ધિ છે. પુસ્તકો માટે તેમના હાથે તૈયાર થયેલી સ્થળસૂચિ, પાત્રસૂચિ, ગીતો/કવિતાઓની સ્મરણપંક્તિઓની સૂચિ, અનુકૃતિઓની તેમ જ તેમની મૂળ કૃતિઓની સૂચિ અને ઉલ્લેખસૂચિ ખાસ અભ્યાસવા જેવી છે.

આમ તો, જયંતભાઈએ લગભગ ઝાકળ જેવા અણદીઠ રહીને કરેલું કામ અભ્યાસનો વિષય છે. ભાવનગરની ગાંધી સ્મૃતિ લાઇબ્રેરીના એક યાદગાર ગ્રંથપાલ રહી ચૂક્યા છે. પછી ‘પ્રસાર’ નામે એક  સુરુચિસંપન્ન પુસ્તકભંડાર સર્જ્યો. તેમાંથી અળગા થઈને સમગ્ર મેઘાણી અને રવીન્દ્રનાથના ગુજરાતી અનુવાદમાં તરબોળ રહ્યા છે. રવીન્દ્રનાથની રચનાઓના અભ્યાસપૂર્ણ અનુવાદના ચાર પુસ્તકો તેમની પાસેથી મળ્યાં છે. પિતાના ‘બંટુ’ અને સ્વામી આનંદના ‘બંટુદોસ્ત’ જયંતભાઈ ગુજરાતના એક વિરલ  ગ્રંથજ્ઞ અથવા ‘બુકમૅન’ એટલે કે જાણતલ પુસ્તકપ્રેમી છે. વૉશિંગ્ટન ખાતેનાં, દુનિયાના સહુથી મોટા ગ્રંથાલય ‘લાઇબ્રેરી ઑફ કૉન્ગ્રેસ’ માટે ગુજરાતી પુસ્તકોની પસંદગી કરવાનું કામ વર્ષો લગી જયંતભાઈ ભાવેણાથી કરતા. જયંતભાઈની મહત્તા તેમની નમ્રતા અને શાલિનતા હેઠળ હંમેશાં ઢંકાતી રહી છે.

એટલે બધાં જ ગ્રંથોમાં જયંતભાઈનું નિવેદન ટૂંકું અને ઉઘડતા જમણા પાને નહીં પણ ડાબા પાને છે. પંદરમાંથી સાત ગ્રંથોમાં શરૂઆતનાં પાનાંમાંથી એક ઉઘડતા જમણાં પાને વધારે નજરે ચડે તેવું નિવેદન અકાદમીના, લોકશાહી ઢબે ચૂંટાયેલા નહીં પણ સરકારે નીમેલા અધ્યક્ષનું છે, તેની નીચે તેમના હસ્તાક્ષરમાં સહી છે. નિવેદનમાં અધ્યક્ષનાં મનની વાત મેઘાણીનાં જીવનકાર્યને સમુચિત છે. જો કે  નિવેદનનો હેતુ મેઘાણીને માન આપવાનો નહીં પણ પોતાની સત્તાની મહોર મારવાનો જણાય છે. અકાદમીના આ પહેલાંના ચૂંટાયેલા કે નિમાયેલા કોઈ અધ્યક્ષે કોઈ પ્રકાશનમાં પોતાનાં અસ્તિત્વની જાણ આ રીતે કરી નથી. અત્યારના અધ્યક્ષને મેઘાણીના નામની આ રીતે જરૂર કેમ પડી ?

