Opinion Magazine
Number of visits: 9965756
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોગસ યુનિવર્સિટીઝઃ શિક્ષણ તંત્રનાં પરિવર્તનો ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવા ન હોવાં જોઇએ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 October 2020

જ્યાં સારુ છે તે પોસાય એવું નથી અને જે પોસાઇ શકે છે ત્યાં તંત્ર રેઢિયાળ છે અને પછી ડિગ્રીની લાલચે જે હોય એ ચલાવી લેવાય છે

ગણતરીના દિવસો પહેલાં ‘યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન’ એટલે કે યુ’જી’સી'(UGC)એ દેશમાં ફૅક એટલે કે બોગસ યુનિવર્સિટીઝનું લિસ્ટ બહાર પાડ્યું. આમ તો આ દર વર્ષે અનુસરાતી પ્રેક્ટિસ છે, અને મજાની વાત છે કે દર વર્ષે પંદરથી ત્રીસ વચ્ચેના આંકડે પહોંચે એટલી ફૅક યુનિવર્સિટીઝનાં નામ આ યાદીમાં જાહેર થતાં જ હોય છે; છતાં ય આ લિસ્ટમાં આંકડા ઓછા થાય કે ફૅક યુનિવર્સિટીઝના ગોરખધંધા બંધ થાય એવું કંઇ થતું નથી. યુ.જી.સી.એ જાહેર કરેલી આ બોગસ યુનિવર્સિટીઝ કોઇપણ પ્રકારની ડિગ્રી આપવાને લાયક નથી અને તેમણે અત્યાર સુધીમાં આપેલી એકેય ડિગ્રીઓને કે સર્ટિફિકેટ્સને માન્ય નહીં રખાય. ગયા વર્ષે પણ યુજીસીએ આ રીતે યાદી જાહેર કરી હતી. આ યાદીની જાહેરાત પછી એક અહેવાલમાં આવી જ એક યુનિવર્સિટીના ગોરખધંધાનો ભોગ બનેલા એક વિદ્યાર્થીએ પોતાની વ્યથા જાહેર કરી હતી.

દિલ્હીના કોઇ ગીચ વિસ્તારના જૂના બિલ્ડિંગમાં બીજા માળે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સોલ્યુશન્સ, નિમ્સ કે એન.આઇ.એમ.એસ.ના નામે જાણીતી સંસ્થા કે જે પોતાની યુનિવર્સિટીની ટોપી માથે પહેરાવતી હતી, ત્યાંથી આ વિદ્યાર્થીએ ડિગ્રી લીધી હતી. અહીંથી બી.બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી આ વિદ્યાર્થીએ જ્યારે એમ.બી.એ. કરવા માટે અરજીઓ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેની બેચલર્સની ડિગ્રી તો સરકાર દ્વારા માન્ય જ નથી ગણાતી, તેનું બી.બી.એ.નું સર્ટિફિકેટ વૅલિડ નથી.

કોઇપણ રીતે અધિકૃત ન હોવા છતાં આવી ઇન્સ્ટિટ્યૂટ્સ બિલાડીનાં ટોપની માફક ફૂટી નીકળે છે અને પછી અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ ઑફર કરે છે, ને તે પણ એન્જિનિયરીંગ અને મેનેજમેન્ટ જેવા વિષયોમાં. ઓનલાઇન અને ડિસ્ટન્સ એજ્યુકેશનની પદ્ધતિથી આ બધું ચાલ્યા કરે છે. નિમ્સ યુનિવર્સિટીને ગયા વર્ષે ઑક્ટોબરમાં બોગસ જાહેર કરાઇ હતી, તે 1998થી ચાલતી હતી. આ વર્ષે જે 24 યુનિવર્સિટીઝને યુ.જી.સી.એ બોગસ ગણાવી છે, તેમાંથી મોટાભાગની દિલ્હી અને ઉત્તર પ્રદેશની છે. આ બધી યુનિવર્સિટીઝ બોગસ છે, એવું ઘણીવાર તો તેમના નામ માત્રથી જ કળી શકાય છે, જુઓ કેટલાક સેમ્પલ;  કોમર્શિયલ યુનિવર્સિટીઝ, યુનાટેડ નેશન્સ યુનિવર્સિટીઝ, આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય, રાજા અરાબિક યુનિવર્સિટી, ગાંધી હિંદી વિદ્યાપીઠ,  શ્રી બોધી એકેડેમી ઑફ હાયર એજ્યુકેશન, વગેરે.

મોટા ભાગની આ ફૅક યુનિવર્સિટી જે યુ.જી.સી.ના લિસ્ટમાં હોય છે, તે તેમના ઓરિજિનલ સરનામેથી ક્યારે ય ઑપરેટ નથી કરતી. જે સરનામું નોંધાયેલું હોય છે ત્યાં યુનિવર્સિટીને નામે કશું જ નથી હોતું. આવી ફૅક યુનિવર્સિટીઝની યાદી યુ.જી.સી. દ્વારા મેન્ટેઇન કરવામાં આવે છે. જો કે યુ.જી.સી.ના અધિકારીઓનું માનવું છે કે જે સરનામે આ ચાલતી હોય છે ત્યાં પહોંચીને તે બંધ કરાવી દેવાય પછી એવું નથી હોતું કે તે સદંતર બંધ થઇ જ જાય છે. ગોરખધંધા કરનારાઓમાંથી અમુક એક વાર પકડાયા પછી પણ નાના શહેરોમાં રહેનારા તથા ગીચ વિસ્તારોમાં વસનારા નિમ્ન મધ્યમ વર્ગનાં લોકોને છેતરવા માટે નવું સરનામું શોધી કાઢતા હોય છે. એક રિપોર્ટ અનુસાર ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એ.આઇ.સી.ટી.ઇ.) પાસે આવી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ્સની વધુ મોટી યાદી હોય છે જેમાં ટેક્નિકલ એજ્યુકેશન રેગ્યુલેટરની માન્યતા વિના બેફામ કોઇ પણ કોર્સિઝ ચાલતા હોય છે.  દેશ આખામાં અઢીસોથી વધારે આવી ઇન્સ્ટિટ્યૂટ્સ છે, અને એમાંથી પચાસથી વધારે તો દિલ્હીના કોઇ ગીચ વિસ્તારમાંથી ચાલી રહી છે.

યુ.જી.સી. અને એ.આઇ.સી.ટી.ઇ. ધારે તો ય આ તમામને ઝડપી પાડવા તેમને માટે મુશ્કેલ થઇ જાય કારણ કે તેઓ કોઇ ભળતી જ જગ્યાએથી ઑપરેટ કરતાં હોય છે. દિલ્હી આપણું પાટનગર જ્યાંથી યુ.જી.સી. અને એ.આઇ.સી.ટી.ઇ.નો બધો વહીવટ ચાલે છે. ઉત્તર પ્રદેશમાં પણ ફૅક સંસ્થાનોની ખોટ નથી અને એમાં પાછી યુનિવર્સિટીઝ તો જુદી. તમને આઇ.આઇ.પી.એમ.-વાળો અરિંદમ ચૌધરી પણ યાદ હશે. તે પોતાની સંસ્થાને આઇ.આઇ.એમ.ની સાથે સરખાવતો અને પૂરા સ્વૅગ સાથે તેણે જાહેર લેક્ચર્સ આપ્યા છે, લોકોને ઇન્ટરવ્યુઝ આપ્યા છે અને સેલેબ્રિટી સ્ટેટસ ભોગવ્યું છે. 1973માં દિલ્હીમાં શરૂ થયેલી આ સંસ્થાના અરિંદમ ચૌધરીને છેતરપિંડીના ગુના હેઠળ માર્ચમાં જ અરેસ્ટ કરવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીની ઘણી બધી પોલ બહાર આવી હતી પણ છતાં ય પોતાની વિરુદ્ધમાં સમાચાર ન આવે, એ માટે પૈસા ખર્ચીને પણ અહીં ઘણું ‘મેનેજ’ કરવામાં આવ્યું છે.

ટેક્નિકલ ઇન્સ્ટિટ્યુટ્સનાં પ્રોગ્રામને નામંજૂર કરવા સિવાય સરકારી સંસ્થાઓ પણ બીજું કંઇ કરી નથી શકતી. આવા ગોરખધંધા ચાલતા હોવા છતાં કેન્દ્ર સરકારના શૈક્ષણિક તંત્ર દ્વારા કોઇ આકરાં પગલાં નથી લઇ શકાતાં. અરિંદમ ચૌધરી સામે જે થયું તે એક અપવાદ હતો જ્યારે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ અને તેની ધરપકડ કરાઇ. આ ઘટના પછી એવા કિસ્સાઓ પણ બહાર આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થી જેણે આઇ.આઇ.પી.એમ.માંથી ડિગ્રી લીધી હોય તેને નોકરીમાંથી પાણીચું આપા દેવાની વાત થઇ હતી. ડિગ્રી જ બોગસ હોય તેને કોણ કામે રાખે ભલા પણ અમુક કિસ્સાઓમા કંપનીએ વાટાઘાટો કર્યા બાદ આઇ.આઇ.પી.એમ.ની ડિગ્રી ધરાવનારા વિદ્યાર્થીઓને નોકરીમાંથી કાઢી નહોતા મૂક્યા. જો કે એવું નથી કે યુનિયન ગવર્મેન્ટ યુ.જી.સી.ને પૂરતી સત્તા આપવાનો પ્રયાસ નથી કરી રહી. આ અંગે એક કલમ પસાર કરાવની પહેલ પણ થઇ હતી પણ કમનસીબે તેમાં સફળતા ન મળી, એચ.આર.ડી. મિનિસ્ટ્રીના પ્રયાસને પણ સંસદમાં ટેકો ન મળ્યો. આ ફૅક યુનિવર્સિટીઝની દુકાનો ચાલે છે તેમાં માત્ર એક હાથે તાળી નથી વાગી રહી, એમ નથી કે સરકાર તરફથી યુ.જી.સી.ને પૂરતી સત્તા નથી અપાતી એટલે જ આમ ચાલે છે, પણ નાના શહેરોમાં ચાલતી નાની ટેક્નિકલ કંપનીઓને આવી ફાલતુ અને બોગસ સંસ્થામાંથી ભણીને આવેલા વિદ્યાર્થીઓ સામે કોઇ જ વાંધો નથી કારણ કે તેમને તો કામ સાથે મતલબ છે ડિગ્રી સામે નહીં. બીજી બાજુ સારી સંસ્થાઓમાં ફીઝ બહુ છે, બેઠકોનાં વાંધા છે એટલે નાનાં શહેરો-ગામડાંઓનાં વિદ્યાર્થીઓને પણ આ બોગસ ડિગ્રી આપતી સંસ્થાઓમાં એડમિશન મળે તો કરિયર બની જશેની લાગણી થઇ આવે છે. અહીં જે સારું છે તેનો વિસ્તાર અને તેની ઉપલબ્ધતા પણ એટલી જ જરૂરી છે, જેટલું જરૂરી છે બોગસને સાણસામાં લઇ હંમેશાં માટે બંધ કરી દેવાં.

બાય ધી વેઃ

માત્ર ભારતમાં જ આવી સમસ્યાઓ છે તેમ નથી. એક દાયકા પહેલાં યુ.કે.ની બોગસ યુનિવર્સિટીઝના કિસ્સા પણ બહુ જ ચાલ્યા હતા. મુદ્દો એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં જ ઘણી ખામીઓ છે. સરકારી સ્કૂલોથી જે ચાલતું આવે છે તે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચેલો વેઠિયાવાડો છે. જ્યાં સારુ છે તે પોસાય એવું નથી અને જે પોસાઇ શકે છે ત્યાં તંત્ર રેઢિયાળ છે અને પછી ડિગ્રીની લાલચે જે હોય એ ચલાવી લેવાય છે. શિક્ષણ નીતિમાં પરિવર્તન જરૂરી હોઇ શકે છે, પણ જે છે એને સુધારવી અને સવલતો એ રીતે ખડી કરવી કે તરવરતા જુવાનિયાઓને યોગ્ય માર્ગદર્શન મળે ને તેઓ છેતરાઇ જતાં બચે, એ પણ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઑક્ટોબર 2020

Loading

ગરીબ

નારણ મકવાણા|Poetry|11 October 2020

કોરોના કવિતા

ગરીબ છીએ
નીચ જાતિના,
જાતિ ના પૂછો તો સારું,
ગરીબોની કોઈ જાતિ નથી હોતી,
અમારા પૂર્વજો પણ ગરીબ હતા ..
બનાવેલાં મજૂરો હતાં,
ને અમે પણ … અમે પણ …. છીએ …

જરુરિયાત પ્રમાણે અમે પેદાં કરીએ છીએ
જરૂરિયાત મુજબનાં ગરીબો
એ પણ બનવાનાં મજૂરો
તમારી જરૂરિયાત પ્રમાણેનાં
થોકબંધ મળી જશે
છૂટકમાં મળી જશે
કરો ફાવે તેમ ઉપયોગ ને ઉપભોગ
મોકળું આકાશ છે મૂડીવાદીઓ,
ઉપયોગ ને ઉપભોગમાં લીધા પછી
ફેંકી દેજો અમને રસ્તા પર … મરવા માટે ..
યુઝ એન્ડ થ્રો નીતિ છે કાયમ તમારી,

લોકડાઉનનો અજગર છે ને ભૂખનો ભરડો છે.
કોરોનાને લીધે નુકસાન થયું છે,
થોડું તમારું ઝાઝું અમારું ..
પૈસાનું, માલસામાનનું, જીવોનું .. ઈચ્છાઓનું ..
માનસિક ત્રાસનું પલ્લું સૌથી ભારે,
માનવાધિકારમાં પણ અરજી કરવી પડે!!
મીડિયાના વીડિયો શું કાફી નથી?
રિપોર્ટરો શું ખાલી બનાવે છે રિપોર્ટ,
દેશ આમને આમ ખાડે ગયો છે,
શું આંકડાકીય માહિતી હંમેશાં સાચી હોય છે? બસ તમને અનુકૂળ આવવી જોઈએ,

ગરીબ કી જોરુ સબકી ભાભી ..
ક્યાં જઈએ?? ઘર વાપસી .. દૂર તો દૂર .. જઈશું,
ચલતે ચલતે હમારી યે બાત યાદ રખના ..
સૈલાબ આયેગા, સબ મિટ જાયેગા …
કુછ કામ નહીં આયેગા, 
સત્તાધીશો વોટ માંગજો હવે, વચનો આપજો હવે, તમને નહીં છોડીએ … કોઈ પણ ભોગે,
અમારા ઉપવાસ ગાંધીજી કરતાં આકરાં છે,
વિરોધ કરીએ તો લાઠીચાર્જ કરાવો છો,
ચૂપ રહીએ તો ભૂખે મારો છો,
કહો, અમને આઝાદી ક્યારે મળશે?
અમે ભૂખ્યાં તરસ્યાં લાચાર છીએ,
કોણ અમને બચાવશે?
છે કોઈ???

************

Gujarati Dalit Poetry in English Translation by Dr. G.K.Vankar

‌‌The Poor

Naran Makwana

Poor,
Of low caste we are.
Please do not ask the caste.
The poor have no caste.
Our ancestors, too, were poor.
Made labourers.
And we, too, are.

We reproduce labourers as per your need
The poor as per your need.
They, too, will become labourers.
As per your need
You will get wholesale
Or retail
Use them as you like
The sky is the limit
O capitalists.
After use 
You throw us on the road
To die.
Your motto is always
Use and throw.

The Python of lockdown is
A clutch of hunger.
With lockdown you had some loss
But more of us.
Money, lives and desires.
The mental agony is high.
In the human rights we have to complain.
The video in the media are not enough?
Do the news reporters show fake?
The country has gone to dogs.
Is the statistics right?
Yes, if it suits you.
Might is right.
where to go?
Return to home?
It is so far.
Even then we will go.
We go, but remember what we say,
There will be a great flood,
It will drown all,
Nothing will rescue you.
O in power,
Ask for votes in future,
Give us promises,
We won't spare you.
Our fasts are more austere
Than those of Gandhi.
If we oppose, you lathi charge us,
If we remain silent, you leave us to drive hungry.
Tell us when we will have freedom?
We are hungry, thirsty and helpless.
Who will save us?
Is there anyone?

e.mail : naranmakwana20@gmail.com

Loading

રામ જાણે!

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|10 October 2020

બાજરીના લીલા પીળા ખેતમાં 
ઊગ્યો કેવો આ
કેવો તે લાલ લાલ ફાલ
રામ જાણે!

નીચી નમીને હું તો
વીણતી'તી ઘાસ લીલું
મા ને સહેલીઓ સંગાથ
એ ઘાસ પાસે હોવી જોઈએ 
દાતરડાં જેવી કોઈ મૂંગી
પણ તેજ તેજ ધાર
નહિ તો ઊભે ઊભી મને
કોણે વાઢી ખાય ખચાખચ
જોંયુ ના કોઈએ લગાર
રામ જાણે!

પાછળથી આવી
દીધો ટૂંપો ગળામાં
બાંધી કચકચ ગુલાબી આકાશ
આંખોમાં ઉતાર્યાં ભર બપ્પોરે અંધારાં
રૂંવે રૂંવે નિતાર્યા વીંછીના ડંખ
શું વાડના કાંટાળાં થોરિયાએ
ચૂસી લીધો છોકરીનો પ્રાણ?
ના અવાજ, ના ચીસ
ચૂપચાપ શેના જોઈ રહ્યા ત્યારે
બાજરીના સોનેરી ખેત સૂમસામ?
રામ જાણે!

હોત માણહની જાત તો ભાળી યે હોત
કદાચ મારા નીચલા તે વરણની વાસ
સૂંઘીને બસ મેલી દીધી ય હોત આઘી
મારી ચામડીની મેલી શી ભાત
પણ વાઘ વરુને મન
તે ભેદ વળી કેવા
એકસરખી હશે ઘેલી કરતી જનાવરને 
બધા ય વરણની છોડિયુંની
કાચી તૂરી એક વાસ
રામ જાણે!

કાં પછી લાહ્ય લઇ પેટમાં
ઉતાર્યા હો' ખેતરને છેવાડે
ભૂખાળવાં તીડનાં ઝૂંડના ઝૂંડ
બદલે કંઈ રંગ
બદલે કંઈ રૂપ
બદલે નહિ ભૂખના સ્વરૂપ
ક્યાંથી આવીને ત્રાટક્યા
આ નિર્લજ્જો
હોઠના મરોડમાં ખીલેલાં ફૂલોમાં
ગાલોના ખંજનમાં
આંખોંમાં, હૈયામાં,
કૂમળી હથેળીની
બાંધી મુઠ્ઠીમાં સંઘરેલા 
બાજરીનાં બીજ  જેવાં
સપનામાં  કરતાં રંજાડ?
રામ જાણે!

ઊંચકે ના માથું
મરડી નાખો ડોક એની
લવલવતી જીભ લેજો કાપી
પગની વચાળે દામ એવો દેજો
કે પછી ફરકે ના એકેય રૂંવાટી
બચ્યાકુચ્યાં હાડકાંને ભડભડ બાળી
દીધી એની રાખોડી યાદને ય ધરબી
ને તો ય ….
લીલાં આ બાજરીના ખેતરની વચોવચ 
આ લાશ કોની ગુલાબી તરતી?  
રામ જાણે 

°°°°°°°

Only lord Ram would know! 

The light green and yellow
Fields of millet
What red crop they hold?
Only lord Ram would know!

I bent down in the farm
to pull out green weeds
mother was around
friends were laughing
When the grass slashed
my thighs.
Must be the grass
with an edge as sharp
and quiet as a sickle
Who else could have
cut me alive as I stood?
Why no one was there to see?
Only lord Ram would know!

Came from behind
And strangled me
With a pink strip of the sky
Dark descended into my eyes
stings of scorpions in every pore
Was that the cacti at the edge of the field
that sucked the life out of me?
Why then would the golden fields
stand there and watch in silence
not a sound or a scream?
Only lord Ram would know!

If it were a human, I know,
things would have been different
Perhaps, they would have known
the lowly smell of my caste
Would have smelt and left aside
I guess, this dirty skin of mine
But what difference is a caste
to tigers and wolves
The scent that drives
all animals mad
must be the scent of a woman.
Raw, bitter, young and wild
of all castes and creeds.
Only lord Ram would know!

Or it could have been
A swarm of short-horned
Ravenous desert locusts
descending on that corner of the field
Colours changed
Forms changed
The hunger remained the same
From where did they come
these shameless ones?
Who ravaged and plundered the fields,
the flowers on her lips
the sun in her eyes
her blossoming blue heart
the secrets she didn’t part
and millet coloured seeds
of a dream,
she hid in her fist?
Only lord Ram would know!

Wring her neck
rest she lifts her head
Chop her rebellious tongue
Give her such a wound
between her thighs
she becomes forever numb
Burn her leftover broken bones
bury the grey powdered
memories deep.

But then again
Whose body is afloat
in the middle of green millet fields?
Only lord Ram would know!

                                              — Pratishtha Pandya

e.mail : pratishtha74@gmail.com

Loading

...102030...2,2522,2532,2542,255...2,2602,2702,280...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved