હૈયાને દરબાર
સૂરનો કલરવ રોજ સવારે
અંતરમાં પડઘાવે,
અતીતના અંધારા છેદે
કોણ કિરણ પ્રસરાવે,
મુજને સાદ દઈ એ જગાવે.
શીમળાનાં વૃક્ષોથી સરકે
આંગણ આવી અટકે,
આસપાસની કળીઓ માંહે
સૌરભ થઈને મહેકે,
તૃણ તૃણ સ્પંદ થઇ એ પધારે.
શબ્દોના સથવારે આવે,
મૌનમાં નાદ ભરે,
શ્વાસ બની સરગમમાં રણકે
લીલયા કોણ કરે ?
પળ આવે ને પળ જવડાવે.
• ગીત : કનુ સૂચક ‘શીલ’ • સંગીત : મોહન બલસારા • ગાયક : રવીન્દ્ર સાઠે
——————-
વિલેપાર્લેમાં થોડાં વર્ષો પહેલાં સાહિત્યરસિક સ્વજનને ઘરે સુગમ સંગીતની બેઠક હતી. એક સુરીલું ગીત પુરુષ ગાયકના કંઠમાં ગવાઈ રહ્યું હતું, સૂરનો કલરવ રોજ સવારે અંતરમાં પડઘાવે ….! ગીતના શબ્દો અને સ્વરાંકન સાંભળીને ગીત સાથે દ્રશ્ય આંખ સામે ફરવા માંડ્યું.
જાણે વહેલી સવારનો સમય છે. પ્રકૃતિ એની તાજગી ફેલાવી રહી છે. સૂર્યોદય સાથે ગાઢ વૃક્ષોમાંથી સરી આવતો પવન પર્ણોમાં મર્મરધ્વનિ કરે છે અને મનમાં પરમ શાંતિ છવાઈ જાય છે. સ્વચ્છ આકાશમાં ઊડતાં પંખીઓના ટહુકા માનવ મનમાં મીઠું સંગીત સર્જે છે અને કોઈક સાદ દઈને જગાડે છે ત્યારે વિચાર આવે છે કે એ કોણ છે જે આ બધી લીલા કરે છે! ફૂલ અને કળીઓમાં મહેક કોણ પ્રસરાવે છે? શ્વાસ બની સરગમમાં કોણ રણકે છે? સમગ્ર સંસારનો દોરી સંચાર કોણ કરી રહ્યું છે?
ગીત પૂરું થાય છે પણ મનમાં સૂરનો કલરવ ગુંજી રહ્યો છે. એ બેઠકમાં રાગ દરબારી પર આધારિત આ ગીતના ગાયક એ બીજું કોઈ નહીં, આપણા જાણીતા સાહિત્યકાર, લેખક કનુભાઈ સૂચક હતા અને ગીત સ્વરબદ્ધ કરનાર સુગમ સંગીતનું જૂનું અને જાણીતું નામ મોહન બલસારા. કનુભાઇ તન્મય થઈને જે રીતે ગાતા હતા એ જોઈને જ લાગે કે સૂરના કલરવમાં એ અંતરધ્યાન થઈ ગયા હતા.
કેટલીક વ્યક્તિઓની આભા એવી હોય કે જોતાં જ અંજાઈ જવાય. મુંબઈના કાશી કહેવાતા વિલેપાર્લેમાં વિદ્યા-વિનય-વિવેક નામની સોસાયટીનું નામ કદાચ કનુભાઇ-સુશીલાબહેન જેવાં સૌહાર્દપૂર્ણ યુગલના સૌજન્યપૂર્ણ વ્યવહાર પરથી જ પડ્યું હોવું જોઈએ. વિદ્યા-વિનય-વિવેકનો ત્રિવેણી સંગમ જેમનામાં છે એ લેખક-કવિ-સાહિત્યકાર કનુભાઈ સૂચકનું નામ સાહિત્ય પ્રેમી મુંબઇગરા માટે અજાણ્યું નથી. ગુજરાતી ભાષા બચાવોની બૂમરેંગ કરવાને બદલે મૂકપણે તેઓ સાહિત્યની ધૂણી ધખાવીને અલગારી ફકીરની જેમ વર્ષોથી સાહિત્યની સેવા કર્યે જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘સાહિત્ય સંસદ-સાંતાક્રુઝ’ નામની સંસ્થા દ્વારા સાહિત્ય સરવાણી જેમણે શરૂ કરી હતી, એ રામપ્રસાદ બક્ષીનો વારસો અત્યારે કનુભાઈ સંભાળી રહ્યા છે. દર ગુરુવારે ગુજરાતી સાહિત્યની બેઠક યોજીને, નવોદિત-વરિષ્ઠ સાહિત્યકારો-કવિઓને નિમંત્રીને શુદ્ધ સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. કનુભાઇ આમ તો વ્યવસાયે આર્કિટેક્ટ. ‘શિલ્પ સમીપે’ નામનું રસપ્રદ પુસ્તક તેમણે લખ્યું છે, પરંતુ જીવ કવિનો ય ખરો. એમની ઉત્તમ કવિતાઓના સંગ્રહ ‘ખોજ’ તથા ‘સૂરનો કલરવ’ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કનુભાઈ સરસ ગાઈ શકે છે એ કદાચ ઘણાને ખબર નહીં હોય! આ ગીત એમના જ કંઠે સાંભળવું એ લહાવો છે. કનુભાઇ એકાદ પંક્તિ ભૂલી જાય તો એમનાં સુસંસ્કૃત (કારણ કે એમણે ૬૫ વર્ષની વયે સંસ્કૃત વિષયમાં પીએચ.ડી. કર્યું છે) પત્ની સુશીલાબહેન તરત યાદ કરાવે અને પછી બન્ને સજોડે સૂરના કલરવમાં ડૂબી જાય.
આ ગીત જેમણે સ્વરબદ્ધ કર્યું છે એ સંગીતકાર મોહન બલસારાનો પરિચય કનુભાઇ સૂચકને ઘરે જ થયો હતો. એમનું નિરાભિમાન અને સાદગી સ્પર્શી ગયેલાં. સાક્ષાત્ સંસ્કારમૂર્તિ લાગે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ઘેલછા કે પૈસાની લાલસા વિના વર્ષો સુધી સુગમ સંગીતના વર્ગો લીધા હતા અને જિંદગીમાં ક્યારે ય ગાયું ન હોય એવી બહેનોને ગાતી કરી એ એમની સૌથી મોટી સિદ્ધિ. એમની ગેરહયાતિમાં આજે ય એ બહેનો મોહનભાઈનું ઋણ યાદ કરે છે. તેઓ વાયોલીન ખૂબ સારું વગાડતા. લતા મંગેશકરથી લઈને કેટલા ય કલાકારો સાથે એમણે વાયોલીન સંગત કરી હતી. એ વખતના રણજિત સ્ટુડિયોમાં મ્યુઝિશયન તરીકે એક માત્ર મોહનભાઈ હતા. મોહનભાઈએ મકરંદ દવે, રમેશ પારેખ, હરીન્દ્ર દવે, મહેશ શાહ, મેઘબિન્દુ તથા કનુભાઈ સૂચક સહિત ઘણા કવિઓનાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે, પરંતુ સૂરનો કલરવ એમને પોતાને પણ અંગત રીતે ખૂબ ગમતું હતું કારણ કે પ્રકૃતિ અને પરમાત્માનું અજબ જોડાણ તેઓ આ ગીતમાં અનુભવતા હતા.
કનુભાઇ સૂચક આ ગીત વિશે કહે છે કે, "ગીત એક સવારે અચાનક પાંચ જ મિનિટમાં લખાઈ ગયું હતું. મારી દ્રષ્ટિએ પ્રકૃતિ અને પ્રભુ ભિન્ન નથી. એ જ વાત આમાં છે. નવમા ધોરણથી હું કવિતા લખતો. ગુલાબદાસ બ્રોકર તથા જશવંત મહેતાએ આગ્રહ અને યોગ્ય સૂચનો ન કર્યાં હોત તો કદાચ ક્યારે ય કાવ્યસંગ્રહ બહાર ન પાડ્યા હોત. હવે જો કે કવિતા સૂકાઈ ગઈ છે. ઉંમર થતા લોજિકલ વધારે થતાં જઈએ અને ઈમોશન્સ ઓછાં થતાં જાય એમ પણ બને. પણ, કવિતાનો પ્રકાર મને ખૂબ ગમે છે. આખા ગીતમાં ફિલોસોફી છે, છતાં એ પ્રકૃતિ ગીત લાગે છે. સુષુપ્તાવસ્થામાં હોઈએ ત્યારે આપણને કોઈ ઢંઢોળી નથી જગાડતું પણ હળવે હાથે જગાડે છે. આ જાગૃત કરવાનું કામ ઈશ્વર સિવાય કોણ કરે? માણસ ગમે તેટલો તાર્કિક હોય પણ એના મનમાં એ કુતૂહલ તો છે જ કે આખી દુનિયા કોણ ચલાવે છે. આ કુતૂહલ આ ગીતમાં વ્યક્ત થયું છે. અમારા હિમાલય પ્રવાસ દરમ્યાન આવી જ પંક્તિ મને સૂઝી હતી ;
પળની ઝાલર મધ્ય રણકતા કોના આ ધબકાર,
લીલી ચાદર ઓઢી પ્રહરી, ઊભા અંતરિયાળ,
અમે તો આવ્યા હરિને દ્વાર …!
સૂરનો કલરવ ગીત સાંભળવાની તક મેળવી લેજો. સીડીમાં રવીન્દ્ર સાઠેના અવાજમાં રેકોર્ડ થયું છે. ગીતના સ્વરનો ગુંજારવ મન-હૃદયને જરૂર પરિતૃપ્ત કરશે.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 ફેબ્રુઆરી 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=622367
————————