મેઘાણીની આ દેશને જરૂર છે. ગરીબ-તવંગર, ભણેલાં-અભણ, શહેરી-ગામડાંના લોકો વચ્ચે ખાઈ વધી રહી છે ત્યારે ભેદની ભીત્યુંને ભાંગનારા મેઘાણીની જરૂર છે. ઘણાંની ભાવભૂમિમાંથી ‘લોક’ દૂર થઈ રહ્યું છે, ઓળખો સંકુચિત થઈ રહી છે ત્યારે ‘લોકપ્રાણ’ મેઘાણીના લોકસાહિત્યનાં સંશોધનની વિશ્વવ્યાપી ક્ષિતિજોને સતત નજરમાં રાખવી પડશે. મજૂર કાયદા મજૂરોની વિરુદ્ધ જઈ રહ્યા છે ત્યારે ‘પૃથ્વી પર રાજ કોનાં ? સાચા શ્રમજીવીઓના / ખેડૂનાં, ખાણિયાના, ઉદ્યમવંતોના’ ગાનારા મેઘાણીને સાંભળવા પડશે. મઠો અને આશ્રમોમાં વિચરતાં ભગવાધારી સાવજોની સામે લડનારી ચારણકન્યાઓ જોઈશે. સંતો-મહંતોને ‘પ્રેમિકો હાડપિંજર તણા, પૂજારી સડેલાં કલેવર તણા’ ગણનારા મેઘાણીને  વાંચવાના છે. અનેક કથાઓ અને પાત્રો દ્વારા ‘કોમી સંવાદિતાનાં પરંપરાગત દર્શન’ કરાવનારા મેઘાણી શોધવા પડશે. એવા મેઘાણીની ઝલક જયંતભાઈના ભાઈ વિનોદ મેઘાણી ‘લોહીનાં આલિંગન’ (ગૂર્જર, 2003) સંપાદનમાં આપી ચૂક્યા છે. ફી વધારા સામે પડેલા વિદ્યાર્થીઓ પર તદ્દન અવિચારી રીતે પસ્તાળ પાડતી વખતે આપણે વારંવાર જે યાદ કરીએ છીએ તે ‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ / અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ’ એ પંક્તિઓ ઝવેરચંદ મેઘાણીની છે તે ભૂલવા જેવું નથી. સાબરતીરે લાગેલાં પુસ્તકમેળામાંથી આ મેઘાણી ઘરે અને હૈયે વસાવવાનાં છે.

[“નવગુજરાત સમય”, શુક્રવાર, 22 નવેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત] 

Loading

ગુજરાતીને શણગારનાર અંગ્રેજ ટેલર

દીપક મહેતા|Opinion - Literature|22 November 2019

“હું દક્ષિણ આફ્રિકા ગયો ત્યારે સાથે કેટલાંક ગુજરાતી પુસ્તકો લઇ ગયો હતો. તેમાં ટેલરનું ગુજરાતી વ્યાકરણ હતું. એ મને બહુ જ ગમ્યું હતું. હું શાસ્ત્રી તો નહિ જ, પણ ગુજરાતી ભાષાનો પ્રેમી તો છું જ. એ વ્યાકરણ સુંદર હતું.” આ શબ્દો છે આ વર્ષે જેમની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે તે મહાત્મા ગાંધીના. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૨મા સંમેલનના પ્રમુખ હતા ગાંધીજી. સંમેલનને અંતે પોતાના ઉપસંહાર ભાષણમાં ગાંધીજી આ શબ્દો બોલ્યા હતા. ગાંધીજી જેને સુંદર વ્યાકરણ કહે છે તે પુસ્તક કયું? તેના લેખકનું નામ ‘ટેલર’ કહે છે. તો આ ટેલર કોણ?

ટેલરનું વ્યાકરણ, ૧૮૬૭

પણ ટેલરની વાત કરતાં પહેલાં જેની સાથે તેઓ સંકળાયેલા હતા તે પ્રોટેસ્ટન્ટ પંથની લંડન મિશનરી સોસાયટીની થોડી વાત કરવી પડે. તેની સ્થાપના થઇ ૧૭૯૫માં. તેનો મુખ્ય હેતુ હતો વિદેશોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો. સોસાયટીની શાખા સ્થાપવાના હેતુથી રેવરન્ડ જેમ્સ સ્કિનરે ૧૮૧૫ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે સુરતની ધરતી પર પગ મૂક્યો. તેમના સહાધ્યાયી રેવરન્ડ વિલિયમ ફાઈવી થોડા દિવસ પછી સુરત પહોંચ્યા. બંનેએ સુરતમાં લંડન મિશનરી સોસાયટીની શાખા શરૂ કરી. ધર્મપ્રચારના કામની સાથોસાથ બંને ગુજરાતી ભાષા શીખ્યા. શરૂઆતમાં કેટલાક ‘ટ્રેક’ના અનુવાદ કરી એને મુંબઈમાં છપાવ્યા. પછી શરૂ કર્યું બાઈબલના અનુવાદનું કામ. પણ એવું મોટું પુસ્તક સુરત રહીને મુંબઈમાં છપાવવું મુશ્કેલ જણાતાં બંનેએ આજના ગુજરાતી રાજ્યમાંનું સૌથી પહેલું છાપખાનું સુરતમાં શરૂ કર્યું. એ છાપખાનું ‘શિલાછાપ’ (લિથોગ્રાફ) નહિ, પણ મુવેબલ ટાઈપ વાપરીને છાપકામ કરતું હતું.  તે પ્રેસમાં છાપીને પોતે કરેલો બાઈબલનો અનુવાદ બંનેએ પ્રગટ કર્યો, ૧૮૨૧ના જુલાઈ મહિનામાં.  ત્યાર બાદ થોડા જ વખતમાં સ્કીનરનું અવસાન થયું અને તેમની જગ્યાએ ફાઈવીના ભાઈ એલેક્ઝાન્ડર ફાઈવી ૧૮૨૨માં સુરત આવીને સોસાયટીમાં જોડાયા. 

૧૯મી સદીનું સુરત

હવે વાત કરીએ ટેલરની, અને ગુજરાત તથા ગુજરાતી ભાષા માટેની તેમની સાચા દિલની ખેવનાની. મદ્રાસ(હાલના ચેન્નાઈ)માં ૧૭૯૧ના ઓક્ટોબરની આઠમી તારીખે જન્મેલા રેવરંડ જોસેફ ટેલરનાં કુલ ૧૩ સંતાનોમાંના બીજા તે જોસેફ વાન સામરન ટેલર (જે.વી.એસ. ટેલર). પિતાની જેમ આ દીકરાએ પણ જીવનનો મોટો ભાગ હિન્દુસ્તાનમાં વિતાવ્યો, અને ખ્રિસ્તી ધર્મના પ્રચારની સાથોસાથ ગુજરાતી ભાષાની સેવા કરી. તેમણે લખેલું ગુજરાતી ભાષાનું વ્યાકરણ ૧૮૬૭માં પ્રગટ થયું. જો કે તે પ્રગટ થયું તે પહેલાં કવિ નર્મદે ‘ડાંડિયો’માં બે લેખ લખી તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કારણ નર્મદનું માનવું હતું કે એક પરદેશી પાદરી પાસે ગુજરાતી ભાષાનું એટલું જ્ઞાન ક્યાંથી હોય કે તે તેનું વ્યાકરણ લખી શકે. છતાં એ જમાનામાં ટેલરનું વ્યાકરણ એટલું પ્રચલિત થયેલું કે તેના લેખક ‘ગુજરાતી વ્યાકરણના પિતા’ તરીકે ઓળખાવા લાગ્યા. ગાંધીજીએ જેનો ઉલ્લેખ કર્યો છે તે આ જ વ્યાકરણ. સાર્થ ગુજરાતી જોડણીકોશમાં પહેલેથી આજ સુધી ટેલરના વ્યાકરણમાંથી ગુજરાતી ભાષા અંગેનો લાંબો ઉતારો છપાતો આવ્યો છે તે ગાંધીજીના પ્રતાપે.

રેવરન્ડ જોસેફ વાન સામરન ટેલર

જે.વી.એસ. ટેલરનો જન્મ તે વખતના મુંબઈ ઈલાકામાં જેનો સમાવેશ થતો હતો તે બેલ્લારીમાં ૧૮૨૦ના જુલાઈ મહિનાની ત્રીજી તારીખે થયેલો. પહેલાં તો તેમને કલકત્તાની બિશપ કોલેજમાં ભણવા મોકલેલા પિતાએ, પણ માત્ર તેર વર્ષની ઉંમરે એ કોલેજમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી. કારણ? ૩૯ કલમો ધરાવતા એક સોગંદનામા પર બધા વિદ્યાર્થીઓને સહી કરવાનું કહેવામાં આવ્યું. બીજા બધાએ તો મૂંગે મોઢે સહી કરી આપી, પણ જે.વી.એસ. ટેલરે સહી કરવાની ના પાડી દીધી. એટલે તેમને કોલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા. ખિસ્સામાં પૈસા ઝાઝા નહીં. હવે શું કરવું? કલકત્તાથી મદ્રાસ જતાં એક વહાણમાં કેબિન બોયની નોકરી લઈને મદ્રાસ પહોંચ્યા. પણ પોતાની પાસે રાખવાને બદલે પિતાએ તેમને ભણવા માટે સ્વદેશ મોકલી દીધા. એસેક્સના ઓન્ગરની સ્કૂલમાં ભણ્યા પછી તેઓ ગ્લાસગો યુનિવર્સિટીમાં દાખલ થયા અને ૧૮૪૫માં બી.એ.ની ડિગ્રી મેળવી. ધાર્યું હોત તો સ્વદેશમાં રહીને મોજશોખભરી જિંદગી જીવી શક્યા હોત. પણ ડિગ્રી મળી કે તરત જ ૧૮૪૫ના જુલાઈની ૧૫મી તારીખે લંડનની જમૈકા રો ચર્ચમાં જઈને જોડાઈ ગયા લંડન મિશનરી સોસાયટીમાં. એ જ મહિનાની ૨૯મી તારીખે હિન્દુસ્તાન આવવા માટેની દરિયાઈ મુસાફરી શરૂ કરી અને છેક ૨૮મી ડિસેમ્બરે મુંબઈમાં તેમણે પગ મૂક્યો. તેમની નિમણૂક મદ્રાસમાં કરવામાં આવી હતી પણ મદ્રાસ જતાં પહેલાં બેલગામ જઈને પિતાને મળ્યા, અને પછી ઉપડ્યા મદ્રાસ. પણ ત્યાં પહોંચ્યા કે તરત તેમને કહેવામાં આવ્યું કે તમારે તો વડોદરા જઈને મિસ્ટર ક્લાર્કસન સાથે જોડાવાનું છે. એટલે ૧૮૪૬ના નવેમ્બરમાં પહોંચ્યા વડોદરા. પણ થોડા વખતમાં ગાયકવાડ સરકારે વડોદરામાંની મિશનરી પ્રવૃત્તિ બંધ કરાવી એટલે ક્લાર્કસન અને ટેલર પહોંચ્યા મહીકાંઠા. ગુજરાત આવ્યા પછી તેઓ ગુજરાતી ભાષા શીખ્યા, શીખ્યા એટલું જ નહીં, તેના પર એવું પ્રભુત્ત્વ મેળવ્યું કે ધર્મભાવનાનાં અનેક કાવ્યો અને ગીતો તેમણે ગુજરાતીમાં લખ્યાં, અને તે પણ સંસ્કૃત છંદોમાં અને ગુજરાતી ‘દેશીઓ’માં. આ રચનાઓ છપાવતાં પહેલાં તેની હસ્તપ્રત તેમણે ગુજરાતીના અચ્છા જાણકાર રેવરંડ ડૉ ગ્લાસગોને જોવા મોકલી. જોઈને ગ્લાસગો તો ભડક્યા: ખ્રિસ્તી ધર્મના પ્રચારની કવિતા, અને તે અંગ્રેજી કવિતાના છંદોમાં નહીં, અને ‘દેશીઓ’ના છંદોમાં! આવું કેમ ચાલે? અને તેનું પાછું પુસ્તક! ન છપાવાય. પણ ટેલરે તેમની વાત માની નહીં અને કાવ્યાર્પણ નામનો સંગ્રહ ૧૮૬૩માં પ્રગટ કર્યો. તેમાંની રચનાઓ ખ્રિસ્તી સમુદાયમાં એટલી તો પ્રચલિત થઇ કે તેમાંની કેટલીક તો આજે પણ ગુજરાતનાં દેવળોમાં ગવાય છે.

જ્યાં ટેલર ભણ્યા તે ગ્લાસગો યુનિવર્સિટી

પણ ટેલરના ગુજરાતપ્રેમ સામે આનાથીયે વધુ મોટો પડકાર આ પહેલાં પણ ઊભો થયો હતો. ૧૮૫૯માં લંડન મિશનરી સોસાયટીએ તેની ગુજરાતમાંની પ્રવૃત્તિ સંકેલી લેવાનું નક્કી કર્યું. પોતાનાં કામકાજ અને મિલકત આયરિશ પ્રેસબિટેરિયન (આઈ.પી) મિશનને સોંપી દેવાનું ઠરાવ્યું. પિતાએ આખી જિંદગી લંડન મિશનરી સોસાયટીની સેવામાં ગાળેલી. પોતે પણ એવા વિચાર સાથે જ સોસાયટીમાં જોડાયેલા. પણ હવે જો સોસાયટીમાં રહે તો ગુજરાત છોડવું પડે. પણ એ તે કેમ બને? એટલે સોસાયટી છોડીને જોડાઈ ગયા આઈ.પી. મિશનમાં! ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફેલો બન્યા, તેની જૂદી જૂદી પરીક્ષાઓમાં ગુજરાતીના પેપર સેટર અને એક્ઝામિનર બન્યા. વ્રજલાલ શાસ્ત્રી સાથે મળીને તેમણે ગુજરાતીના ધાતુઓની ઉત્પત્તિ દર્શાવતો ‘ધાતુસંગ્રહ’ નામનો કોશ પણ તૈયાર કરેલો.

લંડન મિશનરી સોસાયટીનો લોગો

ટેલરે પહેલું લગ્ન મહીકાંઠા જતાં પહેલાં ૧૮૪૭ના ડિસેમ્બરની ૩૦મી તારીખે એલીઝા પ્રિચાર્ડ સાથે કરેલું. ૧૮૫૬માં પતિ પત્ની બંનેની તબિયત બગડતાં બંને સ્વદેશ ગયાં, જ્યાં ૧૮૫૮માં પ્રસૂતિ પછી એલીઝાનું અવસાન થયું. આ પહેલા લગ્નથી કુલ ત્રણ સંતાનો થયાં. સ્વદેશવાસ દરમ્યાન જ ટેલરે ૧૯૫૯માં જ્યોર્જીના બ્રોડી સાથે બીજાં લગ્ન કર્યાં. તે પછી બન્ને હિન્દુસ્તાન પાછા આવી આઈ.પી. મિશનમાં જોડાયાં. બીજા લગ્નથી એક દીકરો, નામે આર્થર. આ આર્થરે વખત જતાં ‘હિસ્ટ્રી ઓફ ધ ટેલર ફેમેલી’ નામનું પુસ્તક લખ્યું. પહેલા લગ્નનાં ત્રણ સંતાનોમાંથી જોસેફ ફીલ્ડ ટેલર ગુજરાતમાં જ રહીને મિશનરી બન્યા. તેમણે પણ અંગ્રેજી ભાષામાં ગુજરાતીનું વ્યાકરણ લખ્યું જે હજી આજ સુધી ફરી ફરી છપાતું રહ્યું છે. તો ત્રીજા દીકરા ડૉ. બર્ડવૂડ વાન સામરન ટેલર મિશનરી ડોક્ટર થઇ ચીનમાં કામ કરવા ચાઈનીઝ મિશનરી સોસાયટીમાં જોડાયા. જિંદગીનાં છેલ્લાં વર્ષો જે.વી.એસ. ટેલરે સ્વદેશમાં જઇ ગાળ્યાં. ૧૮૮૧ના જૂન મહિનાની બીજી તારીખે એડિનબરામાં તેમનું અવસાન થયું. પોતાના ગુજરાતી વ્યાકરણનું સમાપન કરતાં ગુજરાત અને ગુજરાતીના ખરા પ્રેમી ટેલરે લખ્યું છે: “પરભાષાના સંપાદનનાં શ્રમ કરતાં સ્વભાષામાં પ્રવીણતા મેળવવાનો આયાસ અધિક છે. શામળાદિક કવિઓના ગ્રંથ જુઓ, તૂકે તૂકે અયાસનાં પ્રમાણ દેખાય છે … મનોયત્ન કર્યા પૂર્વે ગુજરાતી કાચી દેખાય, પણ પછી ખરી પાકી જણાશે. યત્નકારી અધૂરો તો તેની ભાષા પણ અધૂરી, પણ જો વાપરનારના યત્ન સંપૂર્ણ તો ગુજરાતી પણ સંપૂર્ણ. હા, શણગારેલી પણ દેખાય. ગુજરાતી, આર્યકુળની, સંસ્કૃતની પુત્રી, ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી! તેને કોણ કદી અધમ કહે? પ્રભુ એને આશીર્વાદ દેજો. જુગના અંત સુધી એની વાણીમાં સત્ વિદ્યા, સદ્જ્ઞાન, સદ્ધર્મનો સુબોધ હોજો. અને પ્રભુ – કર્તા, ત્રાતા, શોધક, એનું વખાણ સદા સુણાવજો. ”

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

“ગુજરાત સમાચાર”(લંડન)ના દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલો મારો લેખ

Loading

લોકમિલાપ – વિદાય વેળાએ

તેજસ વૈદ્ય|Opinion - Opinion|21 November 2019

ભાવનગરમાં સર પ્રભાશંકર પટ્ટણી ઇન્સ્ટિટ્યૂટમાં બી.એસ.સી.માં મેં એડમિશન લીધું હતું. વતન સોમનાથની બહાર રહેવાના અને હોસ્ટેલમાં રહેવાના એ શરૂઆતના દિવસો હતા. અત્યાર સુધીનું જીવન ગામમાં જ વિતાવ્યું હતું, પહેલી વખત કોઈ ફાટફાટ થતાં શહેરમાં રહેવાના દિવસો આવ્યા હતા. મૂળે ગામનો જીવ એટલે શહેરમાં લોકો સાથે મળતાં અને ભળતાં થોડો સંકોચ થતો. હું કોલેજમાં પણ મોટે ભાગે એકલો જ જોવા મળતો. હોસ્ટેલથી કોલેજ અને કોલેજથી હોસ્ટેલ આ ગોઠવાઈ ગયેલું શિડ્યુલ હતું.

મહેન્દ્ર મેઘાણી વિશે તો ખૂબ સાંબળ્યું હતું પરંતુ તેમની લોકમિલાપ નામની પુસ્તકોની દુકાન છે એ વિશે ભાવનગર આવ્યા પછી માલૂમ પડ્યું. બનતાં સુધી મને મારા મોટા ભાઈ ગૌરાંગે જણાવ્યું હતું. કારણ કે, ગૌરાંગ ભાવનગરમાં જ કોલેજ કરી ચૂક્યો હતો.

એક દિવસ હોસ્ટેલેથી ફરતો ફરતો લોકમિલાપ જઈ ચઢ્યો, અને પછી તો દોડવું'તું ને ઢાળ મળ્યો – નાચવું'તું ને ડાન્સફ્લૉર મળ્યો જેવો ઘાટ ઘડાયો. પછી તો અઠવાડિયે દશ દિવસે લોકમિલાપ જવાનો ક્રમ થઈ ગયો હતો. ઘડિયાળ મેળવી શકો એવા ટકોરાબંધ સમયે લોકમિલાપના દરવાજા ઉઘડે.

લોકમિલાપમાં પ્રવેશો એટલે સામે બે તસવીરો જોવા મળે. ગાંધીજી અને અબ્રાહમ લિંકન. એક વખત વાતચીત દરમ્યાન ગોપાલ મેઘાણીએ કહ્યું હતું કે જેમ મંદિરમાં દેવ હોય તેમ આ બંને અમારા દેવ છે. લોકમિલાપની બહાર નવા નવા સુવાક્યોનું બોર્ડ મૂકેલું હોય. ક્યા કવિનો જન્મદિવસ કે તિથિ આવી રહ્યા છે એની વિગત હોય અને લોકમિલાપમાં નવાં આવેલાં પુસ્તકોની યાદી હોય. ટૂંકમાં, એન્ટ્રીથી જ આંખોને જલસો પડી જાય.

મારી અંદર એક વાચક તો હતો જ જે સામયિકો અને છાપાં તેમ જ પૂર્તિઓ વાચતો રહેતો હતો. એ વાચકને પુસ્તકો તરફ દોરવાનું કામ બે જણાએ કર્યું. એક અમારા ગામ સોમનાથના બાલુભાઈ જોષી અને બીજું લોકમિલાપ ટ્રસ્ટ. કોઈ ચોક્કસ પુસ્તક ખરીદવાનું હોય તો એ નિમિત્તે તો લોકમિલાપ જવાનું થતું જ, પરંતુ અચાનક જ જઈ ચઢ્યો હોઉં અને પુસ્તકો લઇને બહાર આવું એવું મોટે ભાગે થતું. ભાસ્કરભાઈ વૈદ્ય ઉર્ફે મારા બાપ અને મિનાક્ષીબહેન વૈદ્ય ઉર્ફે મારી મા દિલેર લોકો છે, તેમણે હોસ્ટેલમાં રહેતા દીકરાને ક્યારે ય કહ્યું નહોતું કે આ અભ્યાસ સિવાયના આટલાં મોંઘાં પુસ્તકો શા માટે ખરીદ્યા? પુસ્તકો ખરીદવાની વિધિવત્ શરૂઆત લોકમિલાપથી જ થઈ હતી.

લોકમિલાપનો પુસ્તકમેળો એવો રસપ્રદ કે એનો મહિનાઓથી ઈન્તેજાર રહેતો કે આ વખતે કોણ મુખ્ય વક્તા આવશે. લોકમિલાપના બૂકસ્ટોરની પાછળ એક ફળિયું છે જેમાં પુસ્તકમેળો લાગતો અને દિલના અરમાન ઝૂમી ઊઠતા.

મહેન્દ્ર મેઘાણીના પુત્ર ગોપાલ મેઘાણીએ પિતાના વારસાના જે રખોપા કર્યા એનાથી પોરસ ચઢે. મહેન્દ્ર મેઘાણીએ પુસ્તકો અને વાંચનની જે આહલેક જગાવી છે એનો કોઈ જોટો જ જડે એમ નથી. આવું નમૂનેદાર કામ કરનારા ગુજરાતમાં જ નહીં, દેશમાં પણ ગણ્યાગાંઠ્યા જ હશે. કુદરતે કેટલાક માણસોને એવા ઘડ્યા હોય છે કે એને પોતાને જીવનમાં શું કરવાનું જે એની જબરી સ્પષ્ટતા હોય છે અને જીવનભર એ ધ્યેયમાંથી વિચલિત થતા નથી. મહેન્દ્રકાકા તમે અમારા જેવા કેટલાંયના જીવતરને ન્યાલ કરી દીધાં એનો આભાર માનવા માટે મૌન – નતમસ્તક.

બૂકસ્ટોર્સ તો મેં દેશભરમાં ઘણા ય જોયા છે, પરંતુ લોકમિલાપને માત્ર બૂકસ્ટોર ન કહી શકાય. ત્યાં વાચક કેળવાય એવો માહોલ છે. રસવૃત્તિ ધરાવતી વ્યક્તિ કંઈ પણ ન ખરીદવાની જીદ સાથે પણ ત્યાં જઇ ચઢે તો પુસ્તકો કે સંગીતની સી.ડી. લીધા વગર પાછી ન નીકળી શકે એવી ખેંચાણવાળી જગ્યા લોકમિલાપ છે.

મેં એક વખત રશિયન સાહિત્યકાર ફ્યોદોર દોસ્તોયવસ્કીની નવલકથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટનું અનુવાદિત પુસ્તક ખરીદ્યુ હતું. ખરીદ્યાના પાંચેક મહિના પછી મેં વાંચવાનું શરૂ કર્યું તો માલૂમ પડ્યું કે અંદરના દશેક પાના છે જ નહીં. બાઇન્ડીંગ કે પ્રિન્ટીંગમાં કોઇ ક્ષતિ રહી ગઈ હશે. હું લોકમિલાપ ગયો અને વાત કરી તો ગોપાલભાઈએ તરત કહ્યું કે પુસ્તક ક્યાં છે. મેં સંકોચ સાથે આપ્યું અને કહ્યું કે મને બીજી નકલ આપોને. તેમણે કહ્યું કે તમામ નકલ વેચાઈ ગઇ છે અને તરત પુસ્તકના પૈસા મારા હાથમાં ધરી દીધા. પાંચેક મહિના પછી કોઇ ગ્રાહક પુસ્તક લઇને આવે અને બિલ જ માગવામાં ન આવે અને તરત પૈસા પાછા આપી દેવામાં આવે એ માહોલ અમથો ઊભો ન થાય. લોકમિલાપ બંધ થાય છે ત્યારે આવી મીઠપવાળી વ્યવહારિકતા પણ ભૂતકાળ બની જશે એ વાતનું દુ:ખ છે. મેં ભાવનગર છોડ્યા પછી પણ જ્યારે ભાવનગર જવાનું થતું તો હું લોકમિલાપ અને પ્રસારની મુલાકાત લેવાનું ક્યારે ય ચૂકતો નહીં. લોકમિલાપ અને પ્રસારના સૂચિપત્રો અને બૂકમાર્ક એટલા રસસભર હોય કે મેં આજ પણ કેટલાંક સંઘરી રાખ્યા છે.

મુંબઈનો મ્યુઝિક સ્ટોર રીધમ હાઉસ બંધ થયું ત્યારે દિલમાં લાગી આવ્યું હતું, અને જ્યારે ખબર પડી કે લોકમિલાપ બંધ થવાનું છે, ત્યારે ફરી દિલની રીધમને ધક્કો લાગ્યો હતો. મનમાં એવી ઈચ્છા થઈ કે નાના બાળકની જેમ જઇને મહેન્દ્ર મેઘાણીનો હાથ હલાવીને પૂછીએ કે કાકા, આવું કેમ!?

લોકમિલાપે તો વર્ષો સુધી પુણ્યનો વેપાર કર્યો જ છે ત્યારે એ જો રજા માગતું હોય તો એને હસતા વદને જ અલવિદા કહેવી પડે. લોકમિલાપ અને પ્રસાર ભાવનગરના નહીં ગુજરાતના રતન હતા.

https://www.facebook.com/tejas.vaidya.16/posts/2897418933610410

Loading

...102030...2,7892,7902,7912,792...2,8002,8102,820...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved