Opinion Magazine
Number of visits: 10,228,602
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૂરનો કલરવ રોજ સવારે અંતરમાં પડઘાવે …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 February 2020

હૈયાને દરબાર

સૂરનો કલરવ રોજ સવારે
અંતરમાં પડઘાવે,
અતીતના અંધારા છેદે
કોણ કિરણ પ્રસરાવે,
મુજને સાદ દઈ એ જગાવે.

શીમળાનાં વૃક્ષોથી સરકે
આંગણ આવી અટકે,
આસપાસની કળીઓ માંહે
સૌરભ થઈને મહેકે,
તૃણ તૃણ સ્પંદ થઇ એ પધારે.

શબ્દોના સથવારે આવે,
મૌનમાં નાદ ભરે,
શ્વાસ બની સરગમમાં રણકે
લીલયા કોણ કરે ?
પળ આવે ને પળ જવડાવે.

•   ગીત : કનુ સૂચક ‘શીલ’    •   સંગીત : મોહન બલસારા    •   ગાયક : રવીન્દ્ર સાઠે

——————-

વિલેપાર્લેમાં થોડાં વર્ષો પહેલાં સાહિત્યરસિક સ્વજનને ઘરે સુગમ સંગીતની બેઠક હતી. એક સુરીલું ગીત પુરુષ ગાયકના કંઠમાં ગવાઈ રહ્યું હતું, સૂરનો કલરવ રોજ સવારે અંતરમાં પડઘાવે ….! ગીતના શબ્દો અને સ્વરાંકન સાંભળીને ગીત સાથે દ્રશ્ય આંખ સામે ફરવા માંડ્યું.

જાણે વહેલી સવારનો સમય છે. પ્રકૃતિ એની તાજગી ફેલાવી રહી છે. સૂર્યોદય સાથે ગાઢ વૃક્ષોમાંથી સરી આવતો પવન પર્ણોમાં મર્મરધ્વનિ કરે છે અને મનમાં પરમ શાંતિ છવાઈ જાય છે. સ્વચ્છ આકાશમાં ઊડતાં પંખીઓના ટહુકા માનવ મનમાં મીઠું સંગીત સર્જે છે અને કોઈક સાદ દઈને જગાડે છે ત્યારે વિચાર આવે છે કે એ કોણ છે જે આ બધી લીલા કરે છે! ફૂલ અને કળીઓમાં મહેક કોણ પ્રસરાવે છે? શ્વાસ બની સરગમમાં કોણ રણકે છે? સમગ્ર સંસારનો દોરી સંચાર કોણ કરી રહ્યું છે?

ગીત પૂરું થાય છે પણ મનમાં સૂરનો કલરવ ગુંજી રહ્યો છે. એ બેઠકમાં રાગ દરબારી પર આધારિત આ ગીતના ગાયક એ બીજું કોઈ નહીં, આપણા જાણીતા સાહિત્યકાર, લેખક કનુભાઈ સૂચક હતા અને ગીત સ્વરબદ્ધ કરનાર સુગમ સંગીતનું જૂનું અને જાણીતું નામ મોહન બલસારા. કનુભાઇ તન્મય થઈને જે રીતે ગાતા હતા એ જોઈને જ લાગે કે સૂરના કલરવમાં એ અંતરધ્યાન થઈ ગયા હતા.

કેટલીક વ્યક્તિઓની આભા એવી હોય કે જોતાં જ અંજાઈ જવાય. મુંબઈના કાશી કહેવાતા વિલેપાર્લેમાં વિદ્યા-વિનય-વિવેક નામની સોસાયટીનું નામ કદાચ કનુભાઇ-સુશીલાબહેન જેવાં સૌહાર્દપૂર્ણ યુગલના સૌજન્યપૂર્ણ વ્યવહાર પરથી જ પડ્યું હોવું જોઈએ. વિદ્યા-વિનય-વિવેકનો ત્રિવેણી સંગમ જેમનામાં છે એ લેખક-કવિ-સાહિત્યકાર કનુભાઈ સૂચકનું નામ સાહિત્ય પ્રેમી મુંબઇગરા માટે અજાણ્યું નથી. ગુજરાતી ભાષા બચાવોની બૂમરેંગ કરવાને બદલે મૂકપણે તેઓ સાહિત્યની ધૂણી ધખાવીને અલગારી ફકીરની જેમ વર્ષોથી સાહિત્યની સેવા કર્યે જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘સાહિત્ય સંસદ-સાંતાક્રુઝ’ નામની સંસ્થા દ્વારા સાહિત્ય સરવાણી જેમણે શરૂ કરી હતી, એ રામપ્રસાદ બક્ષીનો વારસો અત્યારે કનુભાઈ સંભાળી રહ્યા છે. દર ગુરુવારે ગુજરાતી સાહિત્યની બેઠક યોજીને, નવોદિત-વરિષ્ઠ સાહિત્યકારો-કવિઓને નિમંત્રીને શુદ્ધ સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. કનુભાઇ આમ તો વ્યવસાયે આર્કિટેક્ટ. ‘શિલ્પ સમીપે’ નામનું રસપ્રદ પુસ્તક તેમણે લખ્યું છે, પરંતુ જીવ કવિનો ય ખરો. એમની ઉત્તમ કવિતાઓના સંગ્રહ ‘ખોજ’ તથા ‘સૂરનો કલરવ’ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કનુભાઈ સરસ ગાઈ શકે છે એ કદાચ ઘણાને ખબર નહીં હોય! આ ગીત એમના જ કંઠે સાંભળવું એ લહાવો છે. કનુભાઇ એકાદ પંક્તિ ભૂલી જાય તો એમનાં સુસંસ્કૃત (કારણ કે એમણે ૬૫ વર્ષની વયે સંસ્કૃત વિષયમાં પીએચ.ડી. કર્યું છે) પત્ની સુશીલાબહેન તરત યાદ કરાવે અને પછી બન્ને સજોડે સૂરના કલરવમાં ડૂબી જાય.

આ ગીત જેમણે સ્વરબદ્ધ કર્યું છે એ સંગીતકાર મોહન બલસારાનો પરિચય કનુભાઇ સૂચકને ઘરે જ થયો હતો. એમનું નિરાભિમાન અને સાદગી સ્પર્શી ગયેલાં. સાક્ષાત્‌ સંસ્કારમૂર્તિ લાગે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ઘેલછા કે પૈસાની લાલસા વિના વર્ષો સુધી સુગમ સંગીતના વર્ગો લીધા હતા અને જિંદગીમાં ક્યારે ય ગાયું ન હોય એવી બહેનોને ગાતી કરી એ એમની સૌથી મોટી સિદ્ધિ. એમની ગેરહયાતિમાં આજે ય એ બહેનો મોહનભાઈનું ઋણ યાદ કરે છે. તેઓ વાયોલીન ખૂબ સારું વગાડતા. લતા મંગેશકરથી લઈને કેટલા ય કલાકારો સાથે એમણે વાયોલીન સંગત કરી હતી. એ વખતના રણજિત સ્ટુડિયોમાં મ્યુઝિશયન તરીકે એક માત્ર મોહનભાઈ હતા. મોહનભાઈએ મકરંદ દવે, રમેશ પારેખ, હરીન્દ્ર દવે, મહેશ શાહ, મેઘબિન્દુ તથા કનુભાઈ સૂચક સહિત ઘણા કવિઓનાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે, પરંતુ સૂરનો કલરવ એમને પોતાને પણ અંગત રીતે ખૂબ ગમતું હતું કારણ કે પ્રકૃતિ અને પરમાત્માનું અજબ જોડાણ તેઓ આ ગીતમાં અનુભવતા હતા.

કનુભાઇ સૂચક આ ગીત વિશે કહે છે કે, "ગીત એક સવારે અચાનક પાંચ જ મિનિટમાં લખાઈ ગયું હતું. મારી દ્રષ્ટિએ પ્રકૃતિ અને પ્રભુ ભિન્ન નથી. એ જ વાત આમાં છે. નવમા ધોરણથી હું કવિતા લખતો. ગુલાબદાસ બ્રોકર તથા જશવંત મહેતાએ આગ્રહ અને યોગ્ય સૂચનો ન કર્યાં હોત તો કદાચ ક્યારે ય કાવ્યસંગ્રહ બહાર ન પાડ્યા હોત. હવે જો કે કવિતા સૂકાઈ ગઈ છે. ઉંમર થતા લોજિકલ વધારે થતાં જઈએ અને ઈમોશન્સ ઓછાં થતાં જાય એમ પણ બને. પણ, કવિતાનો પ્રકાર મને ખૂબ ગમે છે. આખા ગીતમાં ફિલોસોફી છે, છતાં એ પ્રકૃતિ ગીત લાગે છે. સુષુપ્તાવસ્થામાં હોઈએ ત્યારે આપણને કોઈ ઢંઢોળી નથી જગાડતું પણ હળવે હાથે જગાડે છે. આ જાગૃત કરવાનું કામ ઈશ્વર સિવાય કોણ કરે? માણસ ગમે તેટલો તાર્કિક હોય પણ એના મનમાં એ કુતૂહલ તો છે જ કે આખી દુનિયા કોણ ચલાવે છે. આ કુતૂહલ આ ગીતમાં વ્યક્ત થયું છે. અમારા હિમાલય પ્રવાસ દરમ્યાન આવી જ પંક્તિ મને સૂઝી હતી ;

પળની ઝાલર મધ્ય રણકતા કોના આ ધબકાર,
લીલી ચાદર ઓઢી પ્રહરી, ઊભા અંતરિયાળ,
અમે તો આવ્યા હરિને દ્વાર …!

સૂરનો કલરવ ગીત સાંભળવાની તક મેળવી લેજો. સીડીમાં રવીન્દ્ર સાઠેના અવાજમાં રેકોર્ડ થયું છે. ગીતના સ્વરનો ગુંજારવ મન-હૃદયને જરૂર પરિતૃપ્ત કરશે.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 ફેબ્રુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=622367

————————
 

Loading

યશ ચોપરાની ફિલ્મોમાં યાદગાર સંગીત આપનાર શાસ્ત્રીય સંગીતકાર શિવ-હરિની જોડી

નીલય ભાવસાર|Opinion - Opinion|20 February 2020

અમદાવાદમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીતના મહોત્સવ સપ્તકનું આયોજન કરવામાં આવે છે. સપ્તકમાં દેશના જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા અચૂક હાજરી આપે છે. સપ્તકમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાને સાંભળવા માટે શાસ્ત્રીય સંગીતના જાણકાર, નહીં જાણતા હોય તેવા અને શાસ્ત્રીય સંગીતની સમજણ પડે છે, તેવો દંભ કરતા શ્રોતાઓની ભીડ જામે છે. વર્ષ 1980ના દાયકામાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને શિવ-હરિના નામે બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં યાદગાર સંગીત આપી ચૂક્યા છે. મોટા ભાગે યશ ચોપરાની ફિલ્મોમાં સંગીત આપનાર શિવ-હરિની જોડીએ કમ્પોઝ કરેલાં ગીતો આજે પણ તેટલાં જ પોપ્યુલર છે કે જેટલાં તે સમયે હતાં. શિવ-હરિએ જે બોલિવૂડ ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં 'સિલસિલા' (1981), 'ફાસલે' (1985), 'વિજય' (1988), 'ચાંદની' (1989), 'લમ્હે' (1991), 'પરંપરા' (1993), 'ડર' (1993) વગેરેનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ શિવ-હરિની ફિલ્મ સંગીતની સફર વિશે.

શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની જોડીએ વર્ષ 1965માં 'જબ જબ ફૂલ ખીલે'થી ફિલ્મી ગીતો પર સાથે કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ, ઐતિહાસિક રીતે ફિલ્મ સંગીતમાં શિવકુમાર શર્માનું આગમન હરિપ્રસાદ ચૌરસિયા કરતાં પહેલાં થઈ ગયું હતું. શિવકુમાર શર્મા પાસે વર્ષ 1955માં વી. શાંતારામની હિન્દી ફિલ્મ 'જનક જનક પાયલ બાજે'માં સંતૂર વગાડનાર પહેલા સંગીતકાર તરીકેનું સન્માન છે. શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા ખૂબ સારા મિત્રો છે, અને તેમણે સાથે મળીને દુનિયાભરમાં શાસ્ત્રીય સંગીતના કૉન્સર્ટ કર્યા છે. અસંખ્ય ફિલ્મોના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ તેઓનું યોગદાન રહ્યું હતું. તેમણે પોતપોતાના કૌશલ્યમાં પ્રવીણતા પ્રાપ્ત કરી હતી. હરિપ્રસાદ ચૌરસિયાના જણાવ્યા મુજબ મેં અને શિવકુમાર શર્માએ મુંબઈના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એક સાથે ખૂબ સારો સમય પસાર કર્યો છે, અમારી ઘણી સારી મિત્રતા હતી. કારણકે હરિપ્રસાદ ચૌરસિયાએ પિતાની ઈચ્છા વિરુદ્ધ સંગીતકાર બનવા માટે પોતાની નોકરી અને અલાહાબાદનું પોતાનું ઘર છોડ્યું હતું. જ્યારે, શિવકુમાર શર્માએ પણ પિતાની ઈચ્છા વિરુદ્ધ જમ્મુમાં પોતાનું ઘર અને નોકરીનો એક પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.

ફિલ્મમેકર યશ ચોપરા તેમના મિત્ર હતા અને તેઓ બી.આર. ચોપરા સાથે કામ કરવાના સમયથી એક બીજાને જાણતા હતા. રાજકમલ સ્ટુડિયોમાં 'વક્ત' અને 'હમરાઝ' જેવી ફિલ્મોનાં ગીતોના રેકોર્ડિંગ દરમિયાન શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા, યશ ચોપરા સાથે ફ્રી ટાઈમમાં ચર્ચા કરતા હતા. યશ ચોપરાએ જ્યારે પોતાનું પ્રોડક્શન હાઉસ તૈયાર કર્યું, ત્યારે તેમણે ફિલ્મોના બેકગ્રાઉન્ડ સંગીત માટે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો. જેમાં ફિલ્મ 'કભી કભી' અને 'ત્રિશૂળ'ના બેકગ્રાઉન્ડ સંગીતનો સમાવેશ થાય છે. પણ, જ્યારે યશ ચોપરાએ શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાના 'Call of the Valley' નામના આલબમનું સંગીત સાંભળ્યું ત્યારે તેમણે એવો નિર્ણય લીધો કે હવે મારી ફિલ્મોમાં સંગીત પણ શિવ-હરિ(શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા)ની જોડી આપશે. યશ ચોપરાએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે હું શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાને લાંબા સમયથી જાણતો હતો અને તેઓ મારી શરૂઆતની ફિલ્મોના બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ભાગ હતા. તેઓ મહાન સંગીતકાર છે, તેમનું સંગીત મધુર અને મૌલિક છે.

સૂરજીત સિંહ લિખિત પુસ્તક 'બાંસુરી સમ્રાટ હરિપ્રસાદ ચૌરસિયા'માં જણાવ્યા અનુસાર ફિલ્મમેકર યશ ચોપરાએ સૌપ્રથમ ફિલ્મ 'કાલા પથ્થર'ના નિર્માણ દરમિયાન હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મનું સંગીત રાજેશ રોશન આપી રહ્યા હતા અને તેનાં કેટલાંક ગીતો પણ રેકોર્ડ થઈ ચૂક્યા હતા. કેટલાંક કારણોસર તે ફિલ્મ પર કામ બંધ થઈ ગયું અને બાકીના સાઉન્ડટ્રેક તૈયાર કરવાનો પ્રસ્તાવ હરિપ્રસાદ ચૌરસિયાને આપવામાં આવ્યો. પણ, તેમણે ના પાડી કારણ કે આ નૈતિક રીતે આ યોગ્ય નહોતું. રાજેશ રોશન પણ મિત્ર હતા અને તેમના સંગીતમાં અમે કામ કર્યું હતું, માટે અમે સંબંધ ખરાબ કરવા નહોતા માગતા. યશ ચોપરાએ જ્યારે 'સિલસિલા' (1981) ફિલ્મનું નિર્માણ કર્યું ત્યારે તેમણે સંગીતકાર તરીકે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની પસંદગી કરી. આ ફિલ્મમાં શશિ કપૂર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા જેવા લોકપ્રિય કલાકાર હતા. આ ફિલ્મમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ શિવ-હરિના નામે યાદગાર સંગીતની રચના કરી અને પોતાની પ્રતિભા સાબિત કરી. આ ફિલ્મથી જાવેદ અખ્તરે પહેલી વખત ગીતકાર તરીકે શરૂઆત કરી હતી. હરિપ્રસાદ ચૌરસિયા એવું ઈચ્છતા હતા કે સંગીતકારના નામની ક્રેડિટમાં શિવકુમાર શર્માનું નામ પહેલું આવે કારણ કે શિવકુમાર શર્માનો જન્મ તારીખ 13 જાન્યુઆરી, 1938ના રોજ થયો હતો જ્યારે હરિપ્રસાદ ચૌરસિયાનો જન્મ તારીખ 1 જુલાઈ, 1938ના રોજ થયો હતો. આમ, શિવકુમાર શર્મા ઉંમરમાં હરિપ્રસાદ ચૌરસિયા કરતાં કેટલાક મહિના મોટા હતા. આ સિવાય હરિપ્રસાદ ચૌરસિયાના મોટાભાઈ કે જેમનું યુવાનીમાં મોત થયું હતું તેમનું નામ પણ શિવ પ્રસાદ હતું. આ રીતે ભાવનાત્મક કારણોસર પણ તેમની જોડીનું નામ શિવ-હરિ રાખવામાં આવ્યું.

શિવ-હરિને મ્યુઝિક આપવામાં યશ ચોપરાએ સંપૂર્ણ આઝાદી આપી હતી. લતા મંગેશકરે પણ શિવ-હરિ સાથે કામ કરવા પર કહ્યું હતું કે તેમની સાથે કામ કરવાનો આનંદ આવ્યો કારણ કે તેમના સંગીતનો આધાર શાસ્ત્રીય સંગીત છે કે જેનું સંગીત મૌલિક છે. 'સિલસિલા' ફિલ્મમાં અમિતાભ બચ્ચને પણ પહેલી વખત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રથમ પ્રયાસમાં જ શિવ-હરિએ ખૂબ સારું કામ કર્યું. 'સિલસિલા'ના મ્યુઝિક દરમિયાન જ શિવ-હરિને કુલ સાત જેટલા ફિલ્મમેકરે પોતાની ફિલ્મમાં મ્યુઝિક આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો. પરંતુ, શિવ-હરિએ કોઈ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. કારણ કે તેઓ શોખથી ફિલ્મ મ્યુઝિક આપતા હતા અને તેવું પણ ઈચ્છતા હતા તે તેમના શાસ્ત્રીય સંગીત પર તેની કોઈ અસર પડવી જોઈએ નહીં. તે સમયે ઘણાં લોકો જાણતા નહોતા કે આ શિવ-હરિ કોણ છે. શું તે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ? તેઓ કોણ છે? કોઈ અનુભવ વિના આટલું મધુર સંગીત કેવી રીતે આપી શકે છે? જ્યારે 'સિલસિલા' ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખબર પડી કે શિવ-હરિ તો જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા છે. યશ ચોપરાની 'સિલસિલા'માં સંગીત આપ્યા બાદ શિવ-હરિએ યશ ચોપરાની અન્ય ફિલ્મો જેવી કે 'ફાસલે' (1985), 'વિજય' (1988), 'ચાંદની' (1989), 'લમ્હે' (1991) અને 'ડર'(1993)માં યાદગાર સંગીત આપ્યું. 'સિલસિલા' (1981), 'ચાંદની' (1989) અને 'ડર'(1993)માં સંગીત આપવા બદલ શિવ-હરિને બેસ્ટ મ્યુઝિકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. વર્ષ 1993માં અચાનક શિવ-હરિએ મ્યુઝિક ડિરેક્ટર તરીકેનું કામ બંધ કર્યું. હરિપ્રસાદ ચૌરસિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે યશ ચોપરાનો આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે તેમણે અમને (શિવ-હરિ) સંગીતકાર તરીકેની તક આપી, કોઈ પણ ભારતીય શાસ્ત્રીય સંગીતકારે સિનેમામાં આટલું સંગીત નહીં આપ્યું હોય કે જેટલું અમે (શિવ-હરિ) આપ્યું. ફિલ્મ સંગીત અમારો શોખ હતો પણ શાસ્ત્રીય સંગીતની કિંમત પર ફિલ્મ મ્યુઝિક ચાલુ રાખવું શક્ય નહોતું. શાસ્ત્રીય સંગીત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને પ્રેમ ઘણો વિશેષ છે.

બાદમાં વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયાના ભત્રીજા રાકેશ ચૌરસિયાએ ફિલ્મ સંગીતમાં આગળ વધવાનું શરૂ કર્યું. હરિપ્રસાદ ચૌરસિયા તેમના ભત્રીજા રાકેશ ચૌરસિયાને લક્ષ્મીકાંત-પ્યારેલાલ સહિતના સંગીતકાર પાસે લઈ ગયા અને કહ્યું કે હવે મારી જગ્યાએ આ વાંસળી વગાડશે, અને કહ્યું કે પોતાના ગુરુની જગ્યાએ વાંસળી વગાડવી સન્માનની વાત છે અને આ એક મોટી જવાબદારી પણ છે. રાકેશ ચૌરસિયાએ 'ત્રિમૂર્તિ', 'મિ. ઈન્ડિયા', 'તેજાબ', 'પરિંદા', 'હમ દિલ દે ચુકે સનમ' અને 'દેવદાસ' જેવી ફિલ્મોના મ્યુઝિકમાં વાંસળી વગાડી.

(લેખક iamgujarat.comમાં પત્રકાર છે.)

e.mail : nbhavsarsafri@gmail.com

[પ્રગટ : ‘ગુલમહોર’ પૂર્તિ, “નવગુજરાત સમય”, 19 ફેબ્રુઆરી 2020]

Loading

કેન્દ્રના અંદાજપત્રમાં ગરીબો ક્યાં ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 February 2020

બજેટમાં ગરીબલક્ષી યોજનાઓ માટે ઓછી નાણાં ફાળવણી અને વર્ષાંતે આવી યોજનાઓ હેઠળ વણવપરાયેલાં નાણાં બજેટમાં ગરીબોનું સ્થાન દર્શાવે છે.

આકાંક્ષી ભારત, સૌનો આર્થિક વિકાસ અને બહેતર સમાજની થીમ પર આ વરસનું કેન્દ્રીય બજેટ રજૂ થયું છે. ૨૦૨૦-૨૧ના નાણાંકીય વરસના આવક ખર્ચના હિસાબો સાથે ભાવિ યોજનાઓનો અંદાજ આ બજેટમાંથી મળે છે. આમ આદમીને બજેટથી શું સસ્તું થશે કે મોંઘું તેનો અને પગારદાર, મધ્યમ વર્ગને આવકવેરામાં મળનારી રાહતનો ઈંતજાર હોય છે. સંસદમાં કે રાજ્યોની વિધાનસભાઓમાં બજેટ જેવા અઘરા વિષય ઉપર ઉપરછલ્લી જ ચર્ચાઓ થાય છે. તેનાથી પણ બજેટનો સાચો ક્યાસ કાઢી શકાતો નથી. બજેટનું આમ આદમીની દ્રષ્ટિએ મૂલ્યાંકન કે ગરીબોને થનારા લાભાલાભની ચર્ચા પણ માધ્યમોમાં બહુ ઓછી થાય છે.

આપણા ગ્રામીણ અને કૃષિપ્રધાન દેશની અર્થનીતિ કૃષિ કેન્દ્રિત હોવી જોઈએ. ૨૦૨૦-૨૧નું બજેટ એ રીતે મહત્ત્વનું છે કે તેમાં ગ્રામીણ અને કૃષિક્ષેત્રની બજેટ ફાળવણીમાં ૧૮%ની વૃદ્ધિ થઈ છે. ગ્રામીણ ભારતનું ડિજિટલાઈઝેશન, ૧૦૦ જિલ્લામાં જળ સંકટ નિવારણ, ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા જેવી બાબતો હરખ જન્માવે છે. પરંતુ ખાતર પરની સબસિડી જે ગયા વરસે રૂ.૭૯,૯૯૮ કરોડ હતી તે આ વરસે ઘટાડીને રૂ.૭૧,૩૦૯ કરોડ કરી દેવામાં આવી છે. તે જાણીને ફાળ પડે છે.  સરકારે આ બજેટમાં ખાતર, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના સસ્તા અનાજ અને પેટ્રોલિયમ પેદાશો પરની સબસિડી પણ ઘટાડી છે. પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી હશે તો સબસિડીનો બોજ ઘટાડવો પડશે તેવું સરકારના અર્થપંડિતો માને છે.  ૨૦૧૯-૨૦માં સબસિડી જી.ડી.પી.ના ૧.૧% હતી, તેને સરકાર ૨૦૨૦-૨૧માં ૧% અને ૨૦૨૨-૨૩માં એથી પણ ઘટાડીને ૦.૯% કરવા માંગે છે.

અર્થતંત્રમાં પ્રવર્તતી મંદી અને બેરોજગારીનો કોઈ ઉકેલ આ બજેટમાં જોવા મળતો નથી. ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર માટેના મહત્ત્વના સાધન ‘મનરેગા’માં, ૨૦૧૯-૨૦ની રૂ. ૭૧,૨૦૦ કરોડની બજેટ ફાળવણી  આ વરસે ઘટાડીને રૂ. ૬૧,૫૦૦ કરોડ કરી છે. મનરેગાના બજેટમાં ૧૦,૦૦૦ કરોડનો, ગત વરસ કરતાં ૧૩%નો, ઘટાડો ગ્રામીણ બેરોજગારીને વધુ વકરાવશે. રોજગાર સંબંધી વિવિધ કેન્દ્રીય યોજનાઓ માટે ૨૦૧૯-૨૦ના વરસમાં સુધારેલી બજેટ જોગવાઈ રૂ. ૩,૫૦૧.૭૯ કરોડ સામે આ વરસે રૂ. ૨,૬૪૬.૩૯ કરોડ  છે, જે ૪૨.૨% ઓછી છે.

દેશની અર્ધી આબાદી એવી મહિલાઓનાં આરોગ્ય, પેન્શન અને પરિવહન માટે રૂ. ૯,૫૦૦ કરોડ ફાળવ્યા છે. મહિલાઓ શિક્ષણમાં આગે કદમ કરી રહી હોવાની આંકડાકીય વિગતો મહિલા નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં આપી છે.  પ્રાથમિક શિક્ષણમાં છોકરીઓનો પ્રવેશ દર ૯૪.૩૨% છે જ્યારે છોકરાઓનો ૮૯.૨૮% છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં છોકરીઓની પ્રવેશ ટકાવારી અનુક્રમે ૮૧.૩૨% છે. અને ૫૯.૭૦% છે. જે છોકરાઓની ૭૮% અને ૫૭.૫૪% કરતાં ઘણી વધારે છે. પરંતુ કન્યા શિક્ષણમાં વૃદ્ધિ માટે સરકારે કોઈ અલાયદું બજેટ ફાળવેલ નથી. હા, નાણાં મંત્રીએ મહિલાઓની લગ્ન વય મર્યાદા જે હાલમાં ૧૮ વરસ છે તે વધારવા ટાસ્ક ફોર્સ રચવાની મહત્ત્વની જાહેરાત કરી છે.

અનુસૂચિત જાતિ અને જનજાતિને તેમની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી કરવાની જોગવાઈ ૧૯૭૯-૮૦થી અમલી શેડ્યુલ્ડ કાસ્ટ સબપ્લાન અને ટ્રાયબલ સબપ્લાનમાં છે. પરંતુ તેનો ભાગ્યે જ અમલ થાય છે. દેશમાં અનુસૂચિત જાતિની વસ્તી આજે આશરે ૧૬.૬% છે તે હિસાબે તેમના વિકાસ માટે રૂ. ૩૦.૪૨ લાખ કરોડના કુલ બજેટમાંથી રૂ. ૫.૦૫ લાખ કરોડ ફાળવવાના થાય છે. પરંતુ વર્તમાન બજેટમાં રૂ.૮૩,૦૦૦ કરોડ જ ફાળવ્યા છે. અનુસૂચિત જન જાતિની ૮.૬% વસ્તી માટે રૂ. ૨.૬૧ લાખ કરોડ ફાળવવાને બદલે રૂ. ૫૩,૦૦૦ કરોડ (કુલ બજેટના ૧.૬૭%) જ ફાળવ્યા છે. ગત વરસોમાં એસ.સી.એસ.ટી. ખાસ અંગભૂત યોજનાઓ હેઠળ જે બજેટ એલોકેશન થયું હતું તે પણ પૂરતું વપરાયું નથી. ૨૦૧૭-૧૮માં શેડ્યુલ્ડ કાસ્ટ સબપ્લાનમાં બજેટ ફાળવણી પૈકી રૂ. ૨,૯૦૧ કરોડ, ૨૦૧૮-૧૯માં રૂ. ૨,૨૭૬ કરોડ અને ૨૦૧૯-૨૦ના જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં રૂ. ૩૫,૭૯૭.૯૬ કરોડનો ખર્ચ થયો નથી. ચાલુ નાણાકીય વરસે દલિતો માટેની બજેટ ફાળવણીના ૪૪ % નાણાં વયરાયાં વિનાના રહ્યાં છે અને આવું વરસોવરસ બને છે. ટ્રાયબલ સબપ્લાનમાં પણ ૨૦૧૮-૧૯માં રૂ. ૨,૫૪૫ કરોડ વણવપરાયેલા રહ્યા હતા. તા.૩૧-૦૧-૨૦૨૦ સુધીમાં  ટી.એસ.પી. હેઠળ ૬૨% જ ખર્ચ થયો છે અને ૩૮% રકમ હજુ વણવપરાયેલ છે.

દલિતો આદિવાસીઓના વિકાસ માટે તેમનો શૈક્ષણિક વિકાસ જરૂરી હોવાનું સૌ સ્વીકારે છે. પરંતુ તે માટેના સરકારી પ્રયાસો કેવા પાંખા છે તેનું પ્રતિબિંબ બજેટમાં જોવા મળે છે. અનુસૂચિત જાતિના વિધાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવા ૨૦૧૮-૧૯માં રૂ. ૫,૯૨૮.૧૬ કરોડ ફાળવ્યા હતા.  આ વરસે તેમાં ૫૦%નો ધરખમ કાપ કરીને રૂ.૨,૯૮૭.૩૩ કરોડ જ કરી નાંખવામાં આવ્યા છે.  નેશનલ ફેલોશીપનું ગત વરસનું રૂ. ૩૬૦ કરોડનું બજેટ એલોકેશન ઘટાડીને રૂ.૩૦૦ કરોડ કરી દીધું છે. જો કે પ્રિ મેટ્રિક સ્કોલરશીપમાં ફાળવણી ૧૧૫ કરોડથી વધારીને ૭૦૦ કરોડ કરી છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ અને નેશનલ ફેલોશીપ પર ચલાવેલી તલવાર દલિતોના ઉચ્ચ શિક્ષણને રૂંધી નાંખશે. અનુસૂચિત જન જાતિની પ્રિ.મેટ્રિક સ્કોલરશીપમાં ૪૦ કરોડ ઘટાડ્યા છે પણ પોસ્ટ મેટ્રિકમાં ૭૪ કરોડ વધાર્યા છે. આ વધારો ઘટાડો કોઈ તર્ક આધીન છે કે આડેધડ નાણાં ફાળવણી છે તે આંકડાઓ પરથી કળી શકાતું નથી.

દલિત સફાઈ કામદારો દ્વારા હાથથી થતી મળ સફાઈ અને ગટર સફાઈ અટકાવવાની પ્રતિબદ્ધતા દરેક સરકારો વ્યક્ત કરતી હોય છે. વર્તમાન નાણાં મંત્રીએ પણ ગટરો અને ખાળકૂવાની સફાઈ હાથેથી નહીં થાય અને તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. પણ તે માટે કોઈ જ નાણાં ફાળવણી કરી નથી. આઘાતજનક બાબત તો એ છે કે સફાઈ કર્મચારીઓના પુનર્વાસ માટે વરસ ૨૦૧૬-૧૭માં માત્ર રૂ. ૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં રૂ. ૫ કરોડની જ  ફાળવણી કરી હતી ૨૦૧૮-૧૯માં બજેટ ફાળવણી રૂ. ૭૦ કરોડ સામે રૂ. ૮૫.૭૬ કરોડનો ખર્ચ થયો હતો તેને ધ્યાનમાં રાખીને બજેટ વધારાતું નથી. .

અન્ય પછાતવર્ગોની વસ્તી દેશમાં ૫૨% છે પરંતુ તેમના આર્થિક શૈક્ષણિક વિકાસ માટે પૂરતાં નાણાં ફાળવવામાં આવતા નથી. તેમની સ્કોલરશીપ અને અન્ય શૈક્ષણિક યોજનાઓ, છોકરા અને છોકરીઓ માટેની છાત્રાલય માટેની બજેટ ફાળવણી ગયા વરસની જ યથાવત રાખી છે. તેમાં એક રૂપિયાનો પણ વધારો કર્યો નથી. દેશની લઘુમતીઓના વિકાસ માટે ગત વરસ કરતાં રૂ. ૩૨૯ કરોડની વધુ બજેટ ફાળવણી થઈ છે. પરંતુ ૨૦% વસ્તી ધરાવતા લઘુમતી વસ્તી સમૂહો માટેની રૂ. ૫,૦૨૯ કરોડની બજેટ જોગવાઈ દેશના કુલ બજેટની તુલનામાં તો ૦.૧૬% જ છે.

દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનવાનું કેટલું કઠિન છે. અને તે માટે કેવી પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને અર્થનીતિ જરૂરી છે તેની પ્રતિતી આ બજેટ કરાવે છે.  

(તા.૧૯-૦૨-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 19 ફેબ્રુઆરી 2020

Loading

...102030...2,7092,7102,7112,712...2,7202,7302,740...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